Wednesday 23 March 2016

સટાક ~~ યામિની પટેલ

મુંબઈ સ્થિત ફોરમનાં સભ્ય યામિની પટેલની લઘુકથા 'સટાકત્રૈમાસિક સામાયિક 'કુમાર'નાં  ફેબ્રુઆરી ૨૦૧૫નાં અંકમાં પ્રકાશિત થઈ. 
                               


સટાક.

મારા ગાલ પર એક લાફો પડ્યો. મારા હાથ ઊઠ્યા પણ ગાલ પંપાળવા.

“ખબરદાર! બીજી વાર આવું કર્યું છે  તો તારી ખેર નથી.”

મારા કાનમાં એનો અવાજ સીસાની  જેમ રેડાઈ રહ્યો હતો. જોરથી બારણું પછડાયું અને પછી શાંતિ. બસ એ હોય ત્યારે આવું  જ. 

ઑફિસમાં પણ આજે તો આટલી જ અશાંતિ હતી. બૉસ આવેલા નહિ અને બધો  સ્ટાફ ગોળમેજી પરિષદમાં બેઠેલો. ના બધો નહિ. ત્યાં ખૂણામાં મિસિસ હાથી અને  મિસિસ સુરતી ઘુસપુસ કરી રહ્યા હતાં. મને અંદાજ તો હતો જ  કે એ લોકો શું વાત કરતા હતા. શું હોય? મિસિસ  સુરતીનો વર. બસ,  મણ મણની સુરતી સંભળાવે અને સાથે હાથ પણ ઉપાડે. લાગ મળ્યો નથી કે ચાલુ. માવતરની પણ મર્યાદા ના રાખે. પાડોશી કે મહેમાનની તો ચિંતા જ ક્યાં કરવી. હવે    મિસિસ સુરતી રૂમાલથી  આંખો લૂછી રહ્યા હતા. અપમાન સહન કરીને પણ કોઈ કેટલું કરે?

મારી જ વાત લો ને. આ લોકો તો રડીને પણ દિલ હળવું કરે. હું થોડું એવું કરી શકું? હસે જ ને તો તો લોકો મારા પર. બોલવાનું નહિ અને ચુપચાપ સહન કરવાનું. કહેવું પણ કોને? એટલા માટે તો મમ્મી પપ્પાને બોલાવવાનું   ટાળું  છું. સારું છે નેહલ અને નંદીપ   હોસ્ટેલમાં છે. નહીં તો હું શરમથી જ  મરી જાત. એટલામાં બૉસની  કૅબિનમાંથી બૂમ પડી.

“મિસ્ટર શાહ. જલ્દી અહીં આવો તો.”

લે. બૉસ આવી પણ ગયા? ક્યારે? મને તો ખબર જ ના પડી. જલ્દીથી મેં રજીસ્ટર ઉપાડ્યું અને કૅબિન તરફ વળ્યો.

~~ યામિની પટેલ


No comments :

Post a Comment