Saturday 29 August 2015

વાર્તા શિબિર ૨ (મુંબઈ)

તારીખ ૦૪-ફેબ્રુઆરી-૨૦૧૫,વારતા શિબિરની  બીજી બેઠકનો અહેવાલ.

આપણે કોઈ શિબિર/વર્ગ માં ભાગ લેતા હોઈએ અને એ શિબિર/વર્ગનો 'સુત્રધાર' કે 'શિક્ષક' એમ કહે કે હું પણ તમારો સહયાત્રી છું. જો તમે ત્રીજા ધોરણમાં છો તો હું ચોથા કે પાંચમાં ધોરણમાં છું,દસમામાં નહિ.તો કેવું લાગે?એ સુત્રધાર/શિક્ષક ઓછો ને મિત્ર જેવો વધુ લાગે!

શિક્ષક ઓછાને મિત્ર વધુ એવા રાજુ પટેલની સાથે શરુ થયેલી વાર્તાની આ સહયાત્રા સ્વરૂપે કાલે વાર્તાલેખનની બીજી બેઠક બોરીવલી ખાતે મિત્ર બીની પુરોહિતના ઘરે સંપન્ન થઇ. ત્યાં થયેલી ગોષ્ઠી, ચર્ચા ના અંશોનો અહેવાલ નીચે પ્રમાણે છે. 

વક્રોક્તિ એટલે 'વક્ર ઉક્તિ' અલંકાર કહો કે લેખન નો એક મહત્વનો ગુણ જે લેખનને આકર્ષક બનાવે છે વિષે વિસ્તૃત ચર્ચા થઇ.વક્રોક્તિ બોલવા માતે પાવર જોઇએ. ખોટાને સાબિત કરવા સામેવાળાને સીધી નહિં પણ આડકતરી રીતે જે બોલાય એ વક્રોક્તિ.જેમાં એક પંચ હોય અને એ વાગવો જોઇએ,સામેવાળાના દિલ અને દિમાગ બન્ને પર!

આ માટે રાજુએ આપેલો એક ઉદાહરણઃ

એ પત્રકાર તરીકે જોબ કરતા ત્યારની વાત. ઓફીસ માટુંગામાં. લન્ચ બ્રેકમાં રાજુ તો ૧૫ થી ૨૦ મિનિટમાં જમીને પાછા કામે લાગી જતાં પણ એમનો આસિસ્ટન્ટ રોજ લન્ચ લેવા જતો અને છેક દોઢેક કલાકે પાછો આવતો. આવું રોજ થતું. એમને એક દિવસ ગુસ્સો આવ્યો અને એમણે આસિસ્ટન્ટ સાથે વાત કરવાનું નક્કી કર્યું. આસિસટન્ટ ચેમ્બુર રહે. એ પાછો આવ્યો ત્યારે..રાજુભાઈ ઉવાચઃતુ રોજ લન્ચ લેવા છેક માટુંગાથી ચેમ્બુર શામાટે જાય છે? કાલથી આપણે અહિંજ સાથે જમી લેશું.આસિસટન્ટઃ પણ હું જમવા ચેમ્બુર જતો નથી.!રાજુભાઈઃ તુ લન્ચટાઈમમાં રોજ દોઢ બે કલાકે આવે એટલે મને લાગ્યું કે જમવા ચેમ્બુર જતો હોઇશ!

આ વક્રોક્તિ! ગળ્યું જ બોલો, તો ય ચીરી જાય આરપાર!

વાર્તાના વિવિધ સ્વરૂપ લઘુકથા, ટૂંકી વાર્તા/નવલિકા, નવલકથા અને વાર્તાનું લઘુત્તમ સ્વરૂપ એટલેકે માઈક્રો ફિક્શન વિષે વાત/ચર્ચા થઇ. જેનાં ફળ સ્વરૂપ આજે મેહુલ ની સુંદર માઈક્રો ફિક્શન કથા 'લાડવો' આવી . મેહુલને ખુબ ખુબ અભિનંદન.

ટૂંકી વાર્તા માટે એમણે કહ્યું કે એ એક અંધારી ગુફા જેવું માધ્યમ છે, આ શિબિરમાં આપણે મશાલ તૈયાર કરીશું. પણ રખે એવા ભ્રમ માં રહેશો કે હું કોઈ ને મશાલ આપીશ .. દરેકે પોતાની મશાલ પોતે બનાવવાની છે. હું બહુ બહુ તો મશાલ ને તણખો આપી શકું.. આપણી મશાલ જેટલી બહેતર એટલો આપ વધુ પ્રકાશ પામશો. સમય ઓછો છે અને ગુફા ઊંડી છે... મશાલ ના અજવાળે વિણાય તેટલા રતન વીંટી મશાલ બુઝાય તે પહેલાં બહાર નીકળી જવાનું છે... આપ મશાલ જેટલા ટકાઉ અને ઉમદા તત્વ થી બનાવશો તેટલી એ અધિક ઉપયોગી નીવડશે. આ શિબિર મશાલ ની બનાવટ માટે છે. બગાડશું.. સુધારશું.. આ પ્રક્રિયા ચાલતી રહેવી જોઈએ. આમ જ સમજણ આવશે.

તે ઉપરાંત કાલે એક ખુબ મહત્વની વાત શીખવા મળી.

રાજુ એ કહ્યું કે આપણી પ્રજ્ઞા ખુલ્લી હોવી જોઈએ. આ પ્રજ્ઞા એટલે બુદ્ધિ, મેધા, મતિ, અક્કલ, સમજશક્તિ, એકાગ્રતા, સંવેદન, 'કૉન્શિયસનેસ'..જ્યારે કોઈ એક વિચાર મનના આંગણે આવે ત્યારે આપણે એનાં ગુણધર્મને ઓળખવો રહ્યો અને એના માટે સજ્જ થવું રહ્યું.આ વાતને સમજાવવા એમણે એક સરસ ઉદાહરણ આપ્યું.

"વ્યાસ મુનિએ 'મહાભારત' નામનું મહાકાવ્ય કેમ લખ્યુંકારણ એ એજ સ્વરૂપે એમની સામે આવ્યું હતું!"

આપણે લહિયા થવાનું છે.લખતી વેળા સર્જાતા પાત્ર ને કહો નહીં એને સાંભળો.

આગંતુક પાત્ર નવી વહુ સમાન છે, જેની પાસે પરિવારના દરેક સભ્યને ઉમેદ છે કે તેમના અમુક તમુક કામ સાચવી લેશે.. વહુ પોતે પણ એક સજીવ વ્યક્તિ હોય છે એની પોતાની અપેક્ષા અને મનસુબા હોય છે..કેટલીક વહુ પોતાના મનસુબા કોરે મૂકી સાસરિયાની અપાયેલ જવાબદારી માં લુપ્ત થઇ જાય ..કેટલીક વહુઓ ન પણ થાય..તેમનાં પોતાના ધાર્યા અનુસાર આગળ વધે.. આદર્શ સ્થિતિ તો એ જ હોઈ શકે કે આવનાર ને સાંભળીએ સમજીએ..

આ એ અર્થ માં કહ્યું કે પાત્ર પર આપણા અજેન્ડા ન થોપવા, તે શું ઈચ્છે છે તે સમજવું, તેને અનુરૂપ થવું.પાત્રને પર્શ્નો કરવા. એ ચોક્કસ જવાબ આપશે અને આમ એ ખીલશે, સશક્ત રુપે ઉભરશે. એને જો કઠપુતલીની જેમ આંગળીઓ પર નચાવવા ઇચ્છશું તો એની પ્રતિભા બહાર આવશે નહિં. એ આપણું સર્જન છે, માનસ સંતાન છે. એને અનુભવો. જેમ મા પોતાનાં બાળકને અનુભવે છે એમ. અને સજ્જતા આ જ રસ્તે આવશે..!



લેખક એટલે શું ? કોણ

આ પ્રશ્ન પર રાજુના વિચારો.. 
આ કાયનાત/વિશ્વ / બ્રહ્માંડમાં લેખક હોવું કે ચિત્રકાર કે શિલ્પકાર કે ફિલ્મકાર હોવું એટલે શું ? આપણી એ અંગે સ્પષ્ટતા હોવી રહી અન્યથા એ કામ ઠીક રીતે નહિ થઈ શકે. લેખક તરીકે મારી પોતાની વ્યાખ્યા હું કહું છું... જે મારી નીજી વ્યાખ્યા છે તમને કામ નહી આવે દરેકે પોતાની વ્યાખ્યા પોતે ઘડવી પડશે.

મને લાગે છે કે લેખક હોવું એટલે ઈન્વેસ્ટીગેટીવ પત્રકાર હોવું. સ્પર્શી જતી ઘટનાના ઊંડાણમાં જઈ, બે બનાવ /દ્રશ્ય/સંવાદ /પાત્ર ની દરમિયાનના અવકાશમાં તરતા અંશો ને પોતાના બેટરી ,બિલોરી કાચ, ખબરી, અક્કલ, સમજ વગેરે જેવા અને જેટલા સાધન હોય તેની સહાય થી માહિતી ભેગી કરવી અને નિષ્પક્ષ રહી વૃતાંત તૈયાર કરવો. અને...આ બાબત કોઈ કોઈને સીખવી શકતું નથી.

એના માટે આપણે પોતાની નિજી પૄથ્થકરણ શૈલી બનાવવી પડે/ વિકસાવવી પડે.વસ્તુ/ પરિસ્થિતિ / આસપાસ ઘટતી ઘટનાને મુલવવી પડે અને એ માટે સુક્ષ્મ દ્રષ્ટિ કેળવવી પડે. અન્ય લેખકોની વર્તાઓ વાંચો, એનું પ્રુથ્થકરણ કરો. જો અન્યની વાર્તાઓનું કરી શકશો તો પોતાની કૃતિનું પણ કરી શકશો. પોતાના કાન પોતે વિંધવા, બાકી કોઈ મા એટલી નવરી નથી કે બીજાના કાન વિંધે.

ઝેન પંથ માં જીવન ને પૂર્ણત: જીવવાની વાત પર ભાર મુકાય છે..પસાર થતી દરેક ક્ષણ ને માણવી.. આપણે આપણને અપાયેલ પ્રત્યેક ફૂટપટ્ટી ફગાવી પ્રતિ ક્ષણ ને જીવવી જોઈએ.. સમગ્ર બારીઓ ખોલી ને ... આપણી જાત ને એટલા સક્ષમ પાત્ર [ રીસીવિંગ સ્ટેટસના અર્થમાં ] બનાવવું રહ્યું કે સુક્ષ્મતમ ભાવ ને આવકારી શકીએ. અને આ શિબિર તેવા પાત્ર બનવાની પ્રક્રિયા માટે છે. યાદ રહે.. નક્શા દોરતાં સીખી શકાય ચિત્રકલા નહિં! ચિત્રકલા સીખવા અંદરની સંભાવનાને ઓળખવી પડે.

સારો લેખક એટલે શુ?

સારા લેખક બનવા સારી વ્યક્તિ બનવું પ્રથમ શરત છે . પણ અહીં સારાહોવું એટલે શું ?

શબ્દકોશ ની વ્યાખ્યાઓમાં અટવાશો નહીં. અહીં સારા હોવુંએટલે તટસ્થ હોવું .. લેખક તરીકે આપણી સામે કોઈ વસ્તુ સારી કે ખરાબ, શ્લીલ કે અશ્લીલ, નૈતિક કે અનૈતિક નથી હોતી. પરિવારે, સંસ્કારે,સમાજે , વિશ્વ એ આપેલી ફૂટપટ્ટી ઓ સિવાય ભાવ ને પારખી આવકારવું રહ્યું તો જ તેને ન્યાય આપી શકાશે..

અને પોતાની આ વાત સમજાવવા રાજુએ એક દાખલો આપ્યો.

આપણા લબ્ધપ્રતિસ્ઠિત સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોષીની વાર્તા 'મારી ચંપાનો વર'નું.
આ વાર્તામાં નાયિકાના પતિનું નાની વયમાં અવસાન થઈ જાય છે. એકલે હાથે એ દિકરીને મોટી કરે છે. સમય જતાં દિકરી પરણી. દિકરી જમાઈ સમયાન્તરે આવતાં જતાં રહેતાં અને ઘરનાં નાનામોટાં કામમાં મદદ કરતાં. એક્વાર પરિસ્થિતિવશ કોઈ એક નબળી પળમાં સાસુ-જમાઈ વચ્ચે શરીર સંબંધ બંધાઈ જાય છે. દિકરીને જાણ થાય છે. એ ધુંધવાય છે પણ કશું કરતી નથી અથવા કરી શકતી નથી. એક દિવસ મા નું મૃત્યુ થઈ જાય છે. એક દિવસ એના પતિનો પણ દેહાંત થઈ જાય છે. ત્યારે એની દિકરી ચંપા ખુબ નાની હોય છે. કોક એને પૂછે છે, આટલી નાની ઉમરમાં આવી પડેલ આ દુઃખનો ભાર શી રીતે વેંઢારીશ? ત્યારે એ જવાબ આપે છે, "આ મારી ચંપાન લગન થશેને ત્યાં સુધી, પછી એનો વર બધું જ સંભાળી લેશે."

આ વાર્તા લખતી વખતે લેખક કેટલી હદ સુધી તટસ્થ રહ્યા હશે એ વિચારો..!

આ તો થયા શિબિરનાં સીધાં ને સટ્ટ ફાયદા.

હવે આ શિબિર નો એક આડફાયદોઃ શ્રોતા મળ્યા!!

એકબીજા કૃતિ વંચવી/સાંભળવી અભિપ્રાયો આપવા. કશુંક લખીએ ત્યારે એ કોઇ સાથે વહેંચવાની, પ્રતિકિયા મેળવવાની કેટલી તાલાવેલી હોય છે! ખિસ્સામાં તાજી લખેલી કવિતા પડી હોય અને કોઈ સાંભળવાવાળું ન હોય તે ક્ષણની વેદનામંથી લગભગ આપણે બધાં જ પસાર થયા હશું! સાચું કે નહિં?

અને સમજો કે આપણે રઘુવીર ચૌધરીની એક ખુબ જ સરસ વાર્તા વાંચી. હવે આપણે એ વાત કોઈ સાથે શેર કરવી છે. બાજુવાળાનાઘરે જઈએ, પણ બાજુવાળો રઘુવીર ચૌધરીને જાણતો જ નથી! તો વાત કોની સાથે કરવી? એ અકળામણ માંથી પણ તમે પસાર થયા હશો! હવે આવી ક્ષણે શું કરવું, કોની સાથે વાત કરવી?

સિમ્પલ... ગૃપમાં..!

એક અવતરણ મન્ટોનું.. જે રાજુ એ શેર કરેલું એ અહિં ટાંકુ છું..

મન્ટો કહેતાંઃ "આપણો સમાજ કયા દૌરમાંથી પસાર થઈ રહ્યો છે એ જાણવું હોય તો મારી વાર્તાઓ વાંચજો. જો તમને અસહ્ય લાગે, અરેરાટી થાય તો આપણો સમાજ એવો છે એવું ધારજો."
કેટલું સાચું..! જે તે સમાજ/સમય નું સાહિત્ય જે તે સમય/પરિસ્થિતિની આરસી હોય છે!

હવે વાત વિશ્વની પહેલી લઘુકથાની.

એક જોડું. પતિ-પત્ની. એક્બીજા ઉપર અપાર પ્રેમ. એમનાં પ્રેમનાં દાખલા આપવામાં આવતાં. દુર્ભાગ્યવશ એક દિવસ પતિનું મૃત્યું થઈ ગયું. પત્ની આઘાતથી દિગ્મુઢ થઈ ગઈ.ત્રણ ત્રણ દિવસ સુધી પતિનું માથું ખોળામાં રાખીને એ ઘરમાં બેસી રહી. કોઈ સમજાવટ કામ ન આવી. ચોથે દિવસે ફરી પતિને સ્મશાને લઈ જવા લોકોએ સમજાવ્યું, આખરે એ માની. પણ ત્યાં પહોંચ્યા બાદ ફરી ખોળામાં માથું રાખી બેસી રહી.લોકો એને ઉઠવાની ફરજ પાડવાનું રહેવા દઈ ઘરે ચલ્યા ગયાં કે કાલે આવશું અને ફરી સમજાવશું, અહિં આવવા માની તો આગળ પણ માનશે. એની નોકરાણી સિવાય બધાં જ જતાં રહ્યાં.
એક આડવાતઃ એ જમાનામાં ગુનેગારનો ગુનો સાબિત થાય તો એને સ્મશાનમાં ઉંધા માથે લટકાવી દેવામાં આવે અને ખોરાક પાણીના અભાવે છેવટે એનું મૃત્યું થઈ જતું. આ એની સજા.

હવે રાતે એ સ્મશાનમાં એવા જ એક ગુનેગાર ને લાવવામાં આવ્યો અને ઉંધે માથે લટકાવી દેવામાં આવ્યો પોતાનું કાર્ય આટોપી સૈનિકો જતાં રહ્યા. સામે એક માણસ ઉંધે માથે લટકી રહ્યો છે. નાયિકાએ એને જોયો. એણે કશુંક વિચાર્યું અને પોતાની નોકરાણીને બૂમ પાડી.

નોકરાણીને એણે એ ઉંધા માથે લટકી રહેલા પેલા માણસને નીચે ઉતારીને એની જગ્યાએ પોતાના પતિના મૃતદેહને લટકાવી દેવા જણાવ્યું. નોકરાણી વિસ્ફારીત નયને માલકણની તરફ જોતી રહી.

નાયિકાના ચહેરાની એક પણ રેખામાં કંઈ જ ફેરફાર ન થયો. એ બોલી " જિવતો માણસ મરે એ કરતાં બહેતર છે કે મરેલો માણસ મરે..!'"

અને એણે સ્મશાનની બહાર જવાના રસ્તે પગ ઉપાડ્યાં.

આ વાર્તા વિશે તમારે કંઈ કહેવું હોય તો કમેંટ મા કહેજો. મારે કશું જ નથી કહેવું!


માઈંડ કન્ડીશનિંગ વિશે રાજુ એ કહેલો કિસ્સોઃ
એક માણસ યોગ શિબિરમાં ગયો. આઠ દિવસની શિબિર હતી. ત્યાં જ રહેવા, જમવાનું અને યોગ શીખવાનું. ત્યાં જે જમવાનું આપવામાં આવતું એ નમક એટલેકે મીઠા વગરનું રહેતું.

પહેલા દિવસે એ માણસને ભોજન જરાય ન ભાવ્યું. આવું ફિક્કું ભોજન શી રીતે ખવાય એમ કહી તે થાળી પરથી ઉઠી ગયો. બીજા દિવસે સવારે પણ એણે ખાવાનું ટાળ્યું. રાત્રીભોજન વખતે એ લુશ લુશ જમ્યો, એ વિચરીને કે થોડું ખાઈ લઉં નહિં તો ઉંઘ નહિં આવે. ત્રીજા દિવસે એ સરખું જમ્યો, એવું વિચારીને કે ક્યાંક અશક્તિ ન આવી જાય. જમ્યા પછી એને થયું કે 'ભોજન એટલું પણ ખરાબ નહોતું ઠીક જ હતું'. ચોથા દિવસે એ મીતઃઆ વગરનું ભોજન એને ભાવ્યું અને એ સંતોષથી જમ્યો. આઠ દિવસે શિબિર પુરી થઈ ગઈ.

એ પોતાના ઘરે આવ્યો.

જમવાનો સમય થતાં પત્ની એ થાળી પીરસી અને એને સાદ પાડ્યો. એ ભાણે બેઠો. કોળિયો હાથમાં લીધો અને યાં જ એક પળ માટે એનો હાથ સ્થિર થઈ ગયો. એણે વિચાર્યું, " આ ભોજનમાં તો મીઠું હશેને?"

આ હતી વાર્તા રે વાર્તા ગૃપ ની દ્વિતિય શિબિરની દિલચસ્પ વાતો. કંઈ માહિતી ઉમેરવાની રહી ગઈ હોય તો કમેંટમાં જણાવજો મિત્રો.

અસ્તુ.


~~ રાજુલ ભાનુશાલી (વાર્તા રે વાર્તા ટીમ)


No comments :

Post a Comment