Tuesday 7 June 2016

વાર્તા શિબિર ૧૩ (મુંબઈ) - પરાગ જ્ઞાની


વાર્તા રે વાર્તા  ફોરમની તેરમી બેઠકનો અહેવાલ, ૧ જુન ૨૦૧૬. સુત્રધાર રાજુ પટેલના ઘરે. (પરાગ જ્ઞાની)
                                             

રાજુના ચોથે માળે લિફટ હજુ ખુલે એ પહેલા જ બૂલંદ અને લહેકાબધ્ધ આવતા અવાજે યામિનીની પધરામણીના ખબર આપી દીધા.( યામિની પોતે લેખિકા ઉપરાંત અચ્છી સ્ટેજ  આર્ટિસ્ટ પણ છે.) શાળા કોલેજના વેકેશનનુ છેલ્લુ અઠવાડિયુ હોવાથી આ બેઠકમાં હાજરી ઓછી રહેવી સ્વાભાવિક હતી. સૂત્રધાર રાજુ અને બીજા સાત સભ્યો - યામિની, હું -પરાગ, સમીરા, બિન્ની, રાજુલ, કુસુમ અને નવો સભ્ય એકવીસ વર્ષનો બ્રિજેશ પંચાલ. (જે ક્રમમાં પધાર્યા એ રીતે  હાજર રહ્યા.)

સૌ પ્રથમ સૂત્રધાર રાજુએ રાજીપો વ્યકત કરતા કહ્યું કે છેલ્લા ટાસ્કમા કુલ નવ સભ્યોએ હિસ્સો લીધો, એમાં છ સભ્યોએ વૈકલ્પિક ટાસ્ક તરીકે 'વાત્રકને કાંઠેનો બીજો ભાગ' લખવા પર કળશ ઢોળ્યો! આવેલી તમામ કૃતિઓ જે સરાહનીય હતી, જો નબળી પણ હોતે, તો પણ હું એટલો જ ખુશ  હોતે જેટલો અત્યારે છું. આવા ઉરના આનંદ સાથે રાજુએ  'વાત્રક...' લખનારાઓની હિંમતને ભરપેટ વખાણી. ગુજરાતી સાહિત્યમાં  આ પહેલા પણ આવી કોશિષો થઈ  છે. ધૂમકેતુનની 'લોપમુદ્રા' એમના મૃત્યુ પછી ગુણવંત આચાર્યએ આગળ લખી. સરખામણી થવી સ્વાભાવિક હતી.છતાં આવા પ્રયત્નો  થવા જોઈએ.
ત્યારબાદ હળવા મિજાજમાં રાજુલે શરૂઆતની શિબિરો યાદ કરી અને પહેલી ચાર બેઠકોમા ઘણું ઘણું શિખ્યા અને હંમેશા યાદ રહેશે એમ ઉમેર્યું. બિન્નીએ સભ્યોનો વાંચન અને વિષ્લેશણનો સ્તર ઘણો ઊંચો ગયો છે એમ પ્રશંસાના ફૂલો વેર્યા. સમીરાએ 'હવે સૌ સભ્યો કશુંક વાંચતા થયા છે અને એનુ મહત્વ સમજતા થયા છે એનો રાજીપો વ્યક્ત કર્યો.' 

સમીરાએ મુંબઈના  એક પ્રતિષ્ઠિત મેગેઝીને એની પરત કરેલ વાર્તાના બાબતે મળેલ  ટિપ્પણી,"તમારી વાર્તામાં વાર્તાતત્વ નથી અને એ આધુનિક પણ નથી" એમ કહી પાછી કરી, જે પછી બીજે સ્વીકારાઈ.  એના સંદર્ભે સૂત્રધારે આધૂનિકતાની વ્યાખ્યા કરતા કહ્યુ કે,'એ જે દરેક કાળખંડમા નવુ રહે છે એ આધુનિક.' 

શિબિરની તાજ્જી વાતના રૂએ મહાભારતના રચયિતા વ્યાસમૂનિને યાદ કરાયા. મહાભારતનુ યુદ્ધ શરૂ થતાં પહેલા અર્જુનને સ્વપ્ન આવે છે. જેમાં એ ખુદને અસ્થિઓના ઢગલા પર બેઠેલો જુવે છે. આના દ્વારા વ્યાસ યુદ્ધની અનર્થતાનો ઈશારો કરે છે. આવા સંકેતો સમયથી લઈ આજની ફિલ્મોમાં પણ વપરાય છે.ફિલ્મ મિર્ચમસાલામા પહેલા જ દ્રશ્યમાં સ્મિતાને ગોફણથી ખેતરમાં ઉભેલા ચાડીયાને નિશાન તાકતી બતાવે છે. એ ગામના જ રક્ષકો સામે ગામની સ્ત્રીઓ બંડ પોકારે છે એ ફિલ્મના મુખ્ય પ્રવાહનો ઈશારો હતો .એવું જ બીજું ઉદાહરણ ગુલઝારની 'ઈજાઝત' ફિલ્મમાં રેલ્વેના પાટા બદલતી ટ્રેનના પિક્ચરાઇઝેશન વડે અંગત જીવનના બદલાતા પ્રવાહો તરફ ઈશારો કરાયો છે. આ બધુ ભાવક એટલુંજ  ગ્રહણ કરી શકે જેટલી એના પોતાનામા સજ્જતા હોય.     

લખતી વખતે અનુભવાતી મુશ્કેલીઓ પર ગઈ શિબિરમાં ચર્ચા થઇ હતી. એ ચર્ચાઓ વખતે ગેરહાજર ત્રણે હાજર સભ્યોને વારાફરતી બોલવા ઈજન અપાયું. સૌ પ્રથમ બિન્નીએ પોતાની મુશ્કેલીઓની વાત શરૂ કરતાં કહયું  કે દસ મિનિટ પણ એકધારું બેસી લખી નથી શકતી. સમયનો અભાવ, કૌટુંબિક જવાબદારીઓ અને સમસ્યાઓ વચ્ચે મનમાં કોઈ ગઝલનો મિસરો સુઝે તો કામ સાથે સાથે એના પર વિચાર ચાલે. પરંતુ વાર્તા લેખન માટે તો બેસવુ પડે, જે અઘરું લાગે છે. આનો જવાબ વાળતા રાજુએ કહ્યું કે મુશ્કેલીઓ એક કે બીજી આવવાની. લખાઈ જવુ એક વાત છે, પણ મને આવડી ગયુ કે ફાવી ગયું એ શક્ય જ નથી. રાજુ માટે લખવુ રોજીરોટી છે. આખો દિવસ લખ્યા પછી ખુદ માટે કશુક  લખવું ખુબ જ મુશ્કેલ બની જાય છે. એકવાર  એમના બાપુજીને ફકત ત્રણ અક્ષરનો 'કેમ છો' લખેલ કાગળ પોસ્ટ કરેલો તે એમણે યાદ કર્યો.

પછી કુસુમે પોતાની વાત મુકી. વિચારોમાં કૃતિ આખી  તૈયાર હોય છતાંય લખવા બેસીએ ત્યારે કાગળ પર ઉતરતી નથી. રાજુએ આ સરસ સવાલનો એવોજ સરસ જવાબ આપતા કહ્યું કે કોઇ પણ લેખક પોતાના તમામ વિચાર ઉતારી નથી શકતો. શરૂઆતમાં સિત્તેર ટકા જેટલુ છટકી જાય. મહાવરો વધશે એમ ટકાવારી ઘટશે. છેલ્લે ત્રીસ ટકા તો રહી જ જશે. વિચારો પણ બધા કામના નથી હોતા. લખાણ ખુદ એને ચાળી લેતું હોય છે. કુસુમે બીજી મુશ્કેલી વાર્તામાં સિમ્બોલિઝમ /રૂપકો લાવવાની કરી. એ ધાર્યા આવતા નથી. તરત રાજુએ તમે એ નક્કી ના કરો કે કૃતિમાં શું આવશે. રિક્ષાચાલકની વાર્તામાં વક્રોક્તિ ના આવે. કૃતી પોતે શું જોઈએ છે એ જાણે છે.Craft અને Art નો ફરક સમજો. ક્રાફટ મેનેજ કરાય પરંતુ આર્ટ મેનેજ ના થાય. તમે માધ્યમ છો એ ના ભૂલો. આંગડીયાની જેમ જે જેનુ છે તે પહોંચાડો. અહીંનુ તહીં  આંગડીયો ન કરી શકે. મા એનું બાળક રડે, એ કેમ રડે છે એ એના રૂદન પરથી જાણી લે છે. એવો ઘરોબો તમારી કૃતિ સાથે કેળવો. છેલ્લે  બરોડા નિવાસી બ્રિજેશ પંચાલ, જે પ્રથમવાર  શિબિરમાં ભાગ લઈ રહ્યો હતો એનો વારો આવ્યો. બ્રિજેશે શિબિરની શરૂઆતમાં જ, ગઇકાલે દિગ્ગજ કવિ મિસ્કીન ને સંભળાવેલી છંદોબધ્ધ ગઝલ  સંભળાવી દીધી હતી. હવે એણે વાર્તા લેખનમાં નડતી મુશ્કેલીઓ વિષે બોલતા કહ્યું કે, સંવાદો વડે વાર્તા આગળ વધારું પણ વાર્તામા સંવાદ વગર વાતાવરણ કે વર્ણન કેવી રીતે લાવવું ? રાજુએ ફરી એજ જવાબ આપતા કહયું કે વાર્તામા વર્ણન વગેરે tool છે. એ હોવુ જ જોઈએ એવો નિયમ નથી. વાર્તા પોતે નક્કી કરશે કે વર્ણન આવશે કે નહીં આવે.
બ્રિજેશે બીજો પ્રશ્ન વ્યક્તિએ વ્યક્તિએ વાર્તાને જુદી જુદી મૂલવવામા આવે છે, તેવે વખતે પોતાને જે ઠીક લાગે તે લખી બેસી જવું યોગ્ય ના કહેવાય? રાજુએ એની વાતને ધ્યાનથી સાંભળી, માથું ઉત્તર દક્ષિણ હલાવી-"અચ્છા" એટલુ કહી ધીમેથી સવિસ્તાર જવાબ આપતા કહયું, "દરેક કામ કે કળાનું  એક માળખાકીય બંધારણ હોય છે, નકશો અને નિયમ હોય છે એ પહેલા જાણવા પડે. એ સિવાય આપણી અંદર જ એક એડીટર હોય છે જેને આપણે સાંભળવા તૈયાર હોતા નથી. આપણને આપણી અંદરના એડીટર પર વિશ્વાસ નથી.એ કન્વિક્શન વિશ્વાસ લાવો. રાજકપૂરે વીસ જ વર્ષે 'આવારા' બનાવી. જ્યારે મહેશ ભટ્ટે લોકોને શું ગમશે શોધવામાં ચાર ફ્લૉપ ફિલ્મ આપી. છેવટે ઓછામાં ઓછી એક પોતાને ગમે એવી 'સારાંશ' બનાવી !

અત્યાર સુધી પોતાના મુંઝવતા પ્રશ્રને ધીરજ સંઘરી રાખેલ સમીરાએ, સમય આવતાં હવે મૂક્યો. 'મમતા'ના શૃંગાર વિશેષાંકમા સમીરા, રાજુલ, મીના, નેહા અને યામિનીની વાર્તા છપાઈ. એમાંથી જ ઉદભવેલ સવાલ, "શૃંગાર અને પોર્ન સાહિત્ય કયાં જુદા પડે ?" પૂછી સમીરાએ શિબિરને એક નવાજ વિષય તરફ વાળી. રાજુએ શરાબ પીવાના શાસ્ત્ર  સાથે સાંકળી એનો જવાબ આપવાની શરૂઆત કરી. શરાબની મર્યાદિત માત્રા ભૂખ લગાડે, જ્ઞાનેન્દ્રીય શાંત કરી તત્કાલ માણસને રિલેક્સ  કરે છે.પરંતુ જો હદથી વધુ પીવાય, ખાવાની જ જગ્યા ના રહે તો એ જ શરાબ બૂરા પરિણામ આપે છે. આ જ  રીતે  જ્યારે Eroticism નું ગ્રામર ચૂકાય ત્યારે  એ પોર્ન બની જાય છે અને એનો જનરલ નિયમ અઘરો છે. કોઈ માટે પોર્ન  ફિલ્મ પણ Erotic હોઈ શકે છે. શરાબ કેમ બદનામ છે ? એ આપણી પરંપરાનો ભાગ નથી. તમે કાલે ચાય પીધી હોય તો આજે ના પીઓ? આપણા સમાજમાં એ cultureનો ભાગ નથી. શરાબનો નિષેધ/ Tabooછે. પારસીઓમા શરાબ taboo નથી. આ બંને મુદ્દે વ્યક્તિગત  appriciation, conviction and clearity-વિષય વિષેની મહત્વની છે. શૃંગારરસ  હોય કે વીરરસ, કયારેક આંખોમાંથી પણ જાતીયતા મુખરીત થાય છે. બીજું શૃંગારરસનો operating factor જાતીયતા છે,શૃંગાર -સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ નહીં. જેમ વીરરસ કયારેક એકાદા ડાયલોગ વડે - ઉદાહરણ તરોકે 'અર્ધ સત્ય' ફિલ્મમાં સદાશિવ અમરાપૂરકરનો એક જ ડાયલોગ 'કલ આના'  જોનારમાં વીરરસ ઉશ્કેરે છે. સામા છેડે સલમાનની  ફિલ્મોમાં બતાવાતા સ્ટંટ કે મારામારી વીરરસને 'આઈટમ'ને સ્તરે ઉતારી  લાવે છે. આના જ સંદર્ભે કુસુમે રાજુલની શૃંગાર વાર્તા જાણે  વાચકની અંદર થઈ પસાર થઇ જાય છે કહી વખાણી. Point is you must make them feel shringar ras.



"અરે!સાડાપાંચ થઇ  ગયા! નાસ્તાને ન્યાય આપીયે ? થોડી થોડી ચાય પીશું?" વદી રાજુએ pgg ને ખુશ કરી દીધા. વળી રસોડે ચા ઉકાળતા ઉભા, એક લાઈવ ટાસ્ક મોકલી આપ્યુ. સૌ જેમ વર્તુળાકારે બેઠા છો એમ જ બેસી કોઇ એક જણ એક વાકય બોલે. એ પછી જોડે બેઠેલો નંબર બીજો એને જ સંબંધિત વાકય બોલે. પણ ત્રીજો એકી નંબરી હવે બીજાને અસંબંધ વાકય બોલશે. ફરી ચોથો સંબંધિત અને પછીનો અસંબંધિત વાકય બોલશે. આ લાઈવ ટાસ્ક ' જે અસંબંધિત વાકય છે તે સૌ પહેલા આપણું ધ્યાન ખેંચે છે' એ તરફ ધ્યાન દોરવા માટે અપાયું  હતું. હોલીવુડની ફિલ્મોમાં રાઈટરોને ખૂબ ઊંચી ફી આપી રોકાય છે અને તેઓ એવું  જ જબરદસ્ત લખાણ લઈ આવે છે. એ માટે 'ઈરેઝર' ફિલ્મ યાદ કરાઈ. જેમાં હિરોઈન આતંકવાદીઓનો એકલ  હાથે સામનો કરી રહી છે. હીરોએ કોઈપણ રીતે ત્યાં બને એટલા એની મદદે જલદી પહોંચી જવુ છે. એ જે ફલાઈટ પકડે છે એમા જ એને કોફીમાં  ઝેર પાઇ દેવાય છે. છતાં ગમે એમ કરી હીરો પેરાશૂટ વડે ભૂસકો મારી પ્લેનમાથી નાસી છૃટે છે. હીરોઇન સુધી પહોંચતા ઘણી રૂકાવટ ઓળંગે છે. હીરોઈન જયારે મોડા આવવાનુ કારણ પૂછે છે ત્યારે જવાબમાં હીરો બોલે છે ફક્ત, "ટ્રાફિક!" પ્રેક્ષકને બાંધવો, જકડવો, amuse કરવો એ લેખકનુ કામ છે. એક ટીવી  સીરીયલમાં બે ઝઘડતી વ્યક્તિ ને ત્રીજો આવી છોડાવે છે. આ છોડાવનારનના indifferentપણાને ઉજાગર કરવા એને મોઢે એક અસામાન્ય /અસંબંધ વાકય મુકવાનું હતું. એ અજાણ્યા સાથે વાત કરતા એનુ નામ સીધું પૂછવાને બદલે એટલું જ પૂછે છે,"Got a name ?"

છેવટે નક્કી કર્યા મૂજબ કોઈ એક સભ્યની  સ્વલિખિત વાર્તાનુ પઠન બ્રિજેશના હાથે  કોઈ એક નામની ચિઠ્ઠી ખેંચાવી કરવામાં આવ્યું. સમીરાનુ નામ નીકળ્યું! પરંતુ જયાં મોકો મળે ત્યાં વાર્તા સંભળાવવાના આદતી pggએ સમીરા મોબાઇલમાં વાર્તા ખોળે  ત્યાં લગીમાં બે જ મિનિટની લઘુકથા 'શિબિરમાં ગેરહાજરી' સંભળાવી દીધી ! ત્યાર પછી સમીરાએ એમની 'અમુક દિવસો' સંભળાવી સૌને વાર્તારસથી ભીના કરી દીધા. શિબિરનું સમાપન થયું. 

~~ પરાગ જ્ઞાની/pgg (વાર્તા રે વાર્તા ટીમ)

2 comments :

  1. 2 good PGG shibir aankh same thi fari pasar thai gai ,
    jane hamnaj chalto vartalap .

    ReplyDelete
  2. pgg....short and sweet ...waah.

    ReplyDelete