Sunday 30 August 2015

વાર્તા શિબિર ૫ (મુંબઈ)

૦૭ઓગષ્ટ ૨૦૧૫ , વારતા શિબિરની  પાંચમી બેઠકનો અહેવાલ.

બીન્નીઃ "કેવી રહી ગઈકાલની બેઠક? શું શું કર્યું?"
હું : "ખાધું પીધું ને રાજ કીધું!"


હા,. ગઈકાલે બીન્નીના સવાલની સામે મેં આ જ જવાબ આપ્યો હતો! એ નશો હતો, વાર્તાનો નશો! બેઠકનો નશો! જે છે....ક બીજા દિવસે પણ ઉતર્યો નહોતો.એક હતો સુત્રધાર અને સાથે હતાં ૧૫ શિબિરાર્થીઓ.. તેઓ બધાં એક જગ્યાએ મળ્યા, હળ્યાં, ઝળહળ્યાં, ખાધું પીધું ને રાજ કીધું.
વાર્તા થઈ પૂરી..! સાચું કહ્યુંને મિત્રોgrin emoticon grin emoticon


વેલ, આ વખતે શિબિર માં ઘણાં ચહેરા નવા હતા.. નેહા શાહ ,પ્રીતિ જરીવાલા ,ઉર્દૂભાષી મુનીરા સુરતી,રોહિત શાહ (બાંવરીકલમ),ભારતી ગડા,અશોક શાહ,અલકા ગાંધી અસેરકર,બીના શાહ અને યામિની પટેલ. તદુપરાંત છાયા થોરાત મરાઠી ભાષી હોવા છતાં અને ગુજરાતી સરખું ન સમજાતું હોવા છતા સતત બીજી બેઠક માં આવ્યાં એની વિશેષ નોંધ લેવી રહી.

સંદેશ :--

શિબિરની શરુઆત એક સંદેશથી થઇ જે ફોરમનાં તમામ નવા/જુના સભ્યો જોગ હતો કે આપણી ફેસબુક ફોરમમાં અને વોટ્સએપ ગૃપમાં ગમે તે 'કામ વગરનું' પોસ્ટિંગ ટાળો. અહિં જે પોસ્ટ થાય છે એની અસર પડે છે. તમે કોઈ સરસ વાર્તા વાંચી, અથવા તમે કંઈ નવું લખ્યું એ મુકો. વાર્તા વિષયક કશુંક જેનાથી આપણી સમૃદ્ધિમાં વધારો થાય એ મુકો. જેમ ગુણવંતભાઈ વૈદ્યએ હમણાં એક પોસ્ટ મુકેલી જેમાં લોકપ્રિય નવલકથાકાર શ્રી મહેશ યાજ્ઞિકની પાત્રાલેખન વિશે લખેલી સરસ માહિતી હતી. વોટ્સએપ પર ફરતી 'કથાઓ' અને કોપીપેસ્ટ પોસ્ટો બિલકુલ આવકાર્ય નથી. મૌલિક કૃતિઓનું સદૈવ સ્વાગત છે. યાદ રહે આપણે અહિં શુદ્ધ કલાસાધના માટે છીએ.



અને પછી ...

ટાસ્ક બાબત :--



દર મહિને આવાં' અઘરાં' અને 'વિચિત્ર' ટાસ્ક શામાટે આપવામાં આવે છે અને આપણે એ જખ મારીને શામાટે કરવા પડે છે કે પછી આપણે શા માટે કરીએ છીએ?



નર્સરીમાં ત્યાં ભણતા બાળકો માટે વિવિધ રમતો/રમકડાં રાખવામાં આવે છે. રમતાં રમતાં નર્સરી રાઈમ્સ ગાતાં,એ-બી-સી-વન-ટુ-થ્રી સીખતાં નાનાં ભુલકાંઓનાં ઉછેરનો એ પણ એક ભાગ છે. એવીજ રીતે ટાસ્ક પણ વાર્તા લેખન સમજવાની પ્રવૃત્તિનો એક ભાગ છે. આના દ્વારા જાણેઅજાણે વાર્તાકળાને લગતાં/ વાર્તાકળામાં કામ આવતાં વિવિધ પાસાઓ ખેડાય છે એ કદી નોંધ્યું છે?

કૃતિની માંડણી બાબત :--

ધારોકે તમારા ઘરમાં લગ્ન છે અને તમે મંડપ સજાવટ માટેની જુદી જુદી રીત વિચારો છો. તમને એ સજાવટ માટે પહેલો વિચાર આવ્યો- એને ફેંકી દો. બીજો આઈડીયા આવ્યો- એને ડ્રોપ કરી દો. ત્રીજો વિચાર આવ્યો- હ્મ્મ્મ્મ.. હવે એના પર થોડું મનન કરો. શું એ તમને સંતોષકારક લાગ્યો? હા? તો આગળ વધો.. ના? તો પણ આગળ વધો..ચોથું કંઈક વિચારો..!


દોસ્તો, જે પહેલો-બીજો વિચાર હશે એ સાવ જ ઓર્ડીનરી હશે, પારંપારિક હશે. લગભગ બધાંનેજ એ વિચાર આવતાં જ હશે અને મોટેભાગે એ જ અમલમાં સુદ્ધાં મુકાતાં હશે. જે તમારો ત્રીજો કે ચોથો વિચાર હશે એ કંઈક અલગ, હટકે હશે.!


આને બીજી રીતે સમજીએ. ધારોકે બે અજાણી વ્યક્તિઓ પહેલી વખત મળી. એ હાઈ/હેલ્લો કરશે, એકબીજા સામે ફેક સ્માઈલ કરશે, છુટ્ટા પડશે. બીજી વખત એ જ વ્યક્તિઓ ક્યાંક ફરી મળી ગઈ. થોડીક પરિચિતતાનો અણસાર એમની આંખોમાં ડોકાશે, ત્યારે એ બન્ને એક બીજાને જે સ્માઈલ આપશે એ સાવ ફેક નહિં હોય! પછી ત્રીજી વખત એમની મુલાકાત થઈ. એ બન્ને ઉમળકાથી, હુંફથી હાથ મીલાવશે ખબર અંતર પૂછશે. ચોથી મુલાકાતમાં બન્ને ખુલીને મળશે, વાતો કરશે. વિચારોનું પણ એવું જ છે..! ત્રીજો કે ચોથો વિચાર આવશે એ તમને વધુ પોતિકો, આત્મીય લાગશે. એની સાથે વધુ સુરેખતાથી કામ પાર પડી શકશો.
આમ જો તમે જાતે તમારા વિચારોને સરાણે જોખી શકશો તો નિસંદેહ એક સુંદર કૃતિ અવતરશે.


કવિતા કે વાર્તા શું કામ લખાય છે? આપણે શું કામ લખીએ છીએ? હું શું કામ કશુંક લખવા પ્રેરાઉં છું? કદી આવા વિચાર આવે છે?

તમારી આસપાસનાં બધાંજ લોકો કંઈ લખતાં નથી હોતાં. કારણ તેઓ તૃપ્ત છે. લખવું એ એમની માનસિક જરૂરિયાત નથી. પણ.. તમારી છે..! તેથીજ તમે લખો છો. તમે કશુંક એક્સપ્રેસ કરવા માંગો છો એટલે લખો છો. લખવાથી તમારા અંદરની એક ક્ષુધા સંતોષાય છે એટલે તમે લખો છો!



પછી ટાસ્ક ના ઉત્તરો વિષે થોડી વાત થઈ :--


ટાસ્કમાં લખવા આપેલી વાર્તામાં 'વસ્તુ' સહુની કોમન હતી પણ મીનાબેનની વાર્તા સૌથી અલગ પડી કારણ એમની વિભાવના જુદી હતી. એ ટેબલ ને એની પરિચિત અર્થછાયાથી એક સ્તર ઉપર લઇ ગયા અને વસ્તુ ને સંકલ્પના તરીકે જોઈ ને એક કૃતિ રચી. બીજી નોંધનીય વારતા લાગી કુસુમની. કુસુમે પ્રસ્તુતિની રીત અલગ લીધી. ટેબલમાં સજીવારોપણ કર્યું. એ રીત થોડી ટ્રીકી છે પણ આવું કશુંક નવું ક્યારેક ચાલે.
જ્યારે વિષયવસ્તુ સામાન્ય/સમાન હોય ત્યારે કૃતિ માવજતથી જુદી પડે. એ વાત માટેનું સરસ ઉદાહરણ પ્રીતી જરીવાલાની કૃતિનું. કાગડા અને ઘડાવાળી વાર્તા ધારોકે ૨૫ જણ એકસાથે લખે, વાત એ જ આવવાની અંત એ જ હોવાનો. પણ તમારી કૃતિની જો માવજત સુંદર હશે તો એ બીજાથી જુદી તરી આવશે. સમીરાની ટેબલવાળી વાર્તામાં માંડણી સરસ હતી પણ અંત બહુ પ્રેડીક્ટેબલ હતો! બીન્નીનો સ્યુસાઈડનોટ વાળો ટાસ્ક સફળ ગણાય . પણ ખાટલે મોટી ખોડએ છે કે એણે રસાયણશાસ્ત્રના સવાલનો જવાબ ગણિતના સુત્રો વાપરી ને આપ્યો અને તેથી એ સાચો હોવા છતાં વેલીડ નથી..! આ ટાસ્ક નો ઉદ્દેશ હતો કે આત્મહત્યા ઈચ્છુક વ્યક્તિ પોતાનો ઈરાદો બદલે એવી એક ભાવુક સુસાઈડ નોટના આલેખનને બહાને લખાણનું આ સાવ અલગ પરિસર સૃજનાત્મકતાથી ખેડાય. પણ મીના અને બીની એ નોટ લખ્યા વગર ટાસ્ક પૂરી કરી બતાવી.. માણસ બચ્યો પણ યુક્તિ થી..સંવેદનશીલ લખાણ થી નહીં..!


એ સિવાયના જવાબો બહુ સશક્ત ન રહ્યા. એક તરફ ટાસ્ક આપનારે કબુલ્યું કે હા અઘરી ટાસ્ક હતી તો બીજી તરફ મીનાબેને એમ કહીને ટાસ્કને અનુચિત ઠેરવી કે આ હદ નો ભાવ પલટો કરાવી શકે એવી સ્યુસાઈડ નોટ લખવી સંભવજ નથી.. આ અંગે થોડા વિવાદ બાદ ટાસ્ક આપનાર તરીકે સુત્રધાર રાજુએ પોતે આ નોટ નું આલેખન કરી આપવાની ટાસ્ક સ્વીકારી છે. મીનાબેને આ અંગે જેમ પ્રતિક્રિયા આપી તેમ 'જોઈએ'..!!

બીના શાહનો પ્રશ્ન હતો કે નવાસવા લેખક માટે શું જરૂરી છે..?


એના જવાબમાં વાત થઇ કે વાંચન ખુબ દરેક માટે ખૂબ જરુરી છે. પછી એ લેખક નવાસવા હોય કે જુના!
ધારોકે આપણે ડાયરી લખીએ છીએ. એ આપણા નિજાનંદ માટે છે. એમાં આપણે સાચું લખ્યું, ખોટું લખ્યું, સાવ સામાન્ય કક્ષાનું લખ્યું.. ચાલશે. કોઈ કશું પૂછવાનું નથી કે કહેવાનું નથી. વખાણ કરવાનું નથી કે ટીકા કરવાનું નથી. આપણે કોઈને ય જવાબ આપવાનો નથી. આપણું લખાણ કોઈનેય અસર કરવાનું નથી..
પણ જ્યારે આપણે નિજાનંદમાંથી બહાર પડીએ, લોકો સમક્ષ આવીએ. આપણુ લખાણ ડાયરીમાંથી બહાર પડીને વાચકો સુધી પહોંચે ત્યારે જવાબદારી આવી જાય છે. સાહિત્ય એટલે 'સ + હિત' સહુ સાથે લે એ . ત્યારે આપણે બીજાઓનાં મનને, ગમાઅણગમાને,અભિપ્રાયો /પ્રતિક્રિયાઓને ધ્યાનમાં રાખવું પડતું હોય છે. સામેવાળો આપણું સાહિત્ય શું કામ વાંચે? ક્યારે વાંચે? જ્યારે આપણે કશુંક ડિફરન્ટ જુદું આપીશું ત્યારે અને એ માટે અકરાંતિયાની જેમ વાંચવું રહ્યું...પુષ્કળ...ત્યારે જ ખબર પડશે કે અલગ શું છે. આ થયો અઘરો રસ્તો. અને સહેલો રસ્તો (જે અઘરા કરતાં અઘરો છે) શાંતિથી બેસીને કંઈક ક્રિયેટિવ વિચારો. આઊટ ઓફ ધ બોકસ. એ રસ્તા માટે પણ વાંચન એટલું જ જરુરી છે.


મુનીરા સુરતીની બોલચાલની ભાષા ગુજરાતી નથી પણ સુરતમાં બાળપણ વિતાવ્યું હોવાથી એ ગુજરાતી સમજી શકે છે . એમણે કૃતિમાં લેખક ની પરિચાયક શૈલી વિષે વાત કરી કે લખાણ પરથી લેખક કોણ હશે એનો અંદાજો લગાડી શકાય એવી ચોક્કસ શૈલીથી લખતાં ઘણાં લેખકો છે.તો શું એ રીતે લખાવું જોઈએ કે તમારી લેખનશૈલી તમારી પરિચાયક બની રહે..?
શૈલી પરિચાયક હોય એ એક પ્રકાર છે અને બિલકુલ પરિચાયક ન હોય એ પણ એક પ્રકાર છે. 


આ વાત સમજાવવા ફિલ્મ અભિનય ના ઉદાહરણ થી વાત થઈ..
દિલીપકુમાર અને બલરાજ સહાની. બન્ને અભિનેતા અને બન્ને લોકપ્રિય. બન્નેની અદાકારી સાવ જુદી. દિલીપકુમારની સ્ટાઈલ એક સરખી, દરેક પાત્રમાં. એટલે સુધી કે એ અંધારામાં અભિનય કરતાં હોય અને જુઓ તોય ખબર પડી જાય કે એ દિલીપકુમાર છે. બલરાજ સહાની જે પાત્ર ભજવતાં એ પાત્ર જ આપણને દેખાતું, યાદ રહેતું. એ પાત્રમાં ઘુસી જતાં. 'દો બિઘા ઝમીન' યાદ કરશો તો તમને બલરાજ સહાની નહિં પણ સાઈકલ લઈને દોડતો શંભુ યાદ આવશે! કે..મોતીલાલ નો અભિનય જોશો તો તમને મોતીલાલ નહીં દેખાય, એ જે પાત્ર ભજવતાં હશે એ જ દેખાશે.


આવો ફરક કેમ..? અથવા શા માટે..?
અભિનેતા પોતે પોતાના અભિનય ની ભાત ચુંટતો હોય છે. પરિચાયક શૈલી વિકસાવવી એ લોકપ્રિયતા તરફનો ઝુકાવ હોઈ શકે, જે હોવું કંઈ જ ખોટી વાત નથી.. પણ લોકોમાં એક ચોક્કસ ઢબથી ઓળખ બનાવવી છે એ સભાનતા હોય.


બીજો પ્રકાર છે એમાં અભિનેતા શાસ્ત્રીય પદ્ધતિએ અભિનય કરે..પોતાને ઓગાળી પાત્ર ને જીવતું કરે..એ ઢબ માં 'સ્વ' ને ખતમ કરવું એ પ્રથમ શરત છે..કેમ કે જો એ 'સ્વ' નહીં હોય તો જ પાત્ર માટે જગ્યા બની શકે..જો અભિનેતા નું હુંપણું ક્યાંય રહી ગયું તો પેલા પાત્ર ને એ કનડશે.
એક ઝેનકથા છે..


એક પ્રેમી એની પ્રેમિકાને મળવા ગયો. ઘરનો દરવાજો ખટખટાવ્યો..અંદરથી પ્રેમિકા એ પૂછ્યું ,"કોણ..?"પ્રેમી એ જવાબ આપ્યો,"હું જ છું.. દરવાજો ખોલ.." અંદરથી પ્રેમિકા એ આ સાંભળી કહ્યું,"ના..હુંમાટે અહીં કોઈ જગ્યા નથી.."આ સાંભળી પ્રેમી અવાચક થઈ ચાલ્યો ગયો.. અમુક વર્ષ ભટક્યો અને સમજની જુદી કક્ષાએ પહોંચ્યો. ફરી પ્રેમિકાના ઘરે ગયો. દરવાજો ખટખટાવ્યો. ફરી પ્રેમિકા એ પૂછ્યું,"કોણ..?"પ્રેમી એ જવાબ આપ્યો,"’તુંજ છે.. દરવાજો ખોલ.." ...................અને દરવાજો ખુલી ગયો.

દરવાજા ખોલવા ખુદને.. સ્વને ઓગાળી નાખવું પડે....

ટૂંકમાં આ બન્ને શૈલી વિરુદ્ધ વિભાવનાની છે. લેખનમાં પણ આ બે પ્રકાર જોઈ શકાય છે. નામ બ્રાંડ બની જાય એવી શૈલી અથવા કથાવસ્તુ માટે યોગ્ય હોય એ શૈલી...અભિનેતાની જેમ લેખક પણ સભાનપણે કે અભાનપણે આ બે માંથી કોઈ એક ભાત પસંદ કરી એ રીતે લખતો હોય છે.આ બે માંથી કોણે કઈ શૈલી પસંદ કરવી તે જેનો તેનો વ્યક્તિગત પ્રશ્ન કે પસંદ છે.


મુનીરા એ પૂછ્યું પણ એમ તો મંટોની શૈલી ઓળખાઈ આવે છે, તો શું એ બ્રાંડ બનવા માંગતા હતા એમ કહી શકાય..?
મંટોનું લખાણ એમાંની વાસ્તવિકતાને કારણે લોકપ્રિય છે અને લોકો એમને એટલા ચાહે છે કે એમની શૈલીને પારખતાં થઇ ગયા છે. બ્રાંડ બનવું એ મંટો કે ઈસ્મત ચુગતાઈ, પ્રેમચંદ, શરદ બાબુ,રવીન્દ્રનાથનો ઉદ્દ્શ નહોતો પણ એ કદાચ એમની ઉપલબ્ધિ છે..!

એ પછી ચા-નાસ્તાનો બ્રેક થયો અને એ દરમિયાન લંડનથી ગુણવંત વૈદ્ય દાદુએ ખુબ પ્રયાસ કર્યો કે તેઓ વિડીયો કોન્ફરન્સથી શિબિરનો હિસ્સો બની શકે.પણ ટેક્નીકલ મર્યાદાઓને કારણે સમીરા, છાયા અને યામિનીના અથાગ પ્રયાસ છતાં એ થઈ ન શક્યું. 'બેટર લક ઇન નેક્સ્ટ શિબિર દાદુ' એવા આશ્વાસન સાથે આખરે હાર માની પ્રયાસ પડતાં મુકાયા..

આ પાંચમી બેઠકમાં પાછલી બેઠકોમાં નહોતો થયો એવો એક જુદો જ પ્રયોગ થયો. 

એક સરપ્રાઈઝ ટાસ્ક 'ભજવાયું '. 


સૌપ્રથમ જે કેરેક્ટરને તમે નફરત કરતા હો એ એક કાગળ પર સહુ ને લખવા કહેવાયું. કોઈકે લાયરતો કોઈકે પ્રેમીઅને કોઈકે હાઉસિંગ સોસાયટીનો સેક્રેટરીતો વળી કોઈકે કામચોર સરકારી અધિકારીએમ સહુએ વિવિધ કેરેક્ટર ને ધિક્કાર ને યોગ્ય ગણાવ્યા ..
અને.. ત્યાર બાદ એ કેરેક્ટર( જેને તમે નફરત કરો છો) એ બીજા બે સભ્ય સાથે મળી ત્રણેક મિનીટ ભજવી બતાવવું એવો ટાસ્ક આવ્યો..! અર્થાત ત્રણે સભ્યોએ એ પાત્ર ભજવવા..જેમને તેમણે ધિક્કાર ને લાયક ગણાવ્યા એ પાત્રને ખુદમાં જિવંત કરવું! એને જીવી બતાવવું..!


સહુ માટે વ્યક્તિગત રીતે આ એક અકળાવનારો પડકાર હતો. જયારે સહુને તમે સૌથી વધુ ધિક્કારતા હોવ એવા એક પાત્રનું નામ લખોએમ કહેવાયું ત્યારે એ લખનાર ને સહેજે કલ્પના નહોતી કે એમણે એ જ પાત્ર બની ને બોલવાનું આવશે. આ ટાસ્કની પ્રસ્તુતિમાં ખુબ અણધાર્યો રોમાંચ ભજવનાર અને જોનાર બન્ને પક્ષને મળ્યો કેમ કે સહુ જાણતા હતા કે ભજવનાર સામે છેડે જઈ બોલી રહ્યા છે.. આથી જયારે તેઓ પાત્રોચિત વાત કરતાં તો એક અનોખો પ્રતિભાવ સર્જાતો જ કે : અરે..!! જે પાત્ર ને આ ધિક્કારે છે અદ્દ્લ એના જેવું જ બોલે પણ છે..!!


દા.ત.
એક પોર્ન ફિલ્મનો નિર્માતા એક આશારામ બાપુ ની ભકતાણી ને કન્વીન્સ કરવા પ્રયત્ન કરે છે કે મારી જોડે કામ કરો બહુ મઝા આવશે.. !! અને ભકતાણી કહે કે ના આશારામ બાપુ જોડે વધુ મઝા આવે છે.. અહીં વક્રતા એ હતી કે પોર્ન ફિલ્મમેકિંગ ને ધિક્કારનાર એ પોર્ન ફિલ્મ નિર્માણ સંસ્થા તરફથી દલીલ કરી રહ્યા હતા અને આશારામ બાપુ જેવા લેભાગુ સાધુસંત ના અંધ ભક્ત બનવાની લોકોની માનસિકતાને ધિક્કારનાર તે પ્રકારના ભક્ત ને છાજે એવું બોલી રહ્યા હતા..અચાનક જ માહોલમાં ખુબ હસાહસ થઇ ગઈ.. અને બીજી નોંધનીય વાત એ હતી કે અનપેક્ષિત રીતે મોટા ભાગના મિત્રો એ એમની 'અભિનય કળા'નું પ્રદર્શન કર્યું.
આ ટાસ્ક પતી ગઈ બાદ સહુ ખુબ ચાર્જ્ડ અપ થઇ ગયા હતાં. ત્યાર બાદ એ પાત્ર ભજવવાથી, પરકાયા પ્રવેશથી તમે શું અનુભવ્યું એ પ્રશ્ન સૌ સમક્ષ મુકાયા. ત્યારે બધાએ આ ટાસ્ક વિષે પ્રતિક્રિયા આપતા જે કંઈ જણાવ્યું એનો સામાન્ય સૂર આવો કંઈક હતો કે કોઈ ને ધિક્કારવું સહેલું છે પણ આમ એ જ પાત્ર ભજવવાના પ્રયાસમાં અચાનક એ પાત્ર ને સમજવું આવશ્યક બની ગયું અને ગમતા અણગમતા દરેક જણ ને પણ પોતાની એક બાજુ હોય જ છે એ સમજાયું.. એ સિવાયના અનુભવો, ઉત્તરો અહિં ટાંકી શકાય એમ નથી. એ જાણવા, અનુભવવા શિબિર અટેંડ કરવી પડે.


આ આયામ ફળશ્રુતિ એ થઈ કે લેખકને કોઈ પાત્રથી ધિક્કાર કરવો ના પોસાય એ મહત્વની બાબત સમજાઈ.
આ ટાસ્ક ના ઉદ્દેશ માટે થયેલી વાત એ હતી કે રાઈટર તરીકે તમે કોઈ પાત્રની સાથે નફરત ના કરી શકો. તમારી અંગત ફીલીંગ્સ જે ક્ષણે તમારા પાત્ર પર હાવી થઈ જશે પાત્રનું પોત બગડી જશે. કોઈ કેરેક્ટર બીનમહત્વનું કે ઉપેક્ષિત ન હોવું જોઇએ. અને નફરત હોય તો પણ તે તેવું કેમ છે એ સમજવું જરૂરી છે.ન ગમતા પાત્રને આલેખતા પણ કમીટમેંટ જોઈએ.આ વાત પોતાના સર્જેલા પાત્રો અને તે ઉપરાંત બીજા સર્જકોનાં પાત્રોને પણ લાગુ પડે છે. તમે સર્જક છો તો કોઈ પણ પાત્રને અન્યાય ના કરી શકાય, ના થાય એ ધ્યાન રાખવું પડે. લેખન જીવવાથી મળશે, નકારથી નહિ.

આ તબક્કે વારતાના પાત્રો ધાર્યા પ્રમાણે રજુ કરી શકાતા નથી તે કેમ એવો મુદ્દો પણ કોઈકે છેડ્યો..
વાર્તાનાં પાત્ર પ્રત્યે લેખકે એજ વલણ રાખવું જોઈએ જે સલાહ ખલીલ જિબ્રાને દરેક માતા-પિતાને પોતાનાં સંતાનો પ્રત્યે રાખવા સલાહ આપી છે. ખલીલ જિબ્રાને કહ્યું છે કે માતા-પિતા એ હંમેશા યાદ રાખવું જોઈએ કે તેમના સંતાન તેમના થકી અવતર્યા છે, તેમના કારણે નહીં..!! તે જ પ્રમાણે લેખકે પણ પાત્રો પ્રત્યે માલિકી ભાવ ન રાખી તેમની પ્રકૃતિ અનુસાર ખીલવા દેવા જોઈએ.. જો લેખક તાનાશાહી આચરી પોતાનું વલણ પાત્રો પર ઠોકી બેસાડે તો કૃતિને હાની પહોંચશે. પાત્રને કૉફી પીવી હતી અને તમે લેખક તરીકે એને ચા પીવડાવી દો તો ત્યારે ભલે એમ લાગે કે પાત્રને કોઈ ફરક નહિં પડે .પણ વાચકને પડશે. એ પાત્રના ચહેરા પર સુકુન છે કે શિકન એ ચોક્કસ નોંધશે.

તે ઉપરાંત પાત્રાલેખનને સમજવા એક ઔર ઉદાહરણ.

જ્યારે કોઈ એક કલાકાર થર્મોકોલ શીટ પર ગણપતી કંડારતો હોય ત્યારે એ પોતે જે વાપરતો હોય એ શીટ્નો ફક્ત ૬૦% હિસ્સો જ વાપરશે. ૪૦% હિસ્સો એ દરેક સાઈડ છોડી દેશે.કારણ? એ પ્રક્રિયા જ એવી છે કે કોતરકામ કરવા એને વધારાનો હિસ્સો જોઈએ જ.. એ હિસ્સો એને કામ લાગશે ફ્રેમને શેપ આપવા..!! વાર્તામાં પણ એ જ રીત હોય. તમે એક વાર્તા શરુ કરી. જેમાં રવિવારે સવારે શું બન્યું એ વાત કહેવાની /આવવાની છે. પણ તમારે તમારા પાત્રએ એ શનિવારે સાંજે શું કર્યું? શું ખાધું? શું પીધું? ચા પીધી કે કૉફી? દારુ પીધો કે નહિં? પીધો તો કયો પીધો? દેશી કે વિદેશી? એને સરખી ઉંઘ આવી કે નહિં? ટુંકમાં આગલી સાંજે એની સાથે શું શું ઘટ્યુ? એ વાત ની તમને ખબર હોય એ જરૂરી છે આ બધી જાણકારી ફીઝીકલી/ મેન્ટલી / પ્રેક્ટીકલી કદાચ વાર્તામાં ક્યાંય નહિં આવે પણ એ બધું વાર્તામાં પ્રછન્નપણે આવશે! એટલે આલેખનમાં આ વધારાનો હિસ્સો નક્કામો નથી. એ ઈમ્પોર્ટન્ટ છે એનાથી જ પાત્રને શેપ મળે છે અને એ બાબત આપણી વાર્તાજ નક્કી કરશે. એ બાબતનાં કોઈ ચોક્કસ નિયમો નથી કે એ બધું કેવી રીતે અને કયે રસ્તે નક્કી થશે. બસ, આપણે આપણી બારીઓ ખુલ્લી રાખવી એ જ અગત્યનું છે. વિચારો ચિપિયાથી પકડતાં નથી. એને પારખવા પડે છે.

અલકાએ એક મુદ્દે કહ્યું કે આ તો કળા છે.. શું કળા શીખવી શકાય..?
ના જ શીખવી શકાય. એ જાતે જ શીખવાની હોય ..પણ આ કળા જાતે જ શીખવાની છે એ શીખવવાની જરૂર ખરી..!!
એકલવ્ય દ્રોણાચાર્યના શિક્ષણ-ક્રમને આઘે થી નીરખી નીરખી જાતે જ બાણ વિદ્યા શીખ્યો પણ..
..પણ.. તારે આમ જોઈ જોઈ ને જાતે જ શીખવાનું છે એમ એકલવ્યને શીખવવું આવશ્યક છે.
ટુંકમાં વાર્તા લખતા કોઈ શીખવાડી શકતું નથી. એ કળા કેવી રીતે શીખવાની છે એ આપણે શીખવાનું છે!
અંતમાં..
જેમ કે મેં શરુઆતમાં કહ્યું તેમ આ વખતે પ્રથમ વાર શિબિરમાં ભાગ લેનારા ઘણાં ચહેરા નવા હતાં, તેમનો અનુભવ કેવો રહ્યો એ તેઓ જણાવે તો આનંદ થશે. અને અલબત્ત નિયમિત સભ્યોના અનુભવ વાંચવા પણ ગમશે..!

મારી નોંધ અને સ્મૃતિને આધારે આ અહેવાલ તૈયાર કર્યો છે. ક્યાંક કશું છૂટી ગયું હોય કે ચૂકી ગયું હોય તો દરગુજર કરશો. ખૂટતી વાત/વિગત મિત્રો કમેંટમાં જોડે એવો અનુરોધ.

અસ્તુ.

~~ રાજુલ ભાનુશાલી (વાર્તા રે વાર્તા ટીમ)

No comments :

Post a Comment