Sunday 30 August 2015

સાથ ~~ રાજુલ ભાનુશાલી

'સાથ' - મમતા વાર્તા સામાયિકના  જુલાઈ ૨૦૧૫ અંકમાં આવેલ રાજુલ ભાનુશાલીની  વાર્તા.


                                                         




"ચલા ભાભી, યેતે."
"ઢોકળાનો ડબ્બો લીધોને?"
"હોય."
એ ગઈ. એ એટલે મારી કામવાળી બાઈ. વર્ષોથી કામ કરે છે. જીવનનો હિસ્સો બની ગઈ છે.
હું હવે સાવ એકલી. છે......ક સાંજના સાત વાગ્યા સુધી. બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે.. પતિ નોકરીમાં, સંતાનો ભણવામાં.
હું,
નવરીધૂપ.
ઓહ આ એકલવાયી બપોર..! કાશ.. કંઈક નોકરીબોકરી કરતી હોત. પણ આપે કોણ? ભણતર ૧૨ ચોપડી..! ઘર સંભાળવા સિવાય બીજું કંઈ આવડે નહીં..!
ગઈકાલની અધૂરી નવલકથા લીધી. વાંચવામાં મન લાગ્યું નહીં.
મૂકી દીધી.
થોડીક સાફસફાઈ કરી લેવાનો વિચાર આવ્યો. મસોતું લઈને કબાટના કાચ પાસે પહોંચી. આયના પડતું પોતાનું જ પ્રતિબિંબ જોઈ શરમાઈ ગઈ. કાચ સાવ ચોખ્ખોચણાંક હતો! તોય ફરીથી ઘસીઘસીને સાફ કર્યો. સવારના ચા નાસ્તા વખતે ડાઇનીંગ ટેબલ પરથી જોયેલું ત્યારે ફ્લાવર વાઝમાં ના ફૂલો પર થોડીક ધૂળ જામી ગઈ હોય એવું લાગ્યું હતું.વાઝ પાસે પહોંચી. ત્યાંજ હવાની એક લહેરખી આવી અને બારીમાં લગાવેલા ગુલાબી ફૂલોની ભાતવાળાપરદા ઉડ્યાં. ત્યાં લટકતું ઘંટડીઓવાળું વિન્ડચાઈમ રણઝણી ઉઠ્યું. વાઝમાંનાં પ્લાસ્ટિનાક ફૂલો સહેજ કંપ્યા અને એકબાજુ નમી ગયાં. જાણે ડોકું હલાવીને કહેતાં ના હોય,"લ્યો આવી ગઈ ફરીનવરી..!"
હું હસી પડી.
આવીને બાલ્કનીમાં ઉભી રહી.
પીપળાની એક ડાળીએ લોખંડની જાળીમાંથી છેક અંદર સુધી પગપેસારો કર્યો છે અને સતત મટકી મટકીને પોતાની હાજરી પુરાવતી રહે છે..એનાં લીલાછમ્મ કૂણા કૂણા પાન પર આંગળીઓ ફેરવી..
આહાસુંદર અનુભૂતિ..
પર્ણો માં છુપાયેલી શીતળતા ટેરવાંથી થઈ સીધી હ્રદય સુધી પહોંચી ગઈ.
આ પીપળો અહીં રહેવા આવ્યા ત્યારે માંડ બીજા માળની બાલ્કની સુધી આવતો, હવે તો ત્રીજા માળને ય ટાંપી ગયો છે. આ જ પીપળા પર રહેતી ખિસકોલી ક્યારેક બાલ્કનીમાં ડોકિયાં કરે. એક દિવસ સફરજન સમારીને હજુ તો રુમમાં આવી ત્યાંજ ડોરબૅલ વાગી. પ્લેટ સાઈડ ટેબલ પર રાખી અને દરવાજો ખોલ્યો. કુરિયરવાળો હતો. દિકરીએ ફ્લીપકાર્ટથી ઑર્ડર કરેલું પુસ્તક આવ્યું હતું. એ લઈને એના રુમમા મુક્યું અને પાછી મારા રુમમાં આવીને જોઉં છું તો પેલાં ખિસકોલીબાઈજી બે પગ પર ઉભડક બેઠાં બેઠાં સફરજનની ચીર ગટક ગટક આરોગી રહ્યાં હતાં..!

કેવું મનોહર દ્રશ્ય..
મન થયું, દોડીને એને પકડી લઉં. પણ એમ કંઈ એ થોડી હાથમાં આવે? ત્યાંજ સ્થિર ઉભા રહીને જોયાં કર્યું, પણ બાઈજી ચકોર બહુ હો.. એને કદાચ અણસાર આવી ગયો હશે મારી હાજરીનો ને એ ઘડીમાં તો રફુચક્કર..!
જતાંજતાં સફરજનની ચીર મોઢામાં દબાવવાનું ભુલ્યા નહી હોં..

ગઈકાલે પાળી પર પૌઆં સુકવવા મુક્યા હતાં. થોડીવાર રહીને દિકરીએ બૂમ પાડી,

"મમ્મા....ચેવડો બનાવવો હોય તો અહીંથી જલ્દી પૌઆંની થાળી લઈ લેજે. નહીં તો આ ખિસકોલી બધાં ખાઈ જશે અને પછી તને ચેવડો બનાવવો જ નહીં પડે..!"
બધાં ખડખડાટ હસી પડ્યા ને એ ખચકાઈને ભાગી ગઈ, ચેવડો બન્યો.
હવે તો આ નિત્યક્રમ થઈ પડ્યો છે.. એ અચૂક દિવસમાં બે ત્રણ વાર જાળીમાં ડોકિયાં કરે. એના માટે કંઈક પાળી પર મુકેલું જ હોય. થોડુંક ખાય થોડુંક લઈને દોડી જાય. બપોરનો નાસ્તો અમે રોજ હવે સાથે જ કરીએ છીએ..!પણ સફરજન એનું સૌથી ફેવરીટ હોં..!
હવે મને બપોરે એકલવાયું નથી લાગતું.


~~ રાજુલ ભાનુશાલી



No comments :

Post a Comment