Friday 21 August 2015

વાર્તાશિબિર ૧(મુંબઈ)


૦૩ ફેબ્રુઆરી ૨૦૧૪, વાર્તાશિબિરની પ્રથમ બેઠકનો અહેવાલ.



ડીસેમ્બર ૨૦૧૪માં મુંબઈમાં એક સ્થાનિક સંસ્થા દ્વારા એક કાવ્ય-વાર્તા સ્પર્ધા યોજાય છે. ૧૪મી જાન્યુઆરી ૨૦૧૫નાં રોજ એનો પારિતોષિક વિતરણ સમારોહ  રાખવામાં આવ્યો હોય છે જેમાં પરિણામ જાહેર થાય છે અને વિજેતાઓને પારિતોષિક આપવામાં આવે છે.સમારોહ બાદ ત્યાં હાજર અમુક સ્પર્ધકો અને  નિર્ણાયક વચ્ચે એ સ્પર્ધામાં આવેલી વાર્તાઓ વિષે થયેલી ગોઠડીનાં પરિણામ સ્વરૂપ બીજ રોપાય છે 'વાર્તા રે વાર્તા' નામક ફોરમનાં અને શરુ થાય છે  આયામ.. વાર્તા/વાર્તાલેખનને સમજવાનો.

વાર્તાને બારીકાઈથી કેમ વિચારવી, વ્યાપક રીતે કેમ વિચારવી..અને એથી પહેલા બારીકાઈથી  કેમ વાંચવી, વ્યાપક રીતે કેમ વાંચવી.. આ આયામનાં ભાગ રુપે, પ્રથમ શિબિરની શરૂઆત પહેલા આપવામાં  આવ્યું ગૃહકાર્ય,એટલે કે 'ટાસ્ક'. ત્યાર બાદ તારીખ ૩ ફેબ્રુઆરી ૨૦૧૫નાં રોજ ઘાટકોપર-મુંબઈ ખાતે ફોરમનાં સભ્ય રાજુલ ભાનુશાલીનાં ઘરે પ્રથમ શિબિરનું આયોજન થયું.

અને આવી રીતે વાર્તાને

કેવી રીતે વાંચવી.
કેવી રીતે માણવી.
કેવી રીતે જાણવી..
કેવી રીતે નાણવી..
કેવી રીતે ભાળવી..
કેવી રીતે વાળવી..
કેવી રીતે લણવી..
કેવી રીતે વણવી..
કેવી રીતે વીણવી..
કેવી રીતે જોખવી..
કેવી રીતે પોંખવી..એ સમજવા આદરેલા પ્રયાસ/પ્રવાસનાં માર્ગે પ્રથમ ડગલું ભરાયું.

આ પ્રથમ બેઠક હતી .. સહુ ઉત્સાહ માં ભેગા તો થયા પણ બેઠકના સ્વરૂપ વિષે કોઈ સંકલ્પના સ્પષ્ટ નહોતી.. આ બેઠકની સમય અવધિ શું? કારણ દૂરદૂરનાં પરાંમાંથી સભ્યો આવવાનાં હતાં, એક જગ્યાએ ભેગા થવાનાં હતાં.. ચાર થી પાંચ કલાક તો ટ્રાવેલિંગમાં જાય એવું હતું, બેઠકનો સમય અલગ! અને તે ઉપરાંત આ એક જ બેઠક હશે  કે અન્ય બેઠકો થશે..? ઘણાં બધાં પ્રશ્નો હતાં.. અસ્પષ્ટતા હતી અને આ બધી અવઢવ વચ્ચે મિત્રો ૩ ફેબ્રુઆરીનાં રોજ ભેગા થયાં. ભેગા થતાંની સાથે જ દરેક સભ્યએ પોતાને પજવતાં પ્રશ્નો, અવઢવ સુત્રધાર રાજુ સમક્ષ મુક્યાં.

સુત્રધારની સ્પષ્ટતા:-

હું હમેશા આવી બેઠક ઈચ્છતો રહ્યો છું અને આખરે આ બેઠક સંભવ બની છે તે આપ સહુના ઈરાદાથી. તેથી એ સહુ જેમણે આ બેઠક સંભવ કરી તેમનો આભાર. વાત બેઠકના સ્વરૂપ વિષેની છે તો હવે પછી આપ સહુ જ નક્કી કરશો કે મહિનામાં કેટલી વાર મળવું. પરંતુ એક વાતે હું સ્પષ્ટ છું કે આ ફક્ત એક બેઠકની સંકલ્પના નથી જ નથી.

તો આવી કેટલી બેઠક..? દર મહીને એકવાર કે મહીને બે વાર..? અને આ વખતે તો રાજુલના ઘરે મળ્યાં પણ નિયમિત રૂપે જો મળવાના હોય તો ક્યાં મળીએ..? ક્યાં મળવું ઠીક રહેશે ..? આ બેઠકનું ઇકોનોમિકસ શું છે..? સભ્યોએ કોઈ પ્રકારનું રજીસ્ટ્રેશન/બજીસ્ટ્રેશન કરાવવાનું હોવું જોઈએ કે નહીં..? કંઈ ફી/બી હશે..? હશે તો કેટલી હશે..? બેઠક દીઠ હશે કે પછી વાર્ષિક..?

કેટકેટલા પ્રશ્નો..! પણ મજ્જાની વાત એ હતી કે આટઆટલા સામટાં પ્રશ્નો પછી સુત્રધાર 'cool' રહ્યાં અને સહુને શાંત પાડી એક પછી એક પ્રશ્નોનાં સંતોષકારક જવાબ આપવા શરુ કર્યાં. અમુક પ્રશ્નોના ઉત્તર સ્પષ્ટ થયાં તો અમુક અનુત્તર રહ્યાં. જેમ કે કેટલી બેઠક થશે કે હશે ના જવાબમાં સુત્રધારે કહ્યું કે આ પ્રશ્નનો ઉત્તર આપણી આ શિબિર પાસેથી શું અપેક્ષા છે અને એ અપેક્ષા કેટલી સંતોષાય છે એના પર આધાર રાખે છે. સ્વાભાવિક છે કે વાર્તાકળા ને લઇને આપ સહુના મનમાં અનેક મુદ્દા/પ્રશ્ન/જીજ્ઞાસા છે. આ શિબિરમાં હું આપની આ વિષયની ઉત્કંઠા સંતોષવાનો પ્રયાસ કરીશ. આજની બેઠકના અંતે આપ સહુ આજના અનુભવ પરથી નક્કી કરો કે આજની બેઠક કેવી રહી..? શું કશુંક મળી રહ્યું છે..? શું જે મળે છે તે એટલું અર્થપૂર્ણ છે કે આપણે ફરી મળવું જોઈએ..? જો આપ સહુને લાગે કે ફરી મળવું જોઈએ તો ફરી મળીશું. જ્યાં સુધી આપ સહુને મળવાની લાગણી થતી રહેશે આ શિબિર યોજાતી રહેશે. તે ઉપરાંત બેઠકનું  ઇકોનોમિકસ, ક્યાં મળવું વગેરે પણ એ બાબત પરથી નક્કી થશે કે શું આપણે ફરી મળી રહ્યા છીએ..? શું આ શિબિરની શૃંખલા કરી રહ્યા છીએ..? કે પછી આજે મળ્યાં એ એ પૂરતું  છે..? (જો ફરી ન મળવાના હોઈએ તો આ વિષય પર અત્યારે બહુ સમય બગાડવાની જરૂર જ નથી). આ બેઠક જેટલી  અનૌપચારિક રહે એટલું બહેતર છે એટલે રજીસ્ટ્રેશનની વાત ટાળીએ.. ટૂંકમાં આજની બેઠક  નિર્ણાયક બેઠક છે આ શિબિરના સ્વરૂપ વિષે/શિબિરનાં ભવિષ્ય વિષે.

હવે આ શિબિર શા માટે અને આ પ્રકારની શિબિરો દ્વારા હું તમને શું આપી શકું..આ પ્રશ્ન રાજુએ જ પુછ્યો અને જવાબ પણ રાજુએ જ આપ્યો!!

ઓવર ટુ રાજુઃ-

આ પ્રશ્નનાં જવાબમાં મારે બે વાત કહેવી છે.
પહેલી વાત,મેં જ્યારે વારતા લખવાની શરૂઆત કરી ત્યારે વારતા વિષેની મારી સમજ ખુબ ઓછી હતી અને મને ઘણાં પ્રશ્નો મુંઝવી રહ્યા હતાં. પણ મને ખબર નહોતી કે એ પ્રશ્નોના જવાબ ક્યાંથી મળશે.. ? મારા વર્તુળમાં કોઈ મોટા સાહિત્યકારો નહોતા અને મારી કોઈ સાહિત્યકાર સુધી પહોંચ નહોતી. અનેક પ્રશ્નો લઇ હું મુંઝાતો રહ્યો અને શનૈ: શનૈ: તે પ્રશ્નોના નિવારણ થયા..અમુક પુસ્તકો વાંચ્યા બાદ, અમુક સર્જનાત્મક ઠોકરો ખાધા બાદ અનેક વર્ષે હું આ કળાનું વ્યાકરણ થોડાઘણાં અંશે સમજી શક્યો. આજે જ્યારે હું આ ક્ષેત્રમાં નવોદિતોને ભૂલો કરતાં કે મૂંઝાતા જોઉં છું ત્યારે મને મારા એ દિવસો યાદ આવે છે. મારો એજેન્ડા એક તો એ છે કે આવી શિબિરના માધ્યમથી હું મારા અનુભવ કે મારી જે કંઈ સમજ છે તે વહેંચી શકું..એ કદાચ કોઈ નવોદિત ને ઉપયોગી થઇ શકે.

બીજી વાત,એક સર્જક તરીકે મેં હમેશા રસિક શ્રોતાની ખોટ અનુભવી છે.અલબત્ત આપણને આપણા નીજી વર્તુળમાંથી શ્રોતા તો મળી જ જાય પણ એ સહુ આપણું લખાણ સંબંધને કારણે વાંચે કે પ્રતિક્રિયા/અભિપ્રાય આપે.. પણ એ અભિપ્રાય ઘણાંખરાં 'વાહ'/અથવા 'ખૂબ સરસ' જેવાં ઉદ્ ગારોથી વિશેષ નથી હોવાનાં. સાહિત્યિક કોણથી આ રીતે નીજી વર્તુળમાંથી પ્રતિક્રિયા મળવી અસંભવ. આપણે કશુંક લખ્યું હોય તો એ  સાંભળી કોઈ વખાણ કરે તે કરતાં કદાચ વધુ મોટી આવશ્યકતા એ હોય છે કે એ લખાણને સાહિત્યિક દ્રષ્ટિ એ કોઈ મુલવે અથવા આપણને એવું કોઈક સાંભળનારું મળે જેના પ્રતિભાવથી આપણને એ સમજાય કે આપણું લખાણ સાહિત્યના સંદર્ભમાં કેટલું દમદાર છે અને જો દમદાર નથી તો કેમ નથી..! આવી શિબિરો જો થતી થાય તો આપણી સહુ થી મોટી ઉપલબ્ધિ એ હશે કે આપણને અનેક રસિક શ્રોતા મળશે. કેમ કે અહીં ભેગા થનારા લોકોનો ઉદ્દેશ શુદ્ધ સાહિત્યિક જ હોવાનો અને જો આપણે શિબિરના માધ્યમથી એક નાનકડું  સમૂહ પણ સર્જી શકીએ તો આપણને આપણી સર્જકતા વિષે ચર્ચવાનો મોકો, ચર્ચવાનું મંચ મળી શકે.

અને..
સાથે સાથે ત્રીજી વાત એ છે કે આવી સાહિત્યિક ગોઠડીમાંથી અલબત્ત મને પણ બે વાત જાણવા મળશે..

રાજુનો રાજુ'ભાઈ' કે 'sir' સંબોધન તરફનો વિરોધી અભિગમ બાબતે સ્પષ્ટતાઃ

એમ ના સમજશો કે હું બહુ જાણકાર છું. હું જાણકાર હોવાનો દાવો પણ નથી કરતો છે કે ન તો હું એવા ભ્રમમાં છું. અને એટલે જ આ શિબિરનાં સહુ સભ્યો ને વિનંતી કે મને મિથ્યા આદર ન આપે કે આદરવાચક સંબોધન પણ ન કરે.આપણે મૈત્રીના ધોરણે જ મળીશું  કે વાતો કરીશું. આ મારી નમ્રતા નથી આ મારી આ ક્ષેત્રની જાણકારી / વિદ્વતા વિશેની હકીકત છે.  


આટલી સ્પષ્ટતા પછી શિબિરની વિધિવત શરૂઆત થઇ.



'ક્રમશ:' - સહિયારી વાર્તા :-

ટાસ્કમાં 'ક્રમશઃ'શિર્ષક હેઠળ એક વાર્તાનું મંડાણ હતું. એક ફકરો સુત્રધારે આપેલો અને ત્યાર બાદ દરેક સભ્યએ એક પછી એક ફકરો પોતાનાં તરફથી જોડીને વાર્તા પૂરી કરવી એવો ટાસ્ક હતો. જે ખુબજ રોચક હતો. પણ આ રીતે ઘણા બધાં રાઈટર્સ સાથે મળીને એક વાર્તા પૂરી કરે એવો ટાસ્ક શું કામ એ પ્રશ્ન સુત્રધારને પુછવામાં આવ્યો ત્યારે એમણે આપેલી કેફિયત આ પ્રમાણે છે.

સુત્રધાર ઉવાચ:

એક વ્યક્તિ શરુઆત કરે,બીજી એને આગળ વધારે, પછી ત્રીજી આગળ વધારે અને ક્રમશઃ આ કાર્ય ચાલે. વાર્તા આગળ વધે. આમાં કોઈ ક્રીયેટીવીટી નથી.સાવ વાહિયાત વસ્તુ છે, હાઉઝી ગેમ રમીએને એવી! છતાં મેં આ કાર્ય આપ્યું એની પાછળ એક ફીલોસોફી છે અને એ તમને પ્રેક્ટીકલી સમજાય એટલે મેં આ ટાસ્ક આપ્યો.તમારામાંથી સર્વેને કોઈક તબક્કે એમ લાગ્યું હશે કે રાજુએ વાર્તાને આવો સાવ વાહિયાત ઉપાડ આપ્યો છે તો પછી મારે 'આમ જ' કરવું રહ્યું ને? કુસુમે આવું કર્યું તો પછી હું શું કરું? બીજો શો ઉપાય હતો? રાજુલ એ સાવ આવો વાહિયાત ટર્ન આપ્યો તો કરવા માટે  મારી પાસે બચ્યું શું? ખરું કે નહીં?

વેલ, આ તો થઈ સહિયારી વાર્તાની વાત. જ્યારે તમે પોતાની વાર્તા લખશો ત્યારે પણ તમને આવા જ પ્રોબ્લમ/સીચ્યુએશનનો સામનો કરવો પડશે. તમે પોતે જ તમારા લખેલા પેરેગ્રાફને સમજી નહિં શકો, જસ્ટીફાય નહીં કરી શકો. તમારા પોતાનાં જ સર્જેલા પાત્રો તમને નહીં સમજાય! હાથમાંથી છટકી જશે. તમને થશે.. આ કોણ છે યાર? મેં આને આવો તો નહોતો ધાર્યો! નહોતો ઈચ્છયો!

વાર્તા મૂળ ટોપિક છોડીને કઈ દિશામાં ચાલી જાય છે? શામાટે ટોપિક છોડી દે છે? આ પ્રશ્નો વિરાટ સ્વરૂપે તમારી સામે આવીને ઉભા રહેશે. સામાન્ય રીતે બધાંજ લેખકો સાથે આવું થતું હોય છે.

હું ચાહતો હતો કે તમે સૌ એ પ્રોબ્લમ ફેસ કરો. મુંજાઓ તમને થાય... કે... મેહુલે આવું લખ્યું છે તો હવે હું શી રીતે આગળ વધારું... અને તમે એમાંથી રસ્તો શોધો.

સહિયારા લેખનમાં આવતી આવી મર્યાદાઓ તમને પોતાની રચના લખશો ત્યારે પણ આવવાની જ/ નડવાની જ. કારણકે.. આપણી સજ્જતા એટલી ઓછી પડે છે! અને એ પણ અનેક તબક્કે. મટીરીયલ છે, પણ એમાં દમ નથી! અને આનાં અનેક કારણો છે.

૧) આપણો શબ્દભંડોળ ઓછો પડે છે.

૨) આપણી કલ્પનાશક્તિને હજુ આપણે સરખી ધાર નથી કાઢી.

૩) કોઈ એક વસ્તુને દસ અલગ અલગ રીતે વિચારી શકાય, અને આપણે ફક્ત બેજ રીતે વિચારીએ છીએ/વિચારી શકીએ છીએ..!

૪) વાંચન ઓછું છે/નિરીક્ષણ ઓછું છે એટલે સંદર્ભો ઓછા છે.

ઉદાહરણ તરીકે..

ધારોકે ડોરબૅલ વાગી.
હું દસ વ્યક્તિને એક સવાલ પૂછીશ કે દરવાજા પર આવનાર વ્યક્તિ કોણ હશે? કોણ હોઈ શકે?
દસમાંથી પાંચ જવાબ એક સરખા હોવાનાં..! અલગ અલગ પૂછીશ તોય કશો ફરક પડવાનો નથી.! ગડબડ 'આ' છે. દસમાંથી પાંચ કહેશે. કદાચ 'પોસ્ટ્મેન' છે. એવું ભાગ્યેજ બને કે દસેદસનાં જવાબ અલગ હોય.એવું ભાગ્યે જ બને કે કોઈ કહે 'એલિયન પણ હોઈ શકે..આપણને શું ખબર..' આવો જવાબ કોઈ નહીં આપે.
આ મર્યાદા છે.

૧) વી ડોન્ટ થીંક આઊટ ઓફ ધ બોક્ષ.
૨) વી ડોન્ટ થીંક અનએક્સ્પેક્ટેડ
૩) વી ડોન્ટ થીંક આઊટ ઓફ ધ ટ્રેડીશન.
૪) વી ડોન્ટ થીંક ડ્રામા..!

અત્યારે આપણે એકબીજા પર આરોપો નાખી શકીએ છીએ. પણ જ્યારે તમે પોતાની વાર્તા લખશો ત્યારે દોષનાં ટોપલાં કોઈનાં પર નહિં ઢોળી શકો!


ટાસ્ક-2 : એક એબ્સર્ડ વાર્તા

બીજો ટાસ્ક હતો હિન્દીભાષી લેખક શ્રી મનોજ પાન્ડે લિખિત વાર્તા 'એક બુઢાજો કભી થા હી નહિં' વાંચીને એના પર અભિપ્રાય આપવાનો. કે તમે આ વાર્તામાંથી શું મેળવ્યું? શું સમજ્યા?
બધા મિત્રોએ એક પછી એક વાર્તાનાં બાબતે પોતાની કેફિયત રજુ કરી અને ત્યાર બાદ એ અભિપ્રાયો પર ગરમાગરમ ચર્ચા-વિચારણા થઈ. મિત્રોએ અલગ અલગ તારણો અને અર્થો શોધ્યાં હતાં. મંતવ્યો આપ્યાં હતાં.રાજુને રાજુલનાં તારણો સર્વથા યોગ્ય લાગ્યાં તો મીનાબેનને દક્ષાનાં.

આ બાબતે રાજુનું મંતવ્ય :-

તમારી સામે એક પેઈન્ટીંગ છે. તમે એનું અવલોકન કર્યું  અને એનો નબળામાં નબળો અર્થ કાઢ્યો તો પણ તમે ખોટા છો એમ ન કહી શકાય.આ કળા છે. કળા અને ગણિતમાં ફરક હોય તો એ એ છે કે કળામાં સ્થિર લોજિક નથી હોતાં! ઈલલોજિકલનેસ  હોય છે! તમારું કૌવત, તમારી કાબેલિયત કેટલી છે, તમારી કલ્પનાશક્તિ કેટલી છે એટલા તમે સંદર્ભ કાઢી શકો. એવું કશું જ ઠોકી વગાડીને કહી શકાય નહીં કે આ આમજ હોવું જોઈએ/આવું જ હોવું જોઈએ અને આવી 'એક બુઢા....'જેવી એબ્સર્ડ વાર્તા આપવાનો આ જ આશય હતો કે આ વાત તમને સમજાય.

એબ્સર્ડ વાર્તાનું કામ 'હોળી રમવા' જેવું છે. તમારી પાસે રંગ કેટલો છે, તમારી ચપળતા કેવીક છે અને તમે કેટલા માણસોને રંગી શકો છો એનો આધાર તમારી આવડત પર હોય છે. એવી જ રીતે વાર્તાને  તમે કેટલી આત્મસાત કરો છો અને એનો  કેટલો અને કેવોક  અર્થ કાઢો છો એનો આધાર તમારી બુધ્ધિશક્તિકેટલી છે, તમારી કલ્પનાશક્તિ કેટલી છે, તમારી પરખશક્તિ કેટલી છે એનાં પર છે.

આ ઉપરાંત વાર્તાકળા ને સમજવા પરિકથા 'ગુલિવર્સ ટ્રાવેલ' થી લઈને વાર્તાકાર શ્રી મધુ રાયની ટૂંકી વાર્તા 'સરલ અને શમ્પા' સુધીની વાર્તાઓનાં સંદર્ભ અપાયાં અને તપાસવામાં આવ્યાં. ચર્ચાઓ થઈ. વાર્તાની પ્રથમ શરત એ છે કે એમાં એક શરુઆત, મધ્ય અને અંત હોવો જોઇએ એ છે. એવી પણ અમુક વાર્તાઓ છે જેનો અંત મધ્યમાં જ આવી ગયો હોય પણ વાર્તા પતે પછી આપણને સમજાય કે- ઓહ! અંત એ હતો!

વાર્તાલેખનનાં સૌથી સુક્ષ્મસ્વરૂપ માઈક્રોફીક્શન વિષે વાત થઈ.

ઘણીવાર આ સ્વરૂપ સમજવું અઘરું પડે કે આ વાર્તા છે કે ફક્ત એક વિધાન માત્ર?

ત્યારે રાજુ એ કહ્યુંકે એની શક્યતાઓ તપાસો. અર્થો તપાસો, વિધાન - મલ્ટીમિનીંગ નથી હોતાં અને મલ્ટીમિનીંગ હોયતો એ વિધાન ન કહેવાય! જો એ માઈક્રોફીક્સ્ન હશે તો એમાંથી ઘણાં અર્થ તમે કાઢી શકશો. આ અંગે વાત થઇ પણ સંતોષકારક ન થઇ. કદાચ બીજીવાર સ્પષ્ટ થશે..

રીપોર્ટીંગ અને શોર્ટ સ્ટોરીમાંશો ફરક? એવો એક સવાલ આવ્યો.
જવાબ :-
રીપોર્ટીંગ ઈઝ ઓલ્વેઝ સીન.. કે આમ થયું છે..અથવાઆમ કેમ નથી થયું કે કેમ થયું છે એ નથી ખબર.એ એક સ્ટેટ્મેન્ટ હોય છે.
અને શોર્ટ સ્ટોરી એ ફ્રિક્શનલ જોબ છે.એમાં પોસીબીલીટીઝ વિચારવામાં આવે છે.આમ થયું હશે.. એમ પણ હોઈ શકે.. વગેરે વગેરે..

નવોદિતો માટે એક અત્યંત મહત્વની સલાહ મીનાબેને આપી કે લખવાનો મહાવરો કેળવો. કંઈનહીંતો ડાયરી મેઈન્ટેન કરો. ચકલી જુઓ તો ચકલી વિષે લખો. ઝાડ જુઓ તો ઝાડ વિષે લખો અને આમ ને આમજ લખવાનો મહાવરો કેળવાશે અને લખાણમાં શાર્પનેસ આવતી થશે.

પ્રથમ બેઠક પૂરી થતાં સુધીમાં દરેક સભ્ય એક બાબતે તો સાવ સ્પષ્ટ થઈ જ ગયો કે હજી બેઠકો થવી જોઈએ..અલબત્ત બેઠકનું ઇકોનોમિકસ અધ્ધરતાલ રહ્યું અને ક્યાં મળવું એ પણ અસ્પષ્ટ. શું ફરી કોઈ એક સભ્યનાં ઘરે જ મળવું..? પોતાનાં ઘરેથી જ જમી ને આવવું કે પછી જે સભ્યનાં ઘરે બેઠક નક્કી થઈ હોય એ બધાનાં જમવાની વ્યવ્સ્થા કરે જેથી બેઠક થોડી વહેલી શરુ થઈ શકે અને વધુ સમય મળે. જાહેર રજાના દિવસે મળવું કે આડા દિવસે મળવું..? એવા ઘણાં પ્રશ્ન લટકતાં રહ્યા. માત્ર એટલું નક્કી થઇ શક્યું કે મહિનામાં એટલીસ્ટ એક વખત મળવું અને દર વખતે ટાસ્ક હોવી જ જોઈએ. ટાસ્કથી પ્રેરણા મળે છે, શીખવા મળે છે. લખવા/વિચારવા માટે એક નિમિત્ત મળે છે. પણ ટાસ્કના દરેક સભ્યના ઉત્તરની ચર્ચામાં  શિબિરનો ખુબ સમય જાય છે અને બીજી ઘણી ચર્ચા/ઉત્તરો અપેક્ષિત હોય છે તે માટે સમય જ નથી રહેતો..!!  આથી નક્કી થયું કે ટાસ્ક તો રહેશે જ પણ દર બેઠક અગાઉ તેના ઉત્તરો સુત્રધારને મેઈલ કરી દેવાશે. ફેસબુકમાં આપણે ગ્રુપ બનાવવો જેથી બેઠક પહેલાં જ ટાસ્ક વિષે,એના ઉત્તરો વિષેની ચર્ચા-સભ્યોનાં અભિપ્રાય ફેસબુક ગ્રુપ પર જ વિસ્તાર થી આવરી શકાય. જેથી પછી શિબિરમાં ટાસ્ક વિષે બહુ વાત કરવાની રહે નહિં અને એ બચેલો સમય અન્ય મુદ્દાઓ માટે ફાળવી શકાય.

આમ આ પ્રથમ બેઠકમાં ફેસબુક ગ્રુપની રચના અને શિબિરની શૃંખલા વિષે નક્કી થયું. 

આ ઉપરાંત બીજી પણ ઘણી વાતો થઈ અને વાતોનું તો એવું છે કે સમય કાયમ ઓછો જ પડવાનો. અંતે બીજી બેઠકનાં દિવસે ફરી મળશું એવા વિચારો મમળાવતાં મમળાવતાં સૌ છુટા પડ્યાં.

અસ્તુ.
~~ રાજુલ ભાનુશાલી (વાર્તા રે વાર્તા ટીમ)

4 comments :

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. વાંચ્યો અહેવાલ.. ચાર મર્યાદાઓ અનુભવાય છે, તો એ માટે કમર કસવી રહી. મીનાબહેને કહેલી વાત ગમી.. ડાયરી અથવા તો એક ટોપિક લઈ લખવાનો મહાવરો જરૂરી છે. - જાહ્નવી અંતાણી

    ReplyDelete
  3. સરસ જાણવા મળ્યું

    ReplyDelete
  4. ખુબ મહત્વના મુદ્દાઓ સમાવી લીધા. શબ્દભંડોળ વધારવું, વાંચન તથા નિરીક્ષણ વધારવાથી સંદર્ભો વધુ મળે. લખાણમાં નિયમિતતા લાવવાથી sharpness વધે.ધ્યાનમાં રાખવા જેવા ફરી વાંચીને શીખી શકાય એવી વિગતો.

    જિગીષા પાઠક

    ReplyDelete