Monday 21 September 2015

આંખો ના મૃગજળ ~~ નેહા રાવલ

ફોરમનાં સદસ્ય નેહા રાવલની વાર્તા 'આંખોનાં મૃગજળ' ફીલિંગ્સ સામાયિકનાં ઓગસ્ટ્ના અંકમાં પ્રકાશિત થઈ..



~~ આંખો ના મૃગજળ~~


દરિયો! પળે પળે બદલાતો છતાં ત્યાં નો ત્યાજ ..., કયારેક ભરતી ક્યારેક ઓટ તો પણ કાયમી કિનારો તો ખરો જ ! હરેક પળે નવી લહેરો ઉઠતી અને વિખરાતી ...છતાં પાણી તો એનું એજ ! દરિયા જેટલી વિશાળતા અને ઊંડાણ બીજે ક્યાં હશે?એના ઊંડાણ માં પણ કેટલા રહસ્યો હશે?વિશાલ ની આંખો ની જેમ ! 


ઉફ્ફ , ફરી પાછી વિચાર શ્રુંખલા ત્યાં જ આવી ને અટકી ,અને પૂર્વા ના ચહેરા પર સહજ સ્મિત આવી ગયું .

વિશાલ – આ એક નામ માં જ એની દુનિયાસમાઈ જતી . જ્યારે પણ પૂર્વા વિશાલ ની સાથે દરિયા કિનારે આવતી ત્યારે હમેશા એને કહેતી.....”દરિયા કિનારે આવી ને હું કન્ફ્યુઝ થઈ જાઉં છું કે કોનામાં ખોવાઈ જાઉં?તારી આંખો ના ઊંડાણ માં કે આ દરિયા માં?”અને વિશાલ હમેશા ની જેમ હસી ને એના ગાલ પર ટપલી મારી ને કહેતો ,”જ્યાં પણ ખોવાવ ને મેડમ .....પાછા તો અહી મારી પાસે જ આવવાનું છે ! સમજી ને ....!”અને પૂર્વા ફરી પાછી એની ભૂખરી રમતિયાળ આંખો માં થોડી વાર તાકી રહેતી અને પછી એમાં પોતાનો ચહેરો જોઈ નજર ઢાળી દેતી.
પૂર્વા અને વિશાલ ઘણી વાર આજ કિનારે આથમતો સૂર્ય જોવા આવતા . શહેર થી થોડે દુર આવેલો આ દરિયા કિનારો રજા ના દિવસો સિવાય ખાસ ભીડ ભાડ વાળો ના રહેતો. એટલેજ વિશાલને ખુબ ગમતો. એ હમેશા કહેતો....”હું તને એવી જગ્યા એ લઇ જવું પસંદ કરું જ્યાં મારા સિવાય તું બીજું કઈ જ ના જોઈ શકે ! ખુદ ને પણ નહિ “ અને પૂર્વા કહેતી ,” તો તો તારે તારી આંખો પણ બંધ કરી દેવી પડશે કારણ કે જયારે પણ હું એમાં જોઇશ , હું ખુદ ને તો જોઈ જ લઈશ ,” પૂર્વા ને દરિયા કિનારે બેસી ને દરિયા ને જોયા કરવું ખુબ જ ગમતું .દરિયા ના ઉછળતા મોજા નો અવાજ , ભીની રેતી માં પડતા પગલા , દરિયા ની ખારી હવા , કિનારા ના નારીયેળી ના ઝાડ અને..........બધું જ ! દરિયા વિષે બધું જ પૂર્વ ને ખુબા જ ગમતું.અને કિનારે બેસી કલાકો સુધી દરિયા ને નિહાળ્યા કરવો, એમાં ખોવાઈ જવું એને અજબ ખુશી આપતું હતું .વિશાલ આ વાત સારી રીતે જાણતો હતો. તેથી જ તો ......એ અને પૂર્વા બીજે કશે જવા કરતા આ દરિયા કિનારે જવું ખુબ પસંદ કરતા.



પૂર્વા ને ઘણીવાર નવાઈ લાગતી . હંમેશા મસ્તી કરતો, હસતો હસાવતો વિશાલ પોતાના દરિયા સાથે ના મૌનને કઈ રીતે માણી શકતો હશે? પૂર્વા દરિયા કિનારે આવી ને એવી ખોવાઈ જતી કે એની સાથે વિશાલ છે એ પણ વિશાલે યાદ કરાવવું પડતું .અને છતાય પૂર્વા ના આ ખોવાઈ જવાપણાને માણવા માટે વિશાલ આ દરિયા કિનારે પૂર્વા સાથે ઘણી વાર આવતો.બંન્ને કલાકો સુધી એક બીજા નો હાથ પકડી બેસી રહેતા ....ચાલતા ....ટહેલતા અને દરિયો માણતા.વિશેષ તો પૂર્વા સાંભળતી અને વિશાલ બોલતો. ક્યારેક પૂર્વ ને ચીડવવા માટે વિશાલ કહેતો,” મને તો આ દરિયા નીઈર્ષ્યા આવે છે.”તું જેટલો એને જુએ છે , એના માં ખોવાય છે એવું તો મને પણ નથી જોતી..!” અને પૂર્વા એના સમગ્ર વ્યક્તિત્વ થી હસી ઉઠતી. વિશાલ ની મીઠી ટકોર ના જવાબ માં એની આંખ માં જોઈ એક સ્મિત આપતી અને વિશાલ........એની સાચી ખોટી ફરિયાદો સમેત પીગળી જતો. હાર સ્વીકારી લેતો ...જાણે કહેતો હોય...પૂર્વા , તું આમ જોઈશને તો હું બધુ જ હારી જઈશ , તારી આ સ્મિત ભરી નજર પર...
વિશાલ અને પૂર્વા , મિત્રતા ઉમર ના એવા વળાંક પર આવી જયારે લાઈફ પાર્ટનરવિષે વિચારવાની જરૂર પડે. અને એ બંને પાસે બીજું કશું હતું જ નહિ -એક બીજા સિવાય..કે જે તેઓ વિચારી શકે .અભ્યાસ અર્થે આ શહેર માંઆવેલો વિશાલ પૂર્વા ની જ સોસાઈટી માં ચાર વર્ષ રહ્યો. એ જ કોલેજ માં સાથે ભણતી પૂર્વા , મિત્રો નો સાથ અને પૂર્વા ના પરિવાર ની હુંફ માં વિશાલ ને પોતાના પરિવાર ......પોતાના પિતા ની કમી ખુબ ઓછી અનુભવાતી. પૂર્વા નો સહજ અને સરળ સ્વભાવ.....અને વિશાલ નો અલ્લડ મિજાજ અને મસ્તીખોર પણું --------જાણે એક બીજા માં ભળી બંને ને સંપૂર્ણ બનાવતું હતું, પૂર્વા ના માતા પિતા પણ આ સંબંધ ને મુક સંમ્મતિ આપી રહ્યા હતા.
વિશાલ ---ફરી એક વાર પૂર્વા ના મન માં આ નામ નો પડઘો પડ્યો અને એ ઉઠી. ઘર તરફ પાછા પડતા પગલા માં માત્ર પોતાનાજ પગલા ની છાપ જોઈ એને અચાનક એકલતા ઘેરી વળી .વિશાલ ની કમીએ તીવ્રતા થી એના મન નો કબજો લઇ લીધો.એને ક્યાં કોઈ ફરિયાદ હતી ...વિશાલ સામે? એને તો માત્ર જવાબ જોઈતો હતો ,કે શા માટે? શા માટે વિશાલ આજે એનાથી દુર છે? પણ પૂર્વા ને પ્રશ્નો પૂછવાની આદત જ નથી. અરે....ક્યારેય મોડા પડવાનું કારણ પણ નથી પૂછ્યું પૂર્વા એ તો! ...પણ વિશાલ ને પણ તો આદત હતી.....વગર પૂછ્યે બધું કહી દેવાની! નાના માં નાની વાત એ પૂર્વા ને કહી દેતો. એ ભલે બાઈક માં પાડેલા પંક્ચર ની હોય કે પછી શેવિંગ ક્રીમ ખલાસ થઇ જતા સાબુ ઘસી ને કરેલી દાઢી ની હોય.!અને પાછો પૂર્વા નો હાથ પોતાના ચહેરા પર ફેરવી પૂછતો પણ ખરો..,”જરા જો ને સાબુ થી કરેલી દાઢી તને વાગે એવી તો નથી ને..!” અને એના ખડખડાટ હાસ્ય માં પૂર્વ ખોવાઈ જતી.આટલું બધું બોલવાવાળો .....કહેવાવાળો આમ અચાનક જતો રહે...? 


ઓહ વિશાલ...આમ કેમ કર્યું? પૂર્વા ના આંસુ પૂછી રહ્યા ......પણ જવાબ ક્યાં?પૂર્વા ને યાદ આવી ગયો એ અકસ્માત, જયારે એણે વિશાલ ને છેલ્લી વાર જોયો હતો , સ્પર્શ કર્યો હતો, અનુભવ્યો હતો. અને જ્યારે એ ભાનમાં આવી ત્યારે એને ખબર પડી હતી કે વિશાલ હવે એની પાસે ,એની સાથે ન હતો. વિશાલ ક્યાં છે? એ વિષે બીજા કોઈએ પણ ક્યાં એને સંતોષ થાય એવો જવાબ આપ્યો હતો?પૂર્વા ના માતા પિતા, પૂર્વા અને વિશાલ ના મિત્રો , ....અરે હોસ્પિટલના ડોકટરો પણ એકજ વાત કરી રહ્યા હતા. “તું એક વાર ઠીક થઈ જા. બરાબર જોતી થઇ જા પછી વાત.” એ અકસ્માત માં થયેલી ગમ્ભીર ઈજા ને કારણે પૂર્વા ની આંખો નું તેજ જતું રહ્યું હતું. ડોકટરો ના પ્રયત્નો થી થોડાજ દિવસ માં પૂર્વા ફરી પાછી બધું જોઈ શકાતી હતી. પરંતુ જયારે એ અંધાર અવસ્થા માં પૂર્વા એ જેક્ષણો વિતાવી ત્યારે એક જ વાત નો આઘાત એને રહી રહી ને થતો હતો...કે હવે એ વિશાલ ને ક્યારેય જોઈ નહિ શકે.પણ એને ક્યાં ખબર હતી કે ઠીક થઇ ગયા પછી પણ એની નજર વિશાલ ને જોવા તરસ્યા કરશે! એ આખી દુનિયા ને જોઈ શકતીપરંતુ વિશાલ....એને ક્યાય ના દેખાતો.

વિશાલ માટે ની પૃચ્છા માં સૌ તરફ થીપૂર્વા ને એક સરખો જ જવાબ સંભળાતો......ગમ્ભીર અકસ્માત માં વિશાલ એને ત્યાજ ઘાયલ અવસ્થા માં મૂકી ને ભાગી ગયો. શું આ શક્ય હતું? પૂર્વા નું મન આક્રંદ કરીઉઠતું ...ના....મારો વિશાલ ક્યારેય એવું ના કરે. અરે , એ તો હમેશા કહેતો ,”પૂર્વા , મને કઈ થઇ જશે એની ફિકર મને ક્યારેય નથી થતી પણ એવું કઈ થઈ ગયું તો તું કેમ ની જીવી શકીશ.?” અને પછી ખડખડાટ હસી ને બીજો જવાબ પણ એજ આપી દેતો .,”પણ તારે એવી ચિંતા કરવાની જરૂર નથી.આ બંદા માટે એક નહિ તો બીજી ........મળી જ જવાની છે ....” પૂર્વા મન માં જ આ બધી વાતો ફરી ફરી ને યાદ કરી હજારો વખત એ સમય જીવી લેતી જયારે બંને સાથે હતા.એની દરેકે દરેક વાતમાંથી એ કૈક કેવું શોધવા પ્રયત્ન કરતી જે એને વિશાલ સુધી પહોંચાડી શકે. શું એક અકસ્માત કારણ હોઈ શકે? કે વિશાલ એનાથી આમ દુર થઈ જાય? હા, એ અકસ્માત માં સામેના વાહનસવાર ને પણ ગંભીર ઈજા થઇ હશે, કદાચ.....કોઈ નો જીવ પણ ગયો હોઈ શકે? પૂર્વા ના માતા પિતા અને મિત્રો બધા નું એવુજ કહેવું હતું ને ! સામેના વાહન ચાલક નું સ્થળ પર મૃત્યુ જોઈ વિશાલ ત્યાં થી ભાગી ગયો હતો. એમના સૌના કહેવા મુજબ તો પૂર્વા ને પણ આસ પાસ ના લોકો એજ હોસ્પિટલ માં પહોંચાડી હતી. પરંતુ કોઈ પણ એને વિશાલ વિષે કેમ કઈ કહેતા ના હતા? શક્ય છે કે વિશાલ પણ ઘાયલ થયો હોય? તો એની સાથે હોસ્પિટલ માં કેમ ના દેખાયો? જયારે આંખો માં અંધારા અંજાઈ ગયા હતા ત્યારે પૂર્વા વિશાલ ના અવાજ ની એક માત્ર રોશની મેળવવા છટપટતીરહી હતી. થોડા દિવસો તો પૂર્વા એ એમજ વિશાલ ની રાહ જોવામાં વિતાવી દીધા. વિશાલ નો મોબાઈલ નંબર પણ ‘અસ્તિત્વમાં નથી’નો એક નો એક મેસેજ સંભળાવ્યા કરતો હતો.પૂર્વા એના રૂમ પર પણ આંટો મારી આવતી. એના સ્ટડી ટેબલ સિવાય બીજું કઈ જ ના મળ્યું. એના કોઈ કપડા ...કોઈ પુસ્તકો ...કોઈ નિશાની કઈ જ નહિ. અરે...થોડા જ દીવસો પહેલા વિશાલ નામ નું વાવાઝોડું આ રૂમ માં રહેતું હશે એવો કોઈ જ અણસાર પણ નહિ. એના પાપા નો મોબાઈલ નંબર પણ ‘અસ્તિત્વ માં નથી ‘ નો મેસેજ સંભળાવી રહ્યો. પૂર્વા ના આગ્રહ ને માન આપી ને એના પપ્પા વિશાલ ના પપ્પા જ્યાં રહેતા હતા એ ઘરે પણ જઈ આવ્યા. પરંતુ ત્યાં ના તો વિશાલ ની કોઈ ભાળ મળી ,ના એના પપ્પા! પાસ પડોશ ના લોકો ને મળી ને માત્ર એટલી જ જાણકારી મેળવી શક્યા કે, અચાનક જ એના પપ્પા આ ઘર છોડી ને બીજે ક્યાંક જતા રહ્યા છે. એ નવા ઘર વિષે પણ કોઈ ખબર ના મળી શકી.પૂર્વા એના મિત્રો ને પૂછી પૂછી ને પણ થાકી ગઈ. સૌ ના મોઢે એકજ વાત હતી, “ પૂર્વા , જે તને મરવા માટે રસ્તા પર મૂકી ને ભાગી ગયો એને ભૂલી જા.” કહેનાર માટે તો કેટલું સહેલું હતું. ‘ભૂલી જા’ કહેવું. ખરેખર તો એ બંને ના મિત્રો પણ પૂર્વા અને વિશાલ ના પ્રેમ ના સાક્ષી હતા.,છતાં વિશાલ વિષે પૂર્વા ના પ્રશ્નો ના જવાબ માં સૌ નજર ઢાળી દેતા અને પૂર્વા ને એકજ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરતા , ભૂલી જ વિશાલ ને!
“પણ કેવી રીતે?”...... પૂર્વા ના આ એક પ્રશ્ન ની સામે સૌ હારી જતા.
પૂર્વા ને યાદ આવું ગયું જયારે સૌ મિત્રો સાથે એક વાર આ દરિયા કિનારે આવ્યા હતા. રજા નો દિવસ ના હોવાથી ઓછી ચહલ પહલ હતી. અને સૌ આંધળી ખિસકોલી રમ્યા હતા.વિશાલ પૂર્વા ના હાથે જ જાણી જોઈ ને પકડાઈ જતો અને હસી ને સ્વીકારી પણ લેતો કે એ બહાને મને સ્પર્શ તો કરે છે ! બધા મિત્રો ખુબ મજાક ઉડાવતા , પણ વિશાલ ને પૂર્વા નો એ સંકોચ પણ પૂર્વ જેટલોજ પસંદ હતો.છેલ્લી વાર જયારે પૂર્વા નો દાવ આવ્યો ત્યારે .....વિશાલ તો શું..કોઈ જ એની આસ પાસ ન હતા એવું પૂર્વા ને લાગ્યું. કોઈ અવાજ નહિ, કોઈ ધમાલ મસ્તી નહિ ....અને થોડીક જ પળો માં પૂર્વા એ આંખ નો પાટો ખોલી કાઢ્યો અને બધા જ ખડખડાટ હસી પડ્યા હતા. સૌ એ સાથે મળી ને નક્કી કર્યું હતું કે, કોઈ એ પોતાની હાજરી વર્તાવા દેવી નહિ , અને એમજ કર્યું ! પરંતુ એ થોડી ક્ષણો માં પૂર્વા એ અનુભવેલી એકલતા , કોઈ પાસે ના હોવા નો ડર, ના જોઈ શકવાની શરત ......અને માત્ર થોડી જ પળો માં એ કેવી બેબાકળી થઇ ગઈ હતી. જયારે આજે તો એ બધા ને જોઈ શકે છે , સૌ એની આસપાસ છે..પણ એજ નથી ,જેને એ જોવા માંગે છે, ફરી એક વાર પકડી લઇ ઓઉટ કરવા માંગે છે. તે દિવસે તો પૂર્વા ની ભીની આંખ જોઈ વિશાલે કાન પકડી ને સોરી કહ્યું હતું. આજે ક્યા છે ..વિશાલ...?તને કઈ જ નહિ કહું , પ્લીઝ ....આજે તો આંખ પર પાટો પણ નથી , છતાં તું મને નથી દેખાતો. પૂર્વા નું મન પોકારી ઉઠતું, પણ કોઈ જવાબ ના મળતો.
એ ગોઝારા અકસ્માત ને બેમહિના થઇ ગયા.આ બે મહિના માં પૂર્વા વિશાલ ના દરેક દોસ્તો ને પૂછતી, પ્લીઝ..જે પણ ખબર હોય એ મને કહો ! એ કશે જતો રહ્યો છે? બીજી કોઈ તકલીફ છે? પોલીસ કેસ થી ડરે છે? મને જણાવો પ્લીઝ..! પણ સૌ નીચી નજર થી એકજ વાત ગોખી રાખેલા જવાબ ની જેમ બોલતા,’ વિશાલ અકસ્માત પછી પૂર્વા ને ત્યાજ સ્થળ પર ગંભીર હાલત માં મૂકી ભાગી ગયો.’ આ જવાબ પૂર્વા કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર ના હતી.એનું મન ના કહી રહ્યું હતું.પૂર્વા ના માતા પિતા પણ એને આજ સમજાવવાનો પ્રયત્ન કરતા , કે આજ હકીકત છે. પરંતુ મન ક્યાં કોઈ ની દલીલો આગળ ઝુકે છે?

આજે તો પૂર્વા મન મક્કમ કરી ઘર તરફ વળી.બસ! હવે એ જાતે જ જશે , વિશાલ ના રૂમ પર. એના મિત્રો ને શોધશે , કોઈ સંબંધી ....કોઈ સગપણ ..કોઈ તો ભાળ મળશે વિશાલ ની! અને જો મળી જાય ને તો એ કઈ જ નહિ પૂછશે . ફક્ત વિશાલ છે...એજ એના માટે પુરતું છે.પૂર્વા વિશાલ ના રૂમ પર ગઈ .એના રૂમ ની એક ચાવી પૂર્વા ના ઘરે અને બીજી મકાન માલિક મમતા આંટી પાસે રહેતી હતી.માયાળુ

અને ઓછા બોલા મમતા આંટી પણ વિશાલ ને ખુબ સારીરીતે જાણતા હતા, અને વિશાલ અને પૂર્વા ના સંબંધ ને પણ. પૂર્વાએ ચાવી વડે રૂમ ખોલ્યો. એને યાદ આવ્યું ,...એક વાર આમજ રૂમ ખોલતા અચાનક જ અંદર થી વિશાલ આવી એન એને વળગી પડ્યો હતો...અને પૂર્વ થી ચીસ પડાઈ ગઈ હતી. વિશાલે મસ્તી કરવા જ મમતા આંટી ને મનાવી ને પોતાને રૂમ માં પૂરી દીધો હતો. પછી પૂર્વા ને ફોન કરી ને કહ્યું ,” મારા સબમીશન ની ફાઈલ રૂમ માં રહી ગઈ છે.પ્લીઇ......ઝ....લઇ આવી દે ને.”અને જેવો પૂર્વાએ રૂમ માં પગ મુક્યો .......વિંઝાતા પવન ની જેમ વિશાલ આવીને એને વળગી પડ્યો હતો.. “આ..આ..............”પૂર્વ ની ચીસ સાંભળી ને મમતા આંટી પણ આવી ગયા હતા.પછી તો વિશાલ ને પ્રેમ થી ટોક્યો પણ હતો કે શા માટે આને આમ પજવે છે? અને વિશાલ પાસે જવાબ હાજર જ હતો,”હું પજવીશ નહિ, તો મારી ગેરહાજરી માં એ મારા વિષે શું યાદ કરશે?” અનેએ .. સાચું જ તો કહેતો હતો.
વિશાલ.!....


કાશ.......આજે પણ આમ દરવાજો ખોલતા જ એ પોતાને વળગી પડે..અને પોતાની ચીસ સાંભળી મમતા આંટી એને ખીજાવા માટે આવી જાય....! પૂર્વા આવાજ વિચારો માં રૂમ માં દાખલ થઇ. એના સ્ટડી ટેબલ પર હાથ ફેરવ્યો . એના પુસ્તકો....કબાટ ...અને પલંગ...બધું જ એટલું વ્યવસ્થિત હતું કે જાણે વિશાલ અહી નથી એમ એની ગેરહાજરી પુરાવતું હતું. પૂર્વા થોડીવાર ત્યાજ રોકાઈ , જાણે વિશાલ ની ગેરહાજરી ને પણ પોતાની નજર માં ભરી લેવા માંગતી હોય ...પણ વિશાલ ના પલંગ પર બેસતાજ એનાથી આંસુ ના રોકી શકાયા. એનું મન, આંખો, હૃદય, સમગ્ર અસ્તિત્વ આક્રંદ કરી ઉઠ્યું.દરેકે દરેક નિશાની જાણે કહેતી હતી....વિશાલ હવે અહી નથી .એ તને છોડી ને જતો રહ્યો છે. પણ પૂર્વા નું મન આ વાત ક્યાં સ્વીકારતું હતું ? ક્યાં હતો વિશાલ? શું થયું? અરે..જતો રહ્યો તો મને પણ મળ્યા વગર? કેવી રીતે માની લઉં?.....મન માં ને મન માં આમ સામ સામી દલીલો કરતી પૂર્વા આંઓ થી ભીંજાતી રહી.

હળવેથી એને ખભા પર કોઈ ના મૃદુલ સ્નેહાળ હાથ નો સ્પર્ષ અનુભવાયો.અને એને પાછલ ફરી ને જોયું....મમતા આંટી એની પાછળ જ ઉભા હતા. એમની કમર પર હાથ વીંટાળી પૂર્વા ખુબ રડી.મમતા આંટી પણ એને માથે હાથ ફેરવી એને સ્પર્શ વડે સાંત્વન આપી રહ્યા.” પૂર્વા, રડી લે.આજે બધુંજ ખાલી કરીનાખ. તારી આંખો ના દરિયા ને ઠલવાઈ જવા દે” પૂર્વા રડતા રડતા પૂછી રહી...”આંટી, તમેંજ કહો...! શું મારો વિશાલ મને છોડી ને જઈ શકે? મને.....એના અસ્તિત્વ ના એક હિસ્સા ને રોડ પર મરવા માટે મૂકી ને ભાગી જઈ શકે?આ બધા મને કઈ જ નથી કહેતા. તમે તો કહો...પ્લીઝ...આંટી..”


મમતા આંટી એ પૂર્વા ને રડી લેવા દીધી.એનો ઉભરો શાંત થાય ત્યાં સુધી એના માથે..પીઠ પર હાથ પસવારતા રહ્યા.પછી સાથે લાવેલી બોટલ માં થી પૂર્વા ને પાણી પીવડાવ્યું.



પૂર્વા કૈક સ્વસ્થ થઇ. ફરી એજ અનુસંધાન માં એણે મમતા આંટી ને પૂછ્યું ,”આંટી, તમે સાચું કહો, શું આ બધા કહે છે એ શક્ય છે? વિશાલ આમ જતો રહે .......?”

“પૂર્વા, તારું મન શું કહે છે?”
“ક્યારેય નહિ. મારો વિશાલ આવું કયારેય ના કરેં જે આ બધા મને જણાવી રહ્યા છે.”
“તો પછી તારા મન ને પણ સમજાવી દે, કે આ બધા જુઠું બોલી રહ્યા છે.”
“તો સાચું શું છે એ મને કહો...પ્લીઝ...”આંસુ ભરેલી તગતગતી આંખે પૂર્વા પૂછી રહી “આંટી , તમે સચ્ચાઈ જાણો છો, પ્લીઝ,,એક વાર મને કહો! ક્યાં છે વિશાલ?”પૂછતા પૂછતા પૂર્વા એ બંને હાથ વડે મમતા બેન ના ખભા હચમચાવી નાખ્યા.
“બેટા, સચ્ચાઈ તારી કલ્પના કરતા પણ કડવી છે......તું..
“આંટી પ્લીઝ.....વિશાલ જ્યાં પણ છે , માત્ર એ છે --એજ મારા માટે ઘણું છે.શું એ કોઈ તકલીફ માં છે?
શું એ કશે બીજે...ના ના....એવું તો ના હોય ,,,,પ્લીઝ આંટી “

“પૂર્વા ,” એની આંખ ના આસુ લૂછતાં મમતાબેન કહી રહ્યા.”તું વિશાલ ની ખુશી ઈચ્છે છે ને !, તો હવે પછી ક્યારેય આ આંખ માં આંસુ ના આવવા દઈશ.” 
પૂર્વા ડોકું હલાવી હા કહી રહી પણ એની આંખો અવિરત વહેતી હતી .મમતાબેન બોલી રહ્યા હતા,”પૂર્વ,વિશાલ ની આંખ મા આંસુ હોય એની તું કલ્પના પણ કરી શકેં છે?...તો પછી......લુછી નાખ આ આંસુ ...”


પૂર્વા વિસ્ફારિત આંખે મમતાબેન ને તાકી રહી.

“હા પૂર્વા,,,આ આંસુ ભલે તારા છે , પણ એનાથી તને વિશાલ ની આંખો ભીંજવવાનો હક નથી ને..!”
પૂર્વા ખુબ જોર થી મમતા બેન ને વળગી પડી . બંને એક બીજા ને મૌન થી સાંત્વના આપી રહ્યા.પૂર્વા ના ડુસકા શમી ગયા .મમતાબેન સાથે પૂર્વા એજ દરિયા કિનારે પાછી ફરી જે દરિયો એ વિશાલ ની આંખો માં જોતી હતી ,અને હવે વિશાલ ની આંખો વડે જોતી હતી.
~~ નેહા રાવલ



1 comment :