Thursday 16 November 2017

વારતા શિબિર ૧ (અમદાવાદ) : છાયા ઉપાધ્યાયનું વર્ઝન


અમદાવાદ વારતા શિબિર-૧ : ૧૨ નવેમ્બર ૧૭, સ્ક્રેપયાર્ડ, પાલડી.- [છાયા ઉપાધ્યાય]


વાર્તા શિબિર પછી આ લખવાનું શરુ કરતાં જ પ્રશ્ન થયોઅહેવાલમાં આવું લખાય? કેવું લખાયઅહેવાલ લેખનના વર્ષોના અનુભવ પછી આ પ્રશ્ન ઉઠવાનું કારણ તે શિબિર દરમ્યાન થયેલ ચર્ચા, જેમાં નવલિકા,નવલકથા, સમાચાર અને અહેવાલ સુધીના લેખન પ્રકાર સરખામણી માટે આવી ગયા હતા.

  હું સ્ક્રેપયાર્ડ પહોંચી ત્યારે મેદાન ખાલી. જગ્યા સરસ. નાનકડું ઓપન એર થીએટર અને તેની છત હતી લીમડાની ઘેઘૂર શાખાઓ. વ્રજેશ દવે  આવ્યા ત્યારે પોણા બાર થયા હતા. તેમણે મને નામ દઇને બોલાવી એટલે મને નવાઈ લાગી. તેઓ કઇ રીતે મારા પરિચયમાં   છે તેની માનસિક એફ્બી તપાસ તેમજ કેટલીક સંભાવનાઓમાં મન ગુંથાયુ. કેટલીક મિનિટ પછી રાજુ પટેલ બીજા કેટલાક મિત્રો સાથે આવી પહોંચ્યા.
 પહેલું સેશન પરીચયનું રાખ્યું. અમરેલીથી માંડી ભરુચથી  શિબિરાર્થી આવેલા. મોટાભાગનાને વાર્તા લખવાનુ શીખવું હતું. સહભાગીઓમાં ગઝલકાર, ફિલ્મકાર,પત્રકાર, વાર્તાકાર પણ હતા.સામાન્યત:, શિક્ષણ સંસ્થાઓ સિવાય કળાના ક્ષેત્રે અભ્યાસનું ચલણ આપણે ત્યાં નથી. અભ્યાસ કરવાની આળસને કારણે  આપણે કળાની આવડત માટે પ્રેરણા જેવા ગેબી કારણો નિપજાવી લીધાં છે. તેવામાં આટલા લોકો શિખવા આવે, દુર દુરથી એ ગુર્જરીદેવીને ગદ્ ગદ્ કરી ના દે તો જ નવાઈશિબિરાર્થી તરીકે મારો હેતુ હતો વાર્તા લેખનનો કળા તરીકે અભ્યાસ.
રાજુ પટેલે પહેલા અડધા કલાકમાં ઉપરોક્ત ગેબી  ભ્રમણા દૂર કરવાનું કર્યું. આપણે જે ભૂલી ગયા છીએતે જીવનકળામાં રસ કે અર્થ ભરવાના અને તે રીતે મજા કરવાના ઉપક્રમ તરીકે  કળા અને અહીં વાર્તા છે એમ તેમણે કહ્યું. કુટુંબ -સમાજ કઇ રીતે કળાકારને ખતમ કરવાનુ કામ કરે છે તે વિગતનું પુનરાવર્તન કરીને તેમણે ઉમેર્યું કે તે સંજોગોમાં પ્રોત્સાહન કેટલું જરુરી છેવળી,વાહિયાત લખાણને મળતા  પ્રિન્ટીંગ પ્લેસ અને વાહવાહીના સમયમાં ક્રિટીકલ પ્રોત્સાહન કેટલું જરુરી છે તે વાત તેમણે મુકી. દરમ્યાન, મયુરિકા અને બીજા કેટલાક સહભાગી તરફથીઆપણા ગૃપમાં એ જ તો થાય છેપ્રકારના હોંકારા આવ્યા. મને  “આઉટસાઇડરજેવું લાગી આવ્યું. શિબિરાર્થીઓ એકબીજાને ઓળખતા હતા. મને પણ. કેવી રીતે? શું તેમાં રાજુની દિવાલ કારણ છે  કે કોઈ ભેદી જુથ  કે પછી  મારી જાણ બહાર હું આટલી વિખ્યાત છું? હું ગણીને પાંચ મોટા નામધારીઓને ઓળખતી હતી. “આ બીના પરથી તો એક વાર્તા થાય.” એવો ઉમંગ તે ટાણે ના ઉછળ્યો કેમકે હું સસ્પેન્સ સ્ટોરીના શંકાસ્પદ પાત્ર જેવી બની ગઇ હતી.
   


દરમ્યાનમિત્રો ઉમેરાઇ રહ્યા હતા.
આગળ કયું ચેપ્ટર ભણવું તે માટે બે ઓપ્શન પેશ થયા.)વાર્તા પઠન અને તેનું વિશ્લેષણ ૨)પ્રશ્નોત્તર. કેટલાક બુદ્ધ(મધ્યમ)માર્ગીઓએ કહ્યું, બેય થવા દો. મોટા ભાગના સહેલા લાગતા વિકલ્પ તરફ વળ્યા. છેવટેવાર્તા પઠન અને તેના પર ચર્ચા કરવાનું ઠેરવ્યું. નિલેશ રુપાપરાનીગોલ્ડન રુલ" આશિષ કક્કડ અને મુંબઇથી ખાસ પધારેલા યુવાન મિત્રનીરજ કંસારાએ વારાફરતી વાંચી. વાંચન પછીના ઘડીક સન્નાટા પછી હળવેથી ટિપ્પણીની શરૂઆત થઈ જેણે આગળ જતાં ચર્ચાનું સ્વરુપ પકડ્યું. “મને આમ લાગે છેથી માંડી મેહુલ મંગુબેનના ચોક્કસ શબ્દ માટેના વિરોધ સુધી બાત ગયી. ધર્મના ઝગડાની વાત લગભગ બધાએ નોંધી. અહીં મિત્રો-તેમના દિકરાઓ-ગલ્લાવાળો કોને ઇંગિત કરે છે? મને લાગ્યું કે હિંસાના પડની વાત છે . કેટલાક મિત્રોને લાગ્યું કે માણસમાં સંતાયેલ પશુતા અહી સૂચિત છે. તો કેટલાકે ઉમેર્યું કે રેલો પોતાના તળે આવે ત્યારે વર્તન બદલાય છે. સારા માસ્તરની જેમ રાજુ એ સમેટ્યું, “ કોઇ પણ લેખક ઇચ્છે તે આ ચર્ચા.” વારું, દરમ્યાન મન્ટો અને તેની વાર્તાઓની વાત કેટલીક મિનીટો સુધી આરતીની જેમ પ્રવેશી ગઇ હતીપા પા પગલી કરનારને શિખરના દર્શન કરાવવા જેવી એ ઘટના શિબિરાર્થીના લાભાર્થે ટુંકમાં સમેટી લેવાઇ.
                                               



આ પછી પ્રશ્નોત્તરનો દૌર શરું કરાવાનું ઠેરવાયું. નબળી કે વાર્તા જ ના કહેવાય એવી વારતાઓના સંદર્ભે બે બાબત મારા માટે મગજ ઉઘાડનારી બની.   એક રાજુ પટેલનું વિધાન કેએમનું પણ [ વ્યવસાયિક લેખનનું]  સાહિત્યમાં પ્રદાન છે.” અને સંકેતની રજૂઆત કેચેતન ભગત વાચનારો ક્યારેક જેને સાહિત્ય કહીએ છીએ તે વાંચવા જેટલો ઉચકાશે-પ્રેરિત થશે. સંકેતના આ ફિલરને ખુબ ખુબ વધાવી આશિષ અને રાજુએ પૂરણમાં ઉમેરણ કરી વાત વધુ મીઠી બનાવી. અલબત્, સ્વાદાનુસાર. તેમણે ઉમેર્યું કે સામાન્ય વ્યક્તિ સીધા મધુ રાય કે બક્ષી ના વાંચી શકે પણ  સાદી -સરળલેયર વગરની વાર્તા વાંચી શકેતે અનુભવ પરથી ક્યારેક તે જ વાચક શશ્રેષ્ઠ વાર્તા સુધી  પહોંચે.   પ્રકારની ચર્ચા વચ્ચેનાસ્તામાં શું લઇશું?” જેવા લોકપ્રિય પ્રશ્નને પણ સ્થાન મળ્યુંત્રણ ત્રણ તો ઓપ્શન અપાયા. પણ, આ રસઝરતા વિષયનું ફિડલું આશિષે બે મિનીટમાં વાળી દીધું . તે ફિડલા મુજબનું ગાંઠે બંધાવા સુનિલે કોઇક સ્થળે પ્રયાણ કર્યું અને અહીં ચર્ચા આગળ વધી.
રાજુએ  અગાઉ કહ્યું કે પ્રેરણા જેવું કંઇ હોતું નથી ને પછી ક્વોટ કરે કેપહેલી લીટી હું લખુ છું ને બાકીની વાર્તા પહેલી લીટી લખાવે છે.” પાત્રો લેખક પર હાવી થઇ જાય તે પણ તેમણે કહ્યું. કહ્યું કે વાર્તા લખવુ્ તે પ્રેમ કરવા જેવું છે. તેમની વાતના બે છેડા, ભલે એક જ ફિરકીના હોય, દૂર જણાતાં devil's advocate મેહુલ બોલ્યા કે આ વાત કોન્ટ્રાડિક્ટરી છેબાકીનો સંસ્કારી સમુદાય શિષ્યભાવે ગ્રહણની મુદ્રામાં મૂર્છિત જણાંતાં મેહુલે આવું કહ્યાનો શક સળવળે છે. નાસ્તો આવ્યો અને હું સ્ત્રી સમુદાય સાથે બેસી ત્યારે વાતચીતમાં પેલા રહસ્ય પરથી પડદો ઉંચકાયો કે બધા એકબીજાને અને મને કેમ ઓળખે છેતે પછી હું આ જુથની સભ્ય બની.
                                                 



નાસ્તા દરમ્યાન અટકેલ ચર્ચા મયુરિકાના પ્રશ્ન સાથે આગળ વધી. રાજુના જવાબ એવા હતા જાણે ત્રણ માળ ઊંચે બંધાયેલ મંડપ. છાંયડો આપે, નજીક  લાગે, ડિઝાઇન  દેખાય પણ, છાપ છે કે હાથભરત તે ના કળાય. પ્રશ્ન હતોવાર્તાનું બંધારણ કેવું હોય?. રાજુના જવાબને હાથ વગો કરવા આશિષ મેદાનમાં ઉતર્યા અને માળખાની રુપરેખા આપી. કહી શકાય કે કશુંક tangible -મૂર્ત ચીજ ધરી. તે પછી મારે પ્રશ્ન હતો કેવાર્તામાં ઘટના જોઇએ જ કે તેના વગર ચાલે?” સરુપ ધૃવ તેમજ બીજા કેટલાક વાર્તાકારની ચોક્કસ વાર્તાઓના ઉદાહરણ આપી રાજુ, આશિષ અને નીરજ કંસારાએ   મને બતાવ્યું કે ઘટના વગર કશુંક ઘટીત થતું હોય એવું ય હોય. અગાઉ એક પ્રશ્ન એવો પણ આવેલો કે શું વાર્તામાં લેયર જોઇએ જજવાબ હતો: ફરજીયાત નથી પણ હોય તો તેનાથી વાર્તા વાર્તા બને છેઆને મળતી આવતી વાત રાજુએ નાસ્તા પહેલાના  સેશનમાં કહી હતી : “ દિલ ચીઝ ક્યા હૈ આપ મેરી જાન લીજીએ,બસ ઇક બાર મેરા કહા માન લીજીએમાં શું કહેલું માનવાનું છે  તે નક્કી નથી અને એટલે શ્રોતા-વાચકને તે શેરમાં પોતાનો અર્થ લઇ પ્રવેશવાની જગ્યા ઊભી થાય છે. કલાના પીસમાં ભાવકને પ્રવેશ આપતી સ્પેસ હોવી જોઇએ.                             



આ પછી રાજુએ એક ટાસ્ક કરાવ્યું જે અનુભવ કરાવે કે વાર્તાકારે કેવી ભૂમિકા કરવાની છે. જોડીમાં કામ કરવાનું. જોડીદારે પરસ્પરનો સંબંધ નક્કી કરી જણાવી દેવાનોમકાનમાલિક-ભાડુઆત, સહકર્મી, રાજકારણો-પત્રકાર, બે અજાણ્યા, પાડોશી, સાસુવહુ જેવા સંબંધ નકકી કર્યા. હવે એક વ્યક્તિ ચોક્કસ માહિતી આપનાર અને બીજી વ્યક્તિ તેના પર પ્રતિક્રિયા આપનાર બને.શું માહિતી આપવી અને કઇ પ્રતિક્રિયા આપવી તે પણ જાહેર કરી દેવાયું અને તેનો શીઘ્ર અભિનય પણ રજૂ કરાયો. બીજા ચરણમાં, માહિતી આપનાર અને મેળવનાર છુટા પાડી દેવાયા. માહિતી આપનારે વિચારી રાખવાનું કે પોતે શું માહિતી આપશે. આ માહિતી જુની પણ હોઇ શકે અને નવી-જુદી પણ. આ વખતે માહિતી અગાઉથી જાહેર ના કરાવાઇ. ફરીથી દરેક જોડીએ જુથ સમક્ષ  આવીને અભિનય કર્યો. આ વખતે પ્રતિક્રિયા આપનારને માહિતી ખબર ના હોવાથી સ્ફુરીત પ્રતિક્રિયા આપવાની થઇ. રાજુએ કહ્યુંકે આવી રીતે વાર્તાકારે એક કરતાં વધું પાત્ર બની,તે પાત્રોની પ્રતિક્રિયા -માહિતી જાણવા છતાં અણજાણ રહી લખવાનું છેઆ ટાસ્ક કરવાની બધાને મજા આવી. આમ તો, સમગ્ર શિબિર દરમ્યાન હસાહસ થતી રહી અને ક્યારેક સન્નાટાભરી ક્ષણો ય આવી. પણ, આ ટાસ્કમાં રમુજ અને ગંભીર બાલીશતાનો સમન્વય થયો.
રાજુએ જુદી જુદી રીતે, અવારનવાર સ્પષ્ટ કર્યું કે સારી વાર્તા વાંચવી કેટલી જરુરી છે જો સારા વાર્તાકાર બનવું હોય.
મને લાગ્યું કે આશિષમેહુલ, તેજસ  જેવા મિત્રો આ પ્રકારની શિબિર માટે અનિવાર્ય અનિષ્ટ હોવા ઘટે. શિબિરાર્થીઓના કલ્યાણ અર્થે આવા મિત્રોને ફરજિયાત શિબિરાર્થી બનાવવા.
મને મજા આવી, મજાના મિત્રો સાથે મજેદાર તેમજ જ્ઞાનવર્ધક ચર્ચાના ભાગ બનવાની.

-વારતા રે વારતા વતી છાયા ઉપાધ્યાય.

                                        











6 comments :

  1. છાયા ઉપાધ્યાયનો આ અહેવાલ ઘણો જ વિસ્તૃત અને સર્વગ્રાહી છે. શિબિરમાં હું સદેહે હાજર નહોતો છતાં એવું લાગ્યું કે જાણે મારી ઉપસ્થિતિમાં આ બધું ઘટી રહ્યું છે. એક કારણ એવું પણ હોઈ શકે કે વારતા રે વારતાની મુંબઈ ખાતેની કેટલીક શિબિરમાં મેં હાજરી આપી છે. ખેર, મુદ્દો એ છે કે આ અહેવાલમાં ઝીણી ઝીણી વિગતો અહેવાલકારે સરસ પકડી છે. શિબિરમાં થતી ગતિવિધિની સાથોસાથ એમણે પોતાના માનસિક આંદોલનો પણ નોંધ્યા છે જે અહેવાલને શુષ્ક થતો અટકાવે છે, કોઈ અખબારના સપાટ રીપોર્ટીંગ કરતાં ઉપરના સ્તરે મૂકી દે છે, ટૂંકમાં અહેવાલને જીવંત બનાવે છે.
    અન્ય બેઠકો કરતાં અહીં અભ્યાસક્રમ જુદો હતો એ જાણી આનંદ થયો.
    વાર્તાપઠન માટે પસંદ થયેલી નીલેશ રૂપાપરાની ટૂંકી વાર્તા “ગોલ્ડન રુલ”થી હું અવગત છું. થોડાક અરસા પહેલાં મુંબઈ ખાતેની એક બેઠકમાં આ જ વાર્તાનું લેખકે પોતે પઠન કર્યું હતું. એ પછી ઉપસ્થિત ભાવકોએ સવિસ્તર ચર્ચા પણ કરી હતી. અમારા સહુના સદનસીબે લેખક સદેહે હાજર હતા એટલે ચર્ચામાં અચ્છો રંગ જામ્યો હતો. આ અહેવાલ વાંચ્યા પછી લાગે છે કે અમે જે રીતે વાર્તાની ચર્ચા કરી એના કરતાં અમદાવાદની બેઠકમાં આ વાર્તા સારી રીતે ચર્ચાઈ છે. દાખલા તરીકે બે ધર્મના ઝગડાવાળી વાત અમારી બેઠકમાં ચૂકાઈ ગઈ હતી જેની લેખકે સખેદ નોંધ લીધી હતી. ખેર, આ અહેવાલ પરથી એવું લાગે છે કે અમદાવાદની શિબિરમાં સહુએ એ વાર્તા સરસ પ્રકારે જાણી/માણી/નાણી.
    પ્રશ્નોત્તરી દરમિયાન વાર્તાના સ્વરૂપ અને માવજત વિશેના મૂળભૂત પ્રશ્નો ચર્ચાયા એ ઘણું સારું થયું. અહેવાલ પરથી એકંદરે એવું લાગે છે કે શિબિરાર્થીઓ પ્લસમાં રહ્યા. ઉપસ્થિત શિબીરાર્થીઓની સંખ્યા પરથી લાગે છે કે શિબિરનું આયોજન સફળ રહ્યું હતું.
    અહેવાલ માટે છાયા ઉપાધ્યાયનો આભાર અને એમને અભિનંદન!

    ReplyDelete
  2. છાયાબેન ખૂબ સરસ અહેવાલ. અહેવાલ વાંચી માત્ર એ દિવસ જ નહીં પરંતુ એ દિવસે ગાળેલી ક્ષણે ક્ષણ તાજી થઈ ગઈ. આભાર...

    ReplyDelete
  3. છાયા, ખુબ વિસ્તૃત અને રસાળ આહેવાલ. કિશોરભાઈએ નોંધ્યું તેમ તમારા પોતાના સુક્ષ્મ આંદોલનોની નોંધ આહેવાલને જીવંત બનાવે છે.તમને પડેલી મઝા અમારા સુધી પહોંચાડવા બદલ આભાર.

    ReplyDelete
  4. છાયા, આપનો અહેવાલ વાંચી શિબિર નું દ્રશ્ય ઉપશી આવ્યું.આપનું બારીકાઈ ભર્યું અવલોકન દાદ ને પાત્ર છે.

    ReplyDelete
  5. છાયા, આપનો અહેવાલ વાંચી શિબિર નું દ્રશ્ય ઉપશી આવ્યું.આપનું બારીકાઈ ભર્યું અવલોકન દાદ ને પાત્ર છે.

    ReplyDelete
  6. રસાળ વર્ણન. આ વાંચીને મને અહેવાલ લેખનમાં શું શું કરી શકાય એ વિષે વધુ કેટલાક આઈડીયાઝ આવ્યા. ઈર્ષા અને આભાર. બધું જ આવરી લેવાયું હોવા છતાં ક્યાંય વાચાળ નથી બનતો.

    ReplyDelete