Friday 18 September 2015

વાર્તા રે વાર્તા ફોરમની સૌ પ્રથમ શિબિર સુરતમાં [ ૧૮ ઓગસ્ટ ૧૫ ]

પ્રથમ શિબિર સુરતમાં ૧૮ ઓગસ્ટ ૧૫.


જીવનમાં કંઈ પણ કરો તેમાં મજા આવવી જોઈએ, જેમાં મઝા આવે તે વારતાછે. આવું જ કંઇક કહેવુંછે વારતા શિબિર ના સૂત્રધાર રાજુ પટેલનું. તારીખ ૧૮મી ઓગસ્ટ ૨૦૧૫ ના રોજ સુરતની સંસ્કારભારતી શાળામાં એકદિવસીય વારતા શિબિરનું આયોજન થયું. નેહા રાવલના સરસ આયોજન હેઠળ વારતા ના વિવિધ પાસાઓની ખૂબ જ ઝીણવટપૂર્વક ચર્ચા થઇ અને વારતા શિબિર યાદગાર બની રહી.
શિબિરમાં કુલ ૧૫ વારતા રસિકો એ ભાગ લીધો. મુંબઈથી રાજુ પટેલ સાથે મીના ત્રિવેદી અને અશોક શાહ હતા. સુરતથી વીરેન્દ્ર બુધેલીયા, રાહુલ દવે, વિનોદ શ્રોફ, હિતેશ શ્રોફ, સ્વીટી જરીવાલા, આશા દલાલ, નિમિષા દલાલ, નેહા શાહ, રક્ષા બારૈયા, નેહા રાવલ, ગીતા શુક્લ, અને જીજ્ઞાશા સોલંકીએ ભાગ લીધો.
----------------------------------------------------------------------------------------------------

શરૂઆતમાં મીના ત્રિવેદીએ મુંબઈ ખાતે ચાલી રહેલ વારતા રે વારતા ફોરમ વિષે અને તેના દ્વારા થતા કાર્યો વિષે માહિતી આપી. ત્યારબાદ સૌ સભ્યોએ ટૂંકમાં પોતાનો પરિચય આપ્યો. વેલ, આમાં રસપ્રદ વાત એ રહી કે અમારા સૂત્રધારે એમનો પરીચય આપતા કહ્યું કે હું અહીં આવ્યો છું માટે તમે એવું બિલકુલ ના માનશો કે હું તમારા કરતા ખૂબ વધારે જાણું છું કે પરમજ્ઞાની છું.. પણ તમારા કરતા ફક્ત એક પગથિયું જ આગળ છું, માટે અહીં આપણે એકબીજાના મિત્રો બની વારતા વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ સૌ કોઈએ હળવાફૂલ થઈને આખા વર્કશોપમાં મસ્તીથી વારતા વિશે ચર્ચા કરી.

---------------------------------------------------------------------------------------------------

વર્કશોપ માટે ગૃહકાર્ય રાજુ પટેલના શબ્દોમાં......

૧] વિક્રમ અને વેતાળની વારતા આપણે સહુ જાણીએ જ છીએ. વિક્રમે એક શબને એક ઠેકાણે પહોંચાડવાનું છે. શરત એ છે કે વિક્રમે સફર દરમિયાન એક શબ્દ પણ ન બોલવો. શબમાંનો વેતાલ સફર માં સમય પસાર કરવાને બહાને વિક્રમ ને એક વારતા સંભળાવે. અને અંતમાં વારતા ને લગતા બે ત્રણ પ્રશ્ન પૂછી ઉત્તર આપવા ધમકી આપે કે ઉત્તર ખબર હોય છંતા તું નહી આપે તો તારા મસ્તિષ્કના ટુકડા થઇ જશે.. આથી વિક્રમે ઉત્તર આપવો પડે અને આમ વિક્રમ બોલે એટલે શબ વિક્રમના કબ્જામાં થી મુક્ત થઇ જાય. કથા શ્રેણીમાં રસપ્રદ વાત છે વેતાળના પ્રશ્ન. એ પ્રશ્ન બહુ જ સુક્ષ્મ હોય છે. એવા કે પ્રથમ નજરે આપણને જે જવાબ લગતા હોય એ ન હોય પણ જવાબ કૈક જુદા હોય.. આથી વેતાળના પ્રશ્ન અને વિક્રમના ઉત્તર વાંચવાની મઝા આવે છે.

મિત્રો આપે એવી એક વારતા ઘડવાની છે .. જેમાંથી વેતાળ એની શૈલી પ્રમાણેના પ્રશ્ન પૂછી શકે અને વિક્રમ બુદ્ધિપૂર્વકના ઉત્તર આપી શકે.

ટૂંક માં આપે વિક્રમ અને વેતાળના ફોર્મમાં એક વારતા લખવાની છે. વારતા માં વાતાવરણ આજનું હોઈ શકે, મુદ્દા આજના હોઈ શકે.

અથવા

૧] . સાથે આપેલી તસ્વીરમાં સિગારેટ ફૂંકતા આ છોકરી શું વિચારતી હશે..? એના હોઈ શકતા વિચારો ૫ થી ૧૦ વાક્યમાં લખો.

૨] સંજોગ પ્રમાણે પોતાની વાત બદલી

નાખે તેને માટે ફેરવી તોળ્યુંજેવો રૂઢીપ્રયોગ આપણી ભાષામાં વપરાય છે. આ પાછળ એક કથા છે તે કઈ..?

અથવા

૨] સુરતી બોલીમાં એક લઘુકથા લખો.

૩] એવા ૫ વારતાકારના નામ આપો જેના લેખન થી ગુજરાતી વારતા સમૃધ્ધ થઇ

અથવા

૩] આપને પ્રિય ૫ ગુજરાતી વારતાકારના નામ આપો. કયા કારણથી પ્રિય છે તે પણ જણાવો

----------------------------------------------------------------------------------------------------

ઉપરોક્ત ટાસ્ક [ ગૃહકાર્ય ] પ્રસ્તુત શિબિર માટે નક્કી થઇ હતી. કેટલાક સભ્યો એ મેઈલ દ્વારા ગૃહકાર્ય મોકલ્યું તો કેટલાક સભ્યો પાછળથી જોડાયા હોવાથી ક્લાસમાં જ તેમની કૃતિઓ વાંચવામાં આવી.

વિક્રમ અને વેતાળવારતા પર કોઈ સભ્ય કામ નહોતા કરી શકયા...!!

નેહા શાહની સુરતી બોલીમાં વારતા ના સંવાદ અદ્દલ સુરતીભાષા માં સાંભળવાની મજા પડી. એની ચર્ચા અને એ ટાસ્ક વિષે થોડી સમજણ અપાઈ.બોલી એટલે એ ભાષા જે લોકો ની જીભે રમે છે.બાર ગાઉં એ બોલી બદલાય. કોઈ પણ કૃતિ જયારે બોલી માં લખવાની હોય ત્યારે એની દ્વિધા લખનાર ને લખતી વખતે જ સમજાય છે. બોલી ના શબ્દો ને લખાણ માં લેવું શરૂઆત માં ખુબ અસહજ લાગે .ઉદાહરણ રૂપે...વાર્તા માં આવતા શબ્દો જેમ કે..વાળ માં તેલ ઘસવા ..જયારે બોલી ના સ્વરૂપે લખાયું ત્યારે વાર માં તેલ ઘહવા ...એમ પ્રયત્ન પૂર્વક લખવું પડે.અને બોલી માં વાર્તા લખવાથી એક સમગ્ર વાતાવરણ પણ ઉભું થાય છે.

----------------------------------------------------------------------------------------------

બીજી ટાસ્ક હતી : “...ફેરવી તોળવું .”.એ કહેવત ની મૂળ વાર્તા શોધવી. કોઈ પણ સભ્ય એ મૂળ વાર્તા શોધી ના હતી. સુત્રધારે એ વાર્તા કહી અને સાથે એ ટાસ્ક નો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો કે આ શોધવા માટે તમે આપણી સાહિત્ય માં ખાંખાખોળા કરો...જુઓ..વધુ વાંચો અને શોધો. સાહિત્ય ની વાતો..કહેવતો, લોકગીતો..એ બધા થી માહિતગાર થાવ.એક એક કહેવત પાછળ એક એક વાર્તા રહેલી છે. આ સિવાય પણ લખવા માંગતા દરેકે એ ભાષા ના સાહિત્ય વિષે બને એટલું જાણવું જોઈએ.સાહિત્ય ના મુળિયા જ છે..એના લોકગીતો , હાલરડા ઓ , કહેવતો રૂઢી પ્રયોગો ..એ દરેક વિષે વધુ ને વધુ જાણવું.કહેવતો અને લોકગીતો , લોકકથાઓ બાપ-દાદાની મૂડી સમાન છે અને એ વિષે જાણકારી હોવી જોઈએ... કહેવતમાં થોડા શબ્દોમાં ઘણું કહેવાય છે, એથી એક વારતાકાર તરીકે આપણે એ સમજ કેળવવી જોઈએ.

----------------------------------------------------------------------------------------------
ત્રીજી ટાસ્ક હતી એવા પાંચ વાર્તાકારો જેમણે ગુજરાતી વાર્તાઓમાં પોતાનું પ્રદાન આપ્યું હોય. અથવા તમારા ગમતા પાંચ વાર્તાકારો અને એ ગમતાં હોવા ના કારણો. આ ટાસ્કથી શીબીરાર્થી ના ગુજરાતી વાંચન વિષે અને વાર્તાકારો વિષે માહિતી મળી.
ટાસ્ક માટેની તસ્વીર 




ત્યાર બાદની ટાસ્ક હતી , સિગારેટ પી ને ધુમાડો ઉડાવતી યુવતીનું ચિત્ર જોઈ એ મનમાં શું વિચારતી હોઈ શકે....એ વિષે ૫-૭ વાક્યો ! આ ટાસ્કના ઘણા ખરા ઉત્તરોમાં છોકરીનું સિગારેટ પીવું એ નકારાત્મક પાસા તરીકે વણી ને લઘુ કથા અને વિચાર વંટોળ દર્શાવાયો.આ ટાસ્ક આપવા પાછળનો હેતુ એ હતો કે આપણે જે સામાજિક માળખામાં રહેવા , વિચારવા અને વર્તવા ટેવાયેલા છે તેનાથી બહાર નીકળી કૈક અલગ વિચારવું.સિગારેટ કોઈ દુખમાં કે ટેન્શનમાં જ પીએ?કેમ, આનંદથી ના પી શકે?શા માટે કોલ ગર્લ કે ખરાબ ચરિત્રની સ્ત્રી જ સિગારેટ પીએ...કોઈ ભદ્ર મહિલા માત્ર આનંદ માટે કે ફક્ત નશો અનુભવવા માટે સિગારેટ પીએ એ શક્ય નથી ? એટલે સિગારેટ સાથે સંકળાયેલી નકારાત્મકતા માંથી બહાર આવી આઉટ ઓફ બોકસ વિચારી શકીએ એ માટે આ ટાસ્ક હતી. આ ટાસ્ક માં સહુ ના ઉત્તરો સાંભળ્યા બાદ નિમિષા દલાલ અને નેહા રાવલ ની કૃતિ પસંદ કરવામાં આવી.કેમ કે તેમના વિચારો પરંપરાગત નહોતા. સામાન્યરીતે આપણે એવું માની લઇએ છીએ કે સિગારેટ કોઈ દુ:ખી વ્યક્તિ જ પીએ, કોઈ ખરાબ વ્યક્તિ જ પીએ, મોટાભાગના શિબિરાર્થીઓએ એવા જ વિચારો રજૂ કર્યા હતા. સુત્રધારે કહ્યું, Don’t be judgmental . આપણા વડીલો અને સમાજે સદ્દ્ભાવ/ સંસ્કાર અને સારા ખરાબ ની સમજ આપણને આપી છે પણ એક લેખક તરીકે પ્રમાણિકતા હોવી જોઈએ પૂર્વગ્રહ ન હોવો જોઈએ.

આગળ ચર્ચા અટકાવતા રાજુએ કહ્યું કે મુંબઈની શિબિર અગાઉ અમે ગૃહકાર્ય વિશે ફેસબુક પર જ ચર્ચા કરી લઈએ છીએ જેથી કરીને વર્કશોપમાં વારતા લખવાના વિવિધ પાસા વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી શકીએ.આથી હવે પછીની વર્કશોપમાં ગૃહકાર્ય વિશે અગાઉથી ફેસબુકપર જ તમામ ચર્ચા થઇ જવી જોઈએ.

ત્યાર બાદ શેષ ટાસ્ક વિષે ના તમામ સભ્યોના ઉત્તરો નું વાચન અને તેના સારા નરસાપણા પર સહુ એ પોતપોતાના મત વ્યક્ત કર્યા જેમાં ખાસ્સો એવો સમય લાગ્યો.

ત્યારબાદ ટી-બ્રેક થયો. સ્વાદિષ્ટ ગરમાગરમ સમોસા અને ગુલાબજાંબુ મનભરીને માણતા ગયા અને સૌ એકબીજાને જાણતા ગયા. મુંબઈવાસીઓને સુરતી લોચો ન ખાધાનું દુ:ખ થયું, તો સુરતીઓએ પણ નેક્સ્ટ વર્કશોપમાં ખવડાવવાની પ્રોમિસ આપી.

-------------------------------------------------------------------------------------------------------
ત્યારબાદ દોર શરુ થયો પ્રશ્નોત્તરીનો.

હિતેશ શ્રોફ દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, વારતા ની વ્યાખ્યા શું? વારતા કોને કહી શકાય?

સૌ પ્રથમ રાજુ પટેલે કહ્યું કે, જે પ્રશ્નો ના જવાબો તમને નેટ પરથી કે લાઈબ્રેરીમાંથી સરળતાથી મળી શકે તે મારે નથી કહેવા, જે એમાં નથી તે પર વાત કરીએ..



ટૂંકી વારતા ની વ્યાખ્યા સંબંધિત વાત થતાં સુત્રધારે જણાવ્યું કે ટૂંકીવારતા લખવાની શરૂઆત છાપાની સાથે થઇ અને તેણે ઉત્તેજન આપ્યું. જાણ્યે-અજાણ્યે તેની વ્યાખ્યા/ ગ્રામર બનાવી દીધા કે ટૂંકમાં [ છાપામાં જગ્યાની કરકસર હોય તેથી ] અને ચોટદાર લખાણ હોવું જોઈએ , અંતમાં કોઈક ટ્વીસટ હોવો જોઈએ જેથી વાચક છેલ્લે સુધી બંધાઈ રહે.. ત્યારબાદ સાહિત્યના મેગેઝીન દ્વારા સ્વતંત્ર રીતે વારતાઓ છાપવાની શરૂઆત થઇ.

નાટકમાં ક્યારેય પાત્રની માનસિકતા નથી લખાતી,તે સીધું એક્શન દ્વારા બતાવવામાં આવે છે. વારતા માં એવું નથી તેમાં લેખન દ્વારા જ સૂચવવાનું છે. સદેહ ભજવણી નથી કરવાની.

-------------------------------------------------------------------------------------------------------

બીજો પ્રશ્ન હતો વારતા માં અલંકાર કેટલા જરૂરી? તેનું મહત્વ કેટલું?

એક ઉદાહરણ દ્વારા સમજાવ્યું કે કોઈ યુવતી ઘરેણાં પહેરીને સુંદર દેખાય, કોઈક ઘરેણાં ન પહેરે તો પણ સુંદર દેખાય, તો વળી કોઈ ઘરેણાં પહેરીને કે પહેર્યા વિના, બંનેમાં સુંદર દેખાય.તો કોઈ વળી ઘરેણાં પહેરે તો જ સુંદર દેખાય. એવી જ રીતે વારતામાં અલંકારનું મહત્વ છે. બધું સહજ રીતે થવું જોઈએ.જયારે જેની જેટલી જરૂર હોય એટલો જ એનો ઉપયોગ થાય એ સારું. દરેક વારતાનું પોત નક્કી કરે કે તેને અલંકારની જરૂર છે કે નથી .. અને જો છે તો કેટલા અલંકાર ની... અલંકાર ના ઉપયોગ વિષે કોઈ સ્થાપિત ન્યમ ન હોઈ શકે.

-------------------------------------------------------------------------------------------------------
રક્ષા બારૈયા એ પ્રશ્ન કર્યો કે પોસ્ટમોર્ટમ(વિવેચન) શા માટે જરૂરી છે? વારતા લખાઇ ગયા પછી એ ચર્ચા નો શું મતલબ એ મને નથી સમજાતું.

આગળના સર્જન માટે પ્રતિક્રિયા અને વિવેચન ખૂબ જરૂરી છે.સામેના છેડાની વાત પણ સમજવી જોઈએ.તમારી વારતા વાચકો સુધી કેટલી પંહોચી એ જાણી શકાય. એકબીજાની ટીકા કરો. ટીકા સાંભળી જે પીડા મળે છે તેમાંથી પસાર થઇને તમે મજબૂત બનો.

આજે ગુજરાતીમાં લખાય છે ઓછું,વંચાય છે ઓછું. લોકો સંબંધ કે શરમને કારણે તટસ્થપણે વિવેચન નથી કરતા.આપણે કળા સાથે મૈત્રી કરવાની છે.

વારતા લખવું એ ચાલતા શીખવા જેવું છે, તમે ચાલતા ચાલતા વારંવાર પડો છો ઉભા થાવ છો, ફરીથી પડો છો ને ઉભા થાવ છો. આમ સતત પ્રયત્નો કરવાથી જ એક દિવસ સફળ વારતાકાર બની શકાય .

લોકપ્રિય વારતા , સાહિત્યિક વારતા , અને મનોરંજક વારતા કોને કહેવાય? સાહિત્યિક વારતા અને લોકપ્રિય વારતા માં શું ભેદ..?

કોઈ વારતા લોકપ્રિય છે એટલે એમાં કંઈ ખરાબી છે એવું નથી.વારતા બે જ પ્રકારની હોય છે. : સારી અને ખરાબ.
ફિલ્મની વારતા અને સાહિત્યની વારતા માં શું ફરક?
બંનેમાં ઉદ્દેશ્ય તદ્દન અલગ હોય છે.સાહિત્યકાર ફક્ત વાચકોને ધ્યાનમાં રાખીને લખે છે.જયારે ફિલ્મની વારતા લખતી વખતે કરોડો પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને લખાય છે. સાહિત્યિક વારતા એક લેખકનું એવું સર્જન છે જેમાં તે એકલો પ્રવૃત્ત છે.. જ્યારે ફિલ્મની વારતા ભજવવા માટે લખાય ..એમાં વિવિધ તબક્કે દિગ્દર્શક/ અભિનેતા અને અન્ય તંત્ર પ્રતિનિધિઓ નો સહયોગ જોડતો જાય. માધ્યમ બદલાય તો વારતાની વ્યાખ્યા બદલાઈ જાય છે.
----------------------------------------------------------------------------------------------------
પાછળ થી શિબિરમાં જોડાનારે હિંમત ભાઈએ પ્રશ્ન કર્યો કે અન્ય ભાષા કરતા ગુજરાતી ભાષાનું સાહિત્ય માટે ઓછું વંચાય છે



ગુજરાતી પ્રજા ભીરુ છે. આપણે શું?” “ એથી મને શું? “ --- એ એટીટ્યૂડ જોવા મળે.કોઈને કોઈની પડી નથી.એમની પાસે લોજીકલ ક્વેરી જ નથી. ઈશ્મત અને મંટો જે શબ્દોમાં તેજાબ મૂકી શકયા માટે આટલી કીર્તિ પામી શક્યા. રાજુ એ આગળ કહ્યું કે આ બોધિજ્ઞાન મને ફેસબુક પરથી મળ્યું. એમાં એકસાથે અનેક ભાષા સાથે સંકળાઈ શકીએ છીએ. ગુજરાતીઓ રિએક્ટ જ નથી કરતા. અન્ય ભાષામાં રીએક્શન તરત મળે છે.આપણે એટલા ઉત્સાહિત નથી. “If we will not react, we will not remain.” સાચું અનુભવશું નહિ તો સારું લખી શકીશું નહિ.એ પ્રજા લખે તો પણ શું? અને ન લખે તો પણ શું? આજે વાચકો જ ક્યાં છે? ફેસબુક અને વોટ્સેપની પોસ્ટ આજના લોકોનું સાહિત્ય છે. છેલ્લા ત્રણ વરસ થી હું સોશિયલ સાઈટ પર આ પ્રશ્ન જુદા જુદા સાહિત્ય પ્રેમીઓને પૂછી રહ્યો છું કે ગુજરાતી ભાષામાં મંટો જેવો વારતા કાર કેમ નથી...?“ પણ હજી મને સંતોષકારક જવાબ નથી મળ્યો. વાચકો હશે તો લેખન નીપજશે.

આ બધાના મૂળ કારણમાં ગુજરાતી પ્રજાની સાહિત્ય વિમુખતા છે.ખુબ ઊંડાણ પૂર્વકના ઉત્તરમાં એવું સમજાયું કે જે શરીર નબળું હોય એનું કોઈ પણ અંગ માં તકલીફ હોઈ શકે. સાહિત્ય સમાજ નું જ એક અંગ છે.અને ગુજરાતી પ્રજા પ્રતિક્રિયા નહિ આપી ને અને પ્રતિકાર નહિ આપી ને પોતાના અસ્તિત્વ નું જોખમ ખેડી રહી છે.તો એ સાહિત્ય ક્યાં થી સબળ બને? આ ઉત્તરમાં સુત્રધારનો ગુજરાતી પ્રજાની ભીરુતા વિષે આક્રોશ દેખાતો હતો.

આમેય જે સત્વશીલ છે એને પ્રસરતા બહુ કષ્ટ પડે છે ... ગોરસ ફિરે ગલી ગલી, મદિરા બેઠી બિકાય”.

-------------------------------------------------------------------------------------------------------

અંતે વિનોદ શ્રોફે પ્રશ્ન કર્યો કે આપણે ગુજરાતી ભાષા પ્રત્યે આટલા ઉદાસીન કેમ છીએ? આપણી માતૃભાષા મરી રહી છે, નામશેષ થઇ રહી શકે છે તો એના માટે આપણે શું કરી શકીએ?

વેલ આમાં મજાની વાત એ થઇ કે અજાણતામાં જ એ પ્રશ્ન નો જવાબ એમની પાસે જ હતો, વિનોદ શ્રોફના પુત્ર હિતેશ શ્રોફ, બંને સાથે આ શિબિરમાં આવ્યા હતા, વિનોદ શ્રોફની ઉંમર ૭૦ વર્ષ છે. એમના પુત્ર હિતેશે સમગ્ર અભ્યાસ ઈંગ્લીશ મીડીયમમાં પૂરો કર્યો, ઈંગ્લીશમાં જ સ્ટોરીઝ લખવાનો શોખ છે અને પિતા સાથે ગુજરાતીમાં વારતા કેવી રીતે લખાય એ જાણવા આ શિબિરમાં ભાગ લીધો. આમ, આજની પેઢીનો પણ ભાષા પ્રત્યેનો પ્રેમ જોઈ શકાય છે.ભાષાને જીવતી રાખવાના પ્રયત્નો આપણે જ કરવાના છે.

-------------------------------------------------------------------------------------------------------અને હવે છેલ્લી વાત રોમાંચક ટાસ્ક વિષે.....

A પાર્ટનર અને B પાર્ટનર ,એમ દરેક બે વ્યક્તિની જોડી બનાવવામાં આવી. સંચાલકે એક વાત જણાવી જે વાત બંને પાર્ટનર જાણતા હતા. પરંતુ B એના વિષે અજાણ્યા રહીને Aને એ વાત પૂછે છે. વાત જાણવા Bએ જુદા જુદા પ્રશ્નો A ને પૂછવાના.અને વાર્તાલાપ ૩ મિનીટ સુધી ચાલે એ બાદ અંતે B જણાવશે..

ત્યાર બાદ આ ટાસ્કના બીજા ભાગમાં A પાર્ટનર કોઈ એક વાત નક્કી કરશે અને એ વાતથી B અજાણ છે. તો A કઈ વાત જાણે છે એ જાણવા B દ્વારા A ને સતત ૩ મિનીટ સુધી પ્રશ્નો કરવા એના મન માં જાણવાની એક ઉત્કંઠા જગાવવી અને અંતે એ વાત શું હતી A જણાવે .

શરૂઆતમાં આ ટાસ્ક મોટા ભાગના શિબીરાર્થીઓને બિન જરૂરી કે ખાસ કોઈ મહત્વ ની ન હોય એવી જ લાગી. પણ પછી એનો ઉદ્દેશ આ રીતે સમજાવાયો કે : આ ટાસ્ક ના બે હિસ્સા હતા. બે બે ની જોડીમાં સભ્ય વહેંચાયેલા હતા. પ્રથમ ભાગમાં સભ્યો એ વાત જાણવાની હતી જે એમને ખબર હતી અને બીજા ભાગમાં એ વાત જાણવાની હતી જે એમને ખબર નહોતી.

આ અનુભવ પછી એ શીખ્યા કે વારતા લખનાર લેખક તો જાણે જ છે કે તેણે શું કરવાનું છે,પરંતુ જાહેર નથી કરવાનું અને અજાણ્યા રહેવાનું છે.વારતાકારે સ્વાંગ રચવાનો છે, ભોળપણ સાચવી રાખવાનું છે. લખતી વખતે નથી ખબર એ મેઈન્ટેન કરવાનું છે. એ જાણકારી, એ મુદ્દો,લખતી વખતે આડે આવવા ન જોઈએ. એકી સમયે જાણકારી અને અજાણપણું સાચવવાનું છે...

વારતાકળા ની ખૂબી આ બન્ને પાસા સંતુલિત કરવામાં છે આ અંગે સુત્રધારે ઋત્વિક ઘટકનું એક અવતરણ ટાંક્યું, બંગાળી ફિલ્મકાર ઋત્વિક ઘટકે કહ્યું છે કે, “ફિલ્મ મેકર એવી વ્યક્તિ છે નાગરિક છે, જેના એક ખિસ્સામાં બાળપણ છે અને બીજા ખિસ્સામાં દારૂની બાટલી..

સારી વારતા લખવા માટે શું હોવું જોઈએ..એવી થોડી માહિતી આ અગાઉની શિબિરોમાંથી મળી હતી. પણ એ જે હોવું જોઈએ એ લેખક તરીકે આપણી જાત માં કેવી રીતે વિકસાવી શકાય એ આ પ્રેક્ટીકલ ટાસ્કના અનુભવ થી ખબર પડી.

તો આ હતી બપોરે ૨.૦૦ થી લગભગ સાંજના લગભગ ૭.૦૦ વાગ્યા સુધી સુરત ખાતે યોજાયેલ પ્રથમ વારતા શિબિરની અલપ ઝલપ. જે રક્ષા બારેય્યા ના સૌજન્ય થી સંસ્કાર ભારતી વિદ્યાલય , પાલનપુર પાટિયા મુકામે શક્ય બની. એવી સંકલ્પના છે કે સુરત ખાતે વારતા શિબિર ની માસિક ધોરણે શ્રુંખલા શરુ કરવી અને આ શિબિર તેનો પ્રથમ મણકો હતી. ઉપસ્થિત અન્ય શિબિરાર્થીઓ તેમના અનુભવ વહેંચશે તો ગમશે.

[ આલેખન : જીજ્ઞાસા સોલંકી , પુરક માહિતી : નેહા રાવલ.] 


########################

No comments :

Post a Comment