Thursday, 16 November 2017

વારતા શિબિર ૧ (અમદાવાદ) : છાયા ઉપાધ્યાયનું વર્ઝન


અમદાવાદ વારતા શિબિર-૧ : ૧૨ નવેમ્બર ૧૭, સ્ક્રેપયાર્ડ, પાલડી.- [છાયા ઉપાધ્યાય]


વાર્તા શિબિર પછી આ લખવાનું શરુ કરતાં જ પ્રશ્ન થયોઅહેવાલમાં આવું લખાય? કેવું લખાયઅહેવાલ લેખનના વર્ષોના અનુભવ પછી આ પ્રશ્ન ઉઠવાનું કારણ તે શિબિર દરમ્યાન થયેલ ચર્ચા, જેમાં નવલિકા,નવલકથા, સમાચાર અને અહેવાલ સુધીના લેખન પ્રકાર સરખામણી માટે આવી ગયા હતા.

  હું સ્ક્રેપયાર્ડ પહોંચી ત્યારે મેદાન ખાલી. જગ્યા સરસ. નાનકડું ઓપન એર થીએટર અને તેની છત હતી લીમડાની ઘેઘૂર શાખાઓ. વ્રજેશ દવે  આવ્યા ત્યારે પોણા બાર થયા હતા. તેમણે મને નામ દઇને બોલાવી એટલે મને નવાઈ લાગી. તેઓ કઇ રીતે મારા પરિચયમાં   છે તેની માનસિક એફ્બી તપાસ તેમજ કેટલીક સંભાવનાઓમાં મન ગુંથાયુ. કેટલીક મિનિટ પછી રાજુ પટેલ બીજા કેટલાક મિત્રો સાથે આવી પહોંચ્યા.
 પહેલું સેશન પરીચયનું રાખ્યું. અમરેલીથી માંડી ભરુચથી  શિબિરાર્થી આવેલા. મોટાભાગનાને વાર્તા લખવાનુ શીખવું હતું. સહભાગીઓમાં ગઝલકાર, ફિલ્મકાર,પત્રકાર, વાર્તાકાર પણ હતા.સામાન્યત:, શિક્ષણ સંસ્થાઓ સિવાય કળાના ક્ષેત્રે અભ્યાસનું ચલણ આપણે ત્યાં નથી. અભ્યાસ કરવાની આળસને કારણે  આપણે કળાની આવડત માટે પ્રેરણા જેવા ગેબી કારણો નિપજાવી લીધાં છે. તેવામાં આટલા લોકો શિખવા આવે, દુર દુરથી એ ગુર્જરીદેવીને ગદ્ ગદ્ કરી ના દે તો જ નવાઈશિબિરાર્થી તરીકે મારો હેતુ હતો વાર્તા લેખનનો કળા તરીકે અભ્યાસ.
રાજુ પટેલે પહેલા અડધા કલાકમાં ઉપરોક્ત ગેબી  ભ્રમણા દૂર કરવાનું કર્યું. આપણે જે ભૂલી ગયા છીએતે જીવનકળામાં રસ કે અર્થ ભરવાના અને તે રીતે મજા કરવાના ઉપક્રમ તરીકે  કળા અને અહીં વાર્તા છે એમ તેમણે કહ્યું. કુટુંબ -સમાજ કઇ રીતે કળાકારને ખતમ કરવાનુ કામ કરે છે તે વિગતનું પુનરાવર્તન કરીને તેમણે ઉમેર્યું કે તે સંજોગોમાં પ્રોત્સાહન કેટલું જરુરી છેવળી,વાહિયાત લખાણને મળતા  પ્રિન્ટીંગ પ્લેસ અને વાહવાહીના સમયમાં ક્રિટીકલ પ્રોત્સાહન કેટલું જરુરી છે તે વાત તેમણે મુકી. દરમ્યાન, મયુરિકા અને બીજા કેટલાક સહભાગી તરફથીઆપણા ગૃપમાં એ જ તો થાય છેપ્રકારના હોંકારા આવ્યા. મને  “આઉટસાઇડરજેવું લાગી આવ્યું. શિબિરાર્થીઓ એકબીજાને ઓળખતા હતા. મને પણ. કેવી રીતે? શું તેમાં રાજુની દિવાલ કારણ છે  કે કોઈ ભેદી જુથ  કે પછી  મારી જાણ બહાર હું આટલી વિખ્યાત છું? હું ગણીને પાંચ મોટા નામધારીઓને ઓળખતી હતી. “આ બીના પરથી તો એક વાર્તા થાય.” એવો ઉમંગ તે ટાણે ના ઉછળ્યો કેમકે હું સસ્પેન્સ સ્ટોરીના શંકાસ્પદ પાત્ર જેવી બની ગઇ હતી.
   


દરમ્યાનમિત્રો ઉમેરાઇ રહ્યા હતા.
આગળ કયું ચેપ્ટર ભણવું તે માટે બે ઓપ્શન પેશ થયા.)વાર્તા પઠન અને તેનું વિશ્લેષણ ૨)પ્રશ્નોત્તર. કેટલાક બુદ્ધ(મધ્યમ)માર્ગીઓએ કહ્યું, બેય થવા દો. મોટા ભાગના સહેલા લાગતા વિકલ્પ તરફ વળ્યા. છેવટેવાર્તા પઠન અને તેના પર ચર્ચા કરવાનું ઠેરવ્યું. નિલેશ રુપાપરાનીગોલ્ડન રુલ" આશિષ કક્કડ અને મુંબઇથી ખાસ પધારેલા યુવાન મિત્રનીરજ કંસારાએ વારાફરતી વાંચી. વાંચન પછીના ઘડીક સન્નાટા પછી હળવેથી ટિપ્પણીની શરૂઆત થઈ જેણે આગળ જતાં ચર્ચાનું સ્વરુપ પકડ્યું. “મને આમ લાગે છેથી માંડી મેહુલ મંગુબેનના ચોક્કસ શબ્દ માટેના વિરોધ સુધી બાત ગયી. ધર્મના ઝગડાની વાત લગભગ બધાએ નોંધી. અહીં મિત્રો-તેમના દિકરાઓ-ગલ્લાવાળો કોને ઇંગિત કરે છે? મને લાગ્યું કે હિંસાના પડની વાત છે . કેટલાક મિત્રોને લાગ્યું કે માણસમાં સંતાયેલ પશુતા અહી સૂચિત છે. તો કેટલાકે ઉમેર્યું કે રેલો પોતાના તળે આવે ત્યારે વર્તન બદલાય છે. સારા માસ્તરની જેમ રાજુ એ સમેટ્યું, “ કોઇ પણ લેખક ઇચ્છે તે આ ચર્ચા.” વારું, દરમ્યાન મન્ટો અને તેની વાર્તાઓની વાત કેટલીક મિનીટો સુધી આરતીની જેમ પ્રવેશી ગઇ હતીપા પા પગલી કરનારને શિખરના દર્શન કરાવવા જેવી એ ઘટના શિબિરાર્થીના લાભાર્થે ટુંકમાં સમેટી લેવાઇ.
                                               આ પછી પ્રશ્નોત્તરનો દૌર શરું કરાવાનું ઠેરવાયું. નબળી કે વાર્તા જ ના કહેવાય એવી વારતાઓના સંદર્ભે બે બાબત મારા માટે મગજ ઉઘાડનારી બની.   એક રાજુ પટેલનું વિધાન કેએમનું પણ [ વ્યવસાયિક લેખનનું]  સાહિત્યમાં પ્રદાન છે.” અને સંકેતની રજૂઆત કેચેતન ભગત વાચનારો ક્યારેક જેને સાહિત્ય કહીએ છીએ તે વાંચવા જેટલો ઉચકાશે-પ્રેરિત થશે. સંકેતના આ ફિલરને ખુબ ખુબ વધાવી આશિષ અને રાજુએ પૂરણમાં ઉમેરણ કરી વાત વધુ મીઠી બનાવી. અલબત્, સ્વાદાનુસાર. તેમણે ઉમેર્યું કે સામાન્ય વ્યક્તિ સીધા મધુ રાય કે બક્ષી ના વાંચી શકે પણ  સાદી -સરળલેયર વગરની વાર્તા વાંચી શકેતે અનુભવ પરથી ક્યારેક તે જ વાચક શશ્રેષ્ઠ વાર્તા સુધી  પહોંચે.   પ્રકારની ચર્ચા વચ્ચેનાસ્તામાં શું લઇશું?” જેવા લોકપ્રિય પ્રશ્નને પણ સ્થાન મળ્યુંત્રણ ત્રણ તો ઓપ્શન અપાયા. પણ, આ રસઝરતા વિષયનું ફિડલું આશિષે બે મિનીટમાં વાળી દીધું . તે ફિડલા મુજબનું ગાંઠે બંધાવા સુનિલે કોઇક સ્થળે પ્રયાણ કર્યું અને અહીં ચર્ચા આગળ વધી.
રાજુએ  અગાઉ કહ્યું કે પ્રેરણા જેવું કંઇ હોતું નથી ને પછી ક્વોટ કરે કેપહેલી લીટી હું લખુ છું ને બાકીની વાર્તા પહેલી લીટી લખાવે છે.” પાત્રો લેખક પર હાવી થઇ જાય તે પણ તેમણે કહ્યું. કહ્યું કે વાર્તા લખવુ્ તે પ્રેમ કરવા જેવું છે. તેમની વાતના બે છેડા, ભલે એક જ ફિરકીના હોય, દૂર જણાતાં devil's advocate મેહુલ બોલ્યા કે આ વાત કોન્ટ્રાડિક્ટરી છેબાકીનો સંસ્કારી સમુદાય શિષ્યભાવે ગ્રહણની મુદ્રામાં મૂર્છિત જણાંતાં મેહુલે આવું કહ્યાનો શક સળવળે છે. નાસ્તો આવ્યો અને હું સ્ત્રી સમુદાય સાથે બેસી ત્યારે વાતચીતમાં પેલા રહસ્ય પરથી પડદો ઉંચકાયો કે બધા એકબીજાને અને મને કેમ ઓળખે છેતે પછી હું આ જુથની સભ્ય બની.
                                                 નાસ્તા દરમ્યાન અટકેલ ચર્ચા મયુરિકાના પ્રશ્ન સાથે આગળ વધી. રાજુના જવાબ એવા હતા જાણે ત્રણ માળ ઊંચે બંધાયેલ મંડપ. છાંયડો આપે, નજીક  લાગે, ડિઝાઇન  દેખાય પણ, છાપ છે કે હાથભરત તે ના કળાય. પ્રશ્ન હતોવાર્તાનું બંધારણ કેવું હોય?. રાજુના જવાબને હાથ વગો કરવા આશિષ મેદાનમાં ઉતર્યા અને માળખાની રુપરેખા આપી. કહી શકાય કે કશુંક tangible -મૂર્ત ચીજ ધરી. તે પછી મારે પ્રશ્ન હતો કેવાર્તામાં ઘટના જોઇએ જ કે તેના વગર ચાલે?” સરુપ ધૃવ તેમજ બીજા કેટલાક વાર્તાકારની ચોક્કસ વાર્તાઓના ઉદાહરણ આપી રાજુ, આશિષ અને નીરજ કંસારાએ   મને બતાવ્યું કે ઘટના વગર કશુંક ઘટીત થતું હોય એવું ય હોય. અગાઉ એક પ્રશ્ન એવો પણ આવેલો કે શું વાર્તામાં લેયર જોઇએ જજવાબ હતો: ફરજીયાત નથી પણ હોય તો તેનાથી વાર્તા વાર્તા બને છેઆને મળતી આવતી વાત રાજુએ નાસ્તા પહેલાના  સેશનમાં કહી હતી : “ દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લીજીએ,બસ ઇક બાર મેરા કહા માન લીજીએમાં શું કહેલું માનવાનું છે  તે નક્કી નથી અને એટલે શ્રોતા-વાચકને તે શેરમાં પોતાનો અર્થ લઇ પ્રવેશવાની જગ્યા ઊભી થાય છે. કલાના પીસમાં ભાવકને પ્રવેશ આપતી સ્પેસ હોવી જોઇએ.                             આ પછી રાજુએ એક ટાસ્ક કરાવ્યું જે અનુભવ કરાવે કે વાર્તાકારે કેવી ભૂમિકા કરવાની છે. જોડીમાં કામ કરવાનું. જોડીદારે પરસ્પરનો સંબંધ નક્કી કરી જણાવી દેવાનોમકાનમાલિક-ભાડુઆત, સહકર્મી, રાજકારણો-પત્રકાર, બે અજાણ્યા, પાડોશી, સાસુવહુ જેવા સંબંધ નકકી કર્યા. હવે એક વ્યક્તિ ચોક્કસ માહિતી આપનાર અને બીજી વ્યક્તિ તેના પર પ્રતિક્રિયા આપનાર બને.શું માહિતી આપવી અને કઇ પ્રતિક્રિયા આપવી તે પણ જાહેર કરી દેવાયું અને તેનો શીઘ્ર અભિનય પણ રજૂ કરાયો. બીજા ચરણમાં, માહિતી આપનાર અને મેળવનાર છુટા પાડી દેવાયા. માહિતી આપનારે વિચારી રાખવાનું કે પોતે શું માહિતી આપશે. આ માહિતી જુની પણ હોઇ શકે અને નવી-જુદી પણ. આ વખતે માહિતી અગાઉથી જાહેર ના કરાવાઇ. ફરીથી દરેક જોડીએ જુથ સમક્ષ  આવીને અભિનય કર્યો. આ વખતે પ્રતિક્રિયા આપનારને માહિતી ખબર ના હોવાથી સ્ફુરીત પ્રતિક્રિયા આપવાની થઇ. રાજુએ કહ્યુંકે આવી રીતે વાર્તાકારે એક કરતાં વધું પાત્ર બની,તે પાત્રોની પ્રતિક્રિયા -માહિતી જાણવા છતાં અણજાણ રહી લખવાનું છેઆ ટાસ્ક કરવાની બધાને મજા આવી. આમ તો, સમગ્ર શિબિર દરમ્યાન હસાહસ થતી રહી અને ક્યારેક સન્નાટાભરી ક્ષણો ય આવી. પણ, આ ટાસ્કમાં રમુજ અને ગંભીર બાલીશતાનો સમન્વય થયો.
રાજુએ જુદી જુદી રીતે, અવારનવાર સ્પષ્ટ કર્યું કે સારી વાર્તા વાંચવી કેટલી જરુરી છે જો સારા વાર્તાકાર બનવું હોય.
મને લાગ્યું કે આશિષમેહુલ, તેજસ  જેવા મિત્રો આ પ્રકારની શિબિર માટે અનિવાર્ય અનિષ્ટ હોવા ઘટે. શિબિરાર્થીઓના કલ્યાણ અર્થે આવા મિત્રોને ફરજિયાત શિબિરાર્થી બનાવવા.
મને મજા આવી, મજાના મિત્રો સાથે મજેદાર તેમજ જ્ઞાનવર્ધક ચર્ચાના ભાગ બનવાની.

-વારતા રે વારતા વતી છાયા ઉપાધ્યાય.

                                        આગળ વાંચો »

Wednesday, 15 November 2017

વારતા શિબિર ૧ (અમદાવાદ) સુનીલ અમીનનું વર્ઝન

અમદાવાદ વારતા શિબિર-૧ : ૧૨ નવેમ્બર ૧૭, સ્ક્રેપયાર્ડ, પાલડી.કોઈ એક સવારે મારી વોલ પર વાર્તા જેવું કૈક લખી ને પોસ્ટ કર્યું. અપેક્ષાકૃત મિત્રો તો વખાણવાના જ.!!
કૈક બરોબર નથી થઈ રહ્યું એવું લાગેલ.  અને અચાનક મિત્ર રાજુ પટેલ મગજમાં ઝબકી ગયા. થયું લાવ એમને પણ પૂછું,  પ્રામાણિક મત ત્યાંથી જ મળશે એવી ખાતરી હતી એક ફેસબુક ગ્રુપ –‘અપના અડ્ડાની પોસ્ટ હેઠળની કૉમેન્ટ્સના આધારે.
રાજુ એ એક જ શબ્દમાં કોમેન્ટ ઠોકી. "વાંચી". હવે સાલું હું ય અટવાયો કે આ એક શબ્દીય કોમેન્ટને કેવી રીતે લેવી!! ફરી વિનંતી કરી કે થોડા વધુ શબ્દો કહો તો ભલા!! "નબળી,પાંગળી,ભાવુકતા ભરી વારતા” જેવા થોડાક શબ્દોમાં મારી વાર્તા નું આકલન થઈ રહ્યું. ખુબજ સ્વસ્થતાથી રાજુની ટિપ્પણી મેં સ્વીકારી. કારણ  એટલું જ કે એ વાર્તા,મને કશુંક પદ્ધતિસર લખતા આવડે છે કે હું એવું કશુંક લખી શકું ખરો? એ માટેનો ટેસ્ટ હતો મારા માટે.
પછી તો રાજુ એ મને કહ્યું કે જો આપ ને ખરેખર વાર્તાલેખન માં રસ હોય યા એમાં ગંભીરતાથી વિચારતા હોય તો એક ગ્રુપ છે "વારતા રે વારતા", એમાં આવો. હું જોડાયો. ગ્રુપની સાહિત્યિક પ્રવૃતિઓ જોઈને હું ખૂબ પ્રભાવિત થયો. મારો ઉત્સાહ  જોઈને રાજુ એ પૂછ્યું  કે હું આવું અમદાવાદ વારતા  શિબિર કરવા? શુ આપણે અમદાવાદમાં વારતા  શિબિર કરવી જોઈએ?
મેં એટલી જ સહજતા થી રાજુની વાત નો સ્વીકાર કરી લીધો. કદાચ સેકન્ડો માં જ.
ને રસ પડ્યો કહ્યું ચાલો કરીએ -રાજુ એ  કહ્યું –પણ  વારતા શિબિરમાં હું અને તું  બે જણ ના ચાલીએ થોડા વધુ લોકો જોઈએ જેમને સાહિત્ય માં રસ હોય અને એય ગંભીરપણે.
વિવિધ પ્લેટફોર્મ્સ પર નિયમિત વાર્તાલેખન કરતા મારા અંગત મિત્રોને પૂછ્યું કે અમદાવાદમાં વારતા  શિબિર ગોઠવીએ તો કેવું?
જેમને પૂછ્યું બધા સહર્ષ તૈયાર  થયાં. એકાદ કલાકમાં તો પંદરેક મિત્રોનું લિસ્ટ તૈયાર થઈ ગયું.
અને આમ અમદાવાદ વારતા શિબિર-૧નું બીજ રોપાઈ ગયું. કબીર ઠાકોરના સહકારથી એમના સ્ક્રેપયાર્ડમાં.
-આ શિબિરની એક ખાસિયત એ પણ હતી કે શિબિરાર્થીઓ ગુજરાતના વિવિધ ખૂણેથી શિબિરમાં હિસ્સો લેવા અંજાર, સુરત ,દાહોદ વિગેરે દૂરના સ્થળેથી અમદાવાદ આવેલ.!!
ધારેલું એના કરતાં ગંભીર સૂરમાં શિબિરની શરૂઆત થઇ. આ શિબિર શા માટે ? એમાં તમે સહુ શા માટે અને એના સંચાલક તરીકે હું શા માટે ? એ સમજી લઈએ કહી રાજુ એ ફિલોસોફીકલ મુદ્દો મુક્યો કે આ જીવન શા માટે છે ? આપણે શા માટે છીએ ? અહીં કોઈ અમુક ગામનું અને કોઈ તમુક વિસ્તારનું કોઈ અમુક જાતિનું અને કોઈક અમુક ધર્મનું,  કોઈક પુરુષ કે કોઈ સ્ત્રી છે – તે જ કંઈ  છે અને જ્યાંથી પણ છે તે તે જ શા માટે છે ?
ખબર નથી.
આપણે સિમ્પલી હોઈ પડ્યા છીએ. આ જીવનનો ઉદ્દેશ શું છે એ સમજતા અમુક વિદ્વાન થઇ ગયા અમુક ફિલોસોફર અને અમુક કલાકાર થઇ ગયા..
મેં આ મૂળભૂત મુદ્દા ને બહુ સિમ્પલી લીધો છે – આપણો ઉદ્દેશ મઝા કરવાનો જ હોવો જોઈએ. જીવન છે તો મઝા કરો . જીવવા માટેની ભાગદોડ કરવા ઉપરાંત આપણા નિજાનંદ માટે કઈ કરવું એટલે મઝા કરવી. મઝા કરવા માટે વિવિધ નિમિત્ત છે.. કોઈ કળા , કોઈ શોખ કે કોઈ પ્રવૃત્તિ, કોઈ કવિતા લખે કોઈ નાટક અને કોઈ બીજું કઈ.. આપણે વારતા લખી શકીએ, વારતા લખવા માંગીએ છીએ માટે અહીં ભેગા થયા છે.
વારતા માટે એક સમય એવો હતો કે પહેલા ચાંદની અને કુમાર જેવા સામયિકની પણ એક ગરીમા હતી.એક ગૂડવીલ અને એક મોભો હતો. આ એવા સમાયિકો હતા જેમાં કોઈ નવોદિત લેખકની વાર્તા છપાય એ  જે તે  લેખક માટે ગર્વની વાત કહેવાતી. કારણ કે આ બંને સમાયિકોમાં લેખનની ગુણવત્તા જળવાતી. સામે  જવાબદાર તંત્રી પણ જે તે લેખકની ન સ્વીકારાયેલી કૃતિ કેમ નથી સ્વીકારાઈ એના કારણ સહિત એ લેખકને જણાવતા. વારતા મઠારવા સૂચનો- પત્ર વ્યવહાર વગેરે ચાલતું. ચાંદનીના તંત્રી  અશોક હર્ષ આવું કરતા. મુદ્દે એ સમયે લખાણ વધુ બળકટ બને એવી અપેક્ષા રહેતી.

આજે ન એવા સામયિક રહ્યા છે ન એવા કોઈ વરિષ્ઠ વારતાકાર જે નવોદિતોને માર્ગદર્શન આપે. તો નવા વારતાકારે ક્યાં જવું...?  આવી શિબિર દ્વારા એવા નવોદિતો એક બીજા માટે વાચક અને પ્રતિક્રિયા આપનારા બની શકે વત્તા જે કંઈ થોડો ઘણો અનુભવ મને છે તે હું આવી શિબિર દ્વારા આપ સહુ સાથે વહેંચી શકું, આપણે સહુ એક સમાન રસધારીઓ ભેગા થઇ આ કળાનું પરિશીલન કરી શકીએ – એ આ શિબિરનો ઉદ્દેશ અને આ શિબિરના આયોજક તરીકે તમે મને સુત્રધાર કહો એ બહેતર. મને સર કે ગુરુજી કે એવા કોઈ નિરર્થક માનવાચક સંબોધવું જરૂરી નથી.
                                              પછી વાત થઇ  કે ઈન્ટરનેટ મીડિયાના કારણે વધુ પ્રમાણમાં, ઉભરાતી લેખકીય પ્રતિભા હાનિકારક સ્તરે  પહોંચી છે.સોશિયલ મીડિયા જેમ કે ફેસબૂકમાં કોઈ નવોદિત ગમે એવી વાર્તા લખી નાખે,દોસ્તો વાહવાહી કરવાના જ. અને જે તે નવોદિતને પણ ખુદનું લખાણ પાકટ હોવાનો ભ્રમ થશે. આ સ્થિતિ એક નવોદિતને ભ્રમિત કરી શકે છે.એ વિચારવું રહ્યું.
બીજો મુદ્દોએ રહ્યો કે, વધુ ને વધુ વાર્તાઓ લખવાના ધખારા ને કારણે નવોદિત ગુણવત્તા પર ધ્યાન નથી આપી શકતા અને અંતે વાર્તામાં વેઠ જ ઉતરે છે. આથી પણ બચવું જોઇશે .
નવોદિતે પોતાની લેખકીય ક્ષમતાઓ પિછાણવી જ જોઈએ. લેખકે બધા જ પ્રકારની પ્રતિક્રિયાઓ માટે તૈયાર રહેવું જોઈએ.
ઘણા લેખકો એમ કહે છે કે મને વાર્તા લખવાનો ઉમળકો નથી,મૂડ નથી બનતો. આ વિષય પર સુત્રધારે કહ્યું કે - કારણો નીચે મુજબ હોઈ શકે.
* એક તો આળસ
*મોટિવેશન નો અભાવ
* અને સ્વછંદી વૃત્તિ. મૂળે આપણે આળસુ પ્રાણીઓ. કોઈ ડેડલાઇન ન હોય તો ન લખવા વાળા – આટલું કહી સુત્રધારે વ્રજેશ દવેને પૂછ્યું “ હાલ ટાસ્કમાં તમે નિર્મલ વર્માની અદભુત હિન્દી વારતા વિષે કેટલું સરસ લખ્યું. ટાસ્કના નિમિત્તે જ લખ્યું – કેમ આજ સુધી તમને આ વાત લખીને ક્યાંય – તમારી ફેસબુક વોલ પર મુકવા જેવું ન લાગ્યું..? “ વ્રજેશ દવે પાસે જવાબ ન હતો. વાતનો તંતુ સાધતા સુત્રધારે આગળ કહ્યું કે શિબિરનો એક અન્ય ઉદ્દેશ આ પણ છે.. હોમવર્ક અને ટાસ્કના બહાને આપણે નિયમિત લખતાં થઈએ
વળી કોઈ વાર્તાકાર ઉગવા માગે તો શરૂઆતમા એના દોસ્તો, પછી માતાપિતા અને છેલ્લે સમાજ જ એની વિરુદ્ધ એવું રીએક્ટ કરતો હોય છે કે અલા આ શું વેદિયા વેડા કરવા બેઠો છે. કઈક ઢંગ નું કામ કર.!!
જાણે લખવું એ ભારતીયોને કોઈ કામ જ લાગતું નથી!!
અને  ભારતીય રીએક્શન છેક અંતિમવાદી હોય છે : કયાં તો વાહ વાહ યા તો વાહિયાત કહી  ઉતારી પાડવું ..
                                         


સુત્રધારે એ મુદ્દો પણ ખૂબીથી સમજાવ્યો કે, લખવું એ કોઈ સમાજસેવા કે ધર્મપ્રચાર –એ માટે અલાયદા લોકો છે જ. વારતા એ અહેવાલ નથી વારતામાં બધું ચપોચપ ન હોવું જોઈએ, કલ્પના અને સંભાવના માટે અવકાશ હોવો જોઈએ.
વારતા લખનારે કોઈ પણ ભાવુકતામાં વહી ગયા વિના તટસ્થતાથી આલેખન કરવું જોઈએ એમ કહેતા સુત્રધારે એક પુરાકથાનું ઉદાહરણ આપ્યું.

એક વાર ગોપીઓ જ્યારે દૂધ વેચવા યમુના નદી પાર કરવા ગઈ ત્યારે એમાં પુર આવ્યું હતું.ગોપીઓ મૂંઝાઈ.. દૂધ વેચવું એમના માટે આજીવિકાનું સાધન, ન જવાય એ ન ચાલે. આવા સમયે કૃષ્ણ મદદ કરતાં પરતું એ સમયે કૃષ્ણ કોઈક કારણસર યમુના નદીને પેલે પાર હતા. હવે ? કોઈકે ગામમાં આવેલા કોઈક ઋષિ વિષે કહ્યું કે તે કદાચ કૈંક મદદ કરી શકે. ગોપીઓ ઉમેદ લઇ એ ઋષિ પાસે ગઈ , એ ઋષિ દુર્વાસા હતા એમ જાણ થતાં ગોપીઓ નિરાશ થઇ ગઈ. દુર્વાસા ને તેઓ માત્ર એક ક્રોધી ઋષિ તરીકે ઓળખતા, એ ઋષિ એમણે સહાય કરે એ આશા ન હતી પણ એમની પાસે ગયા બાદ સમસ્યા ન કહવાની હિમ્મત પણ નહોતી.. પાછળથી ખબર પડે કે ખરી સમસ્યા છુપાવેલી તો ક્રોધમાં કેવો ય શ્રાપ આપી દે!! માટે માત્ર એમના ક્રોધથી બચવા અને કોઈ પણ જાતના ઉપાયની આશા વગર ગોપીઓએ યમુના નદીના પુરની ફરિયાદ કરી. આ સાંભળી દુર્વાસા ઋષીએ કહ્યું “ તમે લોકો મુંઝાઓ નહિ, યમુના નદીને જઈ કહો કે “ જો આજ સુધી દુર્વાસા ઋષીએ કોઈ પર ક્રોધ કર્યો હોય તો તું અમને માર્ગ ન આપતી ..” આ સાંભળીને યમુના નદી તમને માર્ગ આપી દેશે . ગોપીઓ આ સાંભળી આશ્ચર્યમાં પડી ગઈ.. પોતાના ક્રોધ માટે વિખ્યાત ઋષિ આ કેવી આણ યમુના નદીને આપવા કહી રહ્યા હતા..! દુર્વાસા ઋષીએ ગોપીના વિમાસણ ભર્યા ચહેરા જોઈ કહ્યું “ તમે મેં કહ્યું એમ કરો . માર્ગ મળી જશે “ ગોપીઓ માત્ર ઔપચારિકતા નિભાવવા યમુના નદીએ ગઈ. દુર્વાસા ઋષિના ક્રોધથી આખું વિશ્વ પરિચિત હતું. જીવન ભર એમણે ક્રોધ સિવાય કશું કર્યું હોય તો તે ગોપીઓ જાણતી નહોતી. પણ દુર્વાસા ઋષિની વાત ન માનવાની હિમ્મત પણ નહોતી –આથી માત્ર કહ્યું કરી નાખીએ એ ભાવથી એ સહુ યમુના નદીએ ગઈ અને કહ્યું કે “ હે યામુના માતા ! જો દુર્વાસા ઋષીએ કોઈ દિવસ  કોઈના પર પણ ક્રોધ કર્યો હોય તો તું અમને માર્ગ ન આપતી “ તરત યમુના નદીએ માર્ગ આપી દીધો. ગોપીઓ આશ્ચર્યમાં પડી ગઈ. પણ રસ્તો બન્યો એટલે આશ્ચર્ય સાથે એ યમુના નડી પાર કરી દૂધ વેચવા બજારે ચાલી ગઈ. સાંજે પાચા વળતાં હજી યમુના નદીના પાણી ઓસર્યા નહોતા. એમને યાદ આવ્યું કે કૃષ્ણ તો આ પાર જ છે.. એમણે કૃષ્ણને મદદ કરવા કહ્યું. કૃષ્ણ બહુ વ્યસ્ત હતાં, એમણે ઉતાવળમાં ગોપીઓને એક ઉપાય આપ્યો : “ યમુના નદીને કહેજો કે જો કૃષ્ણ એ કદી કોઈ જોડે પ્રેમ કર્યો હોય તો અમને માર્ગ ન આપતી “  ફરી ગોપીઓ ચકરાઈ. પ્રેમીઓના પ્રેમી ગણાતા કૃષ્ણ આ શું બોલી રહ્યા હતા..? ગોપીઓ સામે દલીલ કરવા માંડી પણ કૃષ્ણએ કહ્યું “ મારી વાત પર ભરોસો રાખો – તમને માર્ગ મળી જશે . ગોપીઓએ દુર્વાસા વાળું આશ્ચર્ય માંડ પચાવ્યું હતું પણ કૃષ્ણની વાતમાં કઈ ભલીવાર લાગતો નહોતો કેમ કે કૃષ્ણના સ્વભાવના તેઓ સહુ સ્વયં સાક્ષી હતાં. પણ યમુના નદીએ કૃષ્ણના પ્રેમ સંબંધની આણ સાભળતા જ ફરી માર્ગ દઈ દીધો....

વારતા પૂરી  કરી સુત્રધારે કહ્યું – આમ કેમ બન્યું હશે..?  આનો અર્થ એ કે દુર્વાસાનો ક્રોધ કે કૃષ્ણનો પ્રેમ  તટસ્થ હોવા જોઈએ. કમળ જેમ જળમાં હોવા છંતા જળથી અલિપ્ત રહે છે તેમ આ બન્નેનો ક્રોધ કે પ્રેમ દુન્યવી વ્યવહારથી અલિપ્ત હોય તો આવું બને, અને લેખકે એ અલિપ્તતા કેળવવી પડશે પાપ-પુણ્ય કે સારા નરસાં ભાવ પ્રત્યે -ત્યારે એક સ્વસ્થ આલેખનની શક્યતા રહે.એક બીજી મસ્ત વાત સુત્રધારે એ પણ કરી કે મોટાભાગ વાંચક ને કેવી રીતે વાંચવું એનું પણ પ્રાથમિક જ્ઞાન નથી હોતું.
કોઈ પણ વાર્તા માણવી/સમજવી એ પણ કલા નો એક ભાગ છે.-- મનોમન લગભગ બધાજ શિબિરાર્થી ઓ આ મુદ્દે સહમત થયા.
ત્યાર બાદ વારતા વાંચવાનું નક્કી થયું અને  નીલેશ રૂપાપરાના વારતા સંગ્રહ “આનંદ રોડને પેલે પારમાંથી એક વાર્તા "ગોલ્ડન રુલ"  વાંચવા માટે આશિષ કક્કડને નિમંત્રીત કરવામાં આવ્યા.પોતાના ઘેઘૂર અને ભાવવાહી અવાજ માં આશિષ વાર્તા વાંચી અને અડધી વારતા મુંબઈના નીરજ કંસારાએ  વાંચી, ત્યાર બાદસુત્રધાર  દ્વારા  સવાલ  ફેંકાયો -  આ વાર્તા શું કહે છે ?

અને એ એક જાણવું એક સુખદ પરિસ્થિતિ હતી કે અલગ અલગ સૌ વાંચકો ના માટે કૃતિ નો અર્થ અને પાત્રો ની વિભાવના એકદમ અલગ અલગ હતી!!
શુ આવું પણ હોય શકે!! એક સુખદ નવાઈ રહી.
બે મિત્રો બાબત આ વારતામાં આરતીના સ્વર અને અજાનનો અવાજ જેવા કલ્પનનો જે રીતે ઉપયોગ થયો હતો એના પરથી હિંદુ-મુસ્લિમ આ બે કોમનું આ બે મિત્રો પ્રતિનિધિત્વ કરે છે એ અંગે કોના મનમાં બે મત નહોતા. વારતામાં વણલખ્યો પણ એક એવો ગોલ્ડન રુલ બન્ને મિત્રો પાળે છે કે દુનિયાભરના  વિષયોમાં તેઓ ઉશ્કેરાઈને ચર્ચા કરે પણ એક બીજાના સંતાનોની ટીકા ક્યારેય નહીં કરે.અને આખરે એક દિવસ આ ગોલ્ડન રુલ તૂટે છે.. ખેર આ તો એ વારતાનો સંક્ષીપ્ત સાર થયો પણ આ વારતાના અલગ અલગ અર્થઘટનો થયા. એમાં છુપાયેલા રાજકીય / સામાજિક ઈશારાઓ ઉકેલવાના આ રુલ શા માટે અને રુલને કારણે શું થયું. ઈત્યાદી વિવિધ કોણથી લગભગ દરકે સભ્ય એ પોતાના પક્ષ મુક્યા અને પાંચ પાનાની આ વારતા પર લગભગ એક કલાક ચર્ચા ચાલી. એકતાને લાગતું હતું  કે હિન્દૂ મુસ્લિમ કોમ્યુનિટીને લગતી વાર્તા લાગે છે.નીલનો જવાબ કઈક અલગ જ હતો તો સંકેત વર્માએ ખૂબ પ્રભાવી રીતે વાર્તાની છણાવટ કરી. એક તબક્કે આશીશ કક્કડે સૂચવ્યું કે તમે સહુ હિંદુ – મુસ્લિમ મિત્ર એવા નિષ્કર્ષ પર અટકીને ન જુ. આ બન્ને મિત્રો હિંદુ જ હોય તો..? એ  રીતે પણ વિચારી જુઓ... મેહુલ મંગુબેન નામના મિત્રને વારતાના અંત સામે સખત વિરોધ હતો.. અરુણ પટેલે કહ્યું કે કદી પણ એક મેકના સંતાનની ટીકા ન કરવાનો ગોલ્ડન રુલ જો ન પાળ્યો હોત અને શરૂઆતથી જ આ બાબતમાં બન્ને મિત્રો વચ્ચે મોકળાશ હોત તો વારતા હાલ જે મુકામે પહોંચે છે એ સ્થિતિ ન આવી હોત. મૂળ વારતાના સંઘર્ષ ઉપરાંત લેખકે મુકેલા નાના નાના નિરીક્ષણ પણ સભ્યો એ પકડ્યા અને માણ્યા. હાજર રહેલા નવોદિત લેખકો માટે આ એક વિરલ અનુભવ હતો કે તેઓ સહુ મળીને એક વારતા પર આટલી ઊંડી સામુહિક ચર્ચા કરી  રહ્યા હતા.. એ જાણવું એક અનોખી પરિસ્થિતિ હતી કે અલગ અલગ સૌ વાંચકો  માટે કૃતિનો અર્થ અને પાત્રોની વિભાવના એકદમ અલગ અલગ હતી!!
લગભગ અઢી વાગવા  આવ્યા હતા પણ સૌ શિબિરમાં એટલા તલ્લીન હતા કે સુત્રધારે જ સૌને હલાવ્યા કે કોઈ બ્રેક રાખવો છે કે કેમ!!

                                                  

ખાણી-પીણીના એક નાનકડા બ્રેક બાદ  પ્રશ્નોત્તરીનો રાઉન્ડ શરુ થયો જેમાં વારતા લેખનને લગતા વિવિધ વિવિધ મુદ્દા પર સહુએ સવાલો પૂછ્યા અને સુત્રધારે જવાબ આપ્યા. આ સેશનમાં આશિષ કક્કડ ની ભૂમિકા બહુ મહત્વની રહી. અમુક પ્રશ્નના જવાબ સુત્રધાર અસ્પષ્ટ અથવા બહુ ટૂંકમાં આપી દેતા પણ એનાથી ગેરસમજ થી શકે એ ખયાલથી આશિષ બહુ મક્કમ સૂરમાં સુત્રધારને કાઉન્ટર કરી પોતાનો મત વિસ્તારથી મૂકી એના પર સુત્રધારને બોલવા ફરજ પાડતાં. એક તબક્કે મજાકમાં સુત્રધારે હળવી ટકોર કરતા આશિષ ને એ પણ કહ્યું કે તમે વિરોધ પક્ષમાં હોવ એવું લાગે છે જેનો આશિષ કક્કડે જવાબ આપ્યો કે ભલે એવું લાગતું પણ આ જરૂરી છે કેમ કે અમુક બાબતો અહીં ના સભ્યો માટે સાવ ન્વીછે અને એને ઝીણવટથી સમજાવવું ખુબ જરૂરી છે. મયુરિકા નો પ્રશ્ન કે જો કવિતામાં ચોક્કસ બંધારણ હોય તો શું વાર્તામાં પણ હોય શકે?  આ પ્રશ્નના ખૂબ જ વિસ્તારથી અને ઊંડાણપૂર્વક ના જવાબ આશિષ અને સૂત્રધારની ચર્ચા દરમિયાન જાણી શકયા. સૂત્રધારનો મુદ્દો એ હતો કે વાર્તાનું કોઈ એક નિશ્ચિત બંધારણ નથી હોતું પણ દરેક વાર્તાનું પોતાનું એક પોત હોય છે,ખુદનું એક બંધારણ... અહીં આશીશે તીવ્ર સ્વરમાં આ મુદ્દો વધુ વિસ્તારથી ચર્ચવા સુત્રધારને ફરજ પાડી  અને એ અર્થમાં આશિષ કક્કડની દરમિયાનગીરી ખૂબ અસરદાર અને ઉપયોગી  રહી. અહેવાલને આ તબક્કે મારી એ શિબિરના સહુ  સભ્યોને વિનંતી છે કે જેમણે પ્રશ્ન પૂછ્યા હતા તેઓ તેમના પ્રશ્ન અને ઉત્તર અહીં પ્રતિક્રિયામાં અથવા સ્વતંત્ર પોસ્ટ તરીકે મુકે.
                                                 


છેલ્લે લાઈવ ટાસ્માં ,બે-બેની જોડી વચ્ચે સંવાદ રચવાનો એક નવીન ટાસ્ક હતો જે મનોરંજક સાથે જ્ઞાનવર્ધક પણ રહ્યો. આ ટાસ્ક માહિતીની લેવડ દેવડનો હતો, બે રાઉન્ડમાં . પહેલા રાઉન્ડમાં માહિતી મેળવનારને ખબર હત કે શું માહિતી મળવાની છે અને બીજા રાઉન્ડમાં નહોતી ખબર. આ રમતના અંતે સુત્રધારે સમજાવ્યું કે લેખક તરીકે તમારે માહિતી આપનાર સર્વજ્ઞ અને માહિતી મેળવનાર અજાણ વ્યક્તિ – એ બન્ને ભૂમિકા એકી સમયે ભજવવાની છે તે સમજી લો માટે આ ટાસ્ક. સંવાદ રચવા સાથે એક્ટિંગ શીખ્યા!! અને આ ટાસ્ક દ્વારા એક પત્ર બીજા પાત્ર સાથે કેવી સંવાદ સાધે છે એ શીખવા મળ્યું.
અને આમ વારતારસમાં તરબોળ થતાં કબીર ઠાકોરના સ્ક્રેપયાર્ડમાં  સાંજના સૂરજનો તડકો રેલાયો અને અમદાવાદની પ્રથમ વારતા શિબિર સમેટાઈ....

અમુક મીત્રો ઘણા દૂર થી આવેલ હતા.છતાંય શિબિરના અંતે સહુના ચહેરા પર શિબિરમાંથી કૈક શીખ્યાની તૃપ્તિ  ચહેરા પર છલકાતી હતી.
અંતમાં અહેવાલ લેખન બાબત એક ચોખવટ – અમુક કાર્યકારી કારણો થી હું સીબીરમાં અમુક તબક્કે હાજર નહોતો , એ હિસ્સાનું મેટર મિત્રોના સહકારથી ઉમેર્યું છે.

-વારતા રે વારતા માટે સુનીલ અમીન દ્વારા.

                                                         
આગળ વાંચો »

Wednesday, 25 October 2017

વાર્તા શિબિર [અધ્યાય ૨] - શિબિર ૨ (સપ્ટેમ્બર ૨૦૧૭), ગોરેગાંવ પૂર્વ

'વારતા રે વારતા' સીઝન બે - શિબિર બે - ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૭ - પ્રતિભા શર્માના ઘરે

અપ્રતિમ ઉત્સાહ સાથે શરુ થયેલી 'વારતા રે વારતા'ની બીજી શ્રેણીની બીજી બેઠક રવિવાર તારીખ ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ સુત્રધાર રાજૂ પટેલના પાડોશી પ્રતિભા શર્માના ઘરે યોજાઈ. શિબિરના નિયમિત સભ્યો માટે પ્રતિભા શર્માનું નામ અજાણ્યું નહિ હોય. અગાઉ તેઓ બે-ત્રણ વખત શિબિરમાં પણ આવ્યા હતા પરંતુ ગુજરાતી પુરેપૂરી ન સમજવાને કારણે પછીથી ન આવી શક્યા. છતાં આ પ્રવૃત્તિ માટે તેમનો પ્રેમ એવો કે આ વખતની બેઠક માટે રાજૂના કહેવા પર ઘરની ચાવી આપીને પોતે બહાર ચાલ્યા ગયા હતા. હું (તુમુલ) અને નીરજ (કંસારા) સૌથી પહેલા પહોચીને તેમના ડ્રોઈંગ રૂમમાં એક ખૂણો પકડીને બેસી ગયા અને પછી જેમ જેમ લોકો આવતા ગયા તેમ રૂમ ભરાતો ચાલ્યો. અંતે જ્યારે મીના ત્રિવેદી એકાદ કલાક પછી આવ્યા ત્યારે રૂમ હકડેઠાઠ ભરાઈ ચુક્યો હતો અને આ વખતની બેઠક કદાચ સૌથી બધારે હાજરીવળી બેઠકોમાંની એક રહી. આ વખતે વિશેષ ઉપસ્થિતિ ભુજથી આવેલ કવિમિત્ર જીગર ફરાદીવાલાની હતી. જીગર કવિ સંમેલન માટે આવ્યા હતા અને અમે મોકો જોઇને એના મુંબઈનિવાસ દરમિયાન જ શિબિર યોજી દીધી જેથી એની સંગતનો અમને આનંદ મળે.શિબિર સાથે સંલગ્ન સર્વે મિત્રો જાણે છે તેમ વારતા રે વારતાની (અ)દ્વિતીય શ્રેણી માટે વાર્તાકળાને લગતા દસ સર્વગ્રાહી વિષયો નક્કી કરવામાં આવ્યા છે. આ વિષયો પર પરિસંવાદ અને ચર્ચા-વિચારણા કર્યા પછી વાર્તાકળાને લગતો એકેય મુદ્દો અણસ્પર્શ્યો રહી ન જાય એવા વિચાર સાથે આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. જેની અંતર્ગત વિષય ક્રમાંક ૨, "વાંચવું" પર આ શિબિરમાં ચર્ચા કરવામાં આવી.

ઓપનીંગ લાઈન
- "(લખવા માટે) વાંચવું એ ઓપરેટીવ ફેક્ટર છે. ચાહે એ કવિતા હોય, વાર્તા હોય, નાટકની સ્ક્રીપ્ટ હોય કે પછી માણસ હોય". ખેર, માણસને વાંચવો એ, કમસેકમ શરૂમાં તો બહુ જ એબ્સ્ટ્રેક્ટ કામ થઇ પડે એટલે બે કૃતિઓના પઠનથી શરૂઆત કરવામાં આવી.

કૃતિ ૧ - હિન્દી પત્રકાર અને કવિ લોકમિત્ર ગૌતમની અદભૂત અછાંદસ કવિતા "મેરા બચ્ચા હર રોજ મુઝસે બંદૂક માંગતા હૈ" નું નીરજના બુલંદ અવાજમાં પઠન. 

લગભગ પાંચ પાના લાંબી આ કવિતા મારા જેવા કાવ્ય-અભણ વ્યક્તિને પણ પુરેપુરી બાઉન્સર તો ન ગઈ. પરંતુ તેની "બારીકીઓ સમજવા માટે ચા પીવી પડશે", એવું પરાગ ગ્યાનીનું વિધાન કવિતાએ રચેલો ગંભીર માહોલ હળવો કરી ગયું. સદનસીબે બાજુમાં રાજુના રસોડામાંથી તેની પ્રખ્યાત વીસ મિનીટ ઉકાળવાવાળી રેસીપી મુજબની ચાની ખુશ્બુ રેલાઈ રહી હતી. અત્યાર સુધી આવી ચુકેલા અન્ય સભ્યો સમીરા પત્રાવાલા, સંજય ગુંદલાવકર, કિશોર પટેલ અને નેહા શાહે કવિતા વિશેના પોતપોતાના અવલોકનો જણાવ્યા. એ બધાનો એક સૂર એવો નીકળતો હતો કે આ કવિતા બાળઉછેર વિશેની છે. પરંતુ કદાચ બધાના જ મનમાં એમ હતું કે કવિતામાં હજુ કંઇક છે જે ફરી સાંભળવાથી કે વાંચવાથી પકડી શકાશે. સરસ મજાની ચા આવી ત્યાં સુધીમાં રાજુલ ભાનુશાળી, કુસુમ પટેલ અને જીગર ફરાદીવાલા પણ આવી ચુક્યા હતા.

 તેમની માટે પહેલી વાર અને બાકીના માટે બીજી વખત પરાગ ગ્યાનીના પહાડી અવાજમાં કવિતાનું પુન:પઠન કરવામાં આવ્યું. પ્રથમ વખતની ચર્ચામાં છૂટી ગયેલી અનેક બાબતો આ વખતે પ્રકાશમાં આવી. જેમ કે, બાળકને નાનપણથી જ તેની જેન્ડર મુજબ જે રીતે બીબાંમાં ઢાળી દેવામાં આવે છે તેના વિષેની નોંધ, સારા-ખરાબ માણસોની કેરીકેચર (કાર્ટુન / ઠઠ્ઠાચિત્ર) છાપ સમજણ અને રાજકીય ટીપ્પણીઓ પણ કવિતામાં છે. હજુ કદાચ ફરી ફરીને વાંચતા અન્ય બાબતો પણ નજરમાં આવી શકવાની શક્યતા ખરી. સહુએ કવિતા વિષે પોતપોતાની સમજ મુજબના મૌલિક મત રજુ કર્યા.

બીજી કૃતિ: મન્ટોની અખબારી કોલમ "ચાચા સેમ કે નામ ખત" અમેરિકાને ઉદ્દેશીને લખાયેલા પત્રોમાનો બીજો પત્ર. પઠન - રાજુ પટેલ.


જાણીને સુખદ આશ્ચર્ય થશે કે સઆદત હસન મન્ટો વાર્તા સિવાયનું અન્ય મૌલિક ગદ્ય પણ લખતા. તેમની "ચાચા સેમ કે નામ ખત" શીર્ષક ધરાવતી અખબારી કોલમ આઝાદીની તરત પછીના સમયમાં પાકિસ્તાની અખબારમાં છપાતી. જોવાની વાત એ છે કે નવેનવ પત્રમાં માત્ર અમેરિકા જ નહિ પણ પાકિસ્તાન અને ઇસ્લામની રૂઢિઓ પર પણ તીખા વ્યંગ હતા તેમ છતાં પાકિસ્તાનનું બદનસીબ કે રાજુ પટેલ ત્યાં શિબિર નહોતા લેતા અને એ વ્યંજના કોઈ સમજ્યું જ નહિ અને છાપાઓમાં છપાઈ ગયું. રસ ધરાવતા વ્યક્તિ એ લેખ આ લીંક પર ઓનલાઈન વાંચી શકે છે.

અમેરિકાને એક સાચા માણસ તરીકે કલ્પીને લખાયેલ આ પત્રોમાં તો અભિધા છે જ નહિ, માત્ર વ્યંજનામાં જ આખી વાત ચાલે છે.

રાજુના કવિતાપઠન અને પત્રના બે ઉદાહરણો દ્વારા "વાંચન" વિશેના વિચારો

એવું હોઈ શકે કે પહેલી નજરે જેના વિષે કવિતા લાગે છે (અહીં બંદૂક / બાળઉછેર) એ વિષે એ હોય જ નહિ. અલબત્ત, કૃતિ એ વિષે છે જ નહિ એમ માનીને વાંચવાનું શરુ કરવું. સાહિત્ય એ અહેવાલ કે બયાન નથી. તો એવી કઈ બાબતો છે જે એને જુદું પાડે છે? દાખલા તરીકે, "સમીરા જાડી છે" - એ વાક્ય બોલચાલમાં હોય અને વાર્તામાં હોય બંનેનો અર્થ અલગ નીકળે છે. વાર્તામાં એ જ વાક્યનો અર્થ એના પાત્રના સામાજિક / અર્થિક / માનસિક કે અન્ય કોઈ "--"એક પરિમાણની સ્થૂળતાનું ઈંગિત હોય છે. કોઈપણ કૃતિને એની ફેસ વેલ્યુ પર ન લેવી એ ગોલ્ડન રુલ ધ્યાનમાં રાખીને વાંચવું. E=mC2 એવી કોઈ ફોર્મ્યુલાની જેમ સારી કૃતિનો એક જ અર્થ નથી હોતો. સારી કૃતિના કમસે કમ બે અર્થ હોય છે; એ કમસે કમ બે સ્તર પર વાત કરતી હોય છે. એ હદ સુધી કે રચયિતા પોતે પણ છાતી ઠોકીને ન કહી શકે કે આનો આ એક જ અર્થ છે. અને જો તે એમ કહે તો પણ એને માન્ય રાખવું જરૂરી નથી. કેમ કે એ લખાણનું બીજ લેખકના સબ-કોન્સીયસમાંથી પ્રગટ્યું હોય છે જેના પર આપણો પોતાનો પણ કોઈ કાબૂ નથી હોતો.

દાખલા તરીકે, વાત શરુ થતી હોય છે નવમાં ધોરણમાં આપણને કોઈના પર ક્રશ થયો ત્યાંથી. એ પ્રથમ પ્રેમના ખુમારમાં આપણે વાહિયાત કવિતા લખવા માંડ્યા. જે આપણને ત્યારે અદભૂત લાગતી અને આપણા મિત્રો પણ બિરદાવતા. પછી ધીમે ધીમે કવિતા પ્રત્યે પ્રેમ વધતો ગયો અને કોલેજમાં આવીને છ મહિનામાં ગાલીબનામા વાંચી કાઢ્યું ત્યારે સમજાયું કે અત્યાર સુધી જે લખતા હતા એ તો સાવ સાધારણ હતું. એ પછી જે લખાય તે કદાચ અગાઉથી અલગ જ હોય. અને એમાં અગાઉ લખેલું તેમજ જોયેલું / અનુભવેલું સબ-કોન્સીયસમાંથી એ રીતે આવે કે તમારો પોતાનો આગવો અવાજ / યુનિક વોઈસ જડવા માંડે.

જેમ કે, મુકેશે ગાવાનું શરુ કર્યું ત્યારે માત્ર દેખાદેખીમાં, કે. એલ. સાઈગલની નકલ કરવાથી શરુ કર્યું હતું. પરંતુ પછીથી પોતાની આગવી શૈલી પકડાઈ ગઈ.

અહીં વાર્તાને વાંચવા - મૂલવવાના ત્રણ માનીતા અને માન્યતાપ્રાપ્ત પરિમાણ અભિધા-લક્ષણા-વ્યંજના વિષે વાત કરવી રહી.

અભિધા : જે કહ્યું છે તે.
લક્ષણા : કહ્યા દ્વારા સૂચવાય છે તે.
વ્યંજના : કહ્યા દ્વારા જે આડકતરું / વ્યંગ્ય સધાય તે.

અભિધા એ કોઈપણ કૃતિનો નકાબ છે જ્યારે વ્યંજના એ નકાબ પાછળની આત્મા હોય છે જેને આપણે વાંચતી વખતે બેનકાબ કરવાની હોય છે. અને એથી ઉલટું લખતી વખતે નકાબનશીન કરવાની હોય છે. ખેર, કહેવાનો અર્થ એમ નથી કે આ વાતને પણ કોઈ ફોર્મ્યુલાની જેમ લઈને રચના કરવા માંડવી. પરંતુ જો એક જ સ્તર પર કૃતિ ચાલતી હોય તો તે કાલજયી બનવા નહિ પામે. અભિધા-લક્ષણા-વ્યંજના વિષે વધુ જાણવા માટે બ્લોગ પરની રાજુએ લખેલી આ પોસ્ટ વાંચી શકાય

જોવાની વાત એ છે કે મન્ટો અને ઈસ્મત ચુગતાઈ તો એવું ગજબ કરતબ કરતા કે તેમના બંને લેયર્સ પારદર્શી હતા. એટલે કે, અભિધાના સ્તરે તો વાર્તા ચોટદાર રહેતી જ અને વ્યંજનાના સ્તરે જે વાત હોય એ સોંસરવી ઉતરી જાય અને ખુબ લાંબા સમય સુધી એ આપણો પીછો ન છોડે. જેમ કે પેલી દુરદર્શનના સમયની પાનપસંદની "શાદી ઔર તુમસે? કભી નહિ." વાળી જાહેરખબરની જો તમે સ્ક્રીપ્ટ વાંચો તો બંને લાઈનમાં કોઈ ફરક ન લાગે પણ અભિનય દ્વારા એક જ લાઈનથી બે અલગ વાત કહેવાઈ છે. (જેમણે એ જાહેરાત ન જોઈ હોય તેઓ યુ-ટ્યુબ પર અહી જોઈ શકશે)

ટાસ્ક પરની ટીપ્પણીઓ અને વ્યંજના...

અહી ટાસ્કના ઉત્તરો પરની રાજુની ટિપ્પણીઓ અઘરી લાગે છે એવી ફરિયાદનો સૂર ઉઠો રહ્યો હતો. અમુકને એ ટીપ્પણીઓ સમજાતી જ નથી તો અમુકને એ સમજાવા છતાં એના પરથી વાર્તામાં શો ફેરફાર કરવો તે નથી સમજાતું. દાખલા તરીકે, સંજય ગુંદલાવકરે ટાસ્કના ઉત્તરમાં લખેલી વાર્તા (જે અહીં વાંચી શકાશે) પરની રાજુની કમેન્ટ આ મુજબ હતી -

"વારતામાં કશુક બને એ બરાબર પણ જે બનતું દેખાય એની પછી તે સમાંતર બનતું અનુભાવાવું જોઈએ. તેમ ન બને અને માત્ર જે દેખાય છે એટલું જ બને તો એક અહેવાલથી આગળ વારતા ન વધે.

પાત્રોનું મનોજગત ? સંજોગવશ ઘટેલી દુર્ઘટનાથી સર્જાતી દોષભાવના કે હતાશા..?

ઘટના ઘટી જતી હોય છે, વારતા રચવી પડે .. અને પ્રસ્તુત રચનારીતીમાં વારતા ને ઘટનાના નકાબમાં પીરસવી પડે જેથી વાચકને લાગે કે ઘટના ઘટી રહી છે પણ તેના સુધી પહોંચે વારતા."

આ ટીપ્પણી સંજયને ન સમજાતા તેમણે આનો વિસ્તૃત અર્થ માંગ્યો હતો જે આ મુજબ હતો -

"વારતામાં કશુક બને એ બરાબર પણ જે બનતું દેખાય એની પછીતે સમાંતર બનતું અનુભવાવું જોઈએ. તેમ ન બને અને માત્ર જે દેખાય છે એટલું જ બને તો એક અહેવાલથી આગળ વારતા ન વધે.

^^^^વારતામાં બનતી ઘટના અને વાસ્તવમાં બનતી ઘટનામાં એક ફર્ક એ હોય છે કે ઘટનાનું કોઈ પ્રયોજન નથી હોતું. વૈજ્ઞાનિક કે સામાજિક કે વ્યક્તિગત કારણ હોય છે- પ્રયોજન નહીં. વરસાદ પડવો એ એક ઘટના છે. પ્રાકૃતિક, ઈશ્વર [કે કોઈ ગેબી શક્તિનો એજેન્ડા નથી કે વરસાદ પડે ] એક લગ્ન રચાય છે તો એ એક સામાજિક ઘટના છે, વ્યક્તિગત ઘટના છે. કોઈ નો એજેન્ડા હોય તો વ્યવહારિક એજેન્ડા છે. સૃજનાત્મક ઉદ્દેશથી ઘટના નથી ઘટતી.

વારતા સૃજ્નાતમ્ક ઉદ્દેશથી રચાય અને માટે તે કોઈ ઘટના જેટલી સપાટી પરની, કેવળ એક અર્થ ધરાવતી અને કોઈ વ્યવહારિક એજેન્ડા લઇ ને ચાલતી ન હોય. વારતામાં વરસાદ પડે તો એના ચોક્કસ કારણ હોય, ઉદ્દેશ હોય અને પરિણામ હોય . વરસાદના પડવાથી વારતાને ફરક પડે માટે જ વરસાદ પડે.

ઘટના અને વારતામાં બનતી ઘટના વચ્ચે આ ફરક છે. આ ફરક ન હોય તો વારતામાંની ઘટના માત્ર એક અહેવાલ બનીને રહી જાય.

####

પાત્રોનું મનોજગત ? સંજોગવશ ઘટેલી દુર્ઘટનાથી સર્જાતી દોષભાવના કે હતાશા..?

^^^ વારતામાંનાં પાત્ર કશુક અનુભવતા હોય એવી વારતાની માંગ હોય તો પાત્રની મનોસ્થિતિ બતાવવી પડે. જરૂરી નથી કે આ મનોસ્થિતિ સીધે સીધા વર્ણનમાં આવે. ક્યારેક લેખક ઘટના અને ઘટના પરની પાત્રની પ્રતિક્રિયા પરથી પાત્રની મનોસ્થિતિ બતાવી દે.અથવા અન્ય કોઈ રીતે પણ બતાવે એ જરૂરી છે. કેમ કે પાત્રની મનોસ્થિતિ ઘટનાને પરિમાણ આપે છે. ઘટનાને વારતામાં ફેરવનારું એ મુખ્ય તત્વ છે.

####

ઘટના ઘટી જતી હોય છે, વારતા રચવી પડે ..

^^^^ એક વારતા અને એક ઘટનામાં શું ફરક ..?

ખુબ. આપણા કામના ફરક તપાસીએ. ઘટના ઘટે છે – જેના એક કે અનેક પરિબળ હોય છે અને દરેક ઘટના ચોક્કસ પરિણામ નીપજાવે એ જરૂરી નથી. પરિણામ નીપજવાના કે ન નીપજવાના એક કે વધુ કારણ હોઈ શકે છે. અને એ સારનો સંયોગિક, સામાજિક કે વ્યક્તિગત હોઈ શકે. દાખલા તરીકે એક સ્ત્રી મુંબઈ થી પુના જવા નીકળી, બસ બગડી, કોઈની કારમાં લીફ્ટ લીધી, કારમાં એને જુનો મિત્ર મળી શકે અથવા નવો દુશ્મન મળી શકે.

જુનો મિત્ર દુશ્મન જેવું વર્તન કરી શકે અને નવો દુશ્મન મૈત્રીપૂર્ણ હોઈ શકે.

આમ સફરમાં નીકળેલી સ્ત્રી સાથે મનભાવન અથવા ખેદજનક કંઈ પણ ઘટી શકે. ડીપેન્ડસ. કોણ કેવું મળે છે અને તે સમયે શું થાય છે. નિયતિનો ખેલ. સામાજિક સંદર્ભ જે હોય એ અથવા એ સ્ત્રી જ કૈંક અણધાર્યું કરી બેસે. કંઈ પણ બની શકે. અથવા કંઈ જ જાણવા – કહેવા – સાંભળવા જેવું ન પણ બને – બધું સરળ પાર પડે.

પણ આ વિગત જો વારતાની હોય તો..?

બસ બગડશે કે નહીં, સ્ત્રી લીફ્ટ લેશે કે નહિ, લીફ્ટ આપનાર કોણ હશે..? કેવો હશે અને લીફ્ટ લીધા બાધ વાસ્તવમાં શું બનશે – આ બધ્માથી કોઈ વસ્તુ અનિશ્ચિત નથી. આપોઆપ નથી બનવાની અને જે કઈ બનશે એનું એક ચોક્કસ લક્ષ્ય હશે. એ લક્ષ્ય છે વારતાનું લક્ષ્ય.

####

અને પ્રસ્તુત રચનારીતીમાં વારતાને ઘટનાના નકાબમાં પીરસવી પડે જેથી વાચકને લાગે કે ઘટના ઘટી રહી છે પણ તેના સુધી પહોંચે વારતા.

^^^^ અહીં જે ઉત્તરની વાત થાય છે એમાં મુખ્ય સ્તર પર એક ઘટના છે. પણ એ ઘટના ને સમાંતર મેં ઉપર જણાવ્યા એ પાસા ગાયબ છે. એ હોવા જોઈએ અને એ એવી રીતે હોવા જોઈએ કે જાણે ઘટનાનો હિસ્સો હોય .. તો વાચક સભાન થયા વિના વારતા માણી શકે."


હવે, થયું હતું એવું કે આ દીર્ઘ કમેન્ટ પણ સંજયને પુરેપુરી નહોતી સમજાઈ પણ તેમણે એ ત્યારે ને ત્યારે કહેવાની બદલે શિબિરમાં જણાવ્યું અને તેમની વાત સાથે અન્ય સભ્યો પણ સહમત હતા કે તેમના પોતાના ટાસ્ક પરની રાજુની કમેન્ટ પણ ઘણીવાર નથી સમજાતી. આ દીર્ઘ કમેન્ટનું નીરજે મોટા અવાજે પઠન કર્યું અને આજની શિબિરમાં અગાઉ ચર્ચાયેલ મુદ્દાઓને આધારે સહુને આ ટીપ્પણી બરાબર સમજાઈ ગઈ. આ બાબતે સુત્રધારનો એવો ખુલાસો હતો કે, તેમની ટિપ્પણીઓ કંઈ એવી પણ અઘરી નથી હોતી કે સમજાય જ નહિ. ગુજરાતીમાં હોય તો ન સમજાય એવું થવું જ ન જોઈએ. આ વાતને આપણો ઈગો પ્રોબ્લેમ બનાવી લઈને બે-ત્રણ-ચાર વાર એ ટીપ્પણી વાંચવી અને છતાંય ન સમજાય તો એ સમજાવવા સુત્રધાર બેઠા જ છે. તેમની એ ફરજ છે કે જ્યાં સુધી ન સમજાય સમજાવતા રહેવું. પરંતુ એવી અપેક્ષા ન રાખવી કે ટીપ્પણી સહેલી લખવામાં આવશે.

ટીપ્પણી બાબતની દીર્ઘ ચર્ચાને અંતે વાંચન વિષેના હજુ એક-બે મુદ્દાઓ ચર્ચાયા
"સૌંદર્યો પામતા પહેલા સૌંદર્ય બનવું પડે." - કલાપીની આ સુવિખ્યાત પંક્તિ વાંચન-લેખન માટે પણ લાગુ પડે છે. સાહિત્ય સર્જતા પહેલા સાહિત્યને, સાહિત્યિક મુલ્યોને સમજવા પડે.

ઝવેરચંદ મેઘાણીના આ લખાણ મુજબ જરૂરી નથી કે બહેતર વાર્તા વાંચીને જ તમારું સાહિત્યસર્જન બહેતર કરી શકો. અન્ય ક્ષેત્રનું વાંચીને પણ તે બહેતર થઇ શકે. અને આ જ મુદ્દાને હજુ એક ડગલું આગળ લઇ જઈને જોઈએ તો વાસ્તવિક ઘટના, માણસો કે ફિલ્મો વાંચો. બે માણસ ઝઘડે છે એ વાંચો.

દાખલા તરીકે એક માણસને એક જ ગાળ આવડે છે - "રંડી". ચોર, હત્યારા વગેરે બધાની અવેજીમાં તે આ એક જ શબ્દ વાપરે છે. આની પાછળ અનેક કારણો હોઈ શકે. જેમ કે તેણીને અનેક પુરુષ મિત્રો છે એ વાતની ઈર્ષા આ વ્યક્તિને હોઈ શકે. કે પછી તેની પોતાની જ અતૃપ્ત વાસના. શક્યતાઓ અનેક છે...

આ સાથે આજના મુખ્ય વિષયની ચર્ચા પૂરી થઇ સાથે બીજી વખતની ચા નો સમય થઇ ચુક્યો હતો. ચા ને કંપની આપવા સુકી ભેળ, પૌઆ અને સમોસા પણ હાજર હતા.લાઈવ ટાસ્કઆ નાનકડા બ્રેક પછી (જે ખાસ્સો એવો લાંબો ખેચાયો) આજનું લાઈવ ટાસ્ક આપવામાં આવ્યું. જેમાં દરેકે પાંચ અસંબદ્ધ વાક્યો એક કાગળ પર લખવાના હતા અને લખાઈ જાય એટલે મોટેથી વાંચવાના. બધાના વાંચી જાય પછી તેમની વચ્ચે એકેક એમ કુલ ચાર એવા વાક્યો ઉમેરવાના કે તેમને જોડીને એક સંપૂર્ણ ચિત્ર ઉપસે.

દાખલા તરીકે મારા મૂળ પાંચ વાક્યો આ મુજબ હતા -

વાક્ય ૧ - પગમાં ખાલી ચડે તો પગ ભારે થાય?
વાક્ય ૨ - ગોલ્ડ ફ્લેક સિગારેટ એટલે સોનામાં સુગંધ...
વાક્ય ૩ - આઇન્સ્ટાઇન ક્યારે મળ્યા હશે?
વાક્ય ૪ - મારી પેન લખવામાં બહુ સ્મુધ છે પણ વજનદાર એટલી કે લાંબુ ન લખાય
વાક્ય ૫ - કાલથી ફરી ઓફીસ

જેમાં મેં નીચે મુજબના ચાર વાક્યો ઉમેરીને ચિત્ર પૂરું કરવાની કોશિશ કરી --

"પગમાં ખાલી ચડે તો પગ ભારે થાય?", રવિવારને દિવસે ચાર કલાકથી ઓફિસનું કામ લઈને બેઠેલા રવિનું ધ્યાન આવા ફાલતું વિચારોમાં ભટકી રહ્યું હતું. ગોલ્ડ ફ્લેક સિગારેટ એટલે સોનામાં સુગંધ... મગજ ફોકસ કરવા તેણે એક ઊંડો કશ ખેંચ્યો. 'આઇન્સ્ટાઇન ક્યારે મળ્યા હશે?' એ વિષય પર બોસ્સની દીકરીનું હોમવર્ક કરી આપવાના એને શા અભરખા ઉપડ્યા હતા કોણ જાણે? "મારી પેન લખવામાં બહુ સ્મુધ છે પણ વજનદાર એટલી કે લાંબુ ન લખાય", એવું બહાનું તો બોસ માન્ય નહિ જ રાખે પણ શું કરવું, કાલથી ફરી ઓફીસ.

(બીજું ઉદાહરણ અહેવાલને અંતે આપેલી પરાગ ગ્યાનીની નોંધમાં જોઈ શકાશે)

બધાને આ લાઈવ ટાસ્ક કરવામાં મજા પડી પણ સુત્રધારે આ ટાસ્ક શા માટે આપ્યું હતું? અભિધાના સ્તરે જોઈએ તો આ ટાસ્ક ખાલી રમત જ છે જે ઘણી વાર શાળા કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. પરંતુ વ્યંજનાના સ્તરે આ ટાસ્કનો એક અર્થ વાર્તામાં અસંબદ્ધ ઘટના ઉભી કરીને એમાંથી રસ નિર્માણ કરી શકાય. બીજો અર્થ જેમ આ ટાસ્ક લખવું એ લેખક માટે ચેલેન્જ હતી તેમ તમારા પાત્રો માટે કનફ્લીક્ટ ઉભી કરવી અને કરતા રહેવી. વાર્તામાં પાત્ર સામે અઘરી પરિસ્થિતિ ઉભી થાય તો તેનાથી ભાગો નહિ. થવા દો. જે થશે એ કાગળ પર જ ને.

દાખલા તરીકે, રાજુ એક નાટક લખ્યું હતું જેમાં એક સીનમાં હિરોઈન હીરોના ઘરે આવી હોય છે અને ત્યારે જ હિરોઈનનો બાપ ત્યાં આવી ચડે છે. રાજુએ લખેલા દ્રશ્ય મુજબ એ હિરોઈન રસોડામાં ચાલી જાય છે અને એટલી વારમાં હીરો તેના બાપને ત્યાંથી ભગાડી દે છે. પરંતુ દિગ્દર્શકે કહ્યું કે પેલી હિરોઈનને રસોડામાંથી બહાર લાવ ને. ભલે એનો બાપ ત્યાં રહ્યો. એમાંથી જ તો કોમેડી કે ડ્રામા જનમશે.

પ્રશ્નોત્તરી

નીરજ: કોનફ્લીક્ટ નાખવી જરૂરી?

માત્ર કોનફ્લીક્ટ જ નહિ સબ-કનફ્લીક્ટ પણ નાખો. કોનફ્લીક્ટ વગર તો વારતા શક્ય જ નથી. પણ તેને રસપ્રદ બનાવવા માટે દરેક પળે પાત્રને ચેલેન્જ આપતા રહો.

પરાગ: ડીટેક્ટીવ કથામાં વ્યંજના ક્યાં?

બહુ જ સરસ પ્રશ્ન. સામાન્ય રીતે ડીતેક્ટીવ કથાઓમાં ઘટનાનું ખુબ મહત્વ હોય છે. એટલે જ તેને પલ્પ ફિક્શનમાં ખપાવી દેવામાં આવે છે. પરંતુ એમાં ભાવના ન હોય એવું જરૂરી નથી. હા, સામાન્ય રીતે લેખકો એ લેવાની તસ્દી નથી લેતા કારણકે એના વગર પણ વાર્તા વેંચાય છે. જેમ કે, અશ્વિની ભટ્ટની વાર્તાઓમાં વ્યંજના હોય છે.

તુમુલ: માત્ર વ્યંજના વાળી વાર્તા હોય? અભિધા વગરની ...

બિલકુલ. દરેક વાર્તા પોતાનું વ્યાકરણ લઈને આવતી હોય છે. જો તે વાર્તાને અભિધાની જરૂર હશે તો એ સાથે લઇ આવશે અને નહિ હોય તો માત્ર વ્યંજનાના સ્તરે પણ અવતરશે. મધુ રાયની 'સરલ અને શમ્પા' આવી વાર્તાનું ઉદાહરણ છે.

****************

પરાગ ગ્યાનીની નોંધ: 

“जो कहा नहीं, वो सुना करो !”

ફરી એક રવિવાર અને ફરી એક શિબિર. સહેજ પણ સમયનો વ્યય કર્યા વગર રાજુએ સમયસર આવેલાં સભ્યો સામે, લોકમિત્ર લિખિત સાડાપાંચ પાના લાંઆઆઆઆબી કવિતા વાંચવા/સાંભળવા લાવી નીરજ કંસારાના હાથમાં મુકી દીધી ! “ અને ફક્ત ત્રણ જ મિનિટમાં ચાય આવે છે” એવી ધરપત આપી રાજુ અલોપ થયા ! અને નીરજે એના ઊંચા સૂર વડે સૌની બપોરની સુસ્તી પર પ્રહાર શરૂ કરી દીધા. ???

કેટલીક સુંદર કૃતિઓને સમજવા પહેલા એની નજીક જવું પડે છે. એ ન્યાયે મેં પણ એ કવિતાને ફરી પાસે લઈ વાંચી અને કૃતિએ એનો જાદુ વેરી દીધો એવી સહેજ હૈયા-ધારણા પણ બંધાઈ. પણ હાય રે કિસ્મત! રાજુએ ચાય સમેત આવતાં વેંત “ આ કવિતામાં જે લખાયું છે એ વિષેની એ કવિતા ન પણ હોય.” એ તરફ સૌને નજર દોડાવવા કહ્યું. અને બગાસા છતાં કરેલી તમામ મહેનત પર ગરમ ચાય ફરી વળી.આ એક જ વાક્ય વડે રાજુ સૌને અજાણતાં જ અભિધાથી વ્યંજનાના સ્ટેશને દોરી ગયા. અને શિબિરે જાણે એનું ગિયર બદલ્યું.

આ શિબિર રાજુના પડોશી મીસીસ યશપાલ શર્મા (‘લગાન’ ફેઈમ)ના ઘરે લેવાઈ હતી, એટલે રાજુ અને કિશોરભાઈ કયારેક ચાયની પ્યાલી તો કયારેક કોઈ રેફરન્સ પુસ્તક સાથે એકથી બીજા ફલેટમાં પ્રગટ થઈ, કયારેક ખુદ અભિધા, તો કયારેક ખુદ વ્યંજના બની, અમ શિબિરાર્થીઓ વચ્ચે સતત ઝુલતા રહ્યા. વાર્તાકળા વિષેની આ બે બંધુઓની ધગશથી દિલ બાગબાગ થઈ રહ્યું હતું.

અચાનક રાજુ ‘ સઆદત હસન મન્ટો દસ્તાવેજ, ભાગ-5’ લઈ પ્રગટ થયા ! મન્ટોની કોઈ રસાળ વાર્તા પઠનની બધી આશા પર ત્યારે પાણી ફરી વળ્યું જ્યારે એમણે મન્ટોએ ‘અંકલ- સેમ’ ને ઉદ્દેશીને લખેલા પત્રનું પઠન શરૂ કર્યું. ખેર. મન્ટોના આ પાંચ ભાગમાં વિસ્તરેલા પુસ્તકોમાંથી અકળ કારણોસર મારા એકમાત્ર ન વાંચાયેલા પત્રોના પઠનથી જ રાજુએ નવી વાતની શરૂઆત કરી ! પાકિસ્તાનમાં રહ્યે રહ્યે અમેરિકાના દેશ અને તેની સરકારને એક વ્યક્તિ તરીકે કલ્પી/લખી મન્ટોએ એક એવી વ્યંજનાના સૂરમાં વાત મુકી કે પાકિસ્તાન સરકાર એ સમજી જ ન શકી અન્યથા એ કૃતિ પ્રગટ જ ન થઈ શકી હોતે !

કોઈપણ અચ્છી કૃતિ એક સ્તર પર લખાઈ હોતી નથી. એના એકથી વધુ સ્તરો હોય છે અને એજ એને કાળજયી બનાવે છે ! જ્યારે કોઈ કૃતિ હાથમાં આવે ત્યારે એને જે શબ્દો થકી લખાયું છે, એ નકરાં શબ્દો વડે જ વાંચવી એ અધૂરું વાંચન હશે.જેમ પેલા શેરમાં કહેવાયું છે એમ-

‘જો કહા નહીં વો સૂના કરો,
યે ગઝલ કી ઐસી કિતાબ હૈ,
ઈસે ચૂપકે ચૂપકે પઢા કરો,
કિસી શામ ઘર ભી રહા કરો !’ (-બશીર બદ્ર)

શિબિરનો સૌથી સર્જનાત્મક હિસ્સો શિબિર વખતે જ આપવામાં આવતું લાઈવ ટાસ્ક છે. એની ઉત્કંઠા સૌને રહેતી હશે. આ વેળા કાગળ પર પાંચ સંબંધ ન ધરાવતા વાકયો લખવા કહેવાયું અને એ પછી દરેક વાક્ય વચ્ચે એને જોડતાં બીજાં એક-એક એમ પાંચ વાક્ય ઉમેરી એક સળંગ લખાણ બનાવવાનું ફરમાન થયું. સૌએ ટાસ્કને ન્યાય આપ્યો પણ રાજુલ ભાનુશાળીનાં લખાણનું રમતિયાળપણું એને કેવો આલા- અંજામ દીધો એ ઘરે જતાં જતાં યાદ રહી ગયું ! આ રહ્યાં એમની કલમે લખાયેલાં એ પ્રથમ પાંચ અને પછી બીજા પાંચ જોડતાં વાક્યો; માણો.

1) આજે સવારના હું ઘણી મોડી ઉઠી!
3) આ શિબિર ક્યારેક ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગે..
5) હવે મારે ઓલાનું એપ ડાઉનલોડ કરી લેવું જોઈએ, જેથી વારંવાર દીકરાને હેરાન ન કરવો પડે.
7) સાલ્લી સમીરા કાયમ આટલી જ સુંદર કેમ લાગતી હોય છે?
9) એક ઢાંસુ વિષયની શોધ છે..
_________________________

2) પણ શિબિર મીસ નથી જ કરવી.
4) 'બેટા, ગોરેગામ જવા ઓલા બુક કર..'
6) 'કયો ડ્રેસ પહેરું જેથી એને ટક્કર આપી શકાય!'
8) છડ્ડો યાર.. એના કરતા એક જક્કાસ વાર્તા લખવી વધુ સહેલી છે.

(અને આમ બની એક સળંગ વાત !)...

આજે સવારના હું ઘણી મોડી ઉઠી! પણ શિબિર મીસ નથી જ કરવી. આ શિબિર ક્યારેક ખૂબ ઇન્ટરેસ્ટિંગ લાગે.. 'બેટા, ગોરેગામ જવા ઓલા બુક કર તો..' હવે મારે ઓલાનું એપ ડાઉનલોડ કરી લેવું જોઈએ, જેથી વારંવાર દીકરાને હેરાન ન કરવો પડે. 'કયો ડ્રેસ પહેરું જેથી એને ટક્કર આપી શકાય!' ‘સાલ્લી સમીરા કાયમ આટલી જ સુંદર કેમ લાગતી હોય છે?’ છડ્ડો યાર.. એના કરતા એક જક્કાસ વાર્તા લખવી વધુ સહેલી છે. એક ઢાંસુ વિષયની શોધ છે..

#####

લિખાવટનો કેવો જાદૂ રાજુલની કલમે આત્મસાત કર્યો છે, એ વાતને આ દસ જ વાક્યો સાબિત કરે છે!

આવા લેખનકળાના સંઘર્ષના સેવનથી જ વાર્તા મળે તો મળે.. આમ-આમ કરશું તો વાર્તા સહેલાઈથી બેસી જશે; એમ કરવાથી તો સાહેબ, વાર્તા જ બેસી પડશે ! વાર્તામાં ગૂંચ આવવા દ્યો, એ ગૂંચને ઉકેલવાની કળા ખીલવો,તો જ વાર્તારાણી રીઝશે !

આગળ વાંચો »