Monday 9 January 2017

તુફાન મેલ ~~ રાજુલ ભાનુશાલી

'મારી સહેલી'નાં ઉત્સવ વિશેષાંકમાં (ઓક્ટોબર -૨૦૧૬) રાજુલ ભાનુશાલીની વાર્તા  'તુફાન મેલ' પ્રકાશિત થઈ.
                                                         

                                                         ~~ તુફાન મેલ  ~~

ઓહો.. આજે તો 'તુફાન મેલ' આવે છે..!

આ તુફાન મેલ એટલે અમારા એક કૌટુંબિક સગાનો સાત વર્ષનો પુત્રરત્ન. નામ એનું 'દેવ'. આ 'દેવ'નું દિમાગ કઈ ઘડીએ કઈ દિશામાં દોડશે એ તો ફક્ત 'દેવ' જ જાણે. એ આજે શું ઉથલપાથલ મચાવશે એનો વરતારો કોઈ ના કરી શકે.! મને એની અમુક પાછલી મુલાકાતો યાદ આવી ગઈ જ્યારે એ અમારા ઘરે આવેલો . એ સાથે જ યાદ આવ્યું પેલું ફ્લાવર વાઝ જે દિકરી કોલેજની 'IV' માં દિલ્હી ગયેલી ત્યાંથી લઈ આવેલી .બિચારું તુફાન મેલની અડફેટે ચડી ગયેલું! યાદ આવ્યો દિકરાનો એ ચિંતિત ચહેરો જ્યારે પોતાની નોટબૂક માં એણે 'એપલ' અને 'મેન્ગો' ચીતરાયેલાં જોયાં. એક આખું ચેપ્ટર એને મોડે સુધી જાગીને ફરીથી લખવું પડેલું. અને એની ગિટારનાં એ ટુટેલા તાર... ઓહ્હ્હ! ત્યાર બાદ જ્યારે જ્યારે ઘરમાં દેવની પધરામણી થતી ત્યારે ત્યારે એ બન્ને પોતાની રૂમ અંદરથી બંધ કરીને ચુપચાપ ભણવા બેસી જતાં..!

હું એના આગમનની આગોતરી તૈયારીઓ કરવામાં પડી ગઈ અને વિચારવા લાગી કે એને કેમ કરીને 'બીઝી' રાખવો જેથી ઘરમાં ઓછામાં ઓછું નુકસાન થાય.. તોડફોડમાં સ્તો..!

લિવિંગરુમમાં મુકેલા બન્ને કાચના વાઝ બેડરુમમાં કબાટની ઉપર મૂકી દીધાં. બારીઓમાં લટકતું ચકલીઓ વાળું શૉપીસ કપડા સુકવવાની ક્લીપની મદદથી પરદામાં અટકાવી દીધું. એ શોપીસ મહાબળેશ્વરથી ખરીદેલું. હવાની નાની અમથી લ્હેરખી આવે તો ય એ ચકલીઓ મટકવા લગતી અને આખ્ખી બારી થનગની ઉઠતી. મને એ બારીમાં ઉભા રહેવું ખુબ ગમતું. એકવાર ફરી ખાત્રી કરી લીધી કે એનો હાથ હવે ત્યાં સુધી નહીં જ પહોંચે. સૉફાના કુશન તો થોડીવારમાંજ ફુટબૉલ બની જવાના હતાં પણ શું થાય, એને ક્યાં છુપાવું..!
કાલે ગલેફ બદલી કાઢીશ, બીજું શું..!

સ્ટડીટેબલ પર દિકરી હેમલનાં ચોપડા પડ્યાં હતાં એ એના ખાનામાં ગોઠવી દીધાં.
આ જોઈને હેમલ બોલી, "મમ્મી, મારે હમણાંજ નોટ્સ તૈયાર કરવાની છે શામાટે મૂકે છે અંદર?"

"દેવ આવે છે..!" ટુંકો ને ટચ જવાબ.

"ઓહ..! તો લે આ પણ મૂકી દે ઝટ..", એણે હાથમાંની બુક અને પેન. પણ આપી દીધાં. હસીને મેં એ પણ ખાનામાં મૂકી દીધાં. ડ્રેસિંગ ટેબલનાં ખાનામાંથી એણે પોતાની નેઈલપોલીશની બધી જ શીશીઓ કાઢીને વોર્ડરૉબ માં મૂકી દીધી. ગયે વખતે દેવએ ઢોળેલી નેઈલપોલીશનાં ડાઘ હજુ ટેબલ પરથી પુરેપુરા નીકળ્યા નહોતા..!

આગમનની પૂર્વતૈયારીતો પહેલા જ થઈ ચુકેલી..! ચૉકલેટસ, નેચરલ'સ નો સ્ટ્રોબૅરી ફ્લેવરનો આઈસક્રીમ અને દેવને ખૂબ ભાવતી કાજુકતરી હેમલના પપ્પા સવારનાં જ લઈ આવ્યાં હતાં. છેલ્લે જ્યારે એ આવેલો ત્યારે ઘરમાં હતી એ બધી વાનગીઓ ખાવાનો એણે નન્નો ભણી દીધેલો અને કહેલું " આંટી,મને તો હમણાં થેપલાની ભૂખ લાગી છે આઈસક્રીમની નહિં.." આ વાત યાદ આવતાં જ અનાયસ જ હસી પડાયું. થોડાક થેપલા પણ બનાવી લીધાં. આ બધું ખાવા ખવડાવવામાં થોડોક સમય તો પસાર થઈજ જશે.... શાંતિથી હેમલના પપ્પા રસોડામાં આવ્યા. મારી સામે જોયું. એમની આંખોમાંથી ડોકાતો યક્ષ પ્રશ્ન "સબ સલામત ને?" મને સ્પષ્ટ વંચાયો. મેં આંખોથીજ હકારમાં જવાબ વાળ્યો. હેમલ હસી પડી.

ત્યાં જ ડોરબેલ વાગી. અમે ત્રણેય જણાએ એકબીજા સામે જોયુ, અને આવનારા આતંક માટે માનસિક રીતે તૈયાર થઈ ગયા.

દરવાજો ખોલ્યો.
યેલ્લો કલરનાં ટી-શર્ટ અને બ્લૂ જીન્સમાં એ મીઠડો લાગતો હતો.

"આંટી, તે દિવસે અંકલ મારા ઘરે આવ્યાં હતાં ત્યારે તમે સાથે કેમ નહીં આવ્યા?" આવતાવેંત એણે મારી ખબર લઈ નાખી. મેં નમીને એનાં ગાલ પર એક કીસ્સી કરી."નેક્સ્ટ ટાઈમ આવીશ હોં બેટા..", મેં કહ્યું. એ હસી પડ્યો અને જમણા હાથનો અંગુઠો 'થમ્બસ અપ' ની અદામાં ઉંચો કર્યો. "તુ કેમ મમ્મીને ન લાવ્યો સાથે?"
"મમ્મી તો ઓફીસે ગઈ છે.. એને કેવી રીતે લઈ આવું?" એણે સહેજ મોઢું મચકોડીને કહ્યું.
દોડીને એ સોફા પાસે પહોંચ્યો, બધા કુશનને ફાઈટ મારીને નીચે પાડી દીધાં અને પોતે સોફા પર ચડી ગયો.
"દેવ, બેટા બેસી જાતો.. પડી જઈશ..", મિત્ર સમજાવટના સૂરે બોલ્યા.
એ બેઠો.
"અરે, અહીં તો રૅડ કલરનાં વાઝમાં ફ્લાવરસ હતાં ને? ક્યાં ગયાં? પાર્થે તોડી નાખ્યાં?" એણે સેન્ટર ટેબલ તરફ આંગળી ચીંધીને પૂછ્યું.
પાર્થ એટલે મારો ત્રેવીસ વરસનો દિકરો..જે હજુ ગયા મહિને જ હાયર સ્ટડીઝ માટે અબ્રોડ ગયો હતો. એનો રુપાળો, હસમુખો ચહેરો મારી આંખોની તરવરી ઉઠ્યો.
“ હા બેટા, પાર્થે તોડી નાખ્યાં, બહુ મસ્તી કરે છે હોં એ આજકાલ.." હસીને મેં જવાબ આપ્યો.
"એને વઢજો હોં , આંટી. કેવાં ફાઈન ફ્લાવરસ હતાં."
બધાં હસી પડ્યાં.

થોડીક પરિવા રો ના ખબરઅંતરની અને થોડીક બીજી આડીઅવળી વાતો સાથે નાશ્તા,ચા પાણીનો દોર ચાલ્યો. મારું ધ્યાન વાતોમાં ઓછું અને 'દેવ'માં વધારે હતું. થોડોક આઈસક્રીમ ખવાયો બાકીનો સોફા પર ઢોળાયો. બારીની બહાર કૅબલના તાર પર બેઠેલા કબૂતરોને પણ આગ્રહ કરીને કાજુકતરી ખવડાવવામાં આવી. નાનકડાં ચૉકલેટ વાળા હાથ ચુપકેથી સોફાની કિનારી પર લુછાવાની તૈયારીમાં જ હતાં કે, મેં ઝાલી લીધાં..!

"આવ બેટા, આપણે હાથ ધોઈ આવીએ." હું તેડીને એને બેઝીન પાસે લઈ ગઈ. હાથ ધોવડાવ્યાં અને નૅપકીન લંબાવ્યો.
"ઉહુંહું..મારા ઘરે તો હું પિંક નૅપકીનથી જ હાથ લૂછું છું ગ્રીન કલર મને ગમતો નથી." તુફાન મેલ ઉવાચ.

પિંક નેપકીન તો..

"લાવ આંટી તને ઓઢણીથી લૂછી આપે?" ખભા પર લટકતી ઓઢણીનો એક છેડો મેં એની તરફ લંબાવ્યો.
એ હસી પડ્યો. એણે ઓઢણીથી હાથ અને મોઢું લુછ્યાં.

મને પાર્થ નાનો હતો, અદ્દલ આના જેવડો ત્યારના દિવસો સાંભરી આવ્યા.એ પણ દોડીને આવતો અને મારી ઓઢણીથી હાથ મોઢું લુછતો, કદીજ નેપકીન લેતો નહિં અને હું દરેક વખતે એને ટોકતી!

એ થોડોક વધુ મીઠડો લાગ્યો.

બહાર બિઝનસની વાતો ચાલુ હતી. એમાં આ નાનકડા શેતાનની મસ્તીથી ખલેલ ન પડે એટલે એને લઈને હું પાર્થના રુમની બાલ્કનીમાં આવી. એના રુમની બાલ્કની બિલ્ડીંગની પાછળની સાઈડ પડતી. ત્યાં નાનકડો બગીચો હતો. એક પીપળાનું ઝાડ હતું જેની બે ચાર ડાળીઓએ છેક બાલ્કનીની જાળીમાં અંદર સુધી પગપેસારો કરેલો. એના પર કાયમ એક ખિસકોલી દોડાદોડી કરતી. પાર્થને બાલ્કનીમાં બેસવું ખૂબ ગમતું. ત્યાં એક ખુરસી પડી રહેતી, અને મોડે સુધી એ એના પર બેસીને ભણતો.

દેવને મેં એ ખુરસી પર બેસાડ્યો. એના બાલ્કનીમાં આવવાથી જાણે એક દોઢ મહિનાથી નિઃશબ્દ થઈ ગયેલી આ જગ્યા જીવંત થઈ ગઈ!
જાળીમાંથી અંદર સુધી ધસી આવેલી પીપળાની નાનકડી ડાળના કુમળા કુમળા લીલા પાન પર મેં હાથ ફેરવ્યો. દેવ કુતૂહલ થી મને જોઈ રહ્યો.

"તને ગ્રીન કલર કેમ ગમતો નથી? જો આ ટ્રી ના લીવ્ઝ પણ ગ્રીન છે. કેવા બ્યુટિફુલ લાગે છે ને?" મે કહ્યું.
અચાનક એ ફૂલ જેવા ચહેરાનું હાસ્ય વિખરાઈ ગયું. એની બોલકી આંખો જાણે સાવ ખાલીખમ્મ થઈ ગઈ.
હું એ વિલાયેલા ચહેરાને જોઈ રહી.

"શું થયું દિકરા તને?"

અને એણે મંદ સ્વરોમાં જે કહ્યું એ એના ગયાના બે કલાક પછી પણ મારા હ્રદયમાં પડઘાયા કરે છે.

"આંટી, જુઓને આ લીફ કેવા શીવર કરે છે..તમને ખબર છે, એમને ખૂબ ઠંડી લાગે છે ને એટલે..! મને ઠંડી લાગે ને તો મારી મમ્મા મને તરતજ શૉલ ઓઢાડી દે છે. આ બેબી લીફને એની મમ્માલીફ કેમ શૉલ નથી ઓઢાડતી? શું એ પોતાના શોનાબેબીને લવ નથી કરતી? "

બે માસૂમ આંખો પ્રશ્નાર્થ નજરે મને તાકી રહી હતી ઉત્તરની અપેક્ષામાં.

મારી પાસે કોઈ જ ઉત્તર ન હતો.

"મારી બાલ્કનીમાં પણ જે ટ્રી છે ને એના લીવ્ઝ ને પણ ઠંડી લાગે અને એ શીવર કરે.. એમની મમ્મા પણ એમને શૉલ નથી ઓઢાડતી. એટલે જ મને ગ્રીન કલર નથી ગમતો." એ બોલ્યો.

ખુરસી પરથી જમ્પ મારીને નીચે ઉતર્યો અને બહાર જઈને સોફા પર બેસી ગયો.

હું ત્યાંજ ઉભી રહી.
અવાચક.
પીપળાના 'ગ્રીન લીવ્ઝ' ને તાકતી.

~~ રાજુલ ભાનુશાલી

                                                                                   

No comments :

Post a Comment