Monday 21 September 2015

બળતરા ~~ રાજુલ ભાનુશાલી

ફોરમનાં એક સદસ્ય રાજુલ ભાનુશાલીની વાર્તા 'બળતરા'.. પ્રગતિ મિત્રમંડળ (કાંદિવલી)આયોજિત 'મીના સુથાર વાર્તા સ્પર્ધા'ની તૃતીય ક્રમાંક વિજેતા કૃતિ.. જે ત્રૈમાસિક લેખિની નાં અપ્રિલ 2015 ના અંકમાં પ્રકાશિત થઈ. ત્યાર બાદ પ્રતિભા ઠક્કર સંપાદિત વાર્તાસંગ્રહ 'સ્ત્રીઆર્થ ૨'માં સંગ્રહિત થઈ.

                                                                       

બરફની મસ્સમોટ્ટી પાટો લદાયેલો ટેમ્પો આઈસફેક્ટ્રીની બહાર નીકળ્યો.

-૯ ડિગ્રીમાંથી સીધું ૪૦ ડિગ્રી! ઓહ..આ તો અસ્તિત્વ પર જ ખતરો આવી ગયો..! બધીએ પડી રહી નિશ્ચલ.. એક્બીજાની હુંફમાં..

હું પણ આવનારી ક્ષણોની પ્રતિક્ષા કરવા લાગી.. ન જાણે ક્યાં ઉતારો મળશે..કોઈ ફાઈવસ્ટાર હોટેલની કૉકટેલ પાર્ટીમાં કાળાધબ્બ કડવા પીણા ભરેલા ગ્લાસમાં ઓગળવું પડશે કે.. સડકને કિનારે ઉભા રહેતા પેલા લિમ્બુ શરબતવાળાની ગંદીગોબરી પ્લાસ્ટીકની ટબમાં…કે પછી કોણ જાણે કોઇક માથે વાસમારતા માછલા ખડકશે અને ગંધાતા માંસમટનના ઢગલા કરશે..!

ગઈકાલે ફેક્ટ્રીમાં બેન્ક ઑફ બરોડાની બહાર ઉભા રહેતા પેલા પાણીપૂરીવાળાનાં તમતમતાં તીખા પાણીનાં સ્વાદની વાતો સાંભળેલી.. ત્યાં જવા મળે તો તો જલસો પડી જાય..!

અથવા..

રાધેકૃષ્ણ ગોળાવાળાને ત્યાં..! ઓહ્હ.. એ મીઠી અને રંગબેરંગી દુનિયા તો લાજવાબ છે..થોડીક તકલીફ થાય ત્યાં.. છીણીએ ચડવું પડે.. પણ ચાલે.. કંઈક પામવા મટે કંઈક ભોગ તો આપવો જ પડેને..!

આખરે, મને ઉતારવામાં આવી.. ફેક્ટ્રીના માણસો કોઈક મોંઘી જણસ ઉપાડતાં હોય એમ હળવેકથી લઈને ચાલ્યાં. કંઈજ ખબર પડતી નહોતી કે ક્યાં લઈ જવાય છે..ઉપર પહેલા ભુસાનો અને પછી કંતાનનો જાડો થર હતો..

એક જગ્યા એ મને મુકવામાં આવી. વાતાવરણમાં કંઈક સ્તબ્ધ કરી નાખનારી ઠંડક અને ભયંકર શાંતિ હતી.. શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું..ન જાણે કેટલીયે વાર એમ ને એમ પડી રહી.

આખરે આવરણો હટાવવમાં આવ્યા.. આંખો ચોળી.. પણ આ શું.. ધોળીધબ્બ ફર્ષ, ધોળીધબ્બ છત.. અને દોળાધબ્બ ઈસ્ત્રીટાઈટ વસ્ત્રો.! હું પોતે ભલે રંગવિહોણી દુનિયામાંથી આવતી હતી..પરંતુ આ રંગવિહિન દુનિયા મને ગમી નહીં..

જોયાં કર્યું ચારે બાજુ..

થોડીકવારે એક અત્યંત કૃશ, સાવ નિસ્તેજ ‘જણ’ને બે માણસો ટીંગાટોળી કરીને લઈ આવ્યાં. જાણે કે લોટનો અધ ભરેલો બાચકો જમીન પર પટકતા હોય એમ ‘એને’ મારા પર પટક્યો!

ઓહ્હ્હ..

તો આજે મારે આ મૃતદેહ ને સાચવવાનો છે!! હું હતાશ થઈ ગઈ.. ચાર ક્ષણોનું અસ્તિત્વ આમ આ શબ સાથે વેડફાઈ જશે !!

ઘડી બે ઘડી થઈ ન થઈ ને ક્યાંકથી અસહ્ય તાપ વરતાવા માંડ્યો. થીજાવી નાખતી ઠંડકમાં આ તાપ ક્યાંથી લાગી રહ્યો છે??

થોડીવારે સમજાયું કે આ તો મારા પર મુકવામાં આવેલા શબનું હ્રદય ધખી રહ્યું હતું..! હું, જડપભેર પીગળવા લાગી. મૃત્યુ થયા પછી સાવ ઠંડા પડી ગયેલા શરીરમાં સ્થિત હ્રદય જો અત્યારે આટલું ધખી રહ્યું છે તો એણે જીવતેજીવત ન જાણે કેવી અને કેટલી બળતરા સહી હશે..! દાહ મળ્યા પછી પણ આ હ્રદયને શાતા વળશે કે નહિં શી ખબર..!

કશુંક વિચારીને ‘હું’ શબને ચોંટી પડી..

મીઠાંની ખારાશથી જનમેલી હું.. બરફની ઠંડીગાર પાટ.. ભીતરથી લાહ્ય લાહ્ય થતી હતી. મારા રંગવિહીન અસ્તિત્વ સાથે બેચાર ટીપા ખારું પાણી ભળીને ધોળીધબ્બ ફર્શ પર રેલાઈ ગયું.

ખારું પાણી –

એ નમક નહોતું.. કોકનું ધખધખતું અશ્રુ હતું.. જેનો અણસાર સુદ્ધાં ત્યાં હાજર એક્કેય દોળાધબ્બ ઈસ્ત્રીટાઈટ વસ્ત્રને આવ્યો નહિં !

~~ રાજુલ 
ભાનુશાલી  








No comments :

Post a Comment