Thursday 14 April 2016

વાર્તા શિબિર ૧૧ (મુંબઈ)

વાર્તાલેખન શિબિરની અગીયારમી બેઠકનો  અહેવાલ. (મુંબઈ) મીના ત્રિવેદીના ઘરે. ૬ એપ્રિલ ૧૬. 

મીના ત્રિવેદીના ઘરે યોજાયેલી વાર્તા શિબિર ૧૧, "વાર્તા રે વાર્તા"ના ઇતિહાસમાં (અને કદાચ ગુજરાતી સાહિત્યજગતના ઇતિહાસમાં પણ) એક સીમાચિહ્નરૂપ ગણી શકાય એવું પ્રકરણ હતું. કારણકે બેઠકમાં હાજર બાર જણામાં સૌથી નાની વયનો વ્યક્તિ એ જ બેઠકનો સુત્રધાર હતો. મળો માત્ર બાવીસ વર્ષના રામ મોરીને, જે TV9 ગુજરાતીમાં ભક્તિ શો લખે છે ઉપરાંત પ્રોગ્રામિંગ પણ સંભાળે છે. તાજેતરમાં જ રામનો વાર્તાસંગ્રહ "મહોતું" બહાર પડ્યો છે. ગ્રામ્ય અને શહેરી બંને વાતાવરણમાં આકાર લેતી સ્ત્રીકેન્દ્રી વાર્તાઓ એક વાચક તરીકે માત્ર સ્ત્રીઓને જ નહી પુરુષોને પણ સ્પર્શી જાય એવી છે. અને એક લેખક તરીકે એમાંથી ખુબ બધું શીખવા જેવું છે એટલે જ રામને આપણી શિબિરમાં "ગેસ્ટ સ્પીકર" તરીકે નહી પણ "પ્રોક્સી સુત્રધાર" તરીકે નિમંત્ર્યા હતા. રામ ન્જીનીયરીંગનો વિદ્યાર્થી હતો અને ભણતર પૂરું થવાના બે મહિના પહેલા જ તેણે કોલેજ છોડી દીધી. ડીગ્રી મળવા છતાં જો નટ-બોલ્ટ પણ ખોલતા ન આવડે એવો એન્જીનીયર બનવું રામને નહોતું જોઈતું. તેનો રસ સાહિત્યમાં હતો. કોલેજની સાથોસાથ જ મુંબઈની વ્હીસલિંગ વુડ્સ ઇન્ટરનેશનલમાંથી તેણે સ્ક્રીપ્ટ લેખનનો અભ્યાસ કર્યો જેને આધારે તેની TVમાં કારકિર્દી શરુ થઇ. નાનપણથી જ ચાલતા આવેલા પ્રખર વાંચન અને પળેપળ નિરીક્ષણની ટેવને લીધે એણે લખેલી વાર્તાઓ વિવિધ મેગેઝીનમાં છપાતી રહી છે.
રામની સાથે તેનો મિત્ર મીત પંચાલ પણ આપણી શિબિરમાં ભાગ લેવા આવ્યો હતો. મીત પત્રકાર છે અને મલ્લિકા સારાભાઇના હાથ નીચે સ્ક્રીપ્ટ લેખન શીખી રહ્યો છે. આ ઉપરાંત આપણા નિયમિત સભ્યો યામિની પટેલ, પરાગ ગ્યાની, મીના ત્રિવેદી (હોસ્ટ), પ્રીતિ જરીવાલા, જીજ્ઞા શાહ, સમીરા પાત્રાવાલા, વર્ષા તન્ના, ભારતી પંડ્યા, તુમુલ બુચ, કુસુમ પટેલ, રાજુલ ભાનુશાળી અને (સુત્રધાર) રાજુ પટેલ હાજર હતા. બધાનો પરિચય અપાઈ ગયા બાદ, ગઈ (વાર્ષિક) બેઠકમાં નક્કી થયા મુજબ એક જણને સ્પીકર નીમવાના હતા. બધાએ એકમતે રાજુ પટેલને આ જવાબદારી સોંપી. રામની વાર્તા "એ તો છે જ એવા" અભ્યાસ કરવાનું સૌને હોમવર્ક આપવામાં આવ્યું હતું. ત્યાંથી જ શિબિરની શરૂઆત થઇ.
સત્ર ૧ - જેમાં રામ
તેની વાર્તા "એ તો છે જ એવા" ને કેન્દ્રમાં રાખીને વાર્તાના બંધારણ વિષે સમજ આપે છે :
વાર્તાનું કોઈ (સર્વમાન્ય) ગ્રામર નથી હોતું. તમે એક થી દસ ખાનાઓ ભરી દો એટલે વાર્તા બની ગઈ એવું ક્યારેય ન હોય. દુનિયામાં વાર્તાના વિષયો કુલ ત્રણ કે ચાર જ છે. તેમ જ કોઈ વાર્તા (મૂળભૂત) સારી કે ખરાબ નથી હોતી. પણ વાર્તાની રજૂઆત એને સારી કે ખરાબ બનાવે છે, એને બીજી વાર્તાઓથી અલગ તારવે છે. વાર્તા લખવાની ચેલેન્જ એની રજૂઆતમાં જ રહેલી છે. લેખક લખવા માટે પેન ઉપાડે ત્યારે એના કોન્સીઅસ કે સબ-કોન્સીઅસ માઈન્ડમાં વાર્તા વિષેના બે મુદ્દાઓ નક્કી હોય છે. એક તો વાર્તાનું "કથન" એટલે કે તમારે વાત શેની કહેવી છે? અને એ મુદ્દો વાર્તાની શરૂઆતમાં જ આવી જવો જોઈએ. વાર્તા અડધી પૂરી થાય ત્યાં સુધી મુખ્ય મુદ્દો શું છે એ ખબર જ ન પડે એમ ના ચાલે. દાખલા તરીકે રામની વાર્તા "એ તો છે જ એવા"માં નાયિકા મેહાનો શ્યામ રંગ એ મુખ્ય મુદ્દો છે એ શરૂઆતમાં જ પ્રસ્થાપિત થઇ ગયું. એ પ્રસ્થાપિત કરવા માટે રામે સહારો લીધો "ક્રિષ્ના: ધ ગ્લોબલ ગુરુ" થીમના અન્યુઅલ ડે નો.
બીજો મુદ્દો એટલે "કથક" એટલે કે તમે વાર્તા કોની પાસે કહેવડાવવાના છો (એટલે કે કથક કોણ?). કથકના કેટલાક સામાન્ય પ્રકારો :
  1. હું ઉઠ્યો, મેં બ્રશ કર્યું [ પ્રથમ પુરુષ ]
  2. રાજુલ ઉઠી, રાજુલે બ્રશ કર્યું [ બીજો પુરુષ ]
  3. તેણે રાજુલને ઉઠતાં જોઈ અને બ્રશ કરતા જતી જોઈ [ ત્રીજો પુરુષ]
તમે કોની પાસે વાર્તા કહેવડાવો છો એ વાર્તાની રજૂઆત માટે સૌથી મહત્વનું અંગ છે. આ બે મુદ્દાઓ ઉપરાંત બે જગ્યાઓ કે બે સમયખંડ વચ્ચે આગળ - પાછળ થઇ રહેલી વાર્તા ખુબ સામાન્ય છે. જો આ ટેકનીકનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો એ ખુબ અસરકારક સાબિત થઇ શકે. આમાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત એ કે, વાચકોને તમારે કોઈ એક એવું પોઈન્ટ આપવું રહ્યું જે બંને વચ્ચેનો સેતુ હોય. અથવા જેને કારણે વાચકને ખબર પડે કે હવે સ્થળ / કાળ બદલાઈ ચુક્યો છે. ઉદાહરણ રૂપે, "એ તો છે જ એવા"ની નાયિકા મેહાનો પરિવેશ - જે લગ્ન પહેલાના સમયખંડમાં પોપટી રંગનો ડ્રેસ છે જ્યારે લગ્ન પછીના સમયખંડમાં સાડી / લેરીયું છે. એ જ રીતે મા-દીકરી વચ્ચેનો સંઘર્ષ પહેલા સમયમાં છે અને સાસુ-વહુ વચ્ચેની ચડભડ બીજામાં. પરંતુ તેના પતિ માટેની લેમન ટી અને સાસુ માટેની કોફી બંનેમાં સામાન્ય વસ્તુ છે. વાચક બહુ સ્માર્ટ હોય છે. આવી નાની નાની વસ્તુઓ વાપરવાથી એને સ્થળ / કાળની સમજ આસાનીથી પડી જાય. સુરેશ જોશીની વાર્તાઓ "જન્માષ્ટમી" અને "દ્વીરાગમન" આનું સરસ ઉદાહરણ છે. જન્માષ્ટમીમાં એક ધનાઢ્ય પરિવારમાં કૃષ્ણ જન્મની ઉજવણી ચાલી રહી છે જ્યારે બીજી તરફ એક ગરીબ ઘરમાં બાળકનો જન્મ થાય છે આ બંને વચ્ચેના સમાંતર દર્શાવવામાં આવ્યા છે. જ્યારે દ્વીરાગમનમાં એક આધેડ વયના પતિ-પત્ની જેમની વચ્ચેથી રોમાન્સ ઓસરી ગયો છે અને રામ-સીતાના જીવન વચ્ચેના સમાંતરની વાર્તા છે.
બીજી એક ધ્યાનમાં રાખવા જેવી બાબત એ આઘાત-પ્રત્યાઘાત. તમારા પાત્રને કોઈ આઘાત લાગે તો તરત એને પ્રત્યાઘાતથી બેલેન્સ કરી લેવો જોઈએ. મન્ટોના પાત્રોને આઘાત પર આઘાત જ મળ્યા કરે છે. દરેક વાચકથી આ વસ્તુ જીરવી શકાય એમ નથી હોતું. ઈસ્મત ચુગતાઈનું પણ એવું જ છે. દાખલા તરીકે, મેહાને એની સખીઓ કાળી હોવા માટે ચીડવે છે અને એની પછી તરત એને છોકરો પસંદ કરી લે છે.
કથન અને કથક બાદ વર્તાલેખાનમાં એક અતિ મહત્વનો મુદ્દો એટલે વાર્તાનું વિશ્વ રચવું. તમારો કથક કોણ છે એના પર વાર્તાનું વિશ્વ કેવું હશે એ નિર્ભર કરશે. એક બાળક, ગૃહિણી અને શાકની લારીવાળા આ દરેકના વિશ્વ અલગ હશે. વિશ્વ ડીઝાઇન કરતી વખતે તમે નિર્જીવ તત્વોનો કુશળ રીતે ઉપયોગ કરી શકો. દાખલા તરીકે, "એ તો છે જ એવા"માં અનેકાનેક રસોડાની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે માત્ર જગ્યાનું વર્ણન કરવા પુરતું નથી પણ ક્યાંક ને ક્યાંક વાર્તાને પણ આગળ ધકેલે છે. જેમ કે કોફીના વાસણને અડીને આંગળી દાઝે છે, અને પછી કપ તૂટે છે ત્યારે માત્ર કપ જ નથી તુટ્યો હોતો; તેની સાથે નાયિકાની અંદર બીજું કેટલુય તૂટી રહ્યું હોય છે. એ જ રીતે " સામે વાસણોના સ્ટેન્ડ પર થાળી કાઢવાં ગઈ ને એમાં મને મારો ચહેરો દેખાયો" આ ગૃહિણીના વિશ્વમાં આવેલા એલીમેન્ટ્સનો કુશળ ઉપયોગ છે. આના સિવાય પણ વાર્તામાં લેમન ટી નું લીંબુ, હાથમાંથી સરકી જતા સાબુની ગોટી, વગેરે અનેક તત્વો છે જે વાચકને સીધેસીધી કહીને ન સમજાવી એવી વાતો મહેસુસ કરવી જાણે છે.
છેલ્લું અને મહત્વનું એમ કે ખુબ વાંચવું પણ એમાય વિવેક રાખવો. શું ન વાંચવું એનો વિવેક. અંતે તો આપણે જે વાંચીએ એમાંથી જ કંઈક ને કંઈક શીખીએ છીએ. એક સારી વાર્તા પાંચ નબળીની ગરજ સારે છે. જીવનમાં માર્યાદિત સમય છે એટલે જે વાંચીએ એ સારું જ વાંચીએ એવો પ્રયત્ન કરીએ. હા, શું ન લખવું એના દાખલા રૂપે માટે અમુક પુસ્તકો વાંચી શકાય.
રામને આ વાર્તા લખવાનો વિચાર ક્યાંથી આવ્યો?

આપણે ત્યાં લખતી વાર્તાઓ મોટે ભાગે ખુબ ધનાઢ્ય લોકો વિષે હોય છે અથવા અત્યંત ગરીબ. મધ્યમવર્ગની વાર્તાઓ કોઈ ભાગ્યે જ લખે છે. મધ્યમવર્ગનાં ભર્યા ભર્યા કુટુંબની વચ્ચે પણ પતિ પત્ની એકબીજા માટે પ્રેમ વ્યક્ત કરતા હોય છે. જેમ કે પત્નીનું આગ્રહ કરીને હજી એક રોટલી પીરસવું કે પતિનું ચાનો કપ અંદર મૂકી આવવું જેવી નાની નાની બાબતો પણ પ્રેમનો જ એક ભાગ છે. આવી નાની નાની વાતો રામના ધ્યાનમાં રહી જાય. ઉપરાંત અમુક દુઃખ આપણે જાતે ઉભા કરતા હોઈએ છીએ, એ વાત પણ રામને કહેવી હતી. એમાંથી આ વાર્તાનું બીજ રોપાયું.

સત્ર ૨ - વાર્તા વિષયક પ્રશ્નોત્તરી
પ્ર: યામિની: અમે નાટકની શિબિરમાં શીખ્યા છીએ કે, "જો સ્ટેજ પર ગન હોય તો ફૂટવી જ જોઈએ". એ ન્યાયે, મેહાના સસરાનો માત્ર એક કે બે વાર અછડતો જ ઉલ્લેખ આવે છે. એવું કેમ?
ઉ: ભારતી: એક સંપૂર્ણ કુટુંબ દર્શાવવા માટે સસરાને ત્યાં રાખ્યા હોઈ શકે. બીજી નિર્જીવ વસ્તુઓની જેમ એમને પણ વિશ્વ રચવાના એક તત્વ તરીકે રાખ્યા હોય.
ઉ: રામ: મેહાના દરેક રવિવાર બરબાદ થાય છે એવું નથી. જો એવું હોત તો તે આ વખતના રવિવાર બરબાદ થઇ જવા માટે નિરાશ ન થ હોત. પરંતુ આ રવિવારે જ સસરાની તબિયત ખરાબ થઇ જેથી સાસુને મેહાના પતિએ લઇ જવા પડ્યા. ખાસ આ રવિવાર જ કેમ બગડ્યો એ પ્રસ્થાપિત કરવા માટે સસરાને વાર્તામાં લાવવામાં આવ્યા છે.
પ્ર: પ્રીતિ: મેહા કહે છે, "આ ઘરમાં પરણીને આવી એ વાતને કદાચ આવતાં મહિને બે વર્ષ પુરા થાશે". કદાચ શું કામ ? આગંતુક અને પ્રિયજન જેવી નવલકથાઓ વાંચતી છોકરીને પોતાના લગ્નને કેટલો સમય થયો એ જાણ ન હોય?
ઉ: રામ: મેહાનો ધૂંધવાટ દેખાડવા માટે. લગ્નને કેટલો સમય થયો એનું એને ભાન નથી કારણકે આ સમય છે એના કરતા ખુબ લાંબો લાગે છે.
ઉ: રાજુ: હું જ્યારે એમ ખુ કે "મેં એને ૨૫૦ ફોન કર્યા" ત્યારે મેં સાચે ૨૫૦ ફોન ન કર્યા હોય. આ અતિશયોક્તિ અલંકાર છે. એવી જ રીતે રામે અનિશ્ચિતતા અલંકાર વાપર્યો છે.
યામિની: જો મેહા લગ્ન પછી પણ આગંતુક અને ન્ય નવલકથાઓ વાંચતી હોત તો કદાચ એની મનોસ્થિતિ આવી હોત જ નહિ.
પ્ર: પ્રીતિ:
"ઓહ..... હાઈશ આંગળી દાઝી ગઈ" હાઇશ કેમ?
ઉ: રામ: એ સંતોષ દેખાડતો ઉદગાર"હાશ" નથી. હાઇશ (રામ એની આગવી છટામાં બોલીને બતાવે છે) કાઠીયાવાડી ઉદગાર છે જે ચોકવા માટે કે દર્દ માટે વપરાય છે.
પ્ર: મીના: આજની ગૃહિણી પણ સાચે જ આટલું કામ કરતી હોય એ માનવામાં ન આવે એવી વાત છે. પાપડની સુકવણી જેવા કામો તો આઉટસોર્સ થઇ જ ગયા છે મોટાભાગના ઘરોમાં.
ઉ: બધાં એકસાથે: ના. આજે પણ કામ તો એટલું જ હોય છે. એવી કોઈ ક્રાંતિ નથી આવી ગઈ સમાજમાં.
ઉ: રાજુ: વાર્તાનું કામ જ એ છે કે તમે કયા સમયમાં જીવો છો એ તમને દર્શાવે. એટલે જો તમને એમ હોય કે ગૃહિણીને આટલા બધા કામ નથી હોતા. એટ લીસ્ટ મુંબઈ જેવા મહાનગરોમાં , તો રામની વાર્તાથી તમારો ભ્રમ ભાંગવો જોઈએ.
પ્રીતિ: "પણ ધીમે ધીમે નાનું બનતું જતું એમનું સ્મિત એમની આંખોમાં મારો રંગ મને બતાવતું હતું" - આ વાક્ય બહુ ગમ્યું.
પ્ર: યામિની: વાર્તાના અંતમાં આવે છે, "ચિંતન મારી પીઠ પર હાથ મુકવા ગયો કે મેં એનો હાથ ઝટકાવી નાખ્યો, એ હસવા લાગ્યો" એ હસ્યો શું કામ?
રામ કાંઈ જવાબ આપે એ પહેલા જ કુસુમ અને રાજુલ એકસાથે જવાબ આપવા જતાં હતા. સ્પીકરે તેમને અટકાવીને પહેલા રામને બોલી લેવા કહ્યું.
ઉ: રામ / કુસુમ / રાજુલ (ત્રણેયનો જવાબ એકસરખો જ હતો): વાર્તાના શીર્ષક "એ તો છે જ એવા" વાજબી ઠેરવે એવું આ વિધાન છે. એ જેવો / જેવી છે પણ છે તો મારો / મારી જ આ ભાવ રહેલો છે. ચિંતન જે રીતે મેહાને ઓળખતો હતો એ પરથી એને ખબર જ હતી કે મેહા છણકો કરશે. જો એ ન કરત તો કંઇ તકલીફ હોત. એનું આવું વર્તન બધું નોર્મલ હોવાની નિશાની હતી. તેની અપેક્ષા મુજબનું વર્તન હોવાથી ચિંતન હસ્યો. બાળક જન્મે ત્યારે રડે અને આપણે ખુશ થઈએ કંઇક એવું.
પ્ર: ભારતી: મેહા એક મજબૂત મનોબળ વાળી સ્ત્રી હોય એવું લાગે છે. તેનો પતિ પણ તેને ખુબ ચાહે છે. તેમ છતાં તે શા માટે જિંદગીથી આટલી અસંતુષ્ટ છે?
ઉ: રામ: મેહાનું પાત્ર કેટલેક અંશે સત્યભામા જેવું છે. કૃષ્ણ તેમની ૧૬,૦૦૦ રાણીઓને સરખો પ્રેમ કરતા હતા છતાં સત્યભામા હમેશા એમ જ ઇચ્છતી કે એ કૃષ્ણની પ્રિય રાની બની રહે. તેને વધુ ને વધુ પ્રેમ જોઈએ છે. બધો જ પ્રેમ તેને એકલીને જોઈએ છે. ચિંતન એ પહેલો પુરુષ છે જેણે તેના રંગને જોયો જ નથી. એને તે જેવી છે એવી સમગ્ર જોઈએ છે. એટલે મેહા સતત એવું ઝંખ્યા કરે છે કે ચિંતનનો સમગ્ર પ્રેમ એને એકલીને મળે અને તે કોઈની સાથે વહેચાય નહિ. ચિંતન તેને હંમેશ એમ મહેસુસ કરાવ્યા કરે કે એ તેને કેટલું ચાહે છે.
યામિની: એક છોકરો હોવા છતાં તું સ્ત્રી હ્રદયને આટલું સારી રીતે સમજી શકે છે એ બહુ મોટી વાત છે.
પ્ર: પરાગ: વાર્તા શરુ થઇ કાળા / ગોરા વચ્ચે સમાજમાં જે ભેદભાવ ચાલે છે તે જગ્યાએથી અને પછી એને બીજે જ ક્યાંક લઇ ગયા. એવું કેમ?
ઉ: રામ: મારે કાળા ગોરાના ભેદભાવની વાત કહેવી જ નહોતી. વાર્તાકાર એ ઉપદેશક નથી. તમારી વાર્તા માત્ર પ્રસંગકથા ન થઈને રહી જવી જોઈએ. પાત્રની અંદર કેમેરો ફરવો જોઈએ. રાજુએ ચાનો કપ કઈ રીતે ઉપાડ્યો, કેટલા ઘૂંટડા લીધા, ચા પીતી વખતે તેના પગ કેમ હતા વગેરેમાં જ અડધી વાર્તા આવી જાય. તમારે સીધેસીધી કોઈ વાત કહેવાની જરૂર જ ન પડવી જોઈએ.
રાજુ: મારા મતે, આ એ જ (કાળા ગોરાની), એ જ દ્રશ્ય છે પણ એન્ગલ જુદો છે.
યામિની: મધુ રાય આવ્યા ત્યારે તેમણે પણ આ જ વાત કરી હતી. તમે પાત્રને ગુસ્સો આવે છે એમ કહો નહિ પણ એમ દેખાડો કે એને ગુસ્સો આવે છે.


કુસુમ: હું ૮૦% વાર્તા સાથે મારી જાતને રીલેટ કરી શકી.
રાજુ (નેહા રાવલ, સુરત વતી. એટલે કે આપણી શિબિરમાં કરસ્પોન્ડંસ વિદ્યાર્થી પણ મંજુર છે):
પ્ર: ૧. મેહાને તેના રંગથી તકલીફ છે કે લોકોની ટકોરથી?
ઉ: રામ: માણસની સ્વભાવગત નબળાઈ છે કે કોઈ એને એકની એક વાત વારંવાર કહ્યા કરે તો એપોતે પણ તેને માનવા લાગે છે. તે કાળી હતી તેથી એને એટલી તકલીફ નથી પણ લોકોની ટકોરથી તેને ગ્રંથી બંધાઈ ગઈ છે.

પ્ર: ૨. વાર્તામાં આવતા રસોડાના દ્રશ્યો અને વસ્તુઓના આટલા બધા વર્ણનની જરૂર છે?
ઉ: રામ: આ વાત પર પહેલા જ ચર્ચા કરી ચુક્યા છીએ તેમ એક વિશ્વ રચવાની વાત છે. જે વાચકને કલ્પના કરવા માટે એક સંદર્ભ પૂરો પાડે ઉપરાંત વાર્તાને પણ આગળ ધપાવે.

પ્ર: ૩. શું મેહાને બે વર્ષ સુધી પતિના સ્વભાવની ખબર નહોતી પડી જે અંતમાં પડે છે?
ઉ: રામ: ચિંતન તેને જોવા આવ્યો ત્યારથી જ એને એના સ્વભાવ વિષે ખબર છે. પરંતુ એ સ્વીકારતા અને આત્મસાત કરતા તેને વાર લાગે છે. તેમજ અગાઉ કહ્યું તેમ, માણસને ઘણી વખત દુઃખ ન હોય ત્યાંથી જાતે ઉભા કરવાની આદત હોય છે. અંતની એ ક્ષણમાં જ એની અંદર કંઇક થાય છે જે ટ્રીગર છોડી મુકવા માટે કારણભૂત થાય છે.

પ્ર: ૪. હમેશા સ્ત્રીને જ કેમ સહન કરવાનું અને ચલાવી લેવાનું?
ઉ: રામ: મારી વાર્તાઓ પૂર્ણપણે ફેમીનીસ્ટ નથી. જો એમ હોત તો ચિંતન આખી રાત મેહાનું માથું ખોળામાં લઈને બેઠો ન રહેત.

પ્ર: સમીરા: આ વાર્તાથી થોડો અલગ પ્રશ્ન. તારી બધી જ વાર્તાઓ સ્ત્રીને કેન્દ્રમાં રાખીને જ કેમ હોય છે? એવી કઈ વાત હતી કે તને સ્પર્શી ગઈ?

ઉ: રામ: સર્જકનું કોઈ જેન્ડર નથી હોતું. તમને નાનપણથી જ ઈશ્વર તરફથી એક કેમેરા આપવામાં આવ્યો હોય છે. નાનપણમાં મારી બા મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. ગ્રામ્ય વાતાવરણમાં મોટો થયો છું અને મારી વાર્તાના પાત્રો મેં સાચે જ નજીકથી નિહાળ્યા છે. કદાચ એટલે જ સ્ત્રી કેન્દ્રી વાર્તાઓ લખું છું. દાખલા તરીકે, મારી વાર્તામાં નાયિકા પ્રેગનેન્ટ હોય તો એ મેં જાતે જોયું છે. એની માટે મારે પ્રેગનેન્ટ થવાનું જરૂરી નથી. મારા બાળપણમાં ભાભીઓ, મામીઓ, કાકીઓ બધા સાથે હું એટલો નજીક હતો કે કોઈ જાતના છોછ વગર વાતો કરી શકું. મારી બીજી એક વાર્તા "ઠેસ" માં લગ્નની ઉમર નીકળી જતી હોય એવી છોકરીની વાત છે. એમાં તે નદીએ કપડાં ધોવા જાય ત્યારે તેના ભાઈના પેન્ટની ચેન ઝોર ઝોરથી ખોલબંધ કરે છે. ત્યારે તેની માટે એ તેના ભાઈનું પેન્ટ નહિ પણ એક પુરુષનું પેન્ટ છે. એ છોકરીની અંદર ધરબાયેલી છાની જાતીયતાની વાત સમજવા મારે એ અનુભવ કરવાની જરૂર નથી. નિરીક્ષણ પુરતું છે.
રાજુલ: રમેશ પારેખની એક વાર્તામાં પણ એક મંદબુદ્ધિ છોકરીની ગોપિત જાતીયતા વિષે વાત છે. એ છોકરી મગજથી મોટી નથી થઇ પરંતુ કુદરત તો કુદરતનું કામ કરે જ છે.
રામ: મારી "પોપડી" નામની વાર્તામાં એવી છોકરીની વાત છે કે જેને નાનપણથી બધા ઠંડી અને થાંથી કહીને બોલાવે છે. એના લગ્ન પહેલા એની સહેલીઓ એને પહેલી રાતે શું કરવું એની સલાહો આપી રહી છે. જો સ્ત્રીની કામેચ્છા ઓછી હોય તો તેને "ઠંડી" કહેતા હોય છે અને જો બળવાન હોય તો "રંડી". આ ઠંડી અને રંડી વચ્ચે સ્ત્રીનું પોતાનું અસ્તિત્વ ક્યાં? એ મુદ્દો "પોપડી" વાર્તામાં ઉઠાવ્યો છે. આ વાર્તાને કારણે મારા પર ખુબ માછલાં ધોવાયા હતા.
વર્ષા અડાલજાની એક વાર્તામાં પણ આવી જ એક મંદબુદ્ધિ છોકરીની વાત છે જે મોટી થઇ ગઈ છે છતાં નાહવા જેવું સામાન્ય કામ પણ પોતે નથી કરી શકતી. તેને નવડાવતી વખતે તે અચાનક એના પિતાના હાથ પકડીને પોતાની છાતી પર મૂકી દે છે. ત્યારબાદ તેને હોસ્પીટલમાં મૂકી આવવાનું નક્કી થાય છે. જો કે વર્ષાબેને આમાં બહુ કુશળતાપૂર્વક તેના હોસ્પીટલના ફોર્મ ભરવાની પ્રક્રિયાને તેના લગ્નની કંકોત્રી લખવા સાથે સમાંતર દોર્યા છે.
ફાઈનલી, જ્યારે લેખકના જેન્ડરની વાત નીકળી છે ત્યારે રાજુ પેલી ગ્રુપમાં બે અઠવાડિયાથી ચાલી રહેલી "કમલા"ના રહસ્યને ઉઘાડે છે.
રાજુ: શરદ બાબુએ કેટલીક વાર્તાઓ કમલાના ઉપનામથી લખી હતી. ભલે, લેખકનું કોઈ જેન્ડર ન હોય પણ વાચકોનું તો હોય છે ને? એટલે એક સ્ત્રીએ લખેલી સ્ત્રી કેન્દ્રી વાર્તાને વાચકો વધારે અધિકૃત માને એવું થતું હોય છે.
પ્ર: મીના: મને તો લખતી વખતે જેન્ડર નડે જ છે. સ્ત્રી પાત્રનું વર્ણન અને વાર્તા વિશ્વનું વર્ણન તો હું સ્ત્રી તરીકે જ કરું છું. પરંતુ જ્યાં પુરુષ પાત્રનું વર્ણન આવે ત્યાં હું બ્લેન્ક થઇ જાઉં.
ઉ: રામ: મારી ચૌદમાંથી સાત વાર્તાઓ ગ્રામ્ય વાતાવરણમાં છે જ્યારે બાકીની સાત શહેરી વાતાવરણમાં છે. મને ગ્રામ્ય જીવન જેટલું પ્રસ્તુત છે એટલું શહેરી નથી. તો એવામાં હું શું કરું? નિરીક્ષણ. રાજુલ ચા બનાવવા ઉઠ્યા, કુસુમ મોડા આવીને કઈ રીતે વર્ત્યા વગેરે નાની નાની વાતો હું સતત નોધ્યા જ કરતો હોઉં છું. એટલે તમારે પરકાયા પ્રવેશ કરવા માટે સ્વાનુભવ જ હોવો એવું નથી. નિરીક્ષણથી પણ કેટલીય વસ્તુઓ થઇ શકે. અને તેમ છતાંય હું પોતે આજ સુધી પુરુષ કેન્દ્રી વાર્તાઓ લખી નથી શક્યો. મારા મિત્રો મને ચેલેન્જ કરે કે હવે એક મુછાળાની વાર્તા લખ. અને એ કોશિશ કરવી મારે માટે ખુબ જ મઝેદાર કવાયત છે. હિમાંશી શેલતની એક વાર્તામાં સાત પુરુષો બેસીને શરાબ પી રહ્યા છે. તેમની "એ લોકો" કરીને એક વાર્તામાં છક્કા વિશેની વાત છે. એટલે કે જેન્ડર નડે તો પણ તેને તાબે ન થવું.
રાજુ: કાફકાની એક વાર્તા "વો" માં ચાઇનીઝ દીવાલ વાત છે. અશ્વિની ભટ્ટની નવલકથા ‘ઓથાર’ માં ભેડાઘાટની  શરીરપ્રેમનું એવું વર્ણન છે કે વાચકોના તેમને પત્રો આવતા, અમે હનીમુન માટે ત્યાં જ જઈશું. અશ્વિની ભટ્ટ ભેડાઘાટના જંગલોમાં સ્કુટર લઈને જાતે ફર્યા છે જ્યારે કાફકા પોતે ચીન  નહોતો ગયો.... કહેવાનું તાત્પર્ય એ કે, જેમ સ્વાનુભવ અને નિરીક્ષણ એ બે લેખકના જુદા જુદા આયુધો છે તેમ રીસર્ચ પણ એક મહત્વનું આયુધ હોઈ શકે. વિદેશી લેખકો રીસર્ચ માટે ખાસ માણસો રાખે છે. અલબત્ત એમને એ પરવડે અને આપણને નહિ. પરંતુ ઈન્ટરનેટને લીધે હવે રીસર્ચ બહુ જ આસાન થઇ ગયું છે.
કુસુમ: મને પણ ગઝલ અને વાર્તા લખતી વખતે પુરુષના જ ભાવ આવે છે.
રાજુ: તમે જ્યારે એક પ્રકારમાં કમ્ફર્ટેબલ થઇ જાઓ અને ફરી ફરી એ જ કર્યા કરો તો એ તમારો લેખક તરીકેનો મૃત્યુઘંટ છે એમ સમજી લો. કમ્ફર્ટ ઝોન તજો.
મીત: શ્રુંગાર રસની વાર્તાઓ ઘણી છે આપણે ત્યાં. પન્નાલાલની "મારી ચંપા", સુંદરમની "નાગરિકા", ટાગોરની પણ ઘણી વાર્તાઓ શ્રુંગાર રસની હોય છે. અને માત્ર કપડાં ઉતારવાથી જ શ્રુંગાર વાર્તા બને એવું નથી.
પ્ર: રાજુલ: રામની વાર્તા ક્યારેક વધુ પડતા વર્ણનને લીધે બોરિંગ થઇ જતી હોય એવું નથી લાગતું?
ઉ: રામ: દરેક લેખકને એક લોભ હોય છે. પોતે જે લખે છે એ શ્રેષ્ઠ છે અને વાચક એ વાંચીને અભિભૂત થઇ જશે એવું તે માને છે. વાચકને ધ્યાનમાં રાખીને લખવામાં સંયમ રાખતા શીખવું જોઈએ. જો લખતી વખતે ન ફાવે તો એની માટે એડીટીંગનો તબક્કો છે જ. લખાઈ ગયા પછી વાંચતી વખતે બેરહેમ થઇ જાવ. હિમાંશી શેલત એકમાત્ર એવા લેખક છે જે એક શબ્દ પણ વધારાનો નથી લખતા. એમને આખેઆખી વાર્તા પહેલા મનમાં આવે છે અને પછી તે એક બેઠકે આખીને આખી લખી નાખે છે.
(હેમિંગ્વેનું એક પ્રખ્યાત વાક્ય છે "write drunk. edit sober")
અને છેલ્લો સવાલ: ભારતી: મેહાને છોકરો જોવા આવ્યો છે ત્યારે એ ન્હાવા જતી રહે છે એ ગળે ન ઉતર્યું. આવું કાઈ સાચેમાં થઇ શકે એવું ન માની શકાય.
આ વાત પર બધા પોતપોતાના મત રજુ કરે છે. હોઈ શકે તે ધૂંધવાટ ઠાલવવા ન્હાવા જતી રહે છે. કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે એમને ટાળવા માટે તમે તમારા રૂમમાં જઈને બેસી જાઓ તો એ અપમાનજનક લાગી શકે. પરંતુ બાથરૂમમાં જતા રહો તો એ વ્યાજબી કારણ છે. એવું પણ હોઈ શકે કે તેનું રોજ કૉલેજથી આવીને ન્હાવા જવાનું એક રૂટીન હોય. અને બહાર બેઠેલા લોકો એને જોવા આવ્યા છે, સાસુને એનો રંગ નથી ગમ્યો જ્યારે છોકરાને એના રંગથી કોઈ જ ફરક નથી પડતો એટલી બધી માહિતી એનું મગજ નોંધ લે એ પહેલા જ એનું શરીર રૂટીનને વશ થઈને બાથરૂમમાં પહોચી ગયું હોય.
અહિયાં સ્પીકર આ સેશન પૂરું અને હવે આગળ શું કરી શકાય એ માટે સહુનો મત લે છે. બધા રામ પર છોડી દે છે.
સત્ર ૩ - સારા લેખકો અને એમની (કમ્પલસરી) વાંચવા જેવી વાર્તાઓ
વર્ષા અડાલજા:
  1. તું છે ને
  2. તને સાચવે પાર્વતી: અગાઉ વાત કરી તે મંદબુદ્ધિ છોકરીની ગોપિત જાતીયતા વિશેની વાર્તા.
જ્યારે તમને વાર્તામાં કોઈ ગુંચવણ લાગે ત્યારે તમારા પાત્ર સાથે વાત કરો. આ વાત કદાચ છોકરમત લાગે પણ તમારા પાત્રને એક સવાલ પૂછો. તે ત્રણથી ચાર જવાબ આપશે. પછી તમે તમારી વાર્તાની જરૂર મુજબ જે યોગ્ય લાગે તે દિશા આપી શકો. ફરી પાછો પેલો "કેમેરો" પાત્રની અંદર ફેરવો. આંગીકમમાં વાર્તા કરો. અગાઉના જ દાખલા મુજબ, પાત્ર ચા નો કપ કેમ ઉપાડે છે, કેમ મુકે છે, તેની કીકી કેમ ફરે છે, પગ કેમ હાલે છે વગેરેમાં જ અડધી વાર્તા કહી શકાય. ખલીલ જિબ્રાને કહ્યું છે, "બાળકો તમારા થકી છે, તમારા કારણે નહી". પાત્રોનું પણ કઈ એવું જ છે.
વીનેશ અંતાણી:
વીનેશ અંતાણીને સન્નાટા માટે વાંચવા રહ્યા. વાર્તાનું વિશ્વ, પાત્રાલેખન અને ઘટનાઓ વર્ણવવી કદાચ આસાન છે પણ એક ચીર શાંતિનો એહસાસ શબ્દો દ્વારા કરાવવો એ એમની પાસેથી શીખવા જેવું છે. એમની વાર્તામાં ઓછામાં ઓછા સંવાદો હોય. સંવાદો ન હોવા છતાં ક્યારેય વર્ણનનો ભાર નથી વર્તાતો. તેમની ઘણી વાર્તાઓમાં જુજ પાત્રો હોય છે. વાર્તાને પાત્રોથી ભરી દેવાના મોહમાં સપડાઈ જવું સહેલું છે.
  1. સ્ત્રી નામે વિશાખા
  2. બે સ્ત્રી અને ફાનસ
  3. છીપર
  4. અહી કોઈ રેહતું નથી
  5. સત્યાવીસ વર્ષની છોકરી
હમેશા તમારી પોતાની (અને આસપાસની) વાર્તા પહેલા કહો. શાકવાળાની વાર્તા નહિ લખો. મીનાની વાર્તા મીના જ કહી શકશે પરાગ નહિ. જ્યારે તમારી પોતાની વાર્તા ખૂટી જાય ત્યારે જ બીજાની વાર્તા શોધવા નીકળો.
પન્નાલાલ પટેલ:
  1. મા
  2. વાત્રકને કાંઠે
  3. પન્નાની તસવીર
સુરેશ જોશી:
આપણે પહેલાં જ વાત કરી એ મુજબ એમની બે વાર્તાઓ ખાસ વાંચવા જેવી છે.
  1. દ્વીરાગમન
  2. જન્માષ્ટમી
કિરીટ દુધાત:
કિરીટ દુધાત  પાસે કથનની સ્માર્ટનેસ શીખવાની વસ્તુ છે. એમની મોટા ભાગની વાર્તાનો કથક કાળુ નામે એક છોકરો છે જે એમના મોસાળમાં આવતા એક છોકરા પર આધારિત છે.
  1. લીલ
  2. બાયું: (રામના મતે) ગુજરાતીની સો અમર વાર્તાઓમાં એક ગણી શકાય એવી આ વાર્તા છે
  3. વીંટી
બિંદુ ભટ્ટ:
શક્ય હોય તો બિંદુ ભટ્ટની બધી જ વાર્તાઓ વાંચવી.
  1. આંતરસીવો
  2. બાંધણી: આ વાર્તા એનું ઉદાહરણ છે કે એક જ મુદ્દા પર બે અલગ લેખકો કઈ રીતે સાવ અલગ જ વાર્તા લખતા હોય છે. કાજલ ઓઝા વૈદ્યની "ચાંદલો" અને બાંધણી બંને મૃત પતિ બાદ એક ઘરમાં રહેતા સાસુ - વહુની વાત છે. બંનેમાં સાસુ વહુને એકબીજાની ખુબ કાળજી છે અને છતાં વાર્તા એકમેકથી જુદી જ છે.
  3. મંગળસૂત્ર
  4. તરભાણું: આ વાર્તા એ વાતને સમર્થન આપે છે કે કથકનું વાર્તામાં કેટલું મહત્વ છે. એક વૃદ્ધ પુરુષ જેના બધા જ દીકરાઓ મૃત્યુ પામ્યા છે એની વાતમાં એને પોતાને જ કથક બનાવી શકાયો હોત. પણ બિંદુ ભટ્ટે એની પૌત્રીને કથક બનાવીને એક નવીન રજૂઆત કરી છે.
  5. ઉંબર વચ્ચે
સરોજ પાઠક:
સરોજ પાઠકને એમના કથક માટે વાંચવા ઘટે.
  1. ન કૌંસમાં ન કૌંસ બહાર: આવી વાર્તા લખાઈ એ ગુજરાતી વાર્તા જગતમાં એક વિરલ ઘટના કહેવાય
  2. સારિકા પંજરાવસ્થા: એક જ પાત્ર. એ પણ ગાંડી. એના બબડાટમાંથી જ આખી વાર્તા બહાર આવે છે
  3. મારો અસબાબ:  આ વાર્તામાંથી એમ શીખી શકાય કે વાર્તા લખવા માટે બહુ મોટા મોટા વિષયોની જરૂર નથી
  4. ચકિત, વ્યથિત, ભયભીત: જ્યારે તમે એક બાર વરસની બાળાને કથક બનાવો ત્યારે વિસ્મય આપોઆપ પ્રકટવાનું જ છે
  5. વિશ્રંભકથા
  6. હુકમનો એક્કો: બિંદુ ભટ્ટની "અખેપાતર" નું એક પ્રકરણ આની જેવું જ છે
હિમાંશી શેલત:
જો તમને વાર્તામાં રીસર્ચનું મહત્વ શું છે એ જાણવું હોય તો એમની વાર્તાઓ વાંચો
  1. ખરીદી
  2. કિંમત
  3. બળતરાના બીજ
  4. અકબંધ
  5. સ્ત્રીઓ: પાત્રનું કેવું નાટ્યાત્મક રૂપાંતર થઇ શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ
  6. સામેવાળી સ્ત્રી
  7. સમજ: એક જ વાતને અલગ લગ વ્યક્તિ કઈ રીતે પોતાના પરિપ્રેક્ષ્યથી જુએ છે એનું સુંદર ઉદાહરણ. સુપ્રસિદ્ધ જાપાનીઝ વાર્તા રોશોમોનની જેમ.
સુન્દરમ:
  1. નાગરિકા
  2. મા ને ખોળે
પૂજા તત્સત:
સ્ત્રીઓએ એમને ખાસ વાંચવા. તેમની ભાષા અને રજૂઆત સાવ અલગ જ પ્રકારની હોય છે. તેમની વાર્તાના અંત ખુબ કળાત્મક હોય છે.
  1. બીજી સ્ત્રી: એક જ વાર્તાના ત્રણ કથક (પતિ, પત્ની અને વોહ). અને ત્રણેય નિર્દોષ. આવા પ્રયોગ કરવા છતાં સારી વાર્તા બને શકે એ આની ખાસિયત.
  2. વિરાજના લગ્ન
  3. તાવ
  4. નેત્રાનું ફ્રોક
ઉષા ઉપાધ્યાય:
  1. હું તો આ ચાલી
  2. હવે સ્નાન કરી લો
નવનીત જાની:
(રામના માટે) નવનીત જાની અત્યારના પ્રથમ પાંચ વર્તાલેખાકોમાં ગણાઇ શકે. "કેમેરાવર્ક", ડીટેઇલિંગ અને એલીમેન્ટ્સના ઉપયોગ માટે ક્યારેક તો રામને તેમની ઈર્ષા આવે એવું તે લખે છે.
  1. વછોઈ: આમાં કથક એક છોકરી છે જે મારી જાય છે અને પછી કુતરી બને છે. બાકીની વાર્તામાં કથક કુતરી છે.
  2. કથા
  3. દાણા પાણી
  4. દીદી
  5. બંધ બારણાની તિરાડનો ઉજાસ
શક્તિસિંહ પરમાર:
  1. મંજરી આંખ્યું
  2. ખટાશ વિહોણી આંબલી
  3. છૂટકો
  4. પીઠી (હજુ સુધી અપ્રગટ વાર્તા): આ વાર્તા એ વાતની સાબિતી છે કે હંમેશા વાર્તા પીડા વિષે જ હોય એ જરૂરી નથી. હસતી રમતી, સુખની વાર્તા પણ હોઈ શકે. વાચકોને તમારા પાત્રના સુખમાં પણ રસ છે જ.
મહેન્દ્રસિંહ પરમાર:  પાઈરોટેકનીક
માવજી મહેશ્વરી: અદ્રશ્ય દીવાલો
માય ડીયર જયુ:
  1. જીવ
  2. ડાર્વિનનો પિતરાઈ
અજય સોની:
  1. ગીધ
  2. સાંકળ
પારુલ કંદર્પ દેસાઈ: એ શહેર
કંદર્પ દેસાઈ:
  1. દ્વિજ
  2. પહાડોમાં મારું ઘર છે
જીગ્નેશ બ્રહ્મભટ્ટ: પ્રતીક્ષા
જયંત ખત્રી:
  1. ખીચડી
  2. ધાડ
અજય ઓઝા: ટીફીન બોમ્બ
નીતિન ત્રિવેદી: કાગડો સ્માર્ટ છે
કાજલ ઓઝા વૈદ્ય:
  1. ચાંદલો (જેની આપણે બિંદુ ભટ્ટની વાર્તા "બાંધણી" સાથે વાત કરી)
  2. લાસ્ટ શો
રેણુકા પટેલ: પરિપૂર્ણ
જીતેન્દ્ર પટેલ:
  1. મામાને ઘરે
  2. દીકરી
  3. દીકરીયાળ
  4. ખાદ
મડિયા: વાણી મારી કોયલ
ઉમાશંકર જોશી: મારી ચંપાનો વર
બીપીન પટેલ: વોશિંગ મશીન
આ ઉપરાંત શરીફા વીજળીવાળાનું પુસ્તક "શતરૂપા" વાર્તાકારો માટે બાઈબલ સમાન છે. ગદ્યપર્વના ભાગ ૧, ૨, ૩, સુરેશ જોશીનું વાર્તાવિશ્વ, હરીશ નાગરેચાની શ્રેષ્ઠ વાર્તાઓ, સરોજ પાઠકની શ્રેષ્ઠ વાર્તાઓ પણ વસાવવા જેવા પુસ્તકો છે.
અંતે જ્યારે આ પચ્ચીસથી ઉપર લેખકોની સિત્તેરથી ઉપર વાર્તાઓ વિષે લાં........બી ચર્ચા પૂરી થઇ ત્યારે પહેલા તો એમ થયું કે બસ આ બધી વાર્તાઓ વાંચી લઈએ એટલે સારા વાર્તાકાર બની જ જઈશું. પછી એક નર્વસનેસ પણ આવી ગઈ કે આટલી બધી વાર્તાઓ વંચાશે ક્યારે? હવે, થોડી ફુરસદથી આ અહેવાલ લખતી વખતે થાય છે કે જ્યારે અને જેટલી પણ વાર્તા વંચાય એટલો ફાયદો જ છે. અને એ વાંચીને પણ કઈ સારા વાર્તાકાર બની જવાય એવું નથી. પણ હા, એક સારા વાચક તો બની જ શકીશું. અને એ પણ કાઈ ઓછી ઉપલબ્ધી છે?

શિબિરને અંતે સહુ યામીનીબેનના ઢોકળાં, મીનાબેન - રાજુલબેનના બટેટા પૌંઆ - ચા અને પરાગભાઈની ઝાલમૂડીનો આનંદ લઈને છુટા પડ્યાં.

~~ તુમુલ બુચ (વાર્તા રે વાર્તા ટીમ)

                                

2 comments :

  1. તુમુલ, ખુબ સરસ આહેવાલ. ગેરહાજર રહ્યાનો જરા સરખો પણ અફસોસ આં હેવાલ વાંચ્યા પછી નથી રહ્યો.હા, ઢોકળા , બટાકા પૌવા, ચા અને ઝાલમુડી.....બીજ વાર! રામે લખાવેલુ વાર્તા નું લીસ્ટ જ હમણાં તો હોમ વર્ક જેવું લાગી રહ્યું છે. એ હાલો.....વાંચવા માંડી પડીએ...:)

    ReplyDelete
  2. તુમુલ અદ્દભુત આલેખન.

    ReplyDelete