Monday 14 March 2016

વાર્તા શિબિર ૧૦ (મુંબઈ)


વાર્તાલેખન શિબિરની દસમી બેઠકનો અહેવાલ. (મુંબઈ) ૯-૩-૨૦૧૬ના રોજ સુત્રધાર રાજુ પટેલના ઘરે. ગોરેગાંવ (ઈસ્ટ).
વાર્તાલેખન અને તાજી વિયાએલી ગાય વચ્ચે કોઈ સંબંધ ખરો?
ભૈસા’બ, મગજને બહુ તસ્દી આપવાની જરૂર નથી.. મુંઝાવાની ય જરૂર નથી.. વાર્તાલેખન અને તાજી વિયાએલી ગાય વચ્ચે કો....ઈ સંબંધ નથી!તમે સાચા જ છો.
પણ.. પણ..
વાત જ્યારે આપણા સુત્રધારનાં મુખે કહેવાઈ હોય ત્યારે એ કંઈ સાવ એમ ને એમ તો ના જ હોઈ શકે. કંઈક તો હોય જ, હોવું જ ખપે! અને સમજો કોઈસંબંધ સ્થાપિત ન પણ થતો હોય તો આપણા સુત્રધાર ટેક્નીકલી કે લોજીકલી, કોઈ પણ રીતે સંબંધ સ્થાપવામાં પાવરધા છે એ વાત તો આપણે સૌ જાણીએ જ છીએ.
આ વખતની શિબિરમાં હું થોડીક લેટ પહોંચી. સુત્રધાર જેટલી તો નહિ જ હો. જો કે મેં આગલા દિવસે જ જાણ કરી દીધી હતી કે મને મોડું થશે.હું જ્યારે પહોંચી ત્યારે રાજુ શિબિરમાં નવાનવા જ જોડાયેલા યુવાન અને હેન્ડસમ સભ્ય (અમિતાભ જેટલી જ હાઈટ ધરાવતા) તુમુલનાં
 કોઈક પ્રશ્નનો જવાબ આ તાજી વિયાએલી ગાયના ઉદાહરણ મારફત સમજાવી રહ્યા હતા.
સુત્રધાર સમજાવી રહ્યા હતાં કે ગાય વિયાય ત્યારે શરૂઆતનાં ચારેક દિવસ સુધી એનું દુધ સામાન્ય રીતે રોજિંદા વ્યવહારમાં વપરાતું નથી. વાપરી શકાતું નથી. પણ એનો અર્થ એ નહિં કે દુધ બેકાર થઈ જાય છે કે ફેંકી દેવામાં છે કે પછી એનો સ્વાદ સારો નથી હોતો. ઉલ્ટાનું વિયાયા પછીનું એ શરૂનાં ચારેક દિવસનું દુધ સ્વાદિષ્ટ અને વધુ પૌષ્ટિક હોય છે. ફક્ત એ દુધમાંથી ચા કે દહિં-છાશ બનતા નથી. વલોણું પડતું નથી. પણ એમાંથી 'ખડ' કે 'બળઈ' (આ બન્ને કચ્છી નામ/શબ્દ છે, કોઈને ગુજરાતી પર્યાય ખબર હોય તો જણાવે) જેવી મીઠાઈ બને છે, જે ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. ચારેક દિવસ પછી રાબેતા મુજબ દુધને વાપરવાનું ચાલુ થાય. એવું જ વાર્તા લેખનનું છે. વાર્તા લખતા થઈએ એનાં શરૂઆતી તબક્કે કદાચ એવી વાર્તાઓ ન પણ આવે કે જે સર્વાંગ રીતે સંપૂર્ણ વાર્તા હોય. સરસ હોય. એ વાર્તાઓ કાચીપાકી હોઈ શકે. બની શકે કે તે વાર્તાઓ 'પરફેક્ટ' કક્ષાની ન પણ હોય કે કોઈ પણ સામાયિકમાં મોકલોને તરત સ્વિકારાઈ જાય, કે સ્વિકારાઈ જાય તો એ સામાયિકમાં છપાતાં જ સામાયિકની નકલો ચપોચપ વેચાઈ જાય.
કશો વાંધો નહિં..
એ લેવલનું કદાચ લખાણ ના હોય પણ દિલચશ્પ જરૂર હોઈ શકે. એ સમયનું લખાણ પેલી તાજી વિયાએલી ગાયનાં દુધવાળી પ્રક્રિયા જેવું હોય. જેને સામાન્ય પ્રવાહમાં ભળતાં કદાચ થોડો સમય લાગે. એને એ સમય આપો. બે-પાંચ-સાત વાર્તાઓ લખાયા પછી એ આસાનીથી, સરળતાથી સારી લખાતી થશે.
તુમુલે પોતાની બીજી સમસ્યા મુકી. કે હું વાર્તા લખવાનું ચાલુ કરું, કે પાત્રો ઉપસતા જાય. એક તબક્કો એવો આવે કે મારા પાત્રોમાંથી હું ડોકાવા લાગું. એ પાત્ર ગુણધર્મે સાવ મારા જેવો થઈ જાય! ત્યારે રાજુ એ કહ્યું કે એ ફક્ત તારી જ નહિ પરંતુ દરેકે દરેક સર્જકને વધતે ઓછે અંશે કનડતી સમસ્યા છે. એને હેન્ડલ કરતાં મેતે મેતે શીખવું પડે, સજાગ રહેવું પડે. કેળવાવુ પડે. એમણે હિન્દીભાષી લેખક શરદબાબુનું ઉદાહરણ આપ્યું.
એક નવયુવાન શરદબાબુ પાસે ગયો. એણે એમને સવાલ કર્યો કે લેખક કઈ રીતે બનાય?
શરદબાબુએ એ છોકરાને બાજુમાં બેસાડ્યો અને કહ્યું કે એ એક લાંબી અને અટપટી પ્રક્રિયા છે. પહેલા તો જીવનને જીવવું પડે. એને મળવુ પડે. આસપાસ બનતા દરેક પ્રસંગો, ઘટનાઓને અંદર ઉતારવી પડે. જીવંત પાત્રોનો, એમનાં માનસનો અભ્યાસ કરવો પડે. એમનાં વર્તનો અને વર્ણનો આત્મસાત કરવા પડે. ક્ષણેક્ષણને માણવી પડે, નાણવી પડે. ત્યાર બાદ લખવાનું ચાલુ કરવું એ તબક્કા પછી જ લેખક બનાય.
છોકરો અસંમજસમાં બેઠો બેઠો શરદબાબુને નિહાળતો રહ્યો. પછી હળવેથી બોલ્યો,"આ તો બહુ અઘરું અને વક્તલેવા છે..!"
બે પાંચ ક્ષણોની ચુપકીદી બાદ ડરતાં ડરતાં એણે શરદબાબુને પૂછ્યું,"તમે પણ આ બધું કર્યું હતું ?"
શરદબાબુએ જવાબ આપ્યો, "ના..પરંતુ હું તારી જેમ કોઈને પૂછવા પણ નહોતો ગયો!"
જય હો..
ટૂંકમાં તમે જેટલું જોશો, ફીલશો એટલું લખી શકશો. ઘરનાં દિવાનખાનામાં બેસી રહેશો તો નહિ લખી શકાય. કારણ લખવા માટેનું રૉ મટીરીયલ ત્યાંથી જ મળશે. વાર્તા અને કવિતામાં અમુક મૂળભૂત ફરક છે. કવિતાનું ફલક મોટું હોય છે. એનાં અવનવા તારણો અને અર્થો કાઢી શકાય અને લોજીકલી સાચા પ્રૂવ કરી શકાય. વાર્તામાં એ શક્ય નથી. વાર્તા સમજાય અથવા ન સમજાય. ત્યાં ધારા ૩૨૪ના લગાવી શકાય કે મેં જે કાઢ્યો એ અર્થ સાચો અને સારો જ છે. એના પર ડીસ્કશન શક્ય નથી.
તુમુલે કહ્યું કે હું રખડુ કિસમનો વ્યક્તિ છું પ્રવાસો કરતો રહું છું. મારી વાર્તાઓમાં જરૂર ન હોય છતાં ઇન્ડલ્જ થઈ જાઉં છું. મારા ટ્રાવેલોગમાંથી ઘણું ઘણું મારી વાર્તાઓમાં આવી જાય છે અને પછી વાર્તા બોરિંગ બનીજાય છે. રાજુ એ કહ્યું કે આનું એક કારણ એ હોઈ શકે કે તારું વાંચન ઓછું છે. ખૂબ વાંચ. પછી તને એ સમજાવા લાગશે કે 'આમ' ન હોવું જોઈએ કે 'આમ' હોવું જોઈએ!
શ્રી ર. વ. દેસાઈ પહેલા પોલીસ હતા, પછી કલેક્ટર થયા. પણ એમનાં લખાણમાં એ બાબત ક્યાંય આવતી નહિ. મહાશ્વેતાદેવી સોશીયલ એક્ટીવીટીમાં હતા. આદીવાસીઓ સાથે કામ કરતાં. આદીવાસી પ્રજા એટલે પીડીત પ્રજા. અત્યંત શોષિત પ્રજા. આ પ્રકારના જનસમુહના ઉત્કર્ષ માટે લડતી સંસ્થા સાથે તેઓ જોડાયેલા હતાં. પણ તે છતાં એમનાં લખાણમાં એ બધું આવતું નહિ. 'આમ, આવી રીતે, આ રીતે, આમ છે યાર' આ બાબત જાતે સમજવી પડે!
વચ્ચે મીના પુરાણીએ
(મીના પુરાણી દિવાળી પાર્ટીમાં પહેલી વખત આવ્યા હતાં, એમને અહેવાલોની ફાઈલ આપવામાં આવી હતી જે બેઠકમાં આવતા પહેલા વાંચવાની હતી.) પૃછા કરી કે હરકિસન મહેતાએ ટૂંકી વાર્તાઓ નથી લખી પણ જે નવકથાઓ લખી છે એ ખુબ લોકપ્રિય થઇ છે. છતાં તેમને સાહિત્યકાર તરીકે જોવાતા નથી આમ કેમ..?
સુત્રધારે કહ્યું માત્ર હરકિસન મહેતા નહીં અશ્વિની ભટ્ટ પણ ખુબ લોકપ્રિય નવલકથાકાર છે પણ સાહિત્યકાર તરીકે એમની પણ ગણના થતી નથી. એ દરેક લેખક જે લોકપ્રિય છે તેમને સાહિત્યકાર તરીકે ગણવાનો રિવાજ નથી. મહેશ મસ્ત ફકીર નામના એક લેખક હતાં જેમની જાસુસી સીરીઝ (રાજન-બેલા) ખુબ વંચાતી પણ એમને કોઇ સાહિત્ય લેખક ન ગણતું. કારણકે લોકપ્રિય કથાલેખન માં ઘટના નું મહત્વ વધુ હોય છે. પાત્રના માનસિક વલણ આલેખવાની, ઝીલવાની એમાં જરૂર નથી હોતી બલકે એ વિગત આવી કથાના પ્રવાહમાં અવરોધ બની જાય. આ લખાણનો સ્પષ્ટ ઉદ્દેશ મનોરંજન છે. લખાણ એવું પકડ વાળું હોય કે વાચક એની ગુંથણીમાં ખોવાઈ જાય અને ઉત્સુકતાથી કથા વાંચતો રહે. વિચારવાનો એને મોકો જ મળે.
--વિચારવાનો મોકો ન મળવો જોઈએ.
સાહિત્ય નો ઉદ્દેશ વિચારોત્તેજક લખાણ નો હોય. જયારે લોકપ્રિય લખાણ નો મંત્ર છે કે વાચક વિચારે એવો મોકો ન આપવો. આ ભેદ છે લોકપ્રિય લખાણ અને સાહિત્યિક લખાણમાં.
પણ આ ભેદ ને કારણે લોકપ્રિય લખાણ ને ઉતરતી કક્ષાનું ગણવું એ ભૂલ છે. લોકપ્રિય લખાણ લખવું આહવાન છે, ચોક્કસપણે કળા છે. વાચકને નજરબંધ રાખે એવું લખાણ લખવું એ નિ:શંકપણે એક સિધ્ધી છે.
જો લોકપ્રિય લખાણ ન હોત તો સાહિત્યિક લખાણ લઘુમતીમાં હોત અને કદાચ ઉપેક્ષિત પણ. આજે લોકપ્રિય લખાણની આંગળી ઝાલી કોઈ વાચક સાહિત્યિક લખાણ સુધી પહોંચે એવું બને છે તે ન બનતું હોત.
આમ આ નિમિત્તે થોડીક ચર્ચા કમર્શિયલ રાઈટીંગ વિશે થઈ. સાહિત્યિક અને કમર્શીયલ એટલે કે વ્યાવસાયિક રાઈટીગ વચ્ચેના ફર્કને સમજવાનો પ્રયત્ન થયો. રાજુ એ વાતને આગળ વધારતાં કહ્યું કે એવું નથી કે કમર્શીયલ રાઈટીંગમાં સાહિત્ય તત્વ-સત્વ ન હોય.
અહીં હજી એક વાત સમજી લઈએ. લોકપ્રિય લખાણ અને સાહિત્યિક લખાણ એવા માત્ર બે જ અંતિમ છે એવું ન માનવું. લોકપ્રિય સાહિત્યિક લખાણ પણ હોય છે. અંગ્રેજી વાર્તાકાર ઓ. હેન્રી વ્યાવસાયિક લેખક છે. એમની વાર્તાઓનું બંધારણ કમર્શીયલ હોય. પરંતુ એમાં સહિત્યતત્વ પણ ભરપૂર હોય. તેઓને વાંચ્યા વિના ચેન ન પડે. એવી જ રીતે મોપાસા પણ. મોપાસાએ 'જ્વેલરી' વિષય પર આઠ વાર્તાઓ આપી. આઠેઆઠ એકમેકથી સાવ અલગ. વૈવિધ્યસભર. જકડી રાખનારી. આપણી ભાષામાં પન્નાલાલ પટેલના લેખનને શું આપણે લોકપ્રિય ન કહી શકીએ? ઝવેરચંદ મેઘાણી?
મીના ત્રિવેદી એ કહ્યું કે ઘણાં વાર્તાકરો-નવલકથાકારોનાં લખાણોમાં એમની પોતિકી ટીપીકલ ટાઈપની શૈલી હોય છે. દા.ત. અશ્વિની ભટ્ટનાં લખાણોમાં જ્યોગ્રોફિકલ એટલેકે ભૌગોલિક વર્ણનો/બાબતો ચોક્કસપણે આવે. તેઓની વાર્તાઓમાં આ વર્ણનો પ્રચુર માત્રામાં આવતા જરૂર હોય છે પણ તે મૂળ વાર્તાને પૂરક હોય છે, વાર્તાને આગળ વધારતા હોય છે. તેઓ નેપાળને પશ્ચાદભૂમાં રાખી વાર્તા લખશે તો એમાં નેપાળની ભૂગોળ તો આવશે જ પણ સાથે સાથે તેમાં નેપાળની સંસ્કૃતિ પણ આવશે. આ એવું છે કે વાર્તામાં નદી આવી પણ એ નદી ફક્ત ઉલ્લેખ પૂરતી નહિ હોય, એ જશે છે...ક વહેણ સુધી.
રાજુએ કહ્યું કે લખાણ પર એમની એટલી ગ્રીપ રહેતી. શૈલી પરની ગ્રીપ. એમણે હરકિસન મહેતાનું ઉદાહરણ આપ્યું. એમણે કહ્યું કે હરકિસનભાઈની નવલકથાઓમાં કાયમ મોટામોટા પામતાં પહોંચતા રઈસ પરિવારોની વાતો આવે. ધનાઢ્ય પરિવારો, એમની લેવીશ લાઈફ સ્ટાઈલ અને એમનાં એવા જ લેવીશ પ્રોબલ્મસ અને એની વાર્તા. એમની વાર્તામાં ક્યારેક ગરીબ, મજબુર પરિવારની વાત ના હોય.
આમ અશ્વિની ભટ્ટ અને હરકિશન મહેતા બે અત્યંત સફળ નવલકથાકાર - બન્નેનું જુદુ ગ્રામર - જુદી શૈલી.
મીના ત્રિવેદી એ કહ્યું કે જો તમારી વાર્તામાં એ કોમપ્લીમેન્ટરી હોય તો ચાલે જ.
ફરી વાર્તા લેખન ને લગતી મૂંઝવણ ની ચર્ચા કરતાં તુમુલ ને એક સવાલ નો જવાબ આપતા સુત્રધારે કહ્યું કે હજુ તુ એ તબક્કામાં નથી કે એવી દલીલ કરી શકે કે કહી શકે કે મારા હિસાબે તો આ બરાબર છે. 'તારા હિસાબે'ને ગણત્રીમાં લેવાય એ માટે હજી થોડું લખો. પછી કોઈને પૂછો. ડિસ્કસ કરો.
વ્હેન વી આર ડીસ્કસીન્ગ, એક્ચ્યુલી વી આર કન્સલ્ટીન્ગ.
પછી વાત નીકળી કે વાર્તા ક્યાંથી શોધવી? ક્યાંથી મળે?
સમીરાએ કહ્યું કે મને તો હાલતા ચાલતા વાર્તાની કડીઓ મળે છે. સામે પડેલી ખુરશી તરફ આંગળી ચીંધી એણે કહ્યું,"આ ખુરશીમાં પણ મને વાર્તા દેખાય છે!"
મીના ત્રિવેદીએ કહ્યું હું આવી રીતે ન લખી શકું. કોઈ એક વિષય મનમાં આવે. આસપાસ બનેલા બનાવોમાંથી એ ઉપસે પછી ઘુંટાયા કરે. રાત દિવસ. આખું માળખું તૈયાર થાય પછી વાર્તા લખાય.
વાર્તા તો આસપાસ બધી જગ્યાએ છે. દ્રષ્ટિ કેળવવાની જરૂર છે!
રાજુએ આ તબક્કે કહ્યું કે ઇન જનરલ, દેશી-વિદેશી બધી જ ફિલ્મોમાં જે ગડબડ છે એ વાર્તાઓમાં પણ છે. ફર્સ્ટ હાફ તો હોય પણ સેકન્ડ હાફ હોય જ નહિ! ઓડીયન્સ તરીકે આપણને સેટિસ્ફેકસન ન મળે. બેલેન્સ તો જળવાવું જોઈએને.
વાર્તામાંઆપણે એ ખુશફહેમીમાં હોઈ કે મેં કોન્સેપ્ટ એકદમ અદભૂત લીધો છે. ફર્સ્ટ હાફ દમામદાર રીતે અવતરે પણ પછી સેકન્ડ હાફની બાબતમાં વિચારતા જ નથી! ફર્સ્ટ હાફના રોમેન્ટિસિઝમમાં વાર્તાને અન્યાય કરી બેસીએ છીએ. પછી એવું થાય કે લખાણ વાર્તા બને જ નહિ. મોટાભાગની વાર્તાઓમાં આવું બનતું હોય છે.
સેકન્ડહાફ બજારમાં મળતો નથી. ક્યારેક એવું પણ થાય કે વાર્તા લખવાની શરૂઆત થાય ત્યારે જ સેકન્ડહાફ તમને મળી જાય, અને કદાચ ન પણ મળે. જો એ તે વખતે ન મળે તો તમને ખબર પડવી જોઈએ કે નથી મળ્યો! અને એ વાતના સ્વિકાર માટે નૈતિક હિમ્મત હોવી જોઈએ. તમને હજુ વાર્તા બરાબર રીતે નથી આવડતી એ સ્વિકારો, અહમ્ ને બાજુએ રાખીને સ્વિકારો.
એમ પણ જે દિવસે મને આવડી ગયું વાળી ફીલિંગ આવી જશે, તે દિવસે નિવૃત્તિ લેવાનો વખત થઈ ગયો એમ સમજવું. અસંતુષ્ટિ તમને બુસ્ટ કરે છે.
મીનાબેન એ કહ્યું કે એમની અમુક વાર્તાઓ એટલે પડી રહી છે કારણકે એ ક્ષેત્રનું એમને જ્ઞાન/જાનકારી નથી. દા. ત. એમની જંગલવાળી વાર્તા. રાજુએ કહ્યું કે રીસર્ચ કરો. ગૂગલમાં જાઓ. જંગલ વિષયને લગતું સાહિત્ય વાંચો. અનુભવ લો. વાર્તા પૂરી કરો.
તુમુલે કહ્યું કે એને એકવાર લખી લીધા પછી મઠારવાની ખૂબ આળસ આવતી હોય છે. (મીનાબેનનું પાણ એવું જ છે).પરાગે ટાપશી પૂરાવી કે વાત તો સાચી. એકવાર વાર્તા લખવાનું ચાલુ કરીએ ત્યારે એને પૂરી કરવાની ખૂબ ઉતાવળ હોય. એક્સાઈટ્મેન્ટ હોય. આજે ચાલુ કરી, આવતીકાલ સુધીમાં પૂરી થઈ જ જવી જોઈએ. પણ પૂરી લખાઈ ગયા પછી મઠારવાનો સખત કંટાળો આવતો હોય છે.
સમીરાએ કહ્યું કે લખાણ મઠારવાનું કામ અત્યંત જરૂરી છે. ગુલઝાર જેવા મોટા, સિદ્ધહસ્ત સર્જક પણ કહે છે કે જ્યારે હું કશું જ કામ નથી કરતો હોતો, ત્યારે મારી જુની રચનાઓને મઠાર્યા કરું છું.
આપણે ત્યાં જે જે મહેમાન સર્જકો આવ્યા તેઓ કહેતા રહ્યા છે કે લખતા રહો. કંઈકને કંઈક. એનાથી હાથ સાફ થશે. કલમને રંધો લાગશે. લખવાની પ્રેક્ટીસ થતી રહેશે પ્રયોગો તો જ કરી શકાશે, ત્યારે જ હાથોટી આવશે. અને લખાણમાં આગળ વધી શકાશે. નવા પ્રયોગો કે પછી નવી અભિવ્યક્તિ બન્નેમાંથી કંઈક એક હોવું જોઈએ. સાવ સીધું, સાદું સામાન્ય, સરળ વસ્તુ વાચકોનું ધ્યાન ખેંચવામાં રસ જમાવવામાં અસફળ થાય એવું પણ બને.
રાજુએ  આ વાતમાં દાખલો આપતાં  તરત સામે પડેલા પેપર પ્લેટ અને ચમચાનાં સ્ટેન્ડ તરફ આંગળી ચીંધી અને કહ્યું," આ પ્લેટ છે અને આને ચમચા કહેવાય." આવા સીધા ને સટ્ટ  લખાણનું વજન પડતું નથી! ડ્રામા ઉમેરવો પડે.
આ વખતની બેઠકમાં વાર્ષિક પ્રવૃત્તિ વિષે વિચારણા કરવી એવું પહેલેથી નક્કી કરવામાં આવ્યું હતું. ધ્યાનમાં રહે કે ગયા વર્ષે ૩જી ફેબ્રુઆરી ૨૦૧૫ ના દિવસે બેઠકોનો આરંભ થયો હતો. ગયા મહિને એટલે કે ફેબ્રુઆરી ૨૦૧૬માં એક વર્ષ પૂર્ણ થયું. આ એક વર્ષનાં લેખાજોખા પર નજર નાખવામાં આવી. આપણે શું પામ્યા?, ક્યાં કચાશ રહી ગઈ?, કઈ બાબતોથી બચવાની જરૂર હતી એ બધી ચર્ચા વિચારણા થઈ.
ઉપયુક્ત વાર્તા વિષયક વાતો પછી એ ચર્ચાસત્ર ચાલુ થયું. ગ્રુપનાં કોર મેમ્બર્સ અને સુત્રધાર વચ્ચે ગરમાગરમ ચાય પર ચાયથી પણ વધુ ગરમાગરમ ચર્ચા થઈ. દલીલો થઈ. પ્રતિદલીલો થઈ.
સમીરા ઝાંસીકી રાની બનીને આવી હતી. એણે ઝંડો હાથમાં લીધો. એણે કહ્યું કે બેઠકોમાં એવું થતું હોય છે કે કોઈને બોલવાનો મોકો મળે છે અને કોઈને નથી મળતો. આમ જાણતા અજાણતા અમુક સભ્યોને અન્યાય થતો હોય છે. મુદ્દાઓ પર બરાબર ચર્ચા નથી થતી. ઘણીવાર એવું થય છે કે વીંગમાં બેઠેલાને તખ્તા પર આવવાનો મોકો જ નથી મળતો.
આ તબક્કે સુત્રધારે એવું સુચવ્યું કે બેઠકની શરુઆતમાં જ એક સ્પીકરની નીમણુક કરવી. એ મોનીટરિંગ કરે, કન્ટ્રોલીંગ કરે અને આ સ્પીકરની ખુરશી હરતી ફરતી રાખવી. દર બેઠકમાં નવો સભ્ય સ્પીકર બને.
આ સંકલ્પના માટે સહુ તૈયાર નહોતા! સહુ ની પહેલી પ્રતિક્રિયા બહુ મોળી આવી કે ચર્ચા બહુ ઔપચારિક થઇ જશે. સ્પીકર તો સંસદમાં હોય.એમ મેં (એટલે કે રાજુલે) કહ્યું . સમીરા એ ટાપસી પૂરી : "એજ તો!" અને આપણી વાર્તાની બેઠક છે કંઈ સંસદ નથી..
સુત્રધારે કહ્યું, ચર્ચા સંસદમાં પણ થાય છે અને અહીં પણ, જોઈએ સ્પીકર થી કઈ ફેર પડે છે કે.. પ્રયોગ ખાતર સહુ હા પાડે એટલામાં સુત્રધારે નવા નિશાળિયા તુમુલ ને સ્પીકર નીમી દીધો અને કહ્યું, "ધ્યાન રાખજે હવે કે સહુ ને મોકો મળે છે ને પોતાની વાત કરવાનો".
તુમુલ ચમક્યો. પણ એને પુછાયું નહોતું, કહેવાયું હતું.. એનો ચહેરો અવઢવ્યો! પણ એના પર કોઈએ ઝાઝું ધ્યાન આપ્યું નહિ અને ચર્ચા આગળ વધી.
ખેર, પછી સમીરા એવું સુચન કર્યું કે શિબિરની રૂપરેખા શિબિરની પહેલા જ નક્કી કરી લેવામાં આવે.
સુત્રધારે આ સાંભળીને કહ્યું કે આ કળાની વાતો છે અને એ જીવતા બોમ્બ જેવી હોય. અહિં કયો ઈશ્યુ કેટલો મોટો થઈ જશે એ આપણે પહેલેથી જાણી શકતા નથી. એ ઈશ્યુ પોતાની સાથે કેટલા પ્રોબ્લમ લઈ આવશે એ આપણને ખબર હોતી નથી. અગાઉથી કેમ નક્કી કરીએ..?
સમય વહેંચણીની વાત આવી. કોઈ બે પાનાની વાર્તા વાંચે તો કોઈ અગીયાર પાનાની! રાજુ એ કહ્યું કે વાર્તા લાંબી કે મોટી હોઈ શકે. પાછલી શિબિરમાં(૮ મી ) પિયુષભાઈની વાર્તા મોટી હતી એ એમનો વાંક નહોતો. આપણે એમ ન કહી શકીએ કે 'ઈતને પૈસેમેં ઈતના હી મીલેગા'.. એવું ન થઈ શકે! આ બધું આપણી પ્રજ્ઞા ઉપર આધારિત છે. સમજો કે કોઈની વાર્તા લાંબી છે, તો એ ક્યાં જઈને વાંચશે ?
પણ સભ્યોએ દલીલ કરી કે ૧૧/૧૨/૧૩ આટલી લાંબી લાંબી વાર્તાઓનાં પઠન શિબિરનો ઘણો સમય રોકી લે છે. એના કરતા ફેસબુક પર મુકવી. ત્યાં જ બધાં રીએક્શન આવી જાય. પછી શિબિરમાં એ પોઈન્ટસ પર ચર્ચા કરવામાં આવે અને તો કામ થોડીક મિનિટોમાં પતી જાય. તે સમયે બધાં એકસાથે બોલી રહ્યા હતાં અને સ્પીકર  ટપારવાનું ભૂલી ગયો એટલે સુત્રધારે સ્પીકરને ટપાર્યો કે ભાઈ તારું ધ્યાન ક્યાં છે?
સ્પીકર ફરી મુંઝાઈ ગયો!
રાજુ એ કહ્યું કે વાર્તાવાંચન એક રોયાલીટી છે અને આ શિબિરો એના માટે જ છે. અહિ કશુંય, ક્યારેય નહિં થાય એવું નથી. હા, એ સાચું કે સમય પ્રમાણે ચાલવું જોઈએ. આપણું એક ચોક્કસ લિમિટેડ બજેટ હોય તો એમાં અમિતાભને ન લઈ શકાય! તેથી શિબિરમાં વાર્તા વાંચવાનો મોહ ટાળવો એ જ હિતાવહ છે.
મીના ત્રિવેદીએ કહ્યું કે શિબિરમાં નીવડેલી એટલે કે ડ્રો દ્વારા સીલેક્ટ વાર્તાઓ વાંચી શકાય. આપણામાંથી જ કોઈની વાર્તાઓ નક્કી કરીએ. જે મેમ્બરને રસ હોય એ જાણ કરે અને પછી બેઠકના દિવસે ડ્રો કરીએ. જેનું નામ આવે એની વાર્તાનું પઠન થાય. આ વિચારને સૌએ વધાવી લીધો. પછી એમાં સુધારો એ ઉમેરાયો કે જે સભ્ય બેઠકમાં પોતાની વાર્તાની ચર્ચા થાય એવી ઈચ્છા રાખતા હોય એ પોતાની વાર્તા મેઈલથી શિબિરના સભ્યોને અગાઉથી મોકલી દે. જો એક થી વધુ સભ્ય આમ ઈચ્છતા હોય તો શિબિરના દિવસે એમના નામનો ડ્રો થાય. શિબિરમાં વાર્તાનું પઠન ટાળીએ. વાર્તા અગાઉથી વાંચવા મળી ગઈ હોય તો સીધા ચર્ચા શરુ કરી શકાય અને સમય બચે.
સમીરાએ કહ્યું કે બેઠકોમાં ઘણીવાર ચર્ચાઓ ડાયરેક્શન વગરની હોય છે. પરાગે આ મુદ્દે ટાપશી પૂરાવી કે એવું કરી શકાય કે કોઈ એક લેખક પસંદ કરવાનો, એનાં અલગ અલગ સર્જનો વિષે ચર્ચા કરવાની. એમનાં સ્પેસીફીક સર્જન વિષે ચર્ચા કરવાની, મુલવવાનું. આ વાત સહુને પસંદ પડી અને સહુ એ સ્વિકારી.
આ રીતે શિબિરની રૂપરેખા વિષે વિચારવિમર્શ કરીને એક ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું.
૧) સભ્યોની વાર્તા પર ચર્ચા.
૨) સભ્યેતર વાર્તાનું પઠન અને ચર્ચા.
૩) ગેસ્ટ રાઈટરને આમંત્રણ.
૪) ઓન ધ સ્પોટ ટાસ્ક.
૫) વાર્તાકલાને લગતાં પ્રશ્નોની પ્રશ્નોત્તરી.
આ બધાને એક એક કલાક ફાળવવો એવું નક્કી થયું. પણ બધા જ સભ્યોએ એકસૂરે કહ્યું કે એક એક કલાક પર્યાપ્ત નહિ થાય. એટલે એવું નક્કી થયું કે જે દિવસે ગેસ્ટ રાઈટર આવશે તે દિવસે સભ્યેતર વાર્તાનું પઠન નહિ કરવામાં આવે. આવી રીતે સમય એડજેસ્ટ થઈ જશે. સાથે સાથે એ વાત પણ નક્કી થઈ કે હવેથી દરેક નવા આવનારા સભ્યને શિબિર અટેન્ડ કરતાં પહેલા બ્લોગ પરનાં આજ સુધીનાં અહેવાલ વાંચીને આવવાનો આગ્રહ કરવો. જેથી બેઝિક જાણકારી મઈ જાય.. વાર્તાલેખનનાં બેઝિક નિયમોથી માહિતીગાર થવાય અને શિબિરમાં દર વખતે કરવા પડતા રીપીટેશનથી બચી શકાય. આ રીતે ઘણો સમય પણ બચશે. અને આ કામ સભ્યો કરે. જે સભ્ય પોતાના મિત્ર વર્તુળમાંથી કોઈ મિત્રને ફોરમમાં એડ કરે આ વાત યાદ રાખીને કહે.
મીના ત્રિવેદીએ સજેશન આપ્યું કે ટીપ્પણીની પણ રૂપરેખા નક્કી કરવાની. દા.ત. પાત્રાલેખન કેવું છે?
રાજુએ કહ્યું કે તમે આમ ગાંધીનાં વેશમાં હિટલર જેવી વાત ન કરો. આ વાર્તા શિબિર છે. સમાજમાં કેવી રીતે જીવવું એ શીખવાડતી કોઈ સામાજિક સંસ્થા નહિ. એમણે કહ્યું કે કેવી ટીપ્પણી કરવી એ નક્કી કરીને ટીપ્પણી કરવાથી વાર્તાની પ્રતિક્રિયાઓ બીબાઢાળ થઇ જશે . વાંચન ઈટસેલ્ફ એક કળા છે. વાર્તાને 'વાંચતા' આવડવી જોઈએ. ધારોકે એક વાર્તા છે. એના પર હાજર આઠ અલગ અલગ જણ શું કહે છે એ જાણવું પણ વાર્તા લખતા શીખવાનો એક ભાગ છે. બધા પોતપોતાની રીતે સમીક્ષા કરે. ટીકાનું કે વખાણનું ગ્રામર શીખવાનું ન હોય . બધા બોલે એ સાંભળવું. આપણે જે મુદ્દા નોંધ્યા, ગોત્યા એ સિવાય બીજા ભાવકોએ આપણા કરતાં અલગ કયા મુદ્દા નોંધ્યા એ જોવું. આ જ રીતે વાર્તાને નાણતા શીખાય. એમણે આગળ કહ્યું કે વારતા મુલવવાના એવા કોઈ ચોક્કસ ફોર્મેટ ને બદલે એક સ્પષ્ટ રીત રાખીએ કે રીએક્ટ કરો, પણ જવાબદારી સાથે.. કારણ આપીને. એમ પણ વાર્તાને સમજવાનાં અનેક પાસા/મુદ્દા છે અને એ કયા ફક્ત એ જાણવાની જરૂર છે. દા.ત. ઘટના, સંવાદ, પાત્રાલેખન, અંત, વાર્તાનું ફ્લેવર, ક્લેવર, વાતાવરણ અને બીજાં અનેક..
ધારોકે..
મને તુમુલની વાર્તા બકવાસ લાગે છે.. કારણકે..
મને તુમુલની વાર્તા અદભુત લાગે છે.. કારણકે..
જે પણ કહો, સકારણ કહો.
(નવો સવો તુમુલ આ સાંભળીને ક્યાંક હેબતાઈ ન ગયો હોય! આવતી બેઠકમાં આવશે કે નહિ આવે- શી ખબર!)
મીના ત્રિવેદીએ પણ કહ્યું કે જેટલા ટાસ્ક કર્યાં, વર્ચ્યુલી મુક્યાં. ટીપ્પણીઓ આવી. એને નજર સામે લેવી જોઇએ પણ એવું નથી થયું. રાજુએ કહ્યું કે અત્યાર સુધીનું એક વર્ષ ટ્રાયલ અને એરરમાં ગયું છે. હવે નક્કર કામ કરવું છે. વાર્તાઓ પર આઘાત-પ્રત્યાઘાત આવશે, કૉલ લેવાશે, લાઈવ ડિસ્કશન થશે, પોસ્ટમોર્ટમ થશે.. એક કલાક ફક્ત એ માટે ફાળવશું.
ત્યાં જ રાજુના પાડોશમાં રહેતા પ્રતિભા સોમણ
 ડોકાયા. પ્રતિભાને અન્ય એક ફેસબુક વર્તુળ “અર્ધાંગી”ના સદસ્ય તરીકે અમે ઓળખીએ. તેઓ મીના ત્રિવેદીને મળવા આવ્યા હતા. તેઓ ફિલ્મ એક્ટર યશપાલનાં પત્ની છે. યશપાલે લગાન, ગંગાજલ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. પ્રતિભાએ પોતે પણ ડોક્યુમેન્ટ્રીઝ બનાવી છે. તેઓ એ આવીને મીનાબેનને પૂછ્યું,"હુઆ ક્યા? તો થોડી દેર મેરે ઘર ચલીયે." પણ બેઠક હજુ અડધે પણ પહોંચી નહોતી એટલે મીનાબેને ના પાડી. તો એમણે રાજુ તરફ આંગળી ચીંધીને હળવી મજાક કરી કે," ક્યાંથી થાય પૂરું! યે આદમી કી...તની સારી બાતેં કરતા હૈ!" બધા હસી પડ્યા.
રાજુએ એમને ચાય બનવાની છે એવી લાલચ આપી તેથી તેઓ પણ થોડીવાર બેઠા.
રાજુએ એક પ્રસ્તાવ મુક્યો કે આ ફોરમ બીજી ચીલચાલુ ફોરમ જેવી નથી. એક્ટિવ ફોરમ છે. અહિ અમુક લોકો રેગ્યુલર ધોરણે પોતાની વાર્તાઓ પોસ્ટ કરે છે, ટીપ્પણીની અપેક્ષા રાખે છે પણ એમને બીજા સભ્યોની પોસ્ટ થતી વાર્તાઓ વાંચવામાં રસ પડતો નથી. તેઓ અન્યોની પોસ્ટ પર નજર નાખીને એકાદ ટીપ્પણી કરવાની પણ તસ્દી લેતા નથી. એવા સભ્યોને લીમીટેડ કરી શકાય. આ પ્રસ્તાવનો પણ વિરોધ થયો. આવા નિયમ સરાહનીય નથી એવુ બધાએ કહ્યું એટલે એ વાત પણ પડતી મુકાઈ.
મીના ત્રિવેદીએ કહ્યું આનો તોડ એ રીતે કરી શકાય કે જે બેઠકમાં હાજરી ન આપે એમને ફેસબુક ફોરમમાં એડ ન કરવા. બેઠકમાં હાજર ના રહેવું હોય એ સભ્યોને એન્ટરટેઈન શા માટે કરવા? એમની વાહિયાત વાર્તાઓ શા માટે વાંચવી?
રાજુએ એક ઉદાહરણ આપ્યું.
એક ચોર હતો. ચોરી કરીને એ પોતાનું નિર્વાહ ચલાવતો. એક દિવસ એ જ્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં મહાવીર ભગવાનનું પ્રવચન ચાલી રહ્યું હતું. તે પ્રવચન સાંભળવાતો ન રોકાયો પરંતુ ચાલતાં ચાલતાં એના કાને અનાયસ જ એક વાક્ય પડ્યું." વૃદ્ધોમાં ઉધરસનું પ્રામાણ વધારે જોવા મળે છે અને એટલે તેઓ રાતે સરખું ઉંઘી શકતા નથી, અને મોડે સુધી જાગતાં પડ્યા રહેતા હોય."
બીજે દિવસે ચોર ચોરી કરવા એક ઘરમાં ઘુસ્યો. ત્યાંજ તેને ઉધરસનો અવાજ આવ્યો. એને ધ્યાન આવ્યું કે ક્યાંક ઘરમાં કોઈક જાગતું પણ હોઈ શકે. એણે એ દિવસે ઘર બદલી નાખ્યું. એ ઘરમાં ચોરી કરી નહિ.
પછી એને વિચાર આવ્યો કે ફક્ત એક વાક્ય સાંભળ્યું તો હું આજે મોટી મુસીબતમાંથી ઉગરી ગયો. જો વધુ સાંભળુ તો?
વાંચન કોઈ પણ હોય, ગુણકારી જ હોય છે. એ ક્યાંકને ક્યાંક કામ આવશે. તમને કશુંક શીખવશે. એમણે પોતાનો દાખલો આપ્યો. અંગ્રેજી લેખક ડેલ કાર્નેગીનું પુસ્તક 'હાઉ ટુ વીન એનીમી એન્ડ મેડ ધેમ ફ્રેન્ડ્સ' એમનાં હાથમાં આવ્યું. એમણે વાંચવાનુમ શરૂ કર્યું. એ પુસ્તક એમને બોરિંગ લાગ્યું. પણ સતત સળવળતી વાંચન ભૂખ સંતોષવા માટે તેઓ જે હાથમાં આવે એપુસ્તક વાંચી નાખતા. એ પુસ્તક પણ એમણે વાંચી નાખ્યું. આગલ જતાં એ પુસ્તકમાં વાંચેલા તથ્યો અને સત્યો એમને જીવનમાં ઘણે ઠેકાણે કામ લાગ્યા.
આ વાંચનભૂખ સતત કશુક કાતરતા કે કુતરતા રહેતા ઉંદરો જેવી છે. દર વખતે ઉંદર ખાવા માટે જ કંઈક ને કંઈક કાતરતો હોય એ સાચું નથી. જો એ નહિ કાતરે તો એનાં દાંત મોટા થતાં જાય અને પછી એમની લંબાઈ કનડે. હલનચલનમાં નડે.એટલે કુતરવુ એમ્ના માટે અત્યંત જરૂરી.
આવી જ રીતે ક્યારેક વાહિયાત જણાતી વાર્તામાંથી પણ કશુંક મળી જ રહેતું હોય છે.

પણ સુત્રધારે એક બીજો પ્રસ્તાવ મુક્યો. એમણે કહ્યું કે એવો નિયમ બનાવીએ કે પોતાની પોસ્ટ મુકનાર દરેક સભ્યએ કમ્પલસરી ટીપ્પણી આપવી. જો એ આ નિયમ પર અમલ ન કરે તો ફોરમમાંથી એને રજા આપવી. પરાગે દલીલ કરિ કે પોસ્ટ વાંચ્યા વગર પણ લાઈક કરી શકાય અને "સારું છે" એવી કમેન્ટ પણ આપી જ શકાય. લોકો આ રસ્તો પણ કદાચ અપનાવે તો કહેવાય નહિ! છેવટે ચર્ચા પછી આ વાતનું પણ એકસૂરે એ તારણ નીકળ્યું કે આવા કડક પગલા ન લઈ શકાય. એ ફોરમના હિતમાં નથી. આવા પગલાથી ફોરમનો વિસ્તાર થતો અટકી જશે.
મીનાબેનને કહ્યું કે આવા બીજા પણ અમુક પેજીસ છે. જે માર્ગદર્શન આપે છે ત્યાં કેવુ કામ થઈ રહ્યું છે એ જોવું રહ્યું. પરાગે કહ્યું કે સુરતમાં શ્રી શરીફા વીજળીવાળા વાર્તાલેખનનું એક સરસ ગ્રુપ ચલાવી રહ્યા છે. ત્યાં સારું કામ થઈ રહ્યું છે.
સુત્રધારે કહ્યું કે આપણે ગ્રુપ માટે ધારાધોરણ બનાવીએ. એક્ટીવ મેમ્બર્સ જવાબદારી લે અને આવનારી પોસ્ટો પર રેગ્યુલરલી રીએક્ટ કરે.
તે સિવાય પણ સુત્રધાર અને કોર મેમ્બર્સ વચ્ચે અમુક બાબત પર ચર્ચા થઈ, અમુક વાતો નક્કી થઈ. નિયમો બન્યા.
વાત ફરી વાર્તાલેખન તરફ ફંટાઈ. પરાગે કહ્યું કે જીવન એકધારૂં ખુબ સરળતાથી ચાલી રહ્યું છે. જીવનના અનુભવોથી પ્રેરણા લઈ વાર્તા લખાય પણ કશું અલગ/નવીન નથી બની રહ્યું. તો હું વાર્તા ક્યાંથી લખું?
સુત્રધાર કઈ બોલે એ પહેલા મીના પુરાણીએ કહ્યું કે મારી પાસે ઘણા પ્લોટ છે. મારો પ્રોબ્લમ એ છે કે હું એમને આલેખું શી રીતે? સમજો લખી પણ શકું પરંતુ એ પ્લોટમાંથી વાર્તા બનશે કે નહિ એ મને ખબર
નથી. મીના ત્રિવેદી એ કહ્યું કે હું ફક્ત કલ્પનાથી, કલ્પના કરીને નથી લખી શકતી. કંઈક આસપાસ બન્યું હોય, ઘટ્યું હોય ફક્ત એના પરથી પ્રેરિત થઈને જ લખી શકું છું. દાં ત. વૉલપેપર પર લખવાનું હતું. એ બાબત પૂરી કાલ્પનિક હતી. એ મારાથી સારી રીતે ન થઈ શક્યું!
સુત્રધારે અહિં એક ઉદાહરણ આપ્યું.
કૃષ્ણએ એક વખત દુર્યોધન અને યુધિષ્ઠિર બન્નેને બોલાવ્યા. એમણે એ બન્નેને ૨૪ કલાકનો સમય આપ્યો અને દુર્યોધનને નગરમાંથી એક સજ્જન માણસને શોધી લાવવાનું કામ સોંપ્યુ અને યુધિષ્ઠિરને એક દુર્જન માણસ શોધી લાવવાનું. બન્ને ને ૨૪ કલાક પછી રીપોર્ટ કરવા કહ્યું.
આપેલ નિયત સમય પછી બન્ને ફરી કૃષ્ણ સમક્ષ હાજર થયા. દુર્યોધને કહ્યું કે તેને આખા નગરમાંથી એક પણ સજ્જન જડ્યો નહિ અને યુધિષ્ઠિરે કહ્યું એને એક પણ દુર્જન વ્યક્તિ ન જડી!
આ બધી દ્રષ્ટિ કેળવવાની વાત છે. એક મીનાને ક્યાંય વાર્તા નથી દેખાતી અને બીજી મીનાને દરેક જગ્યાએ વાર્તા દેખાય છે!
રાજુએ પોતાનો અનુભવ કહ્યો.
તેઓએ એક દિવસ સ્ટેશનથી પોતાના ઘરે જવા રીક્ષા રોકી. તે સમયે તેઓ પર પર્સનલ ટેન્શન ખૂબ હતું. માતાપિતાની વય થઈ ગઈ હતી. પિતાની તબિયત સારી નહોતી રહેતી. સાથે કામનું ટેન્શન. આ બધી અવઢવમાં તેઓએ રીક્ષા રોકી. રીક્ષાવાળાને પોતે જે સ્થળે જવું હતું તે સ્થળ જણાવ્યું. સ્થળ સાંભળીને રીક્ષા ડ્રાઈવર હસ્યો. રાજુને એનું હસવું અખર્યું. એમણે કારણ પૂછ્યું. રિક્ષાવાળાએ જવાબ આપ્યો," મૈં હંસા ક્યુંકી અભી અભી મૈં વહીં સે આ રહા હું.. ઔર વાપસ વહીં કા ભાડા મીલા.." તેઓ રીક્ષામાં બેઠા.. અમુક મિનિટો પછી એમને લાગ્યું કે આમાં, રીક્ષાવાળાની વાતમાં તો એક વાર્તા છે. રીક્ષા ફ્લાય ઓવર પર પહોંચી ત્યાં સુધીમાં એમને વાર્તા મળી ગઈ. ઘરે પહોંચીને તરત જ તેઓ લખવા બેસી ગયા. એમના મમ્મીએ પહેલા જમી લેવા કહ્યું. પણ રાજુ એ એ વાત પર ધ્યાન ન આપ્યું. લખતા રહ્યા. અને.. તે વિષય પર ૫૦ પાનાની એક વાર્તા અવતરી.
એમણે મન્ટોની વાત કહી. મન્ટો એવી એવી સુક્ષ્મ વાતો/બાબતોમાંથી વાર્તા શોધતા કે કોઈને પણ ઈર્ષ્યા થાય. એમના જમાનામાં મન્ટોએ વિષયમાં અઢળક વૈવિધ્ય આપ્યું છે. બોલ્ડ ગણી શકાય એવા વિષયો પર હાથ આજમાવ્યો છે.
એમણે મન્ટોની વાર્તા 'ફાહા'નું ઉદાહરણ આપ્યું.
મન્ટોની એ વાર્તામાં એક છોકરીની વાત છે કે જે મોટી થઈ રહી છે. બાળકીમાંથી કુમારિકા બની રહી છે. એક દિવસ એ જુએ છે કે એને શરીર પર કંઈક ગુમડા જેવું ઉપસી આવ્યું છે. દિવસે દિવસે એ ગુમડું મોટું થતું જાય છે. એ ચિંતિત થઈ જાય છે. ડરી જાય છે. છોકરી પછી પોતાના ભાઈ પાસે કોઈ દવા/ક્રીમ મંગાવે છે. ભાઈ લાવી આપે છે. એ છોકરી રોજ પેલા ગુમડા પર એ ક્રીમ લગાવે છે પણ ગુમડું મટવાને બદલે વધતું જ જાય છે. વાર્તાના અંતે એ વાત ખૂલે છે કે એ ગુમડું હકીકતમાં ગુમડું હતું જ નહિ! છોકરી બાલ્યાવસ્થામાંથી કુમારાવસ્થામાં પ્રવેશી રહી હતી. એનાં શરીરનો, અંગોનો વિકાસ થઈ રહ્યો હોય છે. એનાં ભાગરૂપે એનાં સ્તન પણ વિકસી રહ્યાં હોય છે અને એને એમ લાગે એને ગુમડું થયું છે.
હવે વિચારો. આ વાર્તા મન્ટોને ક્યાંથી મળી હશે? શી રીતે એમણે એ કુમારિકા બનવાની પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી  છોકરીના પાત્રમાં પ્રવેશ કર્યો હશે અને એને આલેખ્યું હશે?
મન્ટોની વાર્તાઓ વાંચીએ ત્યારે આવા જ પ્રશ્નો થાય." યાર.. આમાંથી વાર્તા ?" આપણને કોમ્પ્લેક્સ થઈ જાય! આ બધી વાતો ઉપરાંત પણ મન્ટોનું આલેખન એટલું સરળ હોય કે વિઝન પણ એટલી જ સરળતાથી ઉપસે!
પોણાસાત વાગી ગયા હતા. હવે શિબિરનું સમાપન થશે એવું લાગતું હતું ત્યારે સુત્રધારે યાદ અપાવતા કહ્યું કે 'હચમચાવનારી ઘટના'વાળા ટાસ્ક આપવા વિશે મારે કંઇક કહેવું છે. એમણે કહ્યું  કે હું ખુલાસો કરવા માંગુ છું કે શા માટે આ ટાસ્ક આપ્યો.
એમણે કહ્યું કે કલાકારનું ફલક બહુ મોટું હોય છે. વૈશ્વિક સ્તરે એની કલાના પડઘાં પડતા હોય છે.આપણે કલાકાર તરીકે, વાર્તાકાર તરીકે, વાચક તરીકે ફેઈલ ન થઈ જઈએ એ બાબત પ્રત્યે સજાગ રહેવું એ આપણું કર્તવ્ય છે. 'હવાઈ ગયેલું' કદી જ ના પીરસવું. એમણે એવું પણ કહ્યું કે વાર્તાકાર સ્વૈરવિહારી નથી. એ ભલે નીજી સર્જન કરતો હોય પણ સમાજ પ્રત્યે એનું કંઈક દાયિત્વ હોય છે. ભવિષ્યમાં લોકો જ્યારે કોઈ એક ચોક્કસ સમય ખન્ડ્ની વાત કરશે ત્યારે એમ નહિ પૂછે કે કે એ સમયે અંધકાર કેમ હતો? પણ એમ પૂછશે કે તે સમયે કવિ/સર્જકો શું કરી રહ્યા હતા? તમે પલાયનવાદ નહિ સ્વિકારો. પપ્પાના પ્રેમ પર વાર્તાઓ નહિ લખો. વાર્તા પિકનીક નથી, શરાબની મહેફીલ નથી. એ દુઃખની ધરોહર બનવી જોઈએ. જો વાર્તામાં રીયાલીટી આવશે તો ડીસ્કસ ઓછું કરવું પડ્શે. હવે પછી આપણે એ રીતે લખવાનું છે કે જે સાંપ્રત સમયને રીપ્રેઝન્ટ કરે. આપણા લોકપ્રિય વાર્તાકાર પન્નાલાલ પટેલે પોતાના અનુભવો લખ્યા છે. એમણે જે ખેતર ખેડ્યા છે એમાંથી વાર્તાનો પાક લીધો છે.એવું લખો કે જે  સ્પર્શે. વાચકનાં દિલનાં કોક ખૂણામાં સેવ થઈ જાય. ઈસ્મત ચુગતાઈને વાંચો, મહાશ્વેતા દેવીને વાંચો. શરદબાબુને વાંચો. વાર્તાકાર તરીકે તમારી ફરજ છે કે તમારે જીવવું પડશે. તમારે પ્રહારી બનવુ પડશે. તમે જે અનુભવ્યું એ તમારી વાર્તામાં ક્યાંક તો આવે જ. તમે જે સદીમાં જીવી રહ્યા છો એ તમારી વાર્તામાં ન આવે તો જીવવાનો/લખવાનો શો અર્થ? પેલી કહેવત યાદ છે ને.. 'મુર્દે બોલા નહિ કરતે.. ક્યુંકી વોહ સોચતે નહિ!'
યાદ રાખો..સાહિત્ય એ માત્ર મનોરંજનનું સાધન નથી!
અને રાજુએ પોતાની વાત પૂરી કરી. સહુ જાણે તંદ્રામાંથી જાગ્યા. આ ટાસ્ક આપવા પાછળ આવું કારણ હોઈ શકે એ સ્વપ્નેય નહોતું વિચાર્યું. વિચારવાની દ્રષ્ટિ બદલાઈ, વિચરવાની દ્રષ્ટિ બદલાઈ, વિહરવાની દ્રષ્ટિ બદલાઈ.
થેંક્સ સુત્રધાર.
સાડાસાત વાગવા આવ્યા હતા. આમ આ બેઠક પણ પૂરી થઈ. સૌ છૂટ્ટા પડ્યા. લિફ્ટથી નીચે આવ્યા ત્યારે તુમુલને યાદ આવ્યું કે એ પોતાની બેગ ઉપર જ ભૂલી ગયો છે. મને યાદ આવ્યું કે સુરતથી નેહા એ મોકલાવેલી ગાંધીનગર વાર્તા શિબિરની સીડી હું રાજુને આપવાનું ભૂલી ગઈ છું. પોતાની બેગ લેવા ફરી ઉપર જતાં તુમુલને મેં સીડીનું પેકેટ આપ્યું અને પોતપોતાની દિશામાં રવાના થયા.
અંતમાં..
આપણી મુંબઈની શિબિર હવેથી દર મહિનાના પ્રથમ બુધવારે રાખવી એમ નક્કી થયું છે. જેની સભ્યોએ નોંધ લેવી. આ જ પ્રમાણે સ્થળ પણ નિશ્ચિંત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે.
આથી એપ્રિલ મહિનાની શિબિર પ્રથમ બુધવારે એટલે કે ૬ઠ્ઠી એપ્રિલે યોજાશે. અને આ શિબિર મુલુંડ ખાતે ફોરમનાં સભ્ય મીના ત્રિવેદીના ઘરે હશે એ પણ નક્કી થયું છે. સમય બપોરે ૨ થી સાંજે ૭.
બીજી એક સરપ્રાઈઝ પણ આપવાની છે. આગામી શિબિરના સુત્રધાર બદલાશે...!!  હાજી.. એપ્રિલ માસની શિબિર રામ મોરી સંભાળશે..
રામ.. સ્વાગત અને ઓલ ધ બેસ્ટ. (જો કે મને ખબર છે કે રામને એવી કોઈ શુભેચ્છાની જરૂર નથી છતાં..)
અમે સૌ આતુરતાથી ૬ઠ્ઠી એપ્રિલની રાહ જોઈ રહ્યા છીએ.
તા. ક.

                                                             
મિત્ર રાજુ પટેલ.. સુત્રધાર રાજુ પટેલ.. અને યજમાન રાજુ પટેલ..
ત્રણ સ્વરૂપ.
હવે જો તમે  'એકલા રહેતા બેચલર મિત્રએ કેવીક મહેમાનગતી કરી હશે?' એવો  વિચાર કરતા હો તો..
.
.
.
.

.

કરો.. મારે શું?
હું અને મીનાબેન પહેલા પણ એમની મહેમાનગતી માણી ચૂક્યા હતા એટલે અમને તો ખાત્રી હતી કે ચા પાણી તો મળી જ રહેશે. હા.. તેઓ ચા માં ખાંડ બહુ ઓછી નાખે છે! મને એમની બનાવેલી ચા ખૂબ મોળી લાગતી હોય છે. આ વખતે યાદ કરાવેલું કે સાવ મોળી ના બનાવતા તો ય ચા તો મોળી જ પીવડાવી હોં કે..!
એમની યજમાનગીરીના કિસ્સાઃ
૧)
હું એમના ઘરે પહોંચી. ખુરશી પર બેઠી.
રાજુઃ રાજુલ, પાણી આપું?
હુંઃ ના.. છે મારી પાસે. (મેં પર્સમાંથી બોટલ કાઢી.)
રાજુઃ શું મારી છાપ સાવ એવી વાહિયાત છે કે તમને  એવું લાગ્યું કે આના ઘરે પાણી ય મળશે કે નહિ શું ખબર? =D =D
૨)
રાજુઃ બટાટા પૌંઆ કેવા બન્યા છે?
બધાઃ સરસ બન્યા છે.
રાજુઃ તમે લોકોએ કશું નોંધ્યું? એમાં બટાટા નથી પણ પનીર છે.. એ પનીર પૌંઆ છે!
હુંઃ કેમ? ઘરમાં બટાટા ખલાસ થઈ ગયેલા? 

( મિત્રો પર આવા અખતરા કરવાના??? :p :p ..  BTW જેને આ પનીર પૌઆંની રેસીપી જોઈએ એ રાજુનો ઇન્બોક્સમાં સંપર્ક કરી શકે છે.)
હવે છેલ્લે મારી વાત. એટલે કે રાજુલની વાત.
નવા સત્રથી આપણે અહેવાલ લખતી કલમ બદલીએ. આ કાર્ય હવે બીજા કોઈ સભ્યને સોંપીએ. કલમ નીખારવાનો મોકો આપીએ. આ બબતે મારો એક સુજાવ છે. આ કાર્ય કોઈ એક સભ્યને પણ સોંપી શકાય અથવા દર બેઠકે નવા સભ્યને પણ આ મોકો આપી શકાય. 
અસ્તુ.
~~ રાજુલ ભાનુશાલી (વાર્તા રે વાર્તા ટીમ)


                                             

6 comments :

  1. અહેવાલ લખવો એ પણ એક કળા છે જે રાજુલને હસ્તગત છે. અનિવાર્ય સંજોગોને કારણે શિબિરમાં હાજર ન રહી શકી પણ આ અહેવાલથી વાર્તાલેખન વિશેના નક્કર તથ્યો જાણવાં મળ્યાં.બરઇને ગુજરાતીમાં બરી કહેવાય છે.આભાર રાજુલ.

    ReplyDelete
  2. Good... Such gathering can create good writer for Gujarati literature... Congrats to all...

    ReplyDelete
  3. Good... Such gathering can create good writer for Gujarati literature... Congrats to all...

    ReplyDelete
  4. oo my god .... sundar aheval hu hajar na hova chhta me axre axar shibir mani hoy evo anubhav .... kharekhar fruitful shibir rahi ....happy to be part of it ....ane ha last yajmaan raju ane paneer pauva valo pera vadhu gamyo :-)

    ReplyDelete
  5. ગુજરાતીમાં એને બળી અથવા ચીક કહેવાય છે. હું કઇ રાજુભાઈના ઉદાહરણોમાં મારો ઉલ્લેખ થવાથી હેબતાઈ નથી ગયો. ચિંતા નહિ કરો હું આવતા વખતે પણ ચોક્કસ આવીશ. અને હા, મને અહેવાલ લખવામાં પણ કોઈ વાંધો નથી. તમારા જેવું તો કદાચ ન લખી શકાય પણ બધું જ આવરી લેવાની કોશિશ કરીશ.

    ReplyDelete