Sunday 15 May 2016

વાર્તા શિબિર ૧૨ (મુંબઈ)


વારતા રે વારતા - શિબિર ૧૨-- પરાગ જ્ઞાની ના ઘરે -- ૪ મે ૧૬


પરાગ જ્ઞાનીનું ઘર મુંબઈના "ટાઉન" કહેવાય એવા વિસ્તારમાં આવેલું છે. અંગ્રેજોએ બાંધેલા વિક્ટોરિયન શૈલીના મકાનો ધરાવતી તેમની શેરીમાં ચાલતાં મને લાગી રહ્યું હતું કે ત્યાં સમય જાણે ૧૯૪૦માં જ થંભી ગયો હતો. અમે (એટલે કે હું અને મીના ત્રિવેદી) પહોચ્યા ત્યારે અમારી પહેલા જ સમયસર પહોચી ગયેલા સભ્યોને વાંચવા માટે સુત્રધારે એક વાર્તા મોકલાવી હતી. જેમ જેમ લોકો આવતા ગયા તેમ વાર્તા ફરી ફરીને વંચાતી રહી જેથી પહેલા પહોચેલા સભ્યોએ કુલ બે-ત્રણ વાર એ વાંચી લીધી. રસુલ હમ્ઝાતોવની આ વાર્તા "નીશેગોસ્તાન કે આમ" ટૂંકમાં કંઇક આ પ્રમાણે હતી:

રસુલનો એક મિત્ર અબુતાલીબ દર વર્ષે ખુબ જ મીઠા અને રસીલા આંબા લઇ આવતો અને રસુલને ખવડાવતો. તે કહેતો કે નીશેગોસ્તાન નામની જગ્યાએથી આ કેરીઓ આવે છે. એક વખત વર્ષો પહેલા તે પહાડોમાં "ઝુરનું" (વાંસળી જેવું વાદ્ય) વગાડતો જઈ રહ્યો હતો અને એક માણસે તેણે નીશેગોસ્તાનની કેરી ચખાડી. તેને ખુબ ભાવી. પેલા માણસે કહ્યું કે એ દર વર્ષે તેને માટે આ કેરીઓ મોકલી આપશે. ત્યારબાદ એક દિવસ રસુલને એક સરકારી અધિકારીને મળવાનું થયું કે જેને દેશના બધા જ પ્રાંત વિશે જાણકારી હતી, તેણે કહ્યું કે ફલાણી ઢીકણી જગ્યાની શેરડી બહુ સરસ હોય. જેના પરથી રસૂલે નીશેગોસ્તાનના આંબા વિશે વાત કરી. પેલા અધિકારીએ કહ્યું કે નીશેગોસ્તાન નામની જગ્યા તો આખા દેશમાં ક્યાંય છે જ નહિ. આ નામનો પ્રાંત, ગામડું, કસબો કે ગલી પણ નીકળે તો એ જે કહો તે હારી જવા તૈયાર છે. રસુલે અબુતાલીબને પૂછ્યું કે ભાઈ હવે મને વધુ નહિ છેતરી શકે. આ નીશેગોસ્તાનનું રહસ્ય શું છે એ કહી દે. અબુતાલીબ કહે છે કે નીશેગોસ્તાનની કેરીઓ ખરેખર તો મારા ખેતરમાં ઉગતા ઝાડની કેરીઓ છે. રશિયન ભાષામાં નીશેગોનો અર્થ થાય અજાણ્યું, ન ખબર હોય એવું. રસૂલ પૂછે છે કે તો પછી, એ કેરીઓ આટલી મીઠી અને રસાળ કઈ રીતે હતી? અબુતાલીબ કહે છે કે લોકો તો ભોળા હોય છે. તેમને જે કહો તે માની લે છે અને તેમનું મગજ પણ પછી એ હિસાબે વર્તવા લાગે છે.

સુત્રધાર કહે છે કે આ વાર્તા ખરેખર તો રસુલની વાર્તાનો અનુવાદ નથી. પરંતુ અડેપ્ટેશન છે. રસુલની મૂળ વાર્તામાં અબુતાલીબના દાદા ખુબ ઉંચી કક્ષાનો દારુ મૂકી ગયા હોય છે જે આટલા વર્ષો પડ્યો પડ્યો વધારે સારો થયો હોય છે. તે પોતાના મિત્રો માટે અવારનવાર દારૂની મહેફિલ યોજે છે. રસુલ વિચારે છે કે અબુતાલીબના દાદા બહુ અમીર માણસ હશે તો જ આટલો બધો ઉંચી કક્ષાનો દારુ મુકીને ગયા હોઈ શકે. તેને ઈર્ષા પણ આવી. પછી એક દિવસ તે રસુલ માટે દારૂના જુના વાસણમાં જ એ નવો દારુ ભરતો હતો. હવે, આ વાર્તામાંથી ૧૧ થી ૧૬ વર્ષના કિશોરો માટે નાટક બની રહ્યું હતું ત્યારે લેખકે દારુ વિશે લખવું બહુ ઉચિત ન માન્યું અને ઉપર મુજબનું અડેપ્ટેશન કર્યું. આખી કવાયત પાછળનું પ્રયોજન એ હતું કે આપણે અડેપ્ટેશનની પ્રક્રિયાને પણ સમજી શકીએ.

ટાસ્ક અને ડેડલાઈન વિશેની ચર્ચા:

દસ-પંદર દિવસ અગાઉથી જ ટાસ્ક પૂરી કરવાની ડેડલાઈન આપવા છતાં આ વખતનો ટાસ્ક કેટલા બધા લોકોએ મોડો આપ્યો. એક જણે તો શિબિરના દિવસે મોકલાવ્યો. માન્યું કે આપણે બધા રોજબરોજની જીંદગીમાં અને અંગત સમસ્યાઓમાં ગૂંચવાયેલા છીએ જ અને એમાંથી સમય કાઢીને લેખન કાર્યને પ્રાથમિકતા આપવી એ હંમેશા શક્ય ન પણ હોય. છતાં આ કાર્ય શિસ્ત અને સાધના માગી લે એવું છે. આ ગ્રુપના સભ્યો જો અન્ય કાંઇ ન લખતા હોય તો પણ ટાસ્કને બહાને ફરીજીયાત વિચારતા થાય છે અને પેન (કે કી-બોર્ડ) તો હાથમાં લે છે. જે રીતે દિવસ (મહિનાનો પહેલો બુધવાર) નક્કી કરી નાખ્યો છે એ જ રીતે ટાસ્કની ડેડલાઈન પણ નક્કી કરી લેવી જોઈએ જેથી એને લખવા માટે અને અન્યોના લખાણ પર પ્રતિક્રિયા આપવા માટે પુરતો સમય મળી રહે. કેટલીક ચર્ચા વિચારણાને અંતે એમ નક્કી થયું છે કે શિબિર પછીનો બીજો બુધવાર એ ટાસ્ક પ્રસિદ્ધ કરવા માટેની ડેડલાઈન રહેશે. પંદર દિવસ એ ટાસ્ક લખવા માટે પુરતો સમય છે...એટલે એ ચોથા બુધવાર સુધીમાં ઉત્તર મોકલાઈ જવા જોઈએ -- પંદર દિવસ ઉત્તર લખવા માટે મળી રહે એ અને બાકીનું અઠવાડિયું અન્યોના ટાસ્ક વાંચવા, મૂલવવા અને એની પર પ્રતિક્રિયા આપવા માટે રહેશે.

ગયા મહિનાનો એટલે કે મે મહિનાનો ટાસ્ક મજેદાર હોવા છતાં ઘણાને અઘરો લાગ્યો હતો. તેમજ અમુક લોકોએ ટાસ્ક પૂરો કરવા ખાતર જ લખ્યું હોય એવી પણ ફરિયાદ હતી. ટાસ્ક લખવાનું કામ શુષ્ક અને મીકેનીકલ થઇ રહ્યું છે એવું પરાગ જ્ઞાનીને લાગતું હતું. રાજુએ કહ્યું, કે તેને પરાગનો ટાસ્ક બહુ જ ગમ્યો. તેનો અંત તો બહુ સુંદર હતો. પરાગ સાનંદ આશ્ચર્ય અનુભવી રહ્યા. આ તો વિજયઆનંદની ફિલ્મો જેવું થયું. તેમને પોતાને હિન્દી ફિલ્મોમાં ગીતો આવે એ પસંદ જ નહોતું છતાં તેમની ફિલ્મોમાં ગીતોનું પ્લેસમેન્ટ હમેશા લાજવાબ હતું. કેમકે પરાગ ને પોતાને ટાસ્ક બાબત ફરિયાદ હતી... !! લેખનની પ્રક્રિયા કે અન્ય કોઈ કળાત્મક પ્રક્રિયા એ બહુ રહસ્યમય હોય છે. તમારી પાસે રત્ન પડ્યું હોય પણ ક્યારેક તમને પોતાને ખબર ન હોય એ રત્નની કીમત શું છે.

મીના ત્રિવેદીની ટાસ્ક બાબતે ફરિયાદ એ હતી કે કોઈ દિવસ આ પ્રકારનું લખ્યું ન હોય અને ટાસ્કને લીધે એક ચોકઠાંમાં બંધાઈ જવાય છે. એટલે ટાસ્ક પૂરું કરવામાં ખુબ પ્રતિકારની ભાવના આવે છે. સુત્રધારે આનો ખુલાસો આપતા કહ્યું કે, એ સમસ્યા ટાસ્કની નહિ પણ આપણી પોતાની છે. માણસનો મૂળભૂત સ્વભાવ બહુ જંગલી છે - આપણે પ્રાકૃતિક રીતે તો લગ્ન કરવામાં, કામ કરવામાં, કોઈને આદર આપવામાં આવી બધી પારંપારિક બાબતોમાં નથી માનતા. પરંતુ સમાજમાં જીવવા માટે આપણે અમુક માળખા બનાવ્યા છે અને એને અનુસરવા એ જરૂરી હોય છે. મીનાબેને કહ્યું કે, હા એ વાત સાચી. ભલે, પહેલા એમ થાય કે આ સુત્રધાર ક્યાંથી આવા ટાસ્ક લાવે છે. પણ લખ્યા પછી તો એ ઉપકારક નીવડે જ છે. જેમ કે મીના પુરાણીએ જીવનમાં પહેલી વખત ટાસ્કને બહાને લખ્યું.

મે ના ટાસ્ક પાછળના પ્રયોજન વિશે યામિનીએ કહ્યું કે, (વાર્તા) લખવા માટેનું આમ તો કોઈ ગ્રામર નથી હોતું. સુત્રધાર ટાસ્ક એ રીતે ડીઝાઇન કરીને આપે છે કે જેથી આપણે લખવાની પ્રક્રિયાના વિવિધ મુદ્દાઓને જાતે તપાસી શકીએ. આ ટાસ્ક પાછળનો હેતુ એ સમજવાનો હતો કે વાર્તાકાર માટે કંઈ સારું કે ખરાબ નથી હોતું. એ માત્ર હોય છે. કોઈ પાત્રને વાર્તાકાર ધિક્કારી (કે ચાહી) ન શકે. વાચકને નક્કી કરવા દો કે તે પાત્ર ધિક્કારવા લાયક છે કે ચાહવાને લાયક ... પન્નાલાલ પટેલની વાત્રકને કાંઠેમાં આમ જોવા જાઓ તો બહુ અટપટા સંબંધો છે. નાયિકાના બે પતિ છે, તે બંનેને ચાહે છે, બંને પતિ પણ એકબીજાના મિત્રો છે અને માસા માસીને પણ આ બધી જ વાતની જાણ છે. સમાજના ગૃહિત નૈતિક ધોરણો મુજબ આ આખી વ્યવસ્થા અજુગતી લાગે. છતાં વાંચતી વખતે એક વાર પણ આપણને આવા વિચારો ન આવે. કારણકે પન્નાલાલે પોતે એમના પાત્રોના વલણ વિશે કોઈ મંતવ્યો નથી આપ્યા. આ સમયે સુત્રધારે એમની ખાસ શૈલીમાં એક સોનેરી અવતરણ ટાંક્યું:
"રચનામાં રચનાકાર એ રીતે હોવો જોઈએ જે રીતે સૃષ્ટિમાં ઈશ્વર છે" 
--- હોય બધે પણ દેખાય ક્યાંય નહીં -- ધીરુબહેનની વિશ્રંભકથા, મન્ટો કે ઈસ્મતની કોઈ પણ વાર્તા એ આનું ઉદાહરણ છે. પહેલાની શિબિરમાં ચર્ચા થઇ ચુકી છે એ મુજબ, વાર્તાકારનું કામ એક પત્રકાર જેવું છે. પત્રકાર લખશે કે મોદીએ આ કામ કર્યું. તે એમ નહિ લખી શકે કે મોદીએ આવું સારું કે આટલું ખરાબ કામ કર્યું. લેખકને સારું, ખરાબ સમજાય જ નહિ એવું નથી પણ એણે એમાં ન પડવું જોઈએ. એ જો એમાં પડશે તો એ કથાકાર કે ઉપદેશક બની જાય. જેફરી આર્ચરની એક વાર્તામાં એક સરકારી માણસ સ્વીસ બેંકમાં જઈને ત્યાના અધિકારીને ખુબ દબાણ કરે છે કે અમારા દેશના લોકોના કાળા નાણા વિશેની માહિતી આપી દે. તે પેલાને ગોળી મારવાની હદ સુધી આવી જાય છે અને તેમ છતાં એ વિગતો જાહેર નથી કરતો ત્યારે છેલ્લે જઈને એ કહે છે કે મારે પોતાને પણ એક ખાતું ખોલવું છે. મને તમારી ગુપ્તતા જાળવી રાખવા પર વિશ્વાસ બેસી ગયો. ઉમાશંકર જોશીની વાર્તા મારી ચંપાનો વરમાં સાસુ અને જમાઈ વચ્ચેના પ્રેમની વાત છે... ઈત્યાદી ઉદાહરણો ની વાત થઈ. 

આમ પણ નૈતિક સાચું, ખોટું એ સાપેક્ષ પરિકલ્પના છે. સ્થળ અને કાળ મુજબ નૈતિક ધોરણો બદલાય છે. કારણકે એ માનવસર્જિત છે. અને જે માનવસર્જિત છે એ પરિવર્તનશીલ છે, કમજોર છે. જો તમારી વાર્તાની મૂળ વાતમાં દમ હશે તો જ એ વાચક સાથે કનેક્ટ થઇ શકશે અને અમર થઇ શકશે. વાતમાં દમ હોય એ માટે બને એટલું માનવસર્જિતથી દુર રહેવું. પ્રાકૃતિક નિયમો કે ધોરણો વિશે વાત હશે તો વાતમાં આપોઆપ દમ આવશે. જેમ કે, આપણા નામ. જો વર્ષાનું નામ વેનીલા હોત તો પણ એમનામાં શું ફરક પડત? એવી જ રીતે તારીખોનું છે. આપણે બર્થડે મનાવીએ છીએ પણ વીતેલી ઉમર તો પાછી નથી જ આવવાની ને? આ બધી જ વસ્તુઓ સહુલીયત માટે છે. આપણે મહિનાના પહેલા બુધવારે મળવું એ પણ એક સહુલીયત જ છે, એનાથી શિબિરની પ્રવૃત્તિમાં કોઈ ફર્ક નથી પડવાનો. અહીંથી સુત્રધાર થોડું ભટકીને આપણે કેવી દુનિયા બનાવી દીધી છે અને "બીઈંગ હ્યુમન" નો ધંધો આપણને ફાવ્યો નથી એ તરફ ફંટાઈ ગયા. પાછાં ફરીને એ જ વાત પર પહોચ્યા કે લેખકે માનવ જીવનને જે સ્પર્શે, જેનાથી ફરક પડતો હોય એ વાત કહેવી જોઈએ. આ અભિગમ કેળવવા માટે બે રસ્તા છે. એક, વિશ્વભરનું સાહિત્ય વાંચો. એનો કોઈ પર્યાય જ નથી. અને બીજું પુરા ઈમાનથી જીવ રેડીને ટાસ્ક પુરા કરો.

સ્પીકરની નિમણુંક

જેને ઘરે ભેગા થયા હોઈએ તે જ સ્પીકર બને એવું મીના ત્રિવેદીનું સુચન હતું જે બધાએ વધાવી લીધું અને આજના સ્પીકર બન્યા પરાગ જ્ઞાની.

વાર્તા લેખનની પ્રક્રિયામાં આવતી અડચણો

આ શિબિરનો લાંબા સમયથી ચાલતો અને ક્યારેય પૂરો ન થતો હિસ્સો એટલે વાર્તા લેખનની પ્રક્રિયામાં આવતી અડચણો અને એનું સમાધાન.

રાજુલ : ક્યારેક અમુક એબ્સર્ડ વિચારો આવે પણ એની પર લખવાની ઈચ્છા હોવા છતાં વાર્તા લખી જ ન શકાય. દાખલા તરીકે, મારા પતિના બાઈકની સીટ પરથી એક જર્જરિત વોલેટ મળ્યું હતું. એનો માલિક કોણ અને એ ત્યાં કઈ રીતે આવી ગયું એ શોધવાની બહુ કોશિશ કરવા છતાં કોઈ સગડ ન મળ્યા. એ જો નીચે પડ્યું તો મને ધ્યાન પણ ન જાત પરંતુ એ સીટ પર મુકેલું હતું એટલે મને એમાં વાર્તા દેખાઈ. એ વોલેટ બે વરસથી મારા ડ્રોઅરમાં પડ્યું છે અને જેટલી વાર દેખાય ત્યારે મને વાર્તા લખવાનું મન થાય. પણ એ ઉકેલાતી જ નથી.


સુત્રધાર : આનો જવાબ હું રાજુલને ધ્યાનમાં રાખીને આપું છું. જો જનરલ જવાબ આપવાનો હોય તો અલગ હોઈ શકે. પહેલું તો એમ કે રાજુલ વાર્તાલેખનમાં સાવ નવા નથી. એટલે સ્વાભાવિક રીતે જ તમે જાણતા અજાણતા જ પોતાની પહેલાની કૃતિઓ સામે સ્પર્ધા કરશો. જ્યાં સુધી પહેલાં કરતા સારું ન લખાય ત્યાં સુધી તમે લખશો જ નહિ. બીજું, આ વાર્તા લખવા માટે તમારી ઉપર કોઈ દબાણ નથી. ટાસ્ક લખવા માટે જે રીતે એક જાતનું નૈતિક બંધન છે એ મુજબ આ વાર્તા લખવા માટે નથી. પણ આ જવાબ બધાને લાગુ ન પડે. મારું પોતાનું ઉદાહરણ આપું તો, હું ત્યારે જ વાર્તા લખી શકું જ્યારે મને વિચારો આવી રહ્યા હોય. એક વાર મગજમાં વાર્તા ઉકેલાઈ જાય એટલે પછી હું ન લખી શકું. લોકો જેમ વાર્તા વાંચતા હોય છે વાર્તામાં શું થશે એ જાણવા માટે એ રીતે હું લખતો હોઉં છું. જો એક વાર ખબર પડી ગઈ કે શું થશે પછી એ લખવામાં મઝા ન આવે. ફિલ્મમાં મર્ડર કોણે કર્યું એનું રહસ્ય ખબર પડી ગયા પછી એ જોવાની મઝા ન આવે એવું જ. દરેકના અંગત તરંગો અલગ હોય છે- જે દરેકને લાગુ ન પડે. આ વિશે વાત કરવાનો હેતુ એ જ કે દરેકને લખવામાં સમસ્યાઓ આવતી જ હોય છે. એના નિવારણ માટે જ આપણું આ ગ્રુપ છે. શૃંગાર રસનો અંક તૈયાર કર્યો ત્યારે અમુક લોકોએ મને કહ્યું કે મારી વાર્તા તૈયાર જ છે ખાલી તમને મેઈલ કરું એટલી વાર. એક અઠવાડિયા સુધી મેઈલ આવ્યો જ નહિ. થયું એવું હતું કે તેમણે કહ્યું વાર્તા તૈયાર છે એનો અર્થ એમ હતો કે વાર્તા તેમના મગજમાં તૈયાર છે, હવે ખાલી લખીને, ટાઈપ કરીને મોકલું એટલી જ વાર. તેમની આવી સમસ્યા હતી. અને તેઓ સ્વીકાર નહોતા કરતા. લખવામાં જે પણ સમસ્યા આવે એનો સ્વીકાર કરો અને પછી નિરાકરણ કરો. પણ ગમે તે હાલમાં લખો.

નેહા શાહ: મારી પાસે લખવા માટે વિષય હોય છે પણ માહિતીને અભાવે અટકી જવાય.


સુત્રધાર: આ મુદ્દો પહેલા ચર્ચાઈ ચુક્યો છે. ટૂંકમાં ફરીથી ઉત્તર આપીશ. માહિતી માટે બે વસ્તુ થઇ શકે. એક, રીસર્ચ અને બીજી કલ્પનાશક્તિ. જો તમારે પુનામાં થયેલા મર્ડર વિશે લખવું હોય તો પુનાની ભૂગોળ જાણવાની જરૂર નથી. અલબત્ત, જો તમે વધુ પડતી માહિતી લખવા જાઓ તો એ વાર્તા મટીને ડોક્યુમેન્ટેશન બની જઈ શકે છે. હમણાં દિવ્ય ભાસ્કરમાં ચાલી રહેલી ધારાવાહિક છલનાયકમાં પ્લેન ચલાવવાનો સીન છે. એ માટે લેખકને પ્લેન ચલાવવાનો મહાવરો હોવો બિલકુલ જરૂરી નથી. તેમણે કોકપીટમાં કોઈ દિવસ પગ પણ નથી મુક્યો જે હું જાણું છું.. પણ તમે કથા નો એ હિસ્સો વાંચી જુઓ--- અત્યંત વાસ્તવિક છે-

ટૂંકમાં બને એટલા સ્ત્રોત ઉથલાવો. ગુગલને કારણે રીસર્ચ કરવું ખુબ જ સરળ થઇ ગયું છે.

યામિની પટેલ: હું લખી તો નાખું પણ મને એનો ફીડબેક જોઈએ. જ્યાં સુધી બીજા કોઈનો અભિપ્રાય ન મળે ત્યાં સુધી મને ખબર ન પડે કે મેં કેવું લખ્યું છે.

સુત્રધાર : આ સમસ્યા નહિ પણ સ્થિતિ છે. એવો કોઈ કલાકાર નહિ હોય કે જેને આવી જરૂર ન વર્તાય. જો એમ હોય તો તે કલાકાર નહિ સંત હશે.

વર્ષા તન્ના: મારે આખી વાર્તા લખાઈ જાય પણ એક પોઈન્ટ પર આવીને અટકી જવાય. વાર્તાનો અંત કઈ રીતે લાવવો એ ન ખબર પડે. એમ થાય કે આવું તો પહેલા થઇ જ ચુક્યું છે...

સુત્રધાર કંઈ બોલે એ પહેલા રાજુલે કહ્યું -- “આ પણ રીપીટ પ્રોબ્લેમ છે. તમે એક પોઈન્ટ સુધી આવી ગયા છો અને અંત શું લાવવો એ ન સૂઝતું હોય ત્યારે તમારું વાંચન કામ આવશે. જો તમને ખબર હોય કે શું થઇ ચુક્યું છે અને શું નથી થયું તો તમે એના પરથી નક્કી કરી શકશો. ઉપરાંત કઈ પરિસ્થીતિમાં કેવો અંત આપી શકાય એ પણ સમજાશે...”

સુત્રધાર : આ જવાબ સાચો છે પણ અધુરો છે. પરાગ ને એક દિવસ સ્ટેશન પર એક ખુબસુરત છોકરી મળે છે. તે કહે છે કે મને તમારી વાર્તાઓ બહુ ગમે છે. તમે મારી સાથે કોફી પીશો? પરાગ હા પાડે છે અને બંને કોફી પીવા જાય છે. હવે, આ જ ઘટનામાં પરાગની જગ્યાએ તુમુલ હોય તો કોફી વાળો સીન અલગ જ રીતે લખાશે. બંનેની છોકરી સાથેની વર્તણુક, વાતો વગેરે બધું જ અલગ હશે. તમારું કિરદાર સ્વાયત્ત છે અને અનન્ય છે એટલે અંત સરખો હોઈ જ ન શકે. તમે લેખક તરીકે માત્ર કિરદારના માર્ગદર્શક છો. ફરી પાછુ એ જ ચવાઈ ગયેલું વાક્ય કહું છું કે, તમારા પાત્રો તમારા થકી છે તમારા કારણે નહિ. ટૂંકમાં કહું તો, બેંકમાં પેલું know your customer (KYC) હોય છે એમ અહિયાં આપણું કે.વાય.સી. નો યોર કેરેક્ટર છે.

નવા સભ્ય જયશ્રી રાજદેવ: બે સવાલ છે. એક તો એમ કે હું ખુબ જ વાંચતી આવી છું. દુનિયામાં આટલા બધા લોકો લખે છે, તો પછી મારે શું કામ લખવું જોઈએ? અને બીજું એમ કે એક વાર લખી લીધા પછી એને પાછું વાંચીને ભૂલ સુધારી નથી શકતી. અને પછી ભૂલો વાળું ક્યાંય મોકલતી પણ નથી. 


સુત્રધાર : તમારો પ્રશ્ન છે લખવું શું કામ જોઈએ? મારો પ્રશ્ન છે બોલવું શું કામ જોઈએ? આપણે દિવસભરમાં એટલું બધું બોલીએ છે જેમાં બધું જ જરૂરી નથી હોતું. ધાર્મિક કારણોસર કે એમ જ ક્યારેક મૌન રાખીને જુઓ તો ખબર પડશે કે જરાય બોલ્યા વગર પણ ચાલી જાય છે. બોલવા માટે બે કારણો છે - આંતરિક અને બાહરી, જેમાં ખરેખર કોઈ બાહરી કારણ છે જ નહિ. આંતરિક કારણ જે છે એ બહુ નાર્સીસ્ટીક લાગે એવું છે એટલે આપણે બાહરી કારણો શોધીએ છીએ. જેમ કે, હું નહિ બોલું તો ફલાણાને કેવું લાગશે? લખવું એ એક રીએક્શન છે. આપણી માનસિક જરૂરીયાત. વિવેક એમાં રહેલો છે કે કઈ વાતમાં કેટલું રીએક્શન આપવું. મને લોકો લગ્ન કેમ નથી કરતો એ વિશે પૂછતાં ત્યારે હું લાંબી લાંબી કલાકો સુધી ચાલતી દલીલો કરીને સમજાવતો. પછી એક દિવસ મને મન થયું અને મેં એક જણને માત્ર "એમ જ" એટલો અમથો જવાબ આપ્યો અને ચાલી ગયું. ત્યારે મને લાગ્યું કે હું અત્યાર સુધી કરતો આવ્યો હતો એની કોઈ જરૂર જ નહોતી. પણ આ એમ જ વાળો જવાબ હું દરેકને ન આપી શકું; મારા પપ્પા પૂછે તો એમને "એમ જ" વાળો જવાબ આપી દઉં એ પણ યોગ્ય રીએક્શન નથી. આ વિવેક સાથેનું રીએક્શન એ જ લખવા પાછળનું ચાલકબળ છે. To react is to live. તમે જીવનના સુખ-દુઃખ ભોગવશો તો એની પર સ્વાભાવિક રીતે પ્રતિભાવ આપશો જ. અને છેલ્લા શ્વાસ સુધી સુખ-દુઃખ ભોગવતા રહેવું, તેના પર પ્રીતિક્રિયા આપતા રહેવું એ જ જીવવું છે; જો એમ નહિ હો તો તમે મૃત હશો અથવા સંત હશો. હા, દરેક વ્યક્તિની પ્રતિક્રિયા અલગ અલગ હોવાની; પણ પ્રતિક્રિયા તો હોવાની જ. એટલે, To write is to live. લખવું એ જીવન જીવવાની પ્રક્રિયાનો જ એક ભાગ છે. અને એવું તો નથી ને કે, ફલાણા ફલાણા લખે છે એટલે હું પણ લખીશ. અંદર કંઇક છે જે કચવાય છે એટલે જ લખો છો ને? 

બીજો પ્રશ્ન, ભૂલ સુધારી નથી શકતાં એનું કારણ આળસ. [કોઈકે અહમ કહ્યું]. અહમ એ પછીની વાત છે. જ્યારે ચાર માણસો સામે ભૂલ સુધારવાની હોય ત્યારે અહમ આવે. આળસ એ સાર્વત્રિક સમસ્યા છે. જે શિદ્દતથી [શિદ્દત કેટલો સુંદર શબ્દ છે!] તમે રસોઈ બનાવો છે એ જ શિદ્દતથી લખશો નહિ. આમાં સારું ખરાબ નથી પણ એ સમસ્યા છે અને એને ટેકલ કરવી એ આવશ્યકતા છે.

યામિની જયશ્રીબેન વતી બોલ્યાં કે, તેમણે કેટલીક વાર્તાઓ લખી છે પણ ક્યાંય મોકલતા નથી. કેમ કે she detests rejection. સુત્રધાર વાતનો દોર ફરી હાથમાં લે છે. જો તમે ક્યાંય મોકલશો નહિ તો ખબર કઈ રીતે પડશે કે એ સ્વીકારવા લાયક છે કે નહિ. અને કોઈએ સ્વીકારી લીધી એટલે તમારી કૃતિ સારી જ છે કે કોઈ એક-બે જણે ન સ્વીકારી એટલે ખરાબ છે એવું પણ નથી. તમને કોઈનાથી પ્રેમ છે તો એ ના પાડશે એમ વિચારીને શું તમે એને કહેશો જ નહિ? તેમ છતાં મોકલવા પહેલા અભિપ્રાય જોઈતો હોય તો એ માટે આપણું ગ્રુપ તો છે જ ને!

તુમુલ: ત્રણ સવાલો. એક, મારી વાર્તાની અમુક ઘટના કે દ્રશ્યો લખાઈ ગયા પછી મને એમ લાગે છે કે આ અમુક તમુક ફિલ્મમાં જોયેલું છે. બીજું, શિબિર ૧૦માં મેજિક રીઅલીઝમ વિશે તમે વાત કરવાના હતા જે રહી ગઈ છે. અને ત્રીજું, ટૂંકી વાર્તા અને નવલકથા લખવામાં શું ફરક?

સુત્રધાર : પહેલો સવાલ કે, તારી વાર્તાના દ્રશ્યો ફિલ્મમાં પણ છે એ માત્ર અકસ્માત હોઈ શકે. પણ જો તે ફિલ્મ જોઈ છે તો પછી તારા જાગ્રત અને અર્ધજાગ્રત મન વચ્ચેની કડી કાચી છે. અર્ધજાગ્રત મનનું કામ માત્ર કાચો માલ પૂરો પાડવાનું છે. એ પહેલા વપરાઈ ગયો છે એટલે એને ના લેવાય એ નક્કી કરવાનું અને એવા કાચા માલને ફિલ્ટર કરીને કાઢી નાખવાનું કામ જાગ્રત મનનું છે. તારી સાથે ફિલ્ટરીંગમાં પ્રોબ્લેમ થઇ રહ્યો છે. કોઈ કૃતિ પરથી પ્રેરણા લઈને પણ મૌલિક કૃતિ બની શકે છે. જેમ કે, મોપાસાંની એક વાર્તામાં એક માણસ તેની પત્નીના મૃત્યુ બાદ તેના ઘરેણાં વેચવા જાય છે. ઘરેણાં ખોટા હોય છે પણ ઝવેરી પાસે જઈને તેને ખબર પડે છે કે આ તો કરોડોના ઘરેણાં છે. તેની પત્ની માટે તેના અમીર પ્રેમીએ બનાવડાવ્યા હતા. તે ખુશ થઇ જાય છે કે જીવતે જીવ તો મારો આટલો ખ્યાલ રાખ્યો જ પણ મર્યા પછીયે મને ન્યાલ કરી ગઈ. હવે, આ જ વાર્તા પરથી પન્નાલાલ પટેલની એક વાર્તા છે કે જેમાં એક માણસ તેના મિત્રને મોપાસાંની આ વાર્તા કહે છે. મિત્રને આ વાર્તા સાંભળીને પોતાની પત્ની પર શંકા જાય છે કારણકે તેની પાસે પણ ખોટા ઘરેણાં છે. ગુજરાતી સિવાયની ભાષાઓમાં આ રીતની ટ્રિબ્યુટ આપતી કૃતિઓ ખુબ જ હોય છે. આપણે ત્યાં પણ થવી જોઈએ.

રાજુલ આ સમયે એક બેહદ ફિલ્મી લાઈન બોલે છે, જેની પર અત્યાર સુધી માત્ર સૂત્રધારનો જ ઇજારો હતો. "એક દીપકમાથી તમે બીજો દિપક જલાવશો તો એનો પ્રકાશ ઓછો નહિ થાય બલ્કે વધશે".

બીજો સવાલ, મેજિક રીઅલીઝમ. અત્યારે ગુજરાતીમાં જે કઈ પણ લખાઈ રહ્યું છે એમાંના મોટા ભાગના સાહિત્યને વાસ્તવિકતાથી કોઈ લેવાદેવા નથી. મેજિક રીયાલીઝમ તો પછીની વાત છે .. પહેલાં નક્કી કરીએ કે સાહિત્યની જરૂર શું છે?

તુમુલ: લેખકને તો પોતાની જાતને એક્સપ્રેસ કરવા માટે જરૂર છે. વાચક તરીકે હું અમયુઝ થવા માટે વાંચું અને ક્યારેક ક્યારેક એવી અનુભૂતિ થાય કે એવી ઘટનાઓ સામે આવે જે આજ સુધી ક્યારેય અનુભવી કે વિચારી ન હોય.

સુત્રધાર : તમને લેખક કે વાચક તરીકે અંગત રીતે નહીં પણ આખા સમાજને સાહિત્યની શું જરૂર છે? એ તત્કાલીન સમાજનો આયનો છે. મેજિક રીઅલીઝમ સાહિત્યની જ એક શાખા છે. જો તમે મૂળને સમજશો તો શાખાને સમજવા સુધી પહોચી શકશો. મેજીક રીઅલિઝ્મ આજની પેદાઈશ નથી. મહાભારત એ મેજીક રીઅલિઝ્મ જ છે ને. એક સ્ત્રીને અલગ અલગ પુરુષોથી સંતાનો થાય અને તેમનાં ગુણો બાળકોમાં આવે એને તમે શું કહેશો? પણ મેજીક રીઅલિઝ્મ દ્વારા પણ સમાજની વાસ્તવિકતા વિષે વાત કરી શકાય છે.

ત્રીજો સવાલ, તું જે લખવા ઇચ્છે છે એ વિષય નવલકથા માટે યોગ્ય છે કે ટૂંકી વાર્તા માટે, એ શું કામ જાણવું છે? આ તો ગોસિપ થઇ. તું લખ, પછી એ વાર્તા બને કે નાટક પણ બને એનાથી શો ફરક પડે છે?

પ્રીતિ જરીવાલા: મેં ઘણી વાર્તાઓ લખી છે અને લખાણની પ્રક્રિયા મારે માટે નવી નથી. તેમ છતાં મારે બે વાર્તાઓ લખવાની છે જે લખાતી જ નથી. લખવા બેસું કે વિચારવા બેસું તો બ્લેન્ક થઇ જવાય છે. શેના વિષે લખવું એ સૂઝતું જ નથી.


સુત્રધાર : તમારે આંખો ચેક કરાવવાની જરૂર છે. આજુબાજુ વાર્તાના એટલા બધા વિષયો છે કે એ લખવા માટે સમય ઓછો પડે.

પ્રીતિ: મારી પાસે પ્લોટ તો છે પણ એમાંથી સંતોષકારક લખાતું નથી.

સુત્રધાર : હરીન્દ્ર દવેનું બહુ જ ચવાઈ ગયેલું વાક્ય છે, "પ્રેમ ઓછો નથી હોતો, આપણી અપેક્ષા વધારે હોય છે." આપણે પ્લોટ પાસેથી એક અપેક્ષા હોય છે અને આ પ્લોટ સાથે આ રીતે કામ લેવું એવી પૂર્વધારણા હોય છે. જેને લીધે લખવામાં અડચણ આવે. પ્લોટને આપણે નવી આવનારી વહુની જેમ ટ્રીટ કરીએ છીએ, કે તે આવીને આ કરશે, આ નહીં કરે, આમ જ વર્તશે વગેરે. અરે, એ કંઈ ફ્રિજ થોડી છે કે એનું ચોક્કસ કામ હોય અને તે એમ જ વર્તે. એને પોતાની જાતે જે દિશામાં જવું હોય એ દિશામાં જવા દો.

મીના પુરાણી: અહેવાલ વાંચતી વખતે એમ થાય કે બધું જ સમજાઈ ગયું. પણ પછી લખતી વખતે ફરીથી એ જ પ્રશ્નો આવે.

રાજુલ: મારી વાત કરું તો શિબિરમાં જે થયું તેના 80 ટકા ઘરે પહોંચતા સુધીમાં જ ભુલાઈ જવાય. પછી જયારે અહેવાલ લખવા બેસું ત્યારે એમાંનું 40 ટકા યાદ રહે. મુદ્દો એ છે કે વારંવાર રિવિઝન કરતા રહેવું. અહેવાલને ગોખવાના નથી, એમાં જે મુદ્દાઓ છે એને ચેતનામાં ઉતારી લેવાના છે. અને અહેવાલ કાંઈ નવલકથા તો નથી કે એને સળંગ જ વાંચવા પડે. ગમે ત્યાંથી વાંચો. જે અગત્યનું લાગે તેની નોંધ કરી રાખો.

સુત્રધાર : અહેવાલને ડિક્શનરીની જેમ વાપરો. તો જ લેખક તરીકે વિકાસ થઇ શકશે. નહિતર એના એ જ પ્રશ્નો ફરી ફરી આવ્યા કરશે.

મીના ત્રિવેદી: લખતી વખતે આપણને જે પ્રશ્નો આવે એમાં આપણે શિબિરમાં ચર્ચાયેલી વાતોમાંથી જે શીખ્યા એ કઈ રીતે ઉપયોગમાં લીધું, એ શેર કરવા જોઈએ. જેથી થિયરીને પ્રેક્ટિકલમાં ઉતારી શકાય.

આ વાતને બધાએ વધાવી લીધી. ત્યારબાદ એક લાઈવ ટાસ્ક થયો અને થોડીક ગરમાગરમ ચર્ચા થઇ. પછી જેમનો પ્રશ્નો પૂછવાના બાકી હતા એમનો વારો આવ્યો. અહેવાલના સાતત્ય માટે પ્રશ્નોત્તરી પહેલા લખું છું ત્યારબાદ લાઈવ ટાસ્ક.

પરાગ : મારે કોઈ પ્રશ્ન નથી પણ અનુભવ શેર કરવો છે. રાજુને ત્યાં યોજાયેલી વાર્તા શિબિર ૧૦માં અને તેના પછી પણ મને લખવા માટેના ટોપિક નહોતા મળતા કે લખી નહોતું શકાતું એ પ્રશ્નો હતા. પણ પછી આપોઆપ જ મને ટોપિક દેખાવા માંડ્યા અને આપોઆપ લખાવા માંડ્યું. જે લખી ન શકવાની ક્ષણ હોય છે એ હંગામી હોય છે. ઘણાખરા પ્રશ્નો પણ હંગામી હોય છે. જે સમય આવે આપોઆપ હલ થઇ જાય છે. અને જો ન થાય, કે ન લખાય તો એ માટે દુખી થવાની જરૂર નથી. ઈચ્છાધારી નાગ વાળી ટાસ્ક જ્યારે વાંચી ત્યારે બહુ જ અઘરી લાગી. પણ લખવાનું ચાલુ કર્યા પછી એવો આનંદ આવવા લાગ્યો કે એમાં વાર્તા ક્યારે લખાઈ ગઈ એ ખબર જ ન પડી. આપણા સૌનું દરેક લેખન કાર્ય આ રીતે જ થાય એમ ઇચ્છીએ. 


પ્રફુલ્લ શાહ: મારે એક વત્તા બે લખવું હોય છે તો પણ એક વત્તા ત્રણ લખાઈ જાય.

સુત્રધાર: તમે એક ધારણા લઈને લખો છો કે એક વત્તા બે લખવું છે. એની જરૂર નથી. તમે ગણપતી બનીને લખો - એક લહિયાની જેમ. પછી ભલેને એક વત્તા ત્રણ લખાય.

જીજ્ઞા શાહ: શું જે લખીએ એમાંથી વાર્તા બને છે કે નહિ એ પણ ન વિચારવું?

સુત્રધાર : આપણી અંદર જ એક સંપાદક છે. એનો આદર કરો. મેળે જ વાર્તા બને છે કે નહિ એ સમજાશે.

વર્ષા તન્ના: ઘણીવાર વાર્તા વાંચતી વખતે મન ભટકી જાય છે. વાર્તામાં શું આવે ત્યાં ધ્યાન જ ન રહે અને બીજા જ વિચારો આવે.

સુત્રધાર : આ જવાબ તમને થોડો આકરો લાગશે, પણ આ સંસ્કારની વાત છે. કોઈ બોલતું હોય ત્યારે તમે એને ન સાંભળો અને પોતાના જ વિચારોમાં ખોવાઈ જાવ એ તેનો અનાદર થયો. એવી જ આ વાત થઇ. વાંચતા વાંચતા એક લીટી જાપાન વિશે આવી અને તમે વાર્તા પડતી મુકીને મનથી જાપાન પહોચી ગયા હો. આના મૂળ જીવનના વ્યવહારમાં હોય છે.

યામિની: હું તો રહસ્યકથાઓ લખું છું. I can't afford to get lost like Parag. એમાં આવતી આંટીઘૂંટી અને પુરાવાઓ વગેરેની બારીકીઓ એ રીતે ન લખી શકાય.

સુત્રધાર : આ પણ તમારું માનવું છે કે you can't afford to get lost. જે આવે તેને એક વાર વહી જવા દો. બીજો ડ્રાફ્ટ એ માટે જ હોય છે. આપણે જીવનમાં અનેક બિનજરૂરી ફિલ્ટર લગાવી દેતાં હોઈએ છીએ - હસવામાં, બોલવામાં જ્યાં જરૂર ન હોય એ બધી જગ્યાએ. એટ લીસ્ટ લખવામાં કોઈ ફિલ્ટર ન રાખીએ. આપણે જેટલા જીવન પ્રત્યે શુદ્ધ અને સ્પષ્ટ રહેશું એટલા લેખન પ્રત્યે રહી શકશું. કારણકે અંતે તો લેખન એ જીવનનું જ વિસ્તરણ છે.

લાઈવ ટાસ્ક - રાજુલનું પર્સ

પેલું જર્જરિત પર્સ જે રાજુલને બે વર્ષ પહેલા તેમના પતિના બાઈક પર મળ્યું હતું અને હજુ સુધી એમના ડ્રોઅરમાં પડ્યું છે અને જેના પરથી એમને વાર્તા લખવી છે પણ લખાતી જ નથી, એ યાદ છે? સુત્રધારે બે પ્રશ્નો આપ્યા, તમારા પતિ કે પત્નીના સ્કુટર પરથી એક પર્સ મળ્યું છે. 1. એ પર્સ કોનું હોઈ શકે? 2. એ ત્યાં શું કામ હતું? બધાએ આના ઓન ધ સ્પોટ જવાબ આપવાના. કેટલાક જવાબો:

  1. એ પર્સ એના કોઈ દોસ્તનું હતું. તેઓ વાતોમાં એટલા ખોવાઈ ગયા કે તે પર્સ ભૂલીને ચાલ્યો ગયો. 
  2. એ પર્સ કોઈ ડીપ્રેશન વાળા માણસનું હતું. તે પોતાની ઓળખ મિટાવીને આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો. 
  3. રોજ કોઈ સ્કુટર સાથે રોજ કોઈ ચેડા કરતુ હતું તેને પકડવા સીટ પર ગુંદર લગાડ્યો હતો. 
  4. કોઈએ જાસુસી કરવા પાકીટમાં RFID ચિપ છુપાવી હતી. 
  5. કોઈ રિક્ષાવાળાને પૈસા ચૂકવી રહ્યું હતું અને રીક્ષાવાળો રકઝક થતા મોટી નોટ લઈને ભાગી ગયો. એટલે પેલી વ્યક્તિ પર્સ ભૂલીને તેની પાછળ ભાગી. 
આ સિવાય પણ બીજા કેટલાક ઉત્તરો હતા. પણ સુત્રધારને એકેય જવાબમાં સંતોષ ન થયો. કોઈએ શું કામ એમ ન વિચાર્યું કે કોઈ મંગળવાસીનું પર્સ હતું. કોઈ માણસને થયું હવે મારે પૈસા જોઈતા જ નથી જીવનમાં. આવા આઉટ ઓફ ધી બોક્સ વિચાર કેમ નહિ? (અહી સુત્રધારની આ ગ્રુપના વિકાસ બાબત જે અસંતુષ્ટિ છેલ્લા કેટલાક સમયથી હતી એના પર લાં....બી ચર્ચા ચાલી. જેનો સાર કંઇક આ મુજબ છે). આપણે સવા વર્ષથી શિબિર ચલાવીએ છીએ, આ બારમી શિબિર છે અને આપણે હજુ પણ જ્યાંથી શરુ કર્યું હતું ત્યાંથી બહુ આગળ નથી આવ્યા. આપણી પ્રગતિ થઇ હશે પણ એક ગ્રુપ તરીકે વિકાસ નથી થયો. આપણે બધા મધ્યમવર્ગીય સ્થિતિમાંથી છીએ. ઘરકામ પતાવીને આવતી ગૃહિણીઓ, નોકરી - ધંધામાં રજા પાડીને આવતા પુરુષો - બહુ મોટી વસ્તુ હોડમાં મુકીને આપણે વાર્તા શિબિરમાં આવીએ છીએ. આ એક સાધના છે જેની ગંભીરતા સમજવી ઘટે. જો લખી ન શકાય તો પણ ફેસબુક ફોરમ ઉપર પ્રતિક્રિયા આપવામાં પણ આટલી ઉદાસીનતા? ભલે સવા વરસમાં દરેકેદરેકનો એક એક વાર્તાસંગ્રહ છાપી જાય એ અપેક્ષા અવાસ્તવિક છે પણ આપણે વિચારવામાં કંજૂસી શું કામ? એક ચોકઠાંની બહાર વિચારો આવે એટલી અપેક્ષા તો રાખી શકાય ને? હવે, એક એક ડગલું માંડવાનો સમય ગયો.... છલાંગ લગાવો. યા હોમ કરીને પડો ફતેહ છે આગે! 


અહી શિબિર સમાપ્ત થઇ. સૌ પરાગના બર્થડેની કેક કાપીને છુટા પડ્યા. મારી શિબિર ગ્રાન્ટ રોડથી ગોરેગાવ સુધી ટ્રેનમાં પણ ચાલુ રહી. જેમાં પણ હરીફરીને વાત ત્યાં જ આવી કે, ફિલ્મો અને નાટકો અમુક ચોકઠાંની બહાર ન જઈ શકે કારણકે એમાં પ્રોડ્યુસરના પૈસા રોકાયેલા હોય છે પાછા મેળવી આપવાના હોય. પરંતુ લખવામાં એવું કોઈ બંધન નથી? તો આપણે શું એ છલાંગ ન લગાવી શકીએ?

ન લગાવી શકીએ? 

~~ તુમુલ બુચ (વાર્તા રે વાર્તા ટીમ)

#########################################


6 comments :

  1. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. સરસ.. શિસ્તબદ્ધ, લયબદ્ધ..શુભકામનાઓ..

      Delete
    2. સરસ.. શિસ્તબદ્ધ, લયબદ્ધ..શુભકામનાઓ..

      Delete
  2. Wah. Maja avi ahewal ma. Janava jevu and manava jevu. Abhinanadan tumul.

    ReplyDelete
  3. તુમુલ, આહેવાલ સરસ. છલાંગ લગાવી શકીએ....કેમ નહિ.

    ReplyDelete