Tuesday 22 March 2016

રસ્તો ~~ સમીરા પત્રાવાલા

ફોરમનાં સભ્ય સમીરાની વાર્તા 'રસ્તો' દર મહિને પ્રકાશિત થતાં વાર્તા સામાયિક 'મમતા'ના ફેબ્રુઆરીનાં અંમાં પ્રકાશિત થઈ.









                                      

                                               

                                             ~~ રસ્તો ~~


સૂરજ આજે એના પુરા જોશમાં હતો. આજે જાણે જમીનને વીંધીને પાતાળ સુધી પહોંચવાનું પ્રણ માંડ્યું હોય એમ કાળજાળ વરસતો હતો. વરસાદ આ વર્ષે ઓછો હતો એમાંય આ તો મોસમ જ પાણી વગરની હતી! ક્યારેક એવું લાગતું જલ્દી ઉઠીને નદી બની વહી જાઉં અને સાગરમાં સમાઈ જાઉં. પણ આવું વરદાન તો મને વેદપુરાણે પણ નથી આપ્યું. માણસોના પ્રતાપે મારા શરીર ઉપર હવે કોઈ જ આવરણો રહ્યાં ન્હોતા એટલે તડકો પણ થપાટ મારીને મને અંદરથી વીંધતો રહેતો. ધરતીના પટ પર વિસ્તરાઈને લોકોને ઠેકાણે પ્હોંચાડવાનું મારું કામ! દુનિયા આખી અને કુદરતનો ભાર વેંઢારવાનું નામ મારી જિંદગી! માણસે મારા ઉપર ડામરના લપેડા એવી રીતે લગાવ્યાં હતા કે જાણે બળદને નથ પહેરાવી હળમાં જોડાવા તૈયાર કર્યો હોય.

એક કાચિંડાએ મને વસ્ત્ર બનાવી ધારણ કરેલ છે. અસ્સલ ડામરિયો રંગ. કોઈની નજરે ન ચડે એમ! અહીં ક્યારેક કીડીઓ અને નાના જીવજંતુઓની નાજુક કાયા મનને હળવો રોમાંચ આપી જાય એવા સમયનો ચોખ્ખો લાભ લેવા આ જીવ રાહ જોઈને બેઠેલું છે, ક્યારનું! ઘડી ઘડી બંન્ને આંખો અલગ અલગ દિશામાં શિકાર શોધે છે. આજુબાજુ ઊગેલું જંગલી ઘાસ સૂર્યદેવના પ્રતાપે કાચિંડાની જેમ રંગ બદલી બેઠું છે અને ધરતીને પંડે ખંજવાળ ઉભી કરે છે. પણ હવે એ પોતાના મૂળ રૂપમાં ક્યારેય નહીં આવે. બસ મારે પંડે છુટાછવાયા ઝાડઝાંખરા ઠંડક્ના થિગડાં મારતા રહે છે. અહીં ક્યારેક સાપ નોળિયાની બથ્થંબથ્થી થાય, તો ક્યારેક રોજડા માર્ગ વટી પેલે પાર જાય. પણ રાત્રે જીવજંતુઓના તેજ અવાજ વાતાવરણમાં જાન જગાડી દે; રાતે જાગતા જુગનુઓની કુદાકુદ રાતમાં વેરાતી જરીની જેમ ચમકી ઉઠે; ક્યારેક પવનની લહેરકી થોડાંઘણાં સુક્કા પાનને આ બાજુ આંટો મરાવે. થોડા વખત સુધી ખિલખિલ લહેરાતાં વ્રુક્ષો હવે ઉપવાસે ઉતરી તપ કરતાં અઘોરીઓની જેમ ગંભીર મોં પર તડકી ચોપડી બેઠા છે.

પણ વરસાદમાં તો અમે સૌ ખીલીએ. દેડકાંની ડ્રાંઉ ડ્રાંઉ અમને આખી રાત જગાડતી. ક્યારેક અહીં ઉગેલા લીલા ઘાસને ચરવા આસપાસના ગામોની ગાયો અને ઘેંટા-બકરા આવતાં અને ક્યારેક ઊંટડા લઈને વણજારા પણ તંબુ તાણતા. ક્યારેક રોજડાના ધણ દેખાતાં, આમ ધરતીના અંગેઅંગથી જીવ ફૂટી નીકળતો…સાપ પેટ ઘસડી કેડીઓને પંપાળતા તો ક્યારેક વળી એકલદોકલ સસલાંયે આવી જતા.. તો ક્યારેક ભક્ષક અને ભક્ષ્યના જીવસોંસરવા ખેલમાં કુદરત બાજી મારી જતી. અને વળી વરસાદ જાય અને અહીંની માયા સંકેલાઈને બાધક્ણી બૈરીની જેમ સૂરજ સામે બાથ ભીડતી. માણસની ગેરહાજરીમાં અમે સૌ જીવતા.

આ જંગલ, પશુ-પંખી, જીવજંતુ, કેડીઓ, આકાશ, હવા અને હું! પણ સૌથી ઉપર સૂરજ્નું અસ્તિત્વ રહેતું. ક્યારેક હળવો થઈને અમારા બધાંના પંડ ઠારતો અને કયારેક અપલખણો થઈને ઊંચે ચડી બધાને દજાડતો. અહીં જંગલ હતું પણ જંગલી જાનવરો હવે બહુ રહ્યાં ન હતા…ખાલી પડેલા કલરવમાં ક્યારેક એક્લદોક્લ પારેવું વિસામો ખાવા રોકાતું અને ઝડપથી વિદાય લઈ લેતું. મને પેલી કોયલ યાદ આવતી, જે આંબાની શોધમાં અહીં વિસામો ખાવા બેઠે; ને હળવું સંગીત વેરતી જાય. જાણે વગડામાં ઘડીભર રોનક્ની ટપાલ નાંખવા આવી હોય! હવે અહીં કાગડા પણ નથી આવતા. આસપાસની આટલી બધી ચહેલપહેલમાં હવે હું એક જ માણસને કામની વસ્તુ લાગતો, એટલે કાચી કેડીએ ડામર લીંપી નેતાજી ઉદ્ઘાટન કરી ગયેલા. મને લાગેલું કે એને દરરોજ મારી જરુર પડશે, પણ સાંભળ્યું છે કે એમને હવે પાંખો આવી છે! હવે અહીંથી ભારખટારાં, સાયકલો, બાઈક અને ક્યારેક બિચારો કોઈ ગરીબ પગપાળો પણ જાય છે.

કાચિંડો અચાનક્થી પોતાની કાયા પલટી ફરી સુક્કા ઘાસમાં ઓજલ થયો. એક જોડું ધીમી ગતિએ ચાલતું આવતું હતું, કાચિંડો ઝડપથી ઝાડીમાં જ્તાં કહેતો ગયો ‘જોજે ભાઈ માણસ આવે છે.’ ધરતીના પાલવમાં ઉભરાતી મમતા જોઈ લાગ્યું કે કોઈ ગરીબ વટેમાર્ગુ આવે છે. કેડી માથે એ ગરીબડા પગ એવી રીતે ચાલતા હતા કે જાણે પગલે પગલે પુછતા હોય ‘ચાલુ કે નહીં?’

બાઈને માથે અધખુલો ઘુંઘટ, માથે લગભગ ભાથું બાંઘેલું, ચડતી બપોરે હાથભરત કરેલાં કપડામાં વીંટેલા વાછરડાં જેવું લગભગ એકાદ વર્ષનું બાળક તેડીને ચાલતો એનો ભરથાર! હાથમાં જાલેલો થેલો અને એક નાનકડી સુટકેસ જેવું. એના ઉપરના ધોળા પહેરણને કાપેલા રસ્તાની માટી ચોંટેલી હતી.

‘જાણે કેટલાયે વખતથી ચાલી ચાલીને હવે ધીમા પડ્યા હશે.’ ઝાડ પોતાની તપસ્યા ભંગ કરતું બોલ્યું.
‘ભલે પધાર્યા મારા બાળ’ ધરતી મલકાણી. અમે સૌ ગમે એટલા માણસજાતને કોસીએ પણ ધરતીની મમતા માણસ માટે પણ અમારા સૌ જેટલી જ રહેતી.

થોડી થોડી વારે આવતા છોકરાના રડવાનો અવાજ હવે અક્બંધ શરુ થયો…. ‘હવે તો રોકાવું જ પડશે, ક્યાં પોરો ખાવા બેઠવું?’ બાઈ બોલી ઉઠી, અવાજમાં એવો જ રણકો, મને મારી કોયલ યાદ આવી.
‘પણ એ બેઠશે ક્યાં? આ બધાંય ઝાડવાની ડાળીઓ તો જુદા થવા માંગતા દીકરાઓની જેમ અળગી થઈ ને બેઠી છે. તડકોયે ચળાઈને આવે છે.’ મારાથી ઝાડને મેણું મરાઈ ગયું.

બાઈ ઘાંઘી થતી નાના બાળની ભૂખ મટાવવા પાતળું ઠેકાણું શોધવા રસ્તાની સામે પાર જતી હતી. એનો ભરથાર બોલ્યો,’તું આંયપા ઉભી રે, હું જાવ સુ’ પણ બાઈને હવે ઘડીભર ઉભા રહેવાનીયે પરવા ન્હોતી, પગલા આગળ વધી ગયા હતા. સામે પાર ઝાડ હેઠે થોડી બેઠવા જેવી જગ્યા લાગતી હતી. ‘એ તમે આવો પાછળ, હું આ હાલી..ને જગ્યા હમી કરી પાલવ ઢીલો કરી લઉં, મારો લાલિયો હવે એક મિનેટ નો રે.’ બાઈ પગની ઝડપ વધારતા બોલી.

બાપ ધીમો પડ્યો , મા ઉતાવળે દોડી. પેલી બાજુ રસ્તો જોઈને થડ પાછળ બાઈ પાલવ ઢીલો કરતી પાછી ઉભી થઈ.
રસ્તાની પેલી બાજુથી ધીમા પગલે આવતા ધણીને બોલી ‘એલા ઉતાવળા થાવ ને!’
‘આ બધા સામાનનેય રાણી તમે મને જ આપ્યા સે. તો વાર તો લાગે હો!’ એનો ધણી બોલ્યો.

બાઈ અધીરું હસતી આગળ વધી, એ જાણ બહાર કે બીજી બાજુથી કોઈ ભાનભૂલેલું વાહન આવે છે. એક ઉતાવળે દોડતી ભારેખમ કારનો ટલ્લો બાઈને કચ્ચરઘાણ કરતી ચાલી ગઈ. અચાનક્થી લાગેલા ટલ્લામાં બાઈ ઉંચે ફંગોળાઈને હેઠી પડી. એક કારમી ચીસ નીકળી. છેક મારા હ્રદયને વીંધતી! પાતાળના પડો ને કોતરતી ચાલી ગઈ!
‘રે મારી બાળ ઉભી થા.’ ધરતી ખમ્મા કરતી હતી.

પણ માણસનું શરીર ગતિ કરવા ટેવાયેલું!! ફટાફટ માથાથી લોહીની ધાર નીકળીને ચોતરફથી માથાને ફાડતી મારે માથે રક્ત તિલક કરતી ગઈ.
‘એ ધીરા ખમો, મારાથી આવા અપશુકન સહન ન થાય.’ મારાથી બોલાઈ ગયું. પણ એ તો માણસનું લોહી એના જેવું જ હઠીલું !

ઓઢણીને હવામાં ફંગોળતો બાઈનો બરડોયે સાવ ઉઘાડો થઈ ગયો. કાપડામાં દેખાતો ઉઘાડો બરડો વળ ખાઈને ધરતી પર ચત્તોપાટ થઈ પડ્યો. માણસજાતનો આવો ભોગ મેં પહેલા ક્યારેય ન્હોતો જોયો. પુરુષ એને બચાવવાના નિષ્ફળ પ્રયાસ કરતો રહ્યો. બાઈ હવે કાચિંડો થઈ ધરતી પર ખોડાઈ ગઈ હતી. એની આંખો બાળક ઉપર સ્થિર જડાઈ અને પછી પથ્થર બની ગઈ. નફિકરો ગાડીવાળો તો ક્યારનો ડરનો માર્યો ભાગી ગયો હતો. પાછળ વળી એક નજર જોવાની પણ હિંમત ન કરી. એનો ભરથાર એની પડખે બેઠી આક્રંદ કરતો રહ્યો.માની છાતીને હાથ મારતું નાદાન બાળક નિરંતર રડ્યે જતું હતું.

ઝાડનાં મૂળિયામાં તડપ ઉઠી અને ધરતીને કરગરવા લાગ્યા, ‘એ મારી માવડી એ બાઈને થોડીક તો ઓથ આપી જીવાડી હોત! માના ઉભરાયેલા છેલ્લા દૂધ આ અભાગિયા બાળની તલબ ઓછી કરત.’

સૂરજ ઘડીક હળવો થયો પણ આકાશ હવે વધું બળતું હતું. પોતાના તાપે જ આંખો આંધળી કરેલો સૂરજ સૌને પુછતો હતો ‘આ માતમ શેનો? ‘
ઝાડ બોલ્યું ‘મા મરી. ‘
‘અને બાપ?’ સૂરજે અધીરાઈથી પુછ્યું.
‘બાપ હજી જીવે છે, નમાયા બાળક સાથે’ ઝાડે છેલ્લી ખબર સંભળાવી.
મારી ડામરની ચામડીને હળવા ઉજરડા પડ્યા હતા પણ ઓરમાયા બાપની જેમ સૂરજ્ને મારી પડી ન્હોતી.

બાઈની સાથે કેટલીયે વેદના, બાળકને પેટ ભરાવવાની ઉતાવળ, ધણીને સાથ આપવાના ઓરતા, ચૂડીચાંદલા અને લૂગડા-લત્તાના અભરખા, ક્યાંક ઠેકાણે પહોંચવાના અરમાન અને પોતાના ઉજડતા સંસારની તડપનાં કટકા જ્યાં-ત્યાં વેરવિખેર પડયા હતા. ભાથું આઘે ઉલળ્યું હતું, ક્યાંક! મારે કેટકેટલું સંભાળવું? મારી ચાદર ટૂંકી પડતી હતી. એનું વેડફાયેલું રક્ત મારી રગેરગમાં ઝેરની જેમ સિંચાતું રહ્યું અને મને સૂરજના રોજબરોજના તાંડવથીયે વધુ દજાડતું રહ્યું, મને શું ખબર હતી કે મને પાણીની પ્યાસ લાગેલી તે રક્તજળ સિંચાશે અને દૂઘ માગતું છોકરું બાપના ખારા આંસુ ધાવશે? જંગલમાં ફરીથી પહેલા જેવો સન્નાટો છવાઈ ગયો જાણે કંઈ થયું જ નહોતું! એના ભરથારના મરશિયા હવામાં ઓગળી ગયા.

બે દિવસ વીતી ગયા. બધું થાળે પડ્યું હતું. એનાં શરીરના કચડાયેલાં ટુકડાઓ સ્મશાનમાં ક્યારના ઠેકાણે પડી ગયા હશે. ધણી હશે ક્યાંક નમાયા બાળકની સાથે. બાળક પણ મા વગર નિભાવતા શીખતું હશે.

અહીં બધુંય પહેલાં જેવું જ થઈ ગયું હતું, પણ બાળકના રોવાનાં પડઘા અને માની ચીસ હજુએ મારા હ્રદયમાં થડકતાં હતા. દુનિયા પહેલા જેવી જ ચાલે છે. આજે ફરી સૂરજ કાળજાળ વરસતો હતો. પેલા કારચાલક જેવો નફિકરો અને નિર્દય! મારું મન ફરી એને શાપ આપતું હતું. મેં વીતેલું બધું જ હૈયે સમાવી લીધું હતું. સૂરજ હવે બરાબર માથે ચડ્યો. કાચિંડો ફરી રંગ બદલી શિકારની તલાશમાં બેઠો હતો. એક બાઈક પર બે આદમી પોતાની મસ્તીમાં પસાર થયાં. ક્યાંક ચોઘડિયાં બદલાતા હતા. મારા પંડે અસહ્ય વેદના થઈ, મારા પેટે ‘મા’ જન્મી! મારા ગર્ભમાં સમાયેલું રક્ત જાણે ઘુંઘટ ઓઢી બાઈક સવારોની સામે ઉભું થયું હતું. કાચિંડાને એક ઉડતો જીવ હાથ લાગ્યો. લપાક્થી જીભ પર એને ચોંટાડીને ઓહિયા કરતો ગાયબ થયો. આ બાજુ ખબર નહીં શું થયું પણ બાઈક સ્લિપ થઈ અને બંન્ને જણ ઉછળતા ધરતી પર પછડાયા.

‘રે મારા વીર!’ ઝાડ બોલ્યું.

‘ખમ્મા તને!’ ધરતી બોલી.

‘જોજે બાપલ્યા…’ કેડીનાં પથ્થર કડક્યા. મોટા ધડાકાને લીધે આસપાસના છૂટાછવાયા જાનવરો ભાગ્યા.
આકાશે લોહીમાં દૂધ દૂજતું જોયું. અચાનકથી મનહુસિયતનાં પગલાં પાયલ પહેરેલી ડાકણની જેમ ચોતરફ વગડામાં રણકવા લાગ્યાં.

સૂરજ ઘડીક હળવો થયો પણ આકાશ ફરી તપ્યું, સૂરજે પુછ્યું’ આ પાછો માતમ શેનો?’
ઝાડે કહ્યું ‘બીજાની ચામડીને ચિરતા ઉજરડા પડ્યા છે.’

‘પણ નસીબજોગ બચ્યો લાગે છે.’ પથ્થર બોલ્યા.

‘અને પહેલો?’ બધાંય એક સાથે પૂછવા લાગ્યા.

‘એ મર્યો પીટ્યો.’ ઝાડ કણસી ઉઠયું.

‘અને રસ્તો?’ સૂરજે પહેલીવાર મારું પુછ્યું.

એક ભયંકર અટ્ઠહાસ્ય સાથે સૂરજને કોઈ સિંહ ગર્જના સંભળાઈ ‘રસ્તો? આ રસ્તો હવે જીવે છે.’

~~ સમીરા પત્રાવાલા

                                                
                                                                             

No comments :

Post a Comment