Friday 11 March 2016

ગાંધી નગર શિબિર 3 -૪- ૫ જાન્યુઆરી ૧૬ -----નેહા રાવળ.

વારતા રે વારતા સમૂહના મુંબઈ અને સુરત બન્ને સ્થાને સક્રિય સભ્ય  સુરત સ્થિત નેહા રાવળે ગાંધીધામ ખાતે આ વર્ષના આરંભમાં યોજાયેલી ત્રણ દિવસની શિબિરમાં ભાગ લીધો હતો. એમણે આપણા સમૂહના આ બ્લોગ માટે વિસ્તૃત અહેવાલ તૈય્યાર કર્યો છે. આ અહેવાલનો અમુક અંશ મધુભાઈના મેગેઝીન મમતાના ફેબ્રુઆરી અંકમાં પ્રકાશિત થયો છે. અહીં એ મૂળ અહેવાલ, મૂળ સ્વરૂપે.

શ શિબિરનો શ.....
શ શીખવાનો શ...,

ગુજરાત સાહિત્ય અકાદમીની વાર્તા શિબિર,.....હા આ શિબિરમાં ઘણું બધું નવું શીખવા, જાણવા અને માણવા મળશે એ ઉત્સાહથી હું શિબિર માટે તૈયાર થઇ.ત્રણ દિવસ.....નવા અનુભવો, નવા પાઠ અને નવા મિત્રો..! કેટકેટલું છલકાતું હતું શિબિરની તૈયારીના ઉત્સાહમાં ! આપણે તો બેગ પેક કરી નીકળી પડ્યા...

આમ તો શિબિરની શરૂઆત થવાની હતી ૩ જાન્યુઆરીએ સવારે.....પણ મારા માટે તો એ ૨ જાન્યુઆરી એ સાંજે ૬.૩૦ એ હું જયારે અમદાવાદ સ્ટેશને ઉતરી ત્યારેજ થઇ ગઈ. વોટ્સએપ પર કેટલીયેવાર મળી ચુકેલા અને આપણા  ગ્રુપના જીગરને અમદાવાદ રેલ્વેસ્ટેશને મળી ગાંધીનગર તરફની સફર શરુ કરી ત્યાજ મારા માટે તો આ શિબિર શરુ થઇ હતી. પહેલા brts, પછી વેન અને  પછી રીક્ષામાં બેસીને શિબિરના સ્થળ સુધી પહોંચતા પહોંચતા એટલીયે વાતો કરી લીધી કે.....લાગેજ નહિ કે આ પ્રથમ મુલાકાત છે. યુથ હોસ્ટેલ એટલેકે શિબિરને સ્થળે પહોંચીને અમારી જેમ જ આગલી રાત્રે આવેલા બીજા ૫ શિબિરાર્થીઓને મળ્યા. ભરૂચથી સોનિયા, વડોદરાથી હરીન્દ્ર અને બ્રિજેશ તથા સૌરાષ્ટ્રથી શ્રી રામ. 

શિબિરના વ્યવસ્થાપક અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કનૈયાલાલ ભટ્ટ આવીને અમને જમવામાટે ડાઈનીંગ હોલ લઇ ગયા.ગાંધીનગરની ઠંડી અને કાઠીયાવાડી થાળીની  રંગત લઇ એમના ઘરની મુલાકાત પણ લીધી. ત્યારબાદ  વેનના ડ્રાઈવર રવિ ભાઈ અમને સહુને મહાત્મા મંદિર લઇ ગયા અને રાત્રે એ બગીચામાંથી સામે દેખાતી વિધાનસભા બતાવી. થોડી વાતો કરી અમે ઉતારે પાછા ફર્યા, અને નક્કી કરીને સહુની વાર્તાઓનું પઠન શરુ કર્યું. એ વાર્તાઓ પછી અને એની સાથે સાહિત્યની કેટલીક વાતો કરી.  એ સાથે નીલમ દોશીની રોંગ નંબર , મન્ટોની  વાતો  અને  થોડી જૂની વાર્તાઓ વિષે વાતો કરી.

ત્યારે તો ઓછા સભ્યો હોવાને કારણે સહુને પર્સનલી પૂછી શકાયું  કે કઈ ક્ષણો તમને વાર્તા તરફ લઇ જાય છે?એ પણ જાણવાની મઝા આવી. અને સહુના ઉત્તરો રસપ્રદ હતા. શ્રીરામે કહ્યું કે હું મારા કોમ્પ્યુટર ટેબલ ની સામે બેસું એટલું જ પુરતું છે, તો સોનિયા જયારે કોઈ વાત ને અલગ દ્રષ્ટિકોણથી જુએ ત્યારે વાર્તા ઉગે છે. બ્રિજેશના કહેવા પ્રમાણે એને ન્યુઝપેપરના સમાચારો વાર્તા લખવા પ્રેરે છે. મેં મારો અનુભવ કહ્યો કે મને ખુબ ભીડ જેમાં સંગીત અને મસ્તી હોય એવું વાતાવારણ વાર્તા લખવા આગળ ધકેલે છે. વાત વાતમાં રાત્રીના ૨ વાગ્યા અને સવારના ૯ પહેલા શિબિરના પ્રથમ સેશન માટે રેડી રહેવાનું  હોવાથી સહુ એકબીજાને JSK કહી છુટા પડ્યા.

તા.૩-૧-૨૦૧૬.
બીજા દિવસે બીજા કેટલાક  શિબિરાર્થીઓ આવી ગયા હતા. સવારે તૈયાર થઇ સહુ  નીચે ચા નાસ્તાના સમયે ભેગા થયા. અને સમય પ્રમાણે ૯ વાગ્યે મધુ રાય કનૈયાલાલ અને એ.વી. ઠાકર (મમતા વાળા) એમની સાથે આવી પહોંચ્યા. 
તસ્વીર -૧
[તસ્વીર ૧- કેપ્શન : મધુ રાયની બાજુમાં કાળા કોટમાં કનૈયાલાલ ભટ્ટ. સાહિત્ય અકાદમીના અધ્યક્ષ. એમની પાછળ ડાર્ક પિંક ટી શર્ટમાં  રવિ, અને બાજુમાં નીચા માથે ઉભેલા મંથન છે. મધુરાયની ડાબી તરફના ભાઈનું નામ ખબર નથી, શિબિરની પ્રથમ સવાર. શિબિરનું મુહુર્ત ]

મકાનની બહારના ગાર્ડનમા જ ઉભા રહી સહુ એ એમને આવકાર્યા અને મધુ ભાઈએ સહુને પોતાની ઓળખ આપી  બોલવા કહ્યું.ત્યાર બાદ સહુ સભ્યોને પોતાની જગ્યાએથી ડાન્સ કરીને સામે તરફ જવા કહ્યું....એમાં પણ પ્રથમ શિકાર આપણેજ બની ગયા..પછી તો શું? એકલા ના થાય....અને મ્યુઝીક જોઈએ..એવા બહાનાનો પ્રયત્ન કર્યો પણ એમેણે કંપની અને સંગીત બંને પુરા પાડ્યા. સહુ એ ગરબો ગાયો અને  બીજા એક શિબિરાર્થી, કિશોર ભાઈ વ્યાસ  સાથે  આગળ વધી ...ગરબો ગાતા ગાતા ગાતા ..એમ ડાન્સ  કરીને મેં આ ટાસ્ક  પૂર્ણ કર્યું. ત્યાર બાદ સહુને મમતાનો અશોક હર્ષ વિશેષાંક આપ્યો અને એમના વિષે માહિતી આપી. અશોક હર્ષ ચાંદની નામના માસિકના સંપાદક હતા કે જે તે વખતે નવોદિત લેખકોને તક આપતા હતા. ગુજરાતી સાહિત્યમાં હાલ જેટલા પણ વાર્તાકારો છે એ દરેકની વાર્તાઓ ચાંદનીમાં છપાઈ જ હતી. એ બધી વાતો કરતા કરતા સહુ ઉપરના રૂમમાં ગોઠવેલી ખુરસીઓમાં ગોઠવાયા.
તસ્વીર - ૨ 

[તસ્વીર ૨ કેપ્શન : વાર્તા શિબિરમાં સહુ પોત પોતાની ઓળખાણ આપે છે]
 ત્યારબાદ કનૈયાલાલે જયારે હાજરી લેવી શરુ કરી ત્યારે મધુ રાયે કહ્યું કે સહુ વિદ્યાર્થીઓ પોતાનો વારો આવે ત્યારે યસ...કે પ્રેઝન્ટ ...એમ કહેવાને બદલે તારી આંખનો અફીણી ....એ ગીત ગઈ ને અને તે પણ જો અલગ રીતે કરી શકે તો સારું એ રીતે - હાજરી પુરાવે. એ થયા પછી આ ડાન્સ કરવા અને ગીત ગાઈને હાજરી પુરાવવાને વાર્તા લેખન  સાથે શું નિસ્બત ? એ સમજાવ્યું કે  ચાલવું એટલે એક સીધી સાદી ક્રિયા..જેને નિબંધ લેખન કહીએ તો . ડાન્સ એટલે વળાંક લઇ, મઝા કરતા અને ભાવકને મઝા કરાવતા જે વાત માંડીને પૂરી કરીએ તે વાર્તા. ભલે રસ્તો એ જ હોય અને એકજ જગ્યા એથી નીકળી એકજ જગ્યાએ જવાનું હોય પણ ચાલવાને બદલે જયારે ડાન્સ કરતા જઈએ  ત્યારે એ વાર્તા કહેવાની રીત છે. પગની ઠેસ ભલે તમે લગાવો ત્યારે એ SUBJECTIVE હોય પણ જયારે એ ઠેસ તમે લોકો સુધી પહોંચાડો એ UNIVARSAL છે.પછી સહુને પોતાની એક મનપસંદ વાર્તા અને એ કેમ ગમે છે એ વિષે બોલવા કહ્યું. એમાં સહુ શિબિરાર્થીઓ એ પોતપોતાની ગમતી એક એક વાર્તા વિષે કહ્યું. ત્યાર બાદ મધુ રાયે હાજરી પુરાવવાની નવી રીત માટે સમજાવ્યું કે એકજ ગીત છે.....તારી આંખ નો અફીણી...પણ દરેકે દરેક વ્યક્તિ જયારે એ પોતાના નામ ની સાથે ગાય છે...ત્યારે એમાં કૈક પોતાની છાપ તરી આવે છે.એમજ...એકજ વિષય અને કથાવસ્તુ પર ભલે ગમે તેટલીવાર લખાયુ  હોય પણ એ લખાણમાં લેખકની છાપ ઉપસવી જોઈએ...એની પોતીકી ભાત દેખાવી જોઈએ..એવું કઈ જ નથી  જે આ પહેલા કશે જ ન લખાયું હોય..એટલે  જયારે પણ લખો...એની રજૂઆતમાં તાજગી અને નવીનતા  હોવી જોઈએ.  વાર્તાની સફરની શરૂઆત ગમે ત્યાંથી થાય પણ એના ગંતવ્ય સુધી પહોંચાવની રીત રસપ્રદ અને લેખકની આગવી શૈલીની ભાત પાડે એવી હોવી જોઈએ. અને વાર્તા વિષે કોઈપણ સત્ય સર્વગ્રાહી ન હોય...અંતિમ ન હોય. કોઈ એકનું સત્ય એજ બીજા માટે સરખું ન પણ હોય. એટલે કોઈ પણ માન્યતાને વળગીને કે કોચલામાં રહીને વાર્તાના  લખવી જોઈએ.

ભાષા વિષે એમણે ખુબ સરસ ટકોર કરી કે..આપણે જયારે અંગ્રેજીના સ્પેલિંગમાં ભૂલ કરીએ ત્યારે અફસોસ થાય અને એમ થાય કે આવી ભૂલ ના  થવી જોઈએ. આપણને આવડવું જોઈએ. પણ આપણી જ પોતીકી ગુજરાતી ભાષામાં જયારે જોડણીની ભૂલો કરીએ ત્યારે આવો કોઈ ખચકાટ કેમ નથી થતો? એ તો આપણી ઘરની ભાષા છે, તો એમાં વધારે ચીવટ હોવી જોઈએ. આપણે આપણા ઘરના રસોડામાં સુસુ નથી  કરતા તો આપણી જ ભાષાની જોડણી પ્રત્યે આવી ઉદાસીનતા કેમ? આપણે ઘરમાં જે ભાષા વાપરીએ તેવી અનૌપચારિક ભાષા વાર્તામાં ના ચાલે. હા, પાત્રોની વાત હોય ત્યારે એમના  મુખે બોલતા સંવાદોમાં પાત્રોની પોતાની ભાષા હોવી જોઈએ. જેનાથી પાત્રના સ્થળ, કાળ અને સમય વિષે વધુ ખબર પડે. અને વાર્તા લખવાના અને શીખવાના અનુભવ પછી એટલું પણ જો ખબર પડે કે વાર્તા લેખનમાં આપણો ગજ વાગે એમ નથી તો એ પણ સિદ્ધી જ ગણવી. ક્યારેક વેકેશન લઇ ખુબ બધું વાંચવું .....ફિલ્મો જોવી....અને વાર્તા લેખન માટેના ભાથાને સમૃદ્ધ કરવું.

ત્યાર બાદ ત્રણ લાઈવ વાર્તા ભજવવામાં આવી. જેમાં શિબિરાર્થીઓ માંથી કોઈ પણ બે વ્યક્તિઓને બોલાવી એમેન એક નામ અને એક પાત્ર આપ્યા..અને એક પ્લોટ આપ્યો. વાર્તાને અંત સુધી પહોંચાડે એવા સંવાદો થકી ભજવણી કરવાનું સોપાયું એમાં ત્રણ વાર્તા ભજવાઈ. જે થકી પાત્ર પ્રવેશ કેમ કરવો....લેખકે વાર્તા લખતી વખતે પોતાની જાતને વિસારી માત્ર લેખકનું મહોરું પહેરવાનું છે અને પાત્રને આલેખ્યા પછી પાત્ર ને અને  વાર્તા ને સાક્ષીભાવે સર્જવાના છે. આ પ્રયોગમાં આ લખનારે ભાગ લીધો હોવાથી એટલા હિસ્સાનું વિવરણ અન્ય શિબીરાર્થી મિત્ર સોનિયા ઠક્કરની કલમે :
નવોદિત વાર્તા શિબિરની પહેલી બેઠક ખરેખર યાદગાર રહી. માર્ગદર્શક શ્રી મધુ રાયે આંખનો અફીણી ગવડાવીને બધા જ ઉપસ્થિતોને એક ઘેનમાં સેરવીને નાટક જેવા પ્રયોગનો પ્રારંભ કર્યો.

તસ્વીર --૩ 
[તસ્વીર ૩ કેપ્શન : મધુરાયે  શારીરિક હલન ચલનની એક ટાસ્ક  આપી હતી જેમાં એ કહે ત્યારે અચાનક સહુએ સ્ટેચ્યુ થઇ  જવાનું...એ દૌરાનની એક તસ્વીર -રમેશ ભાઈ દરજી.શ્રીમતી ચદારણા, નેહા  મહેતા, કનૈયાલાલ, મનસ્વી ,અશ્વિન ચંદારાણા, રવિ અને બાકીનાનું નામ નથી યાદ.]

વાર્તામાં પાત્રો કેવી રીતે સહજ ગતિ કરે તે સમજાવવા માટે બે પાત્રો આ નિવોદિતોમાંથી લીધા. એક યુવતી અને એક યુવક. યુવતી તરીકે નેહા રાવલ અને યુવક તરીકે હરીન્દ્ર બારૈયાની પસંદગી થઈ. બંનેને તેના પાત્રની સમજ આપવામાં આવી. યુવતીનું નામકરણ થયું સાક્ષી પટેલ અને યુવક બન્યો ગોપાલ. એક અમીર પરિવારની ધુમાડે ગયેલી યુવતી પોતાની મોંઘીદાટ કાર લઈને નીકળે છે, પણ રસ્તો ભૂલી જાય છે ત્યારે રસ્તે ઊભેલા એક યુવકને માર્ગ પૂછે છે અને વાર્તા આગળ ધપે છે.
તસ્વીર - ૪

સાક્ષી પટેલના પાત્રને એકદમ જીવંત બનાવવામાં આવ્યું. તો પક્ષીવિદ્ ગોપાલે પોતાના પાત્રને સંપૂર્ણ ન્યાય આપ્યો. એક અજાણી છોકરીને ઝાડ પર બેઠેલા પક્ષીઓની વાત કરી માર્ગ બતાવવા પ્રયત્ન કર્યો હતો. નાટકમાં આવતો હાસ્ય રસ નાટકને વધુ રસપ્રદ બનાવતો હતો.
[તસ્વીર ૪ કેપ્શન : મધુરાયે  શારીરિક હલન ચલનની આપેલી  ટાસ્ક , જેમાં...શ્રદ્ધા રાવળ, સરલા સુતરીયા, પીળો ડ્રેસનું નામ નથી ખબર , રવિ, અશ્વિનભાઈ,નીચે બેઠેલા  શ્રીરામ સેજપાલ અને હાથ જોડીને નેહા રાવલ.]

બંને મિત્રોએ ખૂબ જ સહજતાથી પાત્રને જીવંત કર્યા. ધુમાડે ગયેલી યુવતીના સંવાદો ખૂબ જ ચોટદાર હતા, તો પક્ષીવિદ્ તેની વિદ્વતાનો પરિચય શબ્દો થકી અને અમુક ચેષ્ટાઓ દ્વારા બતાવવા સફળ રહે છે. નાટકને અંતે સાક્ષીની ગાડીમાં ગોપાલ બેસે છે અને મંઝિલ શોધવા નીકળી પડે છે.

અચાનક જ આવી પડેલા પાત્રને ખૂબ જ સરસ ન્યાય બંને મિત્રો આપે છે. વાર્તામાં પાત્રો પણ કેટલી સહજતાથી આગળ વધે છે કે વધવા જોઈએ તે વાત અહીં દેખાય આવે છે.

બીજું નાટક પણ આમ જ ભજવાયું. એક નિષ્ફળ અભિનેત્રી અને કુંભારની વાત અહીં હતી. પોતાના હાથે ઘડો તૂટી જાય છે એટલે અભિનેત્રી ડાયરેક્ટરને ખબર ન પડે એ રીતે ગામના કુંભાર પાસે ચોરીછુપીથી માટલું લેવા જાય છે. એ કુંભાર પણ વળી પાછો નિષ્ફળ કારીગર. એના માટલા ક્યારેય ગોળ બનતા જ નહીં. એ બંને વળી પાછા ફેસબુકના મિત્રો છે એવું રહસ્ય છતું થાય છે. એક અભિનેત્રી અને કુંભારના પાત્રની ભજવણી કરવાનું કાર્ય શ્રદ્ધા રાવલ અને બ્રિજેશ પંચાલના ભાગે આવ્યું હતું. હાસ્ય રસની અહીં પણ ભરપૂર જમાવટ હતી. અજ્ઞાત મનમાં પડેલા કેટલાક ભાવો અને અનુભવો અહીં કેવી રીતે કામ આવ્યા તે સુપેરે જોઈ શકાતું હતું.

પાત્રોની સહજ ગતિ કેવી હોય છે તે અહીં જોવા અને સમજવા મળ્યું. પાત્રોને તેની રીતે વિકસવા દેવા જોઈએ તે વાત સમજાય છે અને વાર્તાકારો માટે આ બંને નાટકો ઉપકારક સાબિત થાય છે.
આખી શિબિર દરમિયાન આ શિબિરાર્થીઓ પોતાના મૂળ નામથી નહીં પણ સાક્ષી પટેલ, પક્ષીવિદ્‍, કુંભાર અને અભિનેત્રી તરીકે જ ઓળખાતા હતા તે તેમના નાટકના અભિનયની ઘણી મોટી સફળતા છે

ત્યાર બાદ મા અને પુત્રના સંવાદો યોજાયા હતા. કૉલેજમાં ભણતા આજના યુવાનો માતા-પિતા સાથે કેવી રીતે વર્તે છે અને તેમના જીવન સાથે વણાયેલી કેટલીક ટેવોની વાત નાટકમાં હતી. ત્રણ પાત્રોએ આ વાતને તાદ્રશ્ય કરી હતી. વ્યસનથી દૂર રહેવું અને વડીલોની વાત માનવી તેવી સમજ આ નાટક દ્વારા જણાઈ આવતી હતી, તો બાળકો ઘણી વાર મા-બાપની અમુક આદતોનું જ અનુકરણ કરતા હોય છે તે વાત પણ પ્રસ્તુત થઈ હતી.

ત્રણેય નાટકો પત્યા બાદ તેના કલાકારો સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમને આ સમગ્ર પ્રસ્તુતી દરમિયાન કેવો અનુભવ થયો તેની વાતો તેમણે કરી હતી તો પ્રેક્ષકોએ પણ પોતાના પ્રતિભાવો આપ્યા હતા.

આ પહેલી બેઠકના નવતર પ્રયોગ બાદ ભોજન વિરામ આપવામાં આવ્યો હતો.

~~સોનિયા ઠક્કર

વાર્તામાં વર્ણન હોય એનો વાંધો નહિ પણ એ દરેક વર્ણન વાર્તાને અર્થ આપતા અથવા આગળ વધારતા હોવા જોઈએ.

આટલી વાતો પછી શિબિરનું સ્થળ બદલવાનું હોવાથી યુથ  હોસ્ટેલ છોડી, બસમાં બેસી નવા  સ્થળે ગયા. ઇન્ટરનેશનલ સ્કુલ અને હોસ્ટેલ , એ હતું નવું સ્થળ ..અને એના ડાઈનીંગ હોલમાં સહુએ  લંચ બ્રેક લીધો. ખુબ સ્વાદિષ્ટ જમણ જમ્યા બાદ સહુ શિબિર માટે નિયત કરેલા હોલમાં ભેગા થયા.

બપોરના ૨.૩૦ થયા હતા.ત્યાર પછીના સેશનમાં ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા અને નવલકથામાં નોંધનીય પ્રદાન કરનાર બહેનો...વર્ષાબેન અડાલજા અને ઈલા આરબ મહેતા આવ્યા. મધુ રાયે જણાવેલી  લાક્ષણિક શૈલીમાં સહુએ આવો...આવો.....આવો..કહી એમને આવકાર્યા.

વર્ષા બેન અડાલજા અને ઈલા આરબ મહેતા


ઈલા આરબ મહેતા ....ગુજરાતી સાહિત્યમાં એમની ઓળખાણ આપવાની જરૂર હવે રહી નથી એટલું એમનું પ્રદાન રહ્યું છે.એમણે સૌ પ્રથમ તો આટલી સંખ્યામાં ટૂંકી વાર્તા શીખવા આવનાર શિબિરાર્થીઓને જોઇને આનંદ વ્યકત કર્યો. કે ખરાબે ગયેલા અને લાંબા ગાળે રીપેર થવાની શક્યતાવાળા ગુજરાતી સાહિત્યના ટૂંકી વાર્તાના માર્ગ પર આટલા બધા પ્રવાસી..! ખુબ આનંદ અને ગર્વની વાત છે. લેખન એ તમારું ઘડતર પણ છે અને ગળતર પણ છે. દરેક રચના પછી તમે ઘડાઓ છો...પહેલા જે હતા એ કરતા કૈક અંશે બદલાવ આવે છે . અને એમાજ તમારી શક્તિઓનું ગળતર પણ છે. લાગણીઓને , જાતને નીચાવતી જે અનુભૂતિમાંથી તમે પસાર થઇ વાર્તા લખવા પ્રેરાઓ છો, એ અનુભૂતિને વાચક સુધી પહોંચાડતા તમામ શક્તિઓનું ગળતર થાય છે.

જે માટે વાર્તા લખીએ છીએ એ આપણે આપણી જાતમાં ચેક કરવું, કે એ આપણામાં છેવાર્તા લખાઈ ગયા બાદ એજ વાર્તામાં પણ ચેક કરવું. વાર્તા એ ફક્ત ઘટનાનું રસપ્રદ આલેખન નથી જ....એ ઘટનાની પેલે પાર, કૈક સ્પર્શે  એવું, ઘટના સિવાયનો બનાવ પણ છે. એકજ ઘટનાના  કેટલાય લોકો સાક્ષી બને છે પણ લખવા માટે ઘટનાની પેલે પર ઘટી રહેલી ઘટના જે અનુભવી શકે છે એ જ લખી શકે છે. તમારી દરેક ઇન્દ્રિયોને...દરેક સંવેદનોને હમેશા જાગ્રત અને ધાર કાઢેલા રાખો. વાર્તા એ ક્ષણ ક્ષણાર્ધની રમત છે અથવા કોઈ પણ સંવેદનનું તીવ્રતાથી કરેલું આલેખન .એમણે ઉમાશંકર જોશીને ટાંકતા કહ્યું કે એમનું જે વિધાન છે,એકાંકી માટે જે સાચું છે એ ટૂંકી વાર્તા માટે પણ સાચું જ છે. વાર્તામાં વાર્તા હોવી જ જોઈએ.  આપણે ૧ થી ૧૦૦ ગણીએ તો વાર્તા ૯૫ થી શરુ થવી જોઈએ ,અને ૯૫ થી ૧૦૦ ગણીએ ત્યાં સુધીમાં એક થી ૯૫ નું અનુસંધાન વાર્તામાં આવી જવું જોઈએ.
તસ્વીર - ૬

  
[તસ્વીર ૬ કેપ્શન :એક શિબિરાર્થી, મધુભાઈ અને વર્ષા બેન.]

કોઈ પણ એક પ્રસંગ જેમાં ઘર્ષણહોય...એ માટે ત્રણ વાર્તાઓ ઉદાહરણ આપી વિસ્તૃત કરી. સાપનો  ભારો, મુકુન્દરાય અને કાળી પરજ. જે દરેકમાં અંત સચોટ અને ચોટદાર છે.....જેમ વીંછીનો ડંખ પૂંછડે..!! વાર્તામાં પાત્રોના સંવાદો પાત્રોનું માનસ વ્યકત કરતા હોવા જોઈએ. કોઈ પણ ઘટના વિષે પાત્રની પહેલી પ્રતિક્રિયા  પાત્ર મુજબ સ્વાભાવિક લાગવી જોઈએ.

ત્યારબાદ વર્ષાબેને વાતનો દોર સાધતા વાર્તા વિષે બીજી વાતો કરી. વાર્તા માટે લખતી વખતે અને વાંચતી વખતે  માત્ર રચઈતા કે વાચક ન બનતા એક ભાવક બનો.અને ભાવક તરીકે સજ્જ રહો.  ક્યારેક કેટલાય નવોદિતો વાર્તાઓ મોકલી એમ કહે કે જરા સુધારી આપો..! દુધી સુધારાય, વાર્તા ન સુધારાય.એ તો જેમણે લખી છે એ જ સુધારી શકે.માટે તમારા વિવેચક જાતે બનો. તમારી વાર્તા ફેંકતા શીખો. એ સાથે એમણે ઉદાહરણ રૂપ કેટલીક વાર્તાઓની વાત પણ કરી. જેમાં બીલીપત્રનું ચોથું પાન, તિમિરના પડછાયા, મારું પણ એક ઘર હોય ..એ વાર્તાઓનો ઉલ્લેખ કર્યો.

કોઈ પણ પ્રસંગ એ વાર્તા નથી.અગાઉ હજારો વાર બનેલા, લખેલા, આલેખાયેલા કે  ભજવાયેલા પ્રસંગો  તમારી પોતીકી અલગ શૈલીમાં લખો. અને પ્રસંગમાંથી વાર્તા કેમ પેદા કરવી એ ચમત્કાર છે. ૩૬૫ દિવસ તમારી સંવેદનશીલતા જાગ્રત રાખો. તો જ મનની ધરતી પર અજાણતા પડેલું બીજ પણ સમયાંતરે ફળદ્રુપ  નીવડશે. પ્રસંગો કે ઘટનાઓને અલગ રીતે મૂલવતા શીખો. દૂધમાં ઇન્ટરપ્રીટેશનનું મેળવણ હોય તો જ વાર્તાનું દહીં જામશે. કોઈ પણ સપાટ ઘટનામાંથી વાર્તા નીપજાવતા શીખો.એમણે કહેલા કેટલાક ટુકા મુદ્દા---

_વાર્તામાં સુંદર ભાવ હોવો જ જોઈએ.
_વાર્તામાં વાર્તા વાર્તા  અને વાર્તા હોવીજ જોઈએ.
-અગત્યના દ્રશ્યની ધાર કાઢો. વારંવાર ઘસો.
_ઉત્તમ વાર્તાઓ વાંચો, ખરીદો, વસાવો.
_સારું લખાણ એ જ લાંબી રેસનો ઘોડો છે.
_કોઈ પણ વાર્તાનું મુખ્ય પાત્ર વાર્તાતત્વ છે. એના ભોગે કશું જ નહિ.
_સંપૂર્ણ કલાત્મક અભિગમ કેળવવા ફિલ્મો જુઓ, ખાસ કરીને બંગાળી ફિલ્મો.
_બહેનો માટે ખાસ ટીપ્સ....તમે એ સ્વીકારીને જ ચાલજો કે તમારે વઘાર કરતા કરતા વાર્તા લખવાની છે, બાળકને બુટ મોજા પહેરાવતા પહેરાવતા વાર્તા લખવાની છે, વડીલને દવા પાતા કે બાળકોને દૂધ પીવડાવતા પીવડાવતા વાર્તા લખવાની છે, આ બધું કરતા કરતા જ લખવાનું છે.એટલે કોઈ પણ ઉગતી વાર્તા આથમી ન જાય એ પહેલા આ દરેક કાર્યની વચ્ચે એને નોંધી લો અને એ ક્ષણના સંવેદનો જીવંત રાખો.

કોઈ પણ અજાણ્યા વાચક સુધી પહોંચવાનો પ્રયાસ એટલે ટૂંકી વાર્તા.અને વાર્તાની કુંડળી કાઢવી નહિ.એ અનુભૂતિ માંથી પસાર થઇ, એને આત્મસાત કરવી અને આલેખવી.

ઇલાબેનને એમની એક નવલિકા, ‘_અને મૃત્યુ’  વિષે પ્રશ્ન પૂછાયો, કે એ લખવા પૂર્વે આપની  શું મનોસ્થિતિ હતી? કયા મનોભાવે આપણે એ લખવા પ્રેર્યા?ઈલા બહેને એના ઉત્તરમાં કહ્યું કે પતિ સાથે કારમાં જતી વખતે એક અકસ્માત થવાથી બચી ગયા, એ ક્ષણને ..એ ભય..એ ચિંતા..કે  અમે નહિ હોઈએ તો બાળકોનુ શું? એ બધી અનુભૂતીઓએ એમને મૃત્યુ વિષેની આ નવલકથા લખવા પ્રેર્યા. એ સાથેજ એમણે બીજી  પણ એક સુંદર વાત કહી કે ઉપરછલ્લી દેખીતી વાર્તાની નીચે એક ઊંડો આંતર પ્રવાહ વહેતો હોય, જે વાર્તાની સમાંતર હોય. એ ખુબ જરૂરી છે.
ગ્રુપ ફોટો , ઇલાબેન અને વર્ષાબેન સાથે


ત્યાર બાદ જય ગજ્જર જેમણે કેનેડામાં વાર્તા ક્ષેત્રે કાઠું કાઢ્યું છે એમનું વક્તવ્ય હતું. એમણે પણ વાર્તાના ચોટદાર અંત પર ખુબ ભાર આપ્યો. પોતાની ૧૯૮૦ ની આસપાસની લખેલી એક ટૂંકી વાર્તા એમણે કહી , જે ચોટદાર અંત નું ઉદાહરણ હતી. વાર્તાનો પરિવેશ માત્ર વર્ણન નહિ પરંતુ વાર્તાને સંપૂર્ણતા બક્ષે એવો હોવો જોઈએ.એમને એક રસપ્રદ વિધાન કર્યું..

I find tongue in a tree.

પ્રકૃતિ પણ જાણે પાત્ર છે અને એમની પણ એક વાર્તા છે એ શોધો, સાંભળો અને અનુભવો.
ત્યાર બાદસહુ શિબિરાર્થીઓ એ મહેમાનો સાથે ફોટા પડાવ્યા.અને ચા નો બ્રેક લીધો.

સાંજના ૫ થયા હશે. વક્તવ્ય સંભાળીને સુસ્ત થયેલા શિબિરાર્થીઓને  શારીરિક હલન ચલનની એક ટાસ્ક અપાઈ..થોડા થોડા સભ્યોને સાથે પસંદ કરી ફક્ત ચાલવાનું કહેવામાં આવ્યું અને જેવું એ સ્ટેચ્યુ કહે. એટલે સહુએ એ એક નિશ્ચિત પોઝ લઇ જે તે જગ્યા એ ઉભા રહી જવું. આમ સહુના સ્થિર થવાથી જે દ્રશ્ય સર્જાય છે એને અવલોકો એમ કહ્યું. આ દ્રશ્યને પાત્રો અને વાર્તામાં ઢાળી લેખન કરવાનું કૈક કાર્ય અમને સોપવામાં આવશે, એમ લાગતું હતું. પણ બહુ બધા દ્રશ્યો બન્યા પણ એ પછી એ વિષે વાર્તા કે કે બીજી કોઈ ચર્ચા ન થઇ.સહુની સુસ્તી ઉડી અને ફરી પાછી વાર્તાવિશેની ચર્ચા ચાલી. કદાચ આ વ્યાયામ આમારા વિચારો ના પારંપારિક ઢાંચા ને હલાવવા માટે હતો..

મધુ રાયે વાર્તા વિષે કહ્યું, કે--વાર્તા માં એવું કશું જ નથી  કે જેના વગર ન જ  ચાલે. ...અને વાર્તા માં એવું કશુજ નથી કે જેના વગર પણ ચાલે.

એ સિવાય  જયંતી પટેલ સાથેના  એમના નાટકના કેટલાક અનુભવો એમણે કહ્યા. અને સહુને એક વિષય નક્કી કરી એ વિષે વાર્તા  લખવાનું કાર્ય સોપાયું. થોડી બહુ ચર્ચાઓ પછી અકસ્માતઅને પપ્પી “  એ બે વિષય પર વાર્તા લખવી એમ નક્કી થયું. અને વાર્તા લખવાના ઉત્સાહ અને થોડા ટેન્શન સાથે સહુ ભોજનખંડમાં ગયા. કાઠીયાવાડી કઢી ખીચડી ખાતા ખાતા સહુએ એકબીજા સાથે વાર્તા અને વાર્તા સિવાયના વિષયો પર વાતો કરી.ભોજન પતાવી સહુ પોતપોતાના રૂમમાં ગયા અને વાર્તા વિશેની ચર્ચાઓ આગળ ચાલી. રાતના દસ પછી જે લોકો વાર્તા વિષે કામ કરી રહ્યા હતા એ સહુને પરીક્ષિત ભાઈ પૂછી રહ્યા હતા,લખાઈ  ગઈ વાર્તા....? અને એનું સસ્પેન્સ બીજા દિવસે એમનીજ વાર્તામાં સંભાળવા મળ્યું. રાતના એક ચોક્કસ સમય પછી લખવું હોય તો ચા વિના કેમ ચાલે? એ દુવિધામાં અટવાતા મેં પરીક્ષિત ભાઈ ને ઘણી વાર કહ્યું ક ચા નું કૈક કરો...પણ !! એમ કઈ થાય..? પછી તો હું અને સોનિયા એક બીજા જ રૂમમાં બેસીને એકબીજાની વાર્તા પર સલાહ અને સૂચનો આપી એને ફાઈનલ ટચ આપી રહ્યા હતા. રાતના ૧.૩૦ તો ક્યાં વાગી ગયો...ખબરજ ન પડી.અને બીજા દિવસે સવારના ૯ વાગ્યાના સેશન માટે રેડી રહેવાનું હોવાથી સુવા માટે આડા પડ્યા.

તા.૪-૦૧-૨૦૧૬
બીજા દિવસે સવારે ૫.૩૦ વાગ્યે સરસ ફિલ્મી  ભજનો મોટા અવાજે માઈક માં સંભળાવા લાગ્યા, ત્યારે અમને યાદ આવ્યું કે આ તો બાળકો માટેનું મોર્નિંગ એલાર્મ છે. પણ એ એટલું અસરદાર હતું કે બાળકો સિવાયના બધા મોટા બાળકો પણ જાગી જ ગયા. ૭ સુધી માં ચા પીને  ફરી બધા રૂમમાં આંટા ફેરા કરતા કરતા એક બીજા ને એકજ વાત પૂછી રહ્યા...લખાઈ  ગઈ વાર્તા?અને એ જ બધી વાતો કરતા કરતા સહુ તૈયાર થઇ નાસ્તા માટે મેદાનમાં પહોંચ્યા.

શાળાના મેદાન માં એક તરફ ગરમા ગરમ ગોટા અને ચટણીનો નાસ્તો અને બીજી તરફ બાળકોનો મધુર કલબલાટ..! આ શિબિરમાં આટલી સરસ સવાર મળશે એની કલ્પના ના હતી.નાસ્તો પતાવી સહુ શિબિર ખંડમાં ભેગા થયા. મધુ રાયે એકપછી એક ...કક્કા પ્રમાણે સહુને પોતાની વાર્તાનું પઠન કરવા કહ્યું.

એ પ્રમાણે ક્રમ વાર અમિત,અશ્વિન ભાઈ, કનૈયાલાલ, કિશોર ભાઈ, ગીરીમાં બેન અને જીગરની વાર્તાઓ વંચાઈ.જેમાં કનૈયાલાલની વાર્તા થ્રુન્ગી એની લંબાઈ અને એલિયનની વાતને કારણે શિબિરમાં ચર્ચાનો  વિષય બની રહી.એ વાર્તામાં વપરાયેલી એલિયન ભાષા માટે એક શબ્દ કોશ તૈયાર કરવાનો સુઝાવ પણ મળ્યો.

૧૧.૩૦ એ, મોહન ભાઈ પરમાર કે જેઓનું  ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે ખુબ પ્રદાન રહ્યું છે, તેમનું વક્તવ્ય સંભાળવાનો લ્હાવો મળ્યો. એમણે વાર્તા વિષે જે પણ કહ્યું એ નવા લેખકોને ખુબ ઉપગોયી થાય એમ છે. જે મુદાવાર નીચે પ્રમાણે છે.

- જયારે સરળ લખાણ હોય એમાં સૂક્ષ્મતા હોવી જોઈએ. માનવ જીવન અને પ્રકૃતિના સહ સંબધોનું આલેખન હોવું જોઈએ.
-પ્રયોગશીલ વાર્તાઓમાં કપોળ કલ્પિત રચના સાથે હકીકતનું  મિશ્રણ પણ જરૂરી છે.
-વાર્તામાં પ્રયોગો જરૂર કરવા પણ વાર્તા તત્વના ભોગે નહિજ.
-વાર્તામાં બોલીના પ્રયોગો ભાવવાહી અને તાજગી સભર હોવા જોઈએ.
-લાઘવના નામે વાર્તાનું કાઠું નબળું રહે એ ન પાલવે.
-આગાઉંની વાર્તાઓથી પરિચિત રહેવું જેથી શું ન જ કરવું એ ખબર પડે.
-વાર્તા લખવા માટે વાર્તા માટેની પ્રીતિ સૌથી અગત્ય ની છે.

ત્યાર બાદ દલિત સાહિત્ય વિષે એમણે ચર્ચા કરતા કયું કે દલિત સાહિત્ય એ નથી જેમાં નાયક કે નાયિકા કોઈ ચોક્કસ જાતી કે વર્ણના હોય...પણ વાર્તામાં આર્થિક, શારીરિક, સામાજિક  કે યૌન શોષણની વાત હોય...દમનની વાત હોય એ સાહિત્ય દલિત સાહિત્ય છે. દલિત સાહિત્ય એક પીડાની ..એક કચડાયેલી ભાવનાની વાત છે. એમાં દલિત વર્ણ કે કોઈ ચોક્કસ વર્ગની વાત નથી. અને આમજ વાર્તારસ માં મ્હાલતા સહુ ડાઈનીંગ હોલ માં લંચ માટે ઉપડ્યા.
તસ્વીર -૮


બપોરનું ભોજન પતાવી સહુ ફરી હોલમાં ભેગા થયા અને વાર્તા પઠન આગળ ચાલ્યું. એ વખતે જગદીશ વાઘેલા,તરુણ બેન્કર અને નેહા રાવલ એટલે કે હું જાતે....સહુએ પોતાની વાર્તાઓનું પઠન કર્યું. મારી વાર્તા સ્ત્રી સંવેદનાની હોવા છતાં વાચકગણ માંથી એક પણ સ્ત્રી તરફથી કોઈજ પ્રશ્ન ના આવ્યા એ નવાઈ લાગી.
[તસ્વીર ૮ કેપ્શન :અદબ વાળીને બેઠેલા ભાઈ ધર્મેન્દ્ર સિંગ ગોહિલ છે.એમની બાજુમાં રમેશભાઈ દરજી છે. ત્રીજા ભાઈનું નામ યાદ નથીઆ એ પહેલાજ દિવસનો સવારનો ફોટો છે]

ત્યાર બાદ રાજેન્દ્ર પટેલ, કે જેઓ ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તા ક્ષેત્રે સારી નામના ધરાવે છે એમનું આગમન થયું. વાર્તા વિષે સમજણ આપતા એમાના પ્રવચનમાં એમણે કહ્યું કે વાર્તા તો રાવણના અંગુઠા જેવી છે. રામાયણમાં જયારે રાવણ સાથેના  યુદ્ધ બાદ રામ, સીતા, લક્ષમણ અયોધ્યા પાછા ફરે છે ત્યારે સીતા ને એક પ્રશ્નપુછાય છે કે, ‘રાવણ કેવો હતો?” ત્યારે સીતા કહે છે મેં તો નીચી નજર હોવાને  કારણે માત્ર એના પગનો અંગુઠો જ જોયો હતો.અને એ અંગુઠાના વર્ણન પરથી તે સમયના કારીગરો આખા રાવણનું ચિત્ર બનાવે છે.આ રીતે વાર્તા એવી હોવી જોઈએ કે થોડા ચિતાર પરથી સમગ્ર વાર્તાનું માળખું સમજાઈ જાય.

ન્યુટને સફરજન પડતું જોઈ જે નિયમો આપ્યા, એ નિયમો એ પહેલા પણ હકીકત સ્વરૂપે અસ્તિત્વમાં હતા જ, પણ એ સફરજન પડવાની ક્ષણ અને ન્યુટનની આખી જીંદગીના નીચોડ સ્વરૂપે એ ક્ષણ આજે પણ અસ્તિત્વમાં છે. એમ વાર્તા એ કોઈ નવી ઘટના નથી, પણ નવી રીતે જોવાયેલી, અનુભવાયેલી ઘટના છે. લેખનમાં ભાષા એ સાધ્ય પણ છે અને સાધન પણ છે. ભાષા એ માધ્યમ છે, જેના થકી સંવેદનો એકથી બીજા સુધી પહોંચે છે. તો માધ્યમની વિશેષતાઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે. વાર્તાકારે વાર્તામાંથી બહાર નીકળી જવા પાત્રોને પોતાની પોતીકી ભાષા આપવી જરૂરી છે. કોઈ પણ ઘટનાઓને જુઓ ત્યારે એમનું વિસ્મય અંકે કરો. પતંગ કાપવા જેવી એક સામાન્ય ઘટનાને નિહાળો...એ કપાય છે, જોડાય છે...ફરી કપાય છે ...અને દોરી સાથે સફર કરે છે.

વાર્તાકારે બધુ જ લખીને કહેવાનું નથી હોતું. બે શબ્દોની વચ્ચેની ખાલી જગ્યામાં પણ ઘણું કહેવાઈ જાય છે અને એ કહેતા શીખવું ખુબ અગત્યનું , સૌથી અગત્યનું છે. વાર્તાકારે દોરડા પર ચાલતા નટની જેમ હાથમાં ભાષા અને અર્થનો વાંસ પકડી બેલેન્સ જાળવી ચાલતા રહેવાનું છે. વાર્તાના અંતે જે ચોટ હોય એ ઘટનાની નહિ, સંવેદનાની હોવી જોઈએ.

એમના વક્તવ્ય બાદ જીગરે જે પ્રશ્ન પૂછ્યો, “ વાર્તાકાર જે વાત લખે એ માટે એ પોતેજ જો એવું માનતા કે જીવતા ન હોય તો એ વાત એટલીજ સહજતાથી વાચક ને સ્પર્શે?” એ પ્રશ્નના ઉત્તરમાં રાજેન્દ્રભાઈએ કહ્યું કે વાર્તાકાર એક નકાબ પહેરી વાર્તા લખે છે. એ લેખક હોય ત્યારે એ પોતાનું અસ્તિત્વ વિસરી જાય અને માત્ર વાર્તાકાર બની રહે.પણ પ્રશ્નના સંદર્ભે આ જવાબ સંતોષકારક ના લાગ્યો. મધુ રાય કૈક પ્રકાશ પાડશે  એવી આશા હતી પરંતુ એ પ્રશ્નનું કઈ નિરાકરણ ના આવ્યું.
 એ બધી ચર્ચાઓ સાથે શિબિરાર્થીઓનું વાર્તા પઠન પણ આગળ વધતું રહ્યું. એ સેશનમાં દીના બેન, નયના મહેતા, નેહા , નિર્મલા મહેતા,રમેશ ભાઈ દરજી ,પરીક્ષિત જોશી, બ્રિજેશ , મંથન જોશી અને મનસ્વી ની વાર્તાઓ નું પઠન થયું. જેમાં બ્રિજેશની વાર્તા પર સહુથી વધુ તાળીઓ પડી. પરીક્ષિત ભાઈ એ આગલી  રાતના અનુભવને વાર્તામાં ઢાળવા પ્રયત્ન કર્યો.દીના બહેન, કે જેમને એમની એક વાર્તા બદલ સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળ્યું છે, એમની વાર્તા વાચકોને મહદઅંશે સમજાઈ નહિ. અકસ્માત જેવો વિષય હોવા છતાં એકમાત્ર રહસ્યકથા મનસ્વીની વાર્તા સ્વરૂપે સંભાળવા મળી.
૬.૩૦ સાંજે.

....એજ આવો..આવો..આવો...નો સ્વર ફરી ગુંજ્યો જયારે ખંડમાં ભાગ્યેશ જહા નું આગમન થયું. એમણે વાર્તા માટે પાત્રો આસપાસમાંથી જ મળી રહે છે એનું સુંદર ઉદાહરણ આપતા ભેંસ પર ઉભેલા યુવકની વાત કરી, કે જે મોબાઈલ નેટવર્ક માટે ભેંસની ઉપર ચડ્યો હતો. ગ્રામ્ય જીવનમાં ટેક્નોલોજીનો પ્રભાવ ! એ સિવાયની ઘણીખરી વાતો સાહિત્યિક રીતે ખુબ મઝા આવે એવી હતી પણ એમાંથી વાર્તા લેખકને કઈ ઉપયોગી થાય એવું ન જણાયું. એમણે એમના વક્તવ્યમાં કહ્યું કે કપરા કાળમાં પણ માણસને અંદરથી મજબુત રાખે એ છે શબ્દોની તાકાત..! અને એ જ શબ્દો છે..એ જ સાહિત્ય, જે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં જીવનનું  આંતરિક  બળ પુરુ પાડે છે. ત્યારબાદ જયારે એમણે સૌ પ્રથમ સંસ્કૃતમાં પ્રવચન આપ્યું હતું એ વખતનો  સંત તુકારામનો અનુભવ કહ્યો. અને શિબિરમાં પણ થોડું પ્રવચન સંસ્કૃતમાં આપ્યું, જે સાંભળવાની અલગ જ મઝા આવી.

ત્યાર બાદ વાર્તા પઠન આગળ ચાલ્યું અને  સંજીવ જાની, શ્રદ્ધા રાવલ, ભરત ત્રિવેદી, સુરેશ રાવલ અને મહેશની વાર્તાઓ નું પઠન થયું. સંજય જાનીની વાર્તાની પ્રશંસા થઇ અને સાંજ ના ૭.૫૦ થયા એટલે સહુ એ દિવસનો કાર્યભાર સમેટી ખંડમાંથી  વિખરાયા, અને ભોજન ખંડમાં ફરી પાછા સમેટાયા. ભોજન પતાવી સહુ પોતપોતના રૂમમાં જવા ઉતાવળા થયા. સવારથી  શરુ થયેલા એકપછી એક સળંગ  સેશનમાં ઓછા બ્રેક અને વધુ કામ કરીને સહુ થાક્યા હતા. સહુને નિરાંતવું હતું, એટલે જ રૂમમાં ગયા પછી શારીરિક આરામ માટે ઊંઘી જવાને બદલે સહુ એ મહેફિલ જમાવી.

અને હવે  એ  અદભુત રાતની વાત....

બીજા  દિવસની રાત્રે એટલે કે  શિબિરની છેલ્લી રાત્રે એકજ રૂમમાં થોડા મિત્રો  ભેગા થયા અને ચાલી શાયરી , ગઝલ અને ગીતોની મહેફિલ ! કેટકેટલી રચનો ....વાહ! અને તે પણ ખુરશીમાં બેસી ને નહિ.. પલંગ પર આડા પાડીને સાંભળવાનો જલસો..!એમાં સૌ પહેલા ચાલ્યો અંતાક્ષરીના નામે ફિલ્મી ગીતોનો દોર.. .જેમાં કેટલીક મિત્રોનો અવાજ સાંભળી  એમ થયું કે આટલી બધી ટેલેન્ટ...? લેખન...વાર્તા અને કવિતા..ગઝલ ... અને ઉપરથી અવાજ પણ આવો સરસ કેળવાયેલો..! દક્ષા બેન, મીનાક્ષી બેન અને બંગાળી ઉચ્ચારો વાળું ગુજરાતી બોલતી શ્રદ્ધાએ જ્યારે ગીતો ગાયા ત્યારે એક અલગ જ ભાવવિશ્વ રચાઈ ગયું. ત્યાર બાદ શરુ થયો  સૌની સ્વરચિત રચનાઓના પઠનનો દોર. એકબીજાની રચનો પર ઈર્શાદ અને  દુબારા કરતા કરતા રાત રંગ પકડી રહી હતી. કોઈની રચનાને કોઈ નામી શાયર સાથે સરખાવતા...તો કોઈની પઠન શૈલીને કોઈ પ્રખ્યાત કવિની શૈલી સાથે સરખાવતા સહુ આનંદ કરી રહ્યા.અને મારો વારો આવતા મને ઔરંગઝે નું બિરુદ પણ મળ્યું.....કવિતા કે ગઝલ ન લખવા બદલ..!!
લંચ બ્રેકમાં ,,હમ પાંચ ....હરીન્દ્ર,જીગર,સોનિયા , નેહા અને બ્રિજેશ. આ શિબિરમાં ખાસ  બનેલા  મિત્રો


રક્ષા બેન, અમિત પુરોહિત, તરુણ બેન્કર ,શ્રી રામ સેજપાલ, મહેશભાઈ ,મંથન, અલ્પેશ ,રવિ વીરપરિયા ..કે જે આ બધી મસ્તીમાં પણ પોતાની નવલકથા આગળ ધપાવી રહ્યો હતો.., જીગ્નેશ, રમેશભાઈ, અશ્વિન ભાઈ, મીનાક્ષીબેન, સરલાબેન, શ્રદ્ધા, સોનિયા ,બ્રિજેશ, જીગર, નેહા.....આ સહુની મહેફિલ ધીમે ધીમે રાત આગળ વધતા વિખરાતા વિખરાતા ફક્ત ૮ લોકો માં સમેટાઈ ગઈ અને એમાં તો વાતો...વાતો અને વાતો...! પરીક્ષિત જોશી..કે જેમને સાહિત્ય સાથે સંકળાયેલી અલગ અલગ સંસ્થાઓમાં કામ કરવાનો  બહોળો અનુભવ છે એમની પાસેથી કેટલાક અનુભવો સાંભળ્યા.પ્રકાશન સંસ્થા, સાહિત્ય અકાદમી, પરબ, નવભારત , સેવાગ્રામ...જેવા વિવિધ મેગેઝીન અને મુખપત્રો...! એ વાતોમાં સાહિત્યનો પ્રસાર કરવાની રીતોએમના  સાહિત્યકારો સાથેના અનુભવો જાણવા મળ્યા. એ ચર્ચામાં મંથન જોશી..કે જે  નાટકોમાં કાર્યરત  છે...એમણે સુરતમાં ભજવાતા નાટકો વિષે અને નાટ્ય સ્પર્ધાઓ વિષે વાતો કરી. તાજેતરમાં યોજાયેલી એસ.એમ સીની નાટ્ય સ્પર્ધામાં નીવડેલા નાટકો વિષે ચર્ચા થઇ જેમાં ગૌરાંગ દિગ્દર્શિત મીરાંનો ઉલ્લેખ થયો. બક્ષીના નાટક વિષે કહ્યું,..એના એક સંવાદ વિષે કે, “ મેં મારો જમણો અને ડાબો, બંને અંગુઠાઓ ગુજરાતી સાહિત્ય માટે ખપાવ્યા છે.એ વિષે આગળની ચર્ચામાં સહુનો બક્ષી પ્રેમ છલકાઈ આવતો દેખાયો. કે એ સિવાય આવા અધિકારથી કયો લેખક લખી શકે? ..જે સાહિત્ય ને પૂર્ણ સમર્પિત હોય. પછી તો વાતો....વાતો..જેમાં બે વાર નાસ્તાના પેકેટો ખુલ્યા, પણ સહુએ સમગ્રપણે ચાની કમી અનુભવી. એ રાતની વાતો એવી લાગે છે જાણે શિબિર માત્ર એ બંધ ખંડ માં સાંભળેલા વક્તવ્ય અને વાર્તાઓ જ નહતી...પણ એકબીજાના અનુભવો...દ્રષ્ટિકોણ અને અને સાથે ગાળેલી એ દરેક ક્ષણો છે જેમાં એકબીજા ને સંભાળીને એમાંથી કૈક સમજવાનો, શીખવાનો યત્ન કરીએ છીએ. વક્તવ્ય જાણે કોલેજનું લેકચર હોય તો આ રાત્રીનો સમય એ  નવા વિચારો માટેની પ્રયોગશાળા છે. એ વખતે રવિ જે નવલકથા લખી રહ્યો હતો...એ વિષે પણ મેલુહાના સંદર્ભ માં વાત થઇ.અમીશ ત્રિપાઠી, કે  જેમની પ્રથમ નવલકથાની સીરીઝ ખુબ સફળ રહી અને બીજી નવલકથા લખવા માટે એડવાન્સ માં જ ૫ કરોડ નો કોન્ટ્રાક મળવો...એ  સાહિત્ય અને લેખકો માટે એક માઈલ સ્ટોન ઘટના છે. એ સફળતા પાછળ અમીશની પત્નીની માર્કેટિંગ સ્ટ્રેટેજી અને એમના અમીશના લેખનમાં વિશ્વાસની વાત છે...કે જેથી એ બેંકની સ્થાયી નોકરી છોડી  લેખન ક્ષેત્રે કાર્યરત થયા. આ બધી ચર્ચાઓના ચગડોળે ચડી રાત તો ક્યાય વીતી ગઈ અને સવારનું ભજન વાળું મોર્નિંગ એલાર્મ પણ ગુંજી ઉઠ્યું, ત્યારેજ ખબર પડી કે હવે શિબિરનો  ત્રીજો અને આખરી દિવસ શરુ થઈ ગયો છે.

તા.૫-૧-૧૬
સવારથીજ સહુને ખબર હતી કે આજે મહેમાનમાં વક્તા તરીકે કેશુભાઈ દેસાઈ અને રાઘવજી માધડ આવવાના છે. ડો. કેશુભાઈ દેસાઈ એમની નવલકથાઓ અને વાર્તાઓને કારણે જાણીતા છે. તો રાઘવજી માધડ એમની વિશિષ્ટ ગ્રામ્ય ભાષાની શૈલીના લખાણોને કારણે જાણીતા છે. બંને વક્તાઓને સાંભળવા શિબિરાર્થીઓ ઉત્સુક હતા.

નાસ્તો પતાવી સહુ  ૯.૩૦ એ  શિબિરના ખંડમાં પહોંચ્યા અને વાર્તા પઠનનો દોર આગળ ચાલ્યો. સવારે રક્ષાબેન શુક્લા, રવીન્દ્ર  બારૈયા , સંજય પટેલ , સોનિયા ઠક્કર અને ભારતીબેને પોતાની  વાર્તાનું પઠન કર્યું. જેમાં સોનિયાની વાર્તા પર ખુબ તાળીઓ પડી. અને ભારતીબેનની વાર્તામાં હાસ્યની છોળો ઉછાળી. ત્યારબાદ ૧૦ વાગ્યે અપેક્ષિત મહેમાનો પધાર્યા અને સહુ એ આવો...આવો ના ઉમળકાથી એમનું સ્વાગત કર્યું.

પ્રથમ કેશુભાઈ દેસાઈએ પ્રવચન આપ્યું. એમના પ્રવચનમાં વાર્તા લેખન વિષે ઓછી અને એમના વિષે વધુ માહિતી મળી. એમને પોતાના જીવનના અનુભવોમાં સાહિત્ય એ કઈ રીતે સમૃદ્ધ કર્યા એ જણાવ્યું. ત્યારબાદ ભાગ્યેશ જહા એમની વાર્તાના પઠન માટે આવી પહોંચ્યા અને એમની વાર્તાનું પઠન શરુ થયું. કૈક લાંબી વાર્તા અને પૂછાયેલા પ્રશ્નો પ્રમાણે વાચકો  સાથે તાદામ્ય ન સાધતી એમની વાર્તા વિષે કેશુભાઈએ કહ્યું કે દરેક વાર્તા દરેક વાચકો  માટે નથી હોતી. કેટલીક વાર્તાઓ અમુક જ વાચકને સ્પર્શે એવું પણ બને. ત્યાર બાદ રાઘવજી માધડના વક્તવ્યમાં ખુબ બધી વાતો જાણવા મળી. એમણે કલાપીની પ્રેમ કથાની વાત કરી. અને બીજા કેટલાક મુદ્દા કહ્યા  જે ઉપયોગી થઇ પડેએમ છે.....

- ઝીણું અવલોકન ખુબ અગત્યનું છે.
 -સારા વાચક બનવું અનિવાર્ય છે.
- સૌરાષ્ટ્ર ની રસધારમાંથી એક વાર પસાર થવુજ જોઈએ.
- દરેક પ્રસંગને અનુરૂપ એનો પોતીકો શબ્દ વાપરવાનો આગ્રહ રાખો.
- ક્ષણને પકડીને વ્યાપ કરવો. એમાંથી ચમત્કૃતિ સર્જાવી.
- ઘટના એ સોનાનું બિસ્કીટ છે. ઘટનાનું આભુષણ બનાવવું એટલે વાર્તા.
- કલ્પના કરવી અને કલ્પનામાં વિહાર કરવો.
- જીવન અને એના  અંશને વાચક વાર્તા માં શોધેછે. વાચક પોતાની વંચના જયારે વાર્તા માંથી મેળવે ત્યારે વાચકને વાર્તા પોતાની લાગે છે.
- વાર્તામાં એક એક શબ્દ અર્થ સભર હોવો જોઈએ જેમકે એક એક ઈંટથી બનેલી દીવાલ.
- વાર્તા એ છુપાવીને કહેવાની કળા છે.
- સંપૂર્ણ વાસ્તવીકતા વાર્તામાં યોગ્ય નથી. એમાં કલ્પન પણ જરૂરી છે.
- સંવેદના પ્રગટ થવી જોઈએ.
- સંઘર્ષ આવવો જોઈએ.
- પ્રશ્નોની પીડા વાર્તાને એક નવો દેહ આપે છે.
- વાર્તામાં પરિવેશનો ખ્યાલ, એ આજુબાજુના સંદર્ભો સાથે અનુરૂપ હોવો જોઈએ.
- માણસને વાંચતા શીખો.

રાઘવજીભાઈના પ્રવચન બાદ સહુ ભોજન ખંડ તરફ ગતિમાન થયા. ૧.૪૫ તો થઇ ગઈ હતી. બપોરનું જમવાનું પતાવી સહુ ફરી અહી ખંડમાં આવવા ઉતાવળા હતા. શિબિરનું છેલ્લું સત્ર હતું તેના માટે.! મારે તો સાંજની ટ્રેઈનની ટીકીટ હોવાથી બપોરનું ભોજન પતાવી છેલ્લું સત્ર બાકી રાખી ને જ નીકળી જવું પડે એમ હતું. ઉતાવળે જમીને , સમાન લઇ મધુ રાયની રજા લેવા ગઈ. એમણે ખુબ ઉમળકા થી કહ્યું , “અમે તમને મિસ કરીશું. તમે આમ બાકી રાખી ને જાઓ છો તેથી અમારું મન ભારે છે.અને ત્યાર બાદ હસતા હસાવતા ફોટા પણ પડાવ્યા. આખી શિબિર દરમ્યાન કેટલુક શિબિરખંડના વ્યાખ્યાનો માંથી શીખ્યા તો કેટલુક  શિબિરખંડની બહારની વાતો અને અનુભવો માંથી...! દરેક અનુભવ કૈક શીખવે છે. અને અવિરત શીખતા રહેવું એ જ જીંદગી છે. શિબિરમાં આવતાપહેલા જે ઉત્સાહ હતો, જેટલી આશાઓ સાથે આવી હતી એના કરતા અનેકગણું વધારે ભાથું બાંધીને જાઉં છું એવું લાગ્યું. શિબિરના છેલ્લા સત્ર પહેલા મારે નીકળી જવું પડ્યું એના અફસોસ અને શિબિરની યાદોને વાગોળતી હું મારા મુકામ તરફ રવાના થઇ.

શ શિબિર નો શ.......
શ શીખવા નો શ....

~~ નેહા રાવલ.
તસ્વીર -૧૦

 [ તસ્વીર ૧૦ કેપ્શન :ડાબેથી..કિશોરભાઈ, સોનિયા ઠક્કર,હરીન્દ્ર બારૈયા, બ્રિજેશ પંચાલ,નેહા રાવળ, જીગર ફરાદીવાલા,રમેશભાઈ દરજી ]

તા.૧૨.૦૧.૨૦૧૬
મારી અનુપસ્થિતિમાં  થયેલા શિબિરના અંતિમ સેશન વિષે ફરી એક વાર સોનિયા ઠક્કર ની સહાય મળી છે :

તા. ૦૫/૦૧/૨૦૧૬ અંતિમ બેઠક
અંતિમ દિવસની છેલ્લી બેઠક ભોજન બાદ આરંભ થઈ હતી. શિબિરના માર્ગદર્શક મધુ રાયના જાણીતા નાટક કાંતા કહેની ભજવણી શિબિરાર્થીઓ દ્વારા થઈ હતી. કાંતાના પાત્ર માટે નેહા એના પતિના પાત્રરૂપે મંથન જોષી, પ્રેમીના પાત્રમાં બ્રિજેશ પંચાલ, ભાઈ અને ભાભીના રૂપમાં સંજીવ જાની અને ગિરિમા ઘારેખાન તથા બ્લેકમેલ કરનાર એક માથાભારે માણસની ભૂમિકા ડૉ. કનૈયાલાલ ભટ્ટે બજાવી હતી.

ઘણા એવા લોકો હતા જે આ નાટક પ્રથમ વાર જ વાંચતા હતા, પરંતુ નાટકને તેઓ ખૂબ સારી ભજવતા હતા. પુસ્તકમાંથી જોઈ પોતાનો સંવાદ બોલવો અને સાથે સાથે એવો અભિનય પણ કરવો, આ વાત જરા પણ સરળ નથી. બધા જ શિબિરાર્થીઓએ ભેગા મળીને આ નાટકને ખૂબ જ સરસ રીતે ભજવ્યું હતું. ૫૦ મિનિટ સુધી ચાલેલું આ નાટક પ્રેક્ષકોને જકડી રાખવામાં સફળ રહ્યું હતું. નાટકમાં દરેક પાત્રનું ખુલતું રહસ્ય, સામે અન્યોની પ્રતિક્રિયા, ભવિષ્યની અનિશ્ચિતતા- આ બધા કારણે નાટક રસપ્રદ રહ્યું હતું.
તસ્વીર -૧૧


નાટક બાદ સૌ શિબિરાર્થીઓને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી નવલિકાસંગ્રહ પુસ્તક મધુ રાય અને ડૉ. કનૈયાલાલના વરદ હસ્તે આપવામાં આવ્યું હતું. આ બધી જ ક્ષણોને ઝીલવા ઘણા બધા કેમેરાઓ સજ્જ બની સ્મૃતિઓને કેદ કરી રહ્યા હતા. 

તસ્વીર -૧૨

આ ત્રણ જ દિવસમાં સ્વજન જેવા બની ગયેલ દરેક વ્યક્તિના ચહેરા પર એક ખુશી ઝલકતી હતી. ફરી પાછા મળવાની આશા સાથે સૌ એકબીજાને શુભકામનાઓ આપીને છૂટા પડવા માંડ્યા.
[તસ્વીર ૧૧ : મધુ રાય બ્રિજેશ પંચાલ સાથે છે. શિબિર ના સમાપન વખતે સહુ શિબિરાર્થીઓએ આવી રીતે મધુરાય જી ની હેટ પહેરી એમની સાથે ફોટો પડાવ્યા હતા.
તસ્વીર ૧૨ : સરલાબેન. શ્રદ્ધા,નેહા, હરીન્દ્ર અને મધુભાઈ.]

પોતાના ઘર તરફ અને સ્વની ઓળખ મેળવવા સૌએ પ્રયાણ કર્યું અને સાથે આ ત્રણ દિવસની સ્મૃતિઓને હૃદયમાં કંડારી લીધી જીવનની ઘણી યાદગાર પળો આ શિબિર થકી સાંપડી છે અસ્તુ

~~સોનિયા ઠક્કર.



##################################################




No comments :

Post a Comment