Sunday 10 July 2016

પરસ્પર્શ ~~ રાજુલ ભાનુશાલી

વાર્તા રે વાર્તાના મુંબઈસ્થિત સભ્ય રાજુલ ભાનુશાળીની વાર્તા ‘પરસ્પર્શ’ પ્રતિષ્ઠિત વાર્તા સામાયિક મમતાનાં શૃંગાર વિશેષાંકમાં (મે, ૨૦૧૬) પ્રકાશિત.


 સાંજ બિલ્લીપગે બાલ્કનીમાં ઉતરી આવી પણ હજી અંધારું થયું નહોતું. તડકાનાં જે થોડાંક ચોસલાં અહીં તહીં વિખેરાયેલા પડ્યાં છે એ પણ થોડીવારમાં ઓગળી જશે.

અંધકારના ઓછાયાએ ઘરની અર્ધી દીવાલો પર અડીંગો જમાવવા માંડ્યો અને આખા ઘરનો આકાર જ જાણે બદલાઈ ગયો! જલ્દીથી સ્લાઈડીંગ વિન્ડો બંધ કરી, પોતાની જાતને સમેટતી અંજલિ ધસમસતી લિવિંગરૂમમાં આવી. ફટાફટ એણે લાઈટની બધી સ્વીચો ચાલુ કરવા માંડી. લિવિંગરૂમની, કિચનની, બેડરૂમની. અને, છ બાય છ નો આલીશાન પલંગ ટ્યુબલાઈટના ઉજાસમાં ચમકી ઉઠ્યો.

અંજલિનાં શરીરમાંથી એક લખલખું પસાર થઇ ગયું. એવું લાગ્યું જાણે અસંખ્ય કરોળિયાઓ એના શરીર પર ફરી રહ્યાં છે! એણે પોતાના હાથપગ, કપડાં,વાળ જોરથી ખંખેર્યાં,પણ બધું જ વ્યર્થ! ઢસડાતાં પગલે એ રસોડાંમાં આવી અને ગેસ બર્નર ઓન કર્યું. એ જાણતી હતી કે વીતી ગયેલી રાત અને આવનારી રાત વચ્ચે કોઈઇ ફરક રહેવાનો નથી, છેક સવારનું અજવાળું ખુલવા નહિ લાગે ત્યાર સુધી. એ આવનારા અંધકારને સહન કરવાની હિંમત ભેગી કરવામાં પડી.

બન્ને હાથ અને ચાર ચુલાને એણે કામે લગાડ્યાં. કલાકમાં તો ડીનર રેડી થઈ ગયું.

અને, ડોરબેલ વાગી. તપન આવી ગયો. અંજલિએ દરવાજો ખોલ્યો. તપને એક સરસરી નજર અંજલિ ઉપર ફેરવી. કપાળ પર થઈને ગાલ પર સરકી આવેલા અને ટપકું ટપકું થતાં પરસેવાનાં ટીપાને અંજલિએ ઝટપટ પાલવથી લૂછી લીધું.

ડિનર પતી ગયું. રસોડું પતાવીને એ બેડરૂમમાં આવી. તપન બેડ પર ખોળામાં લેપટોપ લઈને બેઠો હતો. એ આજે ખૂબ થાકી ગઈ હતી. માનસિક રીતે કદાચ વધુ. એને થયું સીધી બેડ પર પડે અને ઘસઘસાટ ઉંઘી જાય. પણ નહાવુ તો પડશે. નહિ તો તપન ચીડાશે!

ભારે પગલે ટુવાલ લઈને એ બાથરૂમ તરફ ગઈ. એક પછી એક કપડાં કાઢીને એણે ખીંટીએ ટાંગ્યા. એની નજર બાથટબની બિલ્કુલ સામેની દિવાલમાં જડેલા આદમકદના આઈના પર પડી. પોતાનું આખું ઉઘાડું શરીર જોઈને એણે નિઃશ્વાસ નાખ્યો. પછી ધીમે રહીને માછલી પાણીમાં સરકી જાય એમ એ ટબમાં સરી ગઈ. ઠંડા પાણીનો સ્પર્શ ગમ્યો. પાણીની છાલકો સાથે જાણે ટીપે ટીપે થાક ઓગળવા લાગ્યો. એ આંખ મીંચીને પડી રહી.

‘કેટલી વાર?’ બહારથી બૂમ આવી અને એનાં ધીમે ધીમે ઝંપતા જતાં અસ્તિત્વ સાથે અથડાઈ. એ ધ્રુજી ઉઠી. જલ્દીથી બહાર નીકળી. પાણી નિતરતા શરીરને ટુવાલ વડે કોરું કરવા લાગી. આ શરીરને જ કારણે પીડા ભોગવવી પડે છે ને? એને થઈ આવ્યું.

લેવેન્ડર ફ્લેવરનો પાઉડર છાંટીને એણે તપને ગઈકાલે જ લાવેલી બ્લડ રેડ કલરની બ્રા અને પેન્ટી પહેરી. ગાઉન પહેર્યો. આછા ગુલાબી કલરનો ટ્રાન્સપરન્ટ ગાઉન એની આરસ જેવી પારદર્શક રૂપાળી કાયા સાથે ચોંટી ગયો. ઢાંકવાના બદલે જાણે એ અંજલિને વધુ ઉઘાડતો હતો.

અંજલિ બાથરૂમમાંથી બહાર નીકળી. તપનની ડોક એ તરફ ફરી. એણે પોતાના સુક્કા હોઠ પર જીભ ફેરવી.

આવીને એ ડબલબેડનાં કિનારા પર બેઠી. એની નજર તપનનાં ખોળામાં પડેલા લેપટોપની સ્ક્રીન પર પડી. કોઈ ગોરી યુરોપિયન છોકરીનું ફુલસાઈઝનું વોલપેપર હતું. અદ્દલ એણે પહેરેલી લિંગરીમાં!

તપને લેપટોપ બાજુએ મૂકી દીધું અને એ તદ્દન નજદીક સરકી આવ્યો. એણે અંજલિને જટકાથી ખેંચીને બેડ પર ફેલાવી દીધી. એના આછા ગુલાબી હોઠ પર પોતાનો અંગુઠો રગડ્યો અને એની બે સાથળની વચ્ચે દબાવીને પગ મુક્યો. અંજલિને લાગ્યું જાણે એની છાતીનાં બે ડુંગરો વચ્ચેની ખીણમાં ગરોળી ચડી ગઈ છે. એ થથરી ઉઠી!

એણે આંખો મીંચી દીધી. તપનની રુક્ષ હથેળીઓ, એની આંગળીઓ, એનો દજાડતો શ્વાસ.. આંખ બંધ કરી દીધા પછી પણ એ આમાંથી છટકી શકી નહિ.

અને, એને ગુજરાત મેલનો એ કમ્પાર્ટમેન્ટ યાદ આવી ગયો. સાથોસાથ યાદ આવ્યો એ પુરુષ. એ ગયો મહિનો હતો. બધું ફિલ્મના ફ્લેશબેક દ્રશ્યની જેમ યાદ આવવા માંડ્યુ. તે દિવસે પોતાની અંદર સતત ડહોળાયા કરતી ધૂળની ડમરી પર જાણે ઝાપટું વરસી પડ્યું હતું અને તે ક્ષણ બાદથી જાણે સતત એને અમી અમી કરી દેનારો વરસાદ વરસ્યા કર્યો છે અને એની સુગંધ અણુએ અણુને તરબતર કરી રહી છે એવું અંજલિને લાગી રહ્યું હતું.

બ્રાની ક્લીપ તૂટી જવાનો અવાજ આવ્યો. અંજલિ તંદ્રામાંથી બહાર આવી. આ તો રોજનું. તપન બ્રાની ક્લીપ ખોલતાંય તોડી નાખે. પોતાનેય શરુઆતમાં ક્યારેક કો’ક દિવસ કોઈ છાને ખૂણે કૂણો સળવળાટ થતો. પણ તપન.. એણે કદી જ અંજલિનાં ગમા અણગમાની, લાગણીની કે જરૂરિયાતની પરવાહ કરી નહોતી. તપન માટે એ ભોગવિલાસનું સાધન હતી. વિલાસિતા જ એનું જીવન. સ્લીપીંગ પીલ્સની જેમ એ અંજલિને યુઝ કરતો. હવે બધી સંવેદનાઓ મરી પરવારી હતી. એ હવે પડી રહેતી, રેતીનાં પોટલાની જેમ. આજે પણ પડી રહી. હવે એ જાંઘ વચ્ચે બચકાં ભરતો હતો. આ યાતનામાંથી છૂટવાનો કોઈજ ઉપાય એની પાસે નહોતો.

એ ફરી ગુજરાતમેલનાં પેલા કમ્પાર્ટમેન્ટમાં પહોંચી ગઈ.

અંજલિ પહેલીવાર જ આમ સાવ એકલા સફર કરી રહી હતી. આમ તો એ પ્રવાસો જ કયાં કરતી! ને ક્યારેક ક્યાંક જવાનું હોય તો તપન સાથે હોય જ. પણ તે દિવસે એ એકલી હતી. એને થોડોક ડર લાગ્યો. એ લગભગ અડધું ખાલી કમ્પાર્ટમેન્ટ. એ અંધારું. તપનની હાજરીમાં સતત ફફડતી રહેતી અંજલિ આજે તપન નહોતો તોય ફફડી રહી હતી.

ટીસી આવ્યો. ‘ટીકીટ પ્લીઝ’. એણે ચહેરા પર આત્મવિશ્વાસ જાળવવાની ભરચક કોશિશ કરી. પર્સમાંથી ટીકીટ શોધતાં એને બે’ક મીનીટ લાગી. ચહેરો તો મહામહેનતે જાળવ્યો પણ પર્સની અંદર ટીકીટ ફંફોસતી આંગળીઓ ધુજી રહી હતી. એણે એકાદવાર જોરથી મુઠ્ઠી ઉઘાડબંધ કરી. ત્યાં સુધી બાજુની સીટવાળા યાત્રીની ટીકીટ ચેક થઈ ગઈ. અંજલિએ ટીસીને ટીકીટ આપી. ટીસીની આંગળી એના હાથથી ઘસાઈ. એણે જટકાથી હાથ ખેંચી લીધો. એ બારી બહાર અંધારાને જોવા લાગી. ટીસી ગયો.

થોડીવારે પેલો પુરુષ ઉઠીને દરવાજા તરફ ગયો. ‘વોશરૂમ ગયો હશે’ એણે વિચાર્યું. ખાસ્સી પંદરેક મિનિટ પસાર થઈ ગઈ. અંજલિ અસ્વસ્થ થઈ ગઈ. થોડીક વધુ ડરી ગઈ. હવે એને સમજાયું કે એક અજાણ્યા સહયાત્રીના સાથનો પણ કેટલો સધિયારો હતો. એ સીટનાં કિનારા પાસે સરકી આવી. ડોકી ખેંચીને એણે જોવા પ્રયત્ન કર્યો. પેલો પુરુષ અને ટીસી દરવાજા પાસેની છેલ્લી સીટ પર બેઠાં કશીક વાતો કરી રહ્યાં હતાં. એ છે! એ ફરી બારીને કોણી અડેલીને બેઠી. થોડીવારે પેલો આવ્યો અને પોતાની જગ્યાએ બેસી ગયો.

‘આપ ક્યાં ઉતરશો?’ અંજલિએ પૂછ્યું.

‘અમદાવાદ’.

અંજલિને હાશકારો થયો. એણે સ્માઈલ કર્યું.

અને ત્યાર બાદ પોતે બેઠાં બેઠાં ઝોંકે ચડી ગઈ હતી અને ક્યારે પેલો પુરુષ બાજુમાં આવીને બેસી ગયો, અને એનું માથું પેલા પુરુષના મજબુત ખભા પર ઢળી પડ્યું એની ખબર જ ન રહી. એનાં છુટ્ટા લિસ્સા કેશ પેલા પુરુષનાં ચહેરા પર ફેલાઈ ગયાં હતાં. કોઈક અવાવરું સ્ટેશન આવ્યું. ટ્રેન કીચુડાટ કરતી ઉભી રહી અને અંજલિ ઝબકીને જાગી ગઈ. પુરુષે સ્મિત કર્યું. એ છોભીલી પડી ગઈ. ‘સોરી’ એટલું જ બોલી શકી. ‘તમે ઉંઘી ગયા હતાં. મને આશંકા થઈ કે ઝોંકા ખાતા ક્યાંક પડી ન જાઓ એટલે..’

એ થોડોક દૂર સરકી ગયો.

‘પવન તમારી લટમાં મોતીની સેર ગુંથી રહ્યો હતો એ જોવાની ખૂબ મજા પડી’ એ બોલી પડ્યો અને પોતે પાણી પાણી થઈ ગઈ હતી. એ ઉભી થવા ગઈ. પેલો સીટ પરથી ઉઠ્યો, આપ અહિં સૂઇ જાઓ હું સામે બેસું છું. અંજલિ ઉભી થઈ અને ટ્રેને એક શાર્પ વળાંક લીધો. અંજલિ સમતુલા ગુમાવી બેઠી. પુરુષે એને ખભેથી પકડી લીધી. એ સાવ લગોલગ આવી ગયો. અચાનક અંજલિને કશુંક થઈ ગયું. સુસવાટા મારતો પવન અને એ સ્પર્શ. દૂર દૂર ખેંચી જતો. રોમરોમથી જકડી લેતો. એક સાવ અજાણ્યા પુરુષનો. અંજલિએ આંખો ઢાળી દીધી. એણે નજર બચાવતી અંજલિની આંખો પકડી પાડી. એના ચહેરા પર મોહક સ્મિત હતું. અંજલિએ ઉપર જોયું. એને લાગ્યું જાણે ખભા પર પડેલા એ સ્પર્શમાં પોતે ડૂબતી જાય છે.. બસ ડૂબતી જાય છે અને.. ક્યારે એ પુરુષે અંજલિને ફરી સીટ પર બેસાડી, ક્યારે એણે પોતાના ખભા પર અંજલિનું માથું ઢાળ્યું. ક્યારે અંજલિનાં છૂટ્ટા કેશથી ફરી એનો ચહેરો ઢંકાઈ ગયો..ક્યારે એણે.. કશીજ ખબર ન પડી. કેટલીક પળો એમ ને એમ પસાર થઈ ગઈ.

ટીસીએ બે ચાર સીટ દૂર સુતેલા પેસેંજરને બૂમ પાડીને કશુંક કહ્યું ત્યારે બંન્ને તંદ્રામાંથી જાગ્યા.

પુરુષે હાથ લંબાવી લાઈટ ફરી બંધ કરી દીધી. આછા શ્યામ ઉજાસમાં એની અપલક આંખોને જોતી અંજલિની અવશ આંખો. એ નજદીક સરકી પેલો પુરુષ પણ થોડોક વધુ નજદીક સરકી આવ્યો. એણે પુરુષની વિશાળ છાતી પર માથું ટેકવી દીધું. ખરબચડી જાડ્ડી આંગળીઓ એને પસવારતી રહી. પીઠથી નિતંબ સુધી. અંજલિ આખેઆખી એના પડખામાં લપાઈ ગઈ. કોઈ પુરુષનો સ્પર્શ આટલો આહ્લાદક હોઈ શકેએ એને આજે જ ખબર પડી.

દરેક શ્વાસ વચ્ચેનું અંતર જાણે લંબાતું જતું હતું. અંજલિને લાગ્યું કે જાણે એ અહિં છે, છતાં ક્યાંય નથી. એણે પોતાનાં ધ્રુજતા હોઠ દબાવવાની કોશિષ કરી. ટશિયો ફૂટી આવ્યો. એક આછો સિસકારો નીકળી ગયો.

અને, બ્રાનું હુક ખુલી ગયું. બે સુંવાળા રેશમી ઉરોજ રેશમી બ્રાની કેદમાંથી છૂટીને પુરુષની હથેળીમાં ઢળી પડ્યા.

ખરબચડો હાથ સામેબાજુથી કુર્તાની અંદર સરકી આવ્યો હતો. અંજલિ.. જાણે તંદ્રામાં હતી. એક હાથ હતો અને સ્તન હતાં.બધું જ અત્યંત આહ્લાદક હતું. અત્યાર સુધી તપને એનાં સ્તનોને હજારો વાર રગદોળ્યાં હતાં. અંજલિનાં ઉંહકારા એને વધુ ને વધુ ઉશ્કેરતાં. એનાં ઘાટીલા માંસલ સ્તનની એક્કેય ડાઘ વગરની લીસ્સી ત્વચા પર કેટલીય વાર લાલ લાલ ચકામા ઉપસી આવતાં જે દિવસો સુધી રહેતાં. એ ઝાંખા થાય ત્યાં સુધીમાં તો બીજા નવા આવી જતાં અને ત્યાંની ત્વચા ચચરતી રહેતી.. દિવસો સુધી.

‘મનુકા’ પુરુષ એના કાનની સાવ પાસે હોઠ લાવીને હળવેકથી બોલ્યો અને નીપલને ખુબ માર્દવતાથી બે આંગળીઓની વચ્ચે લઈને દબાવી. એ હસી પડી. એનાં રોમેરોમ ગુલાબી ઝાંય ઉપસી આવી. બે કોરાકટ્ટ સ્તનોની પાછળ રક્તિમ હ્રદય ધબકવા લાગ્યું. અંજલિ આખેઆખી લીલીછમ્મ થઈ ગઈ. એ સ્પર્શે જાણે એનાં શરીરનાં સફેદ કેનવાસ પર મેઘધનુષ દોર્યું!

અને..

અંજલિથી હળવી ચીસ પડાઈ ગઈ. આંખો ખુલી ગઈ. ઉપર ઝળુંબતો તપન દેખાયો. એણે જોયું શરીરનાં સફેદ કેનવાસ પર ઉઝરડાં પડી ગયાં હતાં અને એમાંથી લોહીની ટશરો ફૂટી આવી હતી. અંગેઅંગમાં પીડા ફરી વળી હતી. તપનની લબકારા મારતી જીભ ઉઝરડાં પર ફરવા લાગી. કાળી બળતરાથી એ તરફડી ઉઠી. એણે દયનીય ચહેરે તપનની સામે જોયું. એની લોલુપ આંખોમાંથી નરી વાસના ટપકી રહી હતી. એ ખંધું હસ્યો. એણે બમણાં ઉશ્કેરાટથી અંજલિને ચૂંથવા માંડી.

અંજલિએ ફરી આંખો મીંચી દીધી અને પડી રહી રેતીનાં પોટલાની જેમ.

############################

No comments :

Post a Comment