Tuesday 15 September 2015

રોટલી -- સમીરા પત્રાવાલા



પ્રતિભા ઠક્કર દ્રારા પ્રકાશિત પુસ્તક સ્ત્રીઆર્થમાં છપાયેલી સમીરા પત્રાવાલાની વાર્તા "રોટલી"


અત્યાર સુધી સખત મહેનત, અથાગ પરિશ્રમ માટે "પુરુષાર્થ" શબ્દ વપરાતો આવ્યો છે. ચાહે એ પુરુષાર્થ સ્ત્રી નો હોય કે પુરુષનો! પણ જન્મથી મરણ સુધી જીવન ના દરેક તબ્ક્કે સ્ત્રીઓ પણ કંઈ કેટલો ઉધ્યમ જોડતી આવી છે એના બદલામાં આપણી ડિક્શનરી માં સ્ત્રીઆર્થ જેવો કોઈ શબ્દ જ નહીં??? સ્ત્રીઆર્થ એટલે સ્ત્રી સક્ષમતા, સંવેદના, સ્નેહ , શક્તિ , સંવાદ અને સંયમના શબ્દસમૂહનો એક સમાનાર્થ.  આ શબ્દની જનેતા એવા ભાવનગરના એક લેખિકા પ્રતિભા ઠક્કરે પોતાની સાથે ૨૧ લેખિકાઓની વાર્તાઓને લઈને જે સ્ત્રી સંવાદ રચ્યો છે એ "સ્ત્રીઆર્થ" નામ ની પુસ્તિકા રુપે રજુ થયો. જેને ગુજરાતી સાહિત્ય અને મિડિયામાં દિલથી વધાવી લેવાયુ. 


"અમારા સૂર , સંવાદ ,સૌહાર્દ , સ્નેહ અને શ્રમ છતાં પુરુષાર્થ શબ્દ કેમ? 'સ્ત્રીઆર્થ ' કેમ નહીં ?- પ્રતિભા ઠક્કર "


આ પુસ્તક માં વાર્તા શિબિરના સમીરા પત્રાવાલી વાર્તા "રોટલી" પ્રકાશિત થઈ અને વાચકો દ્વારા પ્રશંસા પામી.

રોટલી


ડેલાબંધ ઘર. બહાર હિંડોળો અને બાજુ માં લાંબી ઓંસરી. ત્યાંથી અંદર બીજા બધા ઓરડા અને ઓંસરીને લગોલગ રસોડું. અહીં રસોડામાં પુષ્પા રાંધે અને ત્યાં બહાર જુલા ખાતી ખાતી આઠ વરસ ની ચકી દાળિયા ચણતી જાય.



અચાનક્થી ચકી દોડતી દોડતી રસોડામાં આવી. “મા..એ મા! બાપુ બીજે ગામે ગ્યા સે તો મારા હાટું બોરિયા લાવવાનું કીધું તું તે? “



“હા કીધુ હો…”  ચકીને જવાબ દઈ લોટને મુક્કા મારી મારીને પુષ્પાપોતાના મનની દાજ લોટ પર ઠાલવતી હતી…”તારો બાપ મુઓ…આવ્યો જ નથ ગઈ કાલનો. ગુડાયો  હશે વાસમાં દારુ ઢીંચવા! ખબર નઈ કીયા નપાવટથી ભાઈબંધી કરી બેઠો કે દાડેદિવસે બગડતો જાય છે. “ મનમાં બબડતી પુષ્પાની મુઠ્ઠીઓ ખાઈ ખાઈને લોટ હવે નરમ પડ્યો હતો.“મા … મને રોટલી શીખવાડને!” ચકીની માંગણીએ જાણે બળતાં માં ઘી હોમ્યું હોય એમ પુષ્પા ગુસ્સાથી હાંફવા લાગી.


“તારી પાંહે કાંઈ કામ નથી? જા ટીકુડાની જુની સિલેટથી રમ. લિટોડા કર્ય. રોટલી વાળી બહુ…જા હેરાન નો કર. ટીકુડો આવે ઈ પેલા રમીને મુકી દેજે. નહીં તો બાપને ચાડિયું ફુંકવા બેઠશે પાછો.” પુષ્પા ચકીને રસોડાથી ભગાડતા બોલી.


“હા મા! ટીકુડો તો એવો જ છે. પોતે નિશાળે જાય છે, પણ મને તો સિલેટમાં શીખવતોયે નથી. બાપુને કે ને મા મને નિશાળે મોકલે. “ આ બાજુ પુષ્પા  ની તવી ચુલે ચડી હતી.
પહેલી રોટી વણી ત્યાં જ ચકી ફરી બોલી. “મા, કુસુમમાસી કેવી ભણીને શિક્ષક બની એમ મારેય બનવું સે હો. “ફુલકાને ઘી લગાડતા પુષ્પા પાછી ગરમ થઈ.


“ હા નસીબવાળી છે તારી માસી તો, મામાનાં ઉપરાણે ભણી અને માસ્તરણી બની ત્યારેઆજે સાસરુંયે હારું મળ્યું. આંયા તો હું મોટી હતીને એટલે મારા બાપને જટ પયણાવવી હતી. લ્યો..ટીપો હવે મણ મણ રોટલા…” પુષ્પાબે વેલણ આમ અને બે વેલણ તેમ કરીને રોટલી વણતાં વણતાં જે આવે એને અડફેટે લેતી હતી.


“તું કેટલું ભણી છો મા?” ચકીના સવાલો ખતમ જ ન થતાં.


“હું?? હું તો રોટલી ભણી છું. “


“હેં…..રોટલી???” આંખો ફાડતા ચકી જોર જોર થી હસી પડી એને જોઈ પુષ્પાનો પણ ગુસ્સો હળવો થયો.


રોટલી વણતાં વણતાં ફરી બોલી…”હા લે?!…સાચું….નાને થી  બાપુનાં ઘરે હતી તો રસોઈ કરતાં અને ઘરનાં જોતરાં કરતાં શીખાડ્યું. તે અહીં વરી તોંયે જોતરા કરું છું. પરોઢે વેલાં ઉઠીને વાશીદા કરું … ઘરકામ કરું.. ને આપણાં ઘરમાં બધાય ની રસોય કરું…તારી દાદીને રોટલી માં ડાઘોય નો ગમે ને તારા બાપ ને મોટી મોટી ગરમાગરમ રોટલિયું જોવે, રાત બરાત જ્યારે ઈ આવે ત્યારે ઉઠીનેય ચુલેથી ઉતારેલી રોટલીયું ખાય. ને તારો ભાય તો એથી ય મોટો લાટસાહેબ ! ફુલકાં શિવાય તો ઈ ખાય નય…. એક આપણે બય છે કે હંધુય હલાવી લઈએ…બોલ કે જોઈ, ભણીને હું રોટલી ? …” કેહતા પુષ્પાપોતાના પર જ હસી પડી. “જા હવે ટીકુડાનો આવવાનો ટેમ છે.”


આજે પુષ્પાને દીકરાની વધારે જ વાટ હતી. એ આવશે, તો ફટાફટ ખાઈને  એનાં બાપની ભાળ મેળવવાં જાશે. શંકરની ચિંતા માં પોતે આખી રાત સૂઈ નહોતી. પુષ્પા મનમાં ગણગણતી હતી કે હવે તો જેઠજી આવે તો સારું! કેટલાય દિવસથી ડોકાયા નથી. એ આવશે તો ચકીનાં બાપને સીધો કરશે. હારે હારે આ વખત ચકીનાં ભણવાં હાટુય મનાવવું છે. મારે તો એયને કુસુમડી જેમ ભણાવવી છે …અને પછી ભલે મારી ચકી ટૅબલે ચડી તૈયાર રોટલાં ખાય આમ મારી જેમ જીવતર તો નો બાળે!  પુષ્પા રોટલી ઉતારતી હતી ત્યાં જ ડેલો ખુલવાનો અવાજ આવ્યો. પુષ્પા ઝડપભેર દોડતી બહાર જવા ગઈ અને સામે જેઠજીને ભાળતાં જ વળ ચડેલાં પાલવને સંભાળતી ખુણે જઈ ઘુંઘટો તાણતાં દૂરથી જ બોલી..”એ..જેશી ક્ર્શ્ણ મોટાભાઈ…પગે લાગું “ …મોટાભાઈ દૂરથી આશીર્વાદઆપી જુલે બેઠા. પુષ્પા પાછી રસોડે ગઈ  કામે લાગી, એ એનાં જેઠથી ખપ પુરતી જ વાત કરતી. સામે પણ ઉભી ન રહેતી.
ફરી મનમાં વિચારો નો લોટ ગુંદાવા લાગ્યો. “ આજે તો એયને મસ્ત ફુલકા બનાવું અને જમવા ટાણે ચકી માટે તો મનાવી જ લઉં. અમથાયે મોટા ભાઈને મારા હાથની રસોઈ બહુ ભાવે. “પુષ્પા એ ગરમ રોટલીમાં થોડું ઘી ઉમેર્યું.


“લે ચકી મોટાબાપાને પાણી દઈ આવ.” ચકી દોડતી આવીને ખુશીથી પાણીનો લોટો લઈ બહાર ગઈ.
મોટાભાઈ ચકીને વળગી ગયા અને ખિસ્સામાં થી બે રુપિયા કાઢી ચકીને કહ્યુઃ” લે ચકી !જા બકાની દુકાને જઈ ભાગ ખા.” ચકી ડેલો ખુલ્લો મુકીને જ જાણે ઉડી.
મોટાભાઈ ખોંખારો ખાતા ઓંસરીએ આવ્યાં. પુષ્પા એ રોટલી કરતાં કરતાં જ ઘુંઘટ સંભાળ્યો.


“પુષ્પાવહુ , શંકર ક્યાં છે?”


પુષ્પાને મનગમતો સવાલ મળ્યો. “જી મોટાભાઈ ઈ તો કાલ રાત ના ઘરે જ નથી આવ્યા. ઈ ને હમજાવોને હમણાં બોવ હળિયા છે દોસ્તારો હારે પીવામાં.”


“હ્મ્મ્મ… શંકર ને કેવું પડશે. તમે ચિંતા નો કરો હું હમણાં ટીકુડા હારે જઈ  એની ભાળ મેળવું છુ. મારે એક બીજી વાતેય કે’વી તી. શંકર તો છે નહીં એટલે પેલા તમને જ કહી દઉં.”


“જી…” ધ્યાનથી સાંભળતાં સાંભળતાં પુષ્પાએ તવી માં હળવે હાથે રોટલી નાંખી હોંકારો આપ્યો.


“કાના ને ઓળખો ને? એનાં દીકરા હારે મેં આપણી ચકીનું વેવિશાળ નક્કી કરી નાંખ્યું છે. “


આ સાંભળી હાથની ધ્રુજારીમાંધબાક કરીને પુષ્પાનું ફુલકું કૂટીને એનાં હાથને દજાડતું ગયું. ગભરાટનાં મારી એ બીજા હાથમાં વેલણ સમેત જ મોટાભાઈને કહેવા ઉંબરા તરફ દોડી ગઈ અને સરકતાં પાલવ્ ને સંભાળવામાં વેલણ હાથમાં થી છટકી જેઠજીનાં પગે જઈ પડયું . પુષ્પા ત્યાં જ ઢોળાઈ ગઈ અને તવી માં રોટલી એમ જ બળતી રહી.


-  સમીરા પત્રાવાલા





2 comments :