Sunday 30 August 2015

વાર્તા શિબિર ૪ (મુંબઈ)

  ૧૩ જુન -૨૦૧૫, વારતા શિબિરની  ચોથી બેઠકનો અહેવાલ.


"મેરી કહાની કી પહેલી લાઈન મૈં લીખતા હું, બાકી કી કહાની વો પહેલી લાઈન લીખતી હૈ.." - મન્ટો..
વાર્તાલેખનની ચોથી બેઠકના અહેવાલની શરુઆત મન્ટોના આ વિધાન સાથે કરવાનું કારણ એ કે ચોથી બેઠકમાં એ થયું જે આગલી ત્રણ બેઠકમાં નહોતું થયું. તે એ કે 'રાતરાણી' વાર્તા જે બીજી બેઠકના ટાસ્ક સ્વરુપે વાંચવા આપવામાં આવી હતી એ વાર્તાના લેખક નીલેશભાઈ રૂપાપરાની હાજરી. નીલેશભાઈની વારતા 'રાતરાણી'નું મૂલ્યાંકન શિબિરના ટાસ્ક ના ભાગ રૂપે બે મહિના અગાઉ થયું હતું. સંજોગવશાત નિલેશભાઈ એ વારતાની ચર્ચા થઈ હતી તે બેઠક માં હાજર રહી શક્યા નહોતા અને આ વખતની બેઠક માં એમણે ભાગ લીધો. એમણે વારતા વિષે ના મંતવ્યો સાંભળ્યા, અને એ વાર્તાને લગતી પૃછાના નિખાલસતાથી જવાબ આપ્યા. એ બહાને વારતા ની સર્જન પ્રકિયા વિષે પણ થોડી વાતો થઇ એમની વાર્તા રાતરાણી વિશે જ્યારે ચર્ચા થઈ ત્યારે એમણે મન્ટોના ઉપયુક્ત વિધાનને કંઈક મળતી આવતી આવીજ વાત કહી કે વાર્તા મંડાય, પહેલું વાક્ય અવતરે એની સાથે જ આખી વાર્તાનું પિંડ બંધાઈ જતું હોય છે.

તમને એક વિચાર આવ્યો.. તમે એના વિશે કહેવાનું નક્કી કરો.. વિષય નક્કી કરો..પછી પાત્રનું સ્વરૂપ નક્કી થશે..એ પછી નરેટીક પ્રથમ પુરુષ એકવચન સ્ટાઈલમાં હોય કે પછી બીજો પુરુષ એકવચન સ્ટાઈલ હોય. જ્યારે સ્વરૂપ અને કથન એકમેકમાં ભળી જાય ત્યારે એક સરસ કૃતિ અવતરશે.
વાર્તાલેખન એટલે લાઘવ. બીટવીન ધ લાઈન્સ.તમે જે કહેવા માંગો છો એ તમે કેવી રીતે કહો છો એ મહત્વનું છે. તમે જે પણ લખો છો એ તમારી પહેલા કોઇ કહી ગયું હોય એ શક્ય છે. અને બહુધા એવું જ થતું હોય છે, લગભગ બધા જ સર્જકોની સાથે. પણ તમે ક્યાં જુદા પડો છો, એ તમને બીજાથી જુદા પાડે છે. વાર્તાકાર પત્રકાર નથી .એણે જે જોયું છે એની સાથે સાથે એણે જે મહેસૂસ કર્યું છે એ પણ એ કહેશે જ. એના એ કહેવાની એની પોતીકી રીત એને બીજા સર્જકોથી અલગ પાડે છે. અને એ જ એની શૈલી ઘડે છે.
'કન્ટેન્ટ' એટલેકે સામગ્રી અને 'ફોર્મ' એટલે કે સ્વરૂપ આ બન્ને ડીપાર્ટમેન્ટ અલગ અલગ નથી હોતાં. ન હોઈ શકે, ન હોવા જોઈએ! એ એનું એ જ રહેવાનું, પણ તમારું નરેશન એટલે કે કથન અલગ હોવું જોઈએ, નાવિન્યસભર. તમે શું ફીલ કરો છો, શું અનુભવો છો એ ઘણુ મહત્વનું છે. એ અનુભવ અને અનૂભુતિ વ્યક્તિ એ વ્યક્તિ એ જુદી હોવાની.
ધારોકે એક માણસે અત્યાર સુધી ૯ લગ્ન સમારંભમાં હાજરી આપી છે, સાક્ષી રહ્યાં છે અને એક માણસે પચ્ચીસ લગ્ન સમારંભોમાં હાજરી આપી છે. એ બન્નેનું અનુભવવિશ્વ જુદું હશે. વિષ્લેષણ કરવાની રીત અલગ હશે. વસ્તુસ્થિતિ, પરિસ્થિતિને જોવાનો નજરીયો અલગ હશે તેથી એને કહેવાની એની રીત પણ નોખી પડવાની. એ 'નોખાપણું' આપોઆપ આવતું નથી, ઘરેડથી જુદા પડીને એને ડેવલપ કરવું જરુરી છે.





નીલેશભાઈનાં આ સુચનો નોંધી રાખવા જેવા છે.
આ ઉપરાંત જ્યારે રાતરાણી પર ચર્ચા થઈ, મિશ્ર પ્રતિભાવ મળ્યા. કોઈએ પ્રશ્નો ઉપાડ્યાં, કોઈએ અંતની તો કોઈએ સામગ્રી/વર્ણન વધું પડતું છે એવી ટીકા કરી. કોઈએ વળી આખી વાર્તાને નારીવાદ વિરુદ્ધની ગણાવી. આ બધી વાતો જ્યારે થતી હતી ત્યારે નીલેશભાઈનો એ શાંત, સંયમિત ચહેરો યાદ રહી ગયો છે. બધી જ કમેંટ્સને તેઓએ શાંતિથી સાંભળી, સ્વિકારી અને પછી પોતાની આગવી રીતે એમના જવાબો આપ્યા. 
અજીત જે રાતરાણીનું એક પાત્ર છે, એણે જે બ્લંડર કર્યું હતું, એનું જે મનોજગત ઉપસ્યું છે વાર્તામાં એના વિષે એમણે કહ્યું કે અજીત પોતાના કાસાનોવા જેવા મિત્રને સાથે લાવીને જુગાર જ રમ્યો હતો. જો એ સ્યોર હોત તો એ જુગાર ન કહેવાત. વાર્તાનો અંત 'ફિલ્મી' છે આવું તે કંઈ બનતું હશે? એના જવાબમાં એમણે બે સવાલ પૂછ્યાં
૧) આઘાતને કારણે માણસ શામાટે ન મરી શકે?... ૨) આઘાત જીવલેણ શા માટે ન હોઈ શકે?
અને અમને વાર્તાનાં અંત પર ઉઠાવેલા બધા સવાલોનાં જવાબ મળી ગયાં. 
એક માણસનાં મનનાં કાવાદાવા કેવાં હોઈ શકે એ વિચારવાની પરાકાષ્ટા સમજવી હોય તો 'રાતરાણી' વાંચવી.


તે ઉપરાંત નવા નવા વાર્તા લખતા થયેલા સર્જકો ને કામ લાગે એવી ઘણી વાતો થઈ બેઠકમાં. સૌથી મહત્વની વાત કે વાંચતા શીખવું ખુબ જરુરી છે.. જે લખાયું છે એ તો આંખો વાંચે જ છે, પણ જે નથી લખાયું એ શબ્દો વચ્ચેના અવકાશને વાંચતા શીખવું ખુબ જરુરી છે. કોઈ એક વાત હોય એમાં ઘણાં ડીટેઈલ આવતા હોય.જે અમુક વખત આવશ્યક પણ હોય.એમાં ઘણું બધું આવતું હોય. એ ડીટેઈલને વાર્તાનાં કથાતત્વ સાથે સંબંધ હોય તો જ એ મહત્વની ગણાય. બાકીના ઈતિહાસ-ભુગોળને ઈગ્નોર કરવાં. દા.ત. એક વાર્તામાં એવું આવે છે કે નાયક પોતાને ગામ જાય છે. હવે એમાં વચ્ચે રણ આવે કે જંગલ-- શો ફેર પડે છે? એ બધી સ્થૂળ/ભૌતિક બાબતો નગણ્ય છે.

આપણા સુત્રધાર અને મહેમાન સર્જકની બીજી ફરિયાદ એ હતી કે આપણને વાંચતા, લખતાં તો ઠીક બોલતાં પણ નથી આવડતું! 
ધારોકે એક સાહિત્ય કૃતિ પર કમેંટ આવી કે કશુંક ખૂટે છે, બાકી સારું છે! આ ખુબ ખોટી પ્રથા છે. અહિં સર્જકએ સામે પ્રશ્ન ઉપાડવો જ જોઇએ કે ખૂટે છે તો શું ખૂટે છે અને સારું છે તો શું સારું છે?
કૃતિલક્ષી કશું કામ થતું નથી.! સારી કમેંટ મળશે તો લખનાર ખુશ થઈને અટકી જશે ને ટીકા કે વિરુધ્ધ કમેંટ મળશે તો સમસમીને રહી જશે! રીએક્ટ કરવું અત્યંત જરુરી છે. તો જ વિકાસ થશે. આ ગુણ વિકસાવવા જેવો છે.

અમે જે લખ્યું છે એમાં શું ઉમેરવાથી, શું સુધારા કરવાથી વધુ સારું થઈ શકે? અથવા બીજી કઈ રીતે મુકી શક્યા હોત અને એની માટેના બીજા શું વિકલ્પો છે એનો વ્યાયામ, અભ્યાસ કરવો જરુરી છે.

સ્વરૂપ ખુબ મહત્વની વસ્તુ છે. ફલાણૂં વર્ણન કરવું કે નહિં, ઢીંકણું વર્ણન કરવું કે નહિં.. કર્યું છે તો એ વધુ પડતું છે, અથવા રસક્ષતિ કરે છે કે અથવા વાર્તા આ સમયે બોરિંગ બની જાય છે એ બધી વિચારોની પળોજળમાં પડવાને બદલે એ એક વેગ હોય જે લેખનનો એ આવવા દો. પછી મઠારતી વખતે બધુંચારણીમાં ગળાતું જશે. બસ એ વખતે સજાગ/સભાન રહો અને બીન જરુરી કાઢી નાખો.
શિબિરના અંતમાં સમીરાએ એની ટુંકી વાર્તા' રોટલી' વાંચી જે 'સ્ત્રીઆર્થ'ના તાજા સંકલનમાં પ્રકાશિત થઇ છે. સમીરાની આ વારતામાંની ચિત્રાત્મકતા ધ્યાનાકર્ષક છે. રોટલી બનાવવાની પ્રક્રિયા અહીં એક સમર્થ બિંબ તરીકે રજુ થઇ છે. પરિચિત ગુંગળામણને અત્યંત તાજગીભર્યો ઓપ આ વારતામાં અપાયો છે. 'ફોર્મ' અને 'કન્ટેન્ટ' એટલે કે સ્વરૂપ અને વિષય ભિન્ન ન હોઈ શકે કે ન હોવા જોઈએ એ ચર્ચા માં ટાંકી શકાય એવી વારતા. સમીરાને આ સફળતા માટે હ્રદયપૂર્વક અભિનંદન.

તે ઉપરાંત 'કાઉન્ટ ડાઉન' નામની વારતામાં જાણીતી પરીકથા ને મીનાબેનએ વ્યંગ્ય રૂપે ઉલટાવી ને રજુ કરી. શિબિર ને અહીં આ વાત નોંધવાની ગમશે કે અનેક ભાષાઓમાંથી અનેક ભાષાઓમાં કૃતિઓના રૂપાંતર કરતાં મીના ત્રિવેદી એ શિબિર અન્વયે ટૂંકી વારતા લખવાનું શરુ કર્યું છે અને આ એમની ચોથી વારતા છે..! મીનાબેન અભિનંદન.. મીનાબેનની વાર્તાનો વિષય એકદમ નાવિન્ય સભર, કથાતત્વ પળે પળે ઉત્કંઠા વધારનાર અને દિલધડક. બધાંજ મિત્રોને અને આપણા સુત્રધારને મીનાબેનની વાર્તા ગમી પણ નીલેશભાઈ નો મત થોડોક જુદો આવ્યો. એમણે કહ્યું કે વાર્તાવિષય અત્યંત ધારદાર છે પણ તમારી અભિવ્યક્તિ બહુ જ લાઊડ છે.તમે બહુ જલ્દીથી બધું ખોલી નાખ્યું છે. વાર્તામાં એક ગોપિત તત્વ હોવુ જોઇએ કે જે વાચકને જાતે જ સમજવા દેવો જોઇએ. તમે જે કહેવા માંગો છો એ વાચક સુધી તરત જ પહોંચી જાય છે.શરુઆતમાં જ આખી વાત ખુલી જાય છે જેનાથી મજા ઓછી થઈ જાય છે! 

આ કમેંટ પછી જ્યારે વાર્તાને ફરી તપાસી ત્યારે જાણ થઈ કે વાત તો સાચી છે કે પહેલા જ ફકરામાં વાર્તા ખુલી જાય છે! પરંતુ આવા સ્ફોટક અને દિલધડક વિષયને કેવી રીતે છૂપો રાખી શકાયો હોત!? વાર્તા જે રીતે આવી એ ખુલ્લો થવાનો જ હતો! સુત્રધારને વિનંતિ કૃપયા આ બાબત સમજાવે.

આ વખતની બેઠકમાં મરાઠીભાષી મિત્ર છાયા થોરાટની હાજરી નોંધનીય હતી. 'એક વ્યક્તિને આત્મહત્યા કરતા કેવી રીતે રોકશો?' વાળા ટાસ્કનાં સંદર્ભમાં એણે પોતાની એક ટૂંકી વાર્તા 'સ્યુસાઈડ' સંભળાવી જે ખરેખર સરસ, રસ પડે એવી હતી. છાયાની એ વાર્તા અને મીનાબેનની 'કાઉન્ટ ડાઉન' વાર્તાનો અહીં સમાવેશ કરવામાં આવ્યો નથી. એ સાંભળવા બેઠકમાં ઉપસ્થિત રહેવુ પડે!

આ વખતે બેઠકમાં ટાસ્ક વિષે ની ચર્ચા ન થઇ કારણકે સરખામણીએ આ વખતે ટાસ્ક ના ઉત્તરો ઓછા આવ્યા છે.
છેલ્લે એક સરસ સમાચાર આપીને અહેવાલ પૂર્ણ કરું. આ બેઠકથી શિબિરની પોતાની મોબાઈલ લાઈબ્રેરી શરુ કરવામાં આવી છે. જેની શુભ શરુઆત સુત્રધાર રાજુ પટેલે પોતાના તરફથી થોડાંક પુસ્તકો ભેટ આપીને કરી. આ નિમિત્તે એમણે શ્રી નારાયણ દેસાઈ લિખિત પુસ્તક 'મારું જીવન એ જ મારી વાણી' ના ચાર ખંડ ભેટ આપ્યા અને વાર્તાને લગતાં અમુક પુસ્તકો પોતાની પર્સનલ લાઈબ્રેરીમાંથી મિત્રોને વાંચવા આપ્યાં છે. શિબિરના મિત્રો વાંચવા માટે પુસ્તકો નામ નોંધાવીને લઈ જઈ શકે છે. વાંચ્યા બાદ પુસ્તક ફરીથી લાઈબ્રેરીમાં પાછા જમા કરાવવાનાં રહેશે જેની નોંધ લેવી.

- રાજુલ ભાનુશાલી(વાર્તા રે વાર્તા ટીમ)


















No comments :

Post a Comment