Sunday 30 August 2015

ખાલી જગ્યા--રાહુલ પટેલ

 મમતા મેગઝીન જુલાઈ ૨૦૧૫ અંકમાં આવેલ રાહુલ પટેલની  વાર્તા



આજે એ આવવાનો હતો. વિઠ્ઠલનો દીકરો આવવાનો હતો. એ માટે વિઠ્ઠલ ઘણા દિવસથી તૈયારી કરતો હતો. રેડિયો પર જુના ગીતો વાગી રહ્યા હતા. એણે કાલે રાત્રે દીકરાનું નામ યાદ કરવા પણ પ્રયત્ન કરવો પડ્યો હતો. નામ યાદ કરતા કરતા એ ખુરસીમાં જ ઊઘી ગયેલો. રાતે સપનામાં દીકરો આવ્યો હતો. સવારે બ્રશ કરતી વખતે બેસીનના આયનામાં ખુદને જોતા દીકરાનું નામ યાદ આવ્યું હતું.

હાં, આવો જ. હાં, મારા જેવો જ તો દેખાય છે મારો દીકરો સુનીલ.
ખુદને જોઈ દીકરાનો ચહેરો યાદ આવ્યો. અને બ્રશ કરી રહ્યા બાદ યાદ આવ્યું કે મોઢામાં તો ચોખઠું છે. ૭૫ વટાવ્યા પછી આવી હાલત થવી એ સામાન્ય વાત છે.




વિઠ્ઠલ ઘણીખરી વાતો ભૂલી જતો. જેમ કે કામવાળી રોજ આવે છે કે નહી. લાઈટ બીલ, ગેસ બીલ, ઘર વેરો ભર્યો કે નહી. પોતે સવારે ખાધું કે નહી એ પણ ઘણી વાર કામવાળી યાદ અપાવતી. ઘણી વાર વિઠ્ઠલ સવારે ખાવાનું ભૂલી જતો એ જ જમવાનું રાતે ચલાવી લેતો. કામવાળી પણ ઈમાનદાર ઘણી વાર જરૂરતે પૈસા માંગી લેતી પણ કોઈવાર વિઠ્ઠલદાસ ભૂલથી મહિનામાં બે વાર પગાર આપે તો ન લેતી.
વિઠ્ઠલ ને એક જ વાત બરાબર યાદ રહેતી, સાંજે કામવાળી જયારે ખાવાનું બનાવીને જતી રહે પછી દરિયાકિનારે ચાલવા જવાનું. આખો દિવસમાં વિઠ્ઠલ એ એક જ વખત ઘરેથી બહાર નીકળતો. લાકડીના ટેકે ટેકે ફૂટપાથના કિનારે કિનારે, નવા બનેલા મોલની ના સમજાય એવા નામોવાળી વિદેશી દુકાનો જોતો, ટૂંકા કપડા પહેરી ફેરફુદરડી રમતી છોકરીઓ અને ના સમજાય એવી અંગ્રેજી બોલતા છોકરાઓને જોતો, બદલાયેલા શહેરની રોનકને માણતો, ક્યારેક હાંફી જઈ સ્ટ્રીટ લાઈટ તો ક્યારેક થાકી જુના નક્કામાં પોસ્ટ બોક્ષના આધારે ઉભો રહેતો એ ચાર રસ્તે આવેલી શહેરની સૌથી જુની રેસ્ટોરન્ટ બિસ્મિલ્લાહમાં પહોંચતો. વિઠ્ઠલ બિસ્મિલ્લાહ ના હમઉમ્ર માલિક હાજી સાથે ચા પીતાં પીતાં ગપ્પા મારતો. હાજી રોજ એને એના પરિવારમાં ચાલતા ઝગડા વિશે અને પોતાના દીકરાની વાત કરતો કે દીકરો હવે રેસ્ટોરન્ટ રિનોવેટકરાવવા માંગે છે. કહે છે કે જુનું ફર્નિચર હટાવી બિસ્મિલ્લાહ ચા સેન્ટરમાંથી ફ્રેન્ડસ કોફી કોર્નરજેવું કંઇક ખોલવા માંગે છે. રોજ બે કપ ચા પીતાં પીતાં વિઠ્ઠલ હાજીની એકની એક વાતો કુતુહલપૂર્વક સંભાળતો. અને પછી આંખોમાં બેકરારી લઇ, હાજી સાથે આંખ મિલાવ્યા વગર, હાજીની કોઈ પણ વાતનો જવાબ આપ્યા વગર અને કેટલીકવાર તો ચા ના પૈસા પણ ચૂકવ્યા વગર એ બહાર નીકળી જતો. હાજી એને જતા જોઈ રોજ વિચારતો, આ હોટલ નું ફર્નીચર બદલાયા પછી હું શું કરીશ ? આ વિઠ્ઠલ શું કરશે ?
વિઠ્ઠલને દરિયા સુધી પહોચવા રસ્તો ઓળંગવામાં દસેક મિનીટ થઈ જતી. જૂની વાતો યાદ કરવાના પ્રયત્નમાં એ દરિયાકિનારે દુર સુધી ચાલતો રહેતો. એ પોતાના સુથારીકામથી બરછટ થયેલા હાથ જોતા પોતે ઉભી કરેલી દુકાન યાદ કરતો અને વિચારતો કે બંધ દુકાન તો હવે સુનીલ ભણવાનું પૂરું કરીને આવે અને એની ઈચ્છા હોય તો ચાલુ કરશે. ટેકા લાકડીની અને પોતાના પગલાની છાપ જોતા એને અખો દિવસ યાદ ન આવેલી પત્ની યાદ આવી જતી. રોજ ભીડ થી દુર એ પોતાના માનીતા પથ્થર પર બેસતો, બાજુમાં રહેલી ખાલી જગ્યા પર કોઈનો અભાવ વર્તાતા પથ્થર પર હાથ ફરાવતો અને ઘણીવાર ડૂબતા સુરજને જોતા જોતા એ પત્નીની યાદમાં વિહ્વ્ળ બની જતો, ક્યારેક ચેહરા પર આંસુઓ પણ ફરી વળતા, એ દીવાદાંડી તરફ જોતા રહી દીકરાને યાદ કરી લેતો. અને હમેશા બીજું પણ કંઇક યાદ કરવા પ્રયત્ન કરતો. પણ શું એ તેને યાદ નથી આવતું. બધી યાદો ભુંસાઈ ને એના મગજ માં ખાલી જગ્યા રહી ગઈ હોય એમ એને લાગ્યા કરતુ. રોજનું જ ઢળતી સાંજે દરિયા કિનારે એ ઘરડું ખોખલું શરીર હદયની જગ્યાએ ધબકતી બેકરારી લઇ ધ્રુજતું રહેતું.
સુનીલનો ફોન આવ્યો હતો કે એ અમુક તારીખે ઘરે આવવાનો છે ત્યારથી વિઠ્ઠલે કામવાળી સુનીતાને કહી રાખેલું કે સુનીલ આવી ન જાય ત્યાં સુધી રોજ આ વાત એને યાદ કરાવે. વિઠ્ઠલ રોજ સુનીલના બાળપણના જે કિસ્સા યાદ આવે એ સુનીતાને સંભળાવતો ને ઘણીવાર તો એકના એક જ કિસ્સા કેહતો. સુનીતા પણ કચરા-પોતા કરતાં એ બધું સાંભળતી રહેતી. વિઠ્ઠલ કહેતો કે સુનીલને એની માના હાથનું બનાવેલુ જ ભાવે પણ સવારનો નાસ્તો તો એને મારા હાથનો જ ભાવતો. સવારે એ મારા હાથના બનેલા આમલેટ અને ટોસ્ટ ખાવા વગર સ્કુલ જવા પણ તૈયાર ન થતો. સાંજે વરંડામાં સાથે બેસી અમે બાપ-દીકરા ચા પીતા જઈ એકબીજા સાથે આજે દિવસભર શું બન્યું એ વિશે વાતો કરતા અને બદલાતા શહેરને જોયે રાખતા. બેઉ બાપ-દીકરા રસોડામાંથી કુકરની સીટીનો અવાજ સાંભળતા અને બનતી રસોઈની સુવાસ લેતા જ્યાં સુધી સુનીલની મા બોલાવે નહિ કે, “ચાલો, ખાવાનું થઇ ગયું.ત્યાં સુધી બેસી રહેતા.
એની માના ગયા પછી ઘણા એ કીધું કે, “દીકરો નાનો છે તો લગ્ન કરી લો તો એને મા અને તમને સાથી મળી રહે...પણ કોણ જાણે કેમ વિઠ્ઠલને લાગેલું કે સુનીલની મા પછી ખાલી પડેલી જગ્યા કોઈ સંભાળી નહિ શકે. હવે એ કાલે પોતાનું ભણવાનું પતાવી આવી રહ્યો હતો. એટલે વિઠ્ઠલ એના માટે બધી ભાવતી વસ્તુઓ યાદ કરી કરી ને લાવ્યા હતો. હજુ કશું ભૂલી તો નથી ગયો ને એ યાદ કરવામાં વિઠ્ઠલને સુનીલ નું નામ યાદ નહોતું આવ્યું અને નામ યાદ કરતા કરતા એ ખુરસીમાં જ ઊઘી ગયો હતો.
મળસ્કે દરવાજાની ઘંટડી વાગી. રાતનો ગીતમાલા કાર્યક્રમ સાંભળ્યા પછી ચાલુ જ રહી ગયેલો રેડિયો અત્યારે સર્સરાહટ કરી રહ્યો હતો. રેડિયો બંધ કર્યો, ઝીણી આંખે ચશ્માં શોધ્યા અને દરવાજો ખોલવા આંખો મસડતો વિઠ્ઠલ લડ્ખડાતો દરવાજા સુધી ગયો. દરવાજો ખોલ્યો, ચશ્માં પહેર્યા, સામે ઉભેલી વ્યક્તિ કોલેજથી આવેલો સુનીલ ન હતો. એને જોઈ વિઠ્ઠલના હાથમાંથી લાકડી છૂટી ગઈ, ધ્રુજતું શરીર વધારે ધ્રુજી ઉઠ્યું, એ હેબતાઈ ગયો. સામે કોઈ આધેડ ઉમરનો પુરુષ ઉભો હતો. એના જેવો જ અદ્દલ દુબળો પાતળો. સામે જાણે કોઈએ આયનો ન મુકી દીધો હોય. એ સુનીલ જ હતો.



જાણે કોઈ ઓરડામાં બધી યાદો સંગ્રહાયેલી હોય અને બીજા ઓરડા વચ્ચે દરવાજાની છાપ વાળું મોટું કાગળ બારસાખ પર રાખી એ ઓરડાને ઘરના બીજા ઓરડાઓથી વરસોથી અલગ કરી દીધો હોય, અવાવરું કરી દીધો હોય. જાણે આજે એ બે ઓરડાને જોડતું કાગળ સળગી ગયું હતું અને આટલા વરસોની એ ઓરડામાં સચવાયેલી, ઘુંટાયેલી, ભુલાયેલી બધી યાદો એક સામટી આવીને વળગી ગઈ હતી. પત્નીના મૃત્યુ પછી વિઠ્ઠલે બીજા લગ્ન કર્યા ન હતા. એના જીવન માં પડેલી ખાલી જગ્યા ખાલી જ રહી. સુનીલને મા-બાપનો પ્રેમ એણે એકલા એ જ આપેલો. સુનીલ કોલેજ પતાવ્યા પછી ઘરે આવવાનો હતો. વિઠ્ઠલ રાહ જોતો હતો. ત્યારે સુનીલ સાથે એક છોકરી પણ આવી. વિઠ્ઠલ ખુશ થઇ ગયો. એણે સુનીલના ધામ ધૂમ થી લગન કરાવ્યા. વર્ષો થયાં સુનીલના ઘરે પારણું ન બંધાયું. અને જયારે ખુશીનો સમય આવ્યો ત્યારે અધૂરા માસે પ્રસુતિ થતા સુનીલની પત્ની બાળકી સાથે જ મૃત્યુ પામી. એણે ઘરમાં ત્રણ સ્ત્રીઓનાં મૃત્યુ થતા જોયા હતાં. પછી સુનીલ પણ ફરી ઘર ન વસાવી શક્યો. એના જીવનમાં સ્ત્રીની પડેલી ખાલી જગ્યા ખાલી જ રહી. વરસોથી એ બીજા શહેરમાં રહી નોકરી કરતો. ક્યારેક ક્યારેક મારવાની ઉમરે પહોચેલા ભૂલકણા બાપને મળવા આવી જતો. બેઉ એ પોતાના ઘરનો ઉંબરો પૂજ્યા વગરનો, કોરોજ રાખ્યો.
દરવાજે જ ઉંબર પર બાપને ભેટીને આધેડ સુનીલ પોતાની નાનકડી બેગ લઇ અંદર ગયો. વિઠ્ઠલે ધ્રુજતા ધ્રુજતા આમલેટ, ટોસ્ટ અને ચા બનાવ્યા. સુનીલે પણ ના ન પાડી. કદાચ એને પોતાનું બાળપણ યાદ આવી ગયું હોય. બેય જણે એકબીજાને જોતા જોતા ચા-નાસ્તો કર્યો. સુનીતા આવી, એક વાર સુનીલને મળી પછી એ પણ બેઉને ખલેલ કરવા આવી નહિ.
વિઠ્ઠલે કીધું, “સુનીલ ઘણા વખતે તારો અવાજ સંભાળ્યો.
અઠવાડિયે બે-એક વાર વાત તો કરીએ છીએ ટેલીફોન પર.સુનીલે આશ્ચર્ય સાથે કીધું.
વિઠ્ઠલ ઓરડાના ખૂણે ટેબેલ પર પડેલા ટેલીફોનને ચકિતભાવે જોઈ રહ્યો.
થોડી વારની ચુપકીદી પછી સુનીલ બોલ્યો, હું પૈસા મોકલું છું તે પોસ્ટ થી તમને બરાબર મળી રહે છે ને? અને ઓછાતો નથી પડતા ને?
ત્યારે વિઠ્ઠલે પોતાની યાદશક્તિને દોષ દીધો અને દર મહિને પેન્સન આવવાનું રહસ્ય એને સમજાયું.
બપોર સુધી ઘરમાં કોઈ વાર્તાલાપ-કોઈ અવાજ થયો નહી. સુનીતાને સુનીલે રાતનું જમવાનું બનાવવા ના પડી હતી તો એ પણ બપોરે જ કામ પતાવી ચાલી ગઈ હતી. વિઠ્ઠલે રેડિયો ચાલુ કર્યો અને આરામ ખુરસીમાં બેઠો. એ જ ઓરડામાં સુનીલે ટીવી પર સમાચાર મુક્યા અને સોફા પર બેઠો. છતાં બેમાંથી કોઈને ખલેલ થયો નહી. વિઠ્ઠલે સુનીલના નિષ્ઠુર, નિસ્તેજ ખાલી પડેલા ચહેરા તરફ જોઈ સુનીલની પત્ની વિશે કોઈ વાત કાઢી નહી. તો આ તરફ સુનીલ પણ પરિસ્થિતિ કળી ગયો. વિઠ્ઠલના સુથારી કામ કરી બરછટ થયેલા કરચલીવાળા હાથ જોઈ, એની હથેળીમાં આજીવન કેટલી ફાંસ ગોપાઈ હશે એ વિચારતા સુનીલે શાંત થયેલી અધબીડાયેલી વિઠ્ઠલની આંખો જોતા મા વિશે વાત કરવાનું માંડી વાળ્યું. વાતાવરણમાં બેઉના મૌનનો ભાર વર્તાતો હતો. જયારે બેઉના મનમાં કેટલાય તોફાનો અને કેટલોય કોલાહલ દબાયેલો હતો. બેઉ મર્દના જીવનમાંથી ગયેલી સ્ત્રીઓ પછી કેટલીય ઉથલ પાથલ હતી. બેવ હવે કદાચ ખુદ સાથે વાતો કરતા, છેલ્લે એકલા જ મરી જવાની આશ સાથે એકલા જ જીવવા ટેવાઈ ગયા હતા.
ઓરડામાં રહેલો એક પુરુષ અડધી આંખો બીડી આરામ ખુરસીમાં બેઠો છે. અને રેડિયોમાં વાગતા જુના ગીતની ધૂન પર માથુ ડોલાવતો જઈ પોતાની જાંઘ પર હલકી હલકી થાપ મારે છે. જયારે ઓરડામાં રહેલો બીજો પુરુષ ટીવીની ચેનલો બદલતો, નાકમાંથી સિગરેટનો ધુમાડો છોડતો, સિગરેટની રાખને એસ-ટ્રેમાં ઠાલવતો, કળા પડીગયેલા હોઠો પર હાથ ફેરવતો, પોતાનો એક પગ ધ્રુજાવતો બેઠો છે. અચાનક બેઉની નજર ટકરાઈ ગઈ. વિઠ્ઠલે તરત નજર ફરાવી લીધી. સુનીલના હોઠના કોરે જરીક અમથું સ્મિત ફરકી ગયું. એકબીજાને જોઈ બેઉને કોઈ અલગ અલગ પ્રસંગ યાદ આવી ગયા હતા. ત્યારે સુનીલ પોતાના કમરામાં એની પત્નીની હાજરીમાં જ સિગરેટ પી રહ્યો હતો. ત્યારે અચાનક વિઠ્ઠલ એ ઓરડામાં જઈ ચડેલો. બેઉની નજરો ટકરાયેલી. પછી વિઠ્ઠલ તરત ઓરડાનો દરવાજો બંધ કરી બહાર જતો રહેલો. સુનીલને કેહવું જોઈતું હતું કે, “તું બાપ બનવાનો છે, થોડી તો જવાબદારી સમજ, ગર્ભવતી પત્ની સામેં સિગરેટ ના પીવાય.એ પ્રસંગ અને સુનીલની પત્ની યાદ આવતા હમણાં પણ વિઠ્ઠલદાસે નજર ફરાવી લીધી હતી. જયારે વિઠ્ઠલ આજ રીતે આરામ ખુરસીમાં બેસી પોતાની તાનમાં રેડિયો સાંભળી રહ્યા હતો. અને પોતાને રસોડામાં મદદ માટે બોલાવતી પત્નીને અવગણી રહ્યો હતો. ત્યારે એક હાથમાં ચલેઠો લઈને આવેલી માએ શાક વાળા હાથે વિઠ્ઠલનો કાન આમળ્યો હતો અને મીઠું મુસ્કુરાતા કહ્યું હતું કે, “હું તો રેડિયોનો અવાજ ઓછો કરું છું. તમને મારી બુમ સંભળાતી નથી તે...અત્યારે વિઠ્ઠલને જોઈ સુનીલને બાળપણનો એ પ્રસંગ અને મા યાદ આવી ગઈ હતી. છતાં કોઈએ એકબીજાની સ્ત્રીઓ વિશે વાત કાઢી નહી. બેઉ અદભુત અભિનય કરવામાં વ્યસ્ત હતા. જાણે બેઉ અલગ અલગ ઓરડામાં બેઠા છે કે પછી જાણે ઓરડામાં એક જ જણ છે કે પછી બીજું કોઈ હોવા છતાં એ એને અવગણી રહ્યું છે. બેય એકબીજા સાથે વાતો ન કરવા, એકબીજાને અવગણવાનો ડોળ કરી રહ્યા હતા.
સાંજે વિઠ્ઠલે સુનીલને ચા બનાવવા જતો રોક્યો અને જુના ફોટાના આલ્બમ શોધતા કબાટના ખૂણે રાખેલી જૂની વાઈન લઇ આવ્યો. બેય જણ અગાશીમાં બેઠા. વિઠ્ઠલે કહ્યું કે, “આ વાઈન તું જ લાવ્યો હતો.ત્યારે સુનીલ ચોકી ગયો. એની યાદશક્તિ પણ એના પિતા જેવી થવા માંડી હતી એને એમ લાગ્યું. કઈ વાત ક્યારે ભૂલી જવાય અને ક્યારે યાદ આવે કોઈ ઠેકાણું નહી. આરામ ખુરસીમાં બેસી શરાબ પીતા પીતા બેઉ બદલાયેલા શહેરને જોવા માંડ્યા. અણગમતા પરિવર્તનને દોષ દેવા માંડ્યા, જીવનમાં આવેલી સ્ત્રીઓ સિવાય સગામાં થયેલા જન્મ, લગ્ન, મરણ, નોકરી, વિશેની બનેલી બધી ઘટનાઓની વાતો કરી. ઢળતી સાંજે બેઉ ચાલવા નીકળ્યા. બિસ્મિલ્લાહ માં હાજીની ચા પીધી, કોઈ વિષય પર ઊંડી ચર્ચા કરી, કોઈ વાત પર ત્રણે હસ્યા, કોઈ નિર્દોષ બાળકના જેમ હસ્યા. જતી વખતે સુનીલ હોટલના બહારના દાદર પરથી પાછો કાઉન્ટર પર હાજી પાસે પાછો વળ્યો. જતા જતા કદાચ એણે હાજીને પોતાના પિતાને મળતા રહેવા કે એકલા ના પડવા દેવાની કશી વાત કરી.
રસ્તે સુનીલે વિઠ્ઠલને સાથે રહેવા ફરી એક વાર પુછી જોવાનું વિચાર્યું. ચાર રસ્તા પર સિગ્નલ લાલ થયું. કઈ રીતે કહું એમ ખચકાઈ રહેલા સુનીલે આખરે મા વિશે અને સાથે રહેવા વિશેની વાત રસ્તો ક્રોસ કરતા કરતા કહી નાખી. મા વિશેની વાત આવતા સિગ્નલ સાથે જાણે સમય અને આખું શહેર થંભી ગયું. રસ્તો ક્રોસ થઇ ગયો છતાં પિતાજી તરફથી કોઈ જવાબ ન મળ્યો. થોડીવારે એ પાછળ ફર્યો. સિગ્નલ લીલું થઇ ગયું હતું, વાહનોનું ધાડું ફરી ચાલી પડ્યું હતું. સુનીલ આ તરફ એકલો જ રસ્તો ક્રોસ કરી આવ્યો હતો. વિઠ્ઠલ સામે છેડે ધ્રુજતો ઉભો હતો. સુનીલે પહેલાથી જ હાથ પકડીને ચાલવું જોઈતું હતું. ઘણા સમય પહેલાથી... ઝડપથી વહી જતાં વાહનો વચ્ચેથી બેય એકબીજાને જોઈ રહ્યા.
બેય દરિયામાં પગ ભીંજવતા દુર સુધી ચાલ્યા. દરિયા કિનારેના ઠંડા પવનમાં જરા ધ્રુજતા ધ્રુજતા ચાલ્યા. માનીતા પથ્થર પર વિઠ્ઠલ બેઠો. નજીકના એક પથ્થર ને પીઠ અઢેલી સુનીલ ઉભો રહ્યો અને સિગરેટ સળગાવી અને અટકેલી વાત શરૂ કરી, “તમારી તબિયત સારી નથી રહેતી. તમે મારી સાથે રેહવા આવી જતા હો તો...
ઘર,શહેર, શહેરની કેટલીક ઈમારતો, કેટલાક લોકો, આ દરિયો, દરિયાની કાળી રેતી, એનું ફીણવાળું પાણી, અને આ દીવાદાંડી સાથે કોઈક ને કોઈક જૂની યાદો સંકળાયેલી છે. સુનીલ ! એ સ્મૃતીચિહ્નનો છે. એના વગર કદાચ મને કશું જ યાદ ના રહે. તને તો ખબર જ છે મારી યાદશક્તિ. તું શું ઈચ્છે છે કે હું બધુ જ ભૂલી જાઉં ? તારી માને પણ ભૂલી જાઉં !અને દરિયો ઘૂઘવી ઉઠ્યો. 
સુનીલ સિગરેટના કશ મારતા દરિયાની ભરતીનાં અસ્તવ્યસ્ત મોજાને જોઈ રહ્યો. થોડી વાર ચુપ રહી ફરી વિઠ્ઠલ બોલ્યો, “કદાચ, જો તારી સાથે હું રહેવા આવું, કોઈ દિવસ તું દરવાજો ખખડાવે, હું બારણું ખોલું અને તને ના ઓળખું તો ? આપણે કદાચ એકલા જ રહેવા ટેવાઈ ગયા છીએ...
હા, કદાચ, આ રીતે જ તમે તમારા જીવનમાં અને હું મારા જીવનમાં પોતપોતાની સ્ત્રીને યાદ કરતા જીવી શકીએ. આપણે જયારે પણ મળીયે છીએ ત્યારે જ તમને મા અને મને મારી પત્ની વધારે પડતું યાદ આવે છે. અસહ્ય યાદ આવે છે, તમને જોતા જ મને થઇ આવે છે કે આપણે બેય કેટલા દુખી છીએ. કદાચ, આપણે એકબીજાથી દુર રહીને જ એકબીજાથી નજીક રહી શકીએ.ઘણું ખચ્કાવા છતાં મનનાં વિચાર સુનીલથી બોલી જવાયા.
બેઉ વચ્ચે ઘણી ખાલી જગ્યા હતી, જાણે એક આખો દરિયો પણ એ ખાલી જગ્યા ન પુરી શકે એટલી ખાલી જગ્યા. બેઉ વચ્ચે વાર્તાલાપ એમ થતો હતો જાણે એક વ્યક્તિ દરિયાના આ કિનારે અને બીજો વ્યક્તિ દુર, અદ્રશ્ય. સામેના કિનારે હોય. બેઉ ઘરડા પુરુષોએ એક સાથે દીવાદાંડી તરફ જોયું. બેઉ પોતાની સ્ત્રીઓને યાદ કરી રહ્યા હતા. એકબીજાથી વિરુધ્ધ દિશામાં મોઢું રાખી બેઉ જણાએ આસું લુછી લીધા. સુનીલે બુટના તળિયાથી સિગરેટ બુઝાવી. પિતાજીને જવા માટે ઉભા કર્યા ને કહ્યું,
કાલે હું મળસ્કે જ નીકળી જઈશ.
ઘણી વાર પછી વિઠ્ઠલે જવાબ દીધો, “એ જ, ઠીક રહેશે.
સુનીલે બાપને ખભે હાથ રાખી ટેકો આપ્યો ને બેઉ ચાલી નીકળ્યા. વિઠ્ઠલે પાછળ રેતીમાં પડતા બે જોડ પગલા જોઈ અંદરથી સ્મિત કર્યું. ખભા પર રહેલો હાથ જોઇને સુનીલ નાનો હતો ત્યારે વિઠ્ઠલ એને ખભે બેસાડી ફરવા લઇ જતો તે યાદ આવી ગયું. સુરજ ડૂબી ગયો હતો બેય પુરુષ ઘર તરફ વળી ગયા હતા.
દરવાજાની ઘંટડી વાગી. રાતનો ગીતમાલા કાર્યક્રમ સાંભળ્યા પછી ચાલુ જ રહી ગયેલો રેડિયો અત્યારે સર્સરાહટ કરી રહ્યો હતો. રેડિયો બંધ કર્યો. ઝીણી આંખે ચશ્માં શોધ્યા અને દરવાજો ખોલવા આંખો મસડતો વિઠ્ઠલ લડ્ખાડતો દરવાજા સુધી ગયો. દરવાજો ખોલ્યો, ચશ્માં પહેર્યા, વિઠ્ઠલ જરા ચોંકી ગયો...
જોયું તો સુનીતા આવી હતી.
વિઠ્ઠલે ઓરડામાં ખુરસી તરફ પાછા ફરતા કહ્યું,
ઓહ, તું છે. મને એમ કે સુનીલ આવ્યો હશે. જો સુનીતા, બધા ઓરડા બરાબર સાફ કરજે આજે સુનીલ અવવાનો છે. મળસ્કે જ આવવાનો હતો. હજી આવ્યો નથી એટલે કદાચ બપોરે પણ આવે.
સુનીતા ચકિત ભાવ લઇ જરી વાર અટકી પડી ને આરામ ખુરસીમાં ખોળામાં રેડિયો લઇ બેઠેલા, સ્ટેશન ટયુન કરતા વિઠ્ઠલને ફાટેલે ડોળે જોઈ રહી...













####



No comments :

Post a Comment