Wednesday 20 July 2016

સાહસ ~~ જીગર ફરાદીવાલા

પ્રખ્યાત સામયિક મમતાના માર્ચ-એપ્રિલ ૨૦૧૬ અંકમાં પ્રકાશિત ભુજ, કચ્છ સ્થિત સભ્ય જીગર ફરાદીવાલાની વાર્તા 'સાહસ'.


સાચું બોલવાના છેલ્લા સાહસને લીધે હજી અઠવાડિયા પહેલા જ જાગૃતને નવી નોકરી મળેલી. સાંજે ઘરે જતા પહેલા એ મિત્રની ચાની કેબિને અચૂક જતો. થોડી ઘણી વાતો થતી સિગારેટ પૂરી થાય ત્યાં સુધી.
"હેલ્લો, જાગૃતભાઈ બોલો છો ?"
"હા, બોલો ને. "
"હું ૧૦૮માંથી બોલું છું, આપના મિત્ર હરદેવનું એક્સિડન્ટ થયું છે, આપ ૧૦-૧૫ મિનિટમાં સિવિલ હોસ્પિટલ પહોંચજોને. "
"ઓહ, ઓ.કે." એના મનમાં જાત જાતના વિચાર આવવા લાગ્યા. કેમ થયું હશે ? કેટલું વાગ્યું હશે ?
જાગૃત ગામડે રહેતો ત્યારની હરદેવ સાથે દોસ્તી, હવે તો એ પોતે શહેર આવી ગયો રહેવા અને હરદેવ પણ મુંબઈ જતો રહ્યો હતો કામ કરવા. પણ ફોન પર વાત થતી રહેતી અને હરદેવ દેશમાં આવે એટલે બંને અચૂક મળતા. હજી કલાક પહેલા તો હરદેવે ફોન કરેલો કે હું ગામડે જાઉં છું પાછો, કામ પતી ગયું છે.

-------------------------

ઇમરજન્સી વોર્ડમાં સ્ટ્રેચર પર સૂતેલા હરદેવને હોશ આવતા એને રાહત થઇ. મોઢાનો થોડો ભાગ, ડાબો હાથ અને પગ થોડા છોલાઈ ગયેલા, કાયમી ખોડ ખાંપણ આવે એવી ઈજા નહોતી.
હોસ્પિટલમાં ફરજ પરના પોલીસકર્મીએ ઔપચારિક પૂછપરછ કરી અને કાગળિયાઓ પર જાગૃતની સહી લીધી.પોલીસના ગયા પછી હરદેવે ઈશારાથી એને પાસે બોલાવ્યો.
" જાગા, આ બેગ જલ્દીથી ગમે ત્યાં પહોંચાડ. "
સ્ટ્રેચર પર પડેલી બેગ ઘસડાવાથી ખૂણાએથી થોડી ફાટી ગયેલી. જાગૃતે બેગની ચેઈન ખોલી અંદર જોયું, સો-સોની નોટના બંડલ હતા.
" ત્રણ છે. "

-------------------------

" પરીયા, આ બેગ રાખને, થોડી વારમાં લઇ જાઉં છું. "
" કૈં જોખમ નથી ને ? " સાયબર કાફે ધરાવતા મિત્રએ ઊતાવળમાં અને ચિંતિત જાગૃતને પૂછ્યું.
" છે એટલે તો તારી પાસે રાખી જાઉં છું, આવું છું હમણાં. "

-------------------------

પ્રાથમિક સારવાર અને એક્સિડન્ટ કેસ સંબંધી ઔપચારિકતાઓ પત્યે હરદેવને પહેલા માળે મેડિકલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો. હવે થોડા સ્વસ્થ થયેલા હરદેવને જાગૃતે કહ્યું " અધાને કે ભાઈને એવું કહી દે કે હું જાગાના ઘરે રોકાઈ ગયો છું, આઠ તો વાગે છે, હમણા કહેશું તો ખોટી ચિંતા અને દોડધામ, કાલે સવારે કહી દેશું. "
હરદેવે હકારમાં માથું ધુણાવ્યું.

" હવે પેલી બેગ ઘરે રાખતો આવું અને ઘરેથી બિસ્તરા વિસ્તરા લેતો આવું, જમવાનું પણ. " કહીને એ ઘરે જવા નીકળ્યો.
રસ્તામાં એના મનમાં સતત વિચારો દોડવા લાગ્યા, હમણાં આમ પણ પૈસાની ઘણી ખેંચ છે, આમાંથી પચ્ચીસ ત્રીસ હજાર લઇ લઉં, હરદેવને ક્યાં ખબર પડવાની છે ? ધારો કે એક્સિડન્ટ થયો ત્યારે જ એ બેગ કોઇ ત્યાંથી લઇ ગયું હોત તો ? અથવા હોસ્પિટલમાં કોઇએ થોડા રૂપિયા કાઢી લીધા હોત તો ? અને આવા કોઇ પણ કારણ તો ધરી જ શકાશે જો કોઈ કંઈ પૂછે તો ! અને હમણાં તો હરદેવ પણ ક્યાં ગણવા બેસવાનો છે? એને રજા મળશે, ઘરે પહોંચશે પછી એને ખબર પડશે, અને મારા પર શક કરવાનો તો સવાલ જ નથી !
ઘરે પહોંચી ત્રીસ હજાર રૂપિયા એણે એની પત્નીને ખબર ન પડે એ રીતે કબાટમાં મૂકી દીધા.
પત્નીને એક્સિડન્ટ વિશે જણાવી, જરુરી તૈયારી કરવાનું કહી પોતે રાત્રે હોસ્પિટલમાં જ રોકાશે એવું કહી નહાવા જતો રહ્યો.

-------------------------

આખી ઘટના જાણ્યા પછી હરદેવના પિતાજી તો ગળગળા થઈને જાગૃતનો આભાર માની રહ્યા હતા. " જાગા, આને કહેવાય ભાઈબંધી, તું ન હોત તો છોરાને કોણ સાચવત ? અને અમને તો ધોડધક થઇ પડત.. "
થોડી વારમાં નર્સ બોટલ ચડાવવા આવી એને જાગૃતે પૂછ્યું તો એણે કહ્યું સાંજે ચાર સુધી રજા મળી જશે.

જાગૃત સ્વસ્થ નહોતો લાગતો, એ એમની સાથે આંખો મિલાવીને વાત પણ નહોતો કરતો, હરદેવના પિતાજીની અનુભવી આંખોથી વાત છાની ન રહી, એમણે જાગૃતને એ વિશે પૂછ્યું પણ ખરું. પણ " કંઈ નહીં " એવું કહીને એણે વાત બદલાવી નાખી.
ત્રણ વાગવા આવેલા એટલે જાગૃતે કહ્યું હું ઘરેથી બેગ લેતો આવું અને વળતા ચાય પણ લેતો આવું.

-------------------------

ટેક્ષી જતી રહી પછી ઘણી વાર સુધી જાગૃત ત્યાં જ ઊભો રહ્યો, એ હવે સ્વસ્થ હતો અને એક મિત્રને કામ આવ્યાનો એને સંતોષ પણ હતો, સાથે સાથે સૌથી વધુ સંતોષ એને એ હતો કે આજે ફરી એણે એની જાતને ન છેતરવાનું સાહસ કર્યું હતું.
#############################

No comments :

Post a Comment