Sunday 30 August 2015

"બી. એમ."-- યામિની પટેલ

"બી. એમ." મમતા મેગઝીન જુલાઈ ૨૦૧૫ અંકમાં આવેલ યામિની પટેલની  વાર્તા 


મુંબઈમાં દાદર વિસ્તારમાં આવેલ  ક્રિશ્ચિયન કૉલોનીમાં લાઇનસર બધા બેઠા ઘાટના બંગલા હતાં. બે બાજુ આવેલા બંગલાની લાઈન વચ્ચે એક રસ્તો હતો અને રસ્તાની બન્ને બાજુ સળંગ ઉગાડેલા હતા ગુલમોરના ઝાડ. બપોરનો સમય હતો. રસ્તો સુમસામ હતો. મે મહિનો ચાલતો હતો એટલે સૂરજ આગ ઓકતો હતો. બધા ઘરમાં જંપી ગયેલા. એક જીપ એકદમ ધીમે ધીમે રસ્તા પર ચાલી રહી હતી. એની પાછળ એક  ઍમ્બૅસેડર કાર પણ હતી. બન્ને વાહન એકદમ ધીમે ધીમે આગળ વધી રહ્યા હતાં.

જીપમાં બેઠેલા ઇન્સ્પેક્ટર ખેડેકર બોલ્યા, “બસ. હવે જીપ ઊભી રાખી દે. અહીંથી આગળ ચાલતા જ જશું.
જીપ ઊભી રહી. પાછળ આવતી ઍમ્બૅસેડર પણ ઊભી રહી ગઈ.
જીપમાંથી કૂદકો મારીને ઊતરતા ઊતરતા ખેડેકર બોલ્યા, “જો જેવા અમે ગેટમાં અંદર જઈએ કે પાંચ મિનિટ પછી જીપ ત્યાં ગેટ પર લઈ આવજે. અંદર કોઈ ખતરો હોય અને અમે પાછા આવીએ તો આસાની રહે.
યસ સર. ઓલ ધ બેસ્ટ.ગાડી ચલાવનાર હવાલદાર બોલ્યો.
આગળ આગળ ખેડેકર અને પાછળ  બીજો હવાલદાર ચાલી રહ્યો હતો. એમ્બેસેડરમાંથી ઊતરી સાઠે દોડીને એમની સાથે થઈ ગયા. આ ત્રણેયની  સાથે  બીજા ત્રણ  જણા પણ હતાં જે પાછળ ચાલી રહ્યા હતા. ગન તો દરેક પાસે હતી જે એમણે બંગલાના ગેટ પર પહોંચતા પહેલા જ બહાર કાઢી લીધી હતી. સાઠે અને એમના ત્રણ  માણસો એટીએસમાંથી હતાં. એટીએસ એટલે એન્ટી ટેરરીસ્ટ સ્ક્વૉડ. ગેટ  પર પહોંચી જરા વાર ઊભા રહી બધાંએ એકબીજા સામે જોયું. ખેડેકરે હવાલદારને ધીમેથી ગેટ ખોલી અંદર જવા કહ્યું.
હવાલદાર અંદર જઈ બિલ્લી પગે આખા બંગલાનું રાઉન્ડ મારી આવ્યો અને બોલ્યો,  “ઓલ ઓકે સર.
હવે ખેડેકર, સાઠે અને કુલ મળીને એમના ચાર સાથીદાર દબાતાં પગલે મેઇન ડોર તરફ ગયા. સાઠે યુનિફૉર્મમાં નહોતા તેથી તેઓ આગળ રહ્યા. એમણે ગન અંદર મૂકી દીધી હતી. ખેડેકર અને હવાલદાર મેઇન ડોરની બન્ને બાજુ લપકીને ઊભા રહી ગયા. એમની પાછળ સાઠેના ત્રણ માણસો સંતાયા. સાઠેએ બેલ માર્યો. એ લોકોને માહિતી તો હતી જ કે પીટર ડિસોઝા ઘરમાં એકલા જ રહે છે અને એટલે એ જ બારણું ખોલશે. થયું પણ એવું જ. પીટરે જ બારણું ખોલ્યું.
એણે પૂછ્યું,  “યસ?”
સાઠેએ કહ્યું,  “એટીએસ
તરત જ પીટર બારણું બંધ કરવા ગયો પણ બાજુમાં રહેલા ખેડેકરે બારણાને લાત મારી. દરવાજો ખૂલી ગયો અને બધા અંદર ઘૂસી ગયા. પીટર પાછલાં દરવાજાથી ભાગવા જતો હતો એને પકડી સાઠેના સાથીદાર ગન પોઇન્ટ પર ડ્રોઇંગરૂમમાં લઈ આવ્યા. ખેડેકર અને સાઠે ત્યાં સોફા પર બેઠેલા.
સાઠે જરા કરડાકીથી બોલ્યા, “જો જરા પણ કંઈ આડું અવળું કરવાનો પ્રયત્ન ના કરતો. તને તો ખબર જ હશે કે અમે કેમ અહીં આવ્યા છીએ. ફટાફટ ગુનો કબૂલી લે નહીંતર પરિણામ માટે તૈયાર રહે.
પીટર જાણે કંઈ ખબર ના હોય એમ બોલ્યો,  “શેનો ગુનો? કેવો ગુનો? મેં કોઈ ગુનો નથી કર્યો.
તો પછી ભાગતો હતો કેમઅમસ્તાં કે મેરેથોનની તૈયારી કરતો હતો?”  સાઠે ખીજાઈને બોલ્યા.
એ તો હું ડરી ગયેલો સાહેબ. એટીએસવાળા આવે તો કોઈ પણ ડરી તો જાય જ ને!
જેણે ખોટું કર્યું હોય એ જ ડરે, બધા નહિ સાલા. સાચું બોલ.”  હાથ ઉપાડતાં સાઠે બોલ્યા.
સાચું જ કહું છું સાહેબ. મેં કંઈ નથી કર્યું.પીટર કરગર્યો.
ખેડેકરે ઇશારો કરતાં એક હવાલદાર પીટર પર ગન તાકી ઊભો રહ્યો. એટીએસના ત્રણ ઑફિસર  પીટરના ઘરના જુદા જુદા હિસ્સામાં ફરી વળ્યા. એમને ખબર તો હતી જ કે ક્યાં ક્યાં તપાસ કરવી. વર્ષોનો અનુભવ હતો એમને. કોઈએ કંઈ પણ છુપાવવું હોય તો ક્યાં ક્યાં છુપાવે એ એમના માટે જાણવું રમત વાત હતી. દસ મિનિટમાં તો એ લોકો ચાલીસેક બુલેટ  લઈને ખુશ થતા થતા બહાર આવ્યા. સાઠે આ બુલેટ જોઈ ચોંક્યા. આ બુલેટ તો ભારતમાં પ્રતિબંધિત હતી. એમણે ખેડેકર સામે જોયું. ખેડેકરે આંખોથી જ ઇશારો કર્યો. એમનો શક સાચો હતો. પીટર હથિયારોની હેરાફેરી કરતો હતો.
ઉત્તર ભારતમાં નક્સલવાદીઓ એમના હુમલામાં આવી જ બુલેટ અને એવા એવા હથિયારો વાપરતા જેનો ઉપયોગ  ભારતમાં પ્રતિબંધિત છે. તો પછી એમની પાસે આ હથિયારો આવતા ક્યાંથી? જરૂર બીજા દેશમાંથી આવતા હશે. સરકારે બધા દરિયાકિનારાની ચોકી કરવા સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ બનાવેલો. મુંબઈમાં તાજ હોટેલ પરના ટેરરીસ્ટ હુમલા બાદ આ નિર્ણય લેવાયેલો. આખા દેશના  દરિયાકિનારા પર એ ટાસ્ક ફોર્સની ચાંપતી નજર હતી. ત્યાંથી તો કોઈ ચકલું પણ અંદર ફરકી શકે તેમ નહોતું. પાકિસ્તાન તરફની સરહદ પર તો હંમેશા સૈન્ય તૈનાત રહેતું. હમણાં હમણાંથી ચીનમાંથી ભારતમાં પગપેસારો થતા ત્યાં પણ સૈન્ય સજાગ હતું. તો પછી આ હથિયારો દેશમાં આવતા હતાં શી રીતે?
હજુ ગયા અઠવાડિયે  જ પોલીસના નક્સલવાદીઓ પરના હુમલામાં એક ઘાયલ નક્સલવાદી એમના હાથમાં આવી ગયો. એક અઠવાડિયા સુધી એની મારપીટ કર્યા પછી એ બોલ્યો કે અમે કાનપુરથી હથિયાર લાવીએ છીએ. એની માહિતી પરથી પગેરું કાઢતા કાઢતા એમને ઉત્તર ભારતના કાનપુરમાં બે જણા  મળ્યા જે ગેરકાયદે પિસ્તોલ બનાવી નક્સલવાદીઓને વેચતા. એ બન્ને પાસેથી જ જાણવા મળ્યું કે મુંબઈમાંથી એમને પિસ્તોલના પાર્ટ્સ તથા ગોળીઓ મોકલવામાં આવે છે. એટલે પછી એટીએસવાળા મુંબઈ પહોંચ્યા અને ખેડેકરને વિશ્વાસમાં લઈ તપાસ કરાવી. ખબરીઓએ પીટરનું નામ આપ્યું અને આજે એ લોકો અહીં આવી પહોંચેલા.
હવે ખેડેકરને વિચાર આવ્યો કે ચાલીસ જ ગોળીઓ? જો આ પીટર પેલા નક્સલવાદી અને ખબરીઓના કહેવા મુજબ હથિયારોનો મેઇન સપ્લાયર હોય તો એની પાસે હજુ ઘણો સામાન હોવો જોઈએ. એમણે પીટર સામે જોયું. પીટર ત્યાં હાથ જોડીને કરગરતો ઊભો હતો. ખેડેકરે એની સામે જોતાં જ એ ખેડેકરના પગમાં પડી ગયો.

સાહેબ, સાચું કહું છું. મેં કંઈ નથી કર્યું.
તો પછી આ ગોળીઓ અહીં શું કરે છે? અને આટલી જ કેમ? બીજો સામાન ક્યાં છે? બોલવું છે તારે કે પછી...
આટલું બોલતા ખેડેકરે પીટરને પગેથી હડસેલ્યો. પીટર જરા દૂર જઈને ફંગોળાયો અને માથું પકડીને બેસી ગયો. હવે ખેડેકરે સાઠે સામે જોયું. એમનો ઇશારો સમજાતાં જ સાઠેએ પેલા ત્રણેય  ઑફિસરને બીજી વાર તપાસ કરવા કહ્યું. ટેબલ પર ગોળીઓની થેલી મૂકી એ લોકો દોડતાં અંદર ગયા.
ખેડેકરે ગોળીઓ થેલીમાંથી કાઢી અને જમણા હાથમાં રમાડવા લાગ્યા. ગોળીઓ એકબીજા સાથે ઘસાઈને અવાજ કરવા લાગી. એના અવાજથી પીટર ચોંક્યો અને ગભરાઈને આજુબાજુ જોવા લાગ્યો. ખેડેકર જાણે બિલાડી ઉંદરને પકડતા પહેલાં એની સામે જુએ  એમ એને જોતાં હતા. પીટર પણ ખેડેકરની સામે જોઈ એ જાણવા પ્રયત્ન કરી રહ્યો હતો કે એમના દિમાગમાં આખરે ચાલતું શું હતું?
હાથમાં ગોળીઓ રમાડતા રમાડતા ખેડેકર  બોલ્યા,  “સાઠે, ચાની સુગંધ સારી આવે છે નહી?”
હું જોઈ જોઉં રસોડામાં.સાઠે ઊઠીને અંદર રસોડામાં જોવા ગયા. એમને મદદ કરવા હવાલદાર પણ ગન ખીસામાં મૂકી એમની પાછળ ગયો. હવે ડ્રોઇંગરૂમમાં ખેડેકર અને પીટર બે જ હતા.
પીટરે લાગ જોઈ ખેડેકરની પાસે આવી ધીમેથી કહ્યું, “સાહેબ, કંઈ થઈ શકતું હોય તો .... હું તૈયાર છું.
ખેડેકર કંઈ પણ બોલે એ પહેલાં જ સાઠે આવી પહોંચ્યા અને એમની પાછળ હતો હવાલદાર હાથમાં ચાના મગ સાથે. ખેડેકર ચાની ચૂસકી ભરતા ભરતા આજુબાજુ જોઈ રહ્યા હતા. પીટર જાણે એમને કંઈ કહેવા માંગતો હોય એમ ખેડેકરને જોઈ રહ્યો હતો. એને ખેડેકર સામે આ રીતે જોતો જોઈને સાઠેએ ખુરશીમાં પોઝિશન બદલી. એણે આ બંનેને અહીં એકલા મૂકીને કોઈ ભૂલ તો નહોતી કરીને?
એટલામાં પેલા ત્રણેય  ઑફિસર્સ બહાર આવ્યા. સાઠેએ એમની સામે પ્રશ્નાર્થ નજરે જોયું. પેલા ત્રણે જણાએ નકારમાં માથું હલાવ્યું. ખેડેકર હસી પડ્યા. સાઠે નવાઈથી એમની સામે જોઈ રહ્યા. હસતા હસતા ટેબલ પર ચાનો મગ મૂકી ખેડેકર ઊભા થયા. પેન્ટ ઉપર ચડાવી પીટર તરફ એક ના સમજાય  એવી નજર નાખી એ બેડરૂમ તરફ  ગયા.
સાઠેએ જાણે આક્ષેપ કરતાં હોય એમ પીટર સામે જોયું. પીટર ગભરાઈને નીચે જમીનને જોવા લાગ્યો. હવે સાઠેને ખરેખર શંકા ગઈ કે એની જાણ બહાર આ બન્નેએ કંઈ... એ મોકો ચૂક્યો કે શું?
સાઠે, અહીં અંદર આવો. સ્ટોર રૂમ તરફ.
આવ્યો સર.
સાઠે પીટરને હવાલદારને સોંપી અંદર રસોડાની બાજુમાં આવેલ સ્ટોરરૂમ તરફ ગયા. ખેડેકર ત્યાં હાથમાં લાકડી પકડી ઊભા હતા. સાઠે આ જોઈ ગભરાઈને સહેજ પાછા હટ્યાં . ખેડેકરને  સાઠેને આમ ગભરાતો જોઈ સહેજ હસવું આવી ગયું.  એમણે લાકડીથી છત ઠોકવા માંડી. ઉપર બનાવેલી ફૉલ્સ સીલિંગની વચ્ચે એક પાટિયું હતું. પાટિયું એકદમ પાતળું જ હતું જે લાકડીના ભારથી તૂટી ગયું. ખેડેકર બાજુમાં ખસી ગયા. ધડ ધડ કરતી ફૉલ્સ સીલિંગ નીચે પડી અને સાથે પિસ્તોલના સ્પૅઅરપાર્ટ્સ તેમજ બીજી ઘણી ગોળીઓ પૅકેટમાં પેક કરેલી તે પણ બધા પૅકેટ નીચે પડ્યા.
સાઠે ખુશ થઈને બોલી ઊઠ્યા,  “વેરી ગૂડ સર. તમને કેવી રીતે ખબર પડી કે અહીં આ છુપાવેલું છે?”
ખેડેકર બોલ્યા, “સિમ્પલ. અહીં અંદર સ્ટોર રૂમમાં જીપ્સમ બોર્ડ અને કલર બ્રશ પડેલા. કામ કરતાં બધું થોડું વધ્યું હોય એવું. એટલે મેં પહેલાં અહીં દીવાલો અને છત ચેક કરી. અહીં આ ફૉલ્સ સીલિંગની વચ્ચે લાગ્યું કે તાજું કલર કરેલું જીપ્સમ બોર્ડ હોય એમ લાગે છે એટલે લાકડી મારી. હવે આ પીટરનું શું કરશું?”
સાઠે બોલ્યા, “હવે શું? ગયો આ કામથી. સાલો સિત્તેરનો છે. એક પગ કબરમાં છે છતાં ગુલાંટ મારવાનું છોડતો નથી. રહે છે પણ એકલો તો શા માટે આ બધું કરતો હશે?”
અવાજો સાંભળી દોડી આવેલા ત્રણેય ઑફિસરને એમણે કહ્યું,  “ચાલો બધા. આને  હાથકડી પહેરાવી સાથે લઈ લો.
જ્યારે પીટરને લઈને બધા જતાં હતાં ત્યારે જતાં જતાં પીટરે પાછા વળી દીવાલ પર લટકતા ફોટા સામે જોયું. ખેડેકર એને આમ કરતાં  જોઈ ગયા. ખેડેકરનું ધ્યાન પોતા પર છે એ સમજાતાં એણે તરત જ નજર તો ફેરવી લીધી પણ બધાં એને ઘસડીને બહાર લઈ જતા હતા ત્યારે એના મોઢા પર કોઈ ભૂલ થઈ ગયાનો અફસોસ જરૂર હતો. સાઠેને  લાગ્યું કે આવું અનૈતિક કામ કર્યા બદ્દલનો કદાચ આ અફસોસ છે. આ ખેડેકર કેમ હજુ બહાર ના આવ્યા? એ અંદર શું કરે છે?
પીટરને જીપમાં બેસાડી સાઠેએ બહાર આવેલા ખેડેકર સાથે હાથ મિલાવ્યા અને બોલ્યા, “થેન્ક યુ સર. તમારા લીધે આજે કેટલાંના જીવ જતાં બચ્યા છે. કીપ ઇટ અપ.
ખેડેકરે સાઠેના ખભે હાથ મૂક્યો અને બોલ્યા, “માય ડ્યૂટી. નો નીડ ટુ થેન્ક. પણ મને એ કહો આગળ શું કરવા વિચાર છે આનો?”
પહેલાં તો એને અંદર કરું. આગળ ઓકાવવા પ્રયત્ન કરું છું. બીજા કોઈ નામો મળે તો તો રંગ રહી જાય.
એટલે?”
એટલે એમ કે આમેય ઘણા વખતથી ડિપાર્ટમેન્ટને કોઈ ક્રેડિટ મળે એવો કેસ સોલ્વ નથી થયો. ઇનફ માછલાં ધોઈ ચૂક્યા આ પ્રેસવાળા ડિપાર્ટમેન્ટના માથા પર. હવે સમય છે બતાડી દેવાનો.
મારું એમ કહેવું છે કે હમણાં આ બહાર ના પડે તો સારું. હજુ ઘણા આમાં ઇન્વોલવ હોઈ શકે છે. તમે સમઝો છો ને?”
સમઝી ગયો. નકામા એ લોકો સાવધ થઈ જાય. આપણે સાવચેત તો રહેવું જ પડશે.
ગૂડ.
સર તમે મને ઘણી હેલ્પ કરી છે. તમારે બીજા કોઈ કેસમાં ક્યારે પણ મારું કંઈ પણ કામ પડે તો હું હાજર થઈ જઈશ.
બાય. ટેક કેર.ખેડેકર બોલ્યા.
સાઠે એમના ત્રણ માણસો સાથે પીટર ડિસોઝાને લઈ ત્યાંથી નીકળી ગયા. પણ ખેડેકર ત્યાંથી નીકળ્યા નહિ. એ મૂંઝાયેલા લાગતા હતાં. પીટરની પેલી નજર, એમાં રહેલો પ્રેમ, એમાં રહેલું દર્દ ખેડેકરને અકળાવતા હતાં. ખબર નહિ કેમ ખેડેકરને થયું કે એ ગુનેગાર નહોતો. પણ સાબિતી છે. એના ઘરમાંથી બધું મળી આવ્યું છે. નક્સલવાદીઓથી એની કડી મળી છે. પણ કોણ જાણે કંઈ બરાબર નથી. ખેડેકર આવું વિચારતા પાછા ગયા. દીવાલ પરથી પેલો ફોટો કાઢી લીધો. ઘરમાં પણ બીજી થોડી તપાસ કરી પણ કંઈ હાથ લાગ્યું નહિ. બીજા દિવસે ખેડેકર પાછા પીટર ડિસોઝાની સોસાયટીમાં ગયા. પાડોશીઓને જૂલીનો ફોટો બતાવ્યો.
એમની બરોબર બાજુમાં રહેતા મિ. ગાંધીએ કહ્યું, “આ તો પીટરની પૌત્રી જૂલી છે. એમનો દીકરો અને વહુ તો એક રોડ ઍક્સિડન્ટમાં મરી ગયેલા. એમણે જ પૌત્રીને ઉછેરેલી. પણ હવે એ અહીં નથી રહેતી. ચૌદ વર્ષ પહેલાં એ અહીંથી જતી રહી છે. અને આમેય પીટર એ પછી કોઈની સાથે બહુ હળતાં મળતાં નથી એટલે બહુ ખબર નથી.
ખેડેકર બીજા દિવસે સાઠેની પરમિશન લઈ પીટરને મળ્યા. એમણે પીટરને ફોટો બતાડ્યો.
પીટર બોલ્યો, “હા. આ જૂલી છે, મારી પૌત્રી, એ હવે કેનેડામાં રહે છે.
તો એ કેનેડા શા માટે ગઈ છે?”
હું આ બધું કામ કરતો તે એને નહોતું ગમતું. એણે મારી સાથે ઝગડો કર્યો અને પછી કેનેડા ચાલી ગઈ.
પીટર રાત્રે તૈયાર કરી રાખેલા શબ્દો બોલતા બોલી તો ગયો પણ એના મોઢા પર ગભરામણ ખેડેકરને સ્પષ્ટ દેખાતી હતી. આવો રીઢો ગુનેગાર આમ ગભરાય?
ખેડેકર ત્યાંથી નીકળી સાઠેની ઑફિસ તરફ જવા લાગ્યા. સાઠે પણ એમની રાહ જોતાં ઑફિસમાં બેઠાં હતા. એમના દિમાગમાંથી એ નીકળતું નહોતું કે હજુ ખેડેકરને આ કેસમાં કેમ આટલો રસ છે? શું એ કંઈ જાણે છે જે પોતાને નથી ખબર? પ્રેસમાં પણ આપવાની ના પાડી આ બધું. વાત કઢાવવી પડશે. પણ એ ખેડેકરને કંઈ પણ પૂછે એ પહેલાં ખેડેકરે આવતાં જ સાઠેને સવાલ કર્યો,
શું કંઈ બીજા ખબર પડ્યા? ઇન્વેસ્ટિગેશન ક્યાં સુધી પહોંચ્યું?”
સાઠેએ જવાબ આપ્યો, “આ પીટર નક્સલવાદીઓને હથિયાર આપતો હતો એ વાત નક્કી પણ એની પાસે આવતા ક્યાંથી હતાં આ બધા હથિયારો? એ શોધવાનું બાકી હતું. એની પૂછપરછ કરી, મારપીટ કરી પણ એ મોઢું ખોલતો નહોતો. એટલે પછી અમે ઇન્ડિયા એરમાં તપાસ કરવાનું નક્કી કર્યું. પીટર ત્યાં કામ કરતો હતો. આખી જિંદગી  એણે ત્યાં જ કામ કર્યું હતું એ રિટાયર થયો ત્યાં સુધી. ત્યાંથી અમને જાણવા મળ્યું કે ઇન્ડિયા એરમાં એવો નિયમ છે કે સ્ટાફને  રિટાયર થયા પછી વરસની અમુક મફત  ટિકિટ મળે, જેમાં એ ઇન્ડિયા એરમાં પ્રવાસ કરી શકે. અને આ સવલતનો લાભ લઈ એ ઘણીવાર સિંગાપોર જતો.
ખેડેકર બોલી ઊઠ્યા, “ ઓહ. હવે ગડ બેઠી. સિંગાપોરમાં હથિયાર છૂટથી મળે છે એટલે?”
હા એટલે. પીટર ત્યાંથી હથિયાર લાવી અહીં સપ્લાય કરતો.
પણ સિક્યૉરિટીમાં પકડાય નહિ?”
એ જ મને પણ થયું. પણ આટલા જુના ઑફિસર હોવાને લીધે એરપોર્ટ પર ઓળખાણ થઈ ગઈ હશે તો ચેકિંગ વિના નીકળી જતો હશે બીજું શું?  સેટિંગ તો કરી જ રાખ્યું હોય ને એણે.
ખેડેકર એકદમ વિચારમાં પડી ગયા. સાઠેએ પૂછ્યું, “શું થયું? તમારી શું વાત થઈ પીટર સાથે? કંઈ બોલ્યો?”
ખેડેકરે વાત ઉડાવી જવાબ આપ્યો, “કંઈ નહિ. એમ જ. એ ક્યાં કંઈ  બોલે છે? તમતમારે તમારું કામ ચાલુ રાખો. હું હવે નીકળું.
સાઠે ખેડેકરની પીઠ તાકતા રહ્યા અને ખેડેકર સડસડાટ બહાર નીકળી ગયા. ત્યાંથી નીકળી ઘરે જઈ આખી સાંજ એમણે વિચારોમાં કાઢી. અંધારું થયું અને પત્નીએ જમવા માટે બૂમ પાડી ત્યારે એ બાલ્કનીમાંથી અંદર ગયા. પત્નીને જેવી ખબર પડી કે શાકમાં મીઠું  સહેજ વધારે પડી ગયું છે એટલે એણે ગભરાઈને ખેડેકર સામે જોયું. આવી બન્યું આજે તો. પણ ખેડેકર તો ચૂપચાપ કઈ જ બોલ્યા વિના ખાઈ રહ્યા હતા. રાત્રે રોજની જેમ દસના ટકોરે પત્નીએ બૂક બાજુમાં મૂકી લાઈટ બંધ કરી. પણ ખેડેકર અંધારામાં છત તાકતા રહ્યા અને સરખું  સૂતા પણ નહિ. મોડી રાત્રે પત્ની બાથરૂમમાંથી આવી ત્યારે એણે જોયું કે ખેડેકર પથારીમાં નહોતા. એ એમને શોધતી બાલ્કનીમાં ગઈ. ખેડેકર એની સાથે અંદર તો આવ્યા પણ સૂઈ ના શક્યા. પીટરની પેલી ફોટો જોતી વખતની નજર એમની આંખ સામેથી ખસતી નહોતી.
બીજે દિવસે સવારે એ જાતે ઇન્ડિયા એરની ઑફિસમાં પહોંચ્યા. એમની પૂછપરછમાં પણ એમને એ જ જવાબ મળ્યો કે પીટર વરસમાં કેટલીય વાર સિંગાપોર જતો.
ખેડેકરે પૂછ્યું,  “કેટલા વખતથી એ સિંગાપોર જતો?”
રિટાયર થયો ત્યારથી એટલે કે ચૌદેક વરસથી.
પીટર કેનેડા કેટલી વાર ગયો છે?”
કેનેડાત્યાં તો એ કોઈ વાર નથી ગયો.
હવે ખેડેકર ને થયું કેનેડામાં એમની પૌત્રી છે છતાં પણ આટલા વર્ષોમાં એક પણ વાર નથી ગયો? શું એ ઝગડો કરીને જતી રહી છે એટલે? પણ મફતમાં ટિકિટ મળતી હોય તો પૌત્રીને એકાદવાર મળવા મનાવવા જાય તો ખરો ને? ખેડેકર હવે ખરેખર ગૂંચવાયા હતાં. એક ની એક પૌત્રીનું આમ કેનેડા જતું રહેવું, સિત્તેર વર્ષના વયસ્ક માણસનું આમ દેશદ્રોહીની જેમ કામ કરવું, એનું કઈ ના બોલવું આ બધું ખેડેકરને અકળાવતું હતું. ઘરે જતાં રસ્તામાં પણ એ વિચારતા હતાં કે હજી કોઈક કડી આમાં ખૂટે છે. હજુ એવું કંઈ છે જે એમને મળતું નથી.
બીજા દિવસે સવારે એ પાછા પીટરના ઘરે ગયા. પીટરનું કમ્પ્યૂટર, લૅપટોપ બધું એટીએસવાળા લઈ ગયેલા. એમણે આખા ઘરના ખાના ફેંદવા માંડ્યા. એમને એમ કે જૂલીનો એકાદ પત્ર તો મળશે જ. એનો પત્ર તો ના મળ્યો પણ એક બીજો પત્ર મળ્યો. એમાં લખ્યું હતું,  “છવ્વીસમી એપ્રિલે હું મુંબઈ આવવાનો છું અને મને ડ્રીમ્ઝહોટેલમાં ડિનર માટે મળ.
છવ્વીસ એપ્રિલ તો  બસ અઠવાડિયા પહેલા જ ગઈ. કોણ હશે આ? નજીકનું કોઈ  હશે? એ કંઈ પીટર બાબત જણાવી શકશે? એનું નામ એણે નહોતું લખ્યું. ખાલી ઇનિશલ્સ લખેલા. B.M.  કોણ હશે આ B.M.? ક્યાં રહેતો હશે? લેટરના કવર પર જોયું તો આસામનો સિક્કો હતો. એટલે આ B.M. આસામમાં રહેતો હતો. જો એ છેક આસામથી અહીં આવવાનો હોય તો પત્ર જ લખે? ફોન ના કરે? જો આ માણસ મળી જાય તો ઘણી ગૂંચ ઊકલે. ખેડેકરે એને શોધવાનું નક્કી કર્યું. પીટરના ફોનની હિસ્ટ્રી સર્વિસ પ્રોવાઈડર પાસે ચેક કરાવી. પીટરના ફોન પર આસામથી ઘણીવાર ફોન આવતા હતાં પણ દર વખતે જુદા જુદા નંબર પરથી. આવું કેમએટલે આ B.M. આસામમાં છે એ નક્કી. પણ એને શોધવો કઈ રીતે?
એમણે પીટરને એ પત્ર બતાવ્યો. પણ બોલે એ બીજા. હવે ખેડેકરે ડ્રીમ્ઝહોટેલમાં જવાનું નક્કી કર્યું.
ત્યાં જઈ મૅનેજરને પીટરનો ફોટો બતાવી પૂછ્યું, “છવ્વીસ એપ્રિલે આ માણસ અહીં આવેલો કે? એની સાથે કોણ કોણ હતું? તમને કંઈ યાદ છે?”
મૅનેજર કહેવા લાગ્યો, “સાહેબ અહીં તો રોજ નવા નવા લોકો આવે અમે કેટલાને યાદ રાખીએ? આવ્યા પણ હોય ના પણ આવ્યા હોય. પણ આપણે બધાં વેઇટરને પૂછી જોઈએ. જેણે પણ એમને અટેન્ડ કર્યાં હશે એને યાદ હશે.
બધા વેઇટરને બોલાવ્યા. બધાને પીટરનો ફોટો બતાડ્યો.
પિન્ટુ નામના વેઇટરે કહ્યું, “હા. આમને જોયેલા જોયેલા લાગે છે. હોઈ શકે કે છવ્વીસ તારીખે મેં જ  એમને અટેન્ડ કર્યા હોય.
ખેડેકરે પિન્ટુને પૂછ્યું,  “એ એકલા હતાં કે કોઈ સાથે હતું? કંઈ યાદ છે?”
ના સાહેબ. એવું કંઈ યાદ નથી પણ આમને જોયેલા લાગે છે બસ.
ઓકે. તે દિવસે બીજા કોઈ જાણીતા કસ્ટમર આવેલા જે અહીં ઘણીવાર આવતા હોય અને તમે એમને ઓળખાતા હોય એવાએમને પૂછી જોઈએ.
સાહેબ છવ્વીસ એપ્રિલને?” મૅનેજર બોલ્યા. એ દિવસે તો શાહ સાહેબનો બર્થડે હતો. એ અહીં એમનાં મિત્રો સાથે જમવા આવેલા. કેક કાપી, ફોટા પાડ્યા. અમારે ત્યાં  દરેક બર્થડે વખતે બધા વેઇટર ભેગા થઈ ઘંટ વગાડે જેથી બધાને ખબર પડે અને બધા પછી તાળીઓ પાડે. એમનાં માટે પણ અમે ઘંટ વગાડેલા.
પિન્ટુ બોલ્યો, “હા સાહેબ વાત સાચી છે. એ જ દિવસે શાહ સાહેબનો બર્થડે હતો. અરે હા એ લોકો બહુ અવાજ કરતાં હતાં તો આમણે,..” ફોટો બતાવી એ બોલ્યો, “આ નહિ એમની સાથે જે આવેલા એ ભાઈ ચિડાઈ ગયા કે કેટલો અવાજ કરો છો? વાત કેવી રીતે કરવી? હા હા સાહેબ આ લોકો અહીં આવેલા.
તો તને યાદ છે જે ચિડાઈ ગયેલા એ  કેવા દેખાતા હતાં?”
સાહેબ એ સમઝાવવું અઘરું છે પણ જોઉં તો ઓળખી જાઉં
ખેડેકરે મૅનેજરને પૂછ્યું, “ મિ. શાહનો કૉન્ટેક્ટ નંબર છે? હોય તો મને આપો.
હા સાહેબ. અહીં પાર્ટી હોલમાં એ ઘણીવાર નાની મોટી પાર્ટી રાખે છે તો મારી પાસે એમનો નંબર છે.
ખેડેકરે શાહનો નંબર લીધો. એમનો કૉન્ટેક્ટ કરી એમનાં ઘરે ગયા. બધી પૂછપરછ કરી પણ એમને એવું કંઈ ધ્યાનમાં નહોતું. એટલે પછી ખેડેકરે  એમની બર્થડે પર પડેલા ફોટા જોવા માંગ્યા. શાહે એમને તરત જ ફોટાની સીડી બનાવી આપી. ખેડેકરે પોલીસ ચોકી જઈ બધા ફોટા લેપટોપમાં ધ્યાનથી જોયા. એક પણ ફોટામાં પીટર દેખાતો નહોતો. ડેડ એન્ડ. હવે શું? એમને કંઈ યાદ આવતા એમણે પિન્ટુને ચોકી પર બોલાવ્યો. એને બધા ફોટા બતાડ્યા. પિન્ટુએ બધા ફોટા શાંતિથી જોયા અને પેલા ચિડાયેલા માણસને ઓળખી કાઢ્યો. પીટર એની સામે જ બેઠેલો પણ ફોટો પાડનાર તરફ એની પીઠ હતી એટલે એ ઓળખાતો નહોતો.
વાહ. હવે મઝા આવશે.ખેડેકર બોલ્યા.
પિન્ટુનો આભાર માની એને રવાના કર્યો. આસામમાં પેલા ફોટાવાળા માણસને હવે શોધવાનો હતો. પણ ખેડેકરને માટે એ કામ આસાન હતું. એમના સારા કામને કારણે અને બધાને મદદ કરવાની વૃત્તિને કારણે ચારેબાજુ એમના મિત્રો હતાં. બસ આવા જ એક મિત્ર આસામમાં ડ્યૂટી પર હતાં એની મદદ લઈ તપાસ કરાવી. એને છેવટે શોધી કાઢ્યો અને ખેડેકર આસામ પહોંચી પણ ગયા. બીજા રાજ્યમાં કામ કરવા માટે ઘણી પરમિશન લેવી પડે પણ ખેડેકરને ઉપરથી ઘણો સાથ હતો અને એટલે આ બધું ફટાફટ થઈ શક્યું. પણ પ્રૉબ્લેમ એક જ  હતો. પેલા ફોટાવાળા માણસનું નામ B.M. નહિ કાદર શેખ હતું. ખેડેકર એની પાસે પહોંચ્યા.
એને પેલો ફોટો બતાવી પૂછ્યું, “આ તમારો જ ફોટો છે ને? "ડ્રીમ્ઝ" હોટેલમાં તમે છવ્વીસ એપ્રિલના રાત્રે પીટર સાથે જમવા ગયેલા?”
એણે ગભરાઈને પૂછ્યું,  “હા પણ કેમ? પીટર ઠીક તો છે ને? શું થયું?”
થયું કઈ નથી. પણ તમે પીટરને શા માટે મળેલા?”
હું મુંબઈ કામે આવેલો તો મને થયું પીટર ને મળી લઉં. ઘણા વખતથી મળ્યા નહોતા એટલે. કેમ આવું પૂછો છો? અને તમે કેમ એની તપાસ કરો છો? શું થયું છે?”
એના ઘર પર એટીએસની રેડ પડી હતી. ઘણી બુલેટ અને પિસ્તોલના સ્પૅઅરપાર્ટ્સ મળી આવ્યા છે ત્યાંથી. એ આ બધું સિંગાપોરથી લઈ આવતો અને કાનપુરમાં પિસ્તોલ બનાવી બુલેટ સાથે નક્સલવાદીઓને વેચતો હતો.
પણ એ તો મારો ખાસ મિત્ર છે. એ આવું ના કરે.
તમે પીટરના બીજા કોઈ મિત્રો કે સગાને ઓળખો છો જે અહીં આસામમાં રહેતા હોય?
ના. હું કોઈને નથી ઓળખતો. પણ પીટર  આવું કામ કરે એ હું માની જ નથી શકતો.
સાબિતીઓ તો એવું જ કહે છે.
મને લાગે છે એને ફસાવવામાં આવ્યો હશે. એ શું કામ આવા કામ કરે? પૈસા માટે?”
કદાચ.ખેડેકર બોલ્યા.
કાદરની ઘણી પૂછપરછ પછી ખેડેકર ત્યાંથી નીકળ્યા. પાછા ફરતા ફરતા એ વિચારી રહ્યા હતાં કે શું કામ પીટર આવા કામ કરતો હશે? પૈસા માટે? પણ પીટરના ઘરમાં જોઈએ તો લાગે કે એ એકદમ સાદાઈથી રહે છે. એવો ભપકો પણ નથી. પાછું એના ઘરની તપાસમાં રોકડ પણ મળી નહોતી. તો એ પૈસા ક્યાં છુપાવતો હશે? અને જો એ પૈસા માટે આ બધું ના કરતો હોય તો પછી બીજું શું કારણ હોઈ શકે? અચાનક ખેડેકરને યાદ આવ્યું કે કાદરને પૂછવાનું જ રહી ગયું કે પેલા પત્રમાં  એણે કાદરના બદલે B.M. શા માટે સહી કરી?
ખેડેકર આ પૂછવા પાછા વળ્યા અને ઘરમાં જવા જતાં હતા ત્યાં એમણે કાદરને ફોન પર ઉતાવળે વાત કરતા સાંભળ્યા,  “નીકળો ત્યાંથી. જલદી.
ખેડેકરના કાન ચમક્યા. ખેડેકરને જોતાં જ સામેથી કોઈ બોલી રહ્યું હતું છતાં કાદરે ફોન કાપ્યો.
ખેડેકરે  કાદર સાથે  હવે સત્તાવાહી અવાજે વાત કરી. શું છે આ બધું? તમે કોની સાથે વાત કરતાં હતા?”
હવે ચમકવાનો વારો કાદરનો હતો. એ તતપપ કરવા લાગ્યો.
ખેડેકરે ગન એની તરફ તાકી કરડાકીથી પૂછ્યું, “તું શું કામ કરે છે? સાચું બોલ. કંઈ ખોટું કામ કરે છે ને? એટલે જ ગભરાઈ ગયો છે ને? લાવ તારો ફોન લાવ.
એના હાથમાંથી ફોન ઝૂંટવી એમણે રિડાયલ કર્યું.
હા કાદરભાઈ. ફોન કેમ કપાઈ ગયો? અમે નીકળી જ રહ્યા છીએ. પેલી માનતી નથી. બેભાન કરીને લઈ જશું. તમે ચિંતા ના કરો.સામેથી અવાજ આવ્યો.
ઓહ. પેલી એટલે?  જૂલી? ખેડેકરે ફોન કાપીને જાણે હવે કાદરને કાપવાનો હોય એમ એની  સામે જોયું. કાદરે ડરના માર્યા હાથ જોડ્યા. હવે ખેડેકરને આખી ગડ બેઠી. પીટર પાસે કામ કરાવનાર આ કાદર છે. જૂલીને બાનમાં લઈ એનું અપહરણ કરી પીટરને આ કામ કરવા મજબૂર કર્યો છે. જૂલી કેનેડામાં નહિ આસામમાં જ હતી. અને પકડાઈ ના જવાય એટલે એની જગ્યા ખસેડાતી હતી. અને એટલે જ પીટરને આસામના જુદા જુદા નંબર પરથી ફોન આવતા હતાં. જૂલીને બચાવવા પીટર આ  કામ કરતો અને એ લોકો જૂલીને કંઈ નુકસાન ના પહોંચાડે એટલા માટે જ આટલું પૂછવા છતાં એ ચૂપ રહ્યો.
તરત ખેડેકરે સાઠેને ફોન કર્યો અને બધી માહિતી આપી. કાદરને પણ કાનૂનને હવાલે કર્યો. હવે એક મહત્વનું  છેલ્લું કામ બાકી હતું જે ઉતાવળે કરવું પડે એમ હતું. જૂલી. એમણે તરત જ  જૂલીને છોડાવી. એને પણ સમજાવવું પડ્યું કે  પીટરે ભલે મજબૂરીમાં આ ગુના કર્યા હતા પણ એ ગુનેગાર તો હતો જ.
ખેડેકર જૂલીને લઈ મુંબઈ પહોંચ્યા અને જૂલીને પીટર પાસે લઈ ગયા. પીટરની આંખોમાં ખેડેકર માટે માન સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું.
ખેડેકર જ્યારે જતાં પહેલાં સાઠેને મળવા એમની ઑફિસમાં ગયા ત્યારે સાઠેએ ખેડેકરને પૂછ્યું, “બીજું બધું ઠીક પણ એક વાત ના સમજાઈ. પત્ર પર કાદરે શા માટે B.M. સાઇન કરી એ ના સમઝાયું.  તમે એને પૂછ્યું કે નહી?”
કંઈ જરૂર નથી પૂછવાની. મને ખબર છે.
સાઠેના મોઢા પર મોટું પ્રશ્નાર્થ  ચિહ્ન હતું.
“B.M. એટલે બ્લેક મેલ૨. એટલું પણ ના સમજ્યા?”
બન્ને ખડખડાટ હસી પડ્યા
.




















####

No comments :

Post a Comment