Sunday 10 July 2016

ચંપાનો ગજરો ~~ સમીરા પાત્રાવાલા

વાર્તા રે વાર્તાના મુંબઈ સ્થિત સભ્ય સમીરા પાત્રાવાલાની વાર્તા 'ચંપાનો ગજરો' પ્રતિષ્ઠિત વાર્તા માસિક મમતાના શૃંગાર વિશેષાંક (મે ૨૦૧૬)માં પ્રકાશિત
એકદમ પાછળથી આવી ગઈ. જાણે હમણાં જ મને જકડી લેશે. મેં ભ્રમ થતાં પાછળ જોયું તો સાચ્ચે જ કોઈ હતું. સોનેરી બોર્ડરવાળી કાળી સાડીમાં લગભગ ૬ ફૂટની સીડી ચાલી આવતી હોય એવી! શરીરમાં વળાંક દેખાય તો કોઈ એમાં ભૂલું પડે એ ડરથી કંકાલની ઉપર જડબેસલાક સ્નાયુઓ જડેલાં! હાથમાં વધુ ચમકતી બંગડીઓ, પગમાં રંગેલા લાંબા નખ અને અદાથી રાખેલા લાંબા ઘુઘરીયાળા વાળ પરથી જાણે તાજી જ બ્યુટી પાર્લરની હવા ઉડતી હતી. માથે એવો જ કાળો અને લાલ મોટો ચાંદલો. એક ખભા પર ઢાળેલા વાળનું બેલેન્સ કરવા બીજા ખભે ઢાળેલું મોટું પર્સ. નખશિખ સ્ત્રી શૃંગાર! પણ મન માનવા તૈયાર ન થાય એવી સ્ત્રી!કાળી સાડીમાં ભલભલી સ્ત્રી સુંદર લાગે પણ ખબર નહીં આટલા શણગારમાં પણ કૈક ખૂટતી કડી એની પુરુષ જેવી આભાને છુપાવી ન્હોતી શકતી. જો આ જગ્યાએ પેન્ટ પહેરી નીકળી હોત તો લાગે કે લાંબા વાળમાં કલાકાર ચાલ્યો આવે છે. મનમાંથી અવાજ સ્ફૂર્યો 'ભાયડાછાપ સ્ત્રી!’ , પછી શંકાને સુધારી - ‘ન પણ હોય!’

એ સ્ત્રીનાં ચહેરાની અજાણી સુરખી મને એનાં વિશે વિચારતી કરી ગઈ. આ દેખાવે શંકા જન્માવેએવી સ્ત્રીએ મારા એકાંતને એવું મસ્તીએચડાવ્યું કે મારી જાત ઘસડાઈને સીધી મારા ઘરનાં દરવાજે પછડાઈ; હવે એ જલ્દી દરવાજો ખોલે તો સારું. એ જ્યારે શણગાર સજવા બેસે તો દુનિયાથી વિખૂટી થઈને સજે. જ્યાં સુધી એ શણગાર પૂરો ન કરે ત્યાં સુધી તો એના ફરિશ્તાપણ વાટ જોતાં ઉભા રહેતાં હશે! નસીબજોગે આજે જલ્દી દરવાજો ખુલ્યો!વાહ રે, કંઈ બીજા જ મૂડમાં લાગે છે! માથે ગજરો મહેકે છે! હાથમાં લાલ લીલી બંગડી, ગળામાં સોનાનું મંગળસૂત્ર અને પોતાની ફેશનની નાસમજનાં પ્રતિકસમાન એક લાલ અને ભૂરા મોતીની માળા! ઉપરથી એક ખોટો પણ લાંબો ચેઈન! ચંપા જ્યારે આવી તૈયાર થાય ત્યારેવધુ ભાવ માંગતી.! આજે બહાર લઈ જ જવું પડશે. રાતની રસોઈ રદ! જો ઘરે જમવું હોય તો કંઈ ‘એડજસ્ટ’ કરવાનું પણ ચંપા એની હઠ પૂરી કરાવીને જ રહે. ચંપાનો ગજરો એના સુખ અને શોખ પૂરા કરીને જ કરમાતો. મારું રૂટિન વીંખાઈ જતું. પછી બધુંય થાળે પડી જતું. હું મારામાં અને ચંપારાણી એનામાં.! અમુક સમયે સુખી રહેવા માટે આવા સમજૂતીકરાર કરી જ લેવા પડે છે.

અડધી રાત થઈ. શૃંગાર અને અદા જ્યારે પડખું ફર્યા હશે એવા સમયનો લાભ લઈ પેલી ભાયડાછાપ સ્ત્રી ફરી મનમાં પ્રગટી. ભાયડાછાપ! કેવો શબ્દ?! ગાળ જેવો. એના રૂપને જોઈને લોકો આવું જ કહેતા હશે ને? મારી જેમ કેટકેટલાં લોકો એને પાછું વળી જોતાં હશે ને? કોઈનાં કાનમાં થતી ફુસફુસાહટ સીધી એના હૃદયમાં ખુલતી નહીં હોય?! આજે ઊંઘ ન આવે હવે ! જ્યારે નીંદર આમ બળવો પોકારે ત્યારેમનમાં પ્રકૃતિ ઊગવા લાગે. મેં ઊગતાં સૂરજને ચીતર્યોછે, ઢળતી સાંજને કેદ કરી છે. ઝરણાં અને હરણાંને ચીતર્યાછે. સાગર અને નદીનો સંગમ ચીતર્યો છે. પવનનાં પ્રણયમાં લહેરાતાં વ્રુક્ષોનેચીતર્યા છે. આજે ફરીથી વિચારોની કળી ખીલવામાં જ હતી...ને કાળી સાડીવાળીએ બધી માયા સંકેલી લીધી!

--
મોડી સવારે ચંપાને રાતનો થાક માંડ ઊતર્યો.મને ઘડીભર રાતે તૈયાર થયેલી ચંપા યાદ આવી ગઈ. ગમે એવો કરે, પણ શૃંગાર ચંપાને ખિલવી દેતો. એ ક્યારેક ચંપો બની તો ક્યારેક મોગરો બનીને મહેકી ઉઠતી. રાતે રાતરાણીની જેમ ખીલતી ચંપા સવારે ચોળાયેલી ઉઠતી ત્યારે પુસ્તકનાં બે પાનાં વચ્ચે મહેનતથી સાચવેલાં કરમાયેલાં ફૂલ જેવી લાગતી.

મારો આખો દિવસ શરુ થઈને પ્રાઈમરી સ્કુલના બાળકોને ચિત્રકળાશીખવવામાં વીતી ગયો. રોજ આમ જ બનતું અને પછી રજા મળતાં જ મારા પગ ઘર તરફ પ્રયાણકરતાં. ક્યારેક ચંપા આજે કેવી સજેલી હશે એવાં વિચારો પણ આવી જતાં રસ્તામાં! એનું રૂપ પણ અનોખું હતું ! હાથમાં મન પડે તો બે લાલ એકાદ લીલી અને થોડી મેટલની ચૂડલી ચડાવી દે! કોઈ બીજી એની નકલ કરે તો ન ભળે પણ એનાં હાથમાં એ અલપઝલપ ઉઠી આવતી. એની રોજ બદલાતી બંગડીઓ રાતે પલંગમાં દબાતી ઝાંઝરમાં ઝીણી રણક ઉમેરી દેતી. ક્યારેક કાનમાં સસ્તા ઝૂમખાં હોય, તો બદન પર મોંઘી સાડી હોય! એ તો ચૂંદડીનાં કટકામાં પણ શોભે! બાંધણી કે લેરીયું કાંઇ પણ એની તામ્રવર્ણી કાયાને શોભાવી જાય. મારી મા કહેતી એમ ‘લીરો પહેરે તો પણ શોભે’ એવી! છતાંય એ નમણી તો નહીં જ! રોજ બદલાતી એની વેશભૂષા ઘડીભર ઘરને રંગમંચની ભ્રાંતિ કરાવતું. મને ફક્ત એમ જ સમજાતું કે એનાં દિવસનો મોટો ભાગ આ શણગાર સજવામાં જ વીતી જાય છે. વહુ તરીકે પહેલી પસંદગી પામેલી ચંપા માની આખરી ઈચ્છા બનીને જિંદગીમાં પ્રવેશ્યાને હવે એકાદ વર્ષ પૂરું થવામાં જ હતું.

મારી જાત પોતાની સાથે વાતો કરતી ઘર સુધી ઢસડાઈ આવી. દરવાજો ખખડાવતાં પહેલાં જ નજર સામે આવ્યું - મસમોટું તાળું! ચાવી આપતી પાડોશણે આખરી સમાચાર દેતાં કહયું કે રિસાઈને પિયર ગઈ છે.

‘કઈ વાતનું ખોટું લાગ્યું હશે? આ કાંઈ રીત છે? આ રીતે પાડોશીને કહીને જવાનું?’, તાળું ખુલ્યું - પ્રશ્નો ઉઘડયા.
આજ સવાર સુધી તો બધું બરાબર હતું. ક્યાંક ગઈ વખતની જેમ મોંઘી સાડી તો નહિ પડાવવાની હોય ને? સ્ત્રીહઠ અને એ પણ નવવધૂની ! હવે આપણે માની - ને એને મનાવવાની!
‘ભલે જે હશે એ કાલે નીપટી જશે.’ મારી જાતે ચિંતામુક્તિ આદરી.
સાંજ પણ એની માયા મારા માટે રોકી ઉભેલી છે, પછી હું છું ને આખી રાત છે!
એકમેકની સંગાથ અમને વધુ ફાવે.

મેં રાતની આહોશમાં કેટલી રાતો ચીતરી છે. અમાસને થપ્પડ મારતી ચાંદની ચીતરી છે. સવારની રાહમાં આંખો મોટી કરી આકાશને તાકતાં ઘુવડ ચીતર્યાછે. રાતમાં ચમકતાં જુગનું ચીતર્યાછે. મારી કળાનો રંગ રાતમાં ખીલી ઉઠતો. પણ ચંપાના આવ્યા પછી આ રાતો એનાં ઝાંઝરનાં અવાજથી ભાગી ગઈ છે. મારા ઘર કહેવાતાં નાનકડાં રૂમમાં ચંપા બેડરૂમ બનીને આવી ગઈ. રોજ વહેલીતકે ઓલવાતી બત્તીમાંમનમાં ઉભરાતાં અજવાળાં દમ તોડી દેતાં.

આજે ઘણાં સમયે ચંપાની ગેરહાજરી મને જોમ અર્પીગઈ. ઘણાં વખત પછી મને તૈલચિત્રબનાવવાનું મન થયું. મનમાં ચંપાનો શણગાર આછો લિસોટો પાડી ગયો. આ વીતેલાં વરસે કાચી માટીનાં પિંડામાં વલયો પેદા કરી કુંભારે ઘડેલા માટલાની જેમ ચંપાના શરીરને ઘડ્યું હતું. બીજી જ ક્ષણેમને પેલી ભાયડાછાપ સ્ત્રીનાં હાથ પર દેખાતાં ગરમ વેક્સનાં ઉજરડા ચિતરી ચડાવી ગયાં. ક્યાં આ અબુધ ચંપાનું મોહક રૂપ અને ક્યાં એ…

સાંજની ઉતરતી સાડીની લાજ રાખતી શ્યામવર્ણી રાત ઉભરાવા લાગી અને મારી પીંછી ચંપાનાં ઝાંઝરનાં ભ્રમથીગભરાતી, અટવાતી, લપાતી-છુપાતી અંતે લિયોનાર્ડોની અપ્રતિમ રચના મોનાલિસાની નકલ ચીતરવાની મહત્વકાંક્ષા કરી બેઠી. મારી પીંછીને આજે વેગ હતો. દરવાજામાં પગ મુકતાં પણ જેને ક્યારેય ઝૂકવું ન પડતું એવી ચંપાનાં ઘમંડને આજે મોનાલિસાની અદાથી પીંખી નાખવું હતું. આજે એ ભાયડાછાપ સ્ત્રીની અત્તરથીભભકતી કાળી સાડીનો ડૂચો ચંપાનાં ગંધાતા ગજરા પર મારવો હતો. આજે ચિતાએ લાંબી થયેલી સતીને મધુરજનીનાં ગુલાબ મસળવા મોકલવી હતી. આજે રાતમાં જાગતાં ઘુવડને જુગનુંનાં પ્રકાશમાં આંખો ઘેરતાં કરવાં હતાં.

રાત ઘેરી થતી હતી, રંગો હવે રૂપ ધારણ કરી ચૂક્યાં હતાં. મારી સામે મોનાલિસા તૈયાર હતી. મોનાલિસા - કળાનો નમુનો, સુંદરતાનું પ્રતિક, સ્મિતનું સ્મારક. પ્રકૃતિને ગૂંથવા ટેવાયેલી મારી પીંછી અટકાતાં અટકાતાં મને કાંઈ કહેતી ગઈ - ‘વિકૃતિ એ પણ પ્રકૃતિ છે!’

મોનાલિસા - કેટલી સુંદર ? કેટલી ભાગ્યશાળી?!ન સાજ - ન શણગાર, ન પતિની ખીંટીએ બંધાવા નાનપણમાં વીંધેલું નાક! ન હાર - ન કુંડળ! ન ચૂડી - ન ચાંદલો! ન વેશ - ન પરિવેશ! બસ એક સ્મિત પહેર્યુંઅને થઈ ગયો શણગાર!

લોકો મોનાલિસા માટે કેટકેટલી વાતો કરી ગયાં છે. એક વાત બહુ અજબ હતી. અમુક એવું તારણ કાઢી ગયા કે મોનાલિસા એ ખરેખર લિયોનાર્ડો દ વિન્ચી જ હતો….એ - એક સ્ત્રી રૂપમાં?! એક ‘સ્ત્રીછાપ’ પુરુષ ?! શું એક છબી બે રૂપ? ત્યાં જ, ખખડતા દરવાજાએ મારી પ્રશ્નામાલા તોડી. જોયું તો મારો ભાઈ - ચંપાનો ધણી એને મનાવીને ઘર લાવ્યો હતો. ચંપા આજે ફરી ગજરો ધારણ કરીને આવી હતી. એની હાજરીમાં ઓલવાતી તકવાદી બત્તીમારા ચિત્રપર મારો ૬ ફૂટનો કાળો પડછાયો ફેંકતી ગઈ. જતાં-જતાં મારો પડછાયો મને પૂછતો ગયો , ‘આ પોતાને ચીતરી કે વિન્ચીને?!’



##########################

No comments :

Post a Comment