Monday 9 January 2017

જોડીદાર ~~ રાજુલ ભાનુશાલી

મુંબઈથી દર મહિને પ્રકાશિત થતા સામયિક 'શબ્દસેતુ'નાં એપ્રિલ 2016ના અંકમાં  રાજુલ ભાનુશાલીની લઘુકથા 'જોડીદાર' પ્રકાશિત થઈ.

                                               
                                          
                                       ~~ જોડીદાર ~~

લાલિયો ખાઈને ઉભો થયો કે માએ હાંડલામાંથી ઘસી ઘસીને વધેલી ખીચડી થાળીમાં ખાલી કરી અને મા-બાપુ એક જ થાળીમાં જમવા બેઠાં. એ બેય માણસનો સંબંધ પણ ગજબનો હતો. ક્યારેક બે કોળિયા ખાઈને મા કે'તી મારે થઈ ગયું, તમે ખાઈલો ને ક્યારેક બાપુ કે'તા આજે મને ભૂખ નથી તુ ખાઈ લે. તેર વરસનાં લાલિયાને હવે સમજાવા લાગ્યું હતું કે ફક્ત બે ચાર કોળિયામાં ક્યારેક માનું તો ક્યારેક બાપુનું પેટ કેમ ભરાઈ જાય છે!

અને,

લાલિયો બુટ પોલીશ કરતા સીખી ગયો. એ ક્રીમ લગાવતો, પછી બ્રશ ઘસતો, પછી ફટકાથી સાહેબલોકોના બૂટ ચમકાવતો. એને હવે રોડ ક્રોસ કરતાં ડર લાગતો નથી. અંધારાનો ડર લાગતો નથી. પેલા બચુથી પંગો થાય છે ત્યારે એ હવે રડીને ઘરે આવતો નથી.

બાપુ ખુશ છે. મા પણ ખુશ છે. હવે એ બન્નેનું પેટ પાંચ પચ્ચીસ કોળિયા ખાધા પછી જ ભરાય છે.

આજે 'મારો જોડીદાર..' કહીને બાપુએ કાંધથી કાંધ મીલાવી. લાલિયો મુંજાયો. આ 'જોડીદાર' તો ત્યારે ગણાઉં જ્યારે બાપુના સ્લીપર મને થઈ રે'શે. તે દિવસે પેલા સુટબુટ વાળા બાપ દિકરાનાં બૂટ પોલિશ કરેલા ને પછી પહેરતી વખતે બુટ આપસમાં બદલાઈ ગયેલા ત્યારે પેલા સાહેબ આવું કશું જ બોલેલા.
એ સમજવાની મથામણ કરી રહ્યો.

"લા....લુ.. હાલ.." બચુની બૂમ આવી ને લાલિયો બધું પડતું મેલીને ખભા ઉલાળી બહાર દોડી ગયો..!

~~ રાજુલ ભાનુશાલી
                                                   



No comments :

Post a Comment