Wednesday 15 November 2017

વારતા શિબિર ૧ (અમદાવાદ) સુનીલ અમીનનું વર્ઝન

અમદાવાદ વારતા શિબિર-૧ : ૧૨ નવેમ્બર ૧૭, સ્ક્રેપયાર્ડ, પાલડી.



કોઈ એક સવારે મારી વોલ પર વાર્તા જેવું કૈક લખી ને પોસ્ટ કર્યું. અપેક્ષાકૃત મિત્રો તો વખાણવાના જ.!!
કૈક બરોબર નથી થઈ રહ્યું એવું લાગેલ.  અને અચાનક મિત્ર રાજુ પટેલ મગજમાં ઝબકી ગયા. થયું લાવ એમને પણ પૂછું,  પ્રામાણિક મત ત્યાંથી જ મળશે એવી ખાતરી હતી એક ફેસબુક ગ્રુપ –‘અપના અડ્ડાની પોસ્ટ હેઠળની કૉમેન્ટ્સના આધારે.
રાજુ એ એક જ શબ્દમાં કોમેન્ટ ઠોકી. "વાંચી". હવે સાલું હું ય અટવાયો કે આ એક શબ્દીય કોમેન્ટને કેવી રીતે લેવી!! ફરી વિનંતી કરી કે થોડા વધુ શબ્દો કહો તો ભલા!! "નબળી,પાંગળી,ભાવુકતા ભરી વારતા” જેવા થોડાક શબ્દોમાં મારી વાર્તા નું આકલન થઈ રહ્યું. ખુબજ સ્વસ્થતાથી રાજુની ટિપ્પણી મેં સ્વીકારી. કારણ  એટલું જ કે એ વાર્તા,મને કશુંક પદ્ધતિસર લખતા આવડે છે કે હું એવું કશુંક લખી શકું ખરો? એ માટેનો ટેસ્ટ હતો મારા માટે.
પછી તો રાજુ એ મને કહ્યું કે જો આપ ને ખરેખર વાર્તાલેખન માં રસ હોય યા એમાં ગંભીરતાથી વિચારતા હોય તો એક ગ્રુપ છે "વારતા રે વારતા", એમાં આવો. હું જોડાયો. ગ્રુપની સાહિત્યિક પ્રવૃતિઓ જોઈને હું ખૂબ પ્રભાવિત થયો. મારો ઉત્સાહ  જોઈને રાજુ એ પૂછ્યું  કે હું આવું અમદાવાદ વારતા  શિબિર કરવા? શુ આપણે અમદાવાદમાં વારતા  શિબિર કરવી જોઈએ?
મેં એટલી જ સહજતા થી રાજુની વાત નો સ્વીકાર કરી લીધો. કદાચ સેકન્ડો માં જ.
ને રસ પડ્યો કહ્યું ચાલો કરીએ -રાજુ એ  કહ્યું –પણ  વારતા શિબિરમાં હું અને તું  બે જણ ના ચાલીએ થોડા વધુ લોકો જોઈએ જેમને સાહિત્ય માં રસ હોય અને એય ગંભીરપણે.
વિવિધ પ્લેટફોર્મ્સ પર નિયમિત વાર્તાલેખન કરતા મારા અંગત મિત્રોને પૂછ્યું કે અમદાવાદમાં વારતા  શિબિર ગોઠવીએ તો કેવું?
જેમને પૂછ્યું બધા સહર્ષ તૈયાર  થયાં. એકાદ કલાકમાં તો પંદરેક મિત્રોનું લિસ્ટ તૈયાર થઈ ગયું.
અને આમ અમદાવાદ વારતા શિબિર-૧નું બીજ રોપાઈ ગયું. કબીર ઠાકોરના સહકારથી એમના સ્ક્રેપયાર્ડમાં.
-આ શિબિરની એક ખાસિયત એ પણ હતી કે શિબિરાર્થીઓ ગુજરાતના વિવિધ ખૂણેથી શિબિરમાં હિસ્સો લેવા અંજાર, સુરત ,દાહોદ વિગેરે દૂરના સ્થળેથી અમદાવાદ આવેલ.!!
ધારેલું એના કરતાં ગંભીર સૂરમાં શિબિરની શરૂઆત થઇ. આ શિબિર શા માટે ? એમાં તમે સહુ શા માટે અને એના સંચાલક તરીકે હું શા માટે ? એ સમજી લઈએ કહી રાજુ એ ફિલોસોફીકલ મુદ્દો મુક્યો કે આ જીવન શા માટે છે ? આપણે શા માટે છીએ ? અહીં કોઈ અમુક ગામનું અને કોઈ તમુક વિસ્તારનું કોઈ અમુક જાતિનું અને કોઈક અમુક ધર્મનું,  કોઈક પુરુષ કે કોઈ સ્ત્રી છે – તે જ કંઈ  છે અને જ્યાંથી પણ છે તે તે જ શા માટે છે ?
ખબર નથી.
આપણે સિમ્પલી હોઈ પડ્યા છીએ. આ જીવનનો ઉદ્દેશ શું છે એ સમજતા અમુક વિદ્વાન થઇ ગયા અમુક ફિલોસોફર અને અમુક કલાકાર થઇ ગયા..
મેં આ મૂળભૂત મુદ્દા ને બહુ સિમ્પલી લીધો છે – આપણો ઉદ્દેશ મઝા કરવાનો જ હોવો જોઈએ. જીવન છે તો મઝા કરો . જીવવા માટેની ભાગદોડ કરવા ઉપરાંત આપણા નિજાનંદ માટે કઈ કરવું એટલે મઝા કરવી. મઝા કરવા માટે વિવિધ નિમિત્ત છે.. કોઈ કળા , કોઈ શોખ કે કોઈ પ્રવૃત્તિ, કોઈ કવિતા લખે કોઈ નાટક અને કોઈ બીજું કઈ.. આપણે વારતા લખી શકીએ, વારતા લખવા માંગીએ છીએ માટે અહીં ભેગા થયા છે.
વારતા માટે એક સમય એવો હતો કે પહેલા ચાંદની અને કુમાર જેવા સામયિકની પણ એક ગરીમા હતી.એક ગૂડવીલ અને એક મોભો હતો. આ એવા સમાયિકો હતા જેમાં કોઈ નવોદિત લેખકની વાર્તા છપાય એ  જે તે  લેખક માટે ગર્વની વાત કહેવાતી. કારણ કે આ બંને સમાયિકોમાં લેખનની ગુણવત્તા જળવાતી. સામે  જવાબદાર તંત્રી પણ જે તે લેખકની ન સ્વીકારાયેલી કૃતિ કેમ નથી સ્વીકારાઈ એના કારણ સહિત એ લેખકને જણાવતા. વારતા મઠારવા સૂચનો- પત્ર વ્યવહાર વગેરે ચાલતું. ચાંદનીના તંત્રી  અશોક હર્ષ આવું કરતા. મુદ્દે એ સમયે લખાણ વધુ બળકટ બને એવી અપેક્ષા રહેતી.

આજે ન એવા સામયિક રહ્યા છે ન એવા કોઈ વરિષ્ઠ વારતાકાર જે નવોદિતોને માર્ગદર્શન આપે. તો નવા વારતાકારે ક્યાં જવું...?  આવી શિબિર દ્વારા એવા નવોદિતો એક બીજા માટે વાચક અને પ્રતિક્રિયા આપનારા બની શકે વત્તા જે કંઈ થોડો ઘણો અનુભવ મને છે તે હું આવી શિબિર દ્વારા આપ સહુ સાથે વહેંચી શકું, આપણે સહુ એક સમાન રસધારીઓ ભેગા થઇ આ કળાનું પરિશીલન કરી શકીએ – એ આ શિબિરનો ઉદ્દેશ અને આ શિબિરના આયોજક તરીકે તમે મને સુત્રધાર કહો એ બહેતર. મને સર કે ગુરુજી કે એવા કોઈ નિરર્થક માનવાચક સંબોધવું જરૂરી નથી.
                                              



પછી વાત થઇ  કે ઈન્ટરનેટ મીડિયાના કારણે વધુ પ્રમાણમાં, ઉભરાતી લેખકીય પ્રતિભા હાનિકારક સ્તરે  પહોંચી છે.સોશિયલ મીડિયા જેમ કે ફેસબૂકમાં કોઈ નવોદિત ગમે એવી વાર્તા લખી નાખે,દોસ્તો વાહવાહી કરવાના જ. અને જે તે નવોદિતને પણ ખુદનું લખાણ પાકટ હોવાનો ભ્રમ થશે. આ સ્થિતિ એક નવોદિતને ભ્રમિત કરી શકે છે.એ વિચારવું રહ્યું.
બીજો મુદ્દોએ રહ્યો કે, વધુ ને વધુ વાર્તાઓ લખવાના ધખારા ને કારણે નવોદિત ગુણવત્તા પર ધ્યાન નથી આપી શકતા અને અંતે વાર્તામાં વેઠ જ ઉતરે છે. આથી પણ બચવું જોઇશે .
નવોદિતે પોતાની લેખકીય ક્ષમતાઓ પિછાણવી જ જોઈએ. લેખકે બધા જ પ્રકારની પ્રતિક્રિયાઓ માટે તૈયાર રહેવું જોઈએ.
ઘણા લેખકો એમ કહે છે કે મને વાર્તા લખવાનો ઉમળકો નથી,મૂડ નથી બનતો. આ વિષય પર સુત્રધારે કહ્યું કે - કારણો નીચે મુજબ હોઈ શકે.
* એક તો આળસ
*મોટિવેશન નો અભાવ
* અને સ્વછંદી વૃત્તિ. મૂળે આપણે આળસુ પ્રાણીઓ. કોઈ ડેડલાઇન ન હોય તો ન લખવા વાળા – આટલું કહી સુત્રધારે વ્રજેશ દવેને પૂછ્યું “ હાલ ટાસ્કમાં તમે નિર્મલ વર્માની અદભુત હિન્દી વારતા વિષે કેટલું સરસ લખ્યું. ટાસ્કના નિમિત્તે જ લખ્યું – કેમ આજ સુધી તમને આ વાત લખીને ક્યાંય – તમારી ફેસબુક વોલ પર મુકવા જેવું ન લાગ્યું..? “ વ્રજેશ દવે પાસે જવાબ ન હતો. વાતનો તંતુ સાધતા સુત્રધારે આગળ કહ્યું કે શિબિરનો એક અન્ય ઉદ્દેશ આ પણ છે.. હોમવર્ક અને ટાસ્કના બહાને આપણે નિયમિત લખતાં થઈએ
વળી કોઈ વાર્તાકાર ઉગવા માગે તો શરૂઆતમા એના દોસ્તો, પછી માતાપિતા અને છેલ્લે સમાજ જ એની વિરુદ્ધ એવું રીએક્ટ કરતો હોય છે કે અલા આ શું વેદિયા વેડા કરવા બેઠો છે. કઈક ઢંગ નું કામ કર.!!
જાણે લખવું એ ભારતીયોને કોઈ કામ જ લાગતું નથી!!
અને  ભારતીય રીએક્શન છેક અંતિમવાદી હોય છે : કયાં તો વાહ વાહ યા તો વાહિયાત કહી  ઉતારી પાડવું ..
                                         


સુત્રધારે એ મુદ્દો પણ ખૂબીથી સમજાવ્યો કે, લખવું એ કોઈ સમાજસેવા કે ધર્મપ્રચાર –એ માટે અલાયદા લોકો છે જ. વારતા એ અહેવાલ નથી વારતામાં બધું ચપોચપ ન હોવું જોઈએ, કલ્પના અને સંભાવના માટે અવકાશ હોવો જોઈએ.
વારતા લખનારે કોઈ પણ ભાવુકતામાં વહી ગયા વિના તટસ્થતાથી આલેખન કરવું જોઈએ એમ કહેતા સુત્રધારે એક પુરાકથાનું ઉદાહરણ આપ્યું.

એક વાર ગોપીઓ જ્યારે દૂધ વેચવા યમુના નદી પાર કરવા ગઈ ત્યારે એમાં પુર આવ્યું હતું.ગોપીઓ મૂંઝાઈ.. દૂધ વેચવું એમના માટે આજીવિકાનું સાધન, ન જવાય એ ન ચાલે. આવા સમયે કૃષ્ણ મદદ કરતાં પરતું એ સમયે કૃષ્ણ કોઈક કારણસર યમુના નદીને પેલે પાર હતા. હવે ? કોઈકે ગામમાં આવેલા કોઈક ઋષિ વિષે કહ્યું કે તે કદાચ કૈંક મદદ કરી શકે. ગોપીઓ ઉમેદ લઇ એ ઋષિ પાસે ગઈ , એ ઋષિ દુર્વાસા હતા એમ જાણ થતાં ગોપીઓ નિરાશ થઇ ગઈ. દુર્વાસા ને તેઓ માત્ર એક ક્રોધી ઋષિ તરીકે ઓળખતા, એ ઋષિ એમણે સહાય કરે એ આશા ન હતી પણ એમની પાસે ગયા બાદ સમસ્યા ન કહવાની હિમ્મત પણ નહોતી.. પાછળથી ખબર પડે કે ખરી સમસ્યા છુપાવેલી તો ક્રોધમાં કેવો ય શ્રાપ આપી દે!! માટે માત્ર એમના ક્રોધથી બચવા અને કોઈ પણ જાતના ઉપાયની આશા વગર ગોપીઓએ યમુના નદીના પુરની ફરિયાદ કરી. આ સાંભળી દુર્વાસા ઋષીએ કહ્યું “ તમે લોકો મુંઝાઓ નહિ, યમુના નદીને જઈ કહો કે “ જો આજ સુધી દુર્વાસા ઋષીએ કોઈ પર ક્રોધ કર્યો હોય તો તું અમને માર્ગ ન આપતી ..” આ સાંભળીને યમુના નદી તમને માર્ગ આપી દેશે . ગોપીઓ આ સાંભળી આશ્ચર્યમાં પડી ગઈ.. પોતાના ક્રોધ માટે વિખ્યાત ઋષિ આ કેવી આણ યમુના નદીને આપવા કહી રહ્યા હતા..! દુર્વાસા ઋષીએ ગોપીના વિમાસણ ભર્યા ચહેરા જોઈ કહ્યું “ તમે મેં કહ્યું એમ કરો . માર્ગ મળી જશે “ ગોપીઓ માત્ર ઔપચારિકતા નિભાવવા યમુના નદીએ ગઈ. દુર્વાસા ઋષિના ક્રોધથી આખું વિશ્વ પરિચિત હતું. જીવન ભર એમણે ક્રોધ સિવાય કશું કર્યું હોય તો તે ગોપીઓ જાણતી નહોતી. પણ દુર્વાસા ઋષિની વાત ન માનવાની હિમ્મત પણ નહોતી –આથી માત્ર કહ્યું કરી નાખીએ એ ભાવથી એ સહુ યમુના નદીએ ગઈ અને કહ્યું કે “ હે યામુના માતા ! જો દુર્વાસા ઋષીએ કોઈ દિવસ  કોઈના પર પણ ક્રોધ કર્યો હોય તો તું અમને માર્ગ ન આપતી “ તરત યમુના નદીએ માર્ગ આપી દીધો. ગોપીઓ આશ્ચર્યમાં પડી ગઈ. પણ રસ્તો બન્યો એટલે આશ્ચર્ય સાથે એ યમુના નડી પાર કરી દૂધ વેચવા બજારે ચાલી ગઈ. સાંજે પાચા વળતાં હજી યમુના નદીના પાણી ઓસર્યા નહોતા. એમને યાદ આવ્યું કે કૃષ્ણ તો આ પાર જ છે.. એમણે કૃષ્ણને મદદ કરવા કહ્યું. કૃષ્ણ બહુ વ્યસ્ત હતાં, એમણે ઉતાવળમાં ગોપીઓને એક ઉપાય આપ્યો : “ યમુના નદીને કહેજો કે જો કૃષ્ણ એ કદી કોઈ જોડે પ્રેમ કર્યો હોય તો અમને માર્ગ ન આપતી “  ફરી ગોપીઓ ચકરાઈ. પ્રેમીઓના પ્રેમી ગણાતા કૃષ્ણ આ શું બોલી રહ્યા હતા..? ગોપીઓ સામે દલીલ કરવા માંડી પણ કૃષ્ણએ કહ્યું “ મારી વાત પર ભરોસો રાખો – તમને માર્ગ મળી જશે . ગોપીઓએ દુર્વાસા વાળું આશ્ચર્ય માંડ પચાવ્યું હતું પણ કૃષ્ણની વાતમાં કઈ ભલીવાર લાગતો નહોતો કેમ કે કૃષ્ણના સ્વભાવના તેઓ સહુ સ્વયં સાક્ષી હતાં. પણ યમુના નદીએ કૃષ્ણના પ્રેમ સંબંધની આણ સાભળતા જ ફરી માર્ગ દઈ દીધો....

વારતા પૂરી  કરી સુત્રધારે કહ્યું – આમ કેમ બન્યું હશે..?  આનો અર્થ એ કે દુર્વાસાનો ક્રોધ કે કૃષ્ણનો પ્રેમ  તટસ્થ હોવા જોઈએ. કમળ જેમ જળમાં હોવા છંતા જળથી અલિપ્ત રહે છે તેમ આ બન્નેનો ક્રોધ કે પ્રેમ દુન્યવી વ્યવહારથી અલિપ્ત હોય તો આવું બને, અને લેખકે એ અલિપ્તતા કેળવવી પડશે પાપ-પુણ્ય કે સારા નરસાં ભાવ પ્રત્યે -ત્યારે એક સ્વસ્થ આલેખનની શક્યતા રહે.



એક બીજી મસ્ત વાત સુત્રધારે એ પણ કરી કે મોટાભાગ વાંચક ને કેવી રીતે વાંચવું એનું પણ પ્રાથમિક જ્ઞાન નથી હોતું.
કોઈ પણ વાર્તા માણવી/સમજવી એ પણ કલા નો એક ભાગ છે.-- મનોમન લગભગ બધાજ શિબિરાર્થી ઓ આ મુદ્દે સહમત થયા.
ત્યાર બાદ વારતા વાંચવાનું નક્કી થયું અને  નીલેશ રૂપાપરાના વારતા સંગ્રહ “આનંદ રોડને પેલે પારમાંથી એક વાર્તા "ગોલ્ડન રુલ"  વાંચવા માટે આશિષ કક્કડને નિમંત્રીત કરવામાં આવ્યા.પોતાના ઘેઘૂર અને ભાવવાહી અવાજ માં આશિષ વાર્તા વાંચી અને અડધી વારતા મુંબઈના નીરજ કંસારાએ  વાંચી, ત્યાર બાદસુત્રધાર  દ્વારા  સવાલ  ફેંકાયો -  આ વાર્તા શું કહે છે ?

અને એ એક જાણવું એક સુખદ પરિસ્થિતિ હતી કે અલગ અલગ સૌ વાંચકો ના માટે કૃતિ નો અર્થ અને પાત્રો ની વિભાવના એકદમ અલગ અલગ હતી!!
શુ આવું પણ હોય શકે!! એક સુખદ નવાઈ રહી.
બે મિત્રો બાબત આ વારતામાં આરતીના સ્વર અને અજાનનો અવાજ જેવા કલ્પનનો જે રીતે ઉપયોગ થયો હતો એના પરથી હિંદુ-મુસ્લિમ આ બે કોમનું આ બે મિત્રો પ્રતિનિધિત્વ કરે છે એ અંગે કોના મનમાં બે મત નહોતા. વારતામાં વણલખ્યો પણ એક એવો ગોલ્ડન રુલ બન્ને મિત્રો પાળે છે કે દુનિયાભરના  વિષયોમાં તેઓ ઉશ્કેરાઈને ચર્ચા કરે પણ એક બીજાના સંતાનોની ટીકા ક્યારેય નહીં કરે.



અને આખરે એક દિવસ આ ગોલ્ડન રુલ તૂટે છે.. ખેર આ તો એ વારતાનો સંક્ષીપ્ત સાર થયો પણ આ વારતાના અલગ અલગ અર્થઘટનો થયા. એમાં છુપાયેલા રાજકીય / સામાજિક ઈશારાઓ ઉકેલવાના આ રુલ શા માટે અને રુલને કારણે શું થયું. ઈત્યાદી વિવિધ કોણથી લગભગ દરકે સભ્ય એ પોતાના પક્ષ મુક્યા અને પાંચ પાનાની આ વારતા પર લગભગ એક કલાક ચર્ચા ચાલી. એકતાને લાગતું હતું  કે હિન્દૂ મુસ્લિમ કોમ્યુનિટીને લગતી વાર્તા લાગે છે.નીલનો જવાબ કઈક અલગ જ હતો તો સંકેત વર્માએ ખૂબ પ્રભાવી રીતે વાર્તાની છણાવટ કરી. એક તબક્કે આશીશ કક્કડે સૂચવ્યું કે તમે સહુ હિંદુ – મુસ્લિમ મિત્ર એવા નિષ્કર્ષ પર અટકીને ન જુ. આ બન્ને મિત્રો હિંદુ જ હોય તો..? એ  રીતે પણ વિચારી જુઓ... મેહુલ મંગુબેન નામના મિત્રને વારતાના અંત સામે સખત વિરોધ હતો.. અરુણ પટેલે કહ્યું કે કદી પણ એક મેકના સંતાનની ટીકા ન કરવાનો ગોલ્ડન રુલ જો ન પાળ્યો હોત અને શરૂઆતથી જ આ બાબતમાં બન્ને મિત્રો વચ્ચે મોકળાશ હોત તો વારતા હાલ જે મુકામે પહોંચે છે એ સ્થિતિ ન આવી હોત. મૂળ વારતાના સંઘર્ષ ઉપરાંત લેખકે મુકેલા નાના નાના નિરીક્ષણ પણ સભ્યો એ પકડ્યા અને માણ્યા. હાજર રહેલા નવોદિત લેખકો માટે આ એક વિરલ અનુભવ હતો કે તેઓ સહુ મળીને એક વારતા પર આટલી ઊંડી સામુહિક ચર્ચા કરી  રહ્યા હતા.. એ જાણવું એક અનોખી પરિસ્થિતિ હતી કે અલગ અલગ સૌ વાંચકો  માટે કૃતિનો અર્થ અને પાત્રોની વિભાવના એકદમ અલગ અલગ હતી!!
લગભગ અઢી વાગવા  આવ્યા હતા પણ સૌ શિબિરમાં એટલા તલ્લીન હતા કે સુત્રધારે જ સૌને હલાવ્યા કે કોઈ બ્રેક રાખવો છે કે કેમ!!

                                                  

ખાણી-પીણીના એક નાનકડા બ્રેક બાદ  પ્રશ્નોત્તરીનો રાઉન્ડ શરુ થયો જેમાં વારતા લેખનને લગતા વિવિધ વિવિધ મુદ્દા પર સહુએ સવાલો પૂછ્યા અને સુત્રધારે જવાબ આપ્યા. આ સેશનમાં આશિષ કક્કડ ની ભૂમિકા બહુ મહત્વની રહી. અમુક પ્રશ્નના જવાબ સુત્રધાર અસ્પષ્ટ અથવા બહુ ટૂંકમાં આપી દેતા પણ એનાથી ગેરસમજ થી શકે એ ખયાલથી આશિષ બહુ મક્કમ સૂરમાં સુત્રધારને કાઉન્ટર કરી પોતાનો મત વિસ્તારથી મૂકી એના પર સુત્રધારને બોલવા ફરજ પાડતાં. એક તબક્કે મજાકમાં સુત્રધારે હળવી ટકોર કરતા આશિષ ને એ પણ કહ્યું કે તમે વિરોધ પક્ષમાં હોવ એવું લાગે છે જેનો આશિષ કક્કડે જવાબ આપ્યો કે ભલે એવું લાગતું પણ આ જરૂરી છે કેમ કે અમુક બાબતો અહીં ના સભ્યો માટે સાવ ન્વીછે અને એને ઝીણવટથી સમજાવવું ખુબ જરૂરી છે. મયુરિકા નો પ્રશ્ન કે જો કવિતામાં ચોક્કસ બંધારણ હોય તો શું વાર્તામાં પણ હોય શકે?  આ પ્રશ્નના ખૂબ જ વિસ્તારથી અને ઊંડાણપૂર્વક ના જવાબ આશિષ અને સૂત્રધારની ચર્ચા દરમિયાન જાણી શકયા. સૂત્રધારનો મુદ્દો એ હતો કે વાર્તાનું કોઈ એક નિશ્ચિત બંધારણ નથી હોતું પણ દરેક વાર્તાનું પોતાનું એક પોત હોય છે,ખુદનું એક બંધારણ... અહીં આશીશે તીવ્ર સ્વરમાં આ મુદ્દો વધુ વિસ્તારથી ચર્ચવા સુત્રધારને ફરજ પાડી  અને એ અર્થમાં આશિષ કક્કડની દરમિયાનગીરી ખૂબ અસરદાર અને ઉપયોગી  રહી. અહેવાલને આ તબક્કે મારી એ શિબિરના સહુ  સભ્યોને વિનંતી છે કે જેમણે પ્રશ્ન પૂછ્યા હતા તેઓ તેમના પ્રશ્ન અને ઉત્તર અહીં પ્રતિક્રિયામાં અથવા સ્વતંત્ર પોસ્ટ તરીકે મુકે.
                                                 


છેલ્લે લાઈવ ટાસ્માં ,બે-બેની જોડી વચ્ચે સંવાદ રચવાનો એક નવીન ટાસ્ક હતો જે મનોરંજક સાથે જ્ઞાનવર્ધક પણ રહ્યો. આ ટાસ્ક માહિતીની લેવડ દેવડનો હતો, બે રાઉન્ડમાં . પહેલા રાઉન્ડમાં માહિતી મેળવનારને ખબર હત કે શું માહિતી મળવાની છે અને બીજા રાઉન્ડમાં નહોતી ખબર. આ રમતના અંતે સુત્રધારે સમજાવ્યું કે લેખક તરીકે તમારે માહિતી આપનાર સર્વજ્ઞ અને માહિતી મેળવનાર અજાણ વ્યક્તિ – એ બન્ને ભૂમિકા એકી સમયે ભજવવાની છે તે સમજી લો માટે આ ટાસ્ક. સંવાદ રચવા સાથે એક્ટિંગ શીખ્યા!! અને આ ટાસ્ક દ્વારા એક પત્ર બીજા પાત્ર સાથે કેવી સંવાદ સાધે છે એ શીખવા મળ્યું.
અને આમ વારતારસમાં તરબોળ થતાં કબીર ઠાકોરના સ્ક્રેપયાર્ડમાં  સાંજના સૂરજનો તડકો રેલાયો અને અમદાવાદની પ્રથમ વારતા શિબિર સમેટાઈ....

અમુક મીત્રો ઘણા દૂર થી આવેલ હતા.છતાંય શિબિરના અંતે સહુના ચહેરા પર શિબિરમાંથી કૈક શીખ્યાની તૃપ્તિ  ચહેરા પર છલકાતી હતી.
અંતમાં અહેવાલ લેખન બાબત એક ચોખવટ – અમુક કાર્યકારી કારણો થી હું સીબીરમાં અમુક તબક્કે હાજર નહોતો , એ હિસ્સાનું મેટર મિત્રોના સહકારથી ઉમેર્યું છે.

-વારતા રે વારતા માટે સુનીલ અમીન દ્વારા.

                                                         




7 comments :

  1. બહુ સુંદર નિરૂપણ... અમવાદશિબિર કઈ જય હો.બીજી વાર થાય ત્યારે જોડાવાની ઈરછા ખરી...

    ReplyDelete
  2. ખૂબ ઝીણવટ ભર્યો સરસ અહેવાલ.

    ReplyDelete
  3. મજા પડી. આશિષભાઈને મળવું રહ્યું ... જોડણીભૂલ પર આવતા અહેવાલથી ધ્યાન આપશો ને ?

    ReplyDelete
  4. આયોજક, શિબિરાર્થી અને અહેવાલલેખનની ત્રેવડી જવાબદારી છતાં સરસ અહેવાલ. શિબિરની સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન 🌻🌻

    ReplyDelete
  5. ભાઈ સુનીલ અમીને અહેવાલમાં શિબિરનો પ્રારંભ કઈ રીતે થયો તે વિગતવાર જણાવ્યું છે. અહેવાલ પરથી અને અન્ય મિત્રોના પ્રતિભાવ થી જણાય છે કે આ શિબિર સફળ રહી છે. આ સફળતાના શ્રેયનો મોટો હિસ્સો ભાઈ સુનીલ અમીનને આપવો ઘટે. જો એમણે રાજુ પટેલ જોડે મગજમારી કરી નાં હોત તો આ શિબિર કદાચ થઇ ના હોત.
    અહેવાલ વિસ્તૃત છે. સરસ. સુનીલભાઈનો આભાર અને એમને અભિનંદન!

    ReplyDelete
  6. સુનીલ,તમારી જ જેમ મારો પણ આ ગ્રુપ સાથે જોડાવાનો અનુભવ એક સરખો છે. ફેસ બુક પર મુકેલી વાર્તાઓની વાહવાહીમાં સાચા રીવ્યુ શોધવાના પ્રયત્નમાં હું અહી આવી પહોંચી હતી.અને આજે કમ સે કમ વાર્તા વાંચતા તો થોડું ઘણું આવડ્યું ! તમારો આહેવાલ વિગતે અને ખુબ સરસ .ગોપીઓ વાળી વાર્તા મેં આજેજ જાણી. અને વાંચતા વાંચતાજ સ્પષ્ટ થયું કે વાર્તાકારે વાર્તા પરત્વે કેવા હોવું ઘટે? એ સાથેજ બ્રેકનો સમય હોવા છતાં શિબિરાર્થીઓ એ કંઈ માગણી ન કરી એ વાંચી ખ્યાલ આવે છે કે શિબિર કેટલી રસાળ હશે! આશિષ ભાઈને મળવું પડશે. વિરોધ પક્ષ મજબુત હોય તો શાસક પક્ષે વધુ સારી કામગીરી બજાવવી પડે....એનું ઉદાહરણ. હવેથી મુંબઈ શિબિરમાં પણ એક વિરોધ પક્ષ ની નિમણુક આવશ્ય.અને હા, જોડણી પરત્વે હવેના આહેવાલમાં જરા વધુ કાળજી રાખશો ને! સમગ્ર શિબિર ટીમને અભિનંદન. શરૂઆત જોરદાર છે તો કુચ કદમ ચાલુ રાખજો.

    ReplyDelete
  7. Lucky Club - Slots, Live Dealers, Table Games - Live
    Lucky Club. Casino. Online Gaming. Play. Live luckyclub Casino. Online Slots. Live Dealers. Live Dealer. Live Dealers. Live Live Casino. Live Dealer.

    ReplyDelete