Monday 5 February 2018

અમદાવાદ વારતા શિબિર- ૩= સ્ક્રૅપ યાર્ડ, પાલડી. ૨૮ જાન્યુઆરી = છાયા ઉપાધ્યાય.

અમદાવાદ વારતા  શિબિર- ૩= સ્ક્રૅપ યાર્ડ, પાલડી. ૨૮ જાન્યુઆરી = છાયા ઉપાધ્યાય.
શિબિરના મુદ્દા:

૧) ધૂમકેતુની વારતાનું પઠન : ‘સમર્પણ'- 

એક અસુંદર દેખાતા બાળકનો કેવી રીતે ઘરવટો થઇ જાય છે તેની વેદનાની કથા.
મને લાગ્યું કે સીતાનો ઉલ્લેખ અને વાર્તાનો અંત સૂચક છે. શરુઆતમાં હું વાર્તાના શિર્ષકની યથાર્થતા અંગે સહમત ના હતી. રાજુના કહેવા પ્રમાણે બીજાના સુખની માટે જાન ફના કરવાની હદે જવું એ સમર્પણ ખરું ને ! ‘સામાન્ય'ની સામાન્ય વ્યાખ્યા સિવાયની શારિરીક-માનસિક સ્થિતિ ધરાવતી વ્યક્તિ સાથે સામાન્ય સમાજ સામાન્યરીતે કેવો વ્યવહાર કરે તે અંગે સહભાગીઓ એ વિચાર વ્યક્ત કર્યા.

ધૂમકેતુની આવડત- મૅલોડ્રામેટિક વર્ણન વગર વાચકની સંવેદનાને અંગે તેવું લખાણ, ભૂલાવામા નાખી દેતી સરળતા પણ ચર્ચાના મુદ્દા બન્યા. રાજુએ ધ્યાન દોર્યું કે ઉપેક્ષિત બાળકના માધ્યમથી વિકલાંગ/દિવ્યાંગ જેવા અસ્પૃશ્ય રહેલા મુદ્દાને હાથ પર લેવો તે પણ લેખકની સંવેદના જ છે.


૨) લાઈવ ટાસ્ક : પગલું ૧)તમે જેને સૌથી વધુ નફરત કરતા હો તેવી વ્યક્તિનું નામ પાડ્યા વગર તેની ઓળખ લખો, એકાદ શબ્દમાં. પગલું ૨) નફરતનું કારણ જણાવો. પગલું ૩) દરેકે પોતે જે વ્યક્તિને નફરત કરે છે તે બનવાનું અને બીજા સહભાગી જોડે બસની રાહ જોતા જોતા વાતો કરવાની.

સામાન્ય રીતે બને તેમ, કેટલાક શિબિરાર્થીઓ પાત્રને પહેરી શક્યા, કેટલાક પર તે પહેરણ ખુલ્લું રહ્યું તો કેટલાકને ચઢે નહીં તેટલું સાંકડું પડ્યું. મેહુલ મંગુબેને તે ચકાચક પહેરી બતાવ્યું.

ટાસ્કનો ઉદ્દેશ હતો જેના પ્રત્યે તિરસ્કાર / અણગમો છે તે બની તેનું ખોળિયું જીવી જોવું. કેમ કે લેખક તરીકે તમારે તમારા રચાતા દરેક પાત્રને જીવીને આલેખવાનું છે.

રાજુએ ચિંધ્યા મુજબ : વાર્તાકાર માટે દરેક પાત્ર પાત્ર માત્ર હોવા છતાં વાર્તાકારે એટલું તાદાત્મ્ય એની સાથે કેળવવાનું છે કે તે પાત્ર સાચું લાગે. જેમકે, ફિલ્મોમાં વિલનનું પાત્ર લખાતું હોય ત્યારે લેખકે તેને નફરત નથી કરવાની. પાત્રના સમય અને ભૂગોળ પ્રમાણે ભાષા ઉપરાંત ઢબ-છબ, રીત-ભાત એમ સમગ્રપણે તે પાત્ર વ્યક્ત થાય એવો પરિચય લેખકને પાત્ર સાથે કેળવવો ઘટે. આ મુદ્દે સંશોધન કરવાની જરુર પડે.




પૂનરાવર્તન કરીને રાજુએ અધોરેખિત કર્યું કે વાર્તાકારે પોતાની મા પર બળાત્કાર કરવાનો છે અને બાપનું ખૂન કરવાનું છે, રોજ.  નિલેશ રુપાપરાએ એક ખરાબ માતા વિશે વાર્તા લખી અને ક્યારેય તેમનું લખાણ ના વાંચતા તેમના મમ્મીએ તે વાર્તા વાંચી. વાંચીને નિલેશ સામે જોયું, નિલેશભાઈ તે ક્ષણિક નજરથી દોષભાવનામા આવી ગયા.
રાજુ તંત્ર વિદ્યા શિખવાથી વંચિત રહી ગયા કારણકે તંત્ર ગુરુની પહેલી શરત પાળવાની અક્ષમતા તેઓ ઓળંગી ના શક્યા. તે શરત હતી : માનું કાળજું ખાવું. અને આ વાતનું શિબિરની ચર્ચામાં અનુસંધાન એ કે વારતા વિદ્યા પણ એ જ નિર્લેપતા માંગે છે.

ઉપરોક્ત ઉદાહરણો, જે સામાન્ય વર્તન-વાણીનો હિસ્સો નથી હોતા, તે વાર્તાકાર હોવા માટેના પડકાર ગણો તો પડકાર અને જરુરીયાત કે મજબુરી ગણો તો તે છે, એમ સમજવા માટેના હતા.

મુંબઈ શિબિરમાં આ ટાસ્ક કર્યા પછી પરાગ જ્ઞાનીની પોતાની સોસાયટીના સેક્રેટરી પ્રત્યેની ચીઢ જતી રહી હતી. વાર્તાકાર ના સહી, શિબીરાર્થી હોવાનો આ ફાયદો, વ્યક્તિના સીમાડા વિસ્તરવા લાગે.



૩) બીજા પુરુષમાં લખાણ : શિબીરાર્થીઓમા એમ સમજ તો હતી જ કે છેવટે તો પહેલો-બીજો-ત્રીજો પુરુષ એ લેખકની કલમ કે કી-બૉર્ડ છે. આમ છતાં, તે પ્રત્યેક રીતે લખવાના ફાયદા-ગૅરફાયદા દરેકે રજુ કર્યા. એકે કહ્યું કે પ્રથમ પુરુષમ મનોવ્યાપાર વર્ણવવામાં સારો પડે, ત્રીજા પુરુષ વડે ઘટનાક્રમ, સ્થળકાળ વર્ણવવાની સુગમતા રહે. રાજુએ કહ્યું કે દરેક રીતની ક્ષમતા એ તેની મર્યાદા પણ બને. બીજા પુરુષ અંગે તેમણે કહ્યું કે આમ તો આ પહેલા પુરુષની –‘મારી’ જ વાત છે, બસ અભિવ્યક્તિની રીત જુદી. એકતાએ સૂત્રાત્મક રીતે ત્રણેય પુરુષનું વ્યાકરણ કહી દીધું : હું-તું,તમે,આપણે-તે,તેઓ.
નહિવત્ ખેડાયેલી આ શૈલીમાં કામ કરવાના પડકારને આગામી ટાસ્ક જાહેર કરાયું.




આશિષ કક્કડ, મેહુલ મંગુબેન અને પ્રિયંકાના'અનુભવી' અવલોકનો ચિત્તની મોકળાશ વધારનારા રહ્યા.
એક્તા, ફાલ્ગુની, સંકેત, સુનિલ,દીપક,અને ચેતનની સબળ ભાગીદારીને કારણે જુદી રીતે 'સંખ્યા બંધ' બની રહ્યા, તેની મૌજ.

########

No comments :

Post a Comment