Sunday 30 August 2015

આઈ ટી -- નેહા રાવલ

આઈ ટી - મમતા મેગઝીન ઓગષ્ટ  ૨૦૧૫ અંકમાં આવેલ નેહા રાવલની  વાર્તા


અજયે ઘડિયાળ માં જોયું , પછી કેલેન્ડર માં  ને ફરી ઘડિયાળ માં જોયું.ઓહ્હ...આજે તો ૨૧ તારીખ પણ થઇ ગઈ ને પેલો શાહ નો બચ્ચો ઇન્કમટેક્ષરીટર્ન માટે લોહી પીએ છે.આજે તો જવું જ પડશે ....એમ બબડતો તૈયાર થાય છે  ત્યાજ....
“અરે, સાંભળો છો..?” વાઈફ  ટહુકી
“ના ....બહેરો છું ...(કાશ ..હોત...)”
“આજે સાંજે પેલી સીનીઅર સીટીઝન ક્લબ ની મિટિંગ છે. તમે વહેલા આવી જશો?”
“અરે....મને હજુ ૪૭ જ થયા છે. વાર છે સીનીઅર સીટીઝન મા ગણાવા ની ...”
“એ લોકો ફંક્શન ની વિગતો નક્કી કરવા આવવાના છે, કેમ ભૂલી ગયા? તમે જ તો બોલાવ્યા છે એમને હાઈ ટી માટે.. હું તેની વાત કરું છું  .”
“ હું વકીલ ની વાત કરું છું  .”
“વકીલ? આમાં વકીલ ક્યાંથી આવ્યો?”
“ ક્યાંથી તે  આ માર્ચ એન્ડીંગ માંથી ...બીજે ક્યાંથી? આપણા શાહ ના ફોન પર ફોન આવે છે રીટર્ન ફાઈલ કરવા ...એટલે  મારે ઓફિસે થી સાંજે ત્યાં જવું પડશે  તો હું એ મીટીંગ માં નહિ આવું”
“તો ફાઈલ હું આપી આવીશ...પછી?”
“એટલે તું  મને આજે સીનીઅર સીટીઝન બનાવી ને જ રહીશ ....એમ ને?”
“હા...તમે જ એમને ઇનાવાઈટ કર્યા છે તો તમારે તો હાજર રહેવું જ જોઈએ ને...?”
“સારું, આવી જઈશ. બીજો કોઈ હુકમ?”
“આજ માટે આટલુજ બસ.”
હાશ..નંદિતા એ અજય ને તો મનાવી લીધો પણ મુસીબત તો હવે શરુ  થઇ. હમણાં કેટરિંગ વાળા મિટિંગ માટેનો નાસ્તો ચખાડવા આવવાના છે..તેનું શું કરીશ..?હાથ માં ફાઈલ લઇ ને  એ વિચારતી જ હતી ત્યાં કૈક સુઝ્યું...અને પેલા ચાખું સ્પેશીયાલીસ્ટ રમા બેન ને પણ યાદ કરી લીધા.એટલામાં તો હાથ માં મોબાઈલ લઇ મોટે મોટે થી બોલતી લાડકી દીકરી નિક્કી રૂમ માંથી આવી ને ફરિયાદ કરવા લાગી.
“મમ્મી....તમે દીદી ને સમજાવી દો....હું ફર્નીચર માં રેડ કલર નહિ જ કરવા દઈશ.” ફરી પછી ફોન માં... “જુઓ દીદી આપણા બે નો રૂમ ભલે એક પણ ફર્નીચર તો બંને ને ગમે એવુજ કરાવીશું...કઈ તમારી એકલા ની મરજી નહિ ચાલે....”...મમ્મી....તમેં પણ કૈક કહો ને દીદી ને ! રેડ તે કઈ કલર છે? અને તે પણ ફર્નીચર માં..? આજે તો કદાચ ફર્નીચર માટે માણસો પણ આવશે  “....અને  નંદિતા ના જવાબ ની રાહ જોયા વગર પગ પછાડતી ફરી પછી રૂમ માં ભરાઈ ગઈ.
નંદિતા ફરી મૂંઝવણ માં....કેટલી દિશા એ મોરચો સંભાળવો....? ત્યાજ દીશાબેન જ એમની વહારે ધાયા. કૈક વિચારી ને નંદિતા એ દિશાબેન....જે વરસો થી આ ઘર માં જ કામ કરે છે..એમને બોલાવ્યા
 નંદિતા: “દિશા બેન..”
દિશા બેન:” હા, બોલોબેન.”
નંદિતા: “જુઓ દિશા બેન”
દિશા બેન: “જોયું”
નંદિતા: “એમ નહિ, મારી વાત સાંભળો.”
દિશા બેન: “સાંભળી.”
નંદિતા: “આજે સાંજે આપણા ઘરે હાઈ ટી છે”
દિશા બેન: “હાઈ ટી?એ શું ?આમ  ઉંચે બેસી ને ચા પીવાની....?”
નંદિતા: “ના હવે.. ચા નાસ્તો કરીએ ને તેને સારી ભાષા માં હાઈ-ટી કહે.”
દિશા બેન: “હા તો મારે શું કરવાનું છે?”
નંદિતા: “ના..ના..તમારે કઈ નથી કરવાનું.એ હાઈ ટી માટે મતલબ  નાસ્તા- પાણી માટે નાસ્તો બહાર થી જ મંગાવ્યો છે.”
દિશા બેન: “તો?”
નંદિતા: “મારે બહાર કામ છે. મારી ગેરહાજરીમાં જો એ માણસો આવે તો એમના અલગઅલગ નાસ્તા ચાખી ને , તમને અને બા ને ઠીક લાગેતે માટે હા કહેજો. બાકી ની વાત હું ફોન થી કરી લઈશ.બા ને પણ ચખાડજો.હું રમા બેનને પણ કહેતી જઈશ. એ ખાવાના શોખીન છે તે ચાખવા માટે આવશે તો સારું પડશે.”
દિશા બેન: “ભલે બેન.”
અને પછી નંદિતા શાહ ની ઓફીસ જવા નીકળે છે ત્યાજ લાડલો દીકરો  વિશાલ ભટકાઈ જાય છે.....કારણ કે એના હાથ માં લેપ ટોપ છે અને એની નજર લેપ ટોપ માં...
“વિશાલ...,મને જરા શાહ અંકલ ની ઓફિસે લઇ જઈશ...?”
“હું કઈ રીક્ષા છું તે લઇ જાઉં...હહાહા...”
“એ ડાહ્યા...હવે બહુ દોઢ ના થઈશ”
“મોમ ...આજેમારું લેપ ટોપ રીપેર કરવા પપ્પા ની ઓફિસે થી માણસો આવવાના છે.તો...હું કેવી રીતે આવી શકું ?”
“ઓહ...બધાજ બીઝી છે...મારા સિવાય ..ચાલો નંદુબેન ...એકલો જાને  એકલો જાને એકલો જાને રે....”
આ બાજુ નંદિતા ના ગયા બાદ ઘર માં અકળાયેલા  વિશાલ ને જોઈ ને દિશા બેન થી ચુપ નથી  રહેવાતું.....આમેય એમનાથી ચુપ નથી  રહેવાતું ..” તે હે ભાઈ..કેમ આમ ઉંચો નીચો થાય છે...કઈ થાય છે?”
“ ક્યાં ઉંચો નીચો થાઉં છું ..જેટલો છું એટલો જ તો છું.....૫ ફૂટ ૧૦ ઇંચ ..”
“રેહ વા દે ને ! અમારા જેવાની શું મશ્કરી કરે છે...?તું આમ આકળ વિકળ થાય છે એટલે પૂછું છું.”
 “ અરે માસી, પપ્પા ની ઓફિસે થી પટાવાળો મારું કોમ્પ્યુટર રીપેર કરવા માણસ ને લઇ ને આવવાનો હતો. (ઘડિયાળ માં જોઈ ને)કેટલી બધી વાર..?ક્યાર નો રાહ જોઉં છુ”
“ હમણાં?”
 “હા, દસ કહ્યું ‘ તું. અગિયાર વાગી ગયા....છે ને?  આ આઈટી વાળા ની કઈ વેલ્યુ છે?”
“ હશે ભાઈ,”
“ અરે..શું હશે?મારું કામ અટકી ગયું છે. હું ભવિષ્ય નો ઇન્ફોર્મેશનટેકનોલોજી નો એક એન્જીનીયર.......અને મારા કલાકો ના કલાકો માત્ર રાહ જોવા માં જાય?......તે પછી ક્યાં થી દેશ ઉંચો આવે?”
“ તે દેશ ઉંચે આવે કે ણા આવે , તું તો ઉંચે ગયો ને..?”
“ ઉંચે..?’
“ કેમ?  નીકી સાથે ના નીચે ના  રૂમ માંથી ઉપર એ.સી . વાળા રૂમ માં...”
“લો....નામ લો અને શેતાન હાજીર....કેમ ?” રૂમ માં થી બહાર આવેલી નીકી ને જોઈ ને વિશાલ બોલ્યા વગર ના રહી શક્યો ..
નીકી: “આહાહા... હું શેતાન ? અને પોતે તો જાણે ભગવાન નો અવતાર....”
વિશાલ : “તું તારું કામ કર ને ચાપલી ...મારા અવતાર નું વિચાર્યા વગર...”ત્યાજ દરવાજા ની ઘંટી વાગી. હવે, દરવાજા ની બહાર જે બે વ્યક્તિઓ છે એ હકીકત માં ઇન્કમટેક્ષ ઓફિસર છે જે એમના સીનીઅર મેડમ વગર પહેલીવાર જ રેઇડ માટે આવ્યા છે. અને એટલેજ થોડા ઘબરાટ માં અને થોડા બઘવાટ માં છે પણ રોફ થી આંજી દેવાના ઈરાદા સાથે એકબીજા ને સાંત્વન આપે છે .
ખન્ના: “રાજેશ...”
રાજેશ: “હા, ખન્ના”
ખન્ના: “આજે તો મેડમ વગર આપણે પહેલી વાર રેડ પાડવા આવ્યા છીએ. મને તો ઘભરાટ થાય છે.”
રાજેશ: “અરે, જો જે ને...રોફ થી બધા ને એવા આંજી દઈશું કે મેડમ ની કમીનહિ લાગે. ઇન્કમટેક્ષની રેડ કોને કહેવાય?”
અને દરવાજા ની અંદર નીકી ને એમ કે ફર્નીચર વાળા આવ્યા છે.નીકી દરવાજો ખોલે છે .
રાજેશ: “મિ. અ....જય મહેતા નું ઘર ..આજ ને..?”
નિક્કી: “હા, બોલો,”
હવે ઘર ના લોકો ને આંજી દેવાના ઈરાદેખન્ના જોર થી બોલે છે ...
“ રેડ ..મેડમ રેડ.....”
તો આ તરફ નીકી પણ કઈ ઓછી ઉતરે એવી થોડી છે..? એણે બમણા જોર થી જવાબ આપ્યો .
“ના...ના.....ને ના......”
રાજેશ: “શેની ના...?”
નિક્કી: “મેં કહ્યું ને....મને રેડ પસંદ નથી.”
ખન્ના: “તે એતો કોઈ ને જ ના પસંદ ના હોય ને....”
નિક્કી: “તો શું જોઈ ને તમે રેડ માટે આવ્યા છો..?લાગે છે દીદી એ મોકલ્યા છે..”
રાજેશ: “એ તો અમારું કામ છે.એમાં તમે અટકાવશો તે નહિ ચાલે.”
નિક્કી: “અને હું નાં કહું તો? હમણાજ દીદી ને ફોન કરી ને ના કહું છું.મને રેડ પસંદ જ નથી.તમે સમજતા કેમ નથી.?”
ખન્ના: “અચ્છા.....મેડમ તમારા દીદી છે.....!પણ સાફ સાફ સાંભળી લો.અહી કોઈ ની ઓળખાણ થી કોઈ ફર્ક નથી પડવાનો.....એટલે તમે વધારે નહિ બોલો તેજ સારું છે(રાજેશ તરફ ફરી ને)કેમ ને રાજેશ?”
રાજેશ: “હા, ખન્ના...”
નિક્કી: “અરે વાહ...પૈસા અમારા જાય  ને અમારે કઇજ નહી બોલવાનું?”
રાજેશ: “ખન્ના, આ બેન ને સમજાવી દો, આપણને આપનું કામ કરવા દે.આઈટી વાળા સાથે આમ વાત ના થાય.”
નિક્કી: “ તો એમ કહો ને....તમે આઈટી માં થી આવો છો...(સ્વગત...”હું પણ વિચારું કેઆજ કાલ સુથારો  આમ સાહેબ જેવા......અને પાછા રેડ રેડ કરે...)”  આ રેઇડ શબ્દ ની અસર નહિ થતા બંને ઓફિસર વિચારેં છે કે હવે આપણે રેઇડ નહિ બોલવાનું , ફક્ત આઈ. ટી. માંથી આવ્યા છીએ એમજ કહેવાનું .અને  આ તરફ રાહ જોઈ ને અકળાયેલો વિશાલ આ બંને પર વરસી પડે છે
વિશાલ: “કેટલી બધી વાર લગાડી..?ક્યારનો તમારી રાહ જોઉં છું
રાજેશ: “શું વાત છે ખન્ના, લોકો આપની પણ રાહ જુએ છે...?(વિશાલ તરફ ફરીને)તો ચાલો, શરુ કરીશું?”
વિશાલ: “હા, તો કરી દો....જુઓ., આ રહ્યું મારું  લેપટોપ.”

વિશાલ ના મોબાઈલ માં રીંગ વાગે છે.એ ફોન લઇ ને સાઈડ માં જઈ છે નેવાત કરે છે  એટલે
બંને ઓફિસરો શંકા થી  એકબીજા સામે ને પછી વિશાલ સામે જુએ છે.
વિશાલ: “મારે ઉપર ના રૂમ માં કામ છે.તમે બધું  ચેક કરી ને બરાબર કરી ને જજો.”
ખન્ના:”તે બધુંચેક કરવા જ તો આવ્યા છીએ કેમ રાજેશ? .”
રાજેશ: “હા, ખન્ના.” બંને રોફ મારવાની કોઈ તક ગુમાવવા માંગતા ના હતા. પણ હાલત તો હવે કફોડી થવાની હતી.
વિશાલ: “દિશા માસી,આમના માટે પાણી લાવજો...” કહી ને વિશાલ તો ગયો ઉપર ના રૂમ માં..અને દિશા બેન પાણી લઇ ને હાજર.હવે લેપટોપ જોઈ ને મૂંઝાતા બનેન ઓફિસરો ને જોઇને દિશાબેન ને ગમ્મત પડે છે.આમેય , આ ઘર ની હવા મા જ ગમ્મત અને રમુજ  લહેરાયા કરે છે .બન્ને  ઓફિસરો ને લેપટોપ માં કઈ સમજાતું થી. ઘર માં તપાસ કરવાના ઈરાદે તેઓ બાથરૂમ થી શરુ કરવા વિચારે છે.દિશા બેન ને બાથ રૂમ બતાવાનું કહેતાજ...અચરજ અને નવાઈ થી દિશાબેન પહોળી આંખે એમને તાકી રહે છે....”અરે, પાણી તો હજુ હમણાં જ પીધું ને એટલી વાર માં બાથરૂમ..?” અને એમાં વળી બંને ને સાથે બાથરૂમાં માં જતા જોઈ દિશાબેન રીતસર ના હેબતાઈ જ ગયા. કૈક શંકા થી ઓફીસરો વિષે અને જમાના ના બદલાતા ચલણ વિષે મન માં ગડમથલ અનુભવતા ‘કોને પૂછવું ‘એમ વિચારતા જ હતા ...ત્યાં તો મંદિરે ગયેલા બા પાછા આવી જાય છે. મંદિર ની ભીડ થી થાકેલા બા હજુ તો બેઠા...ત્યાજ બાથરૂમ માં થી પેલા બંને ઓફિસરો બહાર રૂમ માં આવ્યા..અને આમ તેમ ઉપર નીચે બધે જોવા લાગ્યા.
રાજેશ: “બાથરૂમ માંથી તો કઈ નથી મળ્યું.”
દીશા બેન: “તે ત્યાં વળી શું હોય?...અને તમને જોઈએ છે શું..?(લેપટોપ બતાવતા)આવું આ રીપેર કરવાનો સામાન સાથે નથી લાવ્યા તે આમ તેમ ફાફા મારો છો?”
હવે આ લોકો વિષે બા ની પૂછપરછ માં દીશાબેને જણાવ્યું કે એ લોકો તો વિશાલભાઈ નું લેપટોપ રીપેર કરવા આવ્યા છે. આટલી બધી ગેરસમજ પોતાના વિષે જોઈ ને ઓફિસરો તો અવાક!!! એટલે એમાંના એકે ફોડ પાડ્યો “માસી, એમ મન ફાવે તેમ ના બોલો. અમે આઈટી માંથી આવ્યા છીએ”
હવે નવો ફણગો ....દિશાબેન બા ને સમજાવે છે..બા..એ તો હાઈ ટી બોલતા નથી આવડતું ને, એટલે આઈ ટી - આઈ ટી કહે છે. એ તો બેન મને બધુય સમજાવી ને ગયા છે.” હવે આ ‘સમજાવીને’ માં શું ‘સમજાવ્યું’ હશે એ ઓફિસરો ને  ‘સમજતા’ વાર ના લાગી. હવે વારો હતો દિશાબેન નો..નાસ્તા ચાખવાનું અને ફાઈનલી નક્કી કરવાનું કામ એમણેજ તો કરવાનું હતું .
“ તે ભાઈ.નાસ્તા પાણી નું શું છે?”
ખન્ના: “આપણે ને એ બધું પસંદ નથી.”
દિશા બેન: “પસંદ નથી? ..તો એવા ધંધા માં પડ્યા જ શું કામ?”
રાજેશ; “તો પછી......કઈ પણ ગરમા ગરમ ચાલશે.”
દિશા બેન: “તે તમારી પાસે શું શું છે?”
ખન્ના: “અમારી પાસે....?(નવાઈ  થી રાજેશ ની સામે જુએ છે.)જુઓ માસી , અમારી પાસે કઈ ના હોય. તમે જે આપો તે........”
દિશા બેન: “લે....વળી....નાસ્તા વાળા ને મારે સામેથી નાસ્તો આપવાનો?”....અને આ નવાઈ હજુ શમે ના શમે ત્યારો હાથ માં મોટી તપેલી લઇ રમાબેન આવી પહોંચ્યા...નાસ્તો ચાખવા જ તો વળી ! અને આવતાની સાથે જ  આ બંને ને જોઈ ને  એમણે તો નાસ્તા ની ઉઘરાણી પણ કરી,
તે શું નાસ્તો છે હે..?ફાફડા સાથે ચટણી તો છે ને......? અમને તો ચટણી ને મરચા વિના ફાફડા ભા....વે જ નહિ . હે ને દિશા બેન..?
દિશા બેન: “હા , બરાબર જ તો!”
રમ બેન: “જો ભાઈ..ચટણી વિના ફાફડા અને ચા વિના ગાંઠિયામાં મજા નો આવે.અને હા,,જો સમોસા, વડા પેટીસ,કટ્લેસ  હોય તો સાથે સોસ પણ આપજો. એકલું તોકઈ જામે નહિ.”
દિશા બેન: “અરે હા, તે દિવસે વનિતા બેન ને ત્યાં......? પેલા સમોસા......કેટલા ટેસ્ટી હતા ને બા? પણ તોયે મજા નો આવી.પૂછો કેમ?”
રાજેશ, ખન્ના: “કેમ..?કેમ?”
દીશા બેન: “અરે, ચટણી કે સોસ કઈ જ નહી આપ્યું ને...! તે પછી સમોસા ની મજા ના જ આવે ને!”
રમ બેન: “અને તમે જો ચાઇનીસ સમોસા લાવ્યા હોવ ને તો મને હમણાં આપો ને..અને એની સાથે  કઈ નોવેલ્ટી ચાઇનીસ સોસ પણ આપજો...સોયા સોસ..ચીલી સોસ..એવો કોઈ..અને વેરાઈટી માં બીજું શું શું છે?”આ બધી વાતો થી ઓફિસરો હવે બરાબર ના કંટાળ્યા. એકતો કોઈ એમને ચા નાસ્તા નું પૂછતું નથી ને સામેથી નાસ્તો માંગે છે? આ બધું શું છે? ત્યાતો દિશાબેને હજુ બાકી રહેલી વાત નો તંતુ ઝાલ્યો.
દિશા બેન: “શું લાવ્યા શું ખબર?..એક તો કઈ સરખું બોલતા નથી ને ચખાડતા પણ નથી.” આ સાંભળતાજ રમાબેન ની નાસ્તો ચાખવાની અધીરાઈ ચરમ સીમા એ પહોંચી. એમણે એક ઓફિસર નો કોલર પકડી ને હલબલાવી નાખ્યો, અને જોર થી ઘાંટો પાડયો , “ કે.......મ.......?.....જો ભાઈ.ચટણી ને સોસ ના જોઈએ તો એક્સ્ટ્રા પૈસા લેજો,  પણ જોઈએ એટલે જોઈએ...” આટલી કડક ઉઘરાણી થી બે ઘડી તો ઓફિસરો પણ ભૂલી ગયા કે એ આઈ. ટી. વાળા છે કે હાઈ. ટી વાળા?!  અચાનક ઊંઘ માં થી ઝબકી ને જાગે એમ એમાંથી એકે કહ્યું ,” માસી....હાઈ ટી નહિ...આઈ ટી...!  આઈ ટી ઓફીસર....ઇન્કમટેક્ષ ઓફિસર.....” ત્રણે સ્ત્રીઓ  બંને ઓફિસરો ને રમુજ થી જુએ છે. ઓફિસરો ને થયું કે હવે તો આ બા સાથે જ વાત કરવી જોઈએ. નહિ તો આગળ જતા શું હાલ થાય એ કલ્પના બહાર ની વાત છે. આમ પણ....હમણાં સુધી કોઈ એ ઇન્કમટેક્ષ  ઓફિસરો નો કોલર પકડ્યો હોય એવું તો એમની જાણ માં ક્યારેય આવ્યું ના હતું..! એ કઈ પૂછે એ પહેલા બા એ જ વાત શરુ કરી. “ તે ભાઈ, તમે શું કામ કરો?”
ખન્ના: “માસી, અમે આઈટી એટલે ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટમાં થી આવીએ છીએ.”
બા:  “હા....તો?”
રાજેશ:  “તો...એટલે? આ અજય મહેતાનું જ ઘર છે ને....?”
બા: “હા”
ખન્ના: “આ અજયભાઈએ છેલ્લાદસ વર્ષ થી ઇન્કમટેક્ષ નથી ભર્યો.”
બા: “ હા...તો..?”
રાજેશ: “તો એટલે...?તમને ખબર છે ઇન્કમટેક્ષ નહિ ભરવો કેટલો મોટો ગુનો છે.?”
બા: “પણ અમે  ઇન્કમટેક્ષ શું કામ ભરીયે? અમારે ઇન્કમટેક્ષ નથી ભરવો.” હવે ઓફિસરો ને યાદ આવ્યું ...પૂરેપૂરું કે તેઓ રેઇડ માટે આવ્યા છે. ખન્ના: “નથીભરવો એટલે, સમજો છો શું તમારા મન માં...?તમારે ઇન્કમટેક્ષ ભરવો જ પડશે, તે પણ વ્યાજ સાથે...” તો સામે છેડે બા પણ ક્યાય ગાંજ્યા જાય એવા ના હતા. “ પણઅમે ઇન્કમટેક્ષ શું કામ ભરીયે? ઇન્કમટેક્ષ ભરવો અમારા સિદ્ધાંત ની વિરુદ્ધ છે.”
રાજેશ: “શું કામ એટલે..?સરકાર ને કામ કરવા કેટલા બધા પૈંસા જોઈએ.”
બા: “કયા કામ?”
ખન્ના: “કયા કામ એટલે..?આ સરકાર તમારા માટે રસ્તા બનાવે...પુલ બનાવે...બંધ બાંધે....તે અન પૈસા ક્યાં થી લાવે...? વિચારો જરા?”
બા: “તે હે ભાઈ, મેં સરકાર ને કહ્યું તું કે પુલ બનાવો,,,રસ્તા બનાવો...બંધ બાંધો..  ! અને જો ને..પુલ તો બનતા પહેલા જ તૂટી જાય છે અને...એટ એટલા બંધ પછી યે પુર ના પાણી તો ઘર માં ઘુસી જ જાય છે.....! મારા કહ્યા થી સરકારે બનાવ્યું છે  તે મારી પાસે પૈસા માંગવા આવ્યા?”
રાજેશ: “અરે માસી , દુશ્મન દેશ થી બચવા મીલીટરી નો કરોડો નો ખર્ચો કરે છે સરકાર.....”
બા: “પણ આપણે યુદ્ધ તો કરતા જ નથી....! અને જો કરીએ ....તો જીતેલું તો પાછું આપી દઈએ છીએ.પછી એની પાછળ પૈસા બગાડવા નો શું અર્થ? હે...તમે જ કહો ને?” ઓફિસરો ને ગહ્દીભર તો બા ની વાત સાચી લાગવા લાગી...પણ એવું તે કઈ ચાલે..?ટેક્ષ તો ભરવો જ પડે ને..?
આ બધી વાતો દરમ્યાન અજય અને નંદિતા પણ આવી ગયા. બંને ઓફિસરો ને કેટરિંગ વાળા સમજી નંદીતા ખુશ થઇ બા ને પૂછવા લાગી,”આ નાસ્તો આપવા આવ્યા છે?
બા: “આપવા નહિ....લેવા આવ્યા છે.”
અજય: “ શું લેવા આવ્યા છે?”
બા: “પૈસા..”
અજય: “અરે.. પણ પેમેન્ટ તો એડવાન્સ માં થઈ ગયું છે....”
બા: “એ ,ઇન્કમટેક્ષ માં થી પૈસા લેવા આવ્યા છે.”
અજય: “હે..ઇન્કમટેક્ષ..? પણ સાહેબ, આમ અચાનક કેમ..?”
હવે લાગ માં આવ્યો..હમમ ..એમ વિચારી રોફ  જમાવતા ઓફિસરે પૂછ્યું “જુઓ, તમે દસ વર્ષ થી ઇન્કમટેક્ષ નથી ભર્યો.આ મોટો બંગલો,આ ગાડીઓ,આ લેપટોપ..આ..દાગીના...આ બધા નો હિસાબ બતાવો.” હવે દીકરા ના બચાવ માં બા કઈ ચુપ રહે?
બા: “જુઓ ભાઈ, આ બંગલો અને ગાડી મારા પતિ ના છે.”
ખન્ના: “શું?”
બા:  “તમને દેખાતું નથી....?આ બંગલો જુનો છે,ગાડીઓ ના નંબર પર થી ખબર નથી  પડતી કે ગાડીઓ જૂની છે? અને દાગીના તો મને મારા સસરા એ આપ્યા છે.એટલે એની જો તપાસ કરવી હોય તો તમારે મારા સસરા પાસે જવું પડશે.”
રાજેશ: “એ ક્યાં છે?”
બા: “ઉપર...(ઉપર તરફ આંગળી બતાવી)તમારે ય ત્યાં જવું પડશે. ઈચ્છા છે?”..એટલામાં તો નીકી પણ અંદર ના રૂમમાંથી બહાર આવી ગયી..કે  આ બધુ શું છે?
રાજેશ:”ના..ના..એવું તે કઈ થાય?” હવે અજય ને લાગ્યું કે એણે બોલવું જ પડશે . ”પણ સાહેબ હું તો વર્ષો થી ઇન્કમટેક્ષ ભરતો આવ્યો છું.અને જુઓ..આ રહી એની ફાઈલ” અજય ની ફાઈલ ના તમામ પેપર્સ ક્લિઅર જોઈ ઓફિસરો ની બોલતી બંધ.! ?”..એટલામાં તો નીકી પણ અંદર ના રૂમમાંથી બહાર આવી ગયી..કે  આ બધુ શું છે?  ઓફિસરો એ અંદર અંદર થોડી ગુસપુસ કરી  એમના મેડમ ને ફોન કર્યો તો સાચી માહિતી જાણવા મળી. એક સરખા નામ અને અને એડ્રેસ ધરાવતા ....પણ અલગ વિસ્તાર માં રહેતા બે અજય મહેતા માં ગોટાળો થઇ ગયો હતો. એમણે જવાનું હતું બીજે જ ઠેકાણે અને આવ્યા અહી....હવે ભૂલ તો સુધારવી જ રહી ને...ચાલો..માફી માંગી લઈએ ..એ, વિચારી ને
ખન્ના: “મિ.મહેતા,અમારા તરફ થી તમને હેરાનગતિ થઈ હોય તો માફ કરજો.”
નિક્કી : “તે થઇ જ છે ને ...એક તો સરખું બોલતા નથી ..રેડ રેડ બોલો...રેઇડ ને બદલે...એમાં કેટલી ગડબડ થઇ..”
અજય: (નિક્કી ને..)દીકરા ..એમ ના કહેવાય....(રાજેશ તરફ ફરી ને..)ના,ના,સાહેબ.કઈ વાંધો નહિ.
બંને  ઓફિસરો જતા રહ્યા અને બાને હવે ખબર પડી ગઈ કે એમનો દીકરો વર્ષો થી નિયમિત ઇન્કમટેક્ષ ભરે છે.દેશ પાસે થી માત્ર લેતો જ નથી , પાછુ  પણ વાળે છે. ચા....લો...! સૌ સારું જેનો અંત સારો.













####


2 comments :

  1. Superb, simple, than confuse & complication and ultimately end with nice msg to country people....Good One Neha.

    ReplyDelete