Tuesday 7 June 2016

વાર્તા શિબિર ૧૩(મુંબઈ) - રાજુલ ભાનુશાલી

વાર્તા રે વાર્તા  ફોરમની તેરમી બેઠકનો અહેવાલ, ૧ જુન ૨૦૧૬. સુત્રધાર રાજુ પટેલના ઘરે. (રાજુલ ભાનુશાલી)


તેરમી બેઠકનો અહેવાલ લખવાની જ્યારે મિત્ર પરાગ જ્ઞાનીએ હામી ભરી ત્યારે પહેલી જ વાત એમણે એ કરી કે હું લખીશ પણ તમે ય નોંધ લખજો અને ખૂટતું કારવતું હોય એ ઉમેરજો. મેં પણ આ વાત માટે સહમતી આપી.

પરાગે જેમ કહ્યું એમ તેમ સુત્રધાર આ વખતના ટાસ્કનાં જવાબોથી ખૂબ જ ખુશ હતા. એમનો એ રાજીપો આપણે ફેસબુક ફોરમમાં એમણે મુકેલી 'શર્ટ્ના ઓલ્ટરેશન'વાળી પોસ્ટમાં જોઈ ચુક્યા છીએ. એમણે કહ્યું કે 'વાત્રકને કાંઠે' જેવી અમર કૃતિને આગળ વધારવાનું કાર્ય સહેલું તો નહોતુંજ. બધી જ કૃતિઓ સરસ હતી, જો નબળી હોત તો પણ હું આમ જ ખુશ થાત. આ વાર્તાનો આગળનો ભાગ લખતાં કોઈ લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર પણ બે વાર વિચારે અને એ હિસાબે સભ્યોએ ખરેખર પ્રશંશનીય કાર્ય કર્યું કહેવાય. આ ઉપક્રમને 'લેસ ક્રીયેટીવ - મોર એપ્રીશીયેટ' નો વિચાર લાગુ પડે છે. એમણે અહિં પ્રથમ ટાસ્કમાં અપાયેલી ક્રમશઃ વાર્તા યાદ કરી કે જેમાં આવું જ કશુંક કાર્ય કરવાનું હતું. આખી વાર્તા બધા જ બધા સભ્યોએ મળીને લખી હતી. સુત્રધારે પહેલો પેરેગ્રાફ લખ્યો અને પછી તબક્કાવાર બધા જ સભ્યો એક પછી એક ફકરો જોડતા ગયા અને વાર્તા પૂરી કરી. જો કે ત્યારે 'ક્રમશઃ'નો દાટ વળી ગયો હતો એ જુદી વાત છે. પણ શીખવા મળ્યું. આમ બીજા કોઈ સર્જકની વાર્તા આગળ વધારવાની ક્રિયા-પ્રક્રિયા પણ લાભદાયી હોઈ શકે એ વાતમાં બેમત નથી અને સભ્યોએ ખૂબ સરાહનીય કામ કર્યું છે એ વાતમાં પણ બે મત નથી.

બધા સભ્યો એમની આ શાબાશીથી વધુ ફૂલાઈ જાય પહેલા સુત્રધારે એક એવી વાત કહી કે આભમાં ઉડતા સભ્યો પાછા જમિન પર આવી ગયા. ફુગ્ગામાં ટાંકણી ભોંકો અને તરત બધી જ હવા નીકળી જાય લગભગ એવી જ અસર હાજર સભ્યો પર થઈ.

એમણે કહ્યું. "તમે ખૂબ હિમ્મત દેખાડી આ ટાસ્કમાં. જ્યાં દેવો પણ જતાં ડરે ત્યાં મૂર્ખાઓ કશું ય વિચાર્યા વગર ધસી જતા હોય છે." અને બધાં જ ખડખડાટ હસી પડ્યાં.

ત્યાર બાદ સમીરાએ એક પ્રશ્ન પૂછ્યો કે આધુનિક વાર્તા એટલે શું?

બન્યું એમ કે સમીરાએ પોતાની વાર્તા એક પ્રતિષ્ઠિત સામાયિકમાં મોકલી. ત્યાંથી સમીરાને એવો ઉત્તર મળ્યો કે આપની આ વાર્તામાં વાર્તાતત્વ નથી અને એ આધુનિક પણ નથી. ત્યાર બાદ સમીરાએ એજ કૃતિ અન્ય એક પ્રતિષ્ઠિત સામાયિકમાં મોકલી. એ બીજા સામાયિકનાં સંપાદકે કૃતિમાં નજીવા ફેરફાર સુચવ્યા અને ત્યાર બાદ છાપી પણ ખરી. સમીરા આ બાબતે મુંઝાઈ હતી તેથી આ સવાલ પૂછ્યો. સુત્રધારે કહ્યું કે બધાને બધી વાત કે વાર્તા સમજાય એ જરૂરી નથી. જે મને ગમે એ બીજાને પણ ગમશે જ એ ચોક્કસપણે ન કહી શકાય. એમણે આધુનિક વાર્તા વિશે વાત કરતા કહ્યું કે આધુનિકતાને કોઈ કાળ કે ખંડમાં ન બાંધી શકાય. એને સમય સાથે સંબંધ જ નથી. વાચક જે તે સમયમાં એ કૃતિ વાંચે ત્યારે એની સાથે રીલેટ કરી શકે એ કૃતિ આધુનિક. આધુનિક સાથે પ્રાચીન અને અર્વાચીન જેવા શબ્દ પણ ઉખડ્યા જેનો સુત્રધારે જવાબ આપ્યો. અર્વાચીન એટલે નવા સમયનો એક ચોક્કસ ટુકડો. પ્રાચીન એટલે પૌરાણિક. આ આધુનિકતા શું એ સમજાવવા સુત્રધારે પ્રાચીન ગ્રંથ મહાભારતના એક પ્રસંગનું ઉદાહરણ આપ્યું.

વ્યાસમુનિ લખે છે કે મહાભારતમાં યુદ્ધની આગલી રાતે અર્જુનને એક સ્વપ્ન આવે છે. એ સપનાથી અર્જુન વિરક્ત થઈ જાય છે. એ જુએ છે કે પોતે હાડકાઓના એક મોટા ઢગલા પર બેઠો છે. આ 'ઢગલાની ઉપર' એટલે ટોચ. સત્તાની ટોચ. અર્જુન સત્તા ભોગવશે પણ કોની ઉપર? હાડકાના ઢગલા ઉપર? જેની સાથે, જેની ઉપર એને રાજ કરવાનું ગમ્યું હોત એ બધા તો મરી પરવાર્યા! આ પ્રસંગ દ્વારા વ્યાસમુનિ સંકેતો, સંદેશો આપે છે કે યુદ્ધો કેટલા અર્થહીન છે. કોઈ પણ સમયે, કોઈ પણ કાળ ખંડમાં એ સર્વદા વિનાશક જ હોવાના. સંહારક જ હોવાના. આ કહેવાની રીત છે આધુનિકતા. આ સંદેશ, સંકેત, વાત અને આ રીતિ સાંપ્રત સમયમાં પણ એટલી જ પ્રસ્તુત છે જેટલી પ્રાચીન સમયમાં મહાભારતના યુદ્ધની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે હતી.

વાર્તામાં આવતા સંકેતોની વાત આગળ વધી. સુત્રધારે મિર્ચ મસાલા અને ઈજાઝત ફિલ્મનાં દાખલા આપ્યા જે આપ ઉપર પરાગનાં લખાણમાં વાંચી ચુક્યા છો. સુત્રધારે કહ્યું કે તમારી જેટલી કેપેસીટી હશે, ક્ષમતા હશે તમે ક્રીયેટીવીટીને માણી શકશો, પીછાણી શકશો. ડીટેક્ટીવ વાર્તાઓમાં લેખક પહેલા જ ક્યાંક ક્લુ આપી દેતો હોય છે. એ ત્યારે ભલે આપણને ન સમજાય પણ રાઝ ખૂલે ત્યારે આપણે એની સાથે ચોક્કસ કનેક્ટ થઈ શકીએ. આ ડીટેક્ટીવ અને અ-ડીટેક્ટીવ બન્ને પ્રકારોનું એવું જ છે. સાધનો બદલાય, વિશ્વ બદલાય પણ વ્યાકરણ ન બદલાય. એક વાર લેખકની પ્રસ્તુતિ પર પકડ આવી જાય પછી એ નેરેશનમાં ખેલી શકે. જેમ ભારતનાં લીજેન્ડરી બેટ્સમેન પટૌડી જ્યારે રમતાં ત્યારે ચાહકોને, પ્રેક્ષકોને પૂછતા કે કઈ દિશામાં એમને સિક્સર જોઈએ છે? અને એ દિશામાં ફટકારતા પણ ખરા. આ એમનો કસબ હતો. ઘણી મેચો તો એવી હતી કે જેમાં એમણે ચારે દિશાઓમાં સિક્સર મારી હોય. એમને માટે બધી દિશા, બધા મેદાન, દેશ સરખા હતાં. આ પેલી જ વાત થઈ સાધનો બદલાય, વિશ્વ બદલાય પણ વ્યાકરણ ન બદલાય!

સુત્રધારે અહિ 'ચાંદની' વાર્તા સામાયિકની વાત તાજી કરી. 'ચાંદની' નવોદિત વાર્તાકારોને ખૂબ પ્રોત્સાહિત કરતું. તે સમયે સંપાદકો વાર્તાકારો સાથે પત્ર વ્યવહાર કરતા. 'આ બદલો, તે બદલો..' જેવા સુચનો આપતા. વાર્તા મઠારાવતા. મઠારાવ્યા પછી ચાંદનીમાં છાપતા. આ રીતે નવોદિતોને જબરૂં માર્ગદર્શન અને પ્રોત્સાહન મળતું.

સમીરાએ કહ્યું કે એવી વાર્તા કોઈ નિશ્ચિત વર્ગ સુધી પહોંચે? સુત્રધાર એ કહ્યું કે વાચક વર્ગ અલગ હોઈ શકે. અમરીશપૂરીના ચાહકો છે, ને અક્ષય કુમારનાં પણ. ઓમપૂરી અને નસીરુદ્દીન શાહ જેવા ઓફ બીટ કલાકારોનો પણ પોતાનો ચાહક વર્ગ હોય છે. તો આ બાબતે બહુ વિચારવું નહિ.

છેલ્લી થોડી બેઠકોથી લખતી વખતે આવતી અડચણો વિશે ચર્ચા સેશન થતી રહી છે.
બીન્નીએ કહ્યું કે તેનું સડનલી વાર્તા લખવાનું બંધ વ્યક્તિગત કારણોસર થયું. ઘર પરિવારની જવાબદારીઓ વચ્ચે સમય ફાળવી શકાતો નથી. જો કે ગઝલો લખવાનું તો ચાલુ જ છે. ને ગઝલો સરળતાથી લખાઈ જાય છે. વધુ મહેનત કે પ્રયત્નો કરવા પડતા નથી અને એ માટે અલગથી સમય પણ ફાળવવો પડતો નથી. કામની સમાંતર થઈ રહે. સુત્રધારે કહ્યું કે ગઝલ લખવી એ એક અલગ વસ્તુ છે. એનું એક ચોક્કસ બંધારણ છે. તમે એ સમજ્યા, શીખ્યા અને લખવા માંડ્યા એવું થાય. વાર્તા ક્ષેત્રમાં આ બાબતે અંધારૂં છે! દરેક નવી વાર્તા એક અજાણ્યો પ્રદેશ હોય છે, અને એને ખુંદવાનો હોય છે. હોઈ શકે કે એ અજાણ્યા પ્રદેશમાં જવાનો ડર તમને પજવતો હોય. બીજું ગઝલોમાં ઈન્સટન્ટ રીએક્શન મળતા હોય. 'પાણીમાં સૂર્ય ડૂબી ગયો'.. તમે આ કલ્પન લખો અને તરત તમને વાહવાહી મળી જાય. એટલે એ લાલચ પણ કદાચ તમને નડતી હોય એવું બની શકે. સુત્રધારે બીન્નીને કહ્યું કે આ તમારો પર્સનલ પ્રોબલ્મ છે એટલે આપણે ડીસ્કસ કરી શકીએ કે કોઈ હેલ્પ કરી શકે એ શક્યતાઓ મને નથી સમજાતી, દેખાતી. છતાં હું એટલું કહીશ કે આ સંજોગોની વાત છે. આજે સંજોગો વિપરિત છે, આવતી કાલે અનુકુળ પણ થઈ જશે. બધાની પોતાની ઢબ હોય, કામ કરવાની. તમારે તમારી ઢબ જાણવાની બાકી છે. પાણીમાં પડ્યા વિના તરતા ન આવડે. ઢબ શોધો. પહેલી પાંચ વાર્તાઓ વાર્તાપ્રક્રિયા સમજવાની પ્રોસેસ છે. પછી જ તમારી એક સુરેખ વાર્તા આવે એવું બને.

ગઝલો સરળતાથી ઉતરી આવે છે એ વાતના સંદર્ભમાં એમણે જે કહ્યું એ વિધાન આપણે બધાએ નોંધી રાખવા જેવું છે. શેર કરું છું.

"લખાણ ક્યારેય સહેલું નથી હોતું. સહેલું બની ગયું છે? તો ચેતવા જેવું છે!" સુત્રધાર ની વાત સૌ સભ્યોએ ગાંઠે બાંધી લેવા જેવી છે.

આગળ સુત્રધારે કહ્યું કે સંજોગો સાનુકુળ થાય એની રાહ જોયા કરવી એ પણ કંઈ બહુ અકલમંદીની વાત નથી. એમણે પોતાની વાત કરી.

એમણે કહ્યું કે લખવું એ એમની રોજીરોટી છે, એમને દિવસનું ઘણું બધું લખવું પડતું હોય છે. એમનાં માતાપિતા પહેલા દેશમાં રહેતા અને સુત્રધાર પોતે મુંબઈ. એમને ખૂબ મન થતું કે તેઓ રોજનો એક કાગળ માતાપિતાને લખે. માતાપિતા પણ દિકરાનો કાગળ જોઈને રાજી થાય. પણ તેઓ મહિને માંડ એકાદ કાગળ લખી શકતા. આખો દિવસ કામધંધાના ભાગ રૂપે લખ્યા પછી કાગળ લખવાનું જીવ પર આવતું. કાગળ રેગ્યુલરલી લખાતા નહિ. ક્યારેક તો એવું પણ બન્યું કે એમણે કાગળમાં ફક્ત 'કેમ છો?' લખીને પરબીડીયું મોકલી દીધું હોય! આમ ને આમ સમય વીતી ગયો અને રોજેરોજ કાગળ લખવાનું સપનું, સપનું જ રહી ગયું. ઈન શોર્ટ સંજોગો સાનુકુળ થાય એની રાહ જોવા કરતાં પ્રતિકુળ સંજોગોમાં ય કામ લેતા શીખો!સમીરાએ વાતમાં વચ્ચે તે પણ કહ્યું કે સ્ટ્રેસથી કંટાળીને કે પછી મૂડથી કંટાળીને એ વાર્તા છોડી દેતી હોય છે કે જે ન થવું જોઈએ.

પછી
કુસુમે પોતાની વાત મૂકી. જે પરાગે સવિસ્તાર પોતાના લખાણમાં આલેખી છે. કુસુમે કહ્યું આંખો બંધ હોય ત્યારે આખી વાર્તા ફિલ્મની જેમ બંધ પાંપણો પાછળ ચાલતી હોય. આંખ ખૂલી, બધું ગાયબ થઈ જાય! સુત્રધારે કહ્યું કે શરીર મન કરતાં ઓછી ઝડપે કામ કરતું હોય છે એટલે આવું થાય . એનો એક ટેમ્પરરી ઉપાય એ કે જ્યાં સુધી આ પ્રોબ્લમને ઓવરટેક કરતા ન શીખો, ત્યાં સુધી બધા જ ભાવો લખવાને બદલે રેકોર્ડ કરી લો. પરંતુ આ એનો મૂળ ઉપાય નથી. મૂળ ઉપાય એટલે - પેક્ટીસ.. પ્રેક્ટીસ.. પ્રેક્ટીસ..

વિચારોમાં કોઈ કમીટમેન્ટ નથી હોતું, જ્યારે એ પેપર પર આવે ત્યારે કમીટમેન્ટ પણ આવે. આ અવચેતન અને ચેતનના લોચા મિક્સ ન કરી લેવાય તે માટે લખવાનો રિયાઝ કરવાનો છે.

કુસુમે બીજી સમસ્યા મૂકી કે વાર્તા પેપર પર આલેખવાની ચાલુ કરીએ ત્યારે ઘણીવાર એવું બને કે જે મૂળ કલ્પનો, પ્રતિકો હોય એ ગેરહાજર હોય! સુત્રધારે કહ્યું કે એવું આપણને લાગે પણ ખરેખર સાવ એવું હોતું નથી. આપણા મનના આ જે અભાવ છે એજ આપણા પ્રેરક બળ છે અને એવું કશું જ નથી કે 'આ હોવું જ જોઈએ કે પેલું હોવું જ જોઈએ'.પરાગે અહિં ટાપશી પુરાવી કે એક વાર્તા તેઓ ૨૫ વર્ષથી લખી રહ્યા છે. પણ હજુ પૂરી નથી થઈ. ન તો એમણે એ વાર્તાને છોડી છે, કે ન એ વાર્તાએ એમને.

સુત્રધારે કહ્યું કે નિર્ધારિત સમયમાં તમે વાર્તા ત્યારે જ પૂરી કરી શકશો જ્યારે આ કસબ તમારે હસ્તક આવી જશે. ઘણી ઘણી ઘણી બધી પ્રેક્ટીસ બાદ. એમણે આ બાબત સમજાવવા બાળકના રડવાનો દાખલો આપ્યો. બાળક શા માટે રડે છે એ સમજવા માટે માપણું કેળવવું પડે. રડતું બાળક ભુખ્યું છે, એને દુધ પીવું છે કે પછી ડાયપર બદલવાનું છે એ મા એના રુદન પરથી જ જાણી જતી હોય છે. વાર્તા સાથે એટલો ઘરોબો કેળવો કે એને આટલી જ આસાનીથી તમે સમજી શકો. મામલો પાત્રોનો છે, તમારો છે જ નહિ.

આ બાબત સમજાવવા એમણે આંગડીયા સેવાનો દાખલો આપ્યો.

આંગડીયાનું કામ પાર્સલ પહોંચાડવાનું છે. એણે પાર્સલને બહેતર બનાવવાની મગજમારીમાં ન પડવું જોઈએ. એ પિષ્ટપેષણમાં પણ ન પડવું જોઈએ કે આ પાર્સલ કોને લાયક છે. કલ્પના કરો કે આંગડીયા કર્મચારી જો સુચન આપવા માંડે કે આ પાર્સલ માં શું હોવું જોઈએ અથવા તમે આ પાર્સલ પરાગભાઇને મોકલો છો પણ ખરેખર તો યામિનીબેનને મોકલવું જોઈએ અથવા આ પાર્સલ તમારે યામિનીબેનને મોકલવું જોઈએ ન કે પરાગભાઈને – તો? લેખકે 'આંગડીયા' જેવા સાક્ષીભાવે વાતનું નિરૂપણ કરવાનું છે. પોતાના મત થોપ્યા વિના.

આટલું -- પરાગ -- આંગડીયા -- યામિની -- આંગડીયા -- પરાગ --અષ્ટમપષ્ટમ સમજાવ્યા બાદ એમણે બધાને પૂછ્યું કે મેં કોઈ એબ્સર્ડ દાખલો તો નથી આપ્યોને? તો કોઈકે જવાબ આપ્યો કે એબ્સર્ડ તો હતું પણ તમારી વાતો કરતા વધારે નહિ!

બ્રિજેશનો વારો.
બ્રિજેશે કહ્યું કે નરેશનમાં સંવાદથી કામ લેવામાં આવે છે એમાં કશુંક છૂટી જાય છે.
સુત્રધારે કહ્યું કે ઈનજનરલ વર્ણનની જરૂર હોય તો જ લખવું, ન હોય તો ન લખવું. તમને લાગે કે વર્ણન વાર્તાનો અગત્યનો ભાગ છે તો જ લખવું. સાચું પૂછો તો કવિતા હોય, કે વાર્તા હોય, કે પછી કોઈ ઐતિહાસિક લેખ - વર્ણન માત્ર ટૂલ છે. એ આપણને આપણી વાત કહેવામાં મદદ કરે છે. હવે ટૂલ કયો ને કેવો લેવો, કે કયા અને કેવા ટૂલનો ખપ પડશે એ નક્કી કરવાનો પાવર આપણને નથી. એ માત્ર વાર્તા જ નક્કી કરશે.

અહિ ફરી સુત્રધારે એક દાખલો આપ્યો. એમણે બ્રિજેશને કહ્યું કે દરેક ગામનાં પોતાના અમુક નિયમો હોય છે. તુ તારા ગામમાં છ વાગે ઉઠીને જોગિંગ કરવા જતો હોય પણ, મારા ગામમાં એની મનાઈ પણ હોઈ શકે! મારે ત્યાં તારે તરત એમ જ ઉઠીને નીકળી ન જવું જોઈએ, પહેલા પૂછવું જોઈએ. દરેક ગામના માળખાકીય બંધારણ હોય અને એના નિયમો આપણે પાળવા જ રહ્યા. એ પ્રમાણે દરેક કથાનું એક આગવું વિશ્વ હોય છે અને એ વિશ્વના પોતીકા નીતિનિયમ અને એ નિયમોનું ધ્યાન રાખવા માટે સંકલક કે એડીટર આપણી અંદર જ હોય છે, પરંતુ આપણે મોસ્ટલી એને ઈગ્નોર જ કરતા હોઈએ છીએ. સુત્રધારે બ્રિજેશને કહ્યું કે ધારોકે તને કોઈ છોકરી સાથે પ્રેમ થઈ ગયો. તે છ મહિના સુધી એને પ્રપોઝ ન કર્યું તો એ કંઈ બહુ ચિંતા કરવા જેવી વાત નથી. કોણે ક્યારે પ્રપોઝ કરવું જોઈએ એના કોઈ કમ્પલસરી અને જનરલ નિયમો નથી. કોણે ક્યારે પ્રપોઝ કરવું જોઈએ એ સમજાવનારા શુભેચ્છકો ઢગલો મળી આવશે, પણ ઈટ્સ ટૉટલી ડિપેન્ડ્સ ઓન છોકરો, છોકરી અને પરિસ્થિતિ. આ બધું આત્મસાત કર્યા પછી જ સમજ પડશે.

અભિનય અને લેખનમાં કોઈ ફરક નથી. બન્નેમાં પરકાયા પ્રવેશ કરવો પડતો હોય છે. તુ બ્રિજેશ છે. તારુ બ્રિજેશપણું છે. જો તુ જલેબીની દુકાનના શેઠનો અભિનય કરવાનો હોય તો તારે તારુ બ્રિજેશપણું તજવું પડે. અહીં નિરીક્ષણ કામ આવે. 'ગાંઠીયાના ગલ્લા' પર બેઠેલા માણસનું 'નિરીક્ષણના ગલ્લા' પર બેઠેલા માણસ ને ચરિતાર્થ કરવા કામ આવી શકે. એ જ રીતે વાર્તામાં પણ પોતાની રીતે નીરીક્ષણશક્તિનો વિનિયોગ થઈ શકે.

વાર્તાકાર તરીકે વિષય ને કઈ રીતે નીવડવો એ વાત ચાલતાં સુત્રધારે મહેશ ભટ્ટનો દાખલો આપ્યો. જે એમણે આગલી એક બેઠકમાં પણ આપ્યો હતો. મહેશ ભટ્ટે શરૂઆતમાં ચાર ફિલ્મો બનાવી. એ ચારેચાર નિષ્ફળ થઈ. એ ફિલ્મો બનાવતી વખતે એમણે લોકોને ગમે એ અને એ સમયે જે ટ્રેન્ડ હતો એ એ બધી બાબતો ધ્યાનમાં રાખી હતી. પણ ફિલ્મો ફ્લોપ થઈ ગઈ, મતલબ લોકોને ન ગમી. પછી એમણે પાંચમી ફિલ્મ બનાવતી વખતે પોતાની પસંદની એ વિચારીને બનાવી કે જો કોઈનેય નહિ ગમે તો કમ સે કમ મને એકને તો ગમશે. અને.. સારાંશ આવી. જે સુપરડુપર હીટ રહી. ચાર ફિલ્મ બનાવ્યા બાદ મહેશ ભટ્ટ્ને એ સત્ય લાધ્યું કે જે વસ્તુ પોતાને નહિ ગમતી હોય એ વસ્તુ બીજા કોઈને પણ નહિ ગમે. પોતાને ગમતી હશે તો કદાચ બીજાને પણ ગમી શકે. ચાર ફિલ્મનો અનુભવ એમને આ એક નાનકડી વાત સમજતાં લાગ્યો. પહેલી જ ફિલ્મમાં ફાંકો રાખ્યો હોત તો કદાચ ફેઈલ થઈ જાત. પણ બીજી બાજુ રાજ કપૂરે એકવીસમા વર્ષે પહેલી ફિલ્મ 'આવારા' બનાવી અને એ હીટ નીવડી. અહિં આપણને આ જ ગ્રામર સમજવાનું છે, આપણે કોઈ ફોર્મ્યુલા નથી બનાવી રહ્યા.

પછી વાત આવી શૃંગાર રસ પર. સમીરાએ પૂછ્યું કે ઈરોટિક અને પોર્ન વચ્ચે ફરક શું છે?
સુત્રધારે શરાબના અને સલમાન ખાનની ફિલ્મમાં થતાં એક્શનના અતિરેકના દાખલા આપી આ વાત સમજાવી. શરાબ અમુક માત્રા સુધીના સેવનથી ઘેનને કારણે આનંદાનુભુતી આપી શકે. પણ સેવન કરનાર તે માત્રા કેટલી એનો જાણકાર હોવો જોઈએ. કેમ કે એ માત્રા પાર થતાં ઘેન આનંદના સ્થાને સમસ્ત ભાન લુપ્ત કરાવી દે. અને..એ આનંદ નથી શૂન્યતાનો અનુભવ છે. શૂન્યતા- જ્યાં સુખ કે દુઃખ કશું જ નથી. અર્થાત ઝીરો સ્ટેટ્સ! અને અનિચ્છનીય વાત એ છે કે આ ઝીરો સ્ટેટસ મન માટે છે પરંતુ તન માટે માઈનસ સ્ટેટ્સ છે કેમ કે 'અતિ સર્વત્ર વર્જ્યતે'. માત્રા બહારનું સેવન શરીર ને એક રીતે નુકસાન પહોંચાડે. બિલકુલ એ પ્રમાણે શૃંગાર રસના સેવનની માત્રા સમજાવી જોઈએ. માત્રા પાર થઇ જતાં આ પ્રાકૃતિક તત્વ વિકૃતિ તરફ વળે. બીજા શબ્દોમાં કહીએ તો માત્રા પાર થતાં શૃંગાર રસ પોર્ન બની જાય. વળી આ માત્રાનો કોઈ સામન્ય નિયમ પણ નથી. સૌની કેપેસીટી જુદી જુદી હોય છે. ગ્રહણ કરવાની ક્ષમતા જુદી જુદી હોય છે. એક ફિલ્મ કોઈ એક વ્યક્તિ માટે ઈરોટિક હોઈ શકે અને એ જ ફિલ્મ બીજી વ્યક્તિ માટે પોર્ન. સમાજ પ્રત્યે તમારી શું ભાવના છે? સંબંધો પ્રત્યે તમારી શું ભાવના છે? આ વીશે તમારી ક્લેરીટી કેટલી છે એ જોવું રહ્યું. તમારી વૈચારિક દ્રષ્ટિ ને તમે કેટલા પતિબદ્ધ છો એ જોવું પડે.

મારામારીવાળી ફિલ્મોના ઉદાહરણ આપતાં સુત્રધારે કહ્યું કે ફિલ્મમાં મારામારી એટલે મૂળ તો વીરરસનો પ્રયોગ. કલાના વિવિધ રસ ની જેમ વીરરસ પણ એક રસ છે. હોલીવુડની 'લાસ્ટ મેન સ્ટેન્ડિંગ'  કે કુરોસાવાની 'સેવન સમુરાઈ' માં મારામારીનો વિનિયોગ વીરરસની જેમ થયો છે.પણ સલમાન ખાનની તાજેતરની ફિલ્મો અથવા દક્ષિણની એક્શન ફિલ્મોમાં આ વીરરસ પોતાની ઓળખ ગુમાવીને ફક્ત અને ફક્ત મનોરંજન પીરસે છે. અવિશ્વસનીય સ્ટંટ ને કારણે તે વીરરસ ન રહેતા 'આઈટમ' બની જાય છે. રસ જ્યારે રસ ન રહે અને આઈટમમાં પરિવર્તિત થઇ જાય ત્યારે તે સુક્ષ્મ કે સ્થૂળ પ્રકારની વિકૃતિ રજુ કરે. શૃંગાર રસ જ્યારે 'આઈટમ' તરીકે રજુ થાય ત્યારે તે પોર્ન હોય.

બીજી એક વાત અહીં એ સમજવી રહી કે કોઈ પણ રસ નકારાત્મક ન હોઈ શકે, પછી એ હાસ્ય રસ હોય, વીર રસ હોય, વિસ્મય રસ હોય કે પછી શૃંગાર રસ હોય. જો તે નકારાત્મક ભાવ આપે છે તો તે વિકૃત છે.

ઈરોટીઝમ એટીટ્યુડમાં પણ હોઈ શકે. એમણે ફિલ્મ 'જોની મેરા નામ'માં પદ્મા ખન્ના પર ફિલ્માવેલા ગીત 'હુસ્ન કે લાખોં રંગ..'ની વાત કરી. ઈરોટિઝમ ફિલ્મમાં આ ગીતથી પહેલા આવતા ડાયલોગમાં છે. પ્રેમનાથનો એક માણસ પદ્મા ખન્ના સાથે ભાગી જાય છે. બન્ને પકડાઈ જાય છે. પ્રેમનાથ એનાં માણસને ટોણો મારે છે કે એક લડકી કે લીયે તુને અપના ઈમાન બેચ દિયા! પદ્મા ખન્નાને આ વાત તીરની જેમ ખૂંચે છે અને કહે છે કે 'વો લડકી લડકી હી કયા જિસકે લિયે કોઈ અપના ઈમાન દાવ પર ન લગા દે!'  અને એ પ્રેમનાથને ચેલેન્જ આપે છે કે હું તને પણ તારું ઈમાન વેચવા મજબૂર કરી શકું. અને ત્યાર બાદ આ ગીત આવે છે. અહીં ગીતમાં પદ્મા ખન્નાના અંગ પ્રદર્શન કરતાં વધુ અસરકારક હિસ્સો એનો અભિગમ છે જે શૃંગાર રસને રજુ કરે છે.

સાડાપાંચ થયા હતાં. ચા નાશ્તાનો દોર ચાલ્યો. ચા ઉકળતી હતી ત્યાં સુધી સુત્રધારે સરપ્રાઇઝ ટાસ્કની વાત કરી. ચા પીવાઈ ગયા પછી સરપ્રાઈઝ ટાસ્ક થયો જેમાં સૌ સર્કલમાં બેઠા. સાતેસાત મેમ્બરને એક થી સાત નંબર આપી દેવામાં આવ્યા. ત્યાર બાદ એક નંબર પોતાને જે ઠીક લાગે એ એક વાક્ય બોલે, ઈવન નંબરવાળા આગળવાળાના એ વાક્યને સંબધિત વાક્ય બોલે. પછી ઓડ નંબરવાળા સાવ અલગ, જુદું વાક્ય બોલે, પાછા ઈવનવાળા એ વાકયને સંબધિત.. આમ દૌર ચાલ્યો. ખૂબ મજ્જા પડી. ટાસ્ક પૂરો થતાં આ ઉપક્રમ શા માટે કર્યો એ સુત્રધાર એ સમજાવ્યું. એમણે કહ્યું કે તમે નોંધ્યું હશે કે વિષયથી અસંબધિત, સાવ અલગ, હટકે, ચિત્રવિચિત્ર વાક્યો એ સહુનું ધ્યાન વધારે ખેંચ્યું. આ રાઉન્ડ બે વખત થયો. બીજી વખત રોલ બદલાયા. જે સંબધિત વાક્યો બોલ્યા હતા, એમણે અસંબધિત બોલવાના અને જે અસંબધિત બોલ્યા હતા એમણે સંબધિત. આ ટાસ્કમાં બ્રિજેશને જ્યારે અસંબધિત વાક્ય બોલવાનું આવ્યું ત્યારે એ બોલ્યો 'હું ઘોડો છું' જે સાવ જ હટકે હતું. એ વાક્ય તરફ સૌનું સૌથી વધુ ધ્યાન ખેંચાયું. કદાચ આ જ વસ્તુ, વાત સમજાવવા માટે આ સરપ્રાઈઝ ટાસ્ક અપાયું હતું. મારી વાત કરું તો એ ટાસ્ક દરમિયાન મારા બોલેલા વાક્યો હું તદ્દ્ન ભૂલી ગઈ છું, પણ બ્રિજેશનું આ વાકય મને બરાબર યાદ રહી ગયું છે!

આ ટાસ્ક પછી એમણે બધાને પોતપોતાના અનુભવ પૂછ્યા. કે તમે શું વિચાર્યું, અનુભવ્યું. મને એવું અનુભવ્યું કે સંબધિત વાક્યો હું ખૂબ કોન્ફીડેન્સથી બોલી, વધુ વિચારવાની પણ જરૂર ન લાગી. પણ અસંબધિત વાક્ય બોલતી વખતે કોન્શીયશ થઈ જવાયું. થોડું અઘરું લાગ્યું. થોડું વિચારવું પડ્યું. થોડેક અંશે નર્વસ પણ થઈ જવાયું. એ ભાર પણ ખરો કે આપણે કશુંક ધાંસુ વિચારીએ અને બધાને આંજી દઈએ. પરાગે કહ્યું કે અમુક પ્રકારનું બોલવું હોય તો જાગૃત રહીને બોલવું પડે. સુત્રધારે કહ્યું કે આ જ વાત સમજવાની હતી કે કશુંક અલગ કરવા વધુ મહેનત, વધુ સજાગતા, વધુ વૈચારિક શક્તિની જરુર પડે છે. કોન્સીયશ રહેવું પડે છે કે ક્યાંક રીપીટ ન થાય. ટાસ્કમાં સ્પષ્ટ થયું કે  સંબધિત વાક્ય સામાન્ય લાગ્યા અને અસંબધિત વાક્ય આકર્ષક.

સુત્રધારે આ ટાસ્કની સમજુતી એમ આપી કે વારતાના નરેશન અને સંવાદમાં આપણે આ વાતનું ધ્યાન રાખવાનું છે. વાત તો આપણે સંબદ્ધ જ કરવાની છે પણ વાત ને આકર્ષક બનવવા તે અસંબદ્ધ પણ હોવી જોઈએ એટલે કે હટકે હોવી જોઈએ. પહેલી નજરે સાવ અસંબદ્ધ લાગે એવી.

આ વાત વળી અષ્ટમપષ્ટમ લાગી. વાત યા તો સંબદ્ધ હોય અને યા તો અસંબદ્ધ. એક સાથે બન્ને કેવી રીતે હોઈ શકે?

અને.. ફરી ફિલ્મોના ઉદાહરણ આવ્યા.

અર્ધસત્ય ફિલ્મમાં ઓમપૂરી સદાશીવરાવ અમરાપૂરકરનાં ઘરે એની ધરપકડ કરવા જાય છે અને કહે છે કે મારી પાસે તારા નામનો વોરંટ છે. અમરાપૂરકર ટીવી જોતો હોય છે. ટીવી પરથી એક સેકન્ડ પણ નજર હટાવ્યા વિના એકદમ ઠંડે કલેજે એ કહે છે. 'કલ આના'.

અહીં આ ડાયલોગ સંબદ્ધ જ છે પણ રીત અસંબદ્ધ છે. આવા દ્રશ્યમાં મોટા ભાગે વિલન પોતાની સત્તામાં લાગવગ ની ફીશયારી મારે અથવા આવનાર પોલીસ અધિકારીના ઉપરીને ફોન કરી પોતાની ધરપકડ રદ્દ કરાવે. અહીં રામા શેટ્ટી એટલે કે અમરાપુરકરે પણ સીન અનુસાર એટલે કે વારતા અનુસાર ધરપકડ ન થઈ એ દર્શાવવા કોઈ એક ડાયલોગ બોલવાનો હોય છે. અને સંવાદલેખકે એને આ ડાયલોગ આપ્યો.. 'કલ આના.'

અહિ પ્રથમ નજરે અસંબદ્ધ લાગતો ડાયલોગ શું ખરેખર અસંબદ્ધ છે..? ના. કેમકે અહીં રામા શેટ્ટી જે રીતે, જે ટોનમાં આ વાત કહે છે તેનાથી જ આપોઆપ સાવ ઓછા શબ્દોમાં તેની સત્તામાં કેવી્ક લાગવગ છે કે પછી પોલીસ તેનું કંઈજ બગાડી શકે એમ નથી તે જ જણાવે છે. ટૂંકમાં અહીં સંવાદ લેખકે જો અહિં ઉપર કહ્યા એવા ડાયલોગ મૂક્યા હોત તો એ સીન ચીલચાલુ બનીને રહી જાત. એ સીન અને રામા શેટ્ટી આપણને યાદ રહી ગયા તે એની આ હટકે અભિવ્યક્તિને કારણે. આમ પહેલી નજરે અસંબદ્ધ લાગતી વસ્તુ વાર્તા સાથે સાથે બંધાયેલી, વળગેલી, જોડાયેલી જ છે. આમ 'વાત તો આપણે સંબદ્ધ જ કરવાની છે પણ વાત ને આકર્ષક બનવવા તે અસંબદ્ધ પણ હોવી જોઈએ, લાગવી જોઈએ એટલે કે હટકે હોવી જોઈએ.. પહેલી નજરે સાવ અસંબદ્ધ લાગે એવી..' આ વાત સમજાઈ.

એવી જ રીતે હોલીવુડની ફિલ્મ ઈરેઝરની વાત થઈ. આ ફિલ્મમાં આર્નોલ્ડને આતંકવાદી હમલો થશે એવી બાતમી મળતાં તે સ્થળે પહોંચવા અમુક જણા સાથે એ ફ્લાઈટ લે છે. ફ્લાઈટમાં એને કોફીમાં ઝેર ભેળવીને પીવડાવી દેવામાં આવે છે. એમાંથી એ સર્વાઈવ કરી, બધાનો ખાતમો બોલાવી, પેરાશૂટ લઈ અધવચ્ચે કુદી પડે છે. જ્યાં ઉતરે છે એ જગ્યા એથી એક ટ્રક આંચકે છે અને મારમાર હુમલા સ્થળે પહોંચે છે. પણ એને પંદર મિનીટ મોડું થઈ ગયું હોય છે. મુઠભેડ શરૂ થઈ ગઈ છે, હીરોઈન લડી રહી છે, લડતા લડતા એ આર્નોલ્ડને કહે છે 'યુ આર લેટ'.. આર્નોલ્ડ જવાબ આપે છે 'ટ્રાફીક'..

અહિં આ સંવાદ જુઓ - પ્રથમ નજરે અસંબદ્ધ લાગે પણ છે સંબદ્ધ. અને તેથીજ  રસપૂર્ણ લાગે છે. સમજો. મમળાવો. આ વાત સરપ્રાઇઝ ટાસ્કને નજરમાં રાખીને, એને અનુલક્ષીને વિચારો.

આ બાબત પર હું બીજું કશું જ નહિ લખું. તમને કશું કહેવું, પૂછવું હોય તો કમેંટમાં કહેજો, પૂછજો.

એ ઉપરાંત બીજા ઉદાહરણોની વાત પરાગે પોતાના લખાણમાં કરી છે. મૂળે આ ટાસ્કનો ઉદ્દેશ્ય એ સમજાવવાનો હતો કે સામેવાળાને પ્રભાવિત કરવું, બાંધી રાખવું એ અઘરું કાર્ય છે. આવી ચમત્કૃતિથી એ કાર્ય કરી શકાય. પણ મૂવી અને વાર્તામાં થોડોક ફેર તો પડે જ છે. મૂવી એ બીઝનેસ છે. એ મબલખ રૂપિયા કમાવવા માટેનો ધંધો છે, અને એમાં રૂપિયા પણ મબલખ લગાડવામાં આવે છે. આપણે ધંધો નથી કરવાનો. આપણે સર્જક છીએ. આપણે એ અલગ રીતે વિચારવું પડશે કે આપણે કશુંક અનએક્સપેક્ટેડ કેવી રીતે લાવી શકીએ, કેવી રીતે વિચારી શકીએ. અને એક બાબતનું ખાસ ધ્યાન એ રાખવું કે એ પ્રથમ દ્રષ્ટિએ ભલે અસંબધિત લાગતું હોય પણ એક્ચ્યુલી એનો સંબંધ વાર્તા સાથે હોવો જ જોઈએ.

ત્યાર બાદ અગાઉ નક્કી કર્યા મુજબ ગ્રુપના કોઈ એક સભ્યનું વાર્તાપઠન હતું. હાજર સભ્યોના નામની
ચીઠ્ઠીઓ નાખવામાં આવી અને સૌથી યુવાન સભ્ય બ્રિજેશે એક ચીઠ્ઠી ઉપાડી જેમાં સમીરાનું નામ નીકળ્યું. સમીરાએ પોતાની એક મૌલિક વાર્તા સંભળાવી. પરંતુ સમીરા મોબાઈલમાં વાર્તા ખોળે એ દરમિયાન પરાગે પોતાની એક લઘુકથા ઝટપટ સંભળાવી દીધી. જે એક કટાક્ષિકા હતી. સમીરાએ વાર્તા વાંચી. એની વાર્તામાં આવતો પરિવેષ, વાતાવરણ, માવજત અને એણે વાપરેલા રૂપકો કબિલેતારિફ હતા. વિષયવસ્તુ પણ નોખી હતી. એણે પોતાની વાર્તામાં વણેલો વિષય ગુજરાતી સાહિત્યમાં કદાચ હજુ અછૂતો જ ગણાય છે. કારણ આ વિષય પર બહુ વાર્તાઓ વાંચવામાં મળતી નથી. સહુ સભ્યો એ વાર્તા માણી, પોતપોતાનાં અભિપ્રાય આપ્યા. સમીરાને અંત બાબતે સુત્રધારે અમુક સુચન પણ કર્યા.

આઠ વાગી ગયા હતા. બેઠક વીખેરાઈ. સહુ એક પછી એક રવાના થયા. અમે પણ નીકળ્યા. બેઠકમાં વાર્તાની મીઠાશ એટલી ઘોળાઈ કે પરાગે લાવેલી ડેઈરીમિલ્ક ખાવાનું વિસરાઈ જ ગયું. એ સુત્રધારના ઘરે જ રહી ગઈ. હવે સુત્રધારને વિનંતિ કે ફ્રિજમાં સાચવીને મુકી દે અને આવતી બેઠકમાં આપણને પાછી આપે. બધી જ  એકલા એકલા ખાઈ ન જાય. જો એકલા એકલા ખાઈ જશે તો પેટમાં ચોક્કસ દુઃખશે!

~~ રાજુલ ભાનુશાલી (વાર્તા રે વાર્તા ટીમ)

                                     

4 comments :

  1. khoob sarsa PARAG ane RAJUL.VAARTALEKHAN maate atyant oopyogi.ek Sameerani vaarta vaanchvaani utsukta baki rahi.

    ReplyDelete
  2. termi bethakno aheval aflatun ,kalam ghadai gai chhe aapni aheval ma

    ReplyDelete
  3. રાજુલ, મસ્ત મસ્ત આહેવાલ. ડેરીમિલ્ક જેવી મીઠાશ ઘોળે એવો..પણ મારી ડેરી મિલ્ક ક્યાં...?

    ReplyDelete
  4. બધાની ડેરીમિલ્ક સુત્રધારના ફ્રીજમાં પડી છે. એનું ગળું પકડ! ;)

    ReplyDelete