Monday 9 January 2017

શ્વેતા ~~ રાજુલ ભાનુશાલી

મુંબઈથી દર મહિને પ્રકાશિત થતા સામયિક 'શબ્દ સેતુ'ના માર્ચ ૨૦૧૬ના અંકમાં રાજુલ ભાનુશાલીની લઘુકથા 'શ્વેતા' પ્રકાશિત થઈ.
                                                         


                                                             ~~ શ્વેતા ~~

સહેજ બારણું ખોલીને એણે બહાર ડોકિયું કરી લીધું. કોઈ બારણાંની આડાશે છુપાયું તો નથીને.. કોઈ નહોતું!

હાશ..!

સામેની ગલીમાં તો જવું છે, હમણા પલક ઝપકતાં જ પહોંચી જઈશ. એટલામાં ડરવાનું શું?

જરાય અવાજ ના થાય એ રીતે તે બહાર નીકળી. સાચવીને દરવાજો બંધ કર્યો.
પહેલું પગલું ભર્યું, બીજું.. ત્રીજું..
બસ, વધુ આઠ દસ.. ને, પહોંચી જવાશે.
એણે ઝડપ વધારી.

ધબ્બ..ધબ્બ..ધબ્બ..
બબ્બે દાદરા એકસાથે કુદાવતું કોઈક નીચે ઉતરી આવ્યું.

શ્વેતા ફફડી ઉઠી!
એણે ડોકું ફેરવ્યું. ત્યાં સુધીમાં તો બે હાથ તદ્દન નજદીક આવી ગયા હતાં.

એ બે ડગલા પાછળ ખસી.પણ, ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

હાથ એને આંબી ગયા હતાં, અને એમની મુઠ્ઠીમાંનો ગુલાલ એના અસ્તિત્વ પર ફંગોળાઈ ચૂક્યો હતો.

અને વળતી જ પળે,
શ્વેતા રંગો પહેરીને પતંગિયું બની ગઈ!

~~ રાજુલ




No comments :

Post a Comment