Monday 21 September 2015

લીલુંછમ્મ પડીકું ~~ રાજુલ ભાનુશાલી

મે ૨૦૧૪ મહિનાનાં “અખંડ આનંદ”ના અંકમાં પ્રકાશિત રાજુલની લઘુકથા.. 

                                                                        

               ~~ લીલુંછમ્મ પડીકું ~~



એ ઓફીસની બહાર નીકળી.

નીચે આવી.

બાપરે !! પાંચ વાગે આટલો તાપ?

સેન્ટ્રલી એ.સી.ની ઠંડકમાં ગરમીની અસર જ ક્યાં હતી?

એણે આકાશ તરફ મીટ માંડી. કપાળ પર હાથ ફેરવ્યો.

” આ ધધકતા સૂરજને શું ‘શીતળતા’ નામના શબ્દ નો પરિચય હશે ?” એણે વિચાર્યું.
ધીમે ધીમે પગ ઉપાડ્યાં, બસ સ્ટોપ તરફ…

આજે તો શાક પણ લેવાનું છે અને પૂરણપોળી બનાવવાની છે. નહીંતો એનું તોબરું પાછું ચઢી જશે !!

અચાનક જાણે તોડું વધુ થાકી જવાયું.
બસ સ્ટોપ પર પહોંચીને એ લાઈનમાં ઉભી રહી.

મોગરાની ચિરપરિચિત સુગંધે એના મનનો કબ્જો લઈ લીધો.
“આ ફૂલવાળી રોજ અહીંજ કેમ બેસતી હશે?”

મોગરાની ટગર એને ખૂબ ગમતી.. એને એટલે..
જવાદે, જે નામની યાદ માત્રથી હ્રદયમાં ટીશ ઉઠે છે એને યાદ જ નથી કરવું.


અનલસ ઉભી રહી.

ફરી એ સુગંધે ભરડો લીધો.
ન જાણે કેમ આજે અનાયસ જ એના પગ ફૂલવાળી તરફ વળ્યા.

“એક મોગરાનો ગજરો આપતો.”
“ગજરા…તો બુન ખલાસ થઈ ગયા.”
“કેમ? આ છે તો ખરો એક..”

થોડીક અવઢવ.


ઘડીક અટકી એ બોલી,” લો બુન, પાંસ રુપિયા થયા.”

પૈસા ચુકાવાયાં.

લીસ્સા, સુંવાળા પાનમાં બંધાયેલ મોગરો એના હાથમાં આવ્યો.
એ લીલીછમ્મ શીતળતા જાણે આંગળા દજાડી ગઈ..
એક અછડતો નિશ્વાસ મૂકી એણે ફરી પગ ઉપાડ્યા.

હજુતો બે ડગલા માંડ્યા ત્યાં ફૂલવાળીની નાનકડી દીકરીનો રિસાયેલો સ્વર કાને પડ્યો.


“હેં મા, તું તો કેતી’તી આજ મનં માથામં તેલ નાખીનં, બે મજ્જાના ચોટલા કરી દેઈશ અને મોગરોય ઘાલી દેઈશ.. તે, હું લેવા મારો મોગરો ઓલા બુનને આલી દીધો?”



બસસ્ટોપ તરફ આગળ વધતા ઉદાસીન પગલા અટકી ગયા.
પાછું વળીને જોયું..

ફૂલવાળીએ નાનકડી દીકરીના માથે હાથ ફેરવ્યો અને લાડથી બોલી,” કાલે નાંખી દેઈશ હો બકા, આજે જો હંધાય મોગરા વેચઈ ગ્યા!! આજે તનં રોટલા હારે દાળ બનાઈ દેઈશ હોં!”
નાનકડા હાથોએ તાળીઓ પાડી.
ગોળ ગોળ આંખો ચમકી ઉઠી.
“હેં? હાચ્ચે મા? આજે દાળ રોટલા ખાસું?”

એ ઉભી રહી. સ્તબધ. મોગરાના લીલાછમ્મ પડીકાને જોતી.!!!

~~રાજુલ ભાનુશાલી





No comments :

Post a Comment