Wednesday 19 October 2016

વારતા શિબિર ૧૬ (મુંબઈ) -- અહેવાલ

વારતા રે વારતા - વાર્તા શિબિર ૧૬ - પ્રફુલ્લ શાહનાં કાંદિવલી સ્થિત નિવાસસ્થાને - ૫ ઓક્ટોબર ૨૦૧૬

અહેવાલની શરૂઆત પહેલાં મારે એક કબૂલાત કરવી છે. હું એક ખાસ પ્રકારનાં વ્યસનમાં ફસાયો છું. અને આ વાત અહીં લખવાનું કારણ એ કે કેટલાક અંશે હું 'વારતા રે વારતા'ને એ માટે દોશી માનું છું. મને રોજ કંઇક સારું વાંચવા જોવે. કોઈ સુંદર વાર્તા, એ ન મળે તો કોઈ મજાનો લેખ, કાંઇ નહીં તો એકાદ સરસ ઇન્ટરવ્યૂ. જો એ ન મળે તો દિવસ અધુરો લાગે. જો દિવસો સુધી ન મળે તો વિથડ્રોઅલ સિમ્પટમ આવવા લાગે. હા, મને (સુ)વાંચનની લત લાગી છે. આઈ હેવ બીકમ અ રીડૉહૉલિક.


સોળમી શિબિરની શરૂઆત જ પૂજા ગર્ગ સિંઘની વાર્તા 'ઝીંદગી ધૂપ તુમ ઘના સાયા'નાં પઠનથી થઇ. રાજુનું પ્રવાહી પઠન અને ભીની ભીની વાર્તા એટલે મારા જેવા બંધાણીને માટે જલસાનો જામ. વાર્તા પૂરી થઇ રહી ત્યારે એમ લાગ્યું આજના દિવસનો સુવાંચનનો ક્વોટા ખતમ. બધાં વાર્તાના મોહપાશમાં કેદ હતા. મને તો શિબિર અહીં જ પુરી થઇ ગઈ હોત તો પણ ચાલત. પરંતુ આવા નાપાક વિચારોને વિકસવાનો મોકો મળે એ પહેલા વાર્તાની ચર્ચા શરુ થઇ. વાર્તાના ઘટના, પાત્રો અને કેન્દ્રીય વિચારવસ્તુ ઉઘાડા પડી જાય એવી ચર્ચા બાકાત રાખતા, વાર્તા વિશે એટલું કહી શકાય કે, વાર્તાને રજૂઆતની કળા કેમ કહેવાય છે એનું ઉત્તમ દ્રષ્ટાંત આ વાર્તા ગણી શકાય. વાર્તાનો મૂળ વિચાર બહુ સામાન્ય છે. ચીલાચાલુ પણ કહી શકાય. પરંતુ રજૂઆતની તાજગી એવી કે રોમેન્ટિક પોત ધરાવતી વાર્તાને, ડીટેક્ટીવ કથાની જેમ પીરસી છે. અને એમાં જ લેખકની સ્માર્ટનેસ રહેલી છે.

વાર્તાની ચર્ચા પૂરી થઇ ત્યાં સુધીમાં રાજુલ અને કુસુમની એન્ટ્રી થઇ. મોડા આવવાની સજારૂપે એમની આ વાર્તા મિસ થઇ ગઈ. રાજુલ ગઈ શિબિરમાં મોડા આવ્યા હતા ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે, આટલી નિયમિતતાથી મોડા આવવું એ તો સુત્રધારના લક્ષણ છે. આવતી શિબિર તમે જ લઇ લો. આ વાતને એમણે એટલી સીરીયસલી લીધી કે આ વખતે એથી પણ વધુ મોડા આવ્યા. અને સરપ્રાઈઝ સરપ્રાઈઝ આ વખતના સુત્રધાર રાજુએ એમને જ બનાવી દીધા. ખૈર, જોક્સ અપાર્ટ. રાજુલ શિબિરના સ્થાપક સભ્યોમાંથી એક છે, એક પણ શિબિરમાં એ ગેરહાજર નથી રહ્યા અને બધા સભ્યોમાં વાર્તાલેખનમાં એમનો અનુભવ ખુબ બહોળો છે. એ ધ્યાનમાં રાખીને આજના સુત્રધાર તેમને બનવા માટે રાજુએ આગ્રહ કર્યો હતો. રાજુલના શબ્દોમાં સુત્રધાર તો રાજુ પટેલ જ પણ આજના વિષયો અને શિબિરની ડીઝાઈન તેઓ તૈયાર કરીને લાવ્યા હતા. બીજું સરપ્રાઈઝ એ કે ગયા મહિનાનું ટાસ્ક પણ રાજુલે જ ડીઝાઇન કર્યું હતું, ભાવક અતિથી - આમંત્રિત સમીક્ષક ગોતવા, ટાસ્ક ઉત્તરદાતાઓના સ્યુડો નામ પાડવા, એ મહાન લેખકોની તસ્વીરો અને એમની માહિતી તૈયાર કરવી વગેરે વગેરે બધાનો શ્રેય રાજુલને જાય છે. ખુબ ખુબ અબિનંદન રાજુલ.

રાજુલનો પહેલો વિષય: વાર્તા ક્યાંથી મળે છે?

આ વિષય ત્યારે આવ્યો કે જ્યારે રાજુએ રાજુલને વાર્તા વિશ્વનાં નવા ક્ષેત્રો ખેડવાનું આહવાન કર્યું. રાજુલની દસ પંદર વાર્તાઓ છપાઈ ચૂકી છે, એથી પણ વધુ તેમણે લખી છે. પરંતુ તેમાંની મોટાભાગની કૌટુંબિક, સામાજિક કે વૈયક્તિક છે. સ્વાભાવિક રીતે શરુની વાર્તાઓ આપણી આસપાસમાંથી જ આવે. પણ ત્યાં રોકાઈ જવું એ આપણી નિયતિ નથી. એક વાર્તાકાર તરીકે વિકસવા માટે અજાણ્યા પ્રદેશોમાં સફર કરવી અત્યાવશ્યક. રાજુલે એ માટે તેમનું વાંચન બદલ્યું છે, શરૂઆત રહસ્યવાદથી કરી. આ આખી કસરતમાં તેમને વાર્તા ક્યાંથી મળે છે એ વિષય સુઝ્યો.

સામાન્ય રીતે જોઈએ તો શરુ શરુની વાર્તાઓ સાહિત્યમાંથી મળે છે. આપણે અત્યાર સુધી જે વાંચ્યું હોય, જે આપણને ગમ્યું હોય એનાથી પ્રેરિત થઇને આપણે લખીએ. જાણતા અજાણતા આપણા પ્રિય લેખકની શૈલી આપણા લખાણમાં ડોકાઈ જાય. ઘણીવાર આપણે ધાર્યું ન હોય તે રીતે આપણું વાંચેલું આપણું લખેલું બની જાય. અલબત્ત એનો અર્થ એમ નહીં કે વાંચવું બંધ કરી દેવું.
વાંચો, વાંચો, વાંચો... આ સલાહ સાચી પરંતુ વાર્તા તો 'લખતા લખતા' જ આવડશે.
સમીરા: જરુરી નથી કે સાહિત્યમાંથી જ વાર્તા મળે. અમુક લેખકો એવા છે કે જેમણે કદી કાંઇ વાંચ્યું જ નથી હોતું કે પછી અભણ હોય છે. માત્ર તેમની અનુભૂતિમાંથી જ લખતા હોય છે.

રાજુ: એવા જૂજ લેખકો હોય છે જેઓ પોતે વાર્તા જીવી રહ્યા છે. તેમની અનુભૂતિ જ એટલી તીવ્ર કે લખ્યા વગર છૂટકો જ ન થાય. કે પછી તેમને કોઈ રાજુ કે સમીરા જઇને કહે કે બોસ્સ તમે લખતા કેમ નથી અને તેઓ લેખક બની જાય. પણ આવા માંડ દસ ટકા હશે. હજુ આવા નેવું ટકા લોકો પડ્યા છે જે જીવતી જાગતી વાર્તા છે પણ લખતા નથી. આ અનુભૂતિનાં લેખકો જૂજ છે. મોટાભાગના લેખકોનો પ્રથમ તબક્કો સાહિત્યમાંથી પ્રેરાઇને લખવાનો જ હોય છે.

સૂત્રધાર (રાજુલ): બીજો તબક્કો છે જીવનમાંથી વાર્તા મળવાનો. એને માટે દ્રષ્ટિ કેળવવી પડે. આપણી આસપાસ આકાર લેતી ઘટનાઓમાં વાર્તાતત્વ દેખાવા લાગે, વ્યક્તિઓમાં પાત્રો ડોકાવા લાગે અને એમાંથી વાર્તા ઉપજે. ભલે, આ રીતે નીપજેલી વાર્તાઓ કદાચ શરુશરૂમાં વધુ પડતી ભાવુકતા / romanticism થી ભરેલી હોય પણ આ તબક્કો આવતો હોય છે અને એ મહત્વનો છે. આ તબક્કે પહોંચવા અને અહીંથી આગળ વધવા માટે જ આપણે દર મહિને આ કાર્યશાળા માટે ભેગા થઈએ છીએ. રેડિયો પર કોઈ ગીત સાંભળીને આપણે ગણગણવા માંડીએ એનો અર્થ એમ નહીં કે આપણે ગાયક બની ગયા. પણ ગાયક બનવાની પ્રોસેસ તો શરુ થઈ જ ગઇ. બીજો તબક્કો આવો જ કઈંક કહી શકાય. કોઈ ઘટના કે વ્યક્તિ પરથી જો કોઈ વાર્તાનો વિચાર આવે તો એને વહેવા દો, નક્કી એમાંથી પાંખો ઉગશે.
અભ્યાસ પુરતો હશે તો તમને આસપાસમાં વાર્તાઓ એવી રીતે દેખાશે જેવી રીતે કોઈ શિલ્પીને ખડકમાં કે વૃક્ષમાં આકાર દેખાય છે.
ત્રીજે તબક્કે વાર્તા આવે છે મનોજગતમાંથી. કોઈ સ્મૃતિ કે સુષુપ્ત પડેલો વિચાર પુનઃ સપાટી પર આવે અને એ વાર્તાનાં સ્વરૂપે આવે. દાખલા તરીકે રાજુલની વાર્તા 'બળતરા'. તેમનાં દાદા ગુજરી ગયા ત્યારે તેમના દેહને બરફની પાટ પર રાખવામાં આવ્યો હતો. ચામડી કાળી પડવા લાગી હતી. એ દ્રશ્ય રાજુલના માનસ પર એવું અંકિત થઈ ગયું કે આજે પણ તાદ્રષ છે. એક વ્યક્તિ જેને જીવતીજાગતી જોઇ હોય તેને આમ જોઈને જે સંવેદના ઝીલાઇ એમાંથી અનેક વર્ષો પછી વાર્તા નીપજી આવી.

તુમુલ: વાર્તા બરફના એંગલથી કેમ લખી ?

રાજુ: રાજુલે જે દ્રશ્ય જોયું એ એમનાથી સહન ન થયુ. આખા દ્રશ્યમાં ઓપરેટીવ ફેક્ટર બરફ હતો જે એમનાં અવચેતનમાં ખૂંચતો હતો. એમાંથી મુક્તિ મેળવવાના પ્રયાસ રૂપે જ વાર્તા પ્રગટ થઈ. કોઇપણ કળાનું આ એક અગત્યનું કાર્ય છે. સુષુપ્ત વિચારોમાંથી મોક્ષ અપાવવો. (અંગ્રેજીમાં જેને catharsis કહેવાય છે)

રાજુલ: વાર્તા બાહ્યજગતમાંથી મળે કે આંતરજગતમાંથી આવે બંનેનું એકમ એક જ છે. જો વાર્તા બહારથી મળે તો એને અવતરવા અંતરજગત મદદ કરે અને જો અંદરથી આવે તો બાહ્યજગત એની વ્હારે ધાય. આ ત્રણ સિવાય ક્યારેક એક ચોથો તબક્કો હોય છે જ્યારે કોઈ એકાદો વિચાર આવી જાય અને એ જ આખી વાર્તાને આકાર આપે. એ વિચાર માત્રથી આપણે લખવા માટે વિહ્વળ થઇ જઈએ અને લખતા લખતા જ પાત્રો, પ્રસંગો આકાર લેતા જાય. આપણે કળી ન શકીએ એ વિચાર ક્યાંથી આવી ગયો.


રાજુ: કોઈ અગમ શક્તિ, રહસ્ય કે સરસ્વતી નથી જે આપણને વાર્તા મોકલે છે. એ એક્સ-ફેક્ટર આપણું અર્ધજાગૃત મન છે. જાગૃત અને અર્ધજાગૃત મનના કાર્યનું વિભાજન આમ તો સ્પષ્ટ છે પણ ક્યારેક અવચેતન મન જાગૃત મનના કાર્યક્ષેત્રમાં દખલઅંદાજ કરતુ હોય છે. અર્ધજાગૃતનું કાર્ય કંઇક આ પ્રમાણે છે -- આપણે સુતા હોઈએ અને છાતી પર હાથ આવી ગયો. જો તરત હાથ ન હટ્યો તો શ્વાસ લેવામાં તકલીફ પડશે. જાગૃત મન સુતું છે પરંતુ અર્ધજાગૃતને ખબર છે કે હવે હાથ હટાવવાનું કામ એણે કરવાનું છે. એની પાસે કોઈ ઇન્દ્રિય કે અંગનો કાબૂ નથી એટલે તે સપનામાં મંદિરના ઘંટની છબી લાવી દેશે જેથી હાથ આપોઆપ ત્યાંથી ખસી જશે. અવચેતનમાં પડેલા વિચારોમાંથી પેદા થતી કલ્પનાઓ અમીબાની જેમ કોઈપણ આકાર લઇ શકે છે. અને આવી કલ્પનાઓનો મબલખ સ્ટોક અવચેતનમાં પડેલો છે. માત્ર લેખન જ નહિ દરેક ક્ષેત્રમાં એ કામમાં આવે છે. નસીબની બલિહારીથી આપણે લેખક છીએ તો લેખનમાં એનો ઉપયોગ કરવો જોઈએ.

રાજુલ: દાખલા તરીકે, ટ્રેનમાં એક બહેનના ચહેરા પર એમના મનમાં ચાલી રહેલી ગડમથલ સ્પષ્ટપણે દેખાતી હતી. એ ચેહરો મનમાં કેદ થઇ ગયો છે અને ક્યારેક કોઈ વાર્તામાં એ ડોકાઈ જઈ શકે છે.

રાજુ: આપણે જ્યારે હવે સોળમી શિબિરમાં છીએ, ત્યારે એક વાત સ્પષ્ટ છે કે લેખન આપણા માટે કોઈ ટાઈમપાસની પ્રવૃત્તિ નથી. માટે જ અત્યાર સુધી જે અવચેતનમાં પડ્યું હતું અને કવચિત આવી જતું તેની બદલે હવે, સભાનપણે કાચો માલ અવચેતન અને જાગૃત મન બંનેને પૂરો પાડીએ. જે અકસ્માતે બની જતું એને સજાગપણે નોંધતા રહીએ. વિવિધ બોલી, શબ્દો, શબ્દપ્રયોગો, તકિયાકલામ, લાક્ષણિકતાઓ, પાત્રો, ઘટનાઓ અને અનુભવોને હરહમેશ ધ્યાનમાં રાખીએ. દુષ્યંત કુમારના પેલા શેરની જેમ, "મૈ જિસે ઓઢતા બિછાતા હું, વહી ગઝલ આપકો સુનાતા હું"

યામિની: રામકૃષ્ણ પરમહંસનું એક વિધાન છે, જે મૂળ તો કોઈ અન્ય સંદર્ભમાં છે છતાં અહિયાં પણ એટલું જ લાગુ પડે છે, "એક પ્રેગ્નન્ટ સ્ત્રી એ ક્યારેય નથી ભૂલતી કે તે પ્રેગ્નન્ટ છે" એ જ રીતે લેખકે પણ એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે તે લેખક છે. એમ નહિ કે લેખક હોવાનો ભાર લઈને ફરવું પરંતુ ઝેહેનમાંથી એ વાત ક્યારેય દુર ન થવી ઘટે. અને ક્યારેક એમાંથી જ વાર્તા 'ડીલીવર' થઇ જશે.

રાજુ: writing professionally અને professional writing -- એ બંનેમાં તફાવત છે. આપણે પ્રોફેશનલ લેખક નથી છતાં લખવાના ધંધાને પ્રોફેશનલી નિભાવવાનો છે. એટલા માટે જ હમેશા સભાન રહેવાનું છે.

રાજુલનો બીજો મુદ્દો - શું આપણને હમેશા લખવા માટે પુશ જોઈએ છીએ?

શું પુશ હોય તો જ આપણે લખી શકીએ છીએ? અહી પુશ એટલે શિબિરનું ટાસ્ક કે એનાં જેવું અન્ય કોઇપણ લેખન કાર્ય જેમાં વિષય કે ડેડલાઇન કે પછી બંને પુર્વનિર્ધારિત હોય. આ પ્રશ્નનાં જવાબમાં તુમુલ, કુસુમ, યામિની અને નેહા (શાહ) દરેકે વધતે ઓછે અંશે પુશની જરૂર છે એમ કહ્યુ. એનાં કારણોમાં આળસથી લઇને વ્યસ્તતા જવાબદાર. આનો અર્થ એ જ કે આપણે હજુ એટલા કાચા છીએ કે પુશ વગર લખવું અઘરું લાગે. આપણે માત્ર નિજાનંદ માટે તો નથી જ લખતા. આપણું લખાણ અન્યો વાંચે એ ઉદ્દેશ જો હોય તો થોડા પ્રોફેશનલ થવું રહ્યું.

મેઘાણી ચાલીસીમાં જ ગુજરી ગયા. વ્યવસાયે પત્રકાર હતા છતાં એમનું અંગત સાહિત્યિક લેખન કેટલું બૃહદ છે એ સર્વવિદિત છે. કેટકેટલા લોકોને તેઓ મળ્યા અને તેમાંથી સૌરાષ્ટ્રની રસધાર આવી. ઉપરાંત અનેક હોલિવૂડની ફિલ્મો જોઇ. એ ગુજરાતી લોકો સુધી પહોચી શકે એ માટે 'પ્રતિભા અને પ્રતિમાઓ' લખી.

મહાશ્વેતા દેવી તો સમાજ સેવિકા હતાં. લાગણીતંત્રને નીચોવી નાખે એવા દારુણ ગરીબીથી પીડાતા, સમાજના શોષિત વર્ગ સાથે આખો દિવસ કામ પાર પડવાનું. એમાંથી બહાર નીકળીને લખવું અને એ પણ બોધાત્મક બન્યા વગર એ કઈ સહેલી વાત નથી. આવા અનેક પ્રખ્યાત લેખકોના ઉદાહરણ આપી શકાય એમ છે.

બિનીતાએ હજુ વાર્તાલેખનમાં ઝંપલાવ્યું જ નથી એટલે એમને આ ચર્ચામાંથી બાકાત રાખીએ. જેમને પુશ હોય તો સારું એથી વિરુદ્ધ સમીરા અને પ્રફુલ્લભાઈ કે જેઓ પુશ હોય તો લખી જ ન શકે. કોઈએ આપેલું ટાસ્ક બંધનકારક લાગે. જો મનમાં ઉગે અને જ્યારે ઉગે તો અને ત્યારે જ લખી શકવું એ પણ એક લેખક તરીકેની કચાશ કહેવાય. પેલી વાર્તાની રાજકુમારી કે જેને સસલું પકડવાનો શોખ હતો. મન થાય ત્યારે જ પકડવા જાય. ન મન થાય તો એક દાસી રાખી હતી તે પકડી લાવે. દાસી સસલું પકડવામાં કુશળ થઇ ગઈ જ્યારે રાજકુમારી કાચી રહી ગઈ. આપણે એ રાજકુમારી નથી.

પહેલા પ્રકારની સમસ્યા અને બીજા પ્રકારની સમસ્યા બંને અંતે તો સમસ્યા જ છે. બંનેનું નિરાકરણ કરવું રહ્યું અને એ માટેનું પહેલું પગથીયું સમસ્યા છે એવો એકરાર કરવો. બંને સમસ્યામાં અંતે તો વાર્તા છે જેણે ગુમાવવાનું આવે છે. તમે કોઈ મિત્ર પાસેથી અઠવાડિયા માટે ઉછીના પૈસા લો. એ ભલો માણસ તમારા પર વિશ્વાસ રાખીને તમને આપી દે. અઠવાડિયું પૂરું થયે તમે ન આપો. પેલાને બિચારાને ત્યારે જ પૈસાની જરૂર પડી. તમે એને કહો કે છ મહિના પછી વ્યાજ સમેત આપી દઈશ અને આપો પણ ખરા. પરંતુ એનો શો ફાયદો? એને જરૂર તો હમણાં છે. હમણાં સ્ફૂરેલી વાર્તા તમારો એ દોસ્ત છે. છ મહિના પછી લખશો તો નહિ ચાલે. A story delayed is a story denied.

રાજુલને આ બંનેમાંથી એકેય સમસ્યા નથી સતાવતી. ટાસ્ક હોય તો જ લખાય એવું એમનું નથી. ટાસ્ક કરતા વધારે તેમણે નીજી લેખન કર્યું છે.

રાજુને તો લખવા બાબતે એટલી બધી સમસ્યાઓ સતાવે છે બધાની સમસ્યાઓ ભેગી મળીને એક પલડામાં નાખો તોયે રાજુનું પલડું ઝુકે. કહેવાનું તાત્પર્ય એ જ કે દરેકને લખવામાં સમસ્યાઓ આવે જ છે. પણ એનો સામનો કરીને નિવેડો લાવવો એ જ પ્રોફેશનલીઝમ છે.

તમારી લખેલી પાંચ વાર્તાઓ ક્યાંથી મળી?

પહેલા મુદ્દાને આગળ વધારતા દરેકને પોતે લખેલી વાર્તાઓ ક્યાંથી મળી એ વિષય પરનું ચર્ચાસત્ર.

નોંધ ૧: હવે પછી ઉલ્લેખાયેલી કેટલીક વાર્તાઓમાની પ્રકાશિત થઇ ચુકેલી છે અને એ આપણા બ્લોગ પર વાંચી શકાશે.

નોંધ ૨: અપ્રકાશિત વાર્તાઓ વિશે વિસ્તારથી લખવાનું ટાળ્યું છે.

તુમુલ: મને મોટભાગે પ્રવાસમાંથી વાર્તા મળે છે. 'કોલંબસ લોકો' એક ટ્રેકિંગના સ્થળેથી પાછા ફરતાં મારી બેગમાંથી વંદો નીકળ્યો તેમાંથી સુઝી. શું એ વંદો જાણીજોઈને બેગમાં બેઠો હશે કે એના પરિવારથી જુદો થઈ જશે કે કોઈ સારી જગ્યાએ વિસ્થાપન ચાહતો હશે? તેની અને ત્રીજા વિશ્વનાં લોકોની વિકસિત દેશોમાં સ્થળાંતર કરવાની ઘેલછા વચ્ચેનાં સમાંતર એક વાર્તારૂપે અવતર્યા.

'સુરત બાંદ્રા ઇન્ટરસીટી' ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે ત્રાસદાયક સહપ્રવાસીઓ અને એમની ગંદી આદતો પરથી સુઝી. એમ લાગ્યું કે આ લોકો માણસ જ નથી પણ કોઈક બીજા જ જીવ છે. તેઓ શું હોઈ શકે એ પ્રશ્નનાં ઉત્તરરૂપે વાર્તા અવતરી.

'ઉડાન' કલકત્તામાં મળેલી એક છોકરીના જીવનમાં બનેલી ઘટનાઓ પરથી છે.

'પરફેક્ટ મેચ' એક મિત્ર જેને કોઈ છોકરી પસંદ જ નથી આવતી, દરેક છોકરીમાં કોઈ ને કોઈ ખામી શોધ્યા કરે છે તેનાં પરથી સુઝી. જો એને પોતાની પસંદગીની કન્યા જાતે ડિઝાઇન કરવા મળે તો શું થાય એ શક્યતામાંથી પ્લોટ બન્યો.

અન્ય એક અપ્રગટ વાર્તા, વિપશ્યનામાં સ્ત્રી પુરુષોને અલગ રહેવાનું હોય છે, વિજાતીય વ્યક્તિની એક ઝલક પણ દસ દિવસ સુધી ન દેખાઈ જાય એનું ધ્યાન રાખવામાં આવે. એવામાં દિવસમાં એક સમય એવો આવતો જ્યારે બગીચામાં ચાલતી વખતે 'પેલી તરફના' શિબિરાર્થિઓ એકબીજાને ઝાડની વચ્ચેથી જોઇ શકતા. એમાંથી બૌદ્ધ લામાઓ વચ્ચેના આકર્ષણની વાર્તા મળી.

પ્રફુલ્લભાઈ: એક વાર્તા અંગ્રેજી નોવેલ પરથી મળી, બીજી શેર માર્કેટમાં ખૂબ નજીકથી જોયેલા એક કૌભાંડ પરથી. અન્ય એક વાર્તા એવા વિચારમાંથી પ્રગટી કે જે માણસ સાવ પથારીવશ છે, કોઈને ઓળખી નથી શકતો એવા માણસને એના જીવનકાર્ય માટે છેટ હવે એવોર્ડ આપીને શો ફાયદો? જ્યારે તેને એવોર્ડ એટલે શું એ સમજાતું હતું ત્યારે આપ્યો હોત તો ... એમાંથી વાર્તા મળી.

સમીરા: રોટલી બનાવતી વખતે આવેલા ભાવમાંથી 'રોટલી' વાર્તા આવી.

અન્ય એક અપ્રગટ વાર્તા, કૉલેજ સમયનાં મિત્રનાં જીવનમાં બનેલી આઘાતજનક ઘટનાઓનાં પ્રત્યાઘાત સ્વરૂપે આવી.

'રસ્તો' વાર્તા રોજ રસ્તામાં એક મંદબુદ્ધિ જેવી બાઈ મળે, તે રોજ એક જ જગ્યાએ બેથી કે ઉભી હોય. એ ત્યાં જ શું કામ રહેતી હશે એ પરથી વાર્તા સ્ફૂરી.

સમીરાને મોનાલિસાનાં પેઇન્ટિંગમાં ખૂબ દિલચસ્પી છે. તેનાં પર રિસર્ચ કરી રહી હતી ત્યારે એક બહેન દેખાયા જે ભાયડાછાપ હતાં. આ બંને વાતો ભેગી થઇને 'ચંપાનો ગજરો'માં આવી.

એક અપ્રકાશિત વાર્તા ફેમિલી ફ્રેન્ડ જે ખૂબ જ સિદ્ધાંતવાદી છે, આજના જમાનામાં ન ચાલે એટલા બધા. અને એ જ કારણે તેમને જીવનસંગીની નથી મળતી. તેમનાં પરત્વે ઉપજેલી સહાનુભૂતિમાંથી વાર્તા બની.

અન્ય એક વાર્તા ખૂબ સમય પહેલાં લખાયેલી અને હમણાં એને ફરી મઠારી છે એ પિરિયડ્સ વિશે જે સુગ અને સંકોચ સમાજમાં પ્રવર્તે છે, એનાં વિશે લખાતું બોલાતું નથી, ખાસ તો એ સમયે આવતા માનસિક પરિવર્તન વિશે છે.

નેહા: કોઈ 5 સ્ટાર હોટેલની પાર્ટીમાં એક દૂરની ઓળખાણનો પુરુષ આવ્યો હતો તે જીગોલો છે એવી અફવા હતી. પાછળથી એ અફવા સાચી છે એ ખબર પડી. આ પરથી વાર્તા લખાઈ.

આફ્રિકા મસાઇમારા ફરવા ગયા ત્યાં એક સ્ત્રીનાં લગ્ન અજાણતાં જ એનાં બાપ જોડે થયા. તેને ઘણી પાછળથી આ વિશે ખબર પડી. આવી ત્યાં વાયકા હતી. કેટલી સાચી એ તો ખબર નહીં પણ વાર્તા માટે વિચારબીજ પુરુ પાડી ગઇ.

નાનપણમાં ગામનાં એક માણસની ઘરમાંથી ઉપેક્ષા થયા કરતી. તેણે ઘર છોડી દીધું. વર્ષો સુધી કોઈ સંપર્ક નહોતો. અંતે એ મર્યો ત્યારે ખબર પડી કે એ એક ટ્રાન્સજેન્ડર હતો અને ઘરવાળાઓની અસ્વીકૃતિને લીધે જ ઘર છોડીને ચાલ્યો ગયો હતો.

ટ્રેનમાં એક યુગલ લોકોને ઉલ્લુ બનાવીને ઠગતું હતુ. પાછળથી ખબર પડી કે એ લોકોનો ધંધો જ એ હતો. અને તેઓ પતિ પત્ની પણ નહોતા. આમાંથી વાર્તાનો કાચો માલ મળી આવ્યો.

યામિની: મંજીરા - મમતાના કવર પર એક ફોટો જોયો અને કાંઇ સ્ફૂર્યું. એ વિચારોને લઈને રાતનાં ઉંઘ જ ન આવે. પરોઢે ઊઠીને એક બેઠકે લખાઈ ગયું. લખવું જ પડયું. અને જે લખાયું તે ‘મંજીરા’ વાર્તા હતી. 'ચહેરો' પણ એક ફોટો જોઈને સુઝી.

બી.એમ. - છાપામાં એક મુંબઇનાં સારા વિસ્તારમાં રહેતા આધેડ વયનાં ભાઈ નકસલવાદીઓને હથિયાર પૂરા પાડવાના ધંધામાં સંડોવાયેલા હતા એ વિશેનો લેખ વાંચ્યો. નવાઈની વાત એ કે તેઓ એકલા જ હતા, પરિવારમાં કોઈ નહીં અને આર્થિક મજબૂરી પણ નહીં કે આ કામ કરવું પડે. તેમ છતાં તે કેમ આવુ કામ કરતા હશે એ પ્રશ્ન જ્યારે સતાવવા લાગ્યો ત્યારે વાર્તા નીપજી.

'એક ડેટ કથા' છાપાંમાં આવતી 'એગની આન્ટ' પ્રકારની કોલમમાંથી મળી.

એક વાર યામિની ફોનમાં ગુજરાતી ટાઈપીંગનું કોઈ એપ્પ નાખીને ચકાસી રહ્યા હતા ત્યારે સટાક શબ્દ લખ્યો અને એમાંથી જ વાર્તા સ્ફૂરી અને દસ મિનીટની અંદર લખાઈ પણ ગઈ. (એ વાર્તાનું નામ સાચું ગેસ્સ કરવા માટે કોઈ પોઈન્ટ્સ નહિ મળે).

અન્ય એક વાર્તા પારુલ કંદર્પ દેસાઈની એક વાર્તા વાંચીને એમને ફોન પર સ્ત્રી-પુરુષ પાત્રોના જુદા પડવાનું કારણ પૂછતાં હતાં એમાંથી મળી આવી.

અન્ય કેટલીક એવી વાર્તાઓ છે જે સપનામાંથી મળી જ્યારે કેટલીક પિન પોઇન્ટ કરી ન શકાય તેવી.

કુસુમ: કોમ્પુય્ટર પર કંઇક કામ કરવામાં મશગુલ હતી અને સામે પડેલા ખાખરા હવાઈ ગયા હતા, એને મોમાં મુક્યો અને એમાંથી વાર્તા જન્મી 'હવાયેલા ખાખરા'. તેમણે ત્યારે ને ત્યારે એ ટાઈપ કરીને મિત્રને મોકલી દીધી. બદનસીબે હવે એ વાર્તા જડતી નથી.

'માવઠું' રુદાલીના એક સીનમાં ડીમ્પલ કાપડિયાની ક્લીવેજ દેખાય છે તેમાંથી આવી. શૃંગાર કથા લખવાની હતી અને એ ક્યાંથી લખવી એની શોધ ચાલુ હતી ત્યારે જ ટીવી પર રુદાલીનો આ સીન આવ્યો અને મળી ગઈ વાર્તા.

એક વાર્તા ભાવેશ શાહ 'શહેરી'ની ગઝલના એક અતિપ્રિય શેર પરથી લખાઈ.

સ્ત્રી શોષણ પર કંઇક લખવું હતું તે ગડમથલમાં જો રેડ લાઈટ એરિયામાં કામ કરતી સ્ત્રીને સંતાન અવતરે તો શું, એ વિચારમાંથી એક અપ્રગટ વાર્તા લખાઈ છે.

રાજારાણી વાળા ટાસ્ક માટે લેપટોપ મગજમાં હતું જ એમાં દીકરી સાથેની ચર્ચાએ ટાઈમટ્રાવેલ ઉમેરાવ્યું. હીર લૈલા વાળા ટાસ્કમાં અંત કંઇક વિચિત્ર જોઈતો હતો. તે અંત ધ્યાનમાં રાખીને આખી વાર્તા ગુંથી.



રાજુલ: 'બળતરા' અગાઉ વાત થઇ તેમ દાદાજીનાં અંતિમ દર્શનથી મળી.

'બટકી ગયેલું અંધારું' છવ્વીસ જુલાઈ ૨૦૦પના મુંબઈમાં આવેલા પુર વખતની સાચી ઘટના પરથી રચાઈ છે. રાજુલે એક વૃદ્ધ સ્ત્રીને જમવાનું આપ્યું અને તેમણે ના પાડીને હાથને સ્પર્શ કર્યો. બસ, એ ક્ષણે, એ સ્પર્શથી વાર્તા ગર્ભસ્થ થઇ.

'પરસ્પર્શ' સેક્સપર્ટ કોલમમાં પુછાયેલા એક પ્રશ્નના ઉત્તરમાંથી મળી. વાર્તાઓ આજુબાજુ પડી જ હોય છે. એને પરખવા નજર કેળવવી પડે.

સમીરા: 'બેઝુબાન' વાર્તા તેમની પેટ શોપમાં આવતા લોકો પોતાના પેટ્સ માટે બાળકો કરતા પણ વધુ કાળજી રાખે, તેમને પીવડાવે એ પાણી ફીલ્ટર્ડ છે એ હદ સુધી ધ્યાન રાખે. એ પરથી વાર્તા સુઝી. એ વાર્તા લખ્યે ઘણો સમય થઇ ગયો. હવે આજે જ્યારે ફરી વાંચે તો એમને પોતાની વેવલામાં વેવલી વાર્તા લાગે. એવું કેમ?

રાજુ: જો આપણને સૌને આપની જૂની વાર્તાઓ વાંચીને સમીરાને જેવું લાગે છે તેવું ન લાગે તો કઈ પ્રોબ્લેમ છે. તો માનવું કે વિકાસ નથી થયો.

રાજુને વાર્તા મળવાના બે સ્ટેજ હતા. પહેલા પહેલા તેઓ વાર્તા પણ કવિતાની જેમ લખતા. એકદમ રોયલી. જયારે અને જેવી સ્ફુરે ત્યારે જ લખે. પછી એવો તબક્કો આવ્યો જ્યારે તેમણે ખુબ વાર્તાઓ વાંચવાનું શરુ કર્યું. તેમને પોતાને જે વાંચવામાં ગમે, ગમતી વાર્તામાં જે તત્વ આવે એ પોતે લખેલી વાર્તામાં પણ આવવું જ જોઈએ. એ તત્વ છે અનપેક્ષિતપણું. કઈ અપેક્ષિતની સામે કઈ અનપેક્ષિત મુકો તો શું થાય એ રમતમાંથી વાર્તાના વિષયો આવતા ગયા.
તમારી પ્રિય વાર્તા વિષે વિચારો. એ શા મતે ગમે છે? બસ, એ ગમાડનારું તત્વ તમારી વાર્તામાં પણ હોવું જોઈએ, આવવું જોઈએ.
રાજુની ટીપ્પણી: આ પાંચ વાર્તા ક્યાંથી મળી એ આખી કસરતમાં બધા થોડા વહી ગયા. આઠ જણાની પાંચ પાંચ વાર્તા ક્યાંથી મળી એમ કુલ ચાલીસ વાર્તા ક્યાંથી મળી એ બધાને જાણવા મળે એ જ આ ચર્ચાનો હેતુ હતો. એની જગ્યાએ બધાએ વાર્તાની આગળ પાછળની વાર્તા અને વાર્તામાં શું થાય છે એ પણ ખુબ વિગતવાર જણાવ્યું. ખેર, હોતા હૈ. બધું અતિ પરફેક્ટ જાય તો મઝા જ શું?

આ ટીપ્પણીને ધ્યાનમાં લઈને મેં અમુક બિનજરૂરી વિગતો મારા વિવેક મુજબ અહેવાલમાંથી બાકાત રાખી છે. રાજુલ હજુ બીજા બે-ત્રણ મુદ્દા ચર્ચા માટે લઇ આવ્યા હતા. એ પણ આ લાંબી ચર્ચાને લઈને ન રજુ થઇ શક્યાં.

પ્રશ્નોત્તરી

‘વાર્તાલેખનમાં પજવતા પ્રશ્નો’ એ આપણો એવરગ્રીન વિષય છે. જો કે આ વખતે એને માટે અલાયદુ સત્ર નહોતું ફાળવાયું પરંતુ વચ્ચે વચ્ચે જે પ્રશ્નો સામે આવ્યા એને અહી અંતમાં ભેગા મુક્યા છે.

પ્રફુલ્લભાઈ: મારે જે લખવું છે તે નથી લખાતું પણ કંઇક બીજું જ લખાઈ જાય છે.

રાજુ: બરાબર છે. ન જ લખાય. રામાયણમાં રામ અને રાવણની ભૂમિકા સ્પષ્ટ છે પણ આપણા માનસમાં વસતા રામ અને રાવણની ભૂમિકા આપણે જ નક્કી કરીએ છીએ. આપણે કયા પરિબળથી વધુ નજીક છીએ એના પર નિર્ભર છે કે જ્યારે અંદરનું રામાયણ યુદ્ધ થશે એમાં કોણ જીતશે.

પ્રફુલ્લભાઈનો બીજો પ્રશ્ન: લોકોને સમજાય એવું લખવું કે ન સમજાય એવું લખવું? અને લખેલું લોકોને સમજાશે કે નહિ એ કેમ ખબર પડે.

રાજુ: 'ખળે ખબરું પડે' એવી એક કહેવત છે. તમે લખો અને લોકોને વંચાવો એમાંથી જ ખબર પડશે. પણ એમાં તમારી એક ભૂલ છે. શિબિરમાં તમે ક્યારેક જ આવો છો, ટાસ્ક ક્યારેય કરતા નથી, બીજાના ટાસ્ક પર ટીપ્પણી પણ કરતા નથી. જો તમે પોસ્ટ કરેલું અન્યો વાંચે એમ ઇચ્છતા હો તો અન્યો પણ એ જ અપેક્ષા રાખતા હોય ને!?

કુસુમ: એકવાર વાર્તા સુઝી પછી તેને કેમ રજુ કરવી અને એને કેટલી શણગારવી એની માટેની કોઈ ગાઈડલાઈન ખરી? નાટકની સ્ક્રીપ્ટમાં પ્રીમાઈસ, કોન્ફ્લીક્ટ, ક્લાઈમેક્સ એમ ચોક્કસ બંધારણ હોય. એમ આદર્શ વાર્તા માટે કોઈ ફોર્મ્યુલા કે બંધારણ ખરું?

રાજુ: રજૂઆત બાબતે -- ખય્યામ અને જયદેવ આ બે એવા સંગીતકાર છે જેમના ગીતોમાં જરૂર વગર જરાયે સંગીત નહિ મળે. તેઓ પોતાના ગીતો બિનજરૂરી સંગીતથી ક્યારેય ભરી નહોતા કાઢતા. તેઓ પહેલા ગીતકારે લખેલા શબ્દો વાંચતા. એ દરેક કાવ્ય પોતાની સાથે જે કુદરતી લય-ધૂન લઇ આવતું એને જ સંગીતબદ્ધ કરતા. તેમના ગીતો ભરચક ભરચક ક્યારેય નહોતા. જાણે સંગીત શબ્દો સાથે વાત કરતુ હોય કે કહો તમને અહિયાં શું જોઈએ તબલા? અને અહી વાયોલીન? એટલું તાદાત્મ્ય. આપણે આપણી કૃતિ સાથે એમ જ વ્યવહાર કરવો જોઈએ તો રજૂઆતની શૈલી આપોઆપ સુઝશે.
વાર્તાના સ્વરૂપ પાછળ આંધળી દોટ મુક્યા વગર જ્યારે સ્ફુરે, જેવી સ્ફુરે એવી આલેખવી.
 એક બ્યુટીશિયન તરીકે જો તમારે બહારગામ મેકઅપ કરવા જવાનું હોય તો તમે તમારી આખી કીટ લઈને જશો પણ શું મેકઅપ કરવાનો છે એ પહેલાથી નક્કી કરીને નહિ જાઓ. ચહેરાના આકાર, ચામડીનો રંગ, પોષાક, ઘરેણાં, રોલ વગેરે હિસાબથી તે ક્ષણે જ નક્કી કરશો કે કયા કોસ્મેટીક લગાડવા.

કુસુમ: પણ કેટલી મોટી કોસ્મેટીક બેગ લઇ જવી?

રાજુ: જેટલી તાકાત હોય એટલી. કે પછી એરપોર્ટ પર જેટલી મહત્તમ લઇ જવા દે એટલી. શક્ય હોય તો એકાદ બહેનપણીને પણ ભેગી લઇ જાઓ જેથી એક્સ્ટ્રા લગેજ લઇ જઈ શકાય. આ પ્રોફેશનલીઝમનો ભાગ છે.

ફોર્મ્યુલા વિષે -- વાર્તાલેખન એ રાજકારણ જેવું છે. પ્રેમમાં કોઈ પૂર્વશરત, માળખું, ડેડલાઈન કંઈ નથી. વાર્તામાં બધું જ છે. તમે ઇચ્છશો તેમ અને ત્યારે બધું જ થશે. પાત્રને ફોન આવશે, મકાન તૂટી જશે વગેરે. પાત્રો સાથે પોલીટીક્સ રમો. અને એક આદર્શ રાજકારણીની જેમ એ કળાવા જ ન દો કે તમે પોલીટીક્સ રમી ગયા. આ જ મેચ્યોર અને એમેચ્યોર લેખકની વચ્ચેનો તફાવત છે.

નેહા રાવલનો સુરતથી પ્રશ્ન: ટૂંકી વાર્તા વિષે જ્યાં જ્યાં શીખતી આવી છું ત્યાં દરેક જગ્યાએ કહે છે કે ટૂંકમાં જ લખો. જેથી એવી ગ્રંથી બેસી ગઈ છે કે જે વાર્તાને ટૂંકાવી ન શકાય એ હાથમાં જ નથી લેવાતી. આ વિષય પર પ્રકાશ પાડો અને મને સહાય કરવા વિનંતી.

સમીરા: પહેલા આખી વાર્તા લખી નાખો. પછી વિચારો કે એ કયા પ્રકારમાં બેસે છે. અથવા એને ટૂંકાવી શકાય છે કે કેમ?

યામિની: આ વ્યાકરણ જેવું છે. બાળકો પહેલા બોલતા શીખી જાય છે અને પછી નિયમો શીખે છે. એમ વાર્તા પણ પહેલા લખો. નિયમો અને ટેક્નીકાલીટી પછી જોઈ લેવાશે. જો એમાં પહેલેથી પડશો તો લખી જ નહિ શકાય.

રાજુ: ટૂંકમાં વાત કહેવી એટલે શું એની વ્યાખ્યામાં કદાચ તમે ગોથા ખાઈ રહ્યા છો. આશુતોષ ગોવારીકરે લગાન પાંચ કલાકની બનાવી હતી એમાંથી ટૂંકાવીને સાડા ત્રણ કલાકની બનાવી. આપણે જોયેલી ફિલ્મ એના મતે ટૂંકી જ હતી. તમારે જે કહેવું છે એનું સંક્ષિપ્તિકરણ કરો. ન કે કોઈ વાત સ્કીપ કરી દો. એકાદ વર્ષ પહેલા રાજુ મમતાના દરેક અંકમાં દરેક વાર્તા પર ટીપ્પણી આપતા. એમ માનતા કે દરેક લેખક પોતાની વાર્તા પર પ્રતિભાવ મેળવવા આતુર હશે. અને એનો હક્ક પણ બને છે. હવે દરેક વિષે ઊંડાણથી લખવા બેસે તો ચાર પાનાનો કાગળ થઇ જાય. જ્યારે મમતામાં તો ચાર કાગળ એક જ પાના પર આવે. એટલે તેમણે દરેક વાર્તા પર એક જ લાઈનમાં લખવાનું ચાલુ કર્યું. એ એક જ લાઈનમાં વાર્તાનો સારાંશ, સારી હોય તો કેમ અને ખરાબ હોય તો કેમ એ બધું જ આવરી લેતા.

યામિની: જો વિષય ૧૦૦૦ શબ્દો માંગતો હોય તો તમે એને ૫૦૦ કે ૧૫૦૦ શબ્દોમાં ન જ નીપટાવી શકો.

નેહા, અમે તમારા પ્રશ્નનો ઉત્તર આપવાની પૂરી કોશિશ કરી છે. આશા છે કે આપની મુઝવણ કંઇક અંશે હળવી થઇ હશે. આથી વધુ ચર્ચા જો આપનો કોઈ પ્રતિભાવ મળે, હજુ બીજા પેટાપ્રશ્નો આવે ત્યારે જ થઇ શકે. આ અહેવાલ વાંચનારાઓને વિનંતી કે તેઓ ફેસબુક ગ્રુપમાં તમારે મતે આ પ્રશ્નનો જવાબ શું હોય એ લખી જણાવે જેથી નેહા સાથે ચર્ચા થઇ શકે.

રાજુલ, આપનાં જે બે-ત્રણ મુદ્દા બાકી રહ્યા એ ચર્ચવા આપ ફરી એક વખત ક્યારેક સુત્રધારી કરો એવી અભ્યર્થના સાથે અહેવાલ વિરમું છું...

3 comments :

  1. મને અહીં બેઠા બેઠા ત્યાં હોવ એમ લાગ્યું...

    ReplyDelete
  2. આભાર તુમુલ.આવા આહેવાલ બદલ.મને મારા પ્રશ્ન નો ઉત્તર પુરેપુરો નથી મળ્યો, પણ જે પણ ઉકેલ મળ્યા છે એ દિશામાં પ્રયત્ન જરૂર કરીશ. ઉકેલ આપનાર સહુ મિત્રોનો આભાર.

    ReplyDelete