Sunday 30 August 2015

વાર્તા શિબિર ૩ (મુંબઈ)

તારીખ ૧૮ એપ્રિલ ૨૦૧૫,શનિવાર ,  વારતા શિબિરની ત્રીજી બેઠકનો અહેવાલ.


તારીખ ૧૮-૪-૨૦૧૫, શનિવારે ફૉરમનાં એક સભ્ય રાજુલ ભાનુશાલીનાં ઘરે (ઘાટકોપર ખાતે) યોજાયેલી વાર્તાલેખન ફૉરમની ત્રીજી બેઠકનો અહેવાલ. સભ્યો દ્વારા સુત્રધાર રાજુને કરાયેલો સૌથી પહેલો પ્રશ્નઃ રાજુ,ફેસબુક પર ફૉરમમાં મુકાયેલા ટાસ્કનાં ઉત્તરોમાં તમે તમારી ટિપ્પણી કેમ ના મુકી?
રાજુભાઈ ઉવાચઃ ફૉરમમાં ઉત્તરો પર ખુબ મોળી પ્રતિક્રિયા મળી. મિત્રોનું ઉદાસીન વલણ જોઈ ટિપ્પણી આપવાનો ઉત્સાહ ના થયો.. ફક્ત એક પુશની જરુર હતી. જો રીસ્પોન્સ સારો મળ્યો હોત તો ટિપ્પણી કરવાનો ઉત્સાહ હોત..!

હવે ટાસ્ક વિશે...
૧) મરફીનો સિધ્ધાંત શું છે ? અને આ સિધ્ધાંત આપણા રોજીંદા જીવન જોડે કઈ રીતે સંકળાયેલો છે..? ઉદાહરણ સહીત સમજાવો.
આવો સાહિત્ય- વાર્તાલેખન બહારનો પ્રશ્ન પૂછવાનું પ્રયોજન?

રાજુઃ એક ટાસ્ક છે.. મિત્રો તપાસ કરે.. જાણે.. સમજે.. એટલે મેં આ કાર્ય મુક્યું.
મરફી નો સિદ્ધાંત દેખીતી રીતે સાહિત્ય કે વારતા લેખન સાથે સંકળાયેલ નથી,પણ એક જહાજ અકસ્માત ની તપાસ સમિતિ ના પ્રમુખ મર્ફીનું તપાસ અહેવાલમાં નું આ તારણ કે બધી રીતે તપાસ કરતા એવું તારણ નીકળે છે કે જે ઘટવાનું હોય છે એ ઘટી ને જ રહે છે...” ..ઘણી રીતે ચર્ચાસ્પદ બન્યું હતું.
કોઈ સત્તાવાર તપાસ સમિતીના અહેવાલ માં આવું બેજવાબદાર અને ઉભડક વિધાન હોવું ન જોઈએ. આ વિધાનની તત્કાલીન ઘણી પ્રતિક્રિયાઓ આવી અને છેવટે જો આવો કોઈ સિદ્ધાંત હોય તો અન્ય કેવા બનાવ, ઘટના આ સિદ્ધાંત હેઠળ આવરી શકાય એવા કટાક્ષ માં મર્ફીસ લોનામે એક વ્યંગ્ય પુસ્તક પણ પ્રગટ થયું. 
કોઈ બાબત નો વિરોધ / ટીકા / ચર્ચા પણ કેટલા સૃજનાત્મક હોઈ શકે એનું આ પુસ્તક ઉદાહરણ છે.
માટે મારી આ ટાસ્ક આપવા પાછળની ભાવના હતી કે આ પુસ્તક સુધી સભ્યો પહુંચે અને બીજી વાત લેખક માટે આવી વૈશ્વિક અને સાંપ્રત ઘટનાની જાણકારી આવશ્યક તેમ જ ઉપકારક છે તે કળાય.

આપણે આપણી દ્રષ્ટિ વિશાળ કરવી રહી. રસાયણશાત્રનાં કે ભૌતિકશાત્રનાં નિયમો જીવનમાં ડગલે ને પગલે લાગુ પડતાં હોય છે. જે રોજમર્રાનાં જીવનમાં નિરીક્ષણ કરીને સમજી શકાય છે. એનાથી નિરીક્ષણ શક્તિ ખીલી ઉઠે છે અને એ આપણાં સર્જનમાં પણ ઉપયોગી થાય છે.
દા. ત.
થીયરી ઑફ રીલેટીવીટી- સાપેક્ષવાદનો સિદ્ધાંત.

ધારોકે આપણે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યા છીએ. ટ્રેન કોઈ એક સ્ટેશન પર ઉભી રછે. બાજુનાં પાટા પર બીજી ટ્રેન ઉભી છે. એ ટ્રેન ચાલે ત્યારે આપણને ઘડીભર એ સમજાતું નથી કે ટ્રેન આપણી ચાલી કે બાજુનાં પાટાપર છે એ?! આ જાણીતી સમજુતી છે.
મેં મારી હથેળી પર '6' લખ્યું છે. પણ હું જ્યારે મારી એ હથેળી તમારી સામે ધરીશ તમારી દિશાએથી તમને '9' દેખશે.તમે તમારી જગ્યાએ સાચા, હું મારી જગ્યાએ!ફિલ્મ આખરી રાસ્તા નો આ અવિસ્મરણીય સંવાદ સાપેક્ષવાદ પર આધારિત છે.
અકીરા કુરોસાવા ની પ્રતિષ્ઠિત ફિલ્મ રાશોમાનજાણે સાપેક્ષવાદ ને સિદ્ધ કરતી ફિલ્મ હોય એવું લાગે..!
વાત એટલી જ કે આપણે જે જગ્યા એ થી કોઈ એક સ્થિતિ કે વસ્તુને જોઈએ છીએ એ એક્ચ્યુલી એવી જ હોય કે એ જ સ્વરુપમાં હોય એ જરૂરી નથી.એ એનાથી વધુ વિસ્તૃત હોઈ શકે, સાવ જુદી પણ હોઈ શકે.! ટુંકમાં જ્યારે આપણે ક્રીયેટીવ રાઈટીંગમાં રસ લેતાં હોઈએ ત્યારે એનાં કોઈ નિયમો હોતાં નથી- કોઈ ચાર્ટ હોતાં નથી. પણ એ માટે અમુક રસ અને વસ્તુઓ કેળવવી પડે છે. જાગૃત રહેવું પડે. વિચાર ભલે વ્યક્તિગત હોય પણ તરંગો ..વૈશ્વિક હોવા જોઈએ.
અબ્રાહમ લિંકને પોતાના પુત્ર ને શાળામાં મોકલતી વેળા શાળાના શિક્ષકને પુત્ર વિષે પરિચય આપતો એક પત્ર લખેલો ત્યારે એમણે શું એ વિચાર્યું હશે કે વર્ષો બાદ ઘાટકોપરમાં રાજુલના ઘરે જ્યારે વાર્તાલેખનની ત્રીજી શિબિર થતી હશે ત્યાં એમના આ પત્રનો ઉલ્લેખ થશે , ચર્ચા થશે અને સાપેક્ષવાદનો સિદ્ધાંત સમજાવાશે!! પત્ર લખવો કેટલી વ્યક્તિગત બાબત છે પરંતુ એના તરંગો વૈશ્વિક...!! 

૨) ફેરવી તોળવું આ કહેવતનું ઉદગમ ક્યાં..!? આ કહેવત પાછળ ની કથા કઈ છે.?
આપણે ભાષાનો સતત અભ્યાસ કરતાં રહેવું જરૂરી છે. અને એ માટે સંશોધનવૃત્તિ કેળવવાવી જોઈએ. હું જાણતો હતો કે જવાબ એક જ આવવાનો છે. કારણ મૂળ તો એક જ છે. પણ સંશોધનવૃત્તિ ખીલે એને વેગ મળે એ મારો ઉદ્દેશ હતો.
કહેવત બનવી/પડવી એ એક અદભૂત ઘટના છે.કંઈક એવું બન્યું હશે કે એ પ્રસંગ પરથી કહેવત પડી હશે. આપણે ઘણીવાર કહેવતો બોલતાં હોઈએ છીએ, ટાંકતા હોઈએ છીએ. પણ શું કદી એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે એની પાછળ કોઈ કથા હોઈ શકે, કે કઈ કથા હશે? એ જાણવાની જરૂરત છે એવું પણ આપણે નથી માનતા! એ અપણી શિક્ષણ પધ્ધ્તતિની ખામી છે જે મૂળ શીખવાડતા નથી.
દરેક કહેવતના મૂળમાં વાર્તાઓ છે.એમાં રસ પડવો જોઇએ. તમારા અંદરની સંશોધન વૃત્તિને ફંફોસવી જરુરી છે. આપણે ફક્ત લખવા ખાતર નથી લખવાનું, દરેક સર્જકમાં આ 'ગુણ' હોવો જોઈએ.
કહેવતો કોઈપણ ભાષામાં સીમાચિન્હ છે. એક નાનકડા વાક્યમાં કેટલી મોટી વાત કહી દે.
એનું ઉદાહરણ આપ્યું રાજુએ. સમકાલીન સમાચાર પત્રનાં તત્કાલીન તંત્રી શ્રી હસમુખ ગાંધી પોતાના લખાણમાં અને સમાચાર પત્રની હેડલાઈન્સ લખવામાં કહેવતોનો ખુબ ઉપયોગ કરતાં અને અમે આંખો ફાડીને જોઈ રહેતાં કે ..વાહ કેટલું સરસ! કેટલું અસરકારક..!!
દા.ત. 
1)સાયમન બાંવડા ફુલાવે!!! (યુનિયન લીડર ની હડતાલ ની ધમકી વિષે નું હેડીંગ) ...

2)નગરવાલાનું ભૂત ફરી ધૂણે છે..! (ઈંદીરા ગાંધી અને નગરવાલાનાં ક્યારનાં મૃત્યુ થઈ ગયાં છે. લાંચના એ કેસનો હજી નિકાલ આવ્યો નથી. અને એવામાં આ હેડીંગથી ભુલાઈ ગયેલી ઘટના ફરી જીવિત થઈ ગઈ.)
આ છે કહેવતોનો સચોટ અને અસરકારક ઉપયોગ..!
બીજો એક દાખલો કહેવતનો રાજુએ આપ્યો.. જે કોઈ કહેવત કોષમાં નહીં મળે..
અમે જ્યારે નાના હતાં અને છોકરીઓ પટાવવાનો પ્રયત્ન કરતાં ત્યારની વાત.
ગમતી છોકરી આવતી દેખાય ત્યારે સાથે હોય એ મિત્ર કોણી મારે, જો.. તારાવાળી.. જા.. વાત કર..
છોકરી સાથે કે એની આસપાસ કોઈ હોય તો અમે જવાબ આપીએ.. અત્યારે નહિં, અત્યારે "વાદળ બહુ છે"..

આ "વાદળ બહુ છે.." એ અન્ય લોકોની ભીડ છે એ દર્શાવવા માટે નો રૂઢ પ્રયોગ. એ સ્થાનિક ભાષાની મીઠાશ.. સ્થાનિક, લોકબોલીની કહેવતો..
આ એવી વાત છે કે 'વડાપાંઉ' મુંબઈનું અભિન્ન અંગ છે.. મુંબઈની ઉપજ છે..વૈશ્વિક સ્તરે કદાચ એ ક્યાંય નહીં મળે પણ એ છે. અને ઈમ્પોર્ટન્ટ છે.


આ બધું જાણવું, શોધવું, શીખવું.. એ અમીર થવાની કળા છે. વોકેબ્લરી રીચ થવાની વાત છે.. એક્ષ્પીરીયન્સ રીચ થવાની વાત છે.

૩) હવે વાત મૌલિક ટુચકો સર્જવા વિશે..
ટુચકો/રમુજ/વિનોદ સર્જવું ખુબ મુશ્કિલ છે, અઘરું છે.અને એ વસ્તુ એક સર્જક તરીકે આવડવી જોઇએ. સુક્ષ્મ વાતો/વિષયોમાં, વિષયોમાંથી રમુજ સર્જી શકવાની આવડત કેળવાવી જોઇએ. આપણા અનુભવકોષમાંથી એ ક્ષણો, એવા સંવાદો લઈ આવો અને સર્જનમાં વાપરો. જે વ્યક્તિમાં થોડીઘણી પણ સેન્સ ઑફ હ્યુમર હશે તો એ ગમે તેવી કપરી પરિસ્થિતિમાં ટકી શકશે. ઉદાહરણઃ મારી એક આદત કે છાપું વાંચવું હોય તો ખરીદીને વાંચવું, માંગીને નહીં. બીડી પીવાની તલપ લાગે ત્યારે પોતાની પાસે જો માચીસ હોય તો જ પીવી. માચીસ કોઈની પાસે માંગવું નહીં.

ટ્રેનમાં એક દિવસ એક જણે મારા હાથમાં છાપું જોયું એને વાંચવું હશે તો અને એ તરફ આંગળી ચીંધીને કહ્યું,"આ છાપું.." 
મેં કહ્યું," ઈટ્સ ઓકે.. હું છાપું ઉંચકી શકું છું..મને જરાય વજન નથી લાગતું.."...

grin emoticon grin emoticon

થોડુંક પાત્રાલેખન વિશે..
આ સૃષ્ટિમાં જે રીતે ઈશ્વર છે એ રીતે વાર્તામાં વાર્તાકાર હોવો જોઇએ.

સૃષ્ટિનાં કણેકણમાં ઈશ્વર છે પણ આંગળી ચીંધીને એ બતાવી શકાતો નથી કે એ અહિં છે જુઓ. લેખક પણ વાર્તાનાં કોઈ જ વાક્યમાંથી કે પાત્રમાંથી ડોકાવો ન જોઈએ. વાચક અને વાર્તાની વચ્ચે આડો આવવો ન જોઇએ. જ્યાં એ ડોકાશે.. વાર્તા બોરીંગ થઈ જશે. અને એ રસભંગ વાંચનારને નહીં ગમે.  પાત્રાલેખન કેવું હોવું જોઈએ એ સમજાવવા માટે રાજુએ તમને ગમેલી કોઈ એક વાર્તાનો સંવાદ કહો એવું કહ્યું ત્યારે જિજ્ઞાએ પોતાની પહેલી ટુંકી વાર્તામાંથી એક સંવાદ કહ્યો જ્યારે સાંચી આકાશમાં ટમટમતાં તારાઓ ભણી જોઈ બોલે છે કે.." મમ્મી, તારે ભગવાનને ઘેર આટલે દૂર જવાની શી જરુર હતી? આપણાં ઘરમાં પણ તો ભગવાનું સુંદર ઘર છે જ્યાં નાની રોજ પૂજા કરે છે.."

વાર્તામાં જ્યારે આ સંવાદ આવે છે ત્યારે એ બાળકીનું નિર્દોષ વિશ્વ, મનોજગત ઉજાગર થાય છે. એ અલગથી કહેવું પડતું નથી કે બાળકી નાની છે, નિર્દોષ છે. આ વાત એનાં પાત્રાલેખન પરથી સ્પષ્ટ થઈ જાય છે. પાત્રનાં સંવાદ અને વાર્તામાં પાત્રની પ્રવૃત્તિ પરથી પાત્રના આલેખનની ખબર પડવી જોઈએ. જ્યારે આ વાત લેખકે કહેવી પડે કે.. દા.ત. " પરાગ ખૂબ ભોળો છે." તો એ કલિષ્ટ રસ્તો છે. 

લેખક કહે એ વાચક શું કામ માને? તમે જે કહેવા માંગો છો એ વર્ણન કરવું ન પડે. વર્ણનમાં પ્રકૃતિ આવે, માણસ ના આવવો જોઇએ. ત્રિશુલ ફિલ્મમાં એક દ્રશ્ય છે જેમાં અમિતાભ ખિસ્સામાં પાંચ રુપિયા પણ નહોતાં અને એ પાંચ લાખનો પ્લોટ ખરીદવાની ઈચ્છા રાખતો હોય છે. અને ખરીદે પણ છે. અમિતાભનું સશક્ત પાત્ર તે જ દ્રશ્યમાં ખુલી જાય છે. આ છે પાત્રાલેખન.

હવેથી દરેક બેઠકમાં આપણીજ ફૉરમનાં કોઈ એક સભ્યની વાર્તા પર ચર્ચા કરવી એવું નક્કી થયું. આ વખતે મીના ત્રિવેદીની વાર્તા 'અંગાર જેવી બૈરી' નું પઠન થયું જે જિજ્ઞાએ કર્યું અને પછી વાર્તા પર ચર્ચા થઈ. બધાએ પોતાનો અત્યંત સ્પષ્ટ અભિપ્રાય/મત આપ્યો.

ટુંકી વાર્તા વિશે રાજુ એ કહ્યું કે વાર્તામાં કશુંક "અમુક પ્રકારે હોવું જ જોઇએ" કે " અમુક પ્રકારે ના જ હોવું જોઇએ"એવું કશું નથી.  ટુંકી વાર્તા લખવી એટલે ખરાબે ચઢેલા વહાણને કિનારા પર લઈ જવા જેવું છે અને એ માટે જહાજમાંની બધી જ નક્કામી વસ્તુઓને સમુદ્રમાં ફગાવી દેવી જરુરી છે. જ્યારે આપણે કોઈ એક વાર્તા વાંચીએ અને આપણને એ ગમે ત્યારે એમાં કોઈ ખોટ કે ખામી દેખાતી કે જણાતી નથી હોતી. પણ જ્યારે વાર્તા આપણને નથી ગમતી કે ઇન્ટરેસ્ટીંગ નથી લાગતી ત્યારે આપણે એનાં કારણો શોધવામાં પડીએ છીએ. ત્યારે ક્યાંક એવું લાગે કે વર્ણન વધુ પડતું છે કે પાત્રાલેખન બરાબર થયું નથી. હકીકતમાં વર્ણન વધુ પડતું હોય એટલે વાર્તા બોરિંગ લાગે છે એવું નથી હોતું પણ વાર્તા બોરિંગ છે એટલે વર્ણન વધુ પડતું લાગે છે..!


વાર્તામાં વર્ણન/ડીટેઈલીંગ જરુરી છે પણ ડીટેઈલીંગની ધાર કાઢવી એથી વધુ જરુરી છે. એમાં મૂળ ભાવ ઘુંટાયેલો હોવો જોઇએ. મૂળભાવ અને વર્ણન વચ્ચેનો સંબંધ સ્થાપવામાં વાર્તાકાર જ્યારે નિષ્ફળ જાય ત્યારે વાર્તાની સચોટતા અસરકારિતા જોખમાય છે. આવુંના થાય એ માટેની સજાગતા કેળવવી રહી.

આ બધી ચર્ચા-વિચારણાં ઉપરાંત રાજુ એક નોટ બનાવી લાવ્યા હતાં જે બેઠકમાં વાંચવામાં આવી અને એના પર વિસ્તૃત ચર્ચા થઈ. એ નોટ અત્રે જોડું છું.

"સારી વારતા"
વારતા માં કશુક ઘટવું જોઈએ. અને જે ઘટે એમાં નાટ્ય/ સંઘર્ષ હોવો જોઈએ. સારી વારતા માટે કેટલાક કલ્પી શકાય એવા મૂળભૂત તત્વ છે : નાવીન્ય, અનપેક્ષિત પણું, જીવંતતા , વાસ્તવ, પ્રસ્તુતિમાં નોખાપણું, પાત્ર /પાત્રો નું સજીવ, વાસ્તવિક અને રસપૂર્ણ પાત્ર લેખન. સારા લોકો,સારી ઘટના , સારી વાતો એ સારી વારતા ની બાંહેધરી ન આપી શકે. ન તો સારી વારતા માટે એ કોઈ આવશ્યક છે. કોઈ સત્ય ઘટના, કે પ્રેરક ઘટના કે સત્ય પ્રેરક ઘટના પણ સારી વારતા માટેની માત્ર કાચી સામગ્રી હોઈ શકે જેના આધારે લેખક પોતાની કુવ્વત પ્રમાણે સારી વારતા ઘડી શકે અથવા ન પણ ઘડી શકે.પણ માત્ર કાચી સામગ્રી એને વારતા સમજવાની ભૂલ ઘાતક છે.


વારતા લેખકનું કામ વૃતાંત આપવાનું નથી.- એ કામ પત્રકાર નું છે. પ્રેરણા આપવાનું નથી, - એ કામ ધર્મોપદેશક નું છે. સમસ્યાનું સમાધાન આપવાનું નથી, - એ કામ સમાજ સુધારકો નું છે. વારતા લેખક વાત માંડે એ વાત માં યા પ્રશ્ન હોવો જોઈએ યા અનન્ય મુદ્દો યા અત્યાર સુધી વણસ્પર્શય રહેલ ભાવ પ્રદેશ. અને એ માંડણી માં પ્રસ્તુતકર્તા તરીકે ની પ્રમાણિકતા હોવી જોઈએ. આ પ્રમાણિકતા નૈતિક / સામાજિક / વ્યવહારિક/ રાજદ્વારી / પારિવારિક/ધાર્મિક પ્રમાણિકતા થી જુદી હોય છે. 

બીજા શબ્દો માં કહું તો વારતાકારની વાતમાં નૈતિક ધોરણોનો ભંગ થતો હોય પણ છંતા વારતાકાર તરીકે એ ૧૦૦ ટકા શુદ્ધ અને પ્રમાણિક હોઈ શકે [ ઉદાહરણ : મંટો ની ઠંડા ગોશ્તઅને બુ”, વિઠ્ઠલ પંડ્યાની તલપ”, મોપસાં ની મી. નો ઓલ “ {Mr. Know All }. વારતાકારની વાતમાં સામાજિક બંધારણની અવહેલના થતી દેખાય પણ પ્રસ્તુતિમાં ઈમાનદારી હોઈ શકે . [ ઉદાહરણ : ઉમાશંકર જોશી ની મારી ચંપાનો નો વર “ , સરોજ પાઠક ની મારો અસબાબ “, કનૈયાલાલ મુનશી ની કાકાની શશી “ ]. .વારતાકારની વારતા માં વ્યવહારિકતા ના નિયમ તૂટતા દેખાય પણ માનસિકતા જડબેસલાક આવતી હોય એવું બને [ ઉદાહરણ કેતન મુનશી ની ફટકો’ , પન્નાલાલ પટેલ ની ફકીરો “, રજનીકુમાર પંડ્યાની શક્કરટેટીમોહમ્મદ માંકડ ની કાયર” , ગુલાબદાસ બ્રોકર ની નીલી નું ભૂત “ ]. વારતાકાર રાજદ્વારી વિષયમાં મુત્સદી પણે વાત ના કહેતો હોય એવું લાગે પણ વારતા સાંગોપાંગ વારતાના પોલીટીક્સમાં અવ્વલ હોય એવું બને [ ઉદાહરણ : મહોમ્મદ માંકડ ની હિમ્મત મારો દોસ્ત “, જેફરી આર્ચર ની ‘Clean Sweep Ignatius ‘. ]

ઉપયુક્ત નૉટ પર થયેલી ચર્ચાનાં અંશ..

કોઈ એક ઘટના ઘટી અને એ નજરે જોયેલી ઘટનાની કાચી સામગ્રીમાંથી વાર્તા શી રીતે અવતરે એ માટે રાજુએ દાખલો આપ્યો. સમજો કે ક્યાંક બોમ્બ બ્લાસ્ટ કે કંઈક તોફાન જેવું થયું છે. એક નાનું બાળક આ બધી ધાંધલમાં પોતાની મા થી વિખુટું પડી જાય છે. બાળક ખૂબ ગભરાઈ ગયું છે. એને એક ભિખારી બચાવી/સાચવી લે છે. છાનું રાખે છે. બે- ચાર કલાક પછી એની મા એને શોધી લે છે અને તેડી જાય છે. આ ઘટના તમે એક દર્શક/પ્રેક્ષક તરીકે જુઓ છો.

એને તમે એઝ ઇટ ઇઝ મુકશો તો વાર્તા બનશે નહીં એ ફક્ત એક વૃતાંત બનીને રહી જશે. એમાં તમારે માનવીય ગુણ ઉમેરવા પડશે, ઘટના તત્વ ઉમેરવું પડ્શે. અને આ ઘટના તત્વ ઉમેરતી વખતે સાથે લેખકનો ટેસ્ટ, એનો વ્યુ પણ ઉમેરાશે.સાથે આવશે જ. આ ઘટના જો રાજુલ લખશે તો એમાં આવતું 'રાજુલપણું' કે પરાગ લખશે તો એમાં ઉમેરાતું 'પરાગપણું' વાર્તા ઘડે છે.એ શું ઉપસાવે છે કે શું સાઈડ પર કરે છે એના ઉપર વાર્તાની સફળતાનો કે ગુણવત્તાનો આધાર રહેલો હોય છે. 


ક્રીયેટીવીટી ઉપસાવવી એ એક મહત્વનો ગુણ છે. ગુલાબની સુંદરતાનું વર્ણન કરશો તો એ સુંદર જ હોવાનું. વખાણ સાંભળવા મળવાના જ! તમે એમાં નવું શું કર્યું?? એ જ રીતે પાત્રના સારાપણાંને જ્યારે દાદ મળે ત્યારે એ વખાણ પોતાનાં માની લેવા નહીં. ક્યારેક એવું બને કે વાર્તા સારી હોય પણ સામાજીક ધોરણને અનુસરતી ન હોય.. દા.ત. લેખક શ્રી વિઠ્ઠલ પંડ્યાની વાર્તા 'તલપ' માં નાયક ટ્રેનમાં પ્રવાસ કરતો હોય છે. એ બારણાં પાસે ઉભો હોય છે. એને બીડી પીવાની તલપ લાગે છે. પણ ટ્રેનમાં જાહેરમાં બીડી પીવી એ નૈતિકતાની દ્રષ્ટિએ અને સુરક્ષાની દ્રષ્ટિએ પણ યોગ્ય નથી. પણ તલપ અસહ્ય થઈ જતાં એ આખરે બીડી સળગાવી લે છે અને કશ લે છે. પ્રથમ કશ લેતાંની સાથે જ વિચારે છે કે નક્કામી આટલી રાહ જોઇ.. પહેલાં જ સળગાવી લીધી હોત તો! કોણ જોવાનું હતું. તીવ્ર તલપ લાગેલી તોય આટ્લો સમય સહી.. દરેક કશ સાથે વિચાર વમળ.. બીડી અડધી પડધી પિવાઈ ત્યાં તો સામેથી હવાલદાર આવતાં દેખાયો. નાયકનાં મનમાં ફરી વિચાર વમળ ઉમટ્યાં..શા માટે સળગાવી! તલપને જરાવાર દબાવી રાખતા પણ નથી આવડતું.. હવે આ હવાલદાર ગાળો આપશે, ધમકાવશે અને બસ્સો-પાંચસો ખંખેરશે એ અલગ..!

ત્યાં જ હવાલદાર નાયકની નજદીક પહોંચી આવ્યો અને પોતાની સિગારેટ કાઢી બોલ્યો,
"લાઈટ મળશે?"

આ વાર્તા સામાજીક/કાનૂની મુલ્યોમાં પાર નહીં ઉતરે પણ વાર્તા તરીકે અવ્વલ છે. વાર્તાને સારી બનાવવા નૈતિકતા/સામાજીકતાને અનુસરવાની જરુર નથી. વાર્તા પાસે એવી અપેક્ષા પણ ન રાખવી.વાર્તા લખવાનાં વાર્તાકાર પાસે પોતીકાં કારણો હોય. દરેક વાર્તા પોતાનામાં એક દલીલ છે , એક સ્વતંત્ર કેસ છે.એક વાર્તાનાં સમજો દસ વાચક હોય, એ દસેદસ અલગ રીતે સમજશે. એ સૌની જવાબદારી ન લઈ શકાય. ન લેવાની હોય. 
  
બેઠક માટે જેટલો તો સમય ફાળવો ઓછો જ પડે. સાત વાગે બેઠક ઓફીશીયલી બરખાસ્ત થઈ. પણ ત્યાર બાદ હું , રાજુ અને મીનાબેન લગભગ કલાકેક વાતો કરતાં બેઠાં. બેઠાં તો ગપ્પાગોષ્ઠી કરવા હતાં પણ એમાંય વાર્તાની વાતોએ ઘૂંસપેઠ કરી. અને અમે એકબીજાને પોતાની સ્કુલ/કોલેજકાળમાં વાંચેલી/સાંભળેલી વાર્તાઓ સંભળાવી અને સાંભળી.
વાહ.. વાર્તા રે વાર્તા..

- રાજુલ ભાનુશાલી (વાર્તા રે વાર્તા ટીમ)

No comments :

Post a Comment