Saturday 9 July 2016

માવઠું ~~ કુસુમ પટેલ

વાર્તા રે વાર્તાના મુંબઈ સ્થિત સભ્ય કુસુમ પટેલ 'વિવેકા'ની મમતા જૂન ૨૦૧૬ અંકમાં પ્રકાશિત વાર્તા માવઠું

લાકડામાંથી હાથે બનાવેલા બાવલા માટે સિમલીની વિધવા મા કપડાં જાતે જ સીવતી, છેલ્લી ઘડીએ
બાવલા હારુ બનાવેલું નવું ફરાક એની મા ના હાથમાં જ હતું. કચ્છી છાંટ વાળુ રાજસ્થાની ઢબે વિકસેલ છેટ છેવાડે નાનકડા અને અછતીયા ગામમાં સિમલીની મા મરી ગયાના સમાચાર વહેતા થયા, પાંચ-સાત મા’ણ ભેગા થયા ‘ને સિમલીની મા ને કાઢી ગયા. સિમલીએ મા ના હાથમાંથી નવું ફરાક કાઢી લીધું, અને બાવલું છાતીએ વળગાડી સુનમુન ઓસરીમાં બેસી રહી.

આમેય દુનિયામાં હોવા છતાં દુનિયાથી પર ખુદમાં જીવતા બાળકોમાંની એક સિમલી અત્યારે અગીયાર વર્ષની હતી. આ ઉંમરે એની મા માત્ર એને કપડા પહેરતા અને બાવલાને કપડા પહેરાવતા શીખવી
શકી હતી. હા ક્યારેક મા ને જોઇ સાંધો-ટેબો કરવો કે એકાદ આડો અવળો રોટલો ઘડી લેવો એવું થોડું થોડું કામ કરી લેતી. બીજું કાંઇ શીખી શકે એવી સમજણ આ ઉંમરે પણ સિમલીમાં વિકસી નો’તી.

આવી પોણાઆની, અનાથ સિમલીને ગામનો કોણ હાચવે ? એટલે એના મામાને પરાણે સિમલી સોંપવામાં આવી. લોકલાજે મામા એને પોતાને ગામ લઇ તો આવ્યા પણ મામા-મામીના વર્તનમાં સિમલી માટેનો અભાવ અણગમો દેખાઇ આવતો. એની પાસે ઢોરની જેમ આખો દિ’ ઢસરડો કરાવતાં ક્યારેક વગર કારણે ઝાડુથી ઝુડી નાખતા, તો ક્યારેક બાવલા સાથે રમતી માસુમ સિમલી સામે મામી છુટ્ટે હાથે કાંસાનો લોટો
ઘા કરતી. સિમલી કપાળે ઉપસી આવેલા ઢેંમચાનું દરદ સમજી શકતી પણ ઢેંમચાનું કારણ સમજી નો’તી શકતી.

શંભુ નજીકના જ કોક ગામના પાદરે ઝુંપડી જેવા ઘરમાં એકલો રહેતો. ઝુંપડી શીવાય એની પાસે મિલકતમાં ક્યારેય ન ઢાળેલો ખાટલો, થોડા ઠામણાં અને ઘરની બહાર નાનો વાડ વગરનો બંજર વાડો આટલું જ. દેખાવે નદીના સુકા પટ જેવો, સાવ ગરીબડો, કાળીયો, કપાળે હંમેશા લાલ ચટક ચાંદલો કરતો. ઉંમરમાં
સિમલીથી સત્તરેક વરસ મોટો, આવા એકલા અટુલા, શંભુને બાર વરસની સિમલી પરણાવી મામાએ સિમલીથી પીછો છોડાવી એના નામનું નાહી નાખ્યું .

હવે સિમલી માટે દુનિયામાં કોઇ હોય તો એ આ એક માત્ર પુરુષ જેનું નામ શંભુ અને ગામ વાળા માટે શંભુડો. ગામમાં વાંઢાં મેણું ટાળવાના ઉપાય માત્ર શંભુએ સિમલી જોડે લગ્ન તો કર્યા પણ સિમલી ને ઘરમાં  જોઇ એને પોતાની જાત પર શરમ આવતી, એ અંદરથી અકળાઇ જતો. આમ તો આજુ-બાજુના ગામે શંભુ માં
બહુચરાનો વડો ભક્ત હોવાની માન્યતા, એટલે રોજ રાતે કોકને કોક ગામે બેઠક હારુ હાંક આવતી અને શંભુ અબુધ સિમલીને રાતે એકલી મુકી જતો રે’તો. આખી રાત બેઠક કરતો. સવારે ઘરે આવતો, સિમલીએ જો રોટલા બનાવ્યા હોય તો ખાય , નહિં તો પોતે બનાવીને ખાઇ લેતો. જમ્યા પછી ફરી શંભુ બાજુના ગામે આવેલા માતજીના મંદિરે પુજા પાઠ કરવા નીકળી જતો. અતડો હોવાના કારણે શંભુડો પોતાના ગામના લોકોમાં ઓછો ભળતો અને એમાં ય ખાસ કરીને ગામના પુરુષો જોડે. એમની જોડે ઉઠ બેસ ન કરવી પડે એટલે એ દિવસના ભાગે મંદિરના બહાને બીજા ગામે જતો રે’તો. આ જ એનો ક્રમ સિમલીને પરણ્યા પહેલા અને એના પછી પણ.

સિમલી હવે ખુશ હતી એને ઝાડુનો માર કે મામીના હાથનો છુટ્ટૉ ઘા નો’તો ખાવો પડતો એ એકલી આખો દિ’ ઘરની બહાર વાડામાં બાંધેલા ઓટલે બાવલા જોડે રમ્યા કરે ભુખ લાગે તો એકાદ રોટલો ખાઇ લે બસ. હવે તો ક્યારેક બાવલા હારું એકાદ નવું ફરાક પણ બનાવી લેતી. બાવાલાને કપડા પહેરાવતી એની જોડે
આખો દિ’ રમતી અને રાતે શંભુ વાળું કરીને જાય પછી જમીન પર વછાંણ પાથરી બાવલું સોડમાં લઇ સુઇ જતી.

ગામની સ્ત્રીઓ હવે સિમલીને ઓળખવા લાગી હતી. ક્યારેક કો’ક શાહુકારને ત્યાં મરણ થયું હોય તો સ્ત્રીઓ સિમલીને રુદાલી બનાવી સાથે લઇ જતી, અને સિમલી પણ જાણે આખી દુનિયાનું દુ:ખ એક હામટું રોઇ લેતી હોય એમ રોઇ લેતી. સિમલી જેટલું વધુ રોકકળ કરતી, શાહુકારો એટલું જ વધુ વળતર રુદાલીઓને આપતાં આમ સિમલીને સાથે રખવાનો ફાયદો બધી સ્ત્રીઓને થતો. કો'ક મોટી જગ્યાએથી તેડું આવતું તો ગામની સ્ત્રીઓ સિમલીને અચુક સાથે રાખતા. ધીમે ધીમે આવું જીવન સિમલીની ઓળખ બની ગયું.

આમને આમ સિમલી અને શંભુના દિવસો વીતતા ચલ્યા. લગ્નના પહેલા દિવસથી આજ દિ’ સુધીના
છ છ વર્ષે ય લગ્ન કોને કે’વાય એ ન તો શંભુએ જતાવ્યું, ન તો સિમલી સમજી શકી. જોત જોતામાં શંભુની નજર સામે, પણ સિમલીની જાણ બહાર બાળપણ નો લીસ્સો ઢોળ હવે અઢારમા વર્ષે સિમલીના શરીરે ઉપસેલા વળ વળાંકમાં તબદિલ થઇ ગયો હતો.

એક સાંજે-
"સિમલી હાલ વાળું કરીએ" બાવલા જોડે રમતી સિમલીને બાવડાથી જાલી ઉભી કરીને શંભુ બોલ્યો. રોજ્ની જેમ સિમલીએ શંભુનો હાથ જોરથી પકડી રાખ્યો, જમવા પણ એની અડોઅડ બેઠી. શંભુ એ રોટલાને અથાણામાં બોળ્યો, મોંમાં કોળિયો ભરવા હાથ વાળ્યો ત્યારે સિમલીની કુંવારી છાતીને શંભુની કોણી અડી ગઇ. પોતાની છાતીએ શંભુનો પહેલીવાર થયેલ સ્પર્શ સિમલીને શરીરે ધગધગ થતા યુવાનીના રણ પર પાણીના છાંટાંની ઠંડક જેવો લાગ્યો. પણ શંભુની કોણીયે થયેલો એ કુણો સ્પર્શ શંભુને અસ્વસ્થ કરી
ગયો ! શંભુ ના અંગમાં આગની લાય ઉઠી, એ ધગધગતા તેલની જેમ ઉકળી પડ્યો, થાળી ફગાવી ભાણેથી ઉભો થઇ ગયો. ઉભા થઇ શું કરવું શું ન કરવું ની ગડમથલમાં એના પગ સ્થીર નો’તા રે’તા. જાણે પોતાનામાં ભરેલો લાવા સિમલી પર ઠાલવવા મથતો હોય એમ એણે પેહેલીવાર સિમલીને જોરર્થી લાત મારી.

ગભરાયેલી સિમલી ઓરડીના ખુણે ટેકવેલા ખાટલાના પાયાને ચોંટી ગઇ. શંભુએ સુના ખાટલાને જોરથી પછાડ્યો, ખાટલો પહેલી વાર ઢળી પડયો, રઘવાયેલો શંભુ ઘરની બહાર નીકળી ગયો. આ બધું અચાનક એની જોડે શું થઇ ગયું એ સમજવાની શક્તિ સિમલીમાં ક્યાં હતી ? પણ, આ બધામાં સિમલીને જો કાંઇ યાદ રહ્યું હોય તો એ શંભુનો સ્પર્શ.

હવે રોજ સિમલી, કોઇને કોઇ કારણ સર ઉભરતી યુવાનીને શંભુના શરીરનું સ્પર્શપાન કરાવી,પોતાના હિસ્સાનો નિર્દોશ આનંદ માણી લેતી, પણ શંભુ ગુસ્સામાં ખાટલાને પછાડી ચાલ્યો જતો. શંભુએ ગુસ્સામાં
પછાડી ઢાળેલા ખાટલા પર સિમલી બાવલું લઇ નિરાંતે સુઇ જતી. આવું રોજ થવા લાગ્યું. સિમલી શંભુના ગુસ્સાની કોઇ દરકાર રાખતી નહિં એને તો હવે શરીરે અનુભવેલો આનંદ વધુ ગમવા લાગ્યો હતો. સિમલીએ હવે બાવલાને પણ શંભુ જેવા કપડાં પહેરાવવા માંડ્યાં, ટુંકો ઝભ્ભો અને ધોળો લેંઘો. શંભુ જાય પછી બાવલાને સોડમાં ગાલી ખુબ પંપાળતી આખા બાવલા પર પોતાનો હાથ એ રીતે ફેરવતી જાણે હમણાં જ એ બાવલું બાવલું મટી સિમલીમાં એકાકાર થઇ જવાનું હોય ! પછી કણસતી પડખાં બદલતી સિમલી સુઇ જતી. સવારે નહાવા જતી ત્યારે પોતાની જાણ બહાર શરીરમાં પ્રવેશી ચુકેલી જુવાનીને કલાકો સુધી જાતે જ પંપાળ્યા કરતી. શંભુ સિમલીમાં ફુલતી ફાલતી જુવાની જોઇ વધુને વધુ અકળાતો એનો સ્વભાવ આક્રમક બનતો જતો હતો. શંભુ એને શા માટૅ તરછોડી રહ્યો છે ? એના કારણ સમજવાની બુધ્ધી સિમલીમાં ન હતી તો વળી પોતાના શરીરની આ પરિસ્થીતીનું પણ ક્યાં પ્રમાણભાન હતું સિમલીને ?

એક દિ' બાજુના ગામે કોક મોટા શાહુકારનુ મોત થયું. ગામની સ્ત્રીઓ સિમલીને ખરખરે સાથે લેતી ગઇ. ગામના ઝાંપેથી છાતી કુટતી રુદાલીઓના રુદનથી આખું ગામ રડમસ થઇ ગયું. જોર જોરથી છાતી કુટતી
સિમલીને જોઇ ટોળામાંથી કોક સ્ત્રીએ એને બધાથી આગળ ઉભી રાખી દિધી, ત્યારે પણ સિમલી પોતાની દુનિયામાં મગ્ન હતી. છાતીએ હાથ કુટતી વેળાએ ઉઠતાં તરંગો એને વધુ ને વધુ જોરથી છાતી કુટવા મજબુર કરતાં હતા જાણે પોતાની કુંવારી યુવાનીનો ખરખરો કરવા મથતી હોય એમ ! એ સમયે છાતી કુટતી સિમલીની આંખેથી વહી જતાં આંસુ સચુકલા જ હતા, છતાં એની પણ સિમલીને ય ક્યાં સમજ હતી ? ગળા સુધીનો ઘુંઘટો તાંણેલી એ બધી સ્ત્રીઓ રોકકળ કરતી મોટી હવેલીની ડેલીમાં પ્રવેશી, છાંજીયા લેતા લેતા ઉભખુણીયે બેઠી, સિમલીને આગળ બેસાડી. ગામમાં રોકકડ શીવાય બીજો કોઇ અવાજ નો’તો, આવા ભેંકારમાં ડેલીની સામે મોટી ખુરસી પર બેઠેલા ભેદા ઠાકુરની લોલુપ નઝર આગળ બેઠેલી સિમલીના
શરીર પર ચોંટી ગઇ. ઉભખુણીયે ઘુંઘટો તાણી બેઠેલી સિમલીના ઢીલા કાપડાં માંથી ઘુડ્ડાના દબાણને લીધે છલુછલુ થતા જોબને ભેદાને ઝંઝોળી નાખ્યો. એના મસ્તિક પર માત્ર સિમલીની હિલોળા લેતી જુવાનીએ કબ્જો કરી લીધો હતો. કુમળી નાગરવેલ જેવી સિમલીનું કેમ પણ કરી રસ પાન કરવાનો એના પુરુષાતને નિર્ણય લઇ લીધો. ભેદો એ જ રાતે સિમલીની ઓરડીએ પહોંચી ગયો. એ રાતે પણ શંભુ વાળું કરી બહાર નીકળી ગયો હતો. ભેદાએ શંભુ ન હોવાની ખાત્રી કરી દરવાજે ધીમા ટકોરા કર્યા. સિમલીએ દરવાજો ખોલ્યો. ગળામાં ચોકડા વાળૂં ગમચું નાખેલ ભેદો હાથમાં જલેબીની કટોરી લઇ ઓરડીમાં ધુસ્યો. સામે ઉભેલો માણસ કોણ છે આ ટાણે શા માટે આવ્યો ? એ વાત સિમલી ને સમજાય એવી નો’તી પણ ભેદાના હાથમાં જલેબી જોઇ, એ કટોરી પર ટુટી પડી, રીતસરની ઝટી લીધી. સિમલી કટોરીમાથી એક પછી એક જલેબી ખાવા લાગી.
ભેદાએ સિમલીની નજીક આવતા કહ્યું ‘’જલેબી ભાવી ? સિમલીએ ખભેથી સરી પડેલી ઓઢણીના છેડાથી હાથ લુંછતા હકારમાં મોં હલાવ્યું ને ફરી બીજી જલેબી મોંએ માંડી. ભેદો વધુ નજીક સરક્યો "તારી માટે હું કાલે પણ જલેબી લઇ આવીશ જો તું મને આજે જલેબી ખાવા આપીશ તો ! તું પણ જલેબી જેવી મીઠી છે, મને ખાવાનું મન થાય છે .હું ખાઉં ?’’ કાલે પણ જલેબી મળશે એ વાતથી સિમલીની આંખોમાં ચમક આવી ગયી ’ને ભેદાની નઝર ખંધુ હસી પડી.

ભેદો એને ધીમે ધીમે ખાટલા પાસે લઇ ગયો. સિમલી જલેબી ખવામાં મગ્ન હતી. ભેદાએ ઓઢણીને
દુર કરી સિમલીને હલકો ધક્કો મારી ખાટલે સુવરાવી દિધી. સિમલીના હાથેથી કટોરી જમીન પર પડી ગઇ ક્ષણભરમાં કીડીઓની જમાત નીચે જલેબી દટાઇ ગઇ. સિમલીના આખા શરીરે જંગલી વેલની જેમ ભેદો વિંટળાઇ ગયો. ભેદાના હાથ યુવાન સિમલીના અંગ પર વળાંકે વળાંકે ફરવા લાગ્યા. સિમલીના હાથમાં રહી ગયેલી અડધી ખાધેલી જલેબીમાંથી મીઠી ચાસણી નીતરવા લાગી. સિમલીને આ માણસ શંભુ કરતાં અલગ લાગ્યો પણ અલગ લાગવાનું કારણ શું ? સિમલી એ સમજી ન શકી. સિમલીનું બાવલું ખાટલા નીચે મુક સાક્ષીની જેમ પડ્યુ રહ્યું. શંભુ સવારે ઘરે આવ્યો ત્યારે ઘરના હાલ પરથી રાતની બીના શું બની એનો ખયાલ આવી ગયો. રાતે ભેદાથી ભુલાઇ ગયેલું ગમચું ખાટલે ટીંગાતું જોઇ શંભુ એટલો અકળાયો કે ત્યારે ને ત્યારે જ સિમલીને મારી નાખત, એણે સિમલીને આજે ફરી માર્યું, એટલી હદે કે વાળ ખેંચીને દિવાલ હામું મોં પણ ભટકાવ્યું "સાલી તારી જાતની" આવા શબ્દો શંભુની જીભે આવ્યા પણ અકળ કારણ વશ એ બહાર નીકળી ન શક્યા, મોંમાં જ અટકી ગયા. શંભુની પકડ ઢીલી પડી ને’ તરત સિમલી પકડમાંથી છટકી દિવાલે અડકેલા ખાટલે ચોંટી ગઇ. શંભુએ ગુસ્સામાં ખાટલાને એટલી બધી લાતો મારી કે લીંપણી દિવાલેથી અરીસો નીચે પટકાઇ ટુકડે ટુકડા થઇ ગયો. અને દરેક ટુકડામાં પોતાનું પ્રતિબિંબ જોઇ પોતાને જ ધિક્કારતો - "સાલી મારી જાત ધિક્ક છે, સાલી મારી જાત થું તને’’ એમ બબડી ઘરની બહાર ચાલ્યો ગયો. લાલધુમ શંભુએ ઓટલા નીચેથી પાવળો કાઢ્યો કોને ઘા કરવો કે શું કરવું ?

એ ન સમજાતા એણે બંજર વાડાને પાવળે પાવળે ખોદવા માંડ્યો દરેક પાવળામાં જાણે ઇંન્દ્રના વજ્રનો ઘા કરતો હોય એમ ધરતી ફાડી નાખતો.શંભુ કોના પર અને શા માટે આવો ગુસ્સો ઉતારી રહ્યો હતો એ સિમલી ક્યાં સમજી શકે ? હવે તો શંભુએ અબુધ સિમલીને મારવાનું મુકી દિધું. પણ વાડામાં પાવળો મારી મારી
શંભુ પોતાની જાત પર ભારી થયેલો રઘવાટ શાંત કરી લેતો અને વળી નીકળી જતો બેઠક કરવા.આમને આમ લગભગ શંભુએ આખો વાડૉ ખોદી નાખ્યો હતો. પણ સિમલીને શંભુના આ વર્તનનો કોઇ ફરક નો’તો પડતો. શરીરેથી પુરો રુપિયો બની ચુકેલી પોણાઆની સિમલીને મન તો રાતે મીઠી જલેબી ખાવા મળી જતી એથી એ ખુશ હતી. બાવલાને પણ હવે રાત-દિ ગોખલામાં જ રાખતી. આ બધામાં સિમલી એક જ વાત સમજી શકી હતી કે હવે એને નહાતી વખતે પોતાનો હાથ શરીરે નથી ફેરવવો પડતો. એક દિવસ શંભુ ઘરે આવ્યો ત્યારે સિમલી ખાટલે બેઠા બેઠા આંબલીની ખટાશ માણી રહી હતી. આ જોઇ શંભુ ડઘાઇ ગયો. ખુબ ઘુર્રાટિયા થયેલા શંભુએ ખાટલાને લાતો મારી મારી ખાટલો તોડી નાખ્યો. એણે બધો ઉદ્દ્વેગ જાણે ખાટલો તોડવા પાછળ ખર્ચી નાખ્યો ! તોય હજી કાંઇ બાકી હોય એમ પોતાના હાથે જ પોતાના વાળ વિખેરી ખેંચવા લાગ્યો, વિચિત્ર બળબળ કરતો શંભુ બહાર નીકળી ગયો. પાવળો લઇ ખોદેલા વાડાને ફરી ખોદવા માંડ્યો. હવે તો જાણે સિમલીનો વારો હતો પણ શંભુએ સિમલીને માર્યું નહી. દાંત કચકચાવી સિમલીને તાંકી
રહ્યો. આંબલીની ખટાશ શંભુના દાંતે ચડી આવી હોય એમ,પણ એ ખાટાશ થુંકવાને બદલે શંભુ એને ગળી ગયો. સિમલી શંભુનો ચહેરો જોઇ રહી એને શંભુ આજે અલગ લાગ્યો. શંભુની આંખોમાંથી દળદળ નીકળી પડેલા આંસું સિમલી માટે મોટો કોયડો હતાં. અને આંસુ વચ્ચે નિકળી પડેલું ખાટું હાસ્ય ગુંચવાયેલી સિમલીને વધુ ગુંચવી ગયું. સમયાંતરે સિમલીનું સપાટ પેટ ગોળ થયું. ભેદાને આ વાતની જાણ થતા બિકને માર્યે એ
આવતો બંધ થયો. ગોખલામાં પડી રહેલા બાવલાને સિમલીએ વહાલથી નવું ફરાક પહેરાવ્યું, એને ફરી સોડમાં લઇ સુવા લાગી. શંભુએ રાતે બેઠક કરવાની બંધ કરી, એણે મંદિરે પણ જવાનું બંધ કરી દિધું. આખો આખો દિ’ ઘરે જ રહેવા લાગ્યો. સમયના ચક્રએ હવે જાણે ગતી પકડી હોય એમ ભરઉનાળે માવઠું પડ્યું. ખોદેલા બંજર વાડા પર લીલાશ પથરાઇ ગઇ. વાડામાં પથરાયેલી લીલાશ સાચવવા જોગ શંભુએ વાડાને ફરતે કાંટાળી વાડ તો બાંધી દિધી, પણ આ લીલાશ જોઇ શંભુની આંખો ક્યારેક લીલી થઇ હસી પડતી તો ક્યારેક રાતી થઇ આખી રાત રોતી રહેતી. સિમલી શંભુમાં આ બદલાવ જોઇ શકતી પણ એના કારણો હજી સમજી નહોતી શકતી. આમ ને આમ સિમલીને ચાર ઉતરી પાંચમો બેઠો. એક દિવસ અચાનક ગામવાળાથી દુર ભાગતા અતડા શંભુએ મહાદેવના મંદિરે પુજા કરાવી, આખું ગામ તેડાવ્યું. અને પ્રસાદિમાં જલેબી બાંટી. મંદિરના ઓટલે ઉભા રહી પ્રસાદિ વહેંચતા શંભુને જોઇ ગામના પુરુષોમાં ગણગણાટ થવા લાગ્યો- "હેં શું ? શંભુડો બાપ બનવાનો છે ! હવે એને શંભુડો નહિં શંભુ કે’વું પડશે. બાપલા એણે આપણને ખોટા સાબીત કર્યા હોં.

બીજી બાજુ પ્રસાદિ લેવા આવતી ગામની યુવાન સ્ત્રિઓમાં પણ શંભુ અને સિમલી જ ચર્ચાનો વિષય બની રહ્યા. રોજ જલેબી ખાતી સિમલી સામે જોઇ ગામની એક સ્ત્રી બોલી "કેવી હાચવી છે આ અધચડીને, જુવાનીની લાલી તો જુઓ. શંભુડો આવો હશે એ ખબર હોત તો હું ય પરણી જાત એને !’’ બોલતા
બોલતા શંભુના હાથે પ્રસાદિ લેતા વેળા તેણે લાજ કાઢી લીધી.

ઓટલે ઉભેલો શંભુ આ બધું જોઇ રહ્યો, અને પછી ભેદાના ગમચાને બે હાથે ગોળ ગોળ વાળી ગળામાં નાખતી વેળાએ બધાની જાણ બહાર શંભુના હોંઠે ભેદિ હાસ્ય ઉપસી આવ્યુ. મુંછમાં મલકતા મલકતા શંભુ બબડ્યો તેડાવેલા માવઠાએ મને લીલોછમ કર્યો.



No comments :

Post a Comment