Thursday 25 August 2016

વારતા શિબિર ૧૫ (મુંબઈ) -- અહેવાલ

વારતા રે વારતા  શિબિરની પંદરમી બેઠકનો અહેવાલ (મુંબઈ) ૧૦ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ નેશનલ પાર્ક

આપણા લાડકવાયા દેશની આઝાદીના માહ-એ-અગસ્તમાં, આપણી લાડકવાયી વાર્તાશિબિર ચાર દિવાલના બંધનથી આઝાદ થઈને બોરીવલીના નેશનલ પાર્કની ગાંધી ટેકરીની ઉન્મુક્ત હવાઓમાં ફરવા ચાલી. ઘણા વખતથી નેશનલ પાર્કમાં એક શિબિર કરવાનું અરમાન સેવતા સુત્રધાર અને શિબિરાર્થીઓની ઈચ્છા આ શિબિરમાં પૂરી થઇ.

મળવાના સમય વિશે થોડી ગેરસમજણને લઈને ૧૧ વાગ્યે શરુ કરવા ધારેલી ગતિવિધિઓ છેટ ૧ વાગ્યે શરુ થવા પામી. એ દરિમયાન અગાઉથી પહોચી ગયેલા સભ્યોએ પાર્કમાં થોડી લટાર મારી (અલબત્ત ગાડીમાં), થોડી ચા પીધી અને થોડું ભૂલા પડ્યા. હવે પછીની શિબિરમાં પંદર મિનિટથી મોડા ન આવવું એવી સર્વે શિબિરાર્થીઓ વતી, સર્વે શિબિરાર્થીઓને પ્રાર્થના છે.

પહેલું સેશન

હરહંમેશના સભ્યો ઉપરાંત આ વખતે એક નવા સભ્ય સંજય ગુંદલાવકર પણ જોડાયા હતા. બુધવાર હોવાથી તેઓ નોકરીમાંથી (અને એમની પત્ની પાસેથી પણ!) રજા લઈને આવ્યા હતા. સત્રની શરૂઆત થઇ ખુબ લાંબા સમયથી જેનું નિરાકરણ નથી થઇ રહ્યું એવા વિષય લઘુકથાથી. સુત્રધારે સૌને પોતપોતાના લઘુકથા વિશેના વિચારો જણાવવા કહ્યું. અત્રે નોંધનીય છે કે રાજુલ 'સર્જન' નામના ઓનલાઈન માઈક્રોફિક્શન મેગેઝીનના સંપાદક છે અને સંજય એ ગ્રુપના સક્રિય સભ્ય. એ ઉપરાંત કુસુમ, સમીરા, નેહા રાવલ અને હું (તુમુલ) પણ 'સર્જન' ગ્રુપ સાથે જોડાયેલા છીએ. ત્યાં દર અઠવાડિયે અમુક ચોક્કસ પ્રોમ્પ્ટ પર વાર્તા લખાતી હોઈ આ પ્રકાર સાવ અજાણ્યો તો નથી જ. ઉપરાંત સાહિત્ય પ્રકાર તરીકે પણ નવો નથી. અને તેમ છતાંય દરેકને એ વિશે થોડી(ઘણી) અવઢવ છે. લઘુકથા વિશેના કેટલાક વિચારો:

સમીરાને આજકાલ જે લઘુકથાનું પુર આવ્યું છે અને એમાંની અનેકમાં મૂળે વાર્તાતત્વ ખૂટતું હોવા વિશે ફરિયાદ હતી. દરેક જગ્યાએ હેમિંગ્વેની પ્રખ્યાત "બેબી શુ’ઝ ફોર સેલ નેવર વોર્ન" નું જ ઉદાહરણ અપાતું હોય છે એ બાબત પણ ખટકે એવી... સુત્રધારે આ બાબતે પ્રકાશ પાડતાં જણાવ્યું કે, આપણે અંગ્રેજીથી એટલા બધા પ્રભાવિત છીએ કે એમાં લખાયેલી લઘુકથા (માઈક્રો ફિક્શન) જ આપણને અનુકરણીય લાગે છે. એવું નથી કે હેમિંગ્વેએ આ પ્રકાર શરુ કર્યો હતો. એમની પહેલા અને અન્ય સંસ્કૃતિઓમાં પણ અનેક લેખકો આ પ્રકાર પર હાથ અજમાવી ચુક્યા છે અને હથોટી પણ જમાવી ચુક્યા છે. ખલીલ જિબ્રાન એમાંના એક નોંધનીય સર્જક.. તેમની લઘુકથાનું એક ઉદાહરણ, "એક પુરુષ અને એક સ્ત્રી મળ્યાં. સ્ત્રી જ્યારે પુરુષને મળી ત્યારે પુરુષના ખભા પર તેના એ પૂર્વજો બેઠા હતા જે એ પુરુષના જન્મ અગાઉ મરી ચુક્યા હતા. અને પુરુષ જયારે સ્ત્રીને મળ્યો ત્યારે સ્ત્રીની આંખોમાં એ બાળકોનાં ચહેરા હતા જે હજી જન્મ્યા નહોતા".
-કેટલી સરળ છતાં કેટલી સંદિગ્ધ ! હા, એ સાચું કે ભારતમાં આ પ્રકાર બહારથી આવેલો છે. આપણા પુરાણોમાં મોટાભાગના બધા જ પ્રકારના સાહિત્ય છે પણ લઘુકથા નથી. એ હિસાબે આપણા માટે કદાચ લઘુકથા આયાતી પ્રકારનું સાહિત્ય ગણી શકાય. પરંતુ ગુજરાતી સાહિત્યમાં પણ ઘણાં વર્ષોથી લઘુકથાને સ્વીકૃતિ મળી ચુકી છે.

આપણે છેલ્લા દોઢ વર્ષમાં ચૌદ ચૌદ શિબિરો અને અઠ્ઠાવીસ ટાસ્ક કરીને ટૂંકી વાર્તા સાથે વધતે ઓછે અંશે પરિચય કેળવી લીધો છે. એ મુદ્દો ધ્યાનમાં રાખી સુત્રધારે સહુને લઘુકથા અને ટૂંકી વાર્તા વચ્ચેનો ફરક પૂછ્યો. સમીરાએ કહ્યું કે, લઘુકથામાં શબ્દ મર્યાદા હોઈ વર્ણનમાં કે અન્ય કોઈ વસ્તુ માટે શબ્દ વેડફી ન શકાય. સુત્રધાર કહે છે કે એ તો ટૂંકી વાર્તામાં પણ લાગુ પડે જ છે. જરૂર વગરના શબ્દો તો એમાં પણ ન જ વાપરવાના હોય..


 સંજય ઉવાચ: લઘુકથાની શરૂઆતનો જે વિચાર હોય એ અંતથી થોડો પહેલાં જ પૂરો થઇ જવો જોઈએ અને અંત અધ્યાહાર રહેવો જોઈએ. આ વિશે સુત્રધારે કહ્યું કે, આ માત્ર એક રોમેન્ટિક ઓબ્સેશન છે. આવો કોઈ સિદ્ધાંત હોઈ ન શકે. જેમ કે, ડો. હાર્દિક યાજ્ઞિકની આ લઘુકથા એ સિદ્ધાંતને નથી અનુસરતી, ઉદાહરણ :


"સંધ્યાકાળનો સમય થયો, ચાલતા ચાલતા ડાબી બાજુ આવતી મસ્જીદ તરફ સહેજ ડોકુ નમાવીને તેણે મનમાં કહ્યું “જય શ્રીકૃષ્ણ.”

-બધી જ લઘુકથાના એકથી વધુ અર્થ હોય જ એવું જરૂરી નથી. હા, લેખકનું કામ જ્યાં પૂરું થાય ત્યાં વાચકનું શરુ થાય એ વાત ખરી. એ વાત જો કે સાહિત્યના દરેક પ્રકારને લાગુ પડે છે પછી એ ગદ્ય હોય કે પદ્ય.
રાજુલે કહ્યું કે, લઘુકથા પણ વાર્તાનું જ એક સ્વરૂપ છે પણ સુક્ષ્મ. એથી જ વાર્તાના બધા જ નિયમો એને પણ લાગુ પડે. આ પ્રકાર વધુ અઘરો કેમ કે એમાં શબ્દની મર્યાદા બહુ નાની છે. એક ચા પીવાય એટલી વારમાં લઘુકથા વંચાઈ જતી હોય છે. લઘુકથાને વાર્તાનું સટીક સ્વરૂપ કહી શકાય. વળી, કુસુમે કહ્યું કે ચોટ એ લઘુકથાનું સૌથી અગત્યનું અંગ છે. સુત્રધારે ફોડ પાડ્યો કે ચા વાળી વ્યાખ્યા, એક વ્યાખ્યા થઇ. દરઅસલ એ સુનીલ મેવાડાની વ્યક્તિગત વ્યાખ્યા છે - ચુસ્કીકથા. હું બીડી પીવું છું તો હું ચા ની બદલે બીડી પીવાય એટલી વારમાં વાંચી શકાય એવી વાર્તા એમ પણ કહી શકું.

મેં (એટલે કે તુમુલે) કહ્યું કે, લઘુકથામાં સમાંતર વાર્તા પ્રવાહો ન હોઈ શકે. એ માટેનો અવકાશ જ નથી. સુત્રધારે કહ્યું કે એવું નથી પણ આપણે એવી લઘુકથાઓ વાંચી નથી. આપણી મૂડી જ ઓછી છે. હવેથી તેઓ ખુબ બધી લઘુકથા વાંચવા માટે ગોતી આપશે અને એમાંયે બને ત્યાં સુધી અંગ્રેજી સિવાયની.

હવે, લઘુકથા શું નથી એ લગભગ સમજાઈ રહ્યું હતું. શું છે એ સમજવા માટેના બે ભાગ છે. નેહા શાહને ઘરે યોજાયેલી ચૌદમી શિબિરમાં લઘુકથા, ટૂંકી વાર્તા, લઘુ નવલ અને નવલકથાને શબ્દ સંખ્યા / પાનાં સંખ્યા પ્રમાણે વહેચી હતી એ આ સમજણ પ્રક્રિયાનો પહેલો ભાગ. નીચેના કોઠામાં પહેલા બે પ્રકારોની આશરે શબ્દ / પાનાં સંખ્યા અને તેનું અંગ્રેજી નામ આપ્યા છે. ખાસ નોંધવું કે આ એક નિર્ધારિત અથવા માનેલી સંખ્યા છે પણ આવો કોઈ જડ નિયમ ન હોઈ શકે.
 

તેમ છતાં શબ્દસંખ્યા એ લઘુકથાને લઘુકથા બનાવતું એક પરિબળ તો છે જ. તત્પુરતી આ ૧૦૦૦ શબ્દોની સીમાને પૂર્વધારણા લઈને આગળ વધીએ... સુત્રધાર કહે છે, સૂર્ય ગ્રહણને નરી આંખે ન જોઈ શકાય. એમાં આંખો ખરાબ થવાનું કે દ્રષ્ટિ જવાનું ભયસ્થાન રહેલું છે. તેને જોવા માટે એક બહુ સરળ પદ્ધતિ છે. એક કાગળમાં નાનકડું કાણું (pin-hole) પાડી તેની નીચે એક અરીસો ગોઠવવો. આ કાણામાંથી આવતો પ્રકાશ અરીસા પર પરાવર્તિત થઈને દીવાલ પર પડે એમ ગોઠવવો. આ પરાવર્તિત કિરણ સૂર્યગ્રહણ દર્શાવશે. અન્ય ગ્રહ કે ઉપગ્રહ સૂર્ય ને જેમ જેમ ઢાંકશે તેમ તેમ તેના કિરણો પેલા કાણામાંથી પસાર થશે અને દીવાલ પરનું પરાવર્તિત પ્રકાશ વર્તુળ જે સૂર્ય નો આભાસ આપે છે તે પણ એટલાજ પ્રમાણમાં ઢંકાતું જશે. એક લેખક તરીકે આપણી માટે મહત્વની વાત એ કે સૂરજનું દરેકે દરેકે કિરણ એ સુરજ પોતે જ છે (તાળીઓ અને સીટીઓ). એ સૂરજનું પ્રતિનિધિત્વ કરે છે. લઘુકથા પણ એ સૂર્યકિરણની જેમ એટલી સમૃદ્ધ હોવી ઘટે કે એમાં સમગ્ર નવલકથા સમાયેલી હોય. માઇક્રોફિક્શન ઈઝ નોટ પાર્ટ ઓફ આ લાર્જર સ્ટોરી બટ હાર્ટ ઓફ સ્ટોરી.


બીજું ઉદાહરણ, સુત્રધાર નાનપણમાં એવી જગ્યાએ હતા કે જ્યાં વીજળી હતી જ નહી. અંધારામાં ફાનસ લઈને અને ઘૂઘરીવાળી લાકડી લઈને નીકળવું પડતું કેમકે સાપ દરમાંથી નીકળીને રસ્તામાં સુતા હોય. ઘૂઘરીના અવાજથી એ ખસી જાય અને એની પર ભૂલથી પગ ન મુકાઇ જાય. એવામાં ક્યારેક ફાનસ શરીરની ખુબ નજીક આવી જાય તો પડછાયો એટલો મોટો થઇ જાય કે પોતાનો જ પડછાયો જોઇને ડરી જવાય. ફાનસથી જેમ નજીક એમ પડછાયો મોટો અને દુર એમ તે નાનો. લઘુકથા / ટૂંકી વાર્તા / નવલકથાનું ગણિત પણ આ ફાનસ અને પડછાયાની રમત જેવું છે. અમુક એન્ગલથી ફાનસ પકડો તો ૫ ફૂટના માણસનો પડછાયો ૫૦ ફૂટનો દેખાય અને બીજી રીતે પકડો તો ૫ માંડ ફૂટનો. હવે આ ફાનસ કેમ પકડીએ તો કેવો પડછાયો દેખાશે એ એન્ગલના ગણિતનું સર્જનાત્મકતાના પરિપ્રેક્ષ્યમાં રૂપાંતરણ કરવાનું છે. આપણે સૃજનની જ્યોત કથાતત્વના એટલા અંતરે ગોઠવવાની છે કે ૫ કે ૫૦ શબ્દોમાં માં ૫૦૦૦ શબ્દોનો વ્યાપ સમેટી શકીએ.

કોઈપણ વાર્તામાં સંઘર્ષ / કોન્ફ્લીક્ટ તો હોવો જ જોઈએ. એ વગર વાર્તા નથી બનતી. ૩૦૦૦ શબ્દોમાં તમારી પાસે એ સંઘર્ષને વર્ણવવાનો, એને સ્થાપિત કરવાનો અવકાશ છે. જયારે લઘુકથામાં એ નથી. એનો તોડ શું? કોઈપણ કથામાં બે પાત્રો હોય જ. એ બંને વ્યક્તિ હોઈ શકે અથવા તો એક વ્યક્તિ અને એક સંકલ્પના હોય. જેમ કે, સમાજ, પરિસ્થિતિ, સમય, વિશ્વ, મૈત્રી, પ્રેમ વગેરે... સારી વાર્તામાં આ બંને પાત્રો ખુબ તરાશેલા હોય. ઓછા શબ્દોમાં ચુસ્ત પાત્રો દર્શાવવા અમુક સંકલ્પના કે એવા શબ્દો જે મોટા શબ્દસમૂહના પ્રતિનિધિ હોય એ વાપરી શકાય. જેમ કે, મોંઘવારી લખ્યું તો એમાં કેટલી બધી વસ્તુ આપમેળે આવી ગઈ. જેમ કે, દેવ થોડો બહોળો શબ્દ છે પણ જો દેવની સાથે ભોળો કે ઈર્ષાળુ શબ્દો વાપરો તો એ વાચકને વધુ ચોક્કસ માહિતી આપે. અથવા તો કામદેવ વાપરો તો તરત તમારો વાર્તારસ કયો એ આપોઆપ નક્કી થઇ જાય. જેમ કે, ગયા વખતની શિબિર (ચૌદમી)માં અતિથી લેખક કિશોર પટેલની લઘુકથામાં પાત્રને રીટાયર્ડ કલેકટર દાખવ્યો એટલે અમુક વાતો આપોઆપ સ્પષ્ટ થઇ ગઈ જેમ કે માણસનો મોભો છે (કે હતો). સુત્રધારની જ એક લઘુકથા જુઓ –
"અરે બ્રુટસ ફરી તું? કેટલો પ્રેડીક્ટેબલ છે..".
-અહી શેક્સપીયરના જુલિયસ સીઝરનું પાત્ર બ્રુટસ એક સંકલ્પના છે. નજીકની વ્યક્તિએ કરેલા વિશ્વાસઘાતનું પ્રતિક બ્રુટસ છે. એ જ રીતે ગુજરાતી સાહિત્યથી પરિચિત લોકો માટે 'જયચંદ' પોતાની સાથે એક સંકલ્પના લઈને આવે છે. વિરોધી જુથે મોકલેલો જાસુસ જે આપણી ટુકડીમાં ભળીને બધી ખબર પહોચાડતો હોય છે. સુત્રધારની બીજી એક લઘુકથા –
"હિ વોઝ સો બીઝી રાઈટીંગ ઓન ધ વોલ ધેટ હિ મીસ્સ્ડ વ્હોટ ઈઝ રીટન ઓન ધ વોલ..”
-જાણીતી કહેવત 'રીટન ઓન ધ વોલ' ને ટ્વીસ્ટ કરીને બનાવેલી આ વાર્તા. જો કે કહેવતને બદલીને વાર્તા બનાવવી એવો કોઈ ફોર્મ્યુલા વાપરવો અનુચિત છે. તમારે કઈ કહેવું હોય અને એમાં જો કહેવત કામ આવતી હોય તો લાઝમી. સો વાતની એક વાત શબ્દોને એવી રીતે ફોકસ કરવા કે ઓછામાં ઓછા શબ્દો વાપરીને વધુમાં વધુ અસર ઉપજાવી શકાય (ફાનસ / પડછાયો).
અગાઉ જણાવેલા લઘુકથાને સમજવાના બે અંગમાંથી એક અંગ અહી સમાપ્ત થયું અને સાથે જ સમાપ્ત થયું પ્રથમ સત્ર. સૌએ પોતપોતાના કાબુલીવાલાના ઝોળામાંથી જાતભાતના મેવા (અને ફરસાણ, મિષ્ટાન પણ) કાઢ્યા અને આટલી નૈસર્ગિક જગ્યા બગડે નહી એ કાળજી રાખીને ઝાપટવા માંડ્યા.

બીજું સેશન

સુત્રધારનું છેલ્લી શિબિરમાં એક એબ્સર્ડ (=દુર્બોધ) વિધાન હતું -- "એક ફકરાની નવલકથા પણ હોઈ શકે". એ વળી કઈ રીતે? અને આ વિધાન તો શરૂઆતમાં ઠેરવેલી શબ્દસંખ્યા / પૃષ્ઠસંખ્યાની મર્યાદાથી સાવ વિરોધી છે. આ વિધાનને સુલઝાવો. એ સુલઝાવવા માટે સુત્રધાર તરફથી થોડું:
વારતા કે કળાની શું કોઈ બોડી હોઈ શકે..? એને આકારમાં જકડી શકાય..? આકારથી એને કદાચ ઉપસાવી શકાય પણ જે ઉપસે તેનો પ્રયોજાયેલા આકાર સાથે કોઈ કમિટેડ રિશ્તો નથી રહેતો. બીજા શબ્દોમાં પાંચ મીનીટની ફિલ્મ જો કંટાળાજનક હોય તો તે ૫ મિનિટથી વધુ લાંબી હોવાનો ભ્રમ ઉભો કરી શકે તેમ જ કોઈ ફિલ્મ રસપ્રદ હોય તો સામાન્ય કરતાં વધુ લંબાઈની હોય તો પણ દર્શક ને એની લંબાઈ ન અનુભવાય.
એ પ્રમાણે એક પેરાની વારતા જો દમદાર હોય તો દીર્ઘકથાનો અહેસાસ આપી શકે.
માણસ આજે પ્લેનમાં મુસાફરી કરે છે એ પાછળ કોઈ એક માણસને 'મારે પણ ઉડવું છે' એવો વિચાર આવ્યો હશે એ જવાબદાર છે. મહિમા એ પહેલવહેલા વિચારનો છે. જો 'મને તો બે પગ છે પાંખ નથી'  એમ માનીને વિચારની બારી જ બંધ કરી દીધી હોત તો અહી ન પહોચી શકાયું હોત. એ બારી ખુલ્લી રાખો. અંદરની બધી જ બારીઓ શોધીશોધીને ખોલી નાખો જે જન્મતાં વેંત જ બંધ કરી દેવામાં આવી છે. બાળક જન્મ્યા બાદ મા-બાપ તેની બારીઓ બંધ કરવાનું કામ શરુ કરી દે છે.. બાળક શાળાએ જવા માંડે એટલે બાકીની બારીઓ વાસવાની જવાબદારી શાળા સંભાળે છે.. તેમ છતાં કેટલીક બારી બચી હોય તો કોલેજ પૂરતા પ્રયાસ કરે તે બંધ કરે અને હવે યુવા થયેલ જણને સમાજ, કાર્યસ્થળ રહી ગયેલી બારી વાસી દેવા ટોક્યા કરે છે... આપણી પાસે દરેક સંકલ્પનાની રેડીમેડ વ્યાખ્યા તૈયાર છે. અને એ વ્યાખ્યા જે આપણી પોતાની નથી એ વિશે આપણે એટલા બધા વિશ્વસ્ત છીએ કે આપણે એમાં બંધ ન બેસે તેને જજ કરીએ છીએ, નીંદીએ છીએ. એ આદત છોડીને જીવવા માટે પણ આ બારી ખોલવી જરૂરી છે. આ બધી માન્યતાઓની સાથે જીવવું એ તો ટુકડે ટુકડે મરવા જેવું છે. આવામાં કોઈપણ કલાને શરણે જવું એ એકાદી બારી ખોલવા જેવું છે જેમાંથી તાજો શ્વાસ આવે છે. કળા એ વ્યાખ્યાહીન આયુષ્ય પણ હોઈ શકે એનો પુરાવો છે. એક લેખક હોવાને નાતે આપણી પત્રકાર, રાજકારણી કે પોલીસ જેટલી જ સમાજ પરત્વેની જવાબદારી છે. એ જવાબદારી નિભાવવાની પહેલી શરત એ જીવવું છે અને જીવવા માટે બધી બારીઓ ખોલવી રહી... પ્રેમ કરતા કોઈને શીખવી ન શકાય તેમ વાર્તા લખતા / સમજતા શીખવી ન શકાય. મેળે અનુભવો અને સમજો. એક દિવસ એવો આવવો જોઈએ જ્યારે કોઈ રાજુ પટેલની જરૂર જ ન પડવી જોઈએ.
અર્ધસત્ય ફિલ્મ ૪-૫ પાનાંની વાર્તા હતી એમાં ગોવિંદ નિહલાનીને એંસી પાનાનો સ્ક્રીનપ્લે દેખાયો. એ જ રીતે એક ફકરાની નવલકથા હોઈ શકે. જ્યારે આ સમજ આવશે ત્યારે રાજુ પટેલની જરૂર નહિ રહે. નેશનલ પાર્કના ખુલ્લા ખુલ્લા પરિસરની અસર કહો તો એમ... પણ આજે વા.રે.વા. (વાર્તા રે વાર્તામાં) બારીઓ ખોલવાની અને મુક્તિની વાત થઇ. માટે હે વાચક / હે લેખક પેલો કહેવતમાં આવતો દડો હવે તમારા કોર્ટમાં છે. રમો...
આ સાથે લઘુકથાને સમજવાનું બીજું અંગ સમાપ્ત અને પંદર મહિનાની ટીનેજર શિબિરસુંદરી ઉમ્રના જાણીતા મોડ પર ફરી આવી ઉભી છે. વાર્તાલેખનમાં આવતી સમસ્યાઓ.

સંજય: અત્યાર સુધી હું મનમાં આવે તેમ લખતો. લખાણના વ્યાકરણની કોઈ સમજ વગર જ ત્રીસ ચાલીસ લઘુકથાઓ લખાઈ ગઈ છે. પણ અહિયાં આવ્યા પછી લાગ્યું કે કઈ લખ્યું જ નથી. વાર્તાની શરૂઆત અને અંત લખવા વિશે થોડો પ્રકાશ પાડો ...
સુત્રધાર: એમ જ હોવું જોઈએ. શી જરૂર છે નિયમો જાણવાની જયારે એમ જ લખી શકો છો. શરૂઆત અને અંત વિશે આ પહેલા પણ ચર્ચા થઇ ચુકી છે. એકથી ચૌદ શિબિરના અહેવાલ વાંચી જવા. તેમ છતાં ફરી એક વાર ટૂંકમાં કહું તો, કંઇક સ્ફુરે એટલે વાર્તા લખવાની શરૂઆત થાય. કોઈ ઘટના ઘટી, કે કોઈએ ટોણું માર્યું કે બીજું કઈ પણ અને એમાં એક વાર્તા છે એ સમજાય. ત્યાર બાદ કોઈ વિભાવના પકડીને ન ચાલતાં, જે આવે છે એને એમનું એમ આવવા દઈએ. જેમ કોઈ પ્રેતાત્માને આવવા માટે માધ્યમ જોઈએ તેમ વાર્તાને પણ આપનું માધ્યમ મળ્યું છે એમ માનીને આગળ વધીએ. કોઈ સાહિત્યિક માપદંડ ન રાખીએ. લેખકોએ જ તો શબ્દકોશને સમૃદ્ધ કર્યો છે. વિભાવનાનો ભાર હોય તો એ શક્ય ન બને.
અંત પણ એ પ્રવાહ લઇ આવે. ઝેડ સિક્યુરીટીની જેમ એ પ્રવાહનું ઇન્ટેરોગેશન કરવા બેસીએ તો ન લખાય. કેમ કે એનું પોત જ એટલું નાજુક હોય છે. જેમ કે, પ્રેમિકા મળવા બોલાવે તો તમે એને મળવાનો એજેન્ડા શું છે એમ નહી પૂછો. જો એમ કરશે તો એ મળવાની જ ના પાડી દે.

યામિની: આ પ્રવાહ જ અંત લઇ આવશે એ વાત મારી માટે કઈ રીતે લાગુ પડે? હું તો રહસ્યકથાઓ લખું છું...
સમીરા: [ યામિની ને ] તમે એ વાર્તાના અંતની જેટલી પણ શક્યતાઓ હોય એને પ્રવાહથી આવવા દો અને દરેક લખો. પછી એડીટીંગ વખતે જે શ્રેષ્ઠ હોય એ રાખો. ચેસના ખેલાડીએ જેમ પછીના ત્રણ - ચાર પગલાં વિચારી રાખ્યા હોય અને એ દરેક પછી સામે વાળો કઈ કઈ વળતી ચાલ ચાલી શકે એ પણ વિચાર્યું હોય એમ તમે પણ કરી શકો.
સુત્રધાર: સમીરાનો જવાબ સાચો છે પણ તે માત્ર એક તરકીબ છે. મૂળ સમસ્યાનો અંત નથી. યામિની જે મુદ્દા સાથે પનારો પાડી રહ્યા છે એ જ મુદ્દા સાથે આપણા ગ્રુપના બીજા કેટલાક સભ્યો પણ લડી રહ્યા છે, અલબત્ત અલગ સ્વરૂપે. બિન્ની, રાજુલ અને અન્યો ગઝલ લખતી વખતે આ જ બાબત સાથે પનારો પાડે છે. કેમ કે ગઝલમાં પણ એક ચોક્કસ બંધારણ છે. ગઝલકાર એનાર્કીસ્ટ ન હોઈ શકે. તમે કોઈ દિવસ વિચાર્યું છે કે ફૈઝ, ગાલીબ વગેરે ધુરંધરો આટલી બધી ગઝલો અને એ પણ એકથી એક ચડે એવી આખી જિંદગી કઈ રીતે આપી શક્યા? કેમ કે, તેઓ ગઝલને ગણિતની જેમ જોતા અને એ હદે એનું ગણિત આત્મસાત કરી લીધું હતું કે પહેલા વિચાર આવે એને મીટરમાં મુકવાની બદલે એમને વિચારો જ છંદ અને મીટરમાં જ આવતા. 
બંધારણમાંથી યાંત્રિકતા નીકળી જાય એટલો રીયાઝ જરૂરી. અન્યથા એ અપંગ માટે એવરેસ્ટ આરોહણ જેવી વાત થઇ જશે. તમે, રહસ્યકથાનું જે ગણિત હોય એ આત્મસાત કરી લો. ધેર ઈઝ અ મેથડ ઇન મેડનેસ - એને પીછાણો. અને આમ તો આ રહસ્યકથા પુરતું સીમિત ન રહેતા કોઈ પણ ટૂંકી વાર્તા કે લઘુ કથાને લાગુ પડે જ છે. એક સમયે એવી આદર્શ પરિસ્થિતિ આવશે જ્યારે એ ગણિત વાચકને નહિ સમજાય. એના સુધી લોજીક નહિ પણ મેજિક જ પહોચશે.
કુસુમ: એક વાક્ય, એક વિચાર કે એકાદ ફકરો સુઝ્યો અને એ ગમી પણ ગયો. પણ આ મારો ફકરો એમ કરીને એને સાચવીને રાખી તો ન મુકાય. એની આસપાસ થોડી ગૂંથણી થાય અને એમાંથી કઈ નીપજે તો જ મઝા આવે.
સુત્રધાર: તમને જે સુઝે એ લખી લો. કાગળ પર કે કમ્પ્યુટર પર ગમે ત્યાં. કાગળ ન ફાવતો હોય તો એક નોટબુક વસાવો અને એમાં દરેક નવો આઈડિયા ટપકાવીને રાખો. જયારે સમય મળે કે કંઈ ન સૂઝતું હોય ત્યારે ફરી ફરી આઈડિયા બુક ખોલીને જુઓ. કેમ કે લેખન પ્રક્રિયામાં ઉતાવળ ચાલશે જ નહી. એક ગૃહિણી તો આ વાત ખાસ સમજી શકે. કઢી બનાવવી છે તો પહેલા દહીં જમાવશો પછી આઠ કલાકે જ એ જામશે ત્યારે કઢી બનાવી શકશો. એટલે આમાં રાહ જોવા સિવાય કોઈ છૂટકો નથી. કઢીમાં એ તો ખબર છે કે આઠ કલાકે એ જામશે, અહી એ પણ નક્કી નથી.


બિનીતા: ફ્લેશ ફિક્શન એટલે શું?
સુત્રધાર: આનો જવાબ તો ગંગાસતી આપી ગયા છે -- વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ... અંધારામાં વીજળીનો એક ચમકારો થાય અને એટલામાં ઓળખી જવાય કે આ ભાઈ કે બહેન કોણ છે. એટલા મર્યાદિત શબ્દો છે વાર્તા કહેવા માટે કે જાણે વીજળીને ચમકારે મોતીડા પરોવવાના હોય. માત્ર દસથી બાર શબ્દોમાં આખી વાર્તા આવી જાય.

પરાગ: અમુક તમુક વિચાર આવ્યો. પણ લખતી વખતે એ સાવ બદલાઈ જાય અને કંઈ બીજું જ લખાય અથવા તો એ થી ઊંધું કે કંઈ વિચાર જ ન હોય અને કલમ ઉપાડતા જ જાદુ થાય અને આપોઆપ લખાવા માંડે. શું બધાનો જ આવો અનુભવ છે? અને જે વિચાર આવે એને તરત જ લખી લેવો જરૂરી ખરો?
સુત્રધાર: બધાના અનુભવ જાણવા શક્ય નથી અને જરૂરી પણ નથી. લખી લેવું જરૂરી છે જ કેમ કે... તમે વિચારો જો ભાષા ન હોત તો શું? ભાષા કેટલી વાહિયાત વસ્તુ છે. આપણી સહુલીયત માટે તો પ્રખર કામની પણ જ્યારે તમે એને કળાત્મક અભિવ્યક્તિ માટે વાપરો ત્યારે તકલીફ શરુ થાય છે. લખવું કે અન્ય કોઈ પણ કળા એ પતંગિયાને પકડવા જેવી ક્રીડા છે. પતંગિયાને જોઇને એનું સૌદર્ય અનુભવો એ સારી વાત છે પણ એને પકડવું એ બાલીશ છે. એ કરવા માટે માનવને પુરસ્કાર અપાય એવું નથી. તેમ છતાં આપણે તે કરતા આવ્યા છીએ અને કરવાના જ છીએ. એ જેટલી વફાદારીથી કરી શકાય એ કરવી અને એ માટે તરત લખી લેવું હિતાવહ. આજે આપણી પાસે અન્ય એક વલ્ગર વિકલ્પ પણ છે -- સ્માર્ટ ફોનમાં અવાજ રેકોર્ડ કરી લેવો. વલ્ગર એટલે કે એ આળસને ખભો આપે છે... અંતે તો આપણે લખવાનું છે બાકી ટેકનોલોજીનું તો સ્વાગત જ છે.


આજે સૌના પ્રશ્નો જલ્દી ખૂટી ગયા અને સૌ ગેસ્ટ સ્પીકરની રાહ જોતા હતા. તેઓ આવી રહે એટલી વારમાં રાજુએ બે નાના પણ અગત્યના મુદ્દા વિશે વાત કરી.

મેજિક રીયાલીઝમ

રામાયણ, મહાભારત, પૌરાણિક કથાઓ, હેરી પોટર જેવી ફેન્ટસી કથાઓ, ધ્રુવ ભટ્ટની કુતરાના એન્ગલથી લખાયેલી નવલકથા 'અતરાપી', મધુ રાયની ટૂંકી વાર્તા 'સરલ અને શમ્પા' જેવા અનેક ઉદાહરણો મેજિક રીયાલીઝમ માટે આપી શકાય એમ છે. સરલ અને શમ્પામાં છોકરો અને છોકરી બગીચામાં બાંકડા પર બેઠા બેઠા વાતો કરી રહ્યા છે અને છોકરી ગાયબ થઇ જાય છે. આ વાર્તામાં ‘છોકરીનું ગાયબ થવું’ એ જાદુઈ તત્વનો વાસ્તવિકતા દર્શાવવા કે છુપાવવા માટે ઉપયોગ થયો છે. સંબંધ તૂટવો એ ખુબ કડવી અને લાગણીઓને નીચોવી નાખતી ઘટના છે. એને સામાન્ય રીતે દર્શાવવું કદાચ ખુબ કઠીન અને જીરવી ન શકાય એવું થઇ જાય એ માટે મેજિક રીયાલીઝમનો આશરો લીધો છે. મેજિક રીયાલીઝમ એ માત્ર એક ડીવાઈસ / પ્રયુક્તિ છે વાર્તા કહેવા માટે. અભિમન્યુ સાત કોઠા વીંધવાનું જ્ઞાન ગર્ભમાંથી જ શીખીને આવ્યો હતો. અહી આ અશક્ય જણાતી વાતનો સહારો કદાચ એમ સંદેશ આપવા માટે થયો છે કે ગર્ભવતી સ્ત્રીને ખોરાક, વાતાવરણ વગેરેનું યોગ્ય ધ્યાન રાખવું જોઈએ કારણકે એ દરેક બાબતની શિશુ પર અસર થાય.
 

એટલામાં સમીરા એ  એબ્સ્ટ્રેક / એબ્સર્ડ  શબ્દના અર્થ સાહિત્યના સંદર્ભે પૂછ્યો. એનો ઉત્તર :

૧. કેટલીક વાર્તાઓ માટે કહેવાય છે કે તે બહુ એબ્સ્ટ્રેક કે એબ્સર્ડ છે. એબ્સર્ડનું ગુજરાતી દુર્બોધ. દુર્બોધ એટલે જેનો ખરાબ બોધ હોય એ નહિ પણ જેનો બોધ પામવો દુર્ગમ હોય એવું. મેજિક રીયાલીઝમની જેમ દુર્બોધ વાર્તાઓ પણ એક કથન માટેની ડીવાઈસ છે. સારો લેખક અભિધામાં ભાગ્યે જ લખશે. લક્ષણા કે વ્યંજનામાં એ લખશે અને એ લખાણ બધા જ વાચક માટે સુગમ હોય જ એવું નથી.

૨. કલાનું વાસ્તવ અને વાસ્તવનું વાસ્તવ બે જુદી વસ્તુ છે. આપણી વાત્રકને કાંઠેના બીજા ભાગ વાળી ટાસ્કમાં કોઈએ લખ્યું હતું, "ડગલાંને પૂછી પૂછીને..." આ એક વ્યંજના થઇ કેમ કે ડગલાંને પૂછી ન શકાય. પરંતુ નાયિકાની ભાવસ્થિતિના સંદર્ભે આ સત્ય છે. બીજું ઉદાહરણ, "રીટાયર થતા શિક્ષકે વિદાય લીધી ત્યારે નિશાળની ભીંતો રોઈ પડી" આ એક સાદું ઉદાહરણ છે જે લગભગ સૌને સમજાય છે. પણ ક્યારેક અમુક વ્યંજના કે કલ્પન એવાં જટિલ હોય કે ઘણાંને પહેલી વાર વાંચતા ન સમજાય એટલે એને દુર્બોધનું લેબલ લાગી જાય. તમારી સૂઝ અને દ્રષ્ટિકોણ મુજબ એક જ વસ્તુ સરળ કે જટિલ હોઈ શકે. 'થેલ્મા એન્ડ લ્યુઈસ' ફિલ્મનો એક સંવાદ હતો જે હકારાત્મક રીતે વાપર્યો હતો. એ ડાયલોગને કારણે એક પાત્ર માટે સહાનુભુતિ બંધાતી હતી. થોડા વર્ષો પછી એ જ ડીરેક્ટરની બીજી ફિલ્મ 'જી. આઈ. જેન'માં એ જ ડાયલોગ નકારાત્મક રીતે વપરાયો. તો એ સંવાદ હકારત્મક કે નકારાત્મક...?
બેમાનું કશુજ નહિ. આ વિશ્વમાં કશું જ સારું, ખરાબ કે અશ્લીલ નથી. હોઈ જ ન શકે. કોઈ પણ પદાર્થની ફક્ત ત્રણ સ્થિતિ હોઈ શકે: ઘન, પ્રવાહી અથવા વાયુ. એ સિવાયના બધા વ્યક્તિગત અને ભાવનાત્મક વિશેષણ છે.

સેશન ૩



ઓગસ્ટ મહિનાના ટાસ્કનું મૂલ્યાંકન કોણે કરી આપ્યું હતું એ પરદો ઊંચકાયો સતીષભાઈ વ્યાસના આગમન સાથે. ગૃપમાંના ઘણાં સતીશભાઈને ઓળખતા હતા અને પહેલા પણ મળી ચુક્યા હતા. તેમનો પરિચય આપતા રાજુએ કહ્યું કે, "છાપાઓમાં વિવિધ સાહિત્ય પ્રકાર વિષે એમણે કોલમ લેખન કર્યું છે . ‘શુભમ પ્રકાશન’ના નેજા હેઠળ ૫૦થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે જેમાંના મોટા ભાગના પુસ્તકો વિવિધ પુરષ્કારને પાત્ર ઠર્યા છે. એ સિવાય હાલમાં જ દુરદર્શન માટે એમણે ગુજરાતી ભાષાના જાણીતા લેખકોની વારતાના આધારે ૫૨ હપ્તાની સીરીયલ 'સરકી જાયે પલ' નું નિર્માણ તેમ જ લેખન કર્યું." વિજેતા ટાસ્ક ઉત્તરોના નામ જાહેર કરતા પહેલા તેમણે એક ફાઈલ કાઢી જેમાં બધા જ ઉત્તારોના પ્રિન્ટ આઉટ હતા અને એમાં તેમણે પેનથી ઘણીબધી નોંધ લખી હતી. તેમની ફાઈલ જોઇને લાગતું હતું કે, ઉત્તર લખવા માટે અમ શિબિરાર્થીઓએ જેટલી મહેનત કરી એ થી ક્યાંય વધુ તેમણે મુલવણી માટે કરી હતી. અને તેમણે ખરે જ સુરેશ જોશીના કાવ્યાસ્વાદ માટે બે દિવસ ફાર્બસ ગ્રંથાલય જઈને અભ્યાસ કર્યો હતો. તેમણે ફાઈલમાંના ઉત્તરોમાંથી અમુક રસપ્રદ અવતરણો ટાંક્યા --

ઓડિયોની લીંક

સતીશ વ્યાસના મતે ટાસ્કના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઉત્તરો આ મુજબ --


તેમણે 'કવિનું વસીયતનામું' વિશે કહ્યું કે આમ તો અઘરી કવિતા છે પણ સુરેશ જોશીની સહેલી કવિતાઓમાં ગણાય છે. હરીન્દ્ર દવેએ આ કવિતાનો આસ્વાદ કરાવ્યો છે એમાં પંચચમહાભૂતને લઈને વિસ્તાર કર્યો છે. આપણા ટાસ્ક ઉત્તરોમાના એક - બે પણ આ દિશામાં હતા. ઘણાં બધાએ કાવ્યાસ્વાદમાં થાપ ખાધી છે. પણ જેમણે એ વાત પકડી કે કવિની સંવેદનાઓ એમના મૃત્યુ પછી પણ અમર થઈને રહેશે... તેમનું ક્ષરદેહે મૃત્યુ થાય પણ અક્ષરદેહે તેઓ જીવશે, તે સૌના ઉત્તરો સાચા પડ્યા. ફિલ્મની સમજણમાં કવિતા કરતા ઘણાં સારા જવાબો મળ્યા.

સતીશ વ્યાસે પરિણામ જાહેર કર્યા બાદ સહુના ઉત્તરોમાંથી એમને ઉલ્લેખનીય લાગેલા અવતરણ વાંચી સંભળાવ્યા.. લખનારના નામ લીધા વિના.. જે રસપ્રદ હતા...

વારતાના ગ્રુપમાં કવિતા અને ફિલ્મ વિશેના ટાસ્ક બાબત તેમણે કહ્યું કે, એનાથી આપણી સંવેદનાનો વ્યાપ વધે. અન્ય પ્રકારથી રૂબરૂ થઈએ તો રૂપકો, કલ્પનો વગેરે ટેકનીકલ ડીવાઈસનો વપરાશ કેમ થાય એ સમજણ કેળવાય. સુત્રધારે કહ્યું, "જેમ આપણે ભલે હિંદુ, મુસલમાન વગેરે વગેરે ભલે રહ્યા પણ અંતે તો માણસ છીએ એમ વાર્તાકાર, કવિ વગેરે ભલે રહ્યા પણ અંતે તો કળા સાથે પનારો પાડીએ છીએ". સતીશભાઈએ લેખનકળા માટેનું લાગોસ એગ્રી (Lajos Egri)નું જગવિખ્યાત પુસ્તક 'આર્ટ ઓફ ડ્રામેટીક રાઈટીંગ' વાંચવાની ભલામણ કરી. તેઓ પોતે પણ વાર્તા રે વાર્તા (વા.રે.વા.) જેવી એક શિબિર ‘ટૂંકી વાર્તા સર્જકોની બેઠક’ (TVSB) સાથે દસ વર્ષ જોડાયેલા હતા. ગઈ શિબિર (ચૌદમી)માં કિશોર પટેલે પણ આ વિશે જણાવ્યું હતું. આ બેઠકમાંથી કેટલાક લેખકોના વાર્તાસંગ્રહ પણ આવ્યા. વાર્તા લખવી એ ખુબ જ નિષ્ઠા અને ખંત માગી લે એવું કામ છે. સાતત્ય જળવાવું જ જોઈએ. અલગ અલગ પ્રકારની વાર્તાઓ વાંચો અને એમાં શું ગમ્યું અને શું ન ગમ્યું એ વિશે નોંધ કરો. શરીફા વીજળીવાળાની PhD થીસીસ '૫૦૦ ગુજરાતી વાર્તાઓ' વાંચવા જેવી છે. સાહિત્ય પરિષદના વાર્ષિક નવલિકા ચયન પણ વાંચવા જેવા. જતા સમયે તેમણે સૌને 'વિશ્વસાહિત્યની પ્રસિદ્ધ વાર્તાઓ - 2' પુસ્તક આપ્યું. અહી આવવા બદલ, દરેકના ઉત્તરો આટલી નિષ્ઠાથી વાંચવા અને તેના પર ટીપ્પણી આપવા માટે અને પુસ્તક માટે અમે સહુ આપના ખુબ ખુબ આભારી છીએ. અને હા, તેમણે વા.રે.વા. નો એક વાર્તાસંગ્રહ બહાર પડવાનું પણ વચન આપ્યું છે.
 

આ સાથે ચા-નાસ્તા સાથે શિબિરનું સમાપન થયું. શિબિરના છેલ્લા એક કલાકમાં બે બિન-ગુજરાતી ભાષીઓ આપણી સાથે બેસીને જેટલું સમજાય એટલું સમજવાની કોશિશ કરી રહ્યા હતા. એક રાજુની મિત્ર સુનીતા અને બીજો મારો (તુમુલનો) મિત્ર પોલ. એમને કેટલું સમજાયું એ તો રામ જાણે પણ આપણે સહુ શિબિરની પહેલા હતા એના કરતા શિબિર પછી થોડી વધુ સમજ કેળવીને ઘરે ગયા હોઈશું તો સુત્રધાર, સતીશભાઈ અને સહુ શીબીરર્થીઓની મહેનત લેખે લાગી ગણાશે.


~~ તુમુલ બુચ, વારતા રે વાર્તા ટીમ

#############

10 comments :

  1. ઓહ્હો.... મઝા પડી વાંચવાની.... થેન્ક્સ તુમુલ...

    ReplyDelete
  2. વિસ્તૃત અને સરસ અહેવાલ. તુમુલભાઈ, આભાર અને અભિનંદન!

    ReplyDelete
  3. Wah tumulecious aheval! Keep it up tumul.

    ReplyDelete
  4. હ્હ્હ. હેવાલ વાંયચો ટે એવો મઝો પઈડો... એવો મઝો પઈડો.. કે ઉં તો ઝાણે પાછો નેશનલ પાર્કમાં ગીયો. ટુમુલ ડીકરા, ઝબરું લયખું હો. હ્હ્હ

    ReplyDelete
  5. I love ahevaal..v.nicely written ..
    Kharekhar hve to ahevaal thi j santosh manvo pade che ..

    Khub khub sundar varta ni shibir ane teno ahevaal...

    Ane sathe pic pan awsomw...



    Good job Tumul...

    ReplyDelete
  6. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  7. તમે ૬- ૭ કલાક ની શિબિર કરો, અને અહેવાલ તો ફક્ત ૩૦ જ મીનીટમાં વંચાઈ ગ્યો...તો બાકીના ૬ કલાક ક્યાં ગયા તુમુલ...? શિબિરના ગેરહાજર સભ્યો માટે આ તો બહુત ના ઇન્સાફી હૈ....સુત્રધાર...કુછ કીજીયે...!(આમાય એ જ થીયરી કામ કરતી લાગે છે,કે જે રસપ્રદ હોય..જકડી રાખે એવું..ફિલ્મ કે વાર્તા (કે પછી આહેવાલ..) એનો સમય ખુબ જલ્દી પૂરો થઇ જતો હોય છે...અને ટૂંકી પણ કંટાળાજનક વાત પણ લાંબી લાગવા માંડે છે..ભલે એ ૫ જ મિનીટ ની કેમ ન હોય..)એટલે...ટૂંક માં..આહેવાલ મસ્ત.

    ReplyDelete
  8. દમદાર અહેવાલ ,
    પંદર મહિનાની ટીનેજર શિબિરસુંદરી ઉમ્રના જાણીતા મોડ પર ફરી આવી ઉભી છે.

    ReplyDelete
  9. ભૈ વાહ.. ભાઈશ્રી તુમુલ, આપના લખાણ અંગે કૈક લખું, તો લખાણ ઓછું પડે.. અને અન્યાય લાગે..
    એવું 'ફીલ ગુડ' થયું, જાણે શિબિરમાં પ્રત્યક્ષ હાજરી..
    Powerful illustarion..

    ReplyDelete
  10. તુમુલભાઇ ખૂબ સુંદર અહેવાલ...
    શિબિરમાં હાજર રહ્યાં જેટલો આનંદ થયો...
    ઘણૂં ઘણું જાણવા મળ્યું ઔર વો ભી એકદમ સટીક ભૈયા...

    ReplyDelete