Tuesday 22 March 2016

સાટું ~~ રાજુલ ભાનુશાલી

ફોરમનાં સભ્ય રાજુલની 'હીર-લૈલા'વાળા ટાસ્ક દરમિયાન લખાયેલી વાર્તા (થોડા ફેરફાર સાથે) દિવ્ય ભાસ્કરની મધુરિમા પૂર્તિમાં તારીખ ૨૨મી માર્ચ ૨૦૧૬ના રોજ છપાઈ.


                                                                     
                                                                                                                  

                                                        ~~ સાટું ~~        


ચાર્લીની સાથે લગભગ ઢસડાતી ઢબે લૈલા પાર્કમાં પ્રવેશી. ઘણાંખરા બાંકડા પાર્ક-પ્રવાસીઓએ ઉપલબ્ધ કરી રાખ્યાં હતાં, જમણી સાઈડનાં ખૂણામાં એક બાંકડા પર ફક્ત એક સ્ત્રી બેઠી હતી, લૈલા એ તરફ ચાલી.

નજદીક આવીને એણે પર્સમાંથી સ્કાર્ફ કાઢીને બાંકડા પર પાથર્યું અને ઢગલો થઈ બેઠી, ચાર્લી એની બાજુમાં બેસી ગયો.

લે, પાણી પી લે.. હાંફ ઓછી થશે.' બાંકડા પર બેઠેલી સ્ત્રી એ બોટલ લંબાવી.
'નો થેન્ક્સ..' કહેતાં એણે પેલી સ્ત્રી તરફ જોયું. એની આંખોમાં ઓળખનાં ટશિયા ફૂટ્યા.

‘ને…હા…તું?'

'ઓહ… લૈલા…! તું અહી ક્યાંથી?’

'અમે હમણાંજ થોડાં દિવસ પહેલા આ સામે જે નવો ટાવર બંધાયોને ત્યાં રહેવા આવ્યાં છીએ.… તું અહી ક્યાંથી?'

'હું સામે રાધાબાઈ ચાલમાં રહું છું.. કેટલા વર્ષે મળ્યા આપણે .. નહીં?'

'હા.. ઘણો સમય થયો.. તારા બાપાએ તને કોલેજમાંથી ઉઠાડી લીધી પછી આપણે મળ્યાજ નથી. તુ કોલેજ આવતી બંધ થઈ ત્યાર બાદ લગભગ છ-એક મહિના સુધી તારો સુનીલ રોજ કેન્ટીનમાં બેસી તારી રાહ જોતો રહેતો, ક્યારેક ફ્લુટ પર તને ગમતી 'બહરોં ફૂલ બરસાઓ..' ની ધૂન વગાડતો, પણ પછી એક દિવસ અચાનક દેખાતો જ બંધ થઈ ગયો..સાંભળ્યું હતું કે એ...
ખૈર જવા દે.. બીજું બોલ..અહી એકલાં બેઠાં બેઠાં શું વિચારતી હતી?'

'એકલી નથી આવી, મારા હસબંડ આવ્યા છે સાથે. ગેટની બહાર રેંકડી ઉભી છે ને ત્યાંથી મગદાળનાં ભજિયાં લેવા ગયા છે.'

'ઑ...શી.. એ તો કેટલી અનહાઈજેનિક પ્લેસ છે.. ત્યાંથી ન ખવાય.. કોઈ સારી હોટેલમાં જતાં રેવાય.. તું તો હજુ એવી જ રહી.. મણીબેન ની મણીબેન..પહેલા જેવી જ.. .બાય ધ વે આખરે તે લગ્ન કરી જ લીધાં.. સારું.. સુનીલના ગયા પછી મને એમ કે તું ક્યારેય લગ્ન નહિ કરે..’

નેહા ફીક્કું હસી.

'શું કરે છે તારો હસબન્ડ?'

'એક પેઢીમાં અકાઉંટન્ટ છે.'

'ઓહ્હ્હ! મહેતાજી છે.. એમ કહેને! અમારો ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો મોટો બીઝનેસ છે.'

'મને ખબર છે.…… ...અઅ..અ..છાપામાં વાંચ્યું હતું ...થોડાક દિવસ પહેલાજ..'

'હા..છાપાઓમાં એનું નામ ચમકતું જ હોય બીઝનસ મોટો ને...'
'આ જો આ ડાયમંડ ની ઇયરિંગ્સ એણે મને મારા જન્મદિવસના ભેટ આપેલી અને આ ચાર્લી.…અમારી બારમી એનીવર્સરી હતીને ત્યારે.

ચાર્લી..!

ચાર્લી…ચાર્લી...! માય ચાઈલ્ડ.. ક્યાં ગયો?'

ભાઉ ભાઉ……ઉ.ઉં...’ પાછાં આવીને ચાર્લીએ પાસેનાં એક ઝાડ તરફ ઈશારો કર્યો.

'ઓહો… માય શોના બેબી… પીપી આવી હતી.. ઓકે.. કમ હિયર ડીયર.. મમ્મા ડરી ગઈ'તી… કહીને જવાનુંને બેટા..'
'આ ચાર્લીને કારણે પાર્કમાં આવવુ પડ્યું.. આજે સર્વંટ નથી આવ્યો.. નહિંતો રોજ એ જ ફરવા લઈ આવે.. ઉફ્ફ્ફ... કેટલી ડસ્ટ અને આ સ્મેલ..ઉહું...... આઈ કાન્ટ ટોલરેટ.. તને તો આદત હશે ને?'

નેહા નો પીત્તો ગયો..

'તુ આવી ૪૦ માંથી ૮૦ કિલોની કેવી રીતે થઈ ગઈ? આ પાર્કનાં ગેટથી લઈને બાંકડા સુધી ચાલતાંય હાંફી જાય છે..! રોજ પીત્ઝા અને બર્ગર ખાવાનું બંધ કર.. સર્વંટને રજા આપી દે અને ઘરમાં ધ્યાન આપ.. રોજ બે વાર ઝાડુપોતાં કરીશને તોય સાંઠીકડા જેવી થઈ જઈશ.. પછી આ ડબલ એક્સેલ સાઈઝનાં કપડાં નહિં લેવા પડે.. અને સાંજે પાર્કમાં આ ચાર્લી સાથે ફરવા નહિં આવવુ પડે.. '

'હેય.. આ શું બોલે છે તુ? હું ઝાડુપોતાં કરું? તારા જેવી મીડલક્લાસ હાઉઝવાઈફ નથી હું.. આ કામ માટે ચાર નોકર રાખી શકું છું.. અને મારા પ્રશાંતનો બહુ મોટો બીઝનસ છે.. તારા વરની જેમ મહેતાગીરી નથી કરતો..એને આવા ફટીચર પાર્કમાં ફરવા આવવાનો સમય નથી..'

'હા... બ…હુ બીઝી એ.. એટ્લો કે આજે બપોરે લંચ કરવા ઘરે પણ નહોતો આવ્યોને..'

'હા.. આજે કોઈ ફોરેનનાં ક્લાયંટ સાથે લંચ હતું.. એણે વોટ્સ એપ કર્યું હતું............. હેય... વેઈટ.... પણ તને કેવી રીતે ખબર કે એ લંચમાં ઘરે નહોતો આવ્યો?'

નેહા હસી.

'સાંભળ લીલુબેન.. એણે આજે જે સ્કાયબ્લ્યુ શર્ટ પહેર્યું છે ને એ શર્ટનાં લેફ્ટ સાઈડમાં ત્રીજા બટન નીચે નાનકડો લિપસ્ટિકનો દાગ લાગ્યો છે..એનાં પર થોડું ટેલ્કમ પાવડર ઘસવાથી એ નીકળી જશે. તારા સર્વંટને કહેજે અજમાવે.. એ દાગવાળા શર્ટને નક્ક્કમું ગણી ફેંકી ના દે.. 'તારો' પ્રશાંત એ શર્ટમાં ખુબ હેન્ડસમ લાગે છે.. ચાલ, હું જઉં..
બાય ચાર્લી...'

અને...

ચાર્લીએ પૂંછડી પટપટાવી..

~~ રાજુલ ભાનુશાલી
                                                                                 




No comments :

Post a Comment